( para.3)
અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગયોગે કરીને થાય છે. તે અષ્ટાંગયોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે. અને અષ્ટાંગયોગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિષે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિષે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિષે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી, તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે અમે કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા; અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે, નાવું, ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવે જ નહિ; તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહિ. કેમ જે, એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે, ‘હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી.’ એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહિ અને પોતાને વિષે અકૃતાર્થપણું પણ માનવું નહિ. અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહિ અને જો છકી જઈને જેમ-તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજ પોતાના આસન ઉપર પધાર્યા.
4. ગઢડા પ્રથમ ૨૯( para.3)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે, તે એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું ? કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું ? કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ને કરીને થયું ?’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૂર્વને સંસ્કારે કરીને જે સારુ અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે, જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ, એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે, ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું.” પછી શ્રીજીમહારાજે પોતાની વાત કરી જે, “અમે જે જે સાધન કર્યા હતા તેને વિષે કોઈ રીતે દેહ રહેજ નહિ ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું ? તો અમે શ્રીપુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણ-ચાર ગાઉના પહોળા પટવાળી એક નદી હતી તેને વિષે એકવાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિષે છાયા વિના એક કૌપીનભર રહેતા તથા ઝાડીને વિષે વાઘ, હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા, એવા એવા અનંત વિકટ ઠેકાણાં તેને વિષે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહિ, ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. અને જેમ સાંદીપનિ નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ. એવી રીતે અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષપ્રયત્ન કહીએ.” એમ વાત કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા.
5. ગઢડા પ્રથમ ૪૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ.” ત્યારે સર્વ મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જે, ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિંધો ! હે શરણાગત પ્રતિપાલક! કુસંગી થકી મારી રક્ષા કરજ્યો.’ તે કુસંગી ચાર પ્રકારના છે. એક કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્કવેદાંતી અને ચોથા નાસ્તિક. એ ચાર પ્રકારના કુસંગી છે, તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ-માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે અને જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ-ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરી પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે માટે ભગવાનની પાસે માગવું જે, ‘એ ચાર પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહિ.’ અને વળી એમ પ્રાર્થના કરવી જે ‘હે મહારાજ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજ્યો અને નિત્યે તમારા ભક્તનો સમાગમ દેજ્યો.’ એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું.”
6. ગઢડા પ્રથમ ૫૧( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈ પ્રશ્ન પૂછો.” પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ, તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય; માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે ?” પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે, “એ જ પ્રશ્ન છે, તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થરૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે, માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્વિકાહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્ત્વ જ છે. અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન-પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટિ પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે; તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થતું.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.
7. ગઢડા પ્રથમ ૬૧( para.4)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, ‘એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે ?’ એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુવે છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. “જેમ વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકના બે પગલા કર્યા અને ત્રીજા પગલા સારુ તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તો ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તો પણ ભક્તિ થકી પડ્યો નહિ. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થતા નથી.” એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું, અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. શા માટે જે પોતે, ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે. તે જેની પોતાને વિષે અતિદ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ‘ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહિ રહે.’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહિ.”
8. ગઢડા પ્રથમ ૬૪( para.2)
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે; એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર; તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે ? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે, અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિસમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન, તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દૃશ્ય એવા જે દેહ; એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિદ્રઢ કરીને રાખજ્યો.”
9. ગઢડા પ્રથમ ૬૫( para.5)
પછી વળી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને વિષે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ, અને ઈચ્છાશક્તિ છે તે કેમ સમજવી?” ત્યારે શ્રીજીમહારાજ હસીને બોલ્યા જે, “એનો ઉત્તર તો તમને પણ નહિ આવડતો હોય.” એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા જે, “આ જીવ જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે. અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે. અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જડ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે, ‘હું પંડિત છું કે મૂર્ખ છું, કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે, કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે કે આવો મારો આશ્રમ છે, કે આ મારું નામ છે કે આ મારું રૂપ છે, કે હું દેવ છું, કે મનુષ્ય છું, કે બાળક છું, કે વૃદ્ધ છું, કે ધર્મિષ્ઠ છું, કે પાપિષ્ઠ છું,’ ઈત્યાદિક પ્રકારનું જ્ઞાન રહેતું નથી. અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાનશક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે તેને જ્ઞાનશક્તિ કહીએ. અને એ જીવ જે જે ક્રિયાને વિષે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ. અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે. તે પરમેશ્વરની ઈચ્છા શક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઈચ્છાશક્તિ કહીએ. અને એ જીવને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી. એ તો એને કર્મના ફળપ્રદાતા જે, પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે. કેમ જે, આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઈચ્છે જે, મારે સ્વપ્નમાં જવું છે, તો એની વતે સ્વપ્નમાં જવાય નહિ, શા માટે જે, ફળપ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિયોને રૃંધી રાખે છે. અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં અવાય નહિ, અને સુષુપ્તિમાં પણ જવાય નહિ, અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહિ. એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિષે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિ તે રહી છે.” એમ શ્રીજીમહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો.
