નિષ્ઠા

નિષ્ઠા

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નિષ્ઠા" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીકૃષ્ણભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ‘ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી,’ એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.”

2. ગઢડા પ્રથમ ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગને વિષે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મ નિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્મ નિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે ? તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્મ નિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે, ‘માયાના ગુણે કરીને પરાભવ ન પમાય’ એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો; અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્મ નિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી. અને શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્મ નિષ્ઠા એ બેય હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચવિષયને વિષે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મ નિષ્ઠા તેની સિદ્ધિ થાતી નથી, અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મ નિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થાતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મ નિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક, ભુવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યન્ત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થાતી નથી, કહેતાં બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાતી નથી; અને આત્મ નિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેની સિદ્ધિ થાતી નથી, એવી રીતે આત્મ નિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એક-બીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી.

3. ગઢડા પ્રથમ ૨૧ ( para.2)

પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે, “સર્વે સાંભળો, એક વાર્તા કરીએ.” એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા તથા આત્મ નિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિષે અરુચિ તથા ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા, પીતા, નાતા, ધોતા, ચાલતા, બેઠતા સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને જો અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય, એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહિ, કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીયો, જેટલી મીનડીયો, જેટલી વાનરીયો, એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમ જ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે; તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમ જ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ અને એ દેહના સંબંધીને પોતાનાં સંબંધી માનવા નહિ; કેમ જે, ચોરાશી લાખ જાતના દેહ ધર્યાં તેનો સંબંધ રહ્યો નહિ, તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેણે કરીને પશુનું પણ ક્લ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમા શું આશ્ચર્ય કહેવાય ? પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ.

4. ગઢડા પ્રથમ ૨૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, “સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મ નિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે, અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે, માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં, અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું; તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું’ માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને, તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, ‘તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી; ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા, તે તારું સ્વરૂપ છે.’ પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ‘ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો.’ અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે; અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે, અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે; ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે, તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહા શૂરવીર હતા, તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ, માટે એમ બોલ્યા જે, ‘હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો.’ એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી; તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે; એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય, અને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીશ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ અને તે વીશે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ; તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાય જાય છે, તેમ જ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમ જ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિયો પણ પોતપોતાના વિષયને વિષે હજારો પ્રકારે ફેલાઈ જાય છે; એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે ‘હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું,’ એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી.

5. ગઢડા પ્રથમ ૨૫ ( para.3)

અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગયોગે કરીને થાય છે. તે અષ્ટાંગયોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે. અને અષ્ટાંગયોગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિષે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિષે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિષે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી, તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે અમે કહ્યા જે આત્મ નિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા; અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે, નાવું, ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવે જ નહિ; તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહિ. કેમ જે, એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે, ‘હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી.’ એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહિ અને પોતાને વિષે અકૃતાર્થપણું પણ માનવું નહિ. અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહિ અને જો છકી જઈને જેમ-તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજ પોતાના આસન ઉપર પધાર્યા.

6. ગઢડા પ્રથમ ૩૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી,” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે; માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાં સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે.” પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાંનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે માબાપ તે અજ્ઞાને કરીને વીસર્યાં છે, તેમ આ મનુષ્ય શરીરના જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગાં સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, ‘જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે,’ અને ‘આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે’ એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતીના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે, ‘એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ’ અને એમ જાણે જે, ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી.’ એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો-તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી; અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ. અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનનાં ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન બોલો.”

7. ગઢડા પ્રથમ ૪૦ ( para.6)

એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા, તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહિ અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહિ; એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ.”

8. ગઢડા પ્રથમ ૪૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહિ તો નહિ સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મ નિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મ નિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ, સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેને ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે, અને તે ભક્તને ભગવાનનાં મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેધ ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનનાં મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિષે રુચિ વર્તે, અને ભગવાનની શ્રવણ-કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મ નિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ-કીર્તનાદિકને વિષે અતિશય રુચિ વર્તે અને જેને આત્મ નિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધસ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે, એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ-કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિષે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિષે વિરોધ કરનારા જે સ્વાદું ભોજન અને સદ્વસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર તેને પામવાને વિષે અતિશય અરુચિ વર્તે. અને જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિષે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર-અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનનાં જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિષે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર, તેને વિષે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિષે પ્રેમને દેખે તે ભક્તને વિષે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિષે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિષે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહિ, પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહિ અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય; માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો.” પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું એક સરખું અંગ હોય તે ઊઠી ઊભા થાઓ.” પછી જેનું જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજીમહારાજે એ સર્વેને પાછા બેસાર્યા.

