રામાનંદ

રામાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "રામાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૮ ( para.4)

અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થાશે; કાં જે, અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુક્ત૧ જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું; જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું, તે તો નારદ-સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહિ તો બીજાની શી વાર્તા કહેવી ? અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે, તેમાં ઉપાધિમાં૨ રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહિ અને હમણાં પણ કોઈયે નથી અને કોટિ કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારુ બોલાવીએ છીએ અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ અથવા કોઈ સારાં ભોજન કરાવે છે તેને જમીએ છીએ અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્ત્ર-આભૂષણ તથા પુષ્પના હાર ઈત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી; અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો મા, અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો, એ વચન અમારું જરૂરા-જરૂર માનજ્યો. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે માટે સર્વના સમજ્યામાં તુરત આવી જાશે, તે સારુ સત્સંગમાં અતિશય પ્રવર્તાવજ્યો, તેમાં અમારો ઘણો રાજીપો છે.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા.

2. ગઢડા પ્રથમ ૭૦ ( para.6)

એક ગામમાં ચોર બહુ રહેતા હતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિષે પગમાં કાંટો વાગ્યો તે પગ સોંસરો નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો તે ચોરીએ ન જવાણું અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજાનો ફાડીને ઘણુંક ધન લઈ આવ્યા અને સૌએ માંહોમાંહી વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો તેના મા, બાપ, સ્ત્રી અને સગાં સર્વે વઢવા લાગ્યા જે ‘તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા.’ એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું. ને તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દીધા, તેને ભેળે એને પણ ઝાલીને શૂળીએ દેવા સારુ લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાખ પૂરી જે, ‘આ તો ચોરી કરવા નો’તો ગયો, એને તો કાંટો વાગ્યો હતો.’ ત્યારે તે ઊગર્યો, એમ સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાં જે, અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે, ‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૃંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય; એ બે વર મને આપો.’ એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહિ, તોય પણ પદાર્થ નાશવંત છે. માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહિ. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, તો અડગ નિશ્ચય થાય.” ઈત્યાદિક ઘણીક વાર્તા કરી છે પણ આ તો દિશમાત્ર લખી છે.

3. ગઢડા પ્રથમ ૭૩ ( para.5)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્‌ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”

4. કારિયાણી ૧૦ ( para.5)

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય અને ત્યાગ કે તપ કરતા વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહિ, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુવોને અમે એકવિશ વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ, તેમાં અનંત ભાતનાં વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી; શા માટે જે, અમારે ત્યાગનો જ ઈશક છે. અને આ સંસારને વિષે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય, તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હાયહોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય, તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌ સૌના ઈશક જુદી જુદી જાતના છે. અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે, ‘તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કર્તાહર્તા જાણીને અને સ્વામી-સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી. અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ.’ માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજ્યો.”

5. લોયા ૩ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજીબ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઈત્યાદિક જે સત્સંગી; તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું; તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ પણ કહ્યું જે, ‘જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનનાં વચનમાં ફેર પાડે નહિ, ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો? તો, ‘ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહિ.’ એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે.’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું; ત્યારે અમે થાંભલાને બાથ લીધી, ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયા ની વાત કરી અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે.” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.’ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન અને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે.” તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. “અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય; ઈત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ. એ તો ભગવાનના ધામને જ પામે;’ અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સૂધી સારી પેઠે પડે અને ચંદનનાં લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.’ એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવા નિશ્ચયવાળો જે હોય, તે જરૂર બ્રહ્મમહોલમાં જ પુગે; પણ બીજે ક્યાંઈ કોઈ ધામમાં ઓરો રહે નહિ.”

6. ગઢડા મધ્ય ૨૮ ( para.2)

પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત તો સારુ જ છે, પણ સ્કંદપુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે, એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય, તો તેનો તત્કાળ ત્યાગ કરી દે; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો, તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી, એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે, તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉં, ને થોડીક વાતમાં રાજી પણ ન થઉં’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’ એ જ મારે વિષે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહિ.

