નિત્યાનંદ

નિત્યાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નિત્યાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દેહ-દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે ? અને જો એક કહેશો તો વડ, પીંપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે, એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે, ‘એ તો એનો એ જીવ છે’, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર કરીએ જે, શ્રીકૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે, તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ્ રૂપને ધારતા હવા. અને તે વિરાટ્ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિષે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સમગ્ર જીવને સૃજતા હવા અને પાદ્મકલ્પને વિષે તો એ ભગવાન બ્રહ્મારૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા અને કશ્યપ અને દક્ષરૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુ-પક્ષ્યાદિક સમગ્ર સ્થાવર-જંગમ જે જીવ તેને સૃજતા હવા. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરુષપ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ-જીવ પ્રત્યે અંતર્યામીરૂપે રહ્યા છે અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિષે કેટલાક કર્મ તો સત્ત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભિજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ, તેને પમાડે છે, અને સુખ દુઃખરૂપ જે કર્મના ફળ તેને પમાડે છે, અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ ‘કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા’, તેમ એના એ ભગવાન અંતર્યામીરૂપે કરીને સમગ્ર જીવ-જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે, પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી; એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારાએ ઉપજાવે છે.

2. ગઢડા પ્રથમ ૪૭ ( para.3)

પછી નિત્યાનંદસ્વામીએ પૂછ્યું જે, “એ ચારે અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણદોષ છે કે નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગુણદોષ છે તે કહીએ તે સાંભળો જે, એ ચારે અંગવાળા જે ભક્ત તેમનાં જે અમે પ્રથમ લક્ષણ કહ્યા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિષે ગુણ છે અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિષે દોષ છે.”

3. ગઢડા પ્રથમ ૬૩ ( para.6)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દ્રષ્ટાંતઃ જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિષે ડુબકી ખાય, તે ડુબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નીસરે અથવા કાંઠે નીસરે અથવા આસપાસ નીસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે, તે અક્ષરરૂપ ધામને વિષે ડુબકી ખાઈને ગમે તો ત્યાંથી પાધરા જ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે.”

4. ગઢડા પ્રથમ ૭૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા મોટા પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો.” ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “અંતરને માંહીલી કોરે એક કહે છે જે, ‘વિષયને ભોગવીએ,’ અને એક તેની ના પાડે છે, તે ના પાડે છે તે કોણ છે ને હા પાડે છે તે કોણ છે ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, આ આપણે છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી, તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો જે, “આ તારી મા ને આ તારો બાપ, ને આ તારો કાકો, ને આ તારો ભાઈ, ને આ તારો મામો, ને આ તારી બેન, ને આ તારી મામી, ને આ તારી કાકી, ને આ તારી માશી, ને આ તારી ભેંસ, ને આ તારી ગાય, ને આ તારો ઘોડો, ને આ તારું લૂગડું, ને આ તારું ઘર, ને આ તારી મેડી, ને આ તારું ખેતર, ને આ તારા ઘરેણાં’ ઈત્યાદિક, જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે, તે કેવી રીતે રહ્યા છે ? તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે, તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેના રૂપ તે પંચવિષયે સહિત રહ્યાં છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષય ખંડનની ને જગતમિથ્યાની વાર્તા કરી. તે સંતની વાર્તા ને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યાં છે. તે એ બે લશ્કર છે ને સામસામા ઊભા છે; ‘જેમ કુરુક્ષેત્રને વિષે કૌરવ ને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા ને પરસ્પર તીર ને બરછી ને બંદૂક ને તોપ ને જંજાળોની લડાઈ થતી હતી અને કોઈ તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોબથ લડતા હતા, ને તેમાં કોઈનું માથું ઊડી ગયું ને કોઈ સાથળ કપાઈ ગયો. એમ કચ્ચરઘાણ ઊડતો હતો.’ તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીના રૂપ છે તે પંચવિષયરૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ‘ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા’ એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે કુસંગીનું બળ થાય છે, ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા થઈ આવે છે અને જ્યારે આ સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવ્યાની ઈચ્છા નથી થતી. એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. તે જેમઃ “यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ।।” એ શ્લોકમાં કહ્યું છે જે, “જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાંજ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે.’ તેમ જેની કોરે આ સંતમંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો.”

