ખપ

ખપ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ખપ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૮ ( para.2)

પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે, “એક વાત કહું તે સાંભળો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ અને ભારતાદિક ઇતિહાસ; તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહિ. તે વાત કહીએ તે સાંભળો જે, ‘બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય, તો તેનો અમારે ખરખરો નહિ, અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય, તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય;’ એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે, ‘ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ?’ પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે જે, ‘ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી.’ એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાનઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન- ભોજન પ્રત્યે જુદા-જુદા સ્વાદ છે અને જુદા-જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહિ. તેમજ એ જીવ શ્રોત્રદ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા-જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે; જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે; માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા-જુદા અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ-દારૂના જેવો છે; માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુધબુધને ભુલાડી દે છે. તેમ જ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા-જુદા છે; તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે; તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે; તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય; અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા; તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે, તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી રાખી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી; અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ જ તે મોટાપુરુષને ચઢ્યું એવું જે પુષ્પ, ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર-અસારનો વિભાગ નહિ કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાશે અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે. અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે, અને જો પંચઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી.

2. ગઢડા પ્રથમ ૧૮ ( para.3)

અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીને વિષે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાનાં કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થેઈથેઈકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતાં હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સહવર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુવે તો જાણ્યામાં આવે છે અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહિ. અને સત્સંગ થયા મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભૂંડું થાય. જેમ, ‘જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, ને તેનો લોભ કરે તો ઝાઝો બગાડ થાય.’ તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો; અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાં જે, તમે અમારો દાખડો સફળ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું. અને જો એમ નહિ રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો, અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઈક કાળે પ્રગટ થાશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો.

3. ગઢડા પ્રથમ ૪૨ ( para.2)

અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, ‘વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે; અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે.’ એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે ? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ-કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે, ‘ભગવદ્‌ગીતા ને વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસાં થયા હોય તેનું થોડા ચોમાસાંવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી.’ એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું, તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા ? માટે એ તો એમ જણાય છે જે, એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે, જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ; તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે ? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઊંચું જુવે તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઉઠતી હોય. માટે ઊંચું પણ જળ જ જણાય, ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, ‘એકલું જળ જ છે બીજું કાંઈ નથી.’ એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, ‘એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા; એ આદિક સર્વે તે મિથ્યા છે.’ અને તેના વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ‘भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते !’ એ આદિક ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિક જે ઘણાક દેવતા તેના સ્તોત્ર કર્યા છે. જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે, ‘જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી.’ તે મૂર્ ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલાં પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂછડી ને માથે નાની શિંગડિયો એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામિયો. તેનું કારણ એ છે જે, શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરુષોત્તમ ગુણાતીત દિવ્યમૂર્તિ હતા, તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા, માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્યસ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે. અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામિયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્યમૂર્તિ જ છે અને વેદાંતી કહે છે જે, ‘સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે’ ત્યારે જેમ ગોપીઓેએ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ સર્વે સ્ત્રીઓે પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓેને વિષે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓેના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિનિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે એ વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

4. ગઢડા પ્રથમ ૫૭ ( para.4)

પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે ? અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે ? ત્યાં દ્રષ્ટાંત છે, ‘જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય; કાં જે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે. તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે ને તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી, તો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે જે, જીવ તો અતિ સમર્થ છે; કેમ જે, મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય.”

5. લોયા ૩ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજીબ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઈત્યાદિક જે સત્સંગી; તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું; તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ પણ કહ્યું જે, ‘જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનનાં વચનમાં ફેર પાડે નહિ, ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો? તો, ‘ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહિ.’ એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે.’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું; ત્યારે અમે થાંભલાને બાથ લીધી, ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયા ની વાત કરી અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે.” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.’ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન અને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે.” તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. “અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય; ઈત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ. એ તો ભગવાનના ધામને જ પામે;’ અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સૂધી સારી પેઠે પડે અને ચંદનનાં લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.’ એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવા નિશ્ચયવાળો જે હોય, તે જરૂર બ્રહ્મમહોલમાં જ પુગે; પણ બીજે ક્યાંઈ કોઈ ધામમાં ઓરો રહે નહિ.”

6. પંચાળા ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે, તો પણ માન-ઈર્ષ્યા કેમ રહી જાય છે?” પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવો જે છે તેમાં બુદ્ધિ નથી. અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે જ નહિ; અને પોતાને સનકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે, ‘મારામાં આટલો અવગુણ છે.’ પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણ ને ટાળી નાંખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને; માટે એમાં માન-ઈર્ષ્યાદિક કોઈ અવગુણ રહે નહિ. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યાવહારિક બુદ્ધિ જાણવી; અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય, પણ એને બુદ્ધિવાળો ન કહેવાય, તેને તો અતિ મૂર્ખ જાણવો; અને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહિ. ને થોડીક બુદ્ધિ હોય અને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહિ ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ; અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ.”

