( para.2)
પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે ભગવાનના ભક્તને સત્-અસત્ નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિષે સંશય કરે નહિ. અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે’, એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહિ. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે; એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે.”
4. ગઢડા પ્રથમ ૨૫( para.2)
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, “સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે, અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે, માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં, અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું; તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું’ માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને, તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, ‘તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી; ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા, તે તારું સ્વરૂપ છે.’ પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ‘ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો.’ અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે; અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે, અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે; ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે, તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહા શૂરવીર હતા, તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ, માટે એમ બોલ્યા જે, ‘હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો.’ એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી; તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે; એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય, અને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીશ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ અને તે વીશે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ; તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાય જાય છે, તેમ જ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમ જ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિયો પણ પોતપોતાના વિષયને વિષે હજારો પ્રકારે ફેલાઈ જાય છે; એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે ‘હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું,’ એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી.
5. ગઢડા પ્રથમ ૩૨( para.4)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે તો પ્રશ્ન-ઉત્તર કરો.” પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કોઈ સમે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન - સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઈ સમે તો અંતર ડોળાઈ જાય છે ને ભજન - સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કેવી રીતે યુક્તિ જાણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “યુક્તિ તો એમ છે જે, અંતઃકરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય, ને ઘાટ-સંકલ્પ ઘણા થાય ને ભજન - સ્મરણ સુખે થાય નહિ, અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા. અને જે સમે સત્વગુણ વર્તતો હોય તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય, માટે તે સમે ભગવાનનું ધ્યાન કરવું નહિ. અને તે સમે તો એમ જાણવું જે, ‘હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિષે અંતર્યામીરૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે.’ અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મુંઝાવું નહિ; કેમ જે, અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું૨ છે, અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહિ ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહિ ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું.”
6. ગઢડા પ્રથમ ૩૭( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી,” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે; માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાં સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે.” પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાંનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે માબાપ તે અજ્ઞાને કરીને વીસર્યાં છે, તેમ આ મનુષ્ય શરીરના જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગાં સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, ‘જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે,’ અને ‘આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે’ એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતીના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે, ‘એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ’ અને એમ જાણે જે, ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી.’ એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો-તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી; અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ. અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનનાં ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન બોલો.”
7. ગઢડા પ્રથમ ૩૮( para.3)
અને વળી શ્રીજીમહારાજે બીજી વાર્તા કરી જે, “સાચો ત્યાગી કેને કહીએ ? તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય. જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થતો નથી, તેમ સંકલ્પ ન થાય. ત્યાં શુકજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે, ‘त्यज धर्ममधर्मं च’ અને એ શ્લોકનું હાર્દ એ છે જે, ‘એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી,’ તેને પૂરો ત્યાગી કહીએ. અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું જે, ‘આ મારી મિથિલા નગરી બળે છે, પણ તેમાં કાંઈ મારું બળતું નથી’ ત્યાં શ્લોક છે જે, ‘मिथिलायां प्रदीप्तायां न मे दह्यति किञ्चन’ એમ સમજે ને ગૃહમાં રહેતો હોય તે ગૃહસ્થ હરિભક્ત ખરો કહેવાય અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગૃહસ્થ ન હોય, તે તો પ્રાકૃત ભક્ત કહેવાય અને મોરે૩ કહ્યો એવો જે હોય તે તો એકાંતિક ભક્ત કહેવાય.” એવી રીતે વાર્તા કરી.
8. ગઢડા પ્રથમ ૩૮( para.4)
પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા; તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે, “દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું-જુદું કરીને શ્રોતાને સમજાવે છે. તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિકનાં રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વથી જુદો છે એને જ જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે.” એવી રીતે વાર્તા કરી.
9. ગઢડા પ્રથમ ૪૪( para.4)
પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું જે, “હે મહારાજ! દેહ અને દેહના સંબંધીને વિષે અહંમમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે, ‘પોતાને દેહથી પૃથક્ જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે.’ અને એ જીવાત્માને વિષે દેહ તો કેવી રીતે વળગ્યો છે ? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને જે, ‘દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે,’ એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને અને તે દેહના માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. અને ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહંમમત્વના ઘાટ કેમ ટળશે ? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી, માટે દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને અને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે અને એવો સાધુ તો હું છું જે, ‘મારે વર્ણાશ્રમનું લેશમાત્ર માન નથી.’ એવી રીતે શ્રીજીમહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.
10. ગઢડા પ્રથમ ૪૭( para.2)
પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહિ તો નહિ સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ, સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેને ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે, અને તે ભક્તને ભગવાનનાં મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેધ ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનનાં મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિષે રુચિ વર્તે, અને ભગવાનની શ્રવણ-કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ-કીર્તનાદિકને વિષે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધસ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે, એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ-કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિષે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિષે વિરોધ કરનારા જે સ્વાદું ભોજન અને સદ્વસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર તેને પામવાને વિષે અતિશય અરુચિ વર્તે. અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિષે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર-અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનનાં જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિષે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર, તેને વિષે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિષે પ્રેમને દેખે તે ભક્તને વિષે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિષે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિષે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહિ, પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહિ અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય; માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો.” પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું એક સરખું અંગ હોય તે ઊઠી ઊભા થાઓ.” પછી જેનું જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજીમહારાજે એ સર્વેને પાછા બેસાર્યા.
11. ગઢડા પ્રથમ ૫૨( para.2)
પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર; એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે, તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવિશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ, ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળા જ ગણે છે અને જીવ, ઈશ્વરે સહિત એવા જે ચોવિશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવિશમા જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવીશમા કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ, ઈશ્વરને પંચવિશમા કહે છે ને ચોવિશ તત્ત્વને પૃથક્ કહે છે, ને એ તત્ત્વથી પોતાના આત્માને પૃથક્ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, ‘એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન; એ ચતુર્વ્યૂહરૂપે થાય છે ને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે, તેનું કલ્યાણ થાય છે.’ એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે જે, ‘સાંખ્ય શાસ્ત્રમાં જીવ-ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવિશમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય.’ અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિછિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે.’ અને જો એક વેદાંતશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે.’ અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે, ‘જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય.’ માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે, માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણેને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને ચારેને મૂકીને જે પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે.”
12. ગઢડા પ્રથમ ૫૬( para.5)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”
13. ગઢડા પ્રથમ ૫૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યારે ભજન-સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ, તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, તે એ ગુણના વેગ કેમ ટળે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા-અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ, તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે.”
14. ગઢડા પ્રથમ ૬૧( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું.’ એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહિ અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ.”
15. ગઢડા પ્રથમ ૬૪( para.2)
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે; એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર; તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે ? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે, અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિસમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન, તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દૃશ્ય એવા જે દેહ; એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિદ્રઢ કરીને રાખજ્યો.”
16. ગઢડા પ્રથમ ૬૬( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે. અને એમ જાણે છે જે, ‘ભગવાનને તો આકાર નથી.’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્દ ? તો જે, ‘ભગવાન અરૂપ છે, જ્યોતિઃસ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે.’ એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે; અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે, તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે.’ અને તેજના પુંજરૂપ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, ‘અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે,’ તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રકટ થાય છે, તે જળ દેખાય છે ને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મસત્તારૂપ જે, કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે અને શાસ્ત્રમાં એવા વચન હોય જે, ‘જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે.’ એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે ને ભગવાનને અરૂપ સમજે છે પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેને વિષે રથને હાંકીને અને તેજઃપુંજને વિષે પ્રવેશ કરીને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણભગવાન દિવ્યમૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય ને માયા પરજે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા, એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે; અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે, અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.”