10. ગઢડા પ્રથમ ૭૧( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે. તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામ કૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઈત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.”
11. ગઢડા પ્રથમ ૭૮( para.9)
પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે તેનો શો હેતુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અક્ષરાતીત ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે, ‘જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો.’ એમ ધારીને સત્યસંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે.”
12. સારંગપુર ૧૧( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિષે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે “निरंजनः परमं साम्यमुपैति” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”
13. સારંગપુર ૧૧( para.3)
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનનાં ધામ છે; તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને “अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्” એ શ્લોકનો પણ એજ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાશીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહિ જ પામે.”
14. સારંગપુર ૧૧( para.4)
પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “આ દેહે કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ખબડદાર થઈને મંડે તો આ ને આ દેહે જ સર્વે કસર મટી જાય અથવા દેહ પર્યન્ત કસર ન મટી હોય અને અંત સમે જે નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે, માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી.”
15. સારંગપુર ૧૪( para.4)
પછી શ્રીજીમહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો જે, “સ્થૂળ શરીર તે કેટલા તત્ત્વનું છે ? અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્ત્વનું છે ? અને સ્થૂળદેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્ત્વ છે કે કાંઈ ઓછાં અધિક છે ? એ બે શરીરનું રૂપ કરો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ. પછી સર્વે મુનિ બોલ્યા જે, “હે મહારાજ! એનો ઉત્તર તમે કૃપા કરીને કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે પાંચ તત્ત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ એ નામે જે ઓગણીસ તત્ત્વ તેનું છે. અને તે સ્થૂળ દેહને વિષે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસ્યૂતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. કેમ જે, કાન, નેત્ર આદિક જે ઇન્દ્રિયોના ગોલક, તેમણે યુક્ત એવો જે સ્થૂળદેહ તેને વિષે તે તે ઇન્દ્રિયાદિકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ, તે ભળે છે, તેણે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કરીને થતું નથી. તે માટે પંચ તત્ત્વનું જે સ્થૂળ દેહ તેને વિષે ઓગણીસ તત્ત્વનું જે સૂક્ષ્મદેહ તે અનુસ્યૂતપણે રહ્યું છે, તે સારુ સ્થૂળ દેહને વિષે પણ ચોવિશ તત્ત્વ છે. અને તેમ જ સૂક્ષ્મદેહને વિષે પણ પંચ તત્ત્વનું જે સ્થૂળદેહ તે એકત્વપણે વર્તે છે ત્યારે જ સૂક્ષ્મદેહના ભોગ સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મદેહ ઓગણીસ તત્ત્વનું છે તેને વિષે પંચતત્ત્વનું સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મદેહ પણ ચોવિશ તત્ત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિષે ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે.”
16. સારંગપુર ૧૬( para.2)
પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રીનરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડનાં સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.’ ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો તે શ્રીમદ્ભાગવતના પંચમ સ્કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા.’ કેવી રીતે ? તો આ ભરતખંડને વિષે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને પોતાને વિષે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્યાં સુધી બદરિકાશ્રમને વિષે રહ્યા છે; અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષરબ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”
17. કારિયાણી ૧( para.5)
પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાન તો મન-વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તે કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે; અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે, ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ; એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહત્તત્ત્વ થયું અને મહત્તત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્ત્વે મળીને રચ્યો એવો જે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બેય જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, અને જે કાળ તે એ માયાદિક તત્ત્વને નામ રૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ, તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન તે જે તે એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે ? એ તમારો પ્રશ્ન કે નહિ?” ત્યારે સૌએ કહ્યું જે, “હે મહારાજ ! એજ પ્રશ્ન છે” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી, કાં જે, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે - “बुद्धीन्द्रियमनः प्राणान् जनानामसृजत्प्रभुः। मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च ।।” એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા, તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે.’ માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે. તે પણ જીવને અર્થે કરે છે; કાં જે, નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે ? એ તો આવે જ.” એમ શ્રીજીમહારાજે કહ્યું.