9. ગઢડા પ્રથમ ૪૭ ( para.4)

પછી મુક્તાનંદસ્વામીએ પૂછ્યું જે, “એ ચાર નિષ્ઠાવાળાને વિષે કોઈ અધિક-ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિષે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તે સર્વ થકી અધિક છે અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ.”

10. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

11. ગઢડા પ્રથમ ૫૮ ( para.5)

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય; અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય; અને જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે ? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”

12. ગઢડા પ્રથમ ૬૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે, “વાસના ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મ નિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ‘ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ?’ એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચાર કરે જે, ‘ભગવાનને ભજતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઈન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટિ ગણાં વધુ સુખ છે.’ એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એને એમ જણાય છે જે, ‘મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું; પણ હું તો સદા વાસનાએ રહિત છું’, એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.”

13. ગઢડા પ્રથમ ૬૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું.’ એવી જે આત્મ નિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહિ અને આત્મ નિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ.”

14. ગઢડા પ્રથમ ૬૧ ( para.3)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “જે આત્મ નિષ્ઠા હોય તે અંતસમે કેટલી સહાય કરે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતાં આવડતું હોય તે તરી જાય ને જેને તરતાં ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે, તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ, તે રૂપી જે નદી તેને તો આત્મ નિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુસમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મ નિષ્ઠાવાળો હોય તથા વગર આત્મ નિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંતસમે આત્મ નિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી, તે સારુ ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી.”

15. ગઢડા પ્રથમ ૬૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે; એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર; તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે ? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે, અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિસમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન, તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દૃશ્ય એવા જે દેહ; એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિદ્રઢ કરીને રાખજ્યો.”

16. ગઢડા પ્રથમ ૭૨ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કાલ્યને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલપાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, ‘જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ.’ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબ માત્રને લેશમાત્ર દુઃખવવો નહિ અને જો ગરીબને દુઃખવે તો તેનું કોઈ પ્રકારે સારુ થાય નહિ અને જો ગરીબને દુઃખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમ જ કોઈકને માથે જુઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે; અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહિ અને તેમ જ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કઈ ? તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત-ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી, એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી.”

17. ગઢડા પ્રથમ ૭૨ ( para.6)

પછી વળી કાકાભાઈએ પૂછ્યું જે, “ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઈત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઈત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે; અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મ નિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે, ‘મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે’ એવા લક્ષણ હોય તેને મધ્યમ ભક્ત જાણવો અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મ નિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો.”

18. ગઢડા પ્રથમ ૭૩ ( para.6)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતા નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મ નિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે, ‘હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ? ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર; તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે’ એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી; તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વિજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’ તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે; અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલા સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે; તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે.’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તે પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.

19. ગઢડા પ્રથમ ૭૩ ( para.7)

અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મ નિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ, માટે આત્મ નિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ-દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્યારે બુઠિયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહિ અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. એ સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે : તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો, માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ, તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે, ‘કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહિ તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહિ.”

20. સારંગપુર ૧ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મ નિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મ નિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”

21. સારંગપુર ૯ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહિ. માટે એવાને તો આત્મ નિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે, ‘હું તો આત્મા છું. તે મારે વિષે માયાકૃત ઉપાધિ હોય નહિ ને હું તો ગુણાતીત છું.’ અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે, અજામેલ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું, તે સર્વે પાપથી છૂટીને પરમપદને પામ્યો. તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું.’ એવી રીતે વિચારીને આનંદમાં રહેવું, પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોત પોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂરણકામ માનવું.”

22. સારંગપુર ૧૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિષે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મ નિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે “निरंजनः परमं साम्यमुपैति” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”

23. સારંગપુર ૧૧ ( para.3)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ અને આત્મ નિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનનાં ધામ છે; તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને “अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्” એ શ્લોકનો પણ એજ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાશીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહિ જ પામે.”

24. સારંગપુર ૧૨ ( para.2)

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સાધુને વિષે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મ નિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો અખંડ રહે છે.”

25. સારંગપુર ૧૪ ( para.2)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે; અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે ? એક તો બતાવો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારુ પાડ્યા જે, ‘સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે;’ અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠધામમાં પહોંચ્યા; માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું, અને પડ્યો તો તે કહેવાય જે; જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારુ ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે, ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે, તે તો યોગભ્રષ્ટ કહેવાય; પણ વૈરાગ્ય, આત્મ નિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી.”

