વચનામૃત ૯ : ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું
સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી,’ એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.”
।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૯।।