17. ગઢડા પ્રથમ ૭૨( para.4)
અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વ મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઈત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્ર ગાઈને પરમ પદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, ‘જેના એક એક રોમનાં છિદ્રને વિષે અનંત કોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે’ એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહિ; તો મનુષ્યને તો રહે જ ક્યાંથી ? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિષે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવારૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે; તો પણ તે થકી જ આપણને સુખ થાય પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય પણ જેના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ; માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય, તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે, પણ એમ ન સમજવું જે, ‘ભગવાન થઈને એમ શું કરતા હશે?’ અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા, એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે.”
18. ગઢડા પ્રથમ ૭૨( para.6)
પછી વળી કાકાભાઈએ પૂછ્યું જે, “ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઈત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઈત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે; અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે, ‘મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે’ એવા લક્ષણ હોય તેને મધ્યમ ભક્ત જાણવો અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો.”
19. ગઢડા પ્રથમ ૭૩( para.5)
પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”
20. ગઢડા પ્રથમ ૭૩( para.6)
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતા નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે, ‘હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ? ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર; તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે’ એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી; તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વિજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’ તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે; અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલા સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે; તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે.’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તે પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.
21. ગઢડા પ્રથમ ૭૩( para.7)
અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ, માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ-દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્યારે બુઠિયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહિ અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. એ સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે : તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો, માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ, તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે, ‘કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહિ તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહિ.”
22. ગઢડા પ્રથમ ૭૫( para.3)
પછી નાજે ભક્તે પ્રશ્ને પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક તો થોડા નિશ્ચયવાળો હોય અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તે બે કેમ ઓળખ્યામાં આવે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય, તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જો એકેય વાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ માહાત્મ્ય વિનાનો છે અને એ ચાર વાનાં સંપૂર્ણ હોય તે માહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો.”
23. ગઢડા પ્રથમ ૭૮( para.8)
પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરોસો આવે છે જે, “આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તો પણ કોઈ રીતે એ પાછો નહિ પડે, એવો જે ભરોસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે ?” એક તો એ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે જે, “જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા-સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે, ‘આને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે.’ તેની કોરનો તો દ્રઢ વિશ્વાસ જ હોય જે, ‘એનો સત્સંગ તો અચળ છે માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી’ અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેની સાથે પોતાને ન બન્યું, ત્યારે બીજા પાસે જઈને રહે, તો પણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો ખમી શકે નહિ. ત્યારે સર્વે સંતને એમ સમજાય જે, ‘આ તો કૃતઘ્ની નથી જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી; માટે બહુ રૂડો સાધુ છે.’ એમ જાણીને સર્વે સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે, ત્યારે સર્વે સંતને એમ જણાય જે, ‘આ કૃતઘ્ની પુરુષ છે, તે જ્યારે આપણી સાથે નહિ બને ત્યારે આપણી પણ નિંદા કરશે.’ પછી તે ઉપર કોઈને હેત રહે નહિ.”
24. ગઢડા પ્રથમ ૭૮( para.26)
એવી રીતે સર્વ મુનિના પ્રશ્નોના ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ સર્વેને પૂછતા હવા જે, “કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યા હોય તે સર્વે કહો.” પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી તે તેવી રીતે બોલ્યા. તે મુનિના વચન સાંભળીને શ્રીજીમહારાજ અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી; એ ચાર જણાને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા જે, “જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે; માટે એમનું કોઈને અપમાન કરવા દેશો મા.” એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા.
25. સારંગપુર ૧( para.3)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”
26. સારંગપુર ૩( para.4)
પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અધ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઈદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મસ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે, પણ મનન અને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણમાત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગઅંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિદિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભરી આવતું હશે અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે તો પણ નહિ સાંભરતું હોય. અને કેટલાક હરિભક્ત કહે છે જે, ‘અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભારીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે ?’ તેનું પણ એ જ કારણ છે જે, ભગવાનની મૂર્તિના દર્શનમાત્ર કરે છે પણ મનન ને નિદિધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે? કાં જે, જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દૃષ્ટિમાત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભારી ન રાખ્યું હોય તો તે વીસરી જાય છે તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિદિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભરે ? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિ તો આખી ઉંમર દર્શન-શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ.”
27. સારંગપુર ૪( para.2)
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આત્મા અનાત્માની ચોખી જે વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહિ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે; જે સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો જ રહે નહિ. અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખ્ખું સમજે જે, ‘હું આત્મા તે મારા જેવો ગુણ દેહને વિષે એકેય આવતો નથી, અને જડ, દુઃખ અને મિથ્યારૂપ જે દેહ, તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિષે એકેય આવતો નથી.’ એવી વિક્તિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્યરૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે, એવો જે જડ ચૈતન્યનો વિવેક તેને દ્રઢ વિવેક જાણવો. અને ઘડીક પોતાને આત્મારૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો, માટે એના અંતરમાં સુખ ન આવે જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય, તો તે અન્ન સુખદાયી ન થાય સામું દુઃખદાયી થાય છે, તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો.”
28. સારંગપુર ૪( para.3)
અને કોઈકને એવો સંશય થાય જે, “અત્યંત નિર્વાસનિક નહિ થઈએ ને કાચા ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે ?” તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહિ અને એમ સમજવું જે, ‘મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર, અમર છું માટે હું મરું નહિ.’ એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતિ કરવી. અને એમ વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ, તો જેવા મોક્ષધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વિગતિ જે, ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઈન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિષે જઈને, અપચ્છરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે; પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહિ અને ચોરાશીમાં પણ જાય નહિ. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો, અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને ને નિર્વાસનિક થઈને અંત્યે ભગવાનના ધામને પામશો; પણ વિમુખ જીવની પેઠે નરકચોરાશીને નહિ ભોગવો, એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહિ ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો.”
29. સારંગપુર ૬( para.4)
“હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા અનુસ્યૂત છે, એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે ત્યારે એ જીવ જે તે, તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે, તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે, તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે. અને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીનાં રૂપ સમજ્યામાં આવે, પણ બીજાને સમજ્યામાં આવતા નથી.”
30. સારંગપુર ૯( para.3)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહિ. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે, ‘હું તો આત્મા છું. તે મારે વિષે માયાકૃત ઉપાધિ હોય નહિ ને હું તો ગુણાતીત છું.’ અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે, અજામેલ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું, તે સર્વે પાપથી છૂટીને પરમપદને પામ્યો. તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું.’ એવી રીતે વિચારીને આનંદમાં રહેવું, પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોત પોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂરણકામ માનવું.”
31. સારંગપુર ૧૨( para.3)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દેહની ને આત્માની નોખી વિક્તિ સમજાણી હોય તોય પણ તે વિક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેહ આત્માની વિક્તિ એકવાર ચોખી સમજાણી હોય તો પછી ભુલાય નહિ; અને એમ માને જે, ‘હું દેહ છું,’ તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહિ,’ અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહિ. અને એમ જણાય છે જે, આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે; એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે.”