26. સારંગપુર ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, ‘બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે; અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મ નિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કહ્યો તેને તો આત્મ નિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મ નિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે ? એ પ્રશ્ન છે. “ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “આત્મ નિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્ય ને આત્મ નિષ્ઠા નથી, તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે, એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોપીઓ કાંઈ ભોળિયો નહોતી, એ તો આત્મ નિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી તો ડાહિયો હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું; અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી, તે ગોપીઓની સમજણ જોઈને ગદ્ગદ્કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, “ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો.” અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે, ‘ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી’, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે, ‘અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી;’ અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે, ‘જાણીએ હમણાં વિમુખ થઈ જશે.’ એવી જાતના જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે; અને ડહાપણે કરીને યુક્તિ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહિ અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા; એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મ નિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એનાં હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિષે તો આત્મ નિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મ નિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણનાં જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મ નિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મ નિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે, ‘મારે ભગવાનમાં લેશમાત્ર પ્રીતિ નથી,’ માટે આત્મ નિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મ નિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે. તે તો એમ જાણે છે જે, ‘મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે.’ એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે. તો પણ એની પ્રીતિના મૂળ ઊંડાં છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે.”

27. કારિયાણી ૧ ( para.7)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! શ્રુતિ-સ્મૃતિમાં એમ કહ્યું છે જે, ‘निरंजनः परमं साम्यमुपैति’ ।। ‘बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः’।। ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો અમે અભક્તના મન-ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન-ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે; એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ; તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાં જે, ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે, તેના ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે; માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનનો ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે તે બેયની એ ગતિ કહી છે. પણ કેવળ આત્મ નિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ; તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું; એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે.” એમ વાર્તા કરીને બોલ્યા જે, “હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારાં સારાં કીર્તન બોલો.” એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા.

28. કારિયાણી ૭ ( para.5)

પછી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા જે, “આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય ?” પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજીમહારાજ પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે ચોવિશ તત્ત્વ, તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઇ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ (ચિદ્ઘન) જે તેજ તે રહે છે અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ, તે અખંડ વિરાજમાન રહે છે. અને તે જ પોતે દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વ જનને નયનગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે, તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી; એ તો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્યસ્વરૂપ તેને જે વેદાંતશાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે, તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિષે એક રૂપે કરીને જ વિરાજમાન છે; પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે, ‘પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ’. એ સિદ્ધદશાનું લક્ષણ છે.”

29. લોયા ૧ ( para.4)

પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કામને મૂળમાંથી ઊખેડી નાંખવો તેનું શું સાધન છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મ નિષ્ઠા અતિ દૃઢ હોય; અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, એ આદિક જે પંચ વર્તમાન તેને દૃઢ કરીને પાળે; અને ભગવાનનો મહિમા અતિશય સમજે; એ ઉપાયે કરીને કામનું મૂળ ઊખડી જાય છે. અને કામનું મૂળ ઊખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહિ. અને અતિશય કામનું મૂળ ઊખડ્યાનો તો ઉપાય એ છે જે, ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો.”

30. લોયા ૧ ( para.9)

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મ નિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”

31. લોયા ૫ ( para.9)

અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય ?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “ધર્મશાસ્ત્રમાં કહ્યા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્તકૃચ્છ્ર, ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા, કીર્તન, વાર્તા કરે તથા ભજન-સ્મરણમાં બેસે તથા આસન જીતે, ઈત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના માહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મ નિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે.”

32. લોયા ૬ ( para.17)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “આ સંતમાં એવો કયો એક દોષ છે જે, જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષમાત્રનો ત્યાગ થઈ જાય ? અને એવો કયો એક ગુણ છે જે, એક આવ્યે સર્વે ગુણ આવે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જો દેહાભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને ‘હું તો દેહથી નોખો જે આત્મા તે છું’ એવો જે આત્મ નિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણમાત્ર આવે છે.”

33. લોયા ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો”, ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ?” પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, “વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું ? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સર્વ જીવના આયુષને જાણે અને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ્ તથા ભગવદ્‌ગીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઈત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે, જો યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઈત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઊપજે જે, ભગવાનની જે વિભૂતિયો છે તેને જાણે, તે કેમ જાણે ? તો ખંડ-ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિયો જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વિપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર, તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિયો તેનું શ્રવણ કરે તો ઊપજે, અને જ્યારે ધર્મને વિષે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય; એ ત્રણેય ઊપજે. એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે.”

