વચનામૃત ૧૭ : ભરતજીના આખ્યાનનું
સંવત્ ૧૮૮૪ના શ્રાવણ સુદિ ૬ છઠ્યને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે, તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે, ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા. અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિષે પોતાને હેત થયું, ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજુ હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે જે, ‘રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય !’ એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા, ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહિ ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હવા.” એટલી વાત કરીને શ્રીજીમહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા.
।। ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ।।૧૭।।૨૪૦।।