18. લોયા ૬( para.6)
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે ના’વા જવું નહિ, ને પાસે પથારી કરવી નહિ, ને તેની વાત પણ ન સાંભળવી ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે, ‘શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે ? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહિ તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આ જ દેહે કરીને શું કલ્યાણ થાય છે ?’ એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને જે એમ કહેતો હોય જે, ‘આ ને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ. ને કામ, ક્રોધ, મદ, મત્સર, માન ઈત્યાદિક દોષનો શો ભાર છે ? ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું.’ એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય, તેનો સંગ સર્વ પ્રકારે કરવો.”
19. લોયા ૧૦( para.10)
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “હે મહારાજ! હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “માયા તો કેવળ દુઃખદાયી છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયામાંથી ઊપજ્યા એવા જે સત્ત્વ, રજ અને તમ; એ ત્રણ ગુણ, તેમાં જે સત્ત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, ‘सत्त्वं यद्ब्रह्मदर्शनम् ‘ તથા સત્ત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમ દમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે ? અને વળી એકાદશસ્કંધમાં કહ્યું છે જે, “विद्याविद्ये मम तनू विद्धयुद्धव ! शरीरिणाम् । बंधमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते ।।” માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે ?” પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર અમથી થાય નહિ, એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે. અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે, તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે.”
20. લોયા ૧૫( para.2)
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, “આ જીવ છે તે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વ દેહમાં નખ-શિખા પર્યન્ત વ્યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્દ્રિયોરૂપે કરીને જીવનું ભોક્તાપણું છે, પણ દેવતા-ઇન્દ્રિયોથી પૃથક્પણે ભોક્તા નથી.”
21. લોયા ૧૫( para.6)
ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે, તે પુરુષરૂપે કરીને રહ્યા છે કે અક્ષરરૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ; એ સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહિ અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે, ‘આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે.’ એવી રીતે એ સર્વેને પૃથક્પણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક્ દેખવાને અર્થે સમર્થ થાય નહિ. માટે એ ભગવાન સૂઝે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે.”
22. પંચાળા ૩( para.3)
પછી શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે, “કીર્તન ગાઓ.” પછી, ‘સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા રે’ એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો, અને કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો જે, ‘હેત મોટી વાત છે અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે’ પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે, ‘હેત છે તે જ ભગવાનની માયા છે.’ કેમ જે, સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય, તેમાં બીજી રીતનું હેત છે; અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુવે, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે; અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિષે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું; તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય, ઈત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસૃતિ ને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ જે પંચવિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી.’ પછી વળી તેમાં પણ વિચાર થયો જે, એ પણ ઠીક નહિ; કાં જે, ભગવાનનાં રૂપ કરતા અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિષે જણાય તો ભગવાનને મૂકીને તેને વિષે હેત થઈ જાય. જેમ સોળ હજાર ને એકસો જે શ્રીકૃષ્ણભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માન્તરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે ‘હે મહારાજ ! અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો; માટે એવી કૃપા કરો જે, એ અમારા પતિ થાય.’ પછી બ્રહ્માએ કહ્યું જે, ‘તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે.’ ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદમુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો જે, ‘તમારા પતિ નારાયણ થશે.’ એવી રીતે જન્માન્તરે ઘણુંક તપ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પામી હતી, પણ જો ભગવાન કરતા સાંબને વિષે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહિ; અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું ? તો જે ચોવિશ તત્ત્વ છે તે થકી પોતાના જીવને પૃથક્ જાણવો, ને તે જીવને વિષે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિયો તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવસત્તાપણે રહ્યાં થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું ? જે દશ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણ ને દેવતા તે સત્ત્વ ગુણની સંપત્તિ છે અને પંચભૂત ને પંચવિષય તે તમોગુણની સંપત્તિ છે; તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક્ માનીને કેવળ જીવસત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવા નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. તે કહ્યું છે જે, ‘नैर्गुण्यस्था रमन्ते स्म गुणानुकथने हरेः’ તથા “परिनिष्ठतोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।”