32. સારંગપુર ૧૨( para.4)
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પોતાના આત્માનો વિચાર કેમ કરવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બાહેર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વીસરી જાય છે, અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વના રૂપને જાણવાં. પછી વિચારની દૃષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. અને જે બાહેર સ્થૂળ દેહને વિષે પંચ જ્ઞાનઇન્દ્રિયો છે, તે જ્યારે પોત પોતાના વિષય સામી જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો. એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો, અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિષે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે; પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે અને એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહિ અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહિ, માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહિ ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બાહેર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો જે, જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહિ અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અને દ્રષ્ટા ને દૃશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે, ‘દ્રષ્ટા ને દૃશ્ય તે અતિશય જુદા છે.’ એમ સમજીને દેહના ભાવ તે દેહને વિષે હોમવાં અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિષે હોમવાં. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે, તે આત્માને વિષે માનવા જ નહિ; અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે, તે કોઈ કાળે દેહને વિષે સમજવા જ નહિ. એ ગુણ તો આત્માને વિષે સમજવા. એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ-સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહિ. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહિ અને જ્યારે શત્રુમાત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે, તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિયોરૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દ્રઢપણે રાખવો અને જ્યારે મન ઇન્દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું.”
33. સારંગપુર ૧૪( para.5)
પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયું; ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્થૂળ દેહને વિષે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહને વિષે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે. અને જે સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કહ્યા છે, તે તો જીવને હિંમત દેવા સારુ છે, અને જેને સ્થૂળ દેહને વિષે તથા સૂક્ષ્મ દેહને વિષે અભિમાન નથી, તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી. કેમ જે, એ તો કેવળ આત્મસત્તારૂપે જ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળદેહ સંબંધી તથા સૂક્ષ્મદેહ સંબંધી કર્મ લાગે નહિ, અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરે જ નહિ, અને પ્રારબ્ધાનુસારે જે સુખ દુઃખ આવે તેને તો ભોગવે અને ભોગવતો થકો એમ માને જે, ‘હું એનો ભોક્તા નથી, હું તો આત્મા છું.’ અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મદેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે. કેમ જે, જે અજ્ઞાની છે તે જે, જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપે માનીને એમ માને જે, ‘હું એ વિષયનો ભોક્તા છું.’ પછી જ્યારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્ચ્છા અવસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે, ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે; પછી તે દેહે કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાના સંત દેખાય છે ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્ચ્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનું આપે છે ને તે દેહે કરીને એ ભગવાનના ધામને વિષે રહે છે.”
34. કારિયાણી ૩( para.3)
ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું ? જે, શિશ્ન ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય તથા તેમાં ચેળ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વને જોઈ વળવું તથા ઘડી એકમાં ઘણાક પ્રકારના ગંધ સૂંઘી લેવા તથા વિશ પચીશ ગાઉની મજલ કરવી, તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડકાં ભાંગી નાખવાં તથા સ્વપ્નમાં વીર્યપાત થાય; ઈત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ; તે રહ્યા કરે તે મનના દોષ જાણવા. એમ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા, તેને વિચારે કરીને ટાળવા જે, ‘હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું.’ એવી રીતે શરીરનું દમન ને વિચાર, એ બે જેને હોય તે મોટો સાધુ છે. અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહિ તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહિ, માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન ને વિચાર એ બે વાનાં તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યાં જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યાં જ જોઈએ.”
35. કારિયાણી ૮( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિષે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે શ્રીપુરુષોત્તમ, તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું? અને સગુણ સ્વરૂપ તે કેવી રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે? અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિક જે સર્વે તત્ત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાનપુરુષ, તેનું આત્મા છે અને તે પ્રધાનપુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે, અને તેથી પર જે અક્ષર, તેનું પણ આત્મા છે. અને એ સર્વે ભગવાનનું શરીર છે. અને જેમ દેહથકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશે યુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચાર ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિક ચાર ભૂત થકી અસંગી છે અને એ ચાર ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી, આકાશ તો અતિશય નિર્લેપ થકો એ ચાર ભૂતને વિષે રહ્યો છે; તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મારૂપે કરીને સર્વને વિષે રહ્યા છે; તો પણ અતિશય નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે અને તે સરખો થવાને કોઈ સમર્થ નથી થતો. જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે, પણ ચાર ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવાને સમર્થ નથી થતા, તેમ જ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે, તો પણ અક્ષર પર્યન્ત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશે યુક્તપણું અને અતિશય ઐશ્વર્ય યુક્તપણું; તે એ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કાંઈ નાનો થયો નથી, એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે, તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંતકોટિ બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કાંઈ નાના થઈ ગયા નથી, એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિષે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે.
36. લોયા ૧( para.9)
ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”
37. લોયા ૬( para.17)
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “આ સંતમાં એવો કયો એક દોષ છે જે, જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષમાત્રનો ત્યાગ થઈ જાય ? અને એવો કયો એક ગુણ છે જે, એક આવ્યે સર્વે ગુણ આવે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જો દેહાભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને ‘હું તો દેહથી નોખો જે આત્મા તે છું’ એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણમાત્ર આવે છે.”
38. લોયા ૭( para.3)
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા; તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માન્તરે કલ્યાણ થાય છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માન્તરે કલ્યાણ થાય છે, કાં જે, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે; માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માન્તરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂઘ્યા જ કહેવાય. અને જિહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ-ઇન્દ્રિયો પર જે જીવસત્તા-તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ, તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય-કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ-ઇન્દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે, ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે; માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય; એમ કહીએ છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે જે, ‘यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः।।’ ‘विष्टभ्याहमिदं कुत्स्नमेकांशेन स्थितो जगत्’ ‘मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ! । मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।।’ ‘पश्य मे पार्थ ! रूपाणि शतशोऽथ सहस्त्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।’ ઈત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો- અંતઃકરણ થકી અગોચર કહે છે, માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ; એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યને પણ ન તરે અને કોઈક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, “नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरञ्जनम्” તથા ગીતામાં કહ્યું છે જે, “कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ।।” અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન-પુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપથકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન-પુષ્પ, શ્રવણ-મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समःसर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને “भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।” એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે. અને “अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ! ययेदं धार्यते जगत् ।।” એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે, તે કેવા છે? તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જૈ ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથિવ્યાદિક ચાર તત્ત્વનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથિવ્યાદિ તત્ત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ ભગવાનની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિયો છે-
39. લોયા ૮( para.10)
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું; તે ક્યા વિચારે કરીને થાય છે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “જે ચંચળ હોય તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું.” એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણવું; ને માહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે.”
40. લોયા ૯( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો”, ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ?” પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, “વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું ? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સર્વ જીવના આયુષને જાણે અને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ્ તથા ભગવદ્ગીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઈત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે, જો યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઈત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઊપજે જે, ભગવાનની જે વિભૂતિયો છે તેને જાણે, તે કેમ જાણે ? તો ખંડ-ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિયો જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વિપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર, તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિયો તેનું શ્રવણ કરે તો ઊપજે, અને જ્યારે ધર્મને વિષે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય; એ ત્રણેય ઊપજે. એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે.”
41. લોયા ૧૦( para.8)
અને વળી એને વિષે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીય એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા, અને એ જનક જેવા જે જ્ઞાની હોય, તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રીઆદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે.’ એમ વિચારીને કેવળ પોતાના આત્મસ્વરૂપને જ સુખરૂપ જાણે છે. અને ‘શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્માવતે જણાય છે અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભુડું થઇ જાય છે.’ એવી રીતે પોતાના આત્માને વિચારે. અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે, ‘આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટિ જે મુક્ત તેના પણ આત્મા છે; એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.’
42. લોયા ૧૩( para.3)
અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.
