વચનામૃત ૩૬ : કંગાલના દૃષ્ટાંતે સાચા ત્યાગીનું
સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિષે ધોળા ને પીળાં પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિષે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા, એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત્ પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો ‘જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય’ તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય,તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે, ‘આણે પાપ કર્યા હશે, માટે એને અન્ન-વસ્ત્ર મળતું નથી;’ તેમ જે ત્યાગી થઈને સારાં સારાં જે વસ્ત્રાદિ પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને ‘આ પદાર્થ સારુ ને આ પદાર્થ ભૂંડું’ એવી તો સમજણ જ હોય નહિ અને એક ભગવાનને વિષે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે.”
।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૩૬।।