5. ગઢડા પ્રથમ ૭૦ ( para.5)

ત્યારે ગામ જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય ?” ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય.” ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે૨, ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો જે, ‘હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે.’ એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો. અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય, માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહિ કાં જે, ઘરમાં દશ માણસ હોઈએ અને તે દશેયનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડો છે? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે, એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે -

6. ગઢડા પ્રથમ ૭૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્‌ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

7. ગઢડા પ્રથમ ૭૩ ( para.6)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતા નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે, ‘હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ? ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર; તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે’ એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી; તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વિજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’ તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે; અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલા સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે; તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે.’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તે પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.

8. સારંગપુર ૬ ( para.2)

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જીવાત્મા જે તે જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજપુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળદેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાનાં પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિષે રહી છે એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મદેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા, તેનું પ્રધાનપુરુષરૂપ સગુણબ્રહ્મના સુખલેશને વિષે અતિશય લીનપણું થઈ જાય છે તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ અને એ સુષુપ્તિને વિષે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહીએ અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્ય પદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે. બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે.”

9. સારંગપુર ૬ ( para.3)

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી; એ જે ચાર વાણી તેને કેમ સમજવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે અને શ્રીમદ્‌ભાગવતના એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે. તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે, પ્રથમ ઉત્પત્તિકાળને વિષે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજપુરુષના મસ્તકને વિષે રહ્યું જે સહસ્ત્ર દળનું કમળ તેને વિષે પ્રવેશ કરીને અક્ષરબ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા પછી તે નાદ જે તે સુષુમ્ણા માર્ગે કરીને તે વિરાટપુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો તેણે કરીને તે વિરાટ પુરુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઊર્ધ્વમુખ થતું હવું. એવી રીતે તે વિરાટપુરુષના નાભિકંદને વિષે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે, ને તેજના પ્રવાહરૂપ છે, ને અર્ધમાત્રારૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી હવી ને ત્યાં થકી કંઠદેશને પામીને મધ્યમા નામે થતી હવી ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી અને અકાર, ઉકાર ને મકાર; એ ત્રણ વર્ણરૂપે થઈને પ્રણવરૂપે થતી હવી ને પછી બાવન અક્ષરરૂપે થઈને ચાર વેદરૂપે થતી હવી, એવી રીતે વિરાટ્પુરુષને વિષે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી; એ ચાર વાણી સમજવી.”

10. સારંગપુર ૧૧ ( para.3)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનનાં ધામ છે; તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને “अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्” એ શ્લોકનો પણ એજ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાશીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહિ જ પામે.”

11. કારિયાણી ૧ ( para.3)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એમાં તે શું ઉત્તર થયો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એમાં તો એ ઉત્તર થયો જે, “જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

12. કારિયાણી ૧ ( para.4)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, “હે મહારાજ ! ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ? ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે, આ જગતને વિષે જે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, અડ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે; એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય, તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે, તેમાં આળસ, નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે, અને કામ-ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે; અને શમદમાદિક સત્ત્વગુણનું કાર્ય છે; એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય, તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી; એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય, તો એને જીવને વિષે નિશ્ચય જાણવો. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાનાં નાંગળ હોય, તેને સમુદ્રમાં નાંખે, તે જો ધરતી લગણ ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નીસરી આવે, અને તેને ધરતી લગણ જવા દઈને તાણે તો ઘણી મહેનતે નીસરે, અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂંતે ને ભરાઈ જાય તો પાછો તે તાણ્યો તણાય નહિ ને નીસરે પણ નહિ. એમ જેને જીવને વિષે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા ઘણીક કરી, પણ આતો દિશમાત્ર લખી છે.

13. કારિયાણી ૧ ( para.7)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! શ્રુતિ-સ્મૃતિમાં એમ કહ્યું છે જે, ‘निरंजनः परमं साम्यमुपैति’ ।। ‘बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः’।। ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો અમે અભક્તના મન-ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન-ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે; એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ; તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાં જે, ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે, તેના ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે; માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનનો ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે તે બેયની એ ગતિ કહી છે. પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ; તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું; એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે.” એમ વાર્તા કરીને બોલ્યા જે, “હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારાં સારાં કીર્તન બોલો.” એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા.

14. કારિયાણી ૪ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે, તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય, ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિષે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાષ્ઠને વિષે રહ્યો છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિષે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિષે વ્યાપીને રહ્યા છે ને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છે, માટે એને પણ મૂર્તિમાન જાણવા.”

15. કારિયાણી ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહિ, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ ?” પછી એ બે બોલ્યા જે, “જે એવો હોય તેને તે સાધુ ન કહેવાય.”

16. લોયા ૧ ( para.8)

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ કામાદિક શત્રુ તો તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત-દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ્ચાંદ્રાયણે કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે, તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચયે કરીને સંપૂર્ણ કૃતાર્થ માને.”

17. લોયા ૭ ( para.2)

અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રુતિમાં કહ્યું છે જે, ‘ऋते ज्ञानान्न मुक्तिः ।’ ‘तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ।’ એ શ્રુતિમાં એમ કહ્યું જે, ‘ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે.’ ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યાં છે, તેનું શું પ્રયોજન છે ? કેમ જે, કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે.” એવા પ્રશ્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાન તે જાણવાનું નામ છે.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે, “જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્યાણ થતું નથી.”

18. લોયા ૭ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા; તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માન્તરે કલ્યાણ થાય છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માન્તરે કલ્યાણ થાય છે, કાં જે, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે; માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માન્તરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂઘ્યા જ કહેવાય. અને જિહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ-ઇન્દ્રિયો પર જે જીવસત્તા-તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ, તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય-કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ-ઇન્દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે, ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે; માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય; એમ કહીએ છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે જે, ‘यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः।।’ ‘विष्टभ्याहमिदं कुत्स्नमेकांशेन स्थितो जगत्’ ‘मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ! । मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।।’ ‘पश्य मे पार्थ ! रूपाणि शतशोऽथ सहस्त्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।’ ઈત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો- અંતઃકરણ થકી અગોચર કહે છે, માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ; એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યને પણ ન તરે અને કોઈક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, “नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरञ्जनम्” તથા ગીતામાં કહ્યું છે જે, “कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ।।” અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન-પુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપથકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન-પુષ્પ, શ્રવણ-મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समःसर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને “भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।” એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે. અને “अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ! ययेदं धार्यते जगत् ।।” એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે, તે કેવા છે? તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જૈ ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથિવ્યાદિક ચાર તત્ત્વનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથિવ્યાદિ તત્ત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ ભગવાનની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિયો છે-

19. લોયા ૧૦ ( para.2)

તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીઆદિક પદાર્થમાં એવું હેત થાય છે જે, તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય; અને કેટલાકને સ્ત્રીઆદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય; એ બે પ્રકારના જીવ છે. તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય જે, ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય; અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિષે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે ? તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ ત્રણ પ્રકારે થાય છે. એક મંદવેગ, બીજો મધ્યમવેગ અને ત્રીજો તીવ્રવેગ. તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે; તે કર્મે કરીને સ્નેહમાં પણ ત્રણ પ્રકાર છે.”

20. લોયા ૧૦ ( para.3)

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વૃત્તિના વેગમાં એ ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી; એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે, ત્યારે મંદવેગ થાય છે અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય, ત્યારે મધ્યમવેગ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ; એ ત્રણે ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે, ત્યારે તે વૃત્તિનો તીવ્રવેગ થાય છે, અને તે તીવ્રવેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિષે લાગ્યો હોય, તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. એવી રીતે જે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્રવેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે. અને એ જે તીવ્રવેગ તે રજોગુણી, સત્ત્વગુણી અને તમોગુણી; એ ત્રણેયને લાગે છે. અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદનુસારે પદાર્થમાં હેત થાય છે.”

21. લોયા ૧૦ ( para.4)

ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ; એટલાંને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે; તે જો રૂડા દેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય, તો ભગવાનને વિષે પણ તીવ્રવેગે કરીને સ્નેહ થાય છે અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય, તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે.”

22. લોયા ૧૩ ( para.3)

અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

23. લોયા ૧૫ ( para.3)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે, “હે મહારાજ ! ત્યારે એમ કહેવાય છે જે, જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે, ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું; તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે, કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી; તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન-અધિકપણું જણાય છે. તેમ એ જીવ ઇન્દ્રિયો, અંતઃકરણ, ગોલક; એ સર્વને વિષે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિષે સ્વચ્છપણું છે; માટે તેને વિષે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓ ને, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક-કાનમાં કોઈ દિવસ જણાય છે ? નથી જણાતું. અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે, તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વ દેહને વિષે સમાનપણે રહ્યો છે.”