43. લોયા ૧૫( para.4)
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે તે કેમ સમજવું ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એમ છે જે, જેમ જેને અક્ષિવિદ્યા છે તેને નેત્રદ્વારાએ જીવનું દર્શન થાય છે ને તેને વિષે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ થયો તે તેવો આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાળા તથા નાડીઓ, તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માંહિલી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતુ; તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દૃષ્ટિ નથી થઈ; માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દૃષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દૃષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દૃષ્ટિને પામ્યો હોય તેની દૃષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દૃષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ; તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દૃષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે. અને ભેદદૃષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈકે ગાયનું પૂછડું દીઠું, કોઈકે મુખ દીઠું, ખુર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેણે જે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે પણ જેવી ગાય છે, તેવી કોઈએ દીઠી નથી અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય, તેમ એ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક્ આત્મદર્શન એને કહેવાય નહિ. માટે અમે તો એ જીવને વિષે એવી રીતે સામાન્ય-વિશેષપણું કહીએ છીએ.”
44. લોયા ૧૭( para.3)
પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈકને દેહાભિમાન તથા પંચવિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે, તે કેમ સમજવું?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે; ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ નાખી હોય, એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં, સાંજ-સવાર, આજ-કાલ જરૂર મરનારો છે; તેમ જે દેહાભિમાની છે તે મહિને, બે મહિને, વર્ષે, બે વર્ષે, દશ વર્ષે, દેહ મૂક્યા સમે, દેહ મૂકીને, જ્યારે-ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે, ‘અંતઃકરણ-ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન- સ્ત્રીઆદિક કોઈ પદાર્થે કરીને સુખી થઉં એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થઉં એવો નથી.’ એમ દ્રઢ સમજણ જેને હોય, તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહિ અને તુચ્છ પદાર્થ સારુ સંત સાથે બખેડો થાય નહિ ને આંટી પણ પડે નહિ.”
45. પંચાળા ૨( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ.” એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “યોગવાળા છે તે પંચવિશમાં જીવ-ઈશ્વરને કહે છે અને છવિશમા પરમાત્માને કહે છે. અને સાંખ્યવાળા છે તે ચોવિશ તત્ત્વને અવાંતર જીવ-ઈશ્વરને કહીને પંચવિશમાં પરમાત્માને કહે છે. તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે, સૂઝે એવો આત્મા-અનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે જે, સર્વે દેવ-મનુષ્યાદિકની જે ગતિયો તેને જાણીને અને વિષયને વિષે વૈરાગ્યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં દૂષણ છે જે, જીવને પંચવિશમો કહ્યો તથા ઈશ્વરને પંચવિશમાં કહ્યા; અને જીવનો ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો ને ઈશ્વરનો પણ ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો. માટે એ બેયને વિષે તુલ્યભાવ આવી જાય જે, સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે, તથા સૂક્ષ્મ ને સૂત્રાત્મા તે તુલ્ય છે, અને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે; તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે, તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે, તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે; અને વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા અને શિવ તે તુલ્ય છે. એમ સમજીને છવિશમાને ભજે છે. એવી રીતે જીવ-ઈશ્વરને વિષે જે તુલ્યભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી જે, ‘ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યાં છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે, ને તે ભૂત સર્વ જીવના દેહોને ધારી રહ્યાં છે; અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્પજ્ઞ છે; ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે.’ એવી રીતે યુક્તિ શીખીને જીવ- ઈશ્વરને વિષે સમપણું ન સમજવું. અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે, તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂંથાઈ જાય. અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ-ઈશ્વરને વિષે સમપણું રહેવા દે નહિ, માટે જીવ ઈશ્વરને વિષે સમપણું ન આવે એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા. અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે, ચોવિશ તત્ત્વ કહ્યા છે ને પંચવિશમાં પરમાત્મા કહ્યા છે; ને તે ચોવિશ તત્ત્વને મિથ્યા કહ્યા છે ને પરમાત્માને સત્ય કહ્યા છે; ત્યારે તે પરમાત્માને પામે છે કોણ ? કેમ જે, પામનારા જીવને તત્ત્વથી ભિન્ન કહ્યો નથી. માટે એ જે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટા થકી એમ યુક્તિ શીખવી જે, ‘એ ચોવિશ તત્ત્વ કહ્યા તે જીવ વિના હોય નહિ; માટે એ તત્ત્વ ભેળા જ જીવ-ઈશ્વરને કહ્યા છે. તે જીવ ઈશ્વર એ તત્ત્વથકી પૃથક્ છે ને પરમાત્માને પામે છે. એવી રીતની યુક્તિ શીખવી. અને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે, ‘તત્ત્વ તો મિથ્યા છે, ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યા છે તે શાને અર્થે કહ્યા છે ?’ માટે તત્ત્વના તદાત્મકપણાને પામ્યા જે જીવ-ઈશ્વર તેને તત્ત્વરૂપે કરીને કહ્યા છે, પણ એ તત્ત્વ થકી અતિ વિલક્ષણ છે, તે પરમાત્માને પામે છે. ઈત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી. અને યોગવાળા જે છે તે, ‘પ્રત્યક્ષમૂર્તિ એવા જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય,’ એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને જે સાંખ્યવાળા છે તે જે તે, ‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह’, ઈત્યાદિક શ્રુતિશાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય; એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને એ બેય મત છે તે સારા છે અને મોટાએ માન્યા છે અને એ બેયનું યથાર્થ જો આચરણ જે કરે તો તે પરમગતિને પામે છે. અને એ બે મત છે તેમાં સાધન સરખા કહ્યા છે, પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી, ઘણી પૃથક્ છે.”
46. પંચાળા ૨( para.4)
અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે; ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધરૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે.’ એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે, એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, ‘અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે.’ એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, એમના રૂપને પણ મિથ્યા કરે છે અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે; એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે, સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું.’ એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ. અને છે તો એમ જે, પ્રથમ સાંખ્યવિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે; તે કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” તથા “आत्मारामाश्च मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरिः।।” “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्।।” એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. કાં જે, એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે, તેને અતિશય તુચ્છ જાણે છે; માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે.’ ત્યારે તેને એમ વિચારે જે, ‘ગમે તેવું સારુ હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે નાશવંત છે.’ એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા; અને એમ ન કરે તો એને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે, તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાંખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણઆદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર; એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે.”
47. પંચાળા ૩( para.4)
અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું ? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, ‘એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું; અને એ ક્ષેત્ર તો અતિમલિન છે, જડ છે, નાશવંત છે.’ અને દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે, “तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ।। उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।।” એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાંખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા; વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, ‘જે એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે.’ કેમ જે; નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે; ઈત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે, એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવાં; કાં જે, શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતાં થકા સ્ત્રીઆદિકના દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય, તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ; અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે, તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટાં મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઈંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી; પણ એને વિષે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું- કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે; એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ‘ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી;’ એમ ઇન્દ્રિયો-અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવાં એ પણ સમજણ ઠીક છે.”
48. ગઢડા મધ્ય ૧( para.8)
માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમસિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”
49. ગઢડા મધ્ય ૨( para.3)
તે ઔષધની રીત એમ છે, જ્યારે ત્વચાને સ્ત્રીઆદિક વિષયનો સ્પર્શ થાય છે, ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિષે બાહેરથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે, ત્વચાએ કરીને સ્ત્રીઆદિક પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જિહ્વાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો; એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે, તો બાહેરથી વિષયનો પ્રવાહ માંહીલી કોરે પ્રવેશ કરે નહિ. જેમ કૂવામાં પાણીની સેર્ય આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય, તે તો આત્મવિચારે કરીને ટાળવા; તે આત્મવિચાર એમ કરવો જે, ‘હું આત્મા છું ને મારે વિષે ઇન્દ્રિયો-અંતઃકરણનો સંબંધ નથી’ એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બાહેરથી પોતામાં સેર્યો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માંહીલી કોરે તે સેર્યના પાણીનો પ્રવેશ કરવા દે નહિ; અને જો ઉલેચાઈને ઠાલો થાય તો સેર્યનું પાણી બાહેરથી માંહી આવે. એવી રીતે આત્મસુખે કરીને માંહીલી કોરે પૂર્ણ રહેવું અને બાહેર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો, એ જ કામાદિક ને જીત્યાનો દ્રઢ ઉપાય છે; પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજ્યો”.
