અનુસ્યૂતઅનુસ્યૂત
(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અનુસ્યૂત" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)Contact: vadtaldhamvikas@gmail.com
1. સારંગપુર ૬ ( para.4)
“હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા
અનુસ્યૂત છે, એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે ત્યારે એ જીવ જે તે, તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે, તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે, તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે. અને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીનાં રૂપ સમજ્યામાં આવે, પણ બીજાને સમજ્યામાં આવતા નથી.”
2. સારંગપુર ૧૪ ( para.4)
પછી શ્રીજીમહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો જે, “સ્થૂળ શરીર તે કેટલા તત્ત્વનું છે ? અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્ત્વનું છે ? અને સ્થૂળદેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્ત્વ છે કે કાંઈ ઓછાં અધિક છે ? એ બે શરીરનું રૂપ કરો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ. પછી સર્વે મુનિ બોલ્યા જે, “હે મહારાજ! એનો ઉત્તર તમે કૃપા કરીને કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે પાંચ તત્ત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ એ નામે જે ઓગણીસ તત્ત્વ તેનું છે. અને તે સ્થૂળ દેહને વિષે પણ જ્યારે સૂક્ષ્મ દેહ
અનુસ્યૂતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. કેમ જે, કાન, નેત્ર આદિક જે ઇન્દ્રિયોના ગોલક, તેમણે યુક્ત એવો જે સ્થૂળદેહ તેને વિષે તે તે ઇન્દ્રિયાદિકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ, તે ભળે છે, તેણે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કરીને થતું નથી. તે માટે પંચ તત્ત્વનું જે સ્થૂળ દેહ તેને વિષે ઓગણીસ તત્ત્વનું જે સૂક્ષ્મદેહ તે
અનુસ્યૂતપણે રહ્યું છે, તે સારુ સ્થૂળ દેહને વિષે પણ ચોવિશ તત્ત્વ છે. અને તેમ જ સૂક્ષ્મદેહને વિષે પણ પંચ તત્ત્વનું જે સ્થૂળદેહ તે એકત્વપણે વર્તે છે ત્યારે જ સૂક્ષ્મદેહના ભોગ સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મદેહ ઓગણીસ તત્ત્વનું છે તેને વિષે પંચતત્ત્વનું સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મદેહ પણ ચોવિશ તત્ત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિષે ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે.”