24. લોયા ૧૫ ( para.5)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિષે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ; એ સર્વના આશ્રયપણે રહ્યા છે. તે શ્રીકૃષ્ણભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે જે, ‘ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ; તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિષે રહ્યાં છે ને તેના તે જ સર્વના દેહમાં રહ્યાં છે; તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિષે રહ્યાં છે, તેમ રહ્યો છું અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યાં છે તેમ હું તમારે પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું.”

25. લોયા ૧૫ ( para.6)

ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે, તે પુરુષરૂપે કરીને રહ્યા છે કે અક્ષરરૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ; એ સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહિ અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે, ‘આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે.’ એવી રીતે એ સર્વેને પૃથક્પણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક્ દેખવાને અર્થે સમર્થ થાય નહિ. માટે એ ભગવાન સૂઝે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે.”

26. લોયા ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્યા જે, “જુવોને, ભગવાનની માયાનું બળ કેવું છે ! જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે; કેમ જે, પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે !” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે; માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ; તે શાણે કરીને થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહિ; અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.”

27. લોયા ૧૭ ( para.3)

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈકને દેહાભિમાન તથા પંચવિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે, તે કેમ સમજવું?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે; ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ નાખી હોય, એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં, સાંજ-સવાર, આજ-કાલ જરૂર મરનારો છે; તેમ જે દેહાભિમાની છે તે મહિને, બે મહિને, વર્ષે, બે વર્ષે, દશ વર્ષે, દેહ મૂક્યા સમે, દેહ મૂકીને, જ્યારે-ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે, ‘અંતઃકરણ-ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન- સ્ત્રીઆદિક કોઈ પદાર્થે કરીને સુખી થઉં એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થઉં એવો નથી.’ એમ દ્રઢ સમજણ જેને હોય, તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહિ અને તુચ્છ પદાર્થ સારુ સંત સાથે બખેડો થાય નહિ ને આંટી પણ પડે નહિ.”

28. લોયા ૧૭ ( para.4)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને પંચવિષયનો અભાવ હોય તે કેમ જણાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જે, જ્યારે કાંઈ સારુ ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું-તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહિ, મુંઝાઈ જાય. અને લૂગડાં જેવા-તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણાં લૂગડાં પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મુંઝાય. તેમ જ સારી પથારી હોય અથવા કોઈક માન દે ઈત્યાદિક જે જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય, પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહિ; ત્યારે તેને એમ જાણીએ જે, એને વિષયને વિષે અભાવ છે.”

29. પંચાળા ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ.” એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “યોગવાળા છે તે પંચવિશમાં જીવ-ઈશ્વરને કહે છે અને છવિશમા પરમાત્માને કહે છે. અને સાંખ્યવાળા છે તે ચોવિશ તત્ત્વને અવાંતર જીવ-ઈશ્વરને કહીને પંચવિશમાં પરમાત્માને કહે છે. તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે, સૂઝે એવો આત્મા-અનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે જે, સર્વે દેવ-મનુષ્યાદિકની જે ગતિયો તેને જાણીને અને વિષયને વિષે વૈરાગ્યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં દૂષણ છે જે, જીવને પંચવિશમો કહ્યો તથા ઈશ્વરને પંચવિશમાં કહ્યા; અને જીવનો ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો ને ઈશ્વરનો પણ ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો. માટે એ બેયને વિષે તુલ્યભાવ આવી જાય જે, સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે, તથા સૂક્ષ્મ ને સૂત્રાત્મા તે તુલ્ય છે, અને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે; તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે, તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે, તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે; અને વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા અને શિવ તે તુલ્ય છે. એમ સમજીને છવિશમાને ભજે છે. એવી રીતે જીવ-ઈશ્વરને વિષે જે તુલ્યભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી જે, ‘ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યાં છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે, ને તે ભૂત સર્વ જીવના દેહોને ધારી રહ્યાં છે; અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્પજ્ઞ છે; ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે.’ એવી રીતે યુક્તિ શીખીને જીવ- ઈશ્વરને વિષે સમપણું ન સમજવું. અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે, તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂંથાઈ જાય. અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ-ઈશ્વરને વિષે સમપણું રહેવા દે નહિ, માટે જીવ ઈશ્વરને વિષે સમપણું ન આવે એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા. અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે, ચોવિશ તત્ત્વ કહ્યા છે ને પંચવિશમાં પરમાત્મા કહ્યા છે; ને તે ચોવિશ તત્ત્વને મિથ્યા કહ્યા છે ને પરમાત્માને સત્ય કહ્યા છે; ત્યારે તે પરમાત્માને પામે છે કોણ ? કેમ જે, પામનારા જીવને તત્ત્વથી ભિન્ન કહ્યો નથી. માટે એ જે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટા થકી એમ યુક્તિ શીખવી જે, ‘એ ચોવિશ તત્ત્વ કહ્યા તે જીવ વિના હોય નહિ; માટે એ તત્ત્વ ભેળા જ જીવ-ઈશ્વરને કહ્યા છે. તે જીવ ઈશ્વર એ તત્ત્વથકી પૃથક્ છે ને પરમાત્માને પામે છે. એવી રીતની યુક્તિ શીખવી. અને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે, ‘તત્ત્વ તો મિથ્યા છે, ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યા છે તે શાને અર્થે કહ્યા છે ?’ માટે તત્ત્વના તદાત્મકપણાને પામ્યા જે જીવ-ઈશ્વર તેને તત્ત્વરૂપે કરીને કહ્યા છે, પણ એ તત્ત્વ થકી અતિ વિલક્ષણ છે, તે પરમાત્માને પામે છે. ઈત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી. અને યોગવાળા જે છે તે, ‘પ્રત્યક્ષમૂર્તિ એવા જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય,’ એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને જે સાંખ્યવાળા છે તે જે તે, ‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह’, ઈત્યાદિક શ્રુતિશાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય; એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને એ બેય મત છે તે સારા છે અને મોટાએ માન્યા છે અને એ બેયનું યથાર્થ જો આચરણ જે કરે તો તે પરમગતિને પામે છે. અને એ બે મત છે તેમાં સાધન સરખા કહ્યા છે, પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી, ઘણી પૃથક્ છે.”

