ગોલોક

ગોલોક

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ગોલોક" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યું જે, “સર્વ સાધનમાં ક્યું સાધન કઠણ છે ?” ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી; કાં જે, ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”

2. ગઢડા પ્રથમ ૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મવાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ, તે સર્વ સાંભળો જે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિષે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથક્પણે સત્તામાત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે; અને એ ત્રણ શરીરથી પૃથક્ ને સત્તામાત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ તેને વિષે વ્યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે; અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિષે જે શ્રીકૃષ્ણભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા, તે એ ભગવાનનું અન્વયપણું છે; અને એ સર્વથી પૃથક્પણે કરીને પોતાના ગોલોકધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે. અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે.”

3. ગઢડા પ્રથમ ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી,’ એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.”

4. ગઢડા પ્રથમ ૪૯ ( para.3)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનું સાધન તો અંતર્દૃષ્ટિ છે તે અંતર્દૃષ્ટિ શું ? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ છે; અને તે મૂર્તિ વિના ષટ્ચક્ર દેખાય અથવા ગોલોક, વૈકુંઠાદિક ભગવાનનાં ધામ દેખાય તો પણ તે અંતર્દૃષ્ટિ નહિ. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દૃષ્ટિ છે અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદૃષ્ટિ છે.” પછી વળી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “હવે તો બે બે જણ થઈને સામસામા પ્રશ્ન-ઉત્તર કરો,” પછી ઘણીવાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કર્યા, તેને સાંભળતા થકા શ્રીજીમહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા.

5. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

6. ગઢડા પ્રથમ ૫૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, ‘આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે,’ તથા આસ્તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે, ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવિશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહિ, એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તે જ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે.”

7. ગઢડા પ્રથમ ૬૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે, “વાસના ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ‘ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ?’ એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચાર કરે જે, ‘ભગવાનને ભજતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઈન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટિ ગણાં વધુ સુખ છે.’ એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એને એમ જણાય છે જે, ‘મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું; પણ હું તો સદા વાસનાએ રહિત છું’, એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.”

8. ગઢડા પ્રથમ ૬૩ ( para.3)

પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે, ‘મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ, સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે, તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું.’ એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો.”

9. ગઢડા પ્રથમ ૬૮ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહિ થાય ?” પછી સંત બોલ્યા જે, “એનું કલ્યાણ નહિ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે અને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે, તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને અને કર્મે કરીને માનશે; પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થશે.”

10. ગઢડા પ્રથમ ૭૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્‌ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

11. ગઢડા પ્રથમ ૭૮ ( para.11)

પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય અને આઠે પહોર ‘અહો અહો’ સરખું કેમ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત એમ સમજે જે, ‘આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર; તેના નિવાસી છે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાંજ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે.’ એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે.”

12. સારંગપુર ૧ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”

13. સારંગપુર ૧૦ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનનાં ધામ તેને બાહ્યદૃષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે અને આત્મદૃષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્યદૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય જે, ‘મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે’ અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે, તો તે સંત થકી ભગવાન તથા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે અને જેને આવી સમજણ તો આવી શકે નહિ, ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહિ, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહિ, તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે.”

14. સારંગપુર ૧૪ ( para.2)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે; અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે ? એક તો બતાવો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારુ પાડ્યા જે, ‘સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે;’ અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠધામમાં પહોંચ્યા; માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું, અને પડ્યો તો તે કહેવાય જે; જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારુ ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે, ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે, તે તો યોગભ્રષ્ટ કહેવાય; પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી.”

15. લોયા ૧ ( para.9)

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”

16. લોયા ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો”, ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ?” પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, “વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું ? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સર્વ જીવના આયુષને જાણે અને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ્ તથા ભગવદ્‌ગીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઈત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે, જો યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઈત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઊપજે જે, ભગવાનની જે વિભૂતિયો છે તેને જાણે, તે કેમ જાણે ? તો ખંડ-ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિયો જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વિપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર, તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિયો તેનું શ્રવણ કરે તો ઊપજે, અને જ્યારે ધર્મને વિષે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય; એ ત્રણેય ઊપજે. એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે.”

17. લોયા ૧૧ ( para.3)

ત્યારે વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન કર્યો જે, “એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ સત્શાસ્ત્રને વિષે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે, એક પુરુષોત્તમનારાયણ વિના બીજા જે શિવ-બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહિ અને મનુષ્યને વિષે તથા દેવતાને વિષે જે પુરુષોત્તમનારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું અને તેને વિષે પણ જે ડાહ્યા છે, તે જે તે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિષે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે અને તે લોકોને વિષે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવાદિક તેને વિષે કરે છે, અને કોટિ કોટિ સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિષે રહી પુરુષોત્તમનારાયણની દિવ્યમૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિષે કરે છે. એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્યભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિયો તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિષે સમપણું થાય જ નહિ. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ અને તેને વિષે ચાર ભુજની ભાવના, અષ્ટભુજની ભાવના કહી છે, તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા, તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિષે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે જે, ‘કોટિ જન્મ લગ રગડ હમારી, વરું શંભુ કે રહું કુમારી.’ એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ, તે બેયને વિષે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે; કેમ જે, પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જે પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે, તો તે ભગવાન વિના બીજા જે દેવ-મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે, માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિયોને વિષે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહિ.”