50. ગઢડા મધ્ય ૬( para.3)
અને વળી શ્રીજીમહારાજે બીજી વાર્તા કરી જે, “મનુષ્યમાત્રનું ચિત્ત કેવું છે ? તો જેમ મધ હોય અથવા ગોળ,સાકર, ખાંડ; તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોટી રહે અને મનુષ્ય જો હાથ અડાડે, તો માણસની આંગળીએ પણ ચોટી જાય, તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે, જે જે પદાર્થ સાંભળે તે તે પદાર્થમાં ચોંટી જાય છે. તે જો પથરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિક જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશમાત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે અને તે સાંભરી આવ્યું હોય તો તેનું પણ ચિંતવન કરે છે, એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય તથા કૂતરા, ગધેડા, ચાંડાળાદિક જે જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય, તેમ ચિત્તને વિષે અતિ નિર્મળપણું છે, તે જે પદાર્થ સાંભરે તે દેખાઈ આવે છે. એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે, ‘મારે વૈરાગ્ય નથી, તે માટે સ્ત્રીઆદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે.’ એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમે જે પદાર્થ આવ્યું, તે સહજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી, એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે જે, ‘ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે.’ અને જ્યારે જે પદાર્થનું ચિંતવન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાઈ આવે તેમ દેખાઈ આવે. તે માટે એમ જાણવું જે, ‘હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું,’ એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહિ. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું.”
51. ગઢડા મધ્ય ૧૩( para.3)
અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે; અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્ર ભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠાં છે; તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંઈ આસક્તિ રહે જ નહિ. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહિ, સહજે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે, તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ; અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિકરૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિષે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિષે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે,
52. ગઢડા મધ્ય ૧૭( para.4)
પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું જે, “જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્ત્વે સહિત સમજવું કે તત્ત્વે રહિત સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે સહિત સમજે છે, તે પણ પાપી છે અને જે તત્ત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે, તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્ત્વ છે કે નથી, એવું ચૂંથણું કરવું ગમે જ નહિ. ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન તે ભગવાન, એને વિષે ભાગ-ત્યાગ કર્યાનો માગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે.’ અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો અને જેને એવી એક મતિ હોય તેને સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જે પુરુષને ભગવાનને વિષે એવી દ્રઢ મતિ છે, તેને ભગવાન સર્વ પાપ થકી મૂકાવે છે. તે ભગવાને ભગવદ્ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે,
53. ગઢડા મધ્ય ૧૭( para.8)
અને પુરુષોત્તમ ભગવાન છે, તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે, તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા, તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિષે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિષે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમ જ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમ જ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્ર વિષે યોગ્ય-અયોગ્ય એવો ઘાટ ઘડે નહિ, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિષે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી.”
54. ગઢડા મધ્ય ૩૩( para.4)
પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, “એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશય દ્રઢ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો ત્રણ પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો, બળધિયા, પૈડાં, ધૂંસરી, ઊંધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે, તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે, ‘હું આત્મા છું, દેહ નથી;’ ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ. જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો. તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય; તેમ આ મન છે, તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી.’ એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ ત્રણ ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે, ‘એવી રીતે રાખવું ઘણું કઠણ છે.’ કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે, ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે, તે પણ કાપા પાડે છે; તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે, તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે ? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દ્રઢ કરીને રાખવા.”
55. ગઢડા મધ્ય ૩૫( para.2)
પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહિ. ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે. ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે, તે કહું છું જે, હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત્ દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મને આત્માનું ક્ષણમાત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે; એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે અને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ પર્યન્ત કરે તો પણ આત્માનું દર્શન થાય નહિ. એ તો ક્યારે થાય ? તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી; અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઈને રાખવી નહિ. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવા-સાંભળવા ને ભગવાનનું નામસ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વા’ણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું, તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ, તેમાં તો એટલું જ પ્રયોજન છે જે, ‘જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઈ વિધ્ન ન થાય.’ એટલું જ પ્રયોજન છે, પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય, એમ તો માનવું નહિ.
56. ગઢડા મધ્ય ૩૫( para.3)
અને વળી જગતમાં એમ વાર્તા છે જે, ‘મન હોય ચંગા તો કથરોટમાં ગંગા,’ એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહિ અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહિ. અને એવી રીતે સ્ત્રી-પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહિ. તે આ વાર્તા તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહિ. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય ? તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમાં રહે, તો એણે ધર્મમાં રહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે, તો એણે ધર્મમાં રહેવાય. અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવા અવસ્થાવાળી જે પોતાની મા, બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દૃષ્ટિ માંડીને ન જુવે, તો એણે ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામસ્મરણ કરવું, એ ચાર વાનાં જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ-સમૈયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ, બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી, બાઈ-ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યાં હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર - લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામસ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી, ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ. પણ એ ઘણાય આત્માને દેખતા હતા, તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહિ. અને વળી પરોક્ષ જે શ્રીકૃષ્ણ - રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમનાં જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સાંભળવા અને ગાવવા. અને એ ચાર વાનાંની દ્રઢતા થાય તેને અર્થે અમેશ્રીમદ્ભાગવતઆદિક આઠ ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે; માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને એ ચાર વાનાંની જ વાર્તા કરવી.
57. ગઢડા મધ્ય ૩૬( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય, તે જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય, તે જેમ પુત્રકલત્રાદિકમાં ચોટે છે, તેમ પરમેશ્વરમાં પણ ચોટે; માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે, અતિશય શૂરવીરપણું; તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે, તે વિચારે કરીને ઘાટમાત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે; તે જેના હૃદયને વિષે જન્મ, મૃત્યુ ને નરક ચોરાશી તેની બીક અતિશય રહેતી હોય, તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે; તે જે પુરુષ વૈરાગ્યવાન હોય, તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને, તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને, પછી તે આત્માને વિષે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે. અને એ ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય; પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડવૃત્તિ રહે નહિ. અને ભગવાનને વિષે અખંડવૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે.”
58. ગઢડા મધ્ય ૩૯( para.2)
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહિ, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે, તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે, પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે, તેનો દેહે કરીને સૂઝે એટલો યોગ થાય, તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાનાં અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મસ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે, ચૈતન્યરૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે, તેમાં સદા સાકારમૂર્તિ એવા શ્રીકૃષ્ણવાસુદેવ વિરાજમાન છે. ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી; એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા, તો પણ એ પ્રતીતિ ટળી નહિ. અને ચોથો એમ જે, જે કોઈ બાઈ-ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે જે, ‘આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે; પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી.’ તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ્ય પણ ન થાય; ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ્ય થાય. એ ચાર ગુણ અમારે વિષે સ્વાભાવિકપણે રહ્યા છે, તે કહ્યા; અને હવે તમે સર્વે કહો.” પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો.
59. ગઢડા મધ્ય ૪૩( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યુ જે, “જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો હોય.” ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યુ જે, “સત્તારૂપે રહ્યો એવો જે ભક્ત, તેને ભગવાનને વિષે પ્રીતિ છે, તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એ પ્રીતિ તો આત્માને સજાતિ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી, એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મસ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે.”