30. પંચાળા ૭ ( para.2)

અને શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધની કથા કરાવતા હતા, તેમાં ‘जन्माद्यस्य यतः’ એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો; ત્યારે ‘यत्र त्रिसर्गो मृषा’ એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે, “માયાના ત્રણ ગુણનો સર્ગ જે, પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; તે ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહિ.’ એમ સમજે તથા એ શ્લોકનું પદ જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकम्’ કે’તાં ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્યસ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય-તેજે યુક્ત છે, તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું; તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે, ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય; તેમ જ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને નિષ્કપટભાવે કરીને ભગવાનનાં ચરણકમળને ભજે છે, ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે; તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્-ચિત્-આનંદમય જાણે છે તે પણ ભાગવતમાં કહ્યું છે જે, “स वेद धातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः । योऽमायया संततयानुवृत्त्या भजेत तत्पादसरोजगन्धम् ।।” અને એ ભગવાનને વિષે જે બાળક-યુવાન-વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ-મરણપણું દેખાય છે, તે તો એની યોગમાયાએ કરીને દેખાય છે, પણ વસ્તુગત્યે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટવિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે. પછી કટકા થઇને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે જે, ‘મારી સ્ત્રી લાવો.’ એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગમાયા કળ્યામાં કેમ આવે ? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે, ‘એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે.’ તેમ ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો, ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુક્મિણી આદિક હતી, તે એ ભગવાનના દેહને લઇને બળી મરી; ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘હવે એ નાશ થઇ ગયા.’ અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘અહીંથી અંતર્ધાન થઇને બીજે ઠેકાણે જણાણા છે.’ એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે, તો કેવળ મનુષ્ય જેવા જ સમજે અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે, તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે; માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે, ‘स ऐक्षत’ કહેતા તે ભગવાન જે ‘તે જોતા હવા.’ ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર, શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે, ‘पुरुषेणात्मभूतेन वीर्यमाधत्त वीर्यवान्’ એવી રીતે પુરુષરૂપે થઇને એ પુરુષોત્તમ તેણે માયાને વિષે વીર્યને ધારણ કર્યું, ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમનારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષરૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઇ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમ જ માયારૂપે થાય છે, ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઇ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહત્તત્ત્વરૂપે થાય છે ને તેમ જ મહત્તત્ત્વમાંથી થયા જે બીજા તત્ત્વ તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટપુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સનકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે, તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાંખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષણપણે વિરાજમાન થકા રહે છે અને જેને વિષે પોતે વિરાજમાન રહે છે; તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે, ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે; તથા જેમ સૂર્ય ઉદય થાય છે, ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકનાં તેજ લીન થઇ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે; તેમ એ ભગવાન જેને જેને વિષે આવે છે, ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નીસરી જાય છે, ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું; એમ જાણવું.”