23. પંચાળા ૪( para.3)
તે એ ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઇચ્છે ત્યારે તો આવી રીતે દિવ્યરૂપ અગોચર થકા પોતાના અક્ષરધામને વિષે રહ્યા છે અને એ ભગવાન મહારાજાધિરાજ છે ને દિવ્યરૂપ એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્ષદ તેણે યુક્ત છે ને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય, તેનું સૂર્યના ઉદય-અસ્ત સુધી રાજ્ય હોય અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યો હોય ને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ; એ ત્રિલોકીના રાજ્યને કરતો હોય. જેમ અર્જુન હતા તે એને એ દેહે કરીને સ્વર્ગને વિષે ઈન્દ્રાસનને ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા તથા નહુષ રાજા પણ ઈન્દ્ર થયો હતો. એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલાં ગામ છે તેની ગણતી થાય નહિ, એ તો અસંખ્ય છે; તથા ગામ ગામના જે પટેલ, તેની પણ ગણતી થાય નહિ. અને તે ગામ-ગામના અસંખ્ય પટેલ, તે એના દરબારમાં અરજ કરવા આવતા હોય. અને તે રાજાના ધન, માલ, ભોગ, સ્થાનક, સમૃદ્ધિ તે પણ ગણતીમાં આવે નહિ, તેમ એ ભગવાન અસંખ્ય કોટિ જે બ્રહ્માંડરૂપ ગામ તેના રાજાધિરાજ છે. અને એ બ્રહ્માંડરૂપ જે ગામ, તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય, તેને તે ગામની સર્વે પ્રજા તે આવીને નમે ને આજ્ઞામાં રહે, ને તે પટેલ રાજાને નમે; તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા, વિષ્ણુ, શિવ છે તે મોટેરા છે ને બીજા જે બ્રહ્માંડમાં દેવ, દૈત્ય, મનુષ્ય, ઋષિ, પ્રજાપતિ તે એને ભજે છે ને આજ્ઞામાં રહે છે; ને બ્રહ્મા, વિષ્ણુ, શિવ; તે ભગવાન પુરુષોત્તમને ભજે છે ને આજ્ઞામાં વર્તે છે. તે એ બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરે છે જે, ‘હે મહારાજ! કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો.’ જેમ કોઈ ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઇને પ્રાર્થના કરે જે, ‘હે મહારાજ ! હું ગરીબ છું, તે તમે મારે ઘેર પધારો. મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ.’ તેમ બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરે છે જે, ‘હે મહારાજ ! તમે અમને દયા કરીને દર્શન દ્યો, ને અમારા બ્રહ્માંડમાં પધારો.’ ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે. તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે ને તેવી રીતે વર્તે છે. જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી જ ચેષ્ટા કરે છે તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુની પેઠે જ વર્તે છે. જેમ વરાહરૂપ ભગવાને ધાર્યું ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોળી કાઢી તથા હયગ્રીવરૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂંફાડા મારવા માંડ્યા તથા મત્સ્ય, કચ્છાદિક જળજંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જળમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા તથા નૃસિંહરૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી.
24. પંચાળા ૭( para.3)
એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.
25. ગઢડા મધ્ય ૭( para.3)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય, તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, ‘આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામક્રોધાદિક બહુ પીડે છે. માટે એના એ સર્વે વિકાર ટળો;’ તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. અને તરત જે વિકારમાત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે.”
26. ગઢડા મધ્ય ૩૬( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય, તે જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય, તે જેમ પુત્રકલત્રાદિકમાં ચોટે છે, તેમ પરમેશ્વરમાં પણ ચોટે; માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે, અતિશય શૂરવીરપણું; તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે, તે વિચારે કરીને ઘાટમાત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે; તે જેના હૃદયને વિષે જન્મ, મૃત્યુ ને નરક ચોરાશી તેની બીક અતિશય રહેતી હોય, તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે; તે જે પુરુષ વૈરાગ્યવાન હોય, તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને, તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને, પછી તે આત્માને વિષે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે. અને એ ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય; પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડવૃત્તિ રહે નહિ. અને ભગવાનને વિષે અખંડવૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે.”
27. ગઢડા મધ્ય ૪૧( para.2)
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી; તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે, ‘જેમાં પોતાને માન જડે તે જ કરવું સારુ લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ.’ અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે, ‘મારા જ મોઢાનું લોહી છે, તેમાં હું સ્વાદ માનું છું.’ તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે, તે માનને વશ થઈને કરે છે; પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે, તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે; પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મીયાંજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી.” પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે, ‘कनक तज्यो कामिनी तज्यो, तज्यो धातुको संग । तुलसी लघु भोजन करी, जीवे मानके रंग ।।’ એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે, તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો.”