34. લોયા ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક્ પૃથક્ રુચિ છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ‘જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે ને પુરૂષોત્તમ છે, તે જીવ, માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે ? અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે ? તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.” ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈઓ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો.’ ત્યાં શ્લોક છે :- “न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते । यद्विस्रंभाच्चिराच्चीर्णं चस्कन्द तप ऐश्वरम् ।। नित्यं ददाति कामस्य छिद्रं तमनु येऽरयः। योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ।।” એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગી અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે, તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારુ લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે અને એ ત્રણ્યે અવતાર કરતા કોટિ ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, ‘બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને એમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો.’ અને બીજા જે મત્સ્ય-કચ્છાદિક ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિસુખ થાય છે; અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક’ તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે, ‘એ બહુ ઠીક કરે છે.’

35. લોયા ૧૪ ( para.3)

અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, દંભ, કપટ ઈત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય, તે સાથે જ અમારે બેઠા-ઊઠ્યાની સુવાણ થાય છે; અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહિ, તેની તો ઉપેક્ષા રહે છે. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ, માન ને ઈર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાં જે, કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તે માન તે શું ? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહિ. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે, જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, તેને વિષે તો અમારે રુચિ નથી તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર-અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાન વિષે તો અમારે ઉપાસના છે તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિષે અમારે ભક્તિ છે તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મ નિષ્ઠા છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે, તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુવે, તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યામાં આવે છે.” એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

36. લોયા ૧૬ ( para.3)

ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વાસના કુંઠિત તો હોય, પણ તે મૂળમાંથી ટળી જતી નથી તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એ છે જે, આત્મ નિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થમાત્ર તેને વિષે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિકરૂપ જે ધર્મ તથા માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચાર વાનાં જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી.”

37. લોયા ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્યા જે, “જુવોને, ભગવાનની માયાનું બળ કેવું છે ! જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે; કેમ જે, પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે !” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે; માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ; તે શાણે કરીને થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મ નિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહિ; અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.”

38. લોયા ૧૭ ( para.5)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મ નિષ્ઠા ને વૈરાગ્ય છે. તે માહાત્મ્ય તે શું ? તો ‘જે ભગવાનની બીકે કરીને ઈન્દ્ર વર્ષે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે; પૃથ્વી સર્વને ધારી રહી છે; સમુદ્ર મર્યાદા નથી લોપતો; ઔષધિઓ ઋતુને પામીને ફળે છે; અને જે ભગવાન જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયને કરે છે; અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે.’ એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે, તે બંધન કરે ? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે, એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ‘ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથાવાર્તાને વિષે માલ છે અને અક્ષર તે આવું છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવું કયું પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું; તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ; તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે.

39. પંચાળા ૧ ( para.2)

તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી તે કેડે શ્રીજીમહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા જે, “અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ જે, ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ પંચવિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચવિષય તે સરખા થાય નહિ અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહિ, માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચવિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય. અથવા તે કરતા પણ અતિશય ભૂંડા થઈ જાય? એ પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ, તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચવિષયને ભૂંડા પંચવિષય જેવા જાણ્યા હોય અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્યા હોય તે જે પોતપોતાનો વિચાર, તે કહો.” પછી તે સર્વે પરમહંસે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો.

40. પંચાળા ૭ ( para.3)

એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.

41. ગઢડા મધ્ય ૧ ( para.8)

માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમસિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મ નિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”

42. ગઢડા મધ્ય ૯ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “કીર્તન બોલીએ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “લ્યો, પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ. અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય, તો તેની ચિંતા નહિ; પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહિ. અને જો ભગવાનનું વચન કાંઇક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય, તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહિ. માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે, ‘સર્વોપરી ને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે, તે જ મને પ્રાપ્ત થયું છે.’ અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત્ સત્સંગથી બાહેર નીસરી જવાણું, તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બાહેર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિષે ભગવાનને સમીપે જશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય, તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. તે માટે પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત્સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતી લડાઈ થઇ ત્યારે શ્રીકૃષ્ણભગવાને અર્જુનને કહ્યું જે -

43. ગઢડા મધ્ય ૯ ( para.7)

