નિઃસ્વાદ

નિઃસ્વાદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નિઃસ્વાદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૫૮ ( para.5)

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય; અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય; અને જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે ? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”

2. કારિયાણી ૨ ( para.3)

પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનું તો એમ છે જે, એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ્ય જેવું જાડું વસ્ત્ર; તેને ધોવું હોય ત્યારે તે કાંઈ સરખે દાખડે ધોવાય નહિ; કાં જે, આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાંખીએ એટલે તરત ઊજળું થાય, અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને બે ચાર દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધૂવે ત્યારે ઊજળું થાય; તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે તો એ દોષ ટળે નહિ. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિઃસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિઃસ્નેહી રહે છે, નિર્માની રહે છે તેમ જ એને ન રહેવું; બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવુ અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષે નિર્લોભી રહેવું અને બીજા નિઃસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષે નિઃસ્વાદી રહેવું અને બીજા નિઃસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિઃસ્નેહી રહેવું અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું અને બીજા સૂઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષે માળા ફેરવે અને બીજા ઊઠે તેથી ઘડી વહેલો ઊઠે; એમ સર્વથી વિશેષે પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહિ તો ટળે નહિ.”

3. લોયા ૧૭ ( para.6)

અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ માહાત્મ્ય સમજે જે, ‘એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે.’ જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા! પણ જો આવી રીતે ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાને ઈચ્છ્યા અને વૃક્ષ-વેલીનો અવતાર માંગ્યો; કેમ જે, એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિષે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી. તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે ? અને તેને નમાય કેમ નહિ ? તેની આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય અને પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે અને એમ સમજે જે, ‘મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહુ છું, નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી-છોકરાના તિરસ્કાર સહેવા પડત તથા માબાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધવશ થઈને ડોડી ની ભાજી ખાવી પડત તથા મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું નિઃસ્વાદી વર્તમાન પાળું છું.’ તે મારા મોટા ભાગ્ય છે અને પ્રારબ્ધવશ થઈને જેવા-તેવા વસ્ત્ર તથા ચીંથરાં પહેરવા પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું, તે એ મારા મોટા ભાગ્ય છે.’ અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટ્યપ જાણ્યામાં આવી નથી, નહિ તો અવગુણ લેત નહિ. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરસી નાંખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરસી ન નાંખી દે ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઈંગ્રેજ ઉપર ધોખો થાય છે ? ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે ? લેશમાત્ર પણ થતું નથી. શા માટે જે, એ ઈંગ્રેજની મોટાઈ જાણી છે જે, ‘એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું,’ એવું જાણીને ધોખો થાય નહિ; તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહિ અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહિ. માટે જેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ.”

4. ગઢડા મધ્ય ૧૩ ( para.7)

અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે; અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે, ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિષે પડી રહે છે. તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રુક્મિણીજી બળી મૂવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિષે બળી ગયો, એમ પણ થાય; અને ક્યારેક તો હાડમાંસ સહિત દિવ્યભાવ પામીને કાંઈ રહે નહિ, અંતર્ધાન થઈ જાય. અને જ્યારે પ્રકટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રકટ થઈ આવે છે, એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે, તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિષે નહિ થાય; ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહિ. અને તમે એમ કહેશો જે, ‘અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણઇન્દ્રિયો કેમ લીન નથી થતા?” તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે, એમ સમજવું. પણ તેને કાંઈ કરવું રહ્યું નથી, એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત્ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ અને નિઃસ્નેહ, એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહિ. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.

5. ગઢડા અંત્ય ૨૬ ( para.3)

પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”

6. ગઢડા અંત્ય ૨૭ ( para.6)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ ? તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી માબાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઈત્યાદિક જે જે પદાર્થનો નિશ્ચય થયો છે, તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે, તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઈત્યાદિક સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”

(કુલ: 8)