7. ગઢડા મધ્ય ૩૫ ( para.2)

પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહિ. ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે. ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે, તે કહું છું જે, હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત્ દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મને આત્માનું ક્ષણમાત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે; એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે અને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ પર્યન્ત કરે તો પણ આત્માનું દર્શન થાય નહિ. એ તો ક્યારે થાય ? તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી; અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઈને રાખવી નહિ. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવા-સાંભળવા ને ભગવાનનું નામસ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વા’ણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું, તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ, તેમાં તો એટલું જ પ્રયોજન છે જે, ‘જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઈ વિધ્ન ન થાય.’ એટલું જ પ્રયોજન છે, પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય, એમ તો માનવું નહિ.

8. ગઢડા મધ્ય ૫૫ ( para.2)

પછી તે મુનિ કીર્તનભક્તિ કરી રહ્યા, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું; તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે, તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું; એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઈત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતા ફરતા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થમાત્ર છે, તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે, ‘આ સારુ પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે.’ જેટલાં માયિક પદાર્થમાત્ર છે, તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો-નરસો સહુ એક પાડમાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કાંઈક સારુ-નરસું જે કહીએ છીએ, તે તો ભગવાનના ભક્તને સારુ લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારુ ભોજન છે, આ સારુ વસ્ત્ર છે, આ સારુ ઘરેણું છે, આ સારુ ઘર છે, આ સારુ ઘોડું છે, આ સારાં પુષ્પ છે; તે ભક્તને સારુ લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે, તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે; એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા સાઠ્ય-સિત્તેર વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય; તેમ અમારે પણ ખાતાં-પીતાં, ઘોડે ચઢતાં, રાજી-કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે.

9. ગઢડા મધ્ય ૬૦ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે, તેમ કહીએ જે, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન; એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય જે, જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલ્યો જે વિક્ષેપ, તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય, તે તો ત્રણે અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી, તે થકી એમ જાણીએ છીએ જે, ‘ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી.’ અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય; તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહિ; અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખિયો થાય.

10. વરતાલ ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે, તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે, ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ; તે કેવી રીતે ? તો ઉદ્ધવ તે રામાનંદસ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં. તે શાસ્ત્રના નામ- ૧. વેદ, ૨. વ્યાસસૂત્ર, ૩. શ્રીમદ્‌ભાગવત પુરાણ, ૪. મહાભારતને વિષે વિષ્ણુસહસ્ત્રનામ, ૫. ભગવદ્‌ગીતા, ૬. વિદુરનીતિ, ૭. સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું વાસુદેવમાહાત્મ્ય, અને ૮. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ. એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા, અને સ્થાનક, સેવક ને કાર્ય; તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે ? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર છે, ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ, તેમણે સેવ્યા છે, ને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેના કર્તા છે ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, ને સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે; ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન; એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્યૂહ; એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર, તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર; એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું.૧

11. ગઢડા અંત્ય ૧૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અમારે ભગવાનને વિષે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ જે, અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત્ વિપત્ આવે તેમાં એમ રહે છે જે, એક તો ભગવાનની અતિશય મોટ્યપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી, તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે, ‘આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોટાડ્યું છે.’ અને ભગવાન સંઘાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે, તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે, એવી રીતનો દ્રઢાવ છે. તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે, ‘શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહિ. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. ને એમ જાણીએ છીએ જે, ‘એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારુ.’ એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે, ‘મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહિ.’ એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાનનાં જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ. એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંઘાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ, તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટિ ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંઘાથે અમારે બને નહિ. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વહાલું રાખ્યું નથી; માટે શા સારુ ભગવાનમાં પ્રીતિ નહિ રહે ? અને ભગવાનનાં કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે, ‘જાણીએ, દીવાના થઈ જવાશે.’ અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર રાખીએ છીએ.

12. ગઢડા અંત્ય ૨૭ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે, ‘ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય, તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાંખે.” તે ઉપર પોતાની વાર્તા કરી જે, “અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું.”

(કુલ: 19)