અહિંસા

અહિંસા

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અહિંસા" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૪૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહિ તો નહિ સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ, સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેને ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે, અને તે ભક્તને ભગવાનનાં મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેધ ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનનાં મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિષે રુચિ વર્તે, અને ભગવાનની શ્રવણ-કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ-કીર્તનાદિકને વિષે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધસ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે, એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ-કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિષે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિષે વિરોધ કરનારા જે સ્વાદું ભોજન અને સદ્વસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર તેને પામવાને વિષે અતિશય અરુચિ વર્તે. અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિષે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર-અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનનાં જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિષે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર, તેને વિષે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિષે પ્રેમને દેખે તે ભક્તને વિષે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિષે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિષે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહિ, પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહિ અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય; માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો.” પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું એક સરખું અંગ હોય તે ઊઠી ઊભા થાઓ.” પછી જેનું જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજીમહારાજે એ સર્વેને પાછા બેસાર્યા.

2. ગઢડા પ્રથમ ૬૯ ( para.2)

પછી શ્રીવાસુદેવનારાયણની સંધ્યા આરતી થઈ રહી તે પછી નારાયણ ધૂન્ય કરીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મ તે કેનું નામ છે ? એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહિ અને મારવા પણ દેતા નહિ, માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે, તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી ?” પછી એનો ઉત્તર જેમ જેને ભાસ્યો તેમ તેણે કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહિ. પછી મુનિ સર્વે બોલ્યા જે, “હે મહારાજ ! અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ જે, યજ્ઞાદિકને વિષે પશુહિંસા સહિત ધર્મ કહ્યો છે. અને અહિંસારૂપ પણ ધર્મ કહ્યો છે માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ અને કામ પર છે, તે પણ હિંસાના સંકોચને અર્થે કહ્યો છે. અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. અને હિંસામય જે ધર્મ છે તે તો રાગપ્રાપ્ત છે, પણ ક્લ્યાણને અર્થે નથી અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે, માટે ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કહ્યો છે. જેમ રાજા ઉપરિચરવસુ રાજ્યમાં હતા તો પણ અહિંસા ધર્મને વિષે રહ્યા હતા, તે માટે સાધુને તો મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહિ અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહિ અને સર્વના દાસાનુદાસ થઈને રહેવું. અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે, ‘હજારો માણસને નિયમમાં વર્તાવવાં હોય તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે ?’ તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું તો પણ સાધુતા રાખી હતી અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, તેય વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહિ; માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણાય હોય પણ સાધુ થવું એજ ઘણું દુર્લભ છે.”

3. સારંગપુર ૧૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિષે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે “निरंजनः परमं साम्यमुपैति” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”

4. સારંગપુર ૧૧ ( para.3)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનનાં ધામ છે; તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને “अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्” એ શ્લોકનો પણ એજ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાશીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહિ જ પામે.”

5. ગઢડા મધ્ય ૧૯ ( para.3)

લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજના, સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચજ્યો. બીજું, અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણનારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન, તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભક્તિ; એ ચાર ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવમનુષ્યાદિકને વિષે થાય છે. તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને શ્રીરામચંદ્રને વિષે નિર્દોષપણે નિષ્ઠા હતી, તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રીકૃષ્ણનારાયણના અવતાર પૃથ્વીને વિષે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિષે સીતા ને રુક્મિણીના જેવી ભક્તિ કરવી. અને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિષે દ્રઢપણે વર્તવું. બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ, તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહિ માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત્ ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ને દિવસ લખ્યો છે.” એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો.

6. ગઢડા મધ્ય ૨૮ ( para.2)

પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત તો સારુ જ છે, પણ સ્કંદપુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે, એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય, તો તેનો તત્કાળ ત્યાગ કરી દે; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો, તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી, એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે, તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉં, ને થોડીક વાતમાં રાજી પણ ન થઉં’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’ એ જ મારે વિષે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહિ.

7. વરતાલ ૧૦ ( para.2)

તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઇ આવ્યા. તેણે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવનું કલ્યાણ કેમ થાય ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ પૃથ્વીને વિષે રાજારરૂપ ને સાધુરૂપ; એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજારૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો તે ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો ત્રીશ પ્રકારને લક્ષણે યુક્ત હોય. અને જે રાજારૂપે ભગવાન હોય તે તો ચોસઠ પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, દંડ; એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહિ. અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપત્કાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગરદન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુરૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહિ અને કાષ્ઠની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહિ. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહિ. અને શ્રીમદ્‌ભાગવતના પ્રથમ સ્કંધને વિષે પૃથ્વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેના ઓગણચાળીશ લક્ષણ કહ્યા છે. અને એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય, કપિલ આદિક ભગવાનના અવતાર તેના ત્રીશ લક્ષણ કહ્યા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો, ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી. તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.”

8. ગઢડા અંત્ય ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિનાં જે સાધન તે શા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઊતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું; એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.”

(કુલ: 12)