ક્ષમા

ક્ષમા

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ક્ષમા" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૨૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે, “પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે, ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજ-વીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે, તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે,’ એમ સમજે; પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહિ. અને ‘પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’ એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે, ‘ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાંખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે.’ તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે; એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવના માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહિ, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવા જે, એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, ‘હું મોટો થયો છું,’ પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો; એમ જેમ જેમ અધિક સંપત્તિ જેને હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે, ‘આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારુ છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારુ છે,’ એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે, એનું કલ્યાણ થશે કે નહિ થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનુંયે થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી; કાં જે, એ પાત્ર થયો નથી.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા.

2. ગઢડા પ્રથમ ૪૬ ( para.2)

તે સમે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો તેણે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “સમાધિને વિષે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો જે, આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે. તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જે, જેને વિષે આકાશ ન હોય, કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિષે પણ આકાશ છે અને તે એક રજના કોટાનકોટિ કટકા કરીએ તો પણ તેને વિષે આકાશ છે, માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતા નથી એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; એ જે ત્રણ શરીર તે આકાશને વિષે છે; અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિષે રહ્યું છે. અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિષે છે. એવો જે આકાશ તે પ્રકૃતિપુરુષ અને તેનું કાર્ય પિંડ-બ્રહ્માંડ એ સર્વને માંહી પણ રહ્યો છે ને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે એ આકાશ તે તો સુષુપ્તિને વિષે અથવા સમાધિને વિષે લીન થતો નથી. અને કોઈ કહેશે જે, ‘આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ? ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય ?’ તો એનો ઉત્તર એ છે જે, પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃ ક્ષમાંથી ફળ-પુષ્પાદિક બહાર નીસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછરું બહાર નીસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ નીસરે છે તે કેમ નીસરે ? માટે પ્રકૃતિને વિષે આકાશ રહ્યો છે અને મહત્તત્ત્વમાંથી અહંકાર નીસરે છે માટે મહત્તત્ત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નીસરે છે માટે અહંકારને વિષે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી આકાશ આદિક પંચભૂત નીસરે છે માટે તમોગુણને વિષે પણ આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી જે આકાશ નીસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે, ને અનાદિ છે અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ અને એ આકાશને વિષે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી-પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્ત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે એ પ્રકૃતિ તે ચોવિશ તત્ત્વરૂપે ને પિંડ બ્રહ્માંડરૂપે થાય છે, એ પ્રકૃતિની વિકાસ-અવસ્થા છે અને જેટલાં પ્રકૃતિન કાર્ય છે તેને વિષે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે એ પ્રકૃતિની સંકોચ-અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વ નાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો, એ પુરુષની સંકોચ-અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે ને રુંઢ મૂંઢ થઈ રહે છે, તેમ પુરુષ-પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા છે. અને એ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. કેમ જે, જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય ? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોર લોકાલોક પર્વત છે તે ગઢની પેઠે રહ્યો છે અને તે લોકાલોકની બહાર તે અલોક છે અને તે અલોકથી પર સપ્ત આવરણ છે અને તેથી પર એકલું અંધારું છે અને તે અંધારાથી પર પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમ જ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની ઉપર સપ્ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે અને અંધકારને પાર પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ અને તેમ જ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય ને તેથી હેઠાં સપ્ત આવરણ છે ને તેથી હેઠું અંધકાર છે તેથી હેઠો પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માંહી પણ છે અને એવો જે એ સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દૃષ્ટિ વર્તતી હોય તેને દહરવિદ્યા કહીએ અને અક્ષિવિદ્યા આદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તે માંહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે, અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ-વિનાશ નથી અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કહ્યો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકારરૂપ છે તેની લીનતા થાય છે પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી, એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો; હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો.” પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલ્યા જે, “હવે કોઈને લેશમાત્ર સંશય નથી.”

3. ગઢડા પ્રથમ ૬૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ છીએ,” ત્યારે મુનિએ કહ્યું જે, “પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે, અમે પુરુષોત્તમ પુરીને વિષે જઈને શ્રીજગન્નાથજીની મૂર્તિને વિષે પ્રવેશ કરીને રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળકપટ સર્વ દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે, ‘શુકજી વૃ ક્ષમાં રહીને બોલ્યા હતા.’ માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે, માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય, તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત્ પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે ‘જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ, અને તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ, તે તો એ ભક્ત લેશમાત્ર રાખતો નથી; અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, ‘મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.’ અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતૂર કરે છે, પણ લેશમાત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી ? એ પ્રશ્ન છે.” ત્યારે પરમહંસ બોલ્યા જે, “જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી.”

4. ગઢડા પ્રથમ ૭૮ ( para.15)

પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય. તે સંતને પણ ખબર પડે પછી સંત તો તે સ્વભાવના વૈરી છે તે આપણા પ ક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સૂધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થી વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયને વિષે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે. અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે.”

5. સારંગપુર ૧૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિષે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય, એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે; અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો કારણ એ છે જે, મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે, તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટાપુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે, મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટાપુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે;’ એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે, તો તે પુરુષની મલિનતા મટી જાય છે.”

(કુલ: 5)