( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મનિષ્ઠા; એ બે નિષ્ઠા છે, તેમાંથી જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે, જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ્ભાગવત ના પ્રથમ સ્કંધને વિષે સંવાદ છે, તેમાં એમ કહ્યું છે જે, ‘સત્ય શૌચાદિક જે કલ્યાણકારી એવા ઓગણચાળીશ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે.’ માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારૂ ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. અને વળી, શ્રીમદ્ભાગવત ના પ્રથમ સ્કંધને વિષે શૌનકાદિક ઋષિએ સૂત પુરાણીને પૂછ્યું છે જે, ‘ધર્મના બખતરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતર્ધાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો?’ માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારુ જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપનિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહજે જ રહે અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપનિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે.”
4. ગઢડા મધ્ય ૫૫( para.2)
પછી તે મુનિ કીર્તનભક્તિ કરી રહ્યા, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું; તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે, તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું; એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઈત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતા ફરતા શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રીરામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થમાત્ર છે, તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે, ‘આ સારુ પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે.’ જેટલાં માયિક પદાર્થમાત્ર છે, તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો-નરસો સહુ એક પાડમાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કાંઈક સારુ-નરસું જે કહીએ છીએ, તે તો ભગવાનના ભક્તને સારુ લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારુ ભોજન છે, આ સારુ વસ્ત્ર છે, આ સારુ ઘરેણું છે, આ સારુ ઘર છે, આ સારુ ઘોડું છે, આ સારાં પુષ્પ છે; તે ભક્તને સારુ લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે, તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે; એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા સાઠ્ય-સિત્તેર વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય; તેમ અમારે પણ ખાતાં-પીતાં, ઘોડે ચઢતાં, રાજી-કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે.
(કુલ: 5)