ભૂધરાનંદભૂધરાનંદ
(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ભૂધરાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)Contact: vadtaldhamvikas@gmail.com
1. કારિયાણી ૧ ( para.2)
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે
ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો નિશ્ચય થાય છે, તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે ?” ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વેનું કારણ છે, ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિષે રહી છે, ચિત્તને વિષે રહી છે, અહંકારને વિષે રહી છે, શ્રોત્રને વિષે રહી છે, ચક્ષુને વિષે રહી છે, ઘ્રાણને વિષે રહી છે, જીહ્વાને વિષે રહી છે, વાણીને વિષે રહી છે, ત્વચાને વિષે રહી છે, હાથને વિષે રહી છે, પગને વિષે રહી છે, શિશ્નને વિષે રહી છે, ગુદાને વિષે રહી છે; એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યન્ત આ શરીરને વિષે વ્યાપીને રહી છે. અને તે બુદ્ધિને વિષે જીવ રહ્યો છે, પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે, તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે, અને તે અગ્નિની જ્વાળા વધતી-ઘટતી જણાય છે, પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુમાડો ઊંચો ચડવા માંડે, તે ધુમાડો જ ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિષે વાદળાં ચાલે છે, તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળાં ચાલતાં જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળાં, તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે ? તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે અને તે બુદ્ધિમાં નિશ્ચયની વિગતિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે; અને મનના સંકલ્પને જાણે છે અને તે મનના સંકલ્પની વિગતિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે; અને ચિત્તના ચિંતવનને જાણે છે અને તે ચિત્તની ચિંતવનની વિગતિ કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે; અને અહંકારની અહંમતિને જાણે છે અને તે અહંમતિની વિગતિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે ચાર અંતઃકરણ ને દસ ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિગતિના કરનારા જે દેવતા એ સર્વેને એકકાળાવછિન્ન જાણે છે. એવો જે જીવ તે જીવ જે તે એકદેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે, અને અતિશય સૂક્ષ્મ જણાય છે, તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે, પણ જ્યારે એ જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને વિષય તેના પ્રકાશકપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે, તે બુદ્ધિએ રહિત છે. અને અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દ્રષ્ટાંત છે- જેમ કોઈક દશ મણની તરવાર હોય, તેને જોઈને માણસ અનુમાન કરે જે, ‘એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે!’ તેમ એ સર્વ દેહ, ઇન્દ્રિયાદિકને એકકાળે પ્રકાશે છે, માટે એ જીવ બહુ મોટો છે; એવી રીતે અનુમાને કરીને જણાય છે.” એવી રીતે શ્રીજીમહારાજે ઉત્તર કર્યો.(કુલ: 1)