60. ગઢડા મધ્ય ૪૫( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વ મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી; ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્નમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાંખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.
61. ગઢડા મધ્ય ૪૫( para.3)
પછી તે જ દિવસ સાંયકાળે વળી સભા કરીને વિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,” સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મ કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે ને તામસ કર્મ કરીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમ આશંકા કરે જે, ‘રાજસ કર્મ કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે, ત્યારે તો સર્વ મનુષ્યને સુખ-દુઃખ સરખું જોઈએ.’ તો એનો ઉત્તર એમ છે જે, એક રજોગુણ છે, તેના દેશકાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે. માટે રાજસકર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી; એ તો જેવા દેશ, કાળ, સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ ને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. અને ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે; અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે, ‘ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું.’ અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે, ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે; અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે, તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યો હશે, ત્યારે એવા પ્રકાશને પામ્યા છે; અને દેવલોક, મૃત્યલોકને વિષે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે. માટે જે પોતાના આત્માનું રૂડું થવાને ઈચ્છે તેને તો સદ્ગ્રંથને વિષે કહ્યા જે સ્વધર્મ, તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો.”
62. ગઢડા મધ્ય ૫૦( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે; તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ, તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ, તેને વિષે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી; એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈકે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી; એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી, અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ, કર્મ, માયાનો શો ભાર છે ? એમ જાણીને એવી હિંમત બાંધી છે જે, ‘હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી.’ અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જે, જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતનાં સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહિ. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે, તે કહ્યું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી.
63. ગઢડા મધ્ય ૫૫( para.3)
અને અંતરમાં એમ વિચાર રહે છે જે, ‘આપણે તો દેહથકી પૃથક્ આત્મા છીએ, પણ દેહ જેવા નથી.’ અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે, આત્માને વિષે રખે રજોગુણ, તમોગુણ આદિક કોઈક માયાનો ભાગ ભળી જાય નહિ ! તેને ઘડીએ ઘડીએ તપાસતાં રહીએ છીએ. જેમ સાડા સોળવલું કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઈ જાય અને જો ધણીની લગારેક નજર ચૂકે તો સોની સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે. તેમ આ હૃદયરૂપી તો સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની છે; તે પોતે બેઠો થકો સંકલ્પરૂપી જે હથોડો, તેના અખંડ ટચટચ ટચકા મારતો રહે છે. અને જેમ સોનીનાં છોકરા-સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઈક સોનું ચોરી જાય; તેમ ઇન્દ્રિયો-અંતઃકરણ એ સર્વે માયારૂપે જે સોની તેના છોકરા-સ્ત્રી છે, તે કંચનરૂપ જે ચૈતન્ય તેને વિષે ત્રણ ગુણ તથા પંચવિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ, ક્રોધ, લોભાદિક એ રૂપ જે રૂપું તેને ભેળવીને જ્ઞાન-વૈરાગ્યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો તે સોનું બારવલું થઈ જાય છે અને પછી તે સોનાને તાવી તાવીને પાછું સોળવલું કરે તો થાય છે; તેમ આ જીવને વિષે રજ, તમ આદિક જે રૂપું ભળ્યું છે, તેને ગાળીને કાઢી નાંખવું ને પછી કંચનરૂપ જે એક આત્મા તે જ રહે, પણ બીજો માયિક ભેગ કાંઈ રહે નહિ.’ એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મંડ્યા છીએ; એ અમે અમારું અંગ છે, તે કહ્યું. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો.” પછી સંતમંડળે એમ કહ્યું જે, “હે મહારાજ ! તમારે વિષે તો માયિક ગુણનો ભેગ હોય જ નહિ, તમે તો કૈવલ્યમૂર્તિ છો; પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખ્યો જોઈએ.” પછી શ્રીજીમહારાજ “જય સચ્ચિદાનંદ” કહીને પોતાના ઉતારાને વિષે પધાર્યા.
64. ગઢડા મધ્ય ૫૬( para.2)
અને સાધુ દૂકડ-સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું જે, ‘ભગવાનને વિષે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે.’ પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્યા અને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો, ત્યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહિ; શા માટે જે, કાંઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે, તો પણ કાંઈક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય જે, ‘અંતે પાયો કાચો દેખાય છે.’ તે સારી પેઠે જો કોઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે, તેનું કાંઈ ઠેકાણું રહે નહિ. માટે એ સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાસે છે જે, ‘ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહિ.’ અને ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે, ‘જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય.’ અને સર્વે સદ્ગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે, ભગવાન છે, એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે. અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે, તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારુ જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકવીએ ત્યારે સૂધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે; તેમ જેને પંચવિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહિ. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારુ પંચવિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ, પણ ભગવાનને વિષે જે પ્રીતિ, તેમાં વિધ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહિ.”
65. ગઢડા મધ્ય ૫૭( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે, તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી. ને તે સત્તારૂપ આત્મા કેવો છે ? તો જેને વિષે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્દ્રિયો અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે, તે અજ્ઞાને કરીને જણાય છે, પણ જેણે જ્ઞાન-વૈરાગ્યે કરીને એનો સર્વે પ્રકારે નિષેધ કરી નાખ્યો છે, તેને તો એ આત્માને વિષે કોઈ જાતનું આવરણ નથી. અને એ આત્મારૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી; એ તો પોતાને આત્મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્મા છું, તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય?’ એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી. અને એ આત્માના પ્રકાશને વિષે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે; તેમ આત્માનો જે પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે.
66. ગઢડા મધ્ય ૬૦( para.2)
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે, તેમ કહીએ જે, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન; એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય જે, જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલ્યો જે વિક્ષેપ, તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય, તે તો ત્રણે અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી, તે થકી એમ જાણીએ છીએ જે, ‘ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી.’ અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય; તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહિ; અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખિયો થાય.
67. ગઢડા મધ્ય ૬૨( para.4)
એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે, “અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય, ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે, તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે, ‘હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે.’ અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.
68. ગઢડા મધ્ય ૬૩( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! દ્દૃષ્ટા ને દૃશ્ય મધ્યમાં જે વિચાર રહે છે, તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો-અંતઃકરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે, તે જીવનું જ છે; તે ઇન્દ્રિયો- અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા, તે આત્માપણે રહેવું; પણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.
69. વરતાલ ૮( para.2)
અને મુનિ દૂકડ સરોદા લઇને કીર્તન ગાવતા હતા. તે સમે શ્રીજીમહારાજે અંતર્દૃષ્ટિ કરીને ધ્યાનમુદ્રાએ યુક્ત થઇને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઇને બોલ્યા જે, “હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ જે, આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે વૃત્તિ રોકાય છે. માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્ત્વપ્રધાન છે. ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે. અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્યે બેસે. તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે, તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી, તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઇ રહે છે ને ક્યારેક તો અંતઃકરણને વિષે રહે છે ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્યે રહે છે. એમ વર્તતા થકા પૃથ્વીતત્ત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળતત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિતત્ત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુતત્ત્વપ્રધાન થાય ત્યારે લીલી જણાય, ને જ્યારે આકાશતત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશે યુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઇને જો દેવની પૂજા કરે, ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. તેમ પરમેશ્વરને વિષે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ; એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઇને પરમેશ્વરના સ્વરૂપને વિષે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઇ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે, પણ સુષુપ્તિમાં લીન થવું, એવી એ યોગીને નિદ્રા હોય નહિ.”
