આત્મસત્તા

આત્મસત્તા

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "આત્મસત્તા" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૪૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહિ તો નહિ સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ, સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેને ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે, અને તે ભક્તને ભગવાનનાં મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેધ ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનનાં મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિષે રુચિ વર્તે, અને ભગવાનની શ્રવણ-કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ-કીર્તનાદિકને વિષે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધસ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે, એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ-કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિષે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિષે વિરોધ કરનારા જે સ્વાદું ભોજન અને સદ્વસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર તેને પામવાને વિષે અતિશય અરુચિ વર્તે. અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિષે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર-અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનનાં જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિષે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર, તેને વિષે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિષે પ્રેમને દેખે તે ભક્તને વિષે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિષે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિષે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહિ, પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહિ અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય; માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો.” પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું એક સરખું અંગ હોય તે ઊઠી ઊભા થાઓ.” પછી જેનું જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજીમહારાજે એ સર્વેને પાછા બેસાર્યા.

2. સારંગપુર ૧૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિષે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે “निरंजनः परमं साम्यमुपैति” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”

3. સારંગપુર ૧૪ ( para.5)

પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયું; ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્થૂળ દેહને વિષે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહને વિષે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે. અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કહ્યા છે, તે તો જીવને હિંમત દેવા સારુ છે, અને જેને સ્થૂળ દેહને વિષે તથા સૂક્ષ્મ દેહને વિષે અભિમાન નથી, તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી. કેમ જે, એ તો કેવળ આત્મસત્તારૂપે જ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળદેહ સંબંધી તથા સૂક્ષ્મદેહ સંબંધી કર્મ લાગે નહિ, અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરે જ નહિ, અને પ્રારબ્ધાનુસારે જે સુખ દુઃખ આવે તેને તો ભોગવે અને ભોગવતો થકો એમ માને જે, ‘હું એનો ભોક્તા નથી, હું તો આત્મા છું.’ અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મદેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે. કેમ જે, જે અજ્ઞાની છે તે જે, જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપે માનીને એમ માને જે, ‘હું એ વિષયનો ભોક્તા છું.’ પછી જ્યારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્ચ્છા અવસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે, ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે; પછી તે દેહે કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાના સંત દેખાય છે ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્ચ્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનું આપે છે ને તે દેહે કરીને એ ભગવાનના ધામને વિષે રહે છે.”

4. ગઢડા મધ્ય ૫૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, “કોઈક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે, ત્યારે અતિશય સુખ થાય છે; અને કોઈક સમામાં તો સુષુપ્તિમાં જાય છે, તો પણ ઉદ્વેગ મટતો નથી, તેનું શું કારણ છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે; માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે. માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહિ અને જ્યારે આત્મસત્તારૂપે રહે ત્યારે જ સુખી રહે છે.”

5. ગઢડા મધ્ય ૫૧ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ આત્મસત્તારૂપે રહે તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શિવ, બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહિ, એ તો નારદ જેવાના પણ ગુરુ છે; અને એ જેવા બ્રહ્મસ્વરૂપે વર્તે છે, તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન એ આઠ જો ભૂંડા થયા, તો તેને યોગે કરીને એ શિવ, બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તારૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય, તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટાપુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે, તેમને ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું. અને જેટલી બાઈઓ હરિભક્ત છે, તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય; શા માટે જે, પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય, તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય, ને સુખે પળે એવું હોય, ને તેથી ઓછું-અધિક કરવા જાય, તે કરનારો જરૂર દુઃખી થાય. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે, તે જ રૂડા દેશકાળાદિકને વિષે રહ્યો છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો, તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે, તે જ આત્મસત્તારૂપે વર્તે છે.”

6. અમદાવાદ ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય, અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે, અને બીજા સર્વે મૂળ ઊખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે, એ જ એને જન્મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મમરણના હેતુ નથી ? એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય, તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી, ઘોડા, વૃક્ષ સર્વે તણાઈ જાય, પણ કોઈ ઠરી શકે નહિ, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય, પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિષે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિશરી જાય છે, તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જે આ સંસારને વિષે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય. ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય, ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને માર્યે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહિ, અને એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય, પણ પંચવિષયમાં એકે સુખ આવે નહિ. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમદશાને પામ્યો છે તેને પંચવિષય કેમ બાધ કરે ? ન જ કરે. માટે જે ઉપશમદશાને પામ્યો તેને પંચવિષય જન્મ મરણના હેતુ થતા નથી.”

7. ગઢડા અંત્ય ૨૧ ( para.3)

અને અમારો પણ મત એ છે જે, ‘ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથીં.’ અને અમને એમ જણાય છે જે, ‘જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન, પર્વત ને જંગલ; એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે; તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદ કરી જીતીને રાજી થવું નહિ, એ સાથે તો હારીને જ રાજી થવું; અને જે વાદવિવાદ કરીને ભગવાનનાં ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન-જળ પણ ભાવે નહિ. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે, આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ, તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.

8. ગઢડા અંત્ય ૨૧ ( para.4)

અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ એ અતિશય દૃઢ નહિ હોય તે તો અંતે જાતાં ઢીલો પડ્યા વિના નહિ જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. તેમ અહીંયા હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે, તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે સૂધાં આકરાં જણાય; પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહે કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલાં થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હઠી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દૃઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાથે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહિ. જેમ સોનાનો દોરો કર્યો હોય તે છયે ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહિ, તેમ જેનો દૃઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હઠે નહિ. એવા જે દૃઢ સત્સંગી વૈષ્ણવ છે, તે જ અમારે સગાંવહાલા છે ને તે જ અમારી નાત છે ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે ને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ તેમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે જે, તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ. ને મિત્ર પણ તેને જ જાણવો જે, ‘પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે.’ એ જ મિત્રનું લક્ષણ છે, તે સમજી રાખજ્યો.”

(કુલ: 10)