28. ગઢડા મધ્ય ૪૫( para.3)
પછી તે જ દિવસ સાંયકાળે વળી સભા કરીને વિરાજમાન થયા. પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,” સાત્વિક કર્મ કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મ કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે ને તામસ કર્મ કરીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમ આશંકા કરે જે, ‘રાજસ કર્મ કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે, ત્યારે તો સર્વ મનુષ્યને સુખ-દુઃખ સરખું જોઈએ.’ તો એનો ઉત્તર એમ છે જે, એક રજોગુણ છે, તેના દેશકાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે. માટે રાજસકર્મનો એક સરખો નિર્ધાર રહેતો નથી; એ તો જેવા દેશ, કાળ, સંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ ને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. અને ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે; અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે, ‘ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું.’ અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે, ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે; અને સૂર્ય ચંદ્રાદિક જે પ્રકાશમાન છે, તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યો હશે, ત્યારે એવા પ્રકાશને પામ્યા છે; અને દેવલોક, મૃત્યલોકને વિષે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે. માટે જે પોતાના આત્માનું રૂડું થવાને ઈચ્છે તેને તો સદ્ગ્રંથને વિષે કહ્યા જે સ્વધર્મ, તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો.”
29. ગઢડા મધ્ય ૬૪( para.4)
એવા જે શ્રીકૃષ્ણભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે, બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે અને શ્રીકૃષ્ણભગવાનને વિષે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રીકૃષ્ણભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શૂરવીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગકળાને વિષે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણભગવાન જ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય, તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારુ કલ્યાણ કર્યું જોઈએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો ! એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે.” એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે, એ જ જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે.
30. ગઢડા મધ્ય ૬૬( para.6)
પછી ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજ પૂછતા હવા જે, “અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે, તે તો ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. તે એ યોગ ને આત્મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત, તેને વિષે વૃત્તિ ગૌણ થઈ જાય છે અને અષ્ટાંગયોગ ને આત્મદર્શન એને વિષે વધુ લગની થાય છે, તેનું શું કારણ હશે?” પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “એને યોગાભ્યાસ કરતે થકે યોગ સિદ્ધ થાય છે, તેનું કાંઈક માન આવે છે; તેણે કરીને ભગવાનની કોરે કાંઈક વૃત્તિ ગૌણ થઈ જાય છે.”
31. ગઢડા મધ્ય ૬૬( para.7)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહિ; માટે ઉત્તર સંભવે નહિ.” પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ! એ તો કાંઈ સમજાતું નથી; માટે તમે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એમ સમજવું જે, જ્યારે પોતાની ખોટ્ય કાઢવી હોય ત્યારે તેને મોટાઓનાં વચનની સાખ્ય લઈને કાઢવી. જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય, ત્યારે સારાં સારાં માણસની સાઈદી કરવી; તેમ અહીં પણ એ સાઈદી છે જે, શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા, તો પણ અતિ પ્રીતિએ કરીનેશ્રીમદ્ભાગવતભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. અને શૌનકાદિક અઠ્યાશી હજાર ઋષિ તે બ્રહ્મસ્વરૂપ છે, તો પણ સૂતપુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની સાખ્ય ભક્તિની દ્રઢતાને અર્થે લેવી. અને જે ખોટ્ય પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી જે, ‘હે મહારાજ! મારામાં જે જે ખોટ્ય હોય તે કૃપા કરીને નાશ કરજ્યો.’ જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈ સાઈદી ન હોય, ત્યારે તે લોઢાનો ગોળો રાતોચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે; તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી, એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે. એમ કરીને પોતાની ખોટ્યને ટાળવી; એ તમારા પ્રશ્નનો ઉત્તર છે.”
32. વરતાલ ૬( para.2)
પછી ચીમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિસમયને વિષે એ જીવોને સ્થૂળ, સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિકરૂપ જે વિચિત્રપણું થયું, તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું, એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું, એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે; માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન તમને પૂછતા આવડયો નહિ. કેમજે, જે કારણ શરીર છે તેને વિષે સ્થૂળ, સૂક્ષ્મ એ જે બે દેહ, તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે અને જેમ પૃથ્વીને વિષે બીજ રહ્યાં છે. તે વર્ષાકાળે જળના યોગને પામીને ઊગી નીસરે છે, તેમ માયાને વિષે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ, તે ઉત્પત્તિકાળને વિષે ફળપ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દૃષ્ટિને પામીને પોતપોતાનાં કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કર્તા કહે છે, પણ પરમેશ્વરને કર્મફળપ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, એ તો જે સમે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ. કેમ જે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ, તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પમાત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા અને જેટલાં મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ, જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સત્યયુગ, ત્રેતાયુગની રીત તે સર્વે સત્યયુગ, ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે, ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એકકાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું ? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થી છે, તેણે જીવના શુભ કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહિ, કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે, એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે, ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વકર્તા કહે છે, પણ એમ નથી જાણતા જે, એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રકટ થાય છે જે, ‘આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય, તે સર્વનું કલ્યાણ કરવું છે.’ ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહિ, ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના, તેણે ભગવાનને ઝેર પાયું. તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું.”