70. વરતાલ ૧૧( para.5)
પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “બ્રહ્મસ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહિ. અને જ્યારે એને મોટાપુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટાપુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય ને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો.” પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ; અને તેના વચન પણ સત્ય મનાય, એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”
71. વરતાલ ૧૭( para.3)
પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે, “એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે અને તે એમ જાણે છે જે, ‘અમે આત્મા છીએ,’ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ, વર્ણ, આશ્રમ; તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું; તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય. ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ. અને બીજા ત્યાગી સંત છે. તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે, ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે કહેશો જે, ‘જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય.’ તે ઉપર એ આશંકા છે જે, ‘પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીવે તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય.’ માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ન છે.” પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે કેવળ નિવૃત્તિધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે, તેને તો પરમેશ્વરે ક્હ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું. અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે જે, આ તો ત્યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂન પણ રહેવું નહિ, અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ; એ આદિક જે વિકાર, તેનો ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું, તો એને કોઈ જાતનું બંધન થાય નહિ. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે.”
72. વરતાલ ૨૦( para.3)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસિની આવી, ત્યારે જનકરાજા સુલભા પ્રત્યે બોલ્યા જે, “તું મારા ચિત્તને મોહ પમાડ્યાનું કરે છે પણ મારા ગુરુ જે પંચશિખ ઋષિ, તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ; એ બે મતને અનુસર્યો છું. માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે અને અર્ધું શરીર તરવારે કરીને કાપે, એ બેય મારે બરોબર છે અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્યે કહ્યું અને શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે જે, ‘ઈન્દ્રયોની વૃત્તિ અનુલોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિમાર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય, તો તે કોઈ રીતે વિકારને પામે નહિ.’ અને જેને જેવું જાણ્યું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય જે, આ તે સાર છે ને આ તે અસાર છે. પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે અને પોતાને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તે થકી નોખો આત્મારૂપે જાણે, પછી એને કોઈ એવુ પદાર્થ નથી જે, ‘મોહ પમાડવાને અર્થે સમર્થ થાય.’ કેમ જે, એ તો સર્વે માયિક આકારને તુચ્છ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ્ય બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિમાર્ગને વિષે સર્વે અનુલોમપણે વર્તતા હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે. એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય, પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહીત્યાગીનો કાંઇ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ, બ્રહ્માદિકને વિષે જે ખોટ્ય કહેવાય છે તેનું તો એમ છે જે, કેટલાકને વિષે તો આવી રીતની સમજણની કસર છે ને કેટલાકને વિષે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ્ય કહેવાણી છે. માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”
73. અમદાવાદ ૨( para.4)
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિષે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો; તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે ?” પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે, નિત્ય પ્રલય જે સુષુપ્તિ, ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ, ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય, તેમાં તો પ્રકૃતિ પર્યન્ત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે. અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે, અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેને પોતપોતાની ઉપાધિ વળગે છે. અને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો, તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને જો એ કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે, પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો. માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે.”
74. અમદાવાદ ૩( para.3)
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યુ જે, “ઉપશમદશા પામ્યાનો તમે કહ્યો જે આત્મારૂપે થઈને ભગવાનના ધ્યાન કરવા રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે. માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય, અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા-ચાકરી, દર્શન કરવું; તેમાં અતિશય વેગવાન્ શ્રદ્ધા વર્તતી હોય, એવો જે ભગવાનનો ભક્ત, તેને એ ઉપશમદશા આવે છે. પણ અમને એમ ભાસે છે જે, ‘જે સેવક માની હશે તે તો કોઈને નહિ ગમતો હોય.’ અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી, તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, તેમ માની સેવકને પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય. માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો.”
75. ગઢડા અંત્ય ૧૪( para.12)
પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “મનમાં તો એમ નિશ્ચય છે જે, દેહ પર્યન્ત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે; તો પણ એમ જાણીએ છીએ જે, પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહિ; તથા વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે; ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે જે, જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશમાત્ર ફેર પડે તો અતિશય દુઃખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે. અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુઃખાય ને ત્રાસ પામે. ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે, ‘આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહિ.”
76. ગઢડા અંત્ય ૧૯( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે, તે આ સત્સંગને વિષે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ. અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે, જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ જે, ‘હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી.’ અને દેહના સંબંધી છે તે તો ચોરાશી લાખ જાતની હારે ગણ્યા જોઈએ, અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું માહાત્મ્ય સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનું હરિભક્તપણાનું માહાત્મ્ય સમજે, પછી ભગવાન અને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાય જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે, તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા-ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિષે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય, તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવાચાકરીરૂપ સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય, તો પણ તેમાં તે પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે જે, પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમ જ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે. એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યા-માયારૂપ થયું. એવી રીતે જે જે ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંતમંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જે, જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે, તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે, તો તેણે પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજ્યો.”
77. ગઢડા અંત્ય ૨૧( para.3)
અને અમારો પણ મત એ છે જે, ‘ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથીં.’ અને અમને એમ જણાય છે જે, ‘જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન, પર્વત ને જંગલ; એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે; તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદ કરી જીતીને રાજી થવું નહિ, એ સાથે તો હારીને જ રાજી થવું; અને જે વાદવિવાદ કરીને ભગવાનનાં ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન-જળ પણ ભાવે નહિ. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે, આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ, તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.
78. ગઢડા અંત્ય ૨૪( para.5)
અને વળી જે હરિભક્તને વિષે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ જે, “દાદાખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ. અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી, તથા અમારો વિશ્વાસ એ અંગ. અને સોમલા ખાચરને સદા એકરે’ણીપણું એ અંગ અને ચૈતન્યાનંદસ્વામીને એમ જે, ‘કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક,’ એ અંગ. અને સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે, ‘ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહિ !’ એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહિ એવું અંગ.” એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા.”
79. ગઢડા અંત્ય ૨૬( para.3)
પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”
80. ગઢડા અંત્ય ૨૬( para.4)
પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ તે શું ? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડાં હોય ને બીજા આગળ પોતાની મોટ્યપ વધાર્યા સારુ ઉપરથી તો તેને બહુ જણાવે, તે ન ગમે. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે, એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને, તે ન ગમે. અને હવે જે ગમે તે કહીએ છીએ જે, ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે, ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા, તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દૃઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહિ, એવો જે હોય તે અમને બહુ ગમે.” એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા.
81. ગઢડા અંત્ય ૨૭( para.8)
અને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ, તે વાર્તાએ કરીને જેવું એનું સુખ છે તેવું જ સુખ તો આવતું નથી. અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિએ કરીને જાણ્યામાં આવે છે તથા દેહ મૂક્યા કેડે જાણ્યામાં આવે છે, પણ કેવળ વાર્તાએ કરીને જાણ્યામાં આવતું નથી. જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે, પછી તે સુખને મુખે કરીને વખાણ કરે જે, ‘બહુ સારુ રૂપ દીઠું,’ ત્યારે તે સુખનો અનુભવ જેવો નેત્રને થયો તેવો મુખને ન થયો. તથા શ્રવણે કરીને શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધને સૂંઘ્યો, ત્વચાએ કરીને સ્પર્શ લીધો, જિહ્વાએ કરીને રસ ચાખ્યો, પછી તે તે સુખના વચને કરીને વખાણ કરે જે, ‘બહુ સારો ગંધ હતો, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો,’ એમ કહ્યું તો ખરું, પણ જેવી રીતે તે તે ઇન્દ્રિયોને તે તે સુખનો અનુભવ થયો તેવો વચને ન થયો. તેમ સમાધિએ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય છે ને આનંદ થાય છે તથા આત્માના સુખનો અનુભવ ને આનંદ થાય છે તેવો એની કેવળ વાત કરે, તેણે કરીને થતો નથી. અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનન ને નિદિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય ને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કરીને જેવો એ બેનો અનુભવ ને આનંદ થાય તેવો જ થાય. માટે એ બેની વાર્તા સાંભળીને એનું મનન ને નિદિધ્યાસ કરવો.”
