ઉપશમ

ઉપશમ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ઉપશમ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૬૫ ( para.4)

પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે?” ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જાગ્રત અવસ્થાને વિષે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિષે લક્ષ થાય છે; ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે, અને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્નને વિષે ભગવાનની મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય, અને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતે કરતે ઉપશમપણે કરીને લક્ષ થાય છે ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રતનો ને સ્વપ્નનો લય થાય છે,” એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો.

2. સારંગપુર ૧૬ ( para.2)

પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રીનરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડનાં સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.’ ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો તે શ્રીમદ્‌ભાગવતના પંચમ સ્કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા.’ કેવી રીતે ? તો આ ભરતખંડને વિષે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને પોતાને વિષે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્યાં સુધી બદરિકાશ્રમને વિષે રહ્યા છે; અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષરબ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”

3. લોયા ૮ ( para.10)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું; તે ક્યા વિચારે કરીને થાય છે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “જે ચંચળ હોય તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું.” એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણવું; ને માહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે.”

4. અમદાવાદ ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય, અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે, અને બીજા સર્વે મૂળ ઊખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે, એ જ એને જન્મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મમરણના હેતુ નથી ? એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય, તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી, ઘોડા, વૃક્ષ સર્વે તણાઈ જાય, પણ કોઈ ઠરી શકે નહિ, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય, પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિષે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિશરી જાય છે, તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જે આ સંસારને વિષે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય. ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય, ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને માર્યે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહિ, અને એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય, પણ પંચવિષયમાં એકે સુખ આવે નહિ. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમદશાને પામ્યો છે તેને પંચવિષય કેમ બાધ કરે ? ન જ કરે. માટે જે ઉપશમદશાને પામ્યો તેને પંચવિષય જન્મ મરણના હેતુ થતા નથી.”

5. અમદાવાદ ૩ ( para.3)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યુ જે, “ ઉપશમદશા પામ્યાનો તમે કહ્યો જે આત્મારૂપે થઈને ભગવાનના ધ્યાન કરવા રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે. માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય, અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા-ચાકરી, દર્શન કરવું; તેમાં અતિશય વેગવાન્ શ્રદ્ધા વર્તતી હોય, એવો જે ભગવાનનો ભક્ત, તેને એ ઉપશમદશા આવે છે. પણ અમને એમ ભાસે છે જે, ‘જે સેવક માની હશે તે તો કોઈને નહિ ગમતો હોય.’ અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી, તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, તેમ માની સેવકને પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય. માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો.”

(કુલ: 13)