7. પંચાળા ૪ ( para.6)

એવો જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે. તેનું શું કારણ છે જે, ‘મનુષ્યને ને સૂર્ય-અગ્નિને વિજાતિપણું છે,’ માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો; કાં જે, એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે. તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા, તે મનુષ્યરૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઇને આવ્યા ત્યારે તેના અંગસંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો; પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવત. તથા સત્રાજિત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઇને આવતા. અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા ? આકાશમાં પણ હતા ને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજિત પાસે આવ્યા; અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઇને આવ્યા છે. તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્યભાવ સહિત જ જીવને જો દર્શન આપે, તો મનુષ્યને ઠીક ન પડે અને એમ જાણે જે, ‘આ તે શું ભૂત હશે કે શું હશે ? માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઇને દર્શન આપે છે અને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે; ત્યારે તે મનુષ્યને દર્શનમાં, સ્પર્શમાં તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્યભાવે વર્તે, તો મનુષ્યને પોતામાં હેત થાય નહિ ને સુવાણ ન પડે. શા માટે ? તો મનુષ્ય-મનુષ્યને વિષે હેત થાય છે ને સુવાણ થાય છે, પણ પશુને ને મનુષ્યને હેત-સુવાણ્ય થતી નથી અને પશુ-પશુને પરસ્પર હેત ને સુવાણ્ય થાય છે; કેમ જે, સજાતિ-સજાતિમાં હેત થાય, પણ વિજાતિમાં થાય નહિ. તેમ ભગવાન પોતાના દિવ્યભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારુ માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્યભાવ જણાવતા નથી; અને દિવ્યભાવ જણાવે તો વિજાતિપણું થાય, માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ્ય થાય નહિ. તે સારુ મનુષ્યરૂપે એ ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્યભાવ છે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દૃષ્ટિ રહે છે અને છુપાવતે છુપાવતે કદાચિત્ પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઇ જાય છે, ત્યારે દિવ્યભાવ જણાઈ આવે છે. અને ક્યારેક પોતે પોતાની ઇચ્છાએ કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્યભાવ ભૂલી ગયા ને પોતામાં દિવ્યભાવ આવ્યો, તેણે કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઇ. તથા અર્જુનને દિવ્યભાવ દેખાડ્યો તે પોતાની ઇચ્છાએ દેખાડ્યો, પણ તે દિવ્યભાવે૧ કરીને અર્જુનને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઇ ગયા. પછી શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું, ત્યારે અર્જુનને સુખ થયું. ત્યારે કહ્યું જે- “दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन । इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ।।” માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે, નહિ તો ન પડે. તે સારુ એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો, તેને મનુષ્યભાવ દેખીને અવળું પડે છે. અને જો એ ભગવાન દિવ્યભાવે જ વર્તે, તો મન-વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહિ. માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહ્યા છે, તેવી રીતે જેણે યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને જે એમ કહે છે જે, ‘મેં ભગવાનને જાણ્યા છે ને મને નિશ્ચય છે,’ ને જો તે આ વાતને સમજ્યો નથી, તો તેનો નિશ્ચય કાચો છે. જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછીએ જે, ‘તને આ શ્લોક તથા કીર્તન આવડ્યો ?’ ત્યારે કહે જે, ‘આવડ્યો,’ ને કંઠથી મુ ખપાઠે કહી દેખાડે; પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક-કીર્તનને ભૂલી જાય. ત્યારે એ તે શું જે, એને જ્યારે એ શીખ્યો હતો ત્યારે જ એને એટલો આવડ્યો નહોતો; કેમ જે, શ્રવણ-મનને કરીને એનો દ્રઢ અભ્યાસ થઇને એના જીવમાં એ શ્લોક-કીર્તન ચોંટી નહોતો ગયો. અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અધ્યાસ થયો હોય છે, તો એ યુવા થાય, વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભરી આવે છે. તેમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી, અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને ને તેનું મનન કરીને તેનો દ્રઢ અધ્યાસ એના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહિ.”

8. ગઢડા મધ્ય ૧ ( para.8)

માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમસિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”

9. ગઢડા મધ્ય ૧૫ ( para.3)

પછી શ્રીજીમહારાજે વળી પ્રશ્ન કર્યો જે, “ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને માહાત્મ્યે સહિત પરમેશ્વરની ભક્તિ; એ ચાર વાનામાંથી કોઈ કાળે પડે નહિ એવો જે હોય, તેને શે લક્ષણે કરીને ઓળખવો ?” પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે, કોઈની છાયામાં તો દબાય જ નહિ અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહિ અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહિ; એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહિ. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય, તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહિ.”

10. ગઢડા મધ્ય ૪૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય, તેને જો મન દઈને માણસાઈએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતા આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહિ. અને જે સાધુને મોક્ષનો ખપ હોય, તેને તો જેમ દુઃખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં-દૂધ, ગળ્યું-ચિકણું; કાંઈ ખાવા દેતો નથી; તેમ જે સમજુ હોય તેને એમ જણાય જે, ‘આ રોગે સારુ સારુ ખાવા-પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષયરોગરૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું !’ એમ ભાસે છે. શા માટે જે, શિશ્ન ને ઉદર એ બેને વિષે જે જીવને આસક્તિ છે, એ જ અસત્પુરુષપણું છે. તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટ્યને કાઢે એવો છે; તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુઃખાઈ જવું નહિ. અને જે ખાધા-પીધાની લાલચે કે લુગડાંની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય, તેને તો સાધુ જ ન જાણવો; તેને તો લબાડ જાણવો ને કુતરા જેવો જાણવો. અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતા વિમુખ થાય.

11. અમદાવાદ ૩ ( para.4)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મૂળજી બ્રહ્મચારી ને રતનજી; એ અતિશય ક્યાં ડાહ્યા છે ? પણ કલ્યાણનો ખપ અતિશય છે. માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ-ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે, તેવા તો પરમહંસ તથા સાંખ્યયોગી ને કર્મયોગી સત્સંગી; તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ જે, અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે. માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે. માટે કોઈક કપટી હશે તો એમને છેતરી જશે, તે સારુ એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહ્યે કરવા દેવું નહિ. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી, એમ અમારી આજ્ઞા છે.”

12. ગઢડા અંત્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ; ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે; ને પંચ વર્તમાનમાં દૃઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.”

13. ગઢડા અંત્ય ૨૭ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે, ‘ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય, તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાંખે.” તે ઉપર પોતાની વાર્તા કરી જે, “અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો શ્રીરામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું.”

(કુલ: 18)