ચૈતન્યાનંદ

ચૈતન્યાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ચૈતન્યાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૬૩ ( para.3)

પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે, ‘મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ, સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે, તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું.’ એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો.”

2. સારંગપુર ૮ ( para.2)

પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ઈર્ષ્યાનું શું રૂપ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૃદયમાં માન હોય તે માન માંથી ઈર્ષ્યા પ્રવર્તે છે. અને ક્રોધ, મત્સર ને અસૂયા તે પણ માન માંથી પ્રવર્તે છે. અને ઈર્ષ્યાનું એ રૂપ છે જે, ‘પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ.’ એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું જે, આના હૈયામાં ઈર્ષ્યા છે અને યથાર્થ ઈર્ષ્યાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહિ.”

3. કારિયાણી ૧ ( para.5)

પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાન તો મન-વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તે કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે; અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે, ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ; એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહત્તત્ત્વ થયું અને મહત્તત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્ત્વે મળીને રચ્યો એવો જે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બેય જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, અને જે કાળ તે એ માયાદિક તત્ત્વને નામ રૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ, તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન તે જે તે એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે ? એ તમારો પ્રશ્ન કે નહિ?” ત્યારે સૌએ કહ્યું જે, “હે મહારાજ ! એજ પ્રશ્ન છે” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી, કાં જે, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે - “बुद्धीन्द्रियमनः प्राणान् जनानामसृजत्प्रभुः। मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च ।।” એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા, તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે.’ માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે. તે પણ જીવને અર્થે કરે છે; કાં જે, નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે ? એ તો આવે જ.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

4. લોયા ૧૦ ( para.5)

ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમ કાળમાં રહેવું નહિ. અને કાળ સત્યુગ, ત્રેતા, દ્વાપર, કળિરૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે. તે જ્યારે હૈયામાં કળિ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહિ, બહાર નેત્રને આગળ ધારવી.”

5. લોયા ૧૨ ( para.4)

ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિષે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિકનું જે શુભ-અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ-તીક્ષ્ણપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે. માટે સારા દેશાદિકને સેવવા તથા વક્તા પણ સુધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય, તે સમે તે થકી જ્ઞાન સાંભળવું.”

6. લોયા ૧૨ ( para.5)

ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કદાચિત્ કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહિ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઊપજે તથા રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહિ તો જન્માન્તરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે.”

7. ગઢડા અંત્ય ૧૧ ( para.5)

પછી વળી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો. ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા જે, “હું મારા દુઃખ સારુ નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારુ રોઉં છું. શા માટે જે, રઘુનાથજી અતિ કૃપાળુ છે. તે લોકાપવાદ સારુ મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે, ‘સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે.’ એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે, માટે રામચંદ્રજીને કહેજ્યો જે, સીતાને તો કાંઈ દુઃખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો મા.” એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહિ. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહિ અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય; એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરાં છે પણ સીતાજીના જેવી સમજણ નથી. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંઘાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી ?” પછી ચૈતન્યાનંદસ્વામીએ કહ્યું જે, “ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ્ય અને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહિ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યથાર્થ ઉત્તર થયો.”

8. ગઢડા અંત્ય ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય, ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય, અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય. અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે નહિ અથવા ઈંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે ક્યાંઈક પરવશ રાખ્યા અથવા પોતાના મન ને ઇન્દ્રિયો તે ઈંગ્રેજ જેવા જ છે તેણે જ પરવશ રાખ્યા. ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહિ. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે, ‘ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે’ અને કાળ-કર્મને યોગે કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી; માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઈત્યાદિક મોટા મોટા સાધુ હતા તેમણે જેવું જેને જણાયું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું.

9. ગઢડા અંત્ય ૨૪ ( para.5)

અને વળી જે હરિભક્તને વિષે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ જે, “દાદાખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ. અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી, તથા અમારો વિશ્વાસ એ અંગ. અને સોમલા ખાચરને સદા એકરે’ણીપણું એ અંગ અને ચૈતન્યાનંદસ્વામીને એમ જે, ‘કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક,’ એ અંગ. અને સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે, ‘ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહિ !’ એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહિ એવું અંગ.” એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા.”

(કુલ: 9)