31. ગઢડા મધ્ય ૫૮ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જે જે આચાર્ય થયા છે, તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે છે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિષે અતિશય દ્રઢતા હોય; એ ત્રણને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે.” પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું, ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યા હોય અને જે જે આચરણ કર્યા હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યન્ત ચરિત્ર તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય, પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે; પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકિ રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય; અને શ્રીકૃષ્ણભગવાનના જે ઉપાસક હોય તેને દશમસ્કંધ અને એકાદશસ્કંધ એ બે જે ભાગવતના સ્કંધ તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય; પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દહાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે.” એમ કહીને શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર, તે જ દેહ પર્યન્ત કર્યા કરજ્યો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે.” પછી એ જે શ્રીજીમહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજીમહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા.

32. ગઢડા મધ્ય ૬૬ ( para.3)

એમ કહીને પછી શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા જે, “ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાક સાધને કરીને ભગવાન પમાય છે ? ત્યારે તમે એમ કહેશો જે, ‘જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ ચાર સાધને કરીને પમાય છે.’ તે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્યાણ થાય એવા અનન્યભાવનો નિર્ધાર રહ્યો નહિ.” પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે. પણ ભગવાન છે, તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે તથા કાળ-માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ, તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે, તે દ્રઢ કરીને માનવી; એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારુ સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા. એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે. અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે; એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

33. વરતાલ ૫ ( para.3)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાને ગીતામાં કહ્યું છે જે, “सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।।” એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ્ય તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક મા કર્ય.’ અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય, તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે, એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય; અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય.”

34. વરતાલ ૫ ( para.5)

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિષે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત, તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે; અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.”

35. વરતાલ ૧૭ ( para.3)

પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે, “એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે અને તે એમ જાણે છે જે, ‘અમે આત્મા છીએ,’ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ, વર્ણ, આશ્રમ; તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું; તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય. ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ. અને બીજા ત્યાગી સંત છે. તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે, ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે કહેશો જે, ‘જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય.’ તે ઉપર એ આશંકા છે જે, ‘પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીવે તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય.’ માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ન છે.” પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે કેવળ નિવૃત્તિધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે, તેને તો પરમેશ્વરે ક્હ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું. અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે જે, આ તો ત્યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂન પણ રહેવું નહિ, અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ; એ આદિક જે વિકાર, તેનો ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું, તો એને કોઈ જાતનું બંધન થાય નહિ. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે.”

36. વરતાલ ૨૦ ( para.2)

પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પુછ્યો જે, “રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ ને લોભની ઉત્પત્તિ થાય છે, માટે એ કામાદિકનું બીજ ન રહે, એવું એક સાધન ક્યું છે ?” પછી શુકમુનિએ કહ્યું જે, “જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય.” પછી શ્રીજીમહારાજે આશંકા કરી જે, “શિવ, બ્રહ્મા, શ્રૃંગીઋષિ, પરાશર, નારદ; એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી ? જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા, માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા, તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિષે જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમ જ અજ્ઞાની સુષુપ્તિને વિષે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે, ત્યારે તો જ્ઞાની ને અજ્ઞાની બેય કામાદિકે કરીને વિક્ષેપને પામે છે; એમાં તો જ્ઞાની-અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો નથી. માટે હવે બીજા પરમહંસ ઉત્તર કરો.” પછી તો ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી; એ સર્વે મળીને જેવો જેને ભાસ્યો તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહિ.

37. અમદાવાદ ૩ ( para.3)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યુ જે, “ઉપશમદશા પામ્યાનો તમે કહ્યો જે આત્મારૂપે થઈને ભગવાનના ધ્યાન કરવા રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે. માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય, અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા-ચાકરી, દર્શન કરવું; તેમાં અતિશય વેગવાન્ શ્રદ્ધા વર્તતી હોય, એવો જે ભગવાનનો ભક્ત, તેને એ ઉપશમદશા આવે છે. પણ અમને એમ ભાસે છે જે, ‘જે સેવક માની હશે તે તો કોઈને નહિ ગમતો હોય.’ અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી, તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, તેમ માની સેવકને પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય. માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો.”

