1. ગઢડા પ્રથમ ૫૨ ( para.2)
પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર; એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે, તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવિશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ, ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળા જ ગણે છે અને જીવ, ઈશ્વરે સહિત એવા જે ચોવિશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવિશમા જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવીશમા કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ, ઈશ્વરને પંચવિશમા કહે છે ને ચોવિશ તત્ત્વને પૃથક્ કહે છે, ને એ તત્ત્વથી પોતાના આત્માને પૃથક્ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, ‘એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન; એ ચતુર્વ્યૂહરૂપે થાય છે ને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે, તેનું કલ્યાણ થાય છે.’ એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે જે, ‘સાંખ્ય શાસ્ત્રમાં જીવ-ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવિશમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય.’ અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિછિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે.’ અને જો એક વેદાંતશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે.’ અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે, ‘જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય.’ માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે, માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણેને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને ચારેને મૂકીને જે પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે.”2. ગઢડા પ્રથમ ૭૩ ( para.5)
પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”
3. સારંગપુર ૧૩
( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય, તે તો કોઈ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય, તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો ? એ પ્રશ્નનો ઉત્તર કરો.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ ! એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. કાં જે, શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યા હોય અને સંતના પણ કહ્યા હોય, માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિ રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે, શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે, તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ. કાં જે, શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનનાં ચરિત્ર છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહિ. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહિ.”
4. લોયા ૧૨
( para.3)
અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો ? તો ભગવાનને સર્વ શુભ-અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે, સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે; કેમ જે, એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે ? તો આકાશની પેઠે સર્વને વિષે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિષે જ થાય છે.’ એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિષે જાણે. જેમ રાસપંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે, ‘ધર્મરક્ષક ભગવાનનો અવતાર, તેણે પરદારાનો સંગ કેમ કર્યો ? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો જે, ‘શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ-અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે.’ એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિષે રહ્યા જે ષટ્ ઊર્મિએ રહિત એવા નિરન્નમુક્ત, તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે, તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”
5. ગઢડા મધ્ય ૧૦
( para.5)
હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ જે, જ્ઞાનનિરૂપણને વિષે બે શાસ્ત્ર છે; એક સાંખ્યશાસ્ત્ર ને બીજું યોગશાસ્ત્ર. તેમાં સાંખ્યશાસ્ત્રનો મત એ છે જે, જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી, તેમ પુરુષોત્તમ ભગવાન છે, તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપિની ઉપનિષદ્માં કહી છે જે, જ્યારે દુર્વાસાઋષિ વૃંદાવનને વિષે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણભગવાને ગોપીઓને કહ્યું જે, ‘દુર્વાસા ભૂખ્યા છે, માટે સર્વે થાળ લઇને જાઓ.’ પછી ગોપીઓએ પૂછ્યું જે, ‘આડાં યમુનાજી છે, તે કેમ ઉતરાશે ?’ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને તમે એમ કહેજો જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજ્યો.’ પછી ગોપીઓએ હસતી હસતી યમુનાજીને કાંઠે જઇને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડતાં તે ઋષિ સર્વના થાળ જમી રહ્યા. પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે ઘેર કેમ કરીને જઈએ ? આડાં યમુનાજી છે.’ ત્યારે તે ઋષિએ પૂછ્યુ જે, ‘આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘શ્રીકૃષ્ણે એમ કહ્યું હતું જે, અમે સદા બાળબ્રહ્મચારી હોઇએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યા છીએ.’ તે વાત સાંભળીને ઋષિ બોલ્યા જે, ‘હવે યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજ્યો.’ પછી ગોપીઓએ હસતી હસતી જઇને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઇને અતિશય આશ્ચર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિર્લેપ છે અને સર્વે ક્રિયાઓને કર્તા થકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે એવું સમજવું, એ સાંખ્યને મતે જ્ઞાન છે.
6. વરતાલ ૨
( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો,” પછી ગામ બૂવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યુ જે, “હે મહારાજ! ભગવાન શે પ્રકારે રાજી થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય ત્યારે કહેશો જે, દ્રોહ તે શું ? તો જે, આ સર્વ જગતના કર્તાહર્તા ભગવાન છે, તેને કર્તાહર્તા ન સમજીએ ને વિશ્વના કર્તાહર્તા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ; એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે, ભગવાન સર્વના કર્તાહર્તા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતનાં કર્તાહર્તા કહે છે. માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે, તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મેલે જે, ‘અમારો રાજા છે તે નાક-કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે.’ એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય, તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કર-ચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશમાત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે; તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કર્તા કહેવા, એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી, અને તે વિના તો ચંદન-પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કર્તાહર્તા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે.