( para.3)
અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.
4. લોયા ૧૭( para.5)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે માહાત્મ્ય તે શું ? તો ‘જે ભગવાનની બીકે કરીને ઈન્દ્ર વર્ષે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે; પૃથ્વી સર્વને ધારી રહી છે; સમુદ્ર મર્યાદા નથી લોપતો; ઔષધિઓ ઋતુને પામીને ફળે છે; અને જે ભગવાન જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયને કરે છે; અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે.’ એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે, તે બંધન કરે ? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે, એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ‘ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથાવાર્તાને વિષે માલ છે અને અક્ષર તે આવું છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવું કયું પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું; તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ; તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે.
5. ગઢડા મધ્ય ૧૬( para.9)
પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, “તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત્ કથાવાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઈત્યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારુ સ્નાનાદિક જે પોતાની દેહક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે. અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય. અને મોટો માણસ હોય તો પણ ભગવાનનાં દર્શન સારુ બાળકની પેઠ્યે આકળાઈ કરવા માંડે. એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે. અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય, તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે, ‘આની ઇન્દ્રિયોના વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે.’ અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહિ પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે, વાયુ વાય છે. તેમ ઇન્દ્રિયોની વૃત્તિયો દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે અને જો કપટે કરીને ઢાંકવા જાય, તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેની ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહિ.”
6. ગઢડા મધ્ય ૫૫( para.2)
પછી તે મુનિ કીર્તનભક્તિ કરી રહ્યા, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું; તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે, તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું; એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઈત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ; એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતા ફરતા શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા અને પછી શ્રીરામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થમાત્ર છે, તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે, ‘આ સારુ પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે.’ જેટલાં માયિક પદાર્થમાત્ર છે, તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો-નરસો સહુ એક પાડમાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કાંઈક સારુ-નરસું જે કહીએ છીએ, તે તો ભગવાનના ભક્તને સારુ લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારુ ભોજન છે, આ સારુ વસ્ત્ર છે, આ સારુ ઘરેણું છે, આ સારુ ઘર છે, આ સારુ ઘોડું છે, આ સારાં પુષ્પ છે; તે ભક્તને સારુ લાગે તે સારુ કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે, તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે; એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા સાઠ્ય-સિત્તેર વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય, ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય; તેમ અમારે પણ ખાતાં-પીતાં, ઘોડે ચઢતાં, રાજી-કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે.
(કુલ: 6)