સ્વરૂપાનંદસ્વરૂપાનંદ
(વચનામૃત ૧ થી ૨૬૨ માં "સ્વરૂપાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા મધ્ય ૩૫ ( para.3)
અને વળી જગતમાં એમ વાર્તા છે જે, ‘મન હોય ચંગા તો કથરોટમાં ગંગા,’ એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહિ અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહિ. અને એવી રીતે સ્ત્રી-પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહિ. તે આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહિ. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય ? તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમાં રહે, તો એણે ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે, તો એણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવા અવસ્થાવાળી જે પોતાની મા, બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દૃષ્ટિ માંડીને ન જુવે, તો એણે ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામસ્મરણ કરવું, એ ચાર વાનાં જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ-સમૈયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ, બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી, બાઈ-ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યાં હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર - લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામસ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે
સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી, ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણાય આત્માને દેખતા હતા, તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહિ. અને વળી પરોક્ષ જે શ્રીકૃષ્ણ - રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમનાં જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા અને ગાવવા. અને એ ચાર વાનાંની દ્રઢતા થાય તેને અર્થે અમેશ્રીમદ્ભાગવતઆદિક આઠ ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે; માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને એ ચાર વાનાંની જ વાર્તા કરવી.(કુલ: 1)