એ શ્લોકનો એ અર્થ છે જે, ‘ભગવત્સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.’ જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને વિષે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઇ તે ભગવત્સ્વરૂપના બળને પ્રતાપે થઇ. માટે જેને સર્વથી ભગવત્સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ્ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે, ‘શ્રુતિ-સ્મૃતિના ધર્મને કાંઇક તજાય તો તેની ચિંતા નહિ, પણ ભગવાનનો આશ્રય તજવો નહિ.’ અને કોઈક એમ જાણે જે, ‘આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઇ જાય.’ પણ આ વાર્તા કાંઇ ધર્મને ખોટા કર્યા સારુ નથી; આ તો એટલા સારુ છે જે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ અને દેવતા એટલાં વાનાં શુભ ને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઇક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહિ અને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય, તો જે દિવસ ધર્મમાંથી ચળી જવાય તે દિવસ તે એમ જાણે જે, ‘હું નરકમાં પડી ચૂક્યો.’ માટે જેને ભગવત્સ્વરૂપનુ બળ તે જ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે, તો સાંભળીને એમ કહે જે, ‘આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહિ. આ વાર્તા તો ‘न भूतो न भविष्यति’ એવી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે, તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે, એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પૂણ્યનો પાર આવે એમ નથી. એવું જાણી સત્સંગી હોય તેને પોતાને વિષે કૃતાર્થપણું માન્યું જોઇએ. અને જેને ભગવાનને વિષે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય, તો પણ તેને તો કાંઇ કરવું રહ્યું નથી, પણ જેને પરમેશ્વરને વિષે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજ્યો જોઇએ. માટે જે ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી-વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો, એ જ મત અતિ સારમાં સાર છે.”

44. ગઢડા મધ્ય ૧૬ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપ નિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મ નિષ્ઠા; એ બે નિષ્ઠા છે, તેમાંથી જે સ્વરૂપ નિષ્ઠાનું બળ રાખે તેને ધર્મ નિષ્ઠા મોળી પડી જાય છે અને જે ધર્મ નિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપ નિષ્ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે, જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ્‌ભાગવત ના પ્રથમ સ્કંધને વિષે સંવાદ છે, તેમાં એમ કહ્યું છે જે, ‘સત્ય શૌચાદિક જે કલ્યાણકારી એવા ઓગણચાળીશ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે.’ માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારૂ ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. અને વળી, શ્રીમદ્‌ભાગવત ના પ્રથમ સ્કંધને વિષે શૌનકાદિક ઋષિએ સૂત પુરાણીને પૂછ્યું છે જે, ‘ધર્મના બખતરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતર્ધાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો?’ માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારુ જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મ નિષ્ઠા સહજે જ રહે અને એકલી ધર્મ નિષ્ઠા રાખે તો સ્વરૂપ નિષ્ઠા મોળી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મ નિષ્ઠા પણ દ્રઢપણે રહેશે.”

45. ગઢડા મધ્ય ૧૭ ( para.8)

અને પુરુષોત્તમ ભગવાન છે, તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે, તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા, તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિષે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિષે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમ જ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમ જ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્ર વિષે યોગ્ય-અયોગ્ય એવો ઘાટ ઘડે નહિ, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિષે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી.”

46. ગઢડા મધ્ય ૧૯ ( para.3)

લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજના, સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચજ્યો. બીજું, અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણનારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન, તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્મ નિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભક્તિ; એ ચાર ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવમનુષ્યાદિકને વિષે થાય છે. તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને શ્રીરામચંદ્રને વિષે નિર્દોષપણે નિષ્ઠા હતી, તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રીકૃષ્ણનારાયણના અવતાર પૃથ્વીને વિષે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિષે સીતા ને રુક્મિણીના જેવી ભક્તિ કરવી. અને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિષે દ્રઢપણે વર્તવું. બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ, તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહિ માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત્ ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ને દિવસ લખ્યો છે.” એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો.

47. ગઢડા મધ્ય ૨૪ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો યોગ નિષ્ઠા છે ને બીજી સાંખ્ય નિષ્ઠા છે. તેમાં યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડવૃત્તિ રાખે. અને સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહિલી કોરે જે સુખ છે, તે સર્વેનું પરિમાણ કરી રાખે જે, ‘આ સુખ તે આટલું જ છે.’ અને એ સુખની કેડ્યે જે દુઃખ રહ્યું છે, તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય. અને યોગ નિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય, પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય, તે ક્યાંક બીજે પણ ચોટી જાય. કેમ જે, યોગ નિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય; માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્ય નિષ્ઠા ને યોગ નિષ્ઠા, એ બે જો એકને વિષે હોય તો પછી કાંઈ વાધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહિ અને એમ સમજે જે, ‘ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત; તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે, તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી.”

