કર્મફળપ્રદાતાકર્મફળપ્રદાતા
(વચનામૃત ૧ થી ૨૬૨ માં "કર્મફળપ્રદાતા" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા મધ્ય ૨૧ ( para.4)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, જીવને સ્વપ્ન અવસ્થાને વિષે જે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે, તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિષે એ સૃષ્ટિને સૃજે છે ? અને જેમ જીવને છે તેમ જ સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે, તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે; તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે પોતે સંકલ્પે કરીને સૃજે છે? કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સૃજે આપે છે ? એ પ્રશ્નનો ઉત્તર કરો.” પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્નસૃષ્ટિને સૃજતા નથી અને પોતે પણ સ્વપ્નસૃષ્ટિ રૂપે થતા નથી; એ તો એ જીવ-ઈશ્વર થકી પર જે પરમેશ્વર
કર્મફળપ્રદાતા છે તે એ જીવ-ઈશ્વરનાં કર્મને અનુસારે કરીને એ સ્વપ્નસૃષ્ટિને સૃજે છે. એ સ્વપ્નસૃષ્ટિને વિષે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે, તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે; કેમ જે, કંઠ દેશ છે તે એવો જ છે જે, એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે. જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે; તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે, અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે, અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે, અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે; અને મૂર્ખ હોય તે તો જે કોઈ એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે, અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે, પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવડે; અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય, તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વના પ્રેરક છે અને પોતાની ઈચ્છાએ કરીને દેશકાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુમા ચક્ર છે, તે ધ્રુવમંડળને આધારે છે અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, તેમાં દીવાન હોય તથા વજીર હોય; તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે પણ ન ચાલવા દે ત્યારે એક અણુમાત્ર પણ ન ચાલે; તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે પણ પરમેશ્વરના ગમતા બહાર અણુમાત્ર પણ ન ચાલે. માટે સર્વ કર્તા તે પરમેશ્વર જ છે.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દરબારમાં પધારતા હવા.
2. વરતાલ ૬ ( para.2)
પછી ચીમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિસમયને વિષે એ જીવોને સ્થૂળ, સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિકરૂપ જે વિચિત્રપણું થયું, તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું, એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું, એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે; માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન તમને પૂછતા આવડયો નહિ. કેમજે, જે કારણ શરીર છે તેને વિષે સ્થૂળ, સૂક્ષ્મ એ જે બે દેહ, તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે અને જેમ પૃથ્વીને વિષે બીજ રહ્યાં છે. તે વર્ષાકાળે જળના યોગને પામીને ઊગી નીસરે છે, તેમ માયાને વિષે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ, તે ઉત્પત્તિકાળને વિષે ફળપ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દૃષ્ટિને પામીને પોતપોતાનાં કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કર્તા કહે છે, પણ પરમેશ્વરને
કર્મફળપ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, એ તો જે સમે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ. કેમ જે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ, તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પમાત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા અને જેટલાં મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ, જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સત્યયુગ, ત્રેતાયુગની રીત તે સર્વે સત્યયુગ, ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે, ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એકકાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું ? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થી છે, તેણે જીવના શુભ કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહિ, કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે, એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે, ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વકર્તા કહે છે, પણ એમ નથી જાણતા જે, એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રકટ થાય છે જે, ‘આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય, તે સર્વનું કલ્યાણ કરવું છે.’ ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહિ, ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના, તેણે ભગવાનને ઝેર પાયું. તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું.”