અવતારી

અવતારી

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અવતારી" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. લોયા ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક્ પૃથક્ રુચિ છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ‘જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે ને પુરૂષોત્તમ છે, તે જીવ, માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે ? અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે ? તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.” ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈઓ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો.’ ત્યાં શ્લોક છે :- “न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते । यद्विस्रंभाच्चिराच्चीर्णं चस्कन्द तप ऐश्वरम् ।। नित्यं ददाति कामस्य छिद्रं तमनु येऽरयः। योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ।।” એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગી અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે, તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારુ લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે અને એ ત્રણ્યે અવતાર કરતા કોટિ ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, ‘બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને એમાં અવતાર- અવતારી એવો ભેદ નથી જણાતો.’ અને બીજા જે મત્સ્ય-કચ્છાદિક ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિસુખ થાય છે; અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક’ તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે, ‘એ બહુ ઠીક કરે છે.’

2. લોયા ૧૮ ( para.3)

ત્યારે તમે કહેશો જે, ‘તે ભગવાનનું કેવું રૂપ છે ?’ તો કહીએ છીએ જે, ‘ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખસ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક-પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે; એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય-કચ્છ-વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા; તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય-કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે; “भूभारः क्षपितो येन तां तनूं विजहावजः । कण्टकं कण्टकेनैव द्वयं चापीशितुः समम् ।।” જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા, પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા. ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બેય જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શીલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય-કૂર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડાક મત્સ્ય-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજ્યંતીમાળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ-મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન, ઈત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મસમયમાં વસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્ચ્છા આવી ત્યારે પણ ચતુર્ભુજરૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે, ‘तेनैव रूपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्ते!’ માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપ દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે, તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મશાલ-દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે, ‘એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉં’, તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત, એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે, તે મનુષ્યભાવ તે શું ? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઈત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે. અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્યમૂર્તિ છે ને ભગવાનને વિષે તો એ મનુષ્યભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું, ‘જે તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો.’ ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેનો પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે, ‘આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો.’ તે શું એ પ્રથમ ભગવાનને નો’તો દેખતો ? દેખતો તો હતો, પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે તે દિવ્યભાવ સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતેવાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, ‘આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો. કાં જે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા-લૂલા જ રહે છે ? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છુટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે; તેને ભુલશો મા, જરૂર ભુલશો મા.” એમ કહીને શ્રીજીમહારાજ સર્વે હરિભક્તને ‘જય સ્વામિનારાયણ’ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજીમહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્યભાવની અતિશય દ્રઢતા કરતા હવા.

3. ગઢડા મધ્ય ૯ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “કીર્તન બોલીએ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “લ્યો, પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ. અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય, તો તેની ચિંતા નહિ; પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહિ. અને જો ભગવાનનું વચન કાંઇક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય, તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહિ. માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે, ‘સર્વોપરી ને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે, તે જ મને પ્રાપ્ત થયું છે.’ અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત્ સત્સંગથી બાહેર નીસરી જવાણું, તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બાહેર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિષે ભગવાનને સમીપે જશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય, તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. તે માટે પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત્સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતી લડાઈ થઇ ત્યારે શ્રીકૃષ્ણભગવાને અર્જુનને કહ્યું જે -

4. ગઢડા મધ્ય ૬૪ ( para.2)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનના જે અવતાર છે, તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક-ન્યૂન ભાવ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું, ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે, મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે, તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણભગવાન છે; પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણભગવાન તે આપણા ઈષ્ટદેવ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનના ચરિત્રશ્રીમદ્‌ભાગવતપુરાણના દશમ સ્કંધને વિષે સંપૂર્ણ કહ્યા છે; માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે અમે દશમ સ્કંધને અતિશય પ્રમાણ કર્યો છે. અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણભગવાનના જ છે. માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષે કરીને તો શ્રીકૃષ્ણભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા.”

5. ગઢડા અંત્ય ૩૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદરૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જે તે, તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે. ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન; તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

(કુલ: 7)