48. ગઢડા મધ્ય ૩૨ ( para.3)

અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે; ને એણે કરીને જ એ જીવ છે, તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મ નિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મ નિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મ નિષ્ઠા ને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તોપણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે, એટલો ધર્માદિક થકી ભક્તિને વિષે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિષે કોઈ વિઘ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિષે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ છે, તેને વિષે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય, તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેને વિષે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહિ.”

49. ગઢડા મધ્ય ૩૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવા જે, “પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ. પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે, એમ જે માન્યું હોય તે કહેજ્યો.” એમ સર્વેને કહીને પછી શ્રીજીમહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી જે, “અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર અથવા પદાર્થમાત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ, ત્યારે સુખ થાય. અને જો ભગવાનનો ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહિ. અને અમારે વગર ઈચ્છે પણ પંચવિષય છે, તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે, તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાંખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યન્ત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. ને જે અમારે વિષે દોષબુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થશે ને તેને દેહ મૂક્યા સમે બહુ કષ્ટ થશે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન રહે છે. અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારુ થાય તે સારુ હળીમળીને રહીએ છીએ. અને જે દિવસ અમારા હૈયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંઈ હેત જણાશે તો અમે એમ માનીશું જે, ‘અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા.’ પણ અમને એવો નિશ્ચય છે જે, અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહિ. એ અમે અમારું અંગ હતું તે કહ્યું. હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો.” પછી સર્વે સંતે તથા સર્વે હરિભક્તે જેવા જેના અંગ હતા તેવા કહ્યા જે, આ લોકને વિષે ને પરલોકને વિષે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે; એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વિક્તિ જે, કોણેક તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્યનું કહ્યું અને કોણેક આત્મ નિષ્ઠાનું કહ્યું; ને કોણેક ભગવાનને વિષે પ્રીતિનું કહ્યું ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું, એવી રીતે બહુ પ્રકારે કહ્યું, પણ શ્રીજીમહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન કહ્યું.”

50. ગઢડા મધ્ય ૩૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સંસારી જીવ છે, તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્ર, નાટક-ચેટકમાં ક્યાંઈ પ્રતીતિ આવે જ નહિ. અને જે હરિભક્ત હોય ને જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે, તે સત્સંગી હોય તે પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા, તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહિ અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા. અને કોઈક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું જે, ‘તમે સદાવ્રતી છો, માટે તમને આ બુટી બતાવીને રૂપું કરતા શીખવું.’ પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું જે, ‘અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી.’ પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય, તેને એક તો આત્મ નિષ્ઠા હોય, ને બીજો વૈરાગ્ય હોય, ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય, ને ચોથી શ્રીકૃષ્ણભગવાનને વિષે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણભગવાનને વિષે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે; પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણવાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંઝિયો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિષે તેનો પ્રવેશ જાણવો; પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેનો જેને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિષે હેત ઉપજે નહિ ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય.”

51. ગઢડા મધ્ય ૩૯ ( para.4)

એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન્ય, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજીમહારાજે મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું જે, “અમે પંચમસ્કંધ તથા દશમસ્કંધનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો” ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે, ‘એ વાર્તા એમ નહિ હોય.’ એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમસ્કંધનું તો એ રહસ્ય છે જે, ઉપનિષદ્-વેદાંત ને શ્રુતિસ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિઃસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે, તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે, ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું; તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણભગવાન જ છે, એમ કહ્યું છે. અને પંચમસ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણભગવાનનું માહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રીકૃષ્ણભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે, એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશય મોટ્યપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે, એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વસુદેવ-દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજરૂપે અદ્‌ભૂત બાળક થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવરૂપ છે. અને એ શ્રીકૃષ્ણભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે; તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્યસ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે, એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના-ભક્તિ કરવી ને દશમમાં કહ્યા છે જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા, તે શુકજીએ જ કહ્યું છે જે, “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।” અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઈક પાપ કરશે, તો પણ એનો ઉદ્ધાર થશે; કેમ જે, પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજ્યો.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાનાં વચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા.