18. લોયા ૧૭ ( para.5)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે માહાત્મ્ય તે શું ? તો ‘જે ભગવાનની બીકે કરીને ઈન્દ્ર વર્ષે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે; પૃથ્વી સર્વને ધારી રહી છે; સમુદ્ર મર્યાદા નથી લોપતો; ઔષધિઓ ઋતુને પામીને ફળે છે; અને જે ભગવાન જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયને કરે છે; અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે.’ એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે, તે બંધન કરે ? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે, એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ‘ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથાવાર્તાને વિષે માલ છે અને અક્ષર તે આવું છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવું કયું પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું; તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ; તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે.

19. લોયા ૧૮ ( para.3)

ત્યારે તમે કહેશો જે, ‘તે ભગવાનનું કેવું રૂપ છે ?’ તો કહીએ છીએ જે, ‘ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખસ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક-પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે; એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય-કચ્છ-વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા; તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય-કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે; “भूभारः क्षपितो येन तां तनूं विजहावजः । कण्टकं कण्टकेनैव द्वयं चापीशितुः समम् ।।” જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા, પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા. ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બેય જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શીલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય-કૂર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડાક મત્સ્ય-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજ્યંતીમાળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ-મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન, ઈત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મસમયમાં વસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્ચ્છા આવી ત્યારે પણ ચતુર્ભુજરૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે, ‘तेनैव रूपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्ते!’ માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપ દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે, તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મશાલ-દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે, ‘એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉં’, તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘ ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત, એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે, તે મનુષ્યભાવ તે શું ? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઈત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે. અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્યમૂર્તિ છે ને ભગવાનને વિષે તો એ મનુષ્યભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું, ‘જે તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો.’ ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેનો પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે, ‘આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો.’ તે શું એ પ્રથમ ભગવાનને નો’તો દેખતો ? દેખતો તો હતો, પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે તે દિવ્યભાવ સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતેવાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, ‘આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો. કાં જે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા-લૂલા જ રહે છે ? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છુટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે; તેને ભુલશો મા, જરૂર ભુલશો મા.” એમ કહીને શ્રીજીમહારાજ સર્વે હરિભક્તને ‘જય સ્વામિનારાયણ’ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજીમહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્યભાવની અતિશય દ્રઢતા કરતા હવા.

20. પંચાળા ૧ ( para.4)

અને એ જીવોને અર્થે ભોગ ને ભોગનાં સ્થાનક તે ભગવાને રચ્યાં છે. તેમાં જે ઉત્તમ પંચવિષય કર્યા છે, તે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય, તે રસ્તાને બેય કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારૂ કરાવે છે. તેમ બ્રહ્મા, શિવ અને ઈન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીંપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ, મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચવિષય તે ભગવાને રચ્યાં છે. અને જેમ શાહુકારે સદાવ્રત, ધર્મશાળાદિકમાં સુખ, જેવા રાંકને અર્થે રચ્યાં છે તે કરતા તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે; તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યાં છે, તો પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે, એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે એ ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે, તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે. અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઈત્યાદિક જ્યાં જ્યાં પંચવિષય સંબંધી સુખ જણાય છે, તે ધર્મે સહિત જે કિંચિત્ ભગવાનનો સંબંધ તેણે કરીને છે; પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિષે નથી. જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે, તેવો થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી; તેમ બીજે ઠેકાણે તો કિંચિત્ સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે, અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે જે, ‘જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુઃખિયો થઈશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે, એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે, તેને બુદ્ધિવાન્ કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતા રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઈન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.

21. પંચાળા ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે, ‘શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો.’ કેમ જે, બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે, તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે દેખાડ્યો. કેવી રીતે ? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું, તેણે કરીને લક્ષ્મપતિ જે વૈકુંઠનાથ, તેનો ભાવ પોતામાં જણાવ્યો. તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું, તેણે કરીને સહસ્ત્રશીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું. તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા, તેણે કરીને શેષશાયીપણું જણાવ્યું. તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું જે, ‘पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्त्रशः ।’ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું. તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું જે, “यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः। अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः ।।” એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું. તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા. અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમાપુરુષરૂપે દર્શન કરાવ્યું. તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ, તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો. તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિષે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે. તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિષે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓે તથા શક્તિઓ, ઐશ્વર્ય તે સમગ્ર છે, માટે એ અવતાર તે બહુ મોટો થયો છે. અને બીજી મૂર્તિને વિષે થોડું ઐશ્વર્ય છે ને એને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય છે; માટે કૃષ્ણાવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે, ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય-શક્તિઓ જણાવી; માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળ મતિ હોય ને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય, ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત્ કાંઇક અવળું વર્તાઇ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહિ; એનું ક્લ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો, તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિષે રાખશો તો કદાચિત્ કાંઈક અવળું વર્તાઇ જશે, તો પણ અંતે કલ્યાણ થશે.” એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજને વિષે સર્વકારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા.