33. વરતાલ ૧૭( para.3)
પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે, “એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે અને તે એમ જાણે છે જે, ‘અમે આત્મા છીએ,’ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ, વર્ણ, આશ્રમ; તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું; તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય. ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ. અને બીજા ત્યાગી સંત છે. તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે, ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે કહેશો જે, ‘જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય.’ તે ઉપર એ આશંકા છે જે, ‘પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીવે તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય.’ માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ન છે.” પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે કેવળ નિવૃત્તિધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે, તેને તો પરમેશ્વરે ક્હ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું. અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે જે, આ તો ત્યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂન પણ રહેવું નહિ, અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ; એ આદિક જે વિકાર, તેનો ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું, તો એને કોઈ જાતનું બંધન થાય નહિ. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે.”
34. વરતાલ ૨૦( para.3)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસિની આવી, ત્યારે જનકરાજા સુલભા પ્રત્યે બોલ્યા જે, “તું મારા ચિત્તને મોહ પમાડ્યાનું કરે છે પણ મારા ગુરુ જે પંચશિખ ઋષિ, તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ; એ બે મતને અનુસર્યો છું. માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે અને અર્ધું શરીર તરવારે કરીને કાપે, એ બેય મારે બરોબર છે અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્યે કહ્યું અને શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે જે, ‘ઈન્દ્રયોની વૃત્તિ અનુલોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિમાર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય, તો તે કોઈ રીતે વિકારને પામે નહિ.’ અને જેને જેવું જાણ્યું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય જે, આ તે સાર છે ને આ તે અસાર છે. પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે અને પોતાને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તે થકી નોખો આત્મારૂપે જાણે, પછી એને કોઈ એવુ પદાર્થ નથી જે, ‘મોહ પમાડવાને અર્થે સમર્થ થાય.’ કેમ જે, એ તો સર્વે માયિક આકારને તુચ્છ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ્ય બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિમાર્ગને વિષે સર્વે અનુલોમપણે વર્તતા હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે. એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય, પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહીત્યાગીનો કાંઇ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ, બ્રહ્માદિકને વિષે જે ખોટ્ય કહેવાય છે તેનું તો એમ છે જે, કેટલાકને વિષે તો આવી રીતની સમજણની કસર છે ને કેટલાકને વિષે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ્ય કહેવાણી છે. માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”
35. ગઢડા અંત્ય ૬( para.2)
પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, “ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભક્તિ, તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહિ. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ્ય.’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે, તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહિ. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે ? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે, ‘ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું.’ પછી તેના સર્વ અંગનું ચિંતવન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિષે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિષે પણ ખોટો ઘાટ ઘડે; ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો તો મનનું કહ્યું ન માને ને અતિશય દાઝ થાય, તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહિ. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને. ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગથી પાડી નાંખે. તે સારૂ કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે, તો તેને સંઘાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વૈર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહિ. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે, તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહિ. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહિ. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહિ. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહિ અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે.”
36. ગઢડા અંત્ય ૧૦( para.3)
એવી રીતના જે શ્રીજીમહારાજના વચન, તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો જે, “હે મહારાજ! તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે, ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી અને મારા મનને તો તમારા સ્વરૂપની દ્રઢ પ્રતીતિ આવી છે જે, ‘તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો.’ માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ; એ સર્વ શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે; જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર; એ સર્વે અનાદિ છે. અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ છે અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે. તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંઘાથે સંબંધ થાય છે ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે સર્વે ઉગી આવે છે, તેમ માયામાંથી અનાદિ કાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થતા. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે ને તે માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી. એ તો અનાદિ જીવ જ છે, તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ-સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે.” એવી રીતના જે શ્રીજીમહારાજના વચન, તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો સમાશ્રય કરતો હવો અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હવો.
37. ગઢડા અંત્ય ૧૧( para.5)
પછી વળી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો. ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા જે, “હું મારા દુઃખ સારુ નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારુ રોઉં છું. શા માટે જે, રઘુનાથજી અતિ કૃપાળુ છે. તે લોકાપવાદ સારુ મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે, ‘સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે.’ એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે, માટે રામચંદ્રજીને કહેજ્યો જે, સીતાને તો કાંઈ દુઃખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો મા.” એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહિ. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહિ અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય; એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરાં છે પણ સીતાજીના જેવી સમજણ નથી. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંઘાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી ?” પછી ચૈતન્યાનંદસ્વામીએ કહ્યું જે, “ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ્ય અને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહિ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યથાર્થ ઉત્તર થયો.”