52. ગઢડા મધ્ય ૫૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે, તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી. ને તે સત્તારૂપ આત્મા કેવો છે ? તો જેને વિષે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્દ્રિયો અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે, તે અજ્ઞાને કરીને જણાય છે, પણ જેણે જ્ઞાન-વૈરાગ્યે કરીને એનો સર્વે પ્રકારે નિષેધ કરી નાખ્યો છે, તેને તો એ આત્માને વિષે કોઈ જાતનું આવરણ નથી. અને એ આત્મારૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી; એ તો પોતાને આત્મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્મા છું, તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય?’ એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મ નિષ્ઠા દ્રઢ કરીને રાખવી. અને એ આત્માના પ્રકાશને વિષે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે; તેમ આત્માનો જે પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે.

53. ગઢડા મધ્ય ૬૨ ( para.4)

એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે, “અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મ નિષ્ઠા, જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મ નિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય, ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે, તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે, ‘હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે.’ અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મ નિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.

54. ગઢડા મધ્ય ૬૨ ( para.7)

અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે, ‘જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે.’ એવી રીતે એ જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને ને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય, તેને તો આત્મ નિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ જે, જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મ નિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિષે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું, તો જ સત્સંગી રહેવાય; નહિ તો સત્સંગ થકી બહાર પડી જવાય.

55. ગઢડા મધ્ય ૬૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ.” ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે, તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે. અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, ‘ આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારને વિષે આસક્તિ છે.’ એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી; એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન, તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું ? એ તો રહેવાય જ. અને આત્મ નિષ્ઠાવાળા જે સંત, તેને આત્મ નિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિષે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે, તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ્ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણભગવાનને વિષે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મ નિષ્ઠાવાળાને જો ભગવાનને વિષે ભક્તિ ન હોય તો એ એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિષે ભક્તિ હોય તેને પણ જો આત્મ નિષ્ઠા ને વૈરાગ્ય ન હોય, તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિષે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિમાર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે; માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે, તે સારુ કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મ નિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ; એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય.”

56. વરતાલ ૩ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરશું ?” પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મ નિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહિ. કેમ જે, જે ભગવાનનું માહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે જે, ‘ભગવાનની આજ્ઞાને વિષે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય ?’ એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે.”

57. વરતાલ ૧૭ ( para.3)

પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે, “એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે અને તે એમ જાણે છે જે, ‘અમે આત્મા છીએ,’ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ, વર્ણ, આશ્રમ; તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું; તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય. ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ. અને બીજા ત્યાગી સંત છે. તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે, ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે કહેશો જે, ‘જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય.’ તે ઉપર એ આશંકા છે જે, ‘પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીવે તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય.’ માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ન છે.” પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે કેવળ નિવૃત્તિધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મ નિષ્ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે, તેને તો પરમેશ્વરે ક્હ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું. અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે જે, આ તો ત્યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂન પણ રહેવું નહિ, અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ; એ આદિક જે વિકાર, તેનો ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું, તો એને કોઈ જાતનું બંધન થાય નહિ. અને કેવળ આત્મ નિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે.”

58. ગઢડા અંત્ય ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે પરમહંસને પૂછ્યું જે, “પરમેશ્વરના ભક્તને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન થાય નહિ, એવી શી સમજણ છે ?” પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મ નિષ્ઠા જોઈએ; તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મ નિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિઓ ચૂંથાઈ જાય, પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે, અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તને આત્મ નિષ્ઠા અને વૈરાગ્ય; એ બેય અતિશય દ્રઢ જોઈએ. શા સારુ જે, વૈરાગ્યે કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકારમાત્ર ખોટા થઈ જાય છે અને આત્મ નિષ્ઠાએ કરીને માયિક જે સુખ ને દુઃખ; તે ખોટા થઈ જાય છે. અને જેને વૈરાગ્ય ને આત્મ નિષ્ઠા ન હોય, તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય, તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખશાંતિ રહે અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે, ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂંથવા માંડે.”

59. ગઢડા અંત્ય ૫ ( para.9)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે, તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહિ, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બેય ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મ નિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહિ. તેને આત્મ નિષ્ઠા, વૈરાગ્ય જો થોડાં હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે, પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિષે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે; માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે.”

60. ગઢડા અંત્ય ૧૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અમારે ભગવાનને વિષે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ જે, અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત્ વિપત્ આવે તેમાં એમ રહે છે જે, એક તો ભગવાનની અતિશય મોટ્યપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી, તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે, ‘આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોટાડ્યું છે.’ અને ભગવાન સંઘાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે, તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે, એવી રીતનો દ્રઢાવ છે. તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે, ‘શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહિ. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. ને એમ જાણીએ છીએ જે, ‘એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારુ.’ એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે, ‘મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહિ.’ એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાનનાં જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ. એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંઘાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ, તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટિ ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંઘાથે અમારે બને નહિ. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વહાલું રાખ્યું નથી; માટે શા સારુ ભગવાનમાં પ્રીતિ નહિ રહે ? અને ભગવાનનાં કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે, ‘જાણીએ, દીવાના થઈ જવાશે.’ અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર રાખીએ છીએ.