22. ગઢડા મધ્ય ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારુ તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું, તે શ્રવણમાત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો. કેમ જે, એ શુષ્ક વેદાંતશાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ આવી જાય છે; એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. અને તે શુષ્ક વેદાંતીના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કાંઈક પ્રયોજન સારુ શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે તેણે કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે.” એમ કહીને શ્રીજીમહારાજ સૂધા ઉદાસ થઈ ગયા. પછી ઘણી વાર સુધી દિલગીર થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોઈને એમ બોલ્યા જે, “ભગવદ્‌ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે, તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા. પછી અમને સ્વપ્ન થયું જે, અમે ગોલોકમાં ગયા; ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાયા અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે, તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય; જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને મળ્યા ને કીર્તન ગાવવા લાગ્યા. તે ગાવતા ગાવતા એવો વિચાર થયો જે, ‘આવી જે પરમેશ્વરની પ્રેમભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યાજ્ઞાની થાય છે અને એમ જાણે છે જે, ‘અમે જ ભગવાન છીએ,’ તે મહાદુષ્ટ છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણનારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહિ, એવો લાવો એક કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલીએ.

23. ગઢડા મધ્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાં વહાલા હોય તેનો પણ ત્યાગ કરવો. અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ; જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે. અને જે બીજામાં અવગુણ જુવે અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ; તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. અને જો ભક્તિને વિષે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે, એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિષે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રીકૃષ્ણભગવાનને વિષે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો, તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો; એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી, તો પણ ભગવાને એમ જણાવ્યું જે, ‘રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય, તો બીજાની શી ગણતી?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય અને અંતે જાતાં નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે, જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે અને જેને શિખામણની વાત કહે ને અવળું લે, તો તે ઉપર હેત થતું નથી; તેમ જ ભગવાનની પણ રીત છે જે, જેને શિખામણની વાત કહે ને સવળું લે, તો તે ઉપર હેત થાય છે પણ જે અવળું લે તે ઉપર થતું નથી.”

24. વરતાલ ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે, તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે, ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ; તે કેવી રીતે ? તો ઉદ્ધવ તે રામાનંદસ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં. તે શાસ્ત્રના નામ- ૧. વેદ, ૨. વ્યાસસૂત્ર, ૩. શ્રીમદ્‌ભાગવત પુરાણ, ૪. મહાભારતને વિષે વિષ્ણુસહસ્ત્રનામ, ૫. ભગવદ્‌ગીતા, ૬. વિદુરનીતિ, ૭. સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું વાસુદેવમાહાત્મ્ય, અને ૮. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ. એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા, અને સ્થાનક, સેવક ને કાર્ય; તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે ? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર છે, ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ, તેમણે સેવ્યા છે, ને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેના કર્તા છે ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, ને સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે; ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન; એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્યૂહ; એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર, તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર; એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું.૧

25. ગઢડા અંત્ય ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને જે અંગ બંધાય છે, ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય, ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈક ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય, તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાઝ થાય ? તેવી દાઝ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાઝ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’ માટે અમને તો એમ ભાસે છે જે, પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી, તેને અતિશય મંદબુદ્ધિવાળો જાણવો. શા માટે જે, જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક, વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ, તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારુ ખાવા પડે છે ? જે, સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારુ સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, ‘જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી.’ તે શ્રુતિમાં કહ્યું છે જે,’જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.’ અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી, તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય જે, ‘એ વાર્તા અતિ ઝીણી છે.’ ને બીજાને તો સમજ્યામાં પણ આવે નહિ, એવી અતિશય ઝીણી વાર્તા છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ “જય સચ્ચિદાનંદ” કહીને પોતાના ઉતારામાં પધાર્યા.

26. ગઢડા અંત્ય ૨૧ ( para.3)

અને અમારો પણ મત એ છે જે, ‘ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથીં.’ અને અમને એમ જણાય છે જે, ‘જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન, પર્વત ને જંગલ; એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે; તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદ કરી જીતીને રાજી થવું નહિ, એ સાથે તો હારીને જ રાજી થવું; અને જે વાદવિવાદ કરીને ભગવાનનાં ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન-જળ પણ ભાવે નહિ. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે, આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ, તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.

27. ગઢડા અંત્ય ૨૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે; એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે, ‘ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન-પાન આદિક જે પંચવિષયના સુખ તેને પામીએ.’ પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, ‘એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે; માટે એ સુખ પણ ખરું છે.’ પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારુ જ્ઞાન-વૈરાગ્યે સહિત ભગવાનની ભક્તિ કરવી. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે, ‘સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત્ લેશ છે.’ એમ ભગવાનને માહાત્મ્યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ. અને ‘એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે.’ એમ મોક્ષધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બેય પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે.”

(કુલ: 32)