38. ગઢડા અંત્ય ૧૪( para.2)
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તનભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ,” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, મારે તો બ્રહ્મચર્યવ્રત છે તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે; તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે, એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બૂઢિયો વાનરો ઈત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે. અને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી; એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન-પૂજન નહિ કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ; એ તો સહેજે જ તે સ્ત્રીઆદિકનાં સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે તો પણ એ જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી. ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે, તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી; એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, ‘હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા. શા માટે જે, મનુષ્ય દેહમાં તો તાંબું ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી ! મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજ્યો, જે લાજમર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ !’ એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી.”
39. ગઢડા અંત્ય ૧૮( para.5)
પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય ને પંચવિષયનો અભાવ થઈ ગયો હોય, તે બીજા સર્વ ભક્તને કેમ કળ્યામાં આવે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે “હે મહારાજ ! આ તમારા પ્રશ્નનો ઉત્તર અમારાથી નહિ થાય; માટે તમે કૃપા કરીને કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત ગૃહસ્થાશ્રમી હોય અથવા ત્યાગી હોય ને તેને દેહાભિમાન તથા પંચવિષયમાંથી આસક્તિ તે તો નિવૃત્ત થઈ હોય, પછી પરમેશ્વરની આજ્ઞાએ કરીને જેવી રીતે ઘટે તેવી રીતે દેહાભિમાન પણ રાખ્યું જોઈએ અને જેમ જેને યોગ્ય હોય તેમ પંચવિષય પણ ભોગવ્યા જોઈએ. ત્યાં દૃષ્ટાંત-જેમ અતિશય દૂબળું ઢોર હોય તેને હેઠે લાકડાં ભરાવીને ને શિંગડે-પૂંછડે ઝાલીને ઊભું કરે, તે જ્યાં સુધી એ માણસ ઝાલી રહે ત્યાં સુધી ઊભું રહે અને જ્યારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી ઉપર પડી જાય. તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞાએ કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલી જ ક્રિયાને કરીને રહેવા દે. જેમ કોઈક પુરુષના હાથમાં તીર કમાન્ય હોય, તે જ્યાં સુધી એ પુરુષ ખેંચે ત્યાં સુધી કમાન્ય કરડી થાય અને જ્યારે એ પુરુષ કમાન્યને ખેંચતો આળસી જાય ત્યારે એ કમાન્ય ઢીલી થઈ જાય છે. તેમ જે નિર્વાસનિક પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે. અને જે સવાસનિક હોય તે તો જે જે વ્યવહારમાં જોડાયો હોય, તે વ્યવહારમાંથી પોતાની મેળે છૂટી શકે નહિ, અને પરમેશ્વરની આજ્ઞાએ કરીને પણ છૂટી શકે નહિ. એવી રીતે નિર્વાસનિક પુરુષ ને સવાસનિક પુરુષના લક્ષણ છે.”
40. ગઢડા અંત્ય ૨૩( para.2)
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે નિત્યે ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વિક્તિ છે જે, ઉનાળો, શિયાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિષે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે, સારુ, ટાઢું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. ને પછી ધોયેલો, ધોળો ખેસ સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો. અને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગ વિષે સુંદર મળિયાગર ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિષે ચર્ચીને લલાટને સારી પેઠે નીરખવું; તથા હાથને વિષે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા; તથા હૃદય, ઉદર, સાથળ, પિંડી એ આદિક જે અંગ તેને વિષે તે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગને નીરખવાં; તથા ચરણારવિંદની ઉપર ને તળે સુંદર કુંકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નીરખવાં. પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ, બાજુબંધ, ટોપી એ આદિક જે આભૂષણ તે તે પુષ્પના પહેરાવવાં. અને મોગરાનાં પુષ્પ જેવું ધોળું ને ઝીણું ને બહુ ભારે નહિ એવું વસ્ત્ર મસ્તકને વિષે ધરાવવું તથા ધોળી, ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી. પછી તે ભગવાનને મળવું, તે એક વાર મળવું, બે વાર મળવું, જેવું પોતાને હેત ઊપજે તેમ મળવું; તથા ભગવાનનાં ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા. અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનનાં ચરણારવિંદને પોતાની છાતીમાં ને મસ્તક ઉપર ધાર્યા હોય તેણે કરીને જે કુંકુમ વળગે તથા પુષ્પના હારનાં ચિહ્ન ઈત્યાદિ જે જે પોતાના અંગમાં વળગે તેને ધારવું; કહેતા એમ જાણવું જે, ‘ભગવાનનું પ્રસાદી ચંદન, કુંકુમ ને હાર તે મારા અંગમાં અડ્યાં છે.’