82. ગઢડા અંત્ય ૨૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે; એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે, ‘ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન-પાન આદિક જે પંચવિષયના સુખ તેને પામીએ.’ પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, ‘એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે; માટે એ સુખ પણ ખરું છે.’ પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારુ જ્ઞાન-વૈરાગ્યે સહિત ભગવાનની ભક્તિ કરવી. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે, ‘સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત્ લેશ છે.’ એમ ભગવાનને માહાત્મ્યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ. અને ‘એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે.’ એમ મોક્ષધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બેય પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે.”
83. ગઢડા અંત્ય ૩૩( para.2)
પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ આગળ એમ વાર્તા કરી જે, “ધન, દોલત, સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહિ અને એને અર્થે કોઈને વિષે આસ્થા આવે નહિ, એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય, પણ ઝાઝા હોય નહિ.” એમ કહીને વળી બોલ્યા જે, “એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહિ. અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે ? તો જે એમ સમજતો હોય જે, ‘આ દેહથી નોખો જે આત્મા તે હું છું ને તે હું પ્રકાશમાન-સત્તારૂપ છું ને તે મારા સ્વરૂપને વિષે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકારમાત્ર તે અસત્ય છે ને અનંત દોષે યુક્ત છે. એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહિ, પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમ જે, એ એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોનામહોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય, તો એ ત્યાગી છે તોય પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહિ. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઊતરતો હશે, તે જેવા પણ રહે કે ન રહે, એમાં પણ સંશય છે. કેમ જે, એ પદાર્થનો તો યોગ જ એવો છે. જેમ આ આપણ સર્વ બેઠા છીએ, તે કેવા ડાહ્યા છીએ ! પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ ઠા રહે નહિ; તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહિ. માટે એ પદાર્થનો યોગ જો ન થવા દે તો એ એથી બચે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે જે, ‘રખે મને એનો યોગ થાય ! અને એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે, ‘એનો સંગ તો એક ભગવાનને ન લાગે.’ તે કહ્યું છે જે, ‘ऋषिं नारायणमृते’ તથા ‘येऽन्ये स्वतः परिहृतादपि बिभ्यति स्म । “
84. ગઢડા અંત્ય ૩૬( para.2)
પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો જે, “આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે, જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહિ? તે કહો. તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે, જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય ? તે પણ કહો.” પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે, શ્રીપુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકારમૂર્તિ સમજવા, ને તેના જ સર્વે અવતાર છે, એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી, ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિષે મોટું વિઘ્ન એ છે જે, ‘શુષ્કવેદાંતીનો સંગ કરવો.’ અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય ? તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને, તેને વિષે હેત થાય. અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે, જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જિવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. તેમ તે શુષ્ક વેદાંતી તે એને એમ ગુણ દેખાડે જે, ‘ આત્મા છે તેને જન્મમરણ નથી ને તે નિરાકાર છે અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે.’ એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાંખે ત્યારે એને એ મોટું વિઘ્ન થયું. કેમ જે, ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. માટે એ શુષ્ક વેદાંતીનો સંગ ક્યારેય ન કરવો, અને એ શુષ્ક વેદાંતી તો મહાઅજ્ઞાની છે, ને ભગવાનના ભક્તિમાર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી.”
85. ગઢડા અંત્ય ૩૬( para.3)
એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે, “અમે સર્વ શાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા ને તેને વિષે ઘણાક સિદ્ધ દીઠા છે.” એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા જે, “હું તો એમ જાણું છું જે, ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન, તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહિ ને ઉપાસનાએ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહિ. અને ઉપાસના વિના આત્મા-બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે ? તો, જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો, ખારો સ્વાદ આવે જ નહિ, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહિ. તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે; પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી. માટે એ વાર્તા ખોટી છે.”
86. ગઢડા અંત્ય ૩૯( para.3)
અને ભગવાનનો જે ભક્ત હોય, તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના માહાત્મ્યનું બળ, એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક્ જાણવો. અને સાધુ ભેળા રહેતા હોઈએ, તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહંમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય, ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે; તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાના દેહથી પૃથક્ આત્મા જાણવો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યનાં કિરણ તે તો જડ છે. કેમ જે, તેને આંગળી અડાડીએ તો ખસે નહિ અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે. અને એને સૂર્ય, અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે. અને એમ કહેવાય છે જે, ‘જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે.’ અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી, જેવો છે તેવો ને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે આપણને એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે ? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું.
87. ગઢડા અંત્ય ૩૯( para.6)
અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચવિષય સંબંધી સુખમાં કદાચિત્ બંધાઈ ગયો હોય, તો પણ તેમાં બંધાઈ રહે નહિ, તેને તોડીને નીકળે જ રહે છે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું ? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાંખ્યો હોય, તો તેની તેને બહુ દાઝ્ય થાય ને તે દાઝય થતી હોય ને વળી તેનો દીકરો મારી નાંખે ને વળી ભાઈને મારી નાંખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને વળી ગામગરાસ ઝૂંટી લે; એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાઝ્ય થાય ને જાગ્રત, સ્વપ્નમાં સર્વકાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપત્કાળ પડે તો તેને વિષે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી, ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેળે દેહથી બાહેર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય, તેને ઇન્દ્રિયોને વિષયભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય. કહેતાં વિષયભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે. અને સત્સંગી પણ એને જ કહીએ; કેમ જે, સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો, તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગરગમાં પ્રવર્તી જાય અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે, ત્યારે તેને તો કાનથી બાહેર જ નીકળી જાય, પણ હૃદયમાં ઊતરે નહિ. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય, તે તેના પેટમાં રહે જ નહિ વમન થઈ જાય. ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય, તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહિ, ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ, તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહિ ને માણસ જેવો જે દૈવી જીવ, તેના હૃદયમાં ઊતરે ને રગરગમાં વ્યાપી જાય.
88. ગઢડા અંત્ય ૩૯( para.7)
અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. અને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. ને જો એ ભગવાન જેવા જ થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે, એક ભગવાન કહેશે, હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે, હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે, હું વરસાદ કરીશ ને બીજો કહેશે, હું નહિ કરું; ને એક કહેશે, હું માણસના ધર્મ પશુમાં કરીશ ને બીજો કહેશે, હું પશુના ધર્મ માણસમાં કરીશ; એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓને, જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વ ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી ! માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વના સ્વામી એક જ ભગવાન છે. તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે પણ બીજો એ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડીક છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે, તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહિ. અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી, તેને સાંભળીને ને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય, તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા થતી જાય. અને આ વાત અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા તથા સિદ્ધાઈ જણાવવા સારુ નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે, અમારે સ્ત્રી-ધનાદિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચવિષયનો ભારે યોગ છે. તથા સુરત, અમદાવાદ, વડોદરે, વરતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે તથા વાજતે-ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે તથા ભારે વસ્ત્ર, વાહનાદિકનો યોગ થાય છે. એ સર્વે છે તથાપિ પોતાના આત્મા સામી દૃષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના માહાત્મ્ય સામી દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે તે સર્વનું અતિ તુચ્છપણું થઈ જાય છે, ને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી ને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે, તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારુ એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે, તો તેને કદાચિત્ એવો કોઈક યોગ થઈ જાય, તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે.” એવી રીતે શ્રીજીમહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારુ પોતાનું વર્તન લઈને વાર્તા કરી અને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.
(કુલ: 204)