વચનામૃત ૬૩ : નિશ્ચયનું-તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું
સંવત્ ૧૮૭૬ના ફાગણ વદિ ૭ સપ્તમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થી દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થી ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહિ, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે, ‘હું આટલા દહાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી.’ એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિષે પરઠે જે, ‘જેમ મારે વિષે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિષે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે.’ એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી, એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય.”
પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે, ‘મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ, સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે, તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું.’ એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો.”
એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “તત્ત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્ત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે, પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. ‘જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલિયો હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીયો રહેવાની હોય અને બાગબગીચા ને ઘોડા, વેલ્યો, ઘરેણાં; એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય, ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય.’ તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી, તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટપુરુષ તેમના વૈભવનો પાર તો ક્યાંથી પમાય ? અને એવા અનંતકોટિ જે વિરાટપુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિષે એવા અનંતકોટિ બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઊડતાં ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે, અને તે ધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્યરૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટ્યનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટ્યપ સમજે. અને જે થકી જે મોટો હોય તે થકી તે સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય. ‘જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે. અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે.’ એવી રીતે અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ અને અક્ષર એ સર્વે એક બીજાથી મોટા છે અને એક બીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે, પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે; જેના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં જ ફરે છે. ‘જેમ કોઈ મોટો હસ્તી હોય, તેના શરીર ઉપર કીડી ચાલી જાતી હોય તે કશી ગણતીમાં આવે નહિ’, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. ‘જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્યે સમળા હોય તે મોટા દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડા ને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે.’ એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અને અહંકારનું કારણ મહત્તત્ત્વ છે, મહત્તત્ત્વનું કારણ પ્રધાન અને પુરુષ છે અને પ્રધાન અને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે અને એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચ અને વિકાસ અવસ્થા થાતી નથી, સદાય એકરૂપ રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. ‘જેમ ચોવિશ તત્ત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટપુરુષ જે તે કર-ચરણાદિકે કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે નજરે આવતી નથી. અને તેની નાભિમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા સો વર્ષ લગી ચાલ્યા; પણ તેનો અંત ન આવ્યો અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટપુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી.’ તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહિ, તે શા માટે જે, એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઊડતાં જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે. અને તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંતકોટિ મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે. અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય ! એવા અતિ સમર્થ જે ભગવાન, તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે ચોવિશ તત્ત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વે કરીને સરજાણા જે વિરાટપુરુષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે.
એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. ‘જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહિ, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે.’ તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે; ‘જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય,’ તેમ ભગવાન પણ પોતાની સામર્થી છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રગટ કરતા નથી ?’ પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટ્યપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના ? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય, તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી, માટે એવી રીતે તત્ત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી.”
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દ્રષ્ટાંતઃ જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિષે ડુબકી ખાય, તે ડુબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નીસરે અથવા કાંઠે નીસરે અથવા આસપાસ નીસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે, તે અક્ષરરૂપ ધામને વિષે ડુબકી ખાઈને ગમે તો ત્યાંથી પાધરા જ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે.”
એમ વાર્તા કરીને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તો પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઈને પણ કરે નહિ, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે, તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા-કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તો પણ તેનું અકલ્યાણ ન થાય, અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર છે.”
।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૬૩।।