41. ગઢડા અંત્ય ૨૪( para.4)
પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે. તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદાખાચરના ઘરનાં માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી; તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે. તથા ભયે કરીને પણ ટળે છે પણ તે અતિશય નથી ટળતી. કેમ જે, જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે. જેમ રાજાને ભયે કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે. અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંખ માર્યા હોય ને કચવાવ્યો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય, તે ઉપર તો અમારે એવું હેત રહે છે, તે જાગ્રત-સ્વપ્નમાં સંભાર્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી.”
42. ગઢડા અંત્ય ૨૪( para.7)
અને વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે ? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે,’એમાં મોટા ગુણ નહિ આવે.’ અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કહી છે તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા પર્યન્ત સર્વે ભક્તિનાં અંગ એને પ્રાપ્ત થશે.” એવી રીતે વાર્તા કરી.
43. ગઢડા અંત્ય ૨૫( para.2)
પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી, ‘એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે, ‘એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય.’ એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત્પ્રસન્નતા રૂપ ફળને ઈચ્છવું. અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય.”
44. ગઢડા અંત્ય ૨૬( para.4)
પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ તે શું ? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડાં હોય ને બીજા આગળ પોતાની મોટ્યપ વધાર્યા સારુ ઉપરથી તો તેને બહુ જણાવે, તે ન ગમે. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે, એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને, તે ન ગમે. અને હવે જે ગમે તે કહીએ છીએ જે, ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે, ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા, તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દૃઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહિ, એવો જે હોય તે અમને બહુ ગમે.” એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા.
45. ગઢડા અંત્ય ૩૫( para.6)
પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, (૧). “પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે, ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે. સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે. અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ્, વેદ ઈત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે, ‘કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, ને કાં તો એમાં કેમ કહ્યું હશે ! પણ ભગવાન તો સદા સાકાર જ છે.’ અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે; એક તો એ લક્ષણ હોય. (૨). તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા-કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૩). તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે. અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે, તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે. એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૪). તથા સારુ વસ્ત્ર, સારુ ભોજન, સારુ જળ તથા જે જે કોઈ સારુ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક,’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય, એવો હોય. (૫). તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, ‘આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી.” એવો ન હોય ને જેવો એ માંહી-બાહેર હોય તેને સર્વે જાણે જે, ‘આ તે આવો છે.’ એવો જે સરલ સ્વભાવવાળો હોય. (૬). અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. ૬. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે.”
46. ગઢડા અંત્ય ૩૯( para.7)
અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. અને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. ને જો એ ભગવાન જેવા જ થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે, એક ભગવાન કહેશે, હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે, હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે, હું વરસાદ કરીશ ને બીજો કહેશે, હું નહિ કરું; ને એક કહેશે, હું માણસના ધર્મ પશુમાં કરીશ ને બીજો કહેશે, હું પશુના ધર્મ માણસમાં કરીશ; એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓને, જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વ ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી ! માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વના સ્વામી એક જ ભગવાન છે. તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે પણ બીજો એ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડીક છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે, તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહિ. અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી, તેને સાંભળીને ને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય, તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા થતી જાય. અને આ વાત અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા તથા સિદ્ધાઈ જણાવવા સારુ નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે, અમારે સ્ત્રી-ધનાદિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચવિષયનો ભારે યોગ છે. તથા સુરત, અમદાવાદ, વડોદરે, વરતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે તથા વાજતે-ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે તથા ભારે વસ્ત્ર, વાહનાદિકનો યોગ થાય છે. એ સર્વે છે તથાપિ પોતાના આત્મા સામી દૃષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના માહાત્મ્ય સામી દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે તે સર્વનું અતિ તુચ્છપણું થઈ જાય છે, ને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી ને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે, તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારુ એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે, તો તેને કદાચિત્ એવો કોઈક યોગ થઈ જાય, તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે.” એવી રીતે શ્રીજીમહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારુ પોતાનું વર્તન લઈને વાર્તા કરી અને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.
(કુલ: 56)