38. ગઢડા અંત્ય ૩ ( para.2)

તે સમયમાં શ્રીજીમહારાજે સર્વ સંત મંડળને પ્રશ્ન પૂછ્યો જે, “જે હરિભક્તના હૃદયને વિષે દયા ને સ્નેહ; એ બે સ્વાભાવિક રહ્યાં હોય ત્યારે સ્નેહનું સ્વરૂપ તો મધ જેવું છે. તે જ્યાં ત્યાં ચોટે અને દયાનો સ્વભાવ એવો છે જે, જ્યાં ત્યાં દયા કરે. ત્યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટ જન્મ લેવો પડ્યો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંઘાથે સ્નેહ થયા વિના રહે નહિ. અને એ દયા ને સ્નેહ તેને ટાળ્યાનો ઉપાય તો આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ બેય છે. તે આત્મજ્ઞાન એવું છે જે, જેમાં કાંઇ બીજું પેસે જ નહિ. અને વૈરાગ્યનું એવું સ્વરૂપ છે જે, સર્વે નામરૂપને નાશવંત દેખાડે. માટે આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ બે વતે કરીને દયા ને સ્નેહનો નાશ થઈ જાય છે. અને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ આદિક સર્વે ઉપાધિનો પણ નાશ થઈ જાય છે અને કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે. પછી એને ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ રહે છે કે નથી રહેતો ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામી તથા શુકમુનિ તથા નિત્યાનંદ સ્વામી એ આદિક પરમહંસે જેની જેવી દૃષ્ટિ પૂગી તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું યથાર્થ સમાધાન થયું નહિ.

39. ગઢડા અંત્ય ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય, ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય, અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય. અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે નહિ અથવા ઈંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે ક્યાંઈક પરવશ રાખ્યા અથવા પોતાના મન ને ઇન્દ્રિયો તે ઈંગ્રેજ જેવા જ છે તેણે જ પરવશ રાખ્યા. ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહિ. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે, ‘ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે’ અને કાળ-કર્મને યોગે કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી; માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઈત્યાદિક મોટા મોટા સાધુ હતા તેમણે જેવું જેને જણાયું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું.

40. ગઢડા અંત્ય ૨૪ ( para.5)

અને વળી જે હરિભક્તને વિષે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ જે, “દાદાખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ. અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી, તથા અમારો વિશ્વાસ એ અંગ. અને સોમલા ખાચરને સદા એકરે’ણીપણું એ અંગ અને ચૈતન્યાનંદસ્વામીને એમ જે, ‘કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક,’ એ અંગ. અને સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે, ‘ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહિ !’ એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહિ એવું અંગ.” એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા.”

41. ગઢડા અંત્ય ૨૪ ( para.6)

અને પછી એમ બોલ્યા જે, “અહીંની મોટેરી ત્રણ બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, સોમલો ખાચર, દાદોખાચર એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂડી રીતે વર્તો છો ! તથાપિ જો દેશ, કાળ, સંગ, ક્રિયા એ ચારને વિષે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહિ, એ વાતમાં કાંઈ સંશય નથી. અને કદાચિત્ વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિષે જેટલો જ્ઞાનાંશ વધારે હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે. તે જ્ઞાનાંશ તે શું ? તો એમ સમજણ હોય જે, ‘હું જે જીવ તે આવો છું તથા દેહ તે આવો છે તથા દેહના સંબંધી તે આવા છે તથા પ્રકૃતિ, પુરુષ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે તથા ભગવાન તે આવી રીતના છે તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે,’ ઈત્યાદિક જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દૃઢતાની ગ્રંથી, તે પડી હોય ને પછી જે વૈરાગ્ય ઊપજે તે વૈરાગ્ય ખરો. અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય પણ એમાં બળ નહિ, બળ તો જ્ઞાનાંશથી ઊપજ્યો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે પણ તે જળનો પરાભવ એને થતો નથી, પ્રજ્વલિત થકો રહે છે. તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહિ; અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય તો પણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે, વડવાનળ અગ્નિની પેઠે પ્રજ્વલિત થકો વર્તે છે. અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારુ અમે નિરંતર વાર્તા કરીએ છીએ. કેમ જે, કોઈક વાર્તાની ચૂંક લાગે તો એવી આંટી પડી જાય. અને જે એમ ન સમજે ને ‘આ મારી જાત, આ મારી મા, આ મારો બાપ, આ મારા સંબંધી.’ એવી રીતની અહં-મમતાએ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતિવાળો અણસમજુ જાણવો.”

(કુલ: 45)