61. ગઢડા અંત્ય ૨૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવા જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો; એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મ નિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મ નિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મ નિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે અને આત્મ નિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે, પણ ઝાઝી વાર ટકે નહિ.”

62. ગઢડા અંત્ય ૨૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “જેવું પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે, એવું તો ઝીણાભાઈનું અંગ છે તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવા અંગ હતા. માટે અમે અંતરસન્મુખ દૃષ્ટિ કરીને વિચારતા હતા. અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે. અને જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્મ નિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે.”

63. ગઢડા અંત્ય ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિનાં જે સાધન તે શા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મ નિષ્ઠા, માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઊતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું; એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.”

64. ગઢડા અંત્ય ૨૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મ નિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી, ‘એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે, ‘એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય.’ એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત્પ્રસન્નતા રૂપ ફળને ઈચ્છવું. અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય.”

65. ગઢડા અંત્ય ૨૬ ( para.3)

પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મ નિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મ નિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”

66. ગઢડા અંત્ય ૨૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો જે, “બે સત્સંગી છે, તેની અવસ્થા વિશ વિશ વર્ષની છે તથા બેયને નિશ્ચય, હેત ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે. અને તેમાંથી એકને તો પ્રારબ્ધયોગે કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખ્યયોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી, પણ મળી નહિ. ત્યારે એ બે જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો; માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્થ થયો, તેની થાય કે સાંખ્યયોગીની થાય ? તે કહો. અને વેદ તો એમ કહે છે જે, ‘જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો. ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષયભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો.’ માટે વિચારીને ઉત્તર કરજ્યો ?” પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો. કેમ જે, એને તીવ્ર વૈરાગ્ય નથી. માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી. તેમ કાંઈ પોતામાં આત્મ નિષ્ઠાની પણ દ્રઢતા નથી. તે સારુ એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાય જાય ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને છ મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે. માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી, ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે, તો એનો ત્યાગ દેહ પર્યન્ત નભે નહિ. વર્ષે, બે વર્ષે, દશ વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે.”

67. ગઢડા અંત્ય ૩૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ? તો જેને વિષે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ, એટલાં વાનાં હોય તેને એકાંતિક ભક્ત કહીએ. અને એની ગતિ એમ કહી છે જે, ‘એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય.’ તે પ્રવેશ તે શું ? તો તેજના મંડળને વિષે દિવ્યમૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એ ભક્તને સ્નેહ હોય, તે સ્નેહે કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિષે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિષે પણ બહાર થકી રહે. ‘જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિષે ચિહ્નરૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યાં છે ને બહાર થકી સ્ત્રીરૂપે કરીને સેવામાં પણ રહ્યાં છે,’ તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ જાણવો. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામસ્મરણ ઈત્યાદિક જે દસ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું માહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મ નિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય, તે એવું હોય જે, ‘તે વિના કોઈ રીતે ચાલે જ નહિ.’ જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહિ ને તે અફીણ તો કડવું ઝેર છે, તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહિ. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહિ. તે એને ઘણાક રૂપિયા આપે તો પણ તે બંધાણથી તે વહાલા ન થાય ને ન લે. કેમ જે, એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે. તેમ જેને ભગવદ્‌ભક્તિ આદિક ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહિ. ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહિ. ને ભગવદ્‌ભક્તિ આદિક ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઈશક હોય, એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ છે એમ જાણવું. અને તે ભગવદ્‌ભક્ત કેવો હોય ? તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા ? એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો ને એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય, અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે ચાળે ચઢી જાય, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ, પણ એ ભક્ત ખરો નહિ ને એનો વિશ્વાસ નહિ.”

68. ગઢડા અંત્ય ૩૯ ( para.3)

અને ભગવાનનો જે ભક્ત હોય, તેને આત્મ નિષ્ઠાનું બળ તથા ભગવાનના માહાત્મ્યનું બળ, એ બે બળ જોઈએ. તે આત્મ નિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક્ જાણવો. અને સાધુ ભેળા રહેતા હોઈએ, તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહંમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય, ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે; તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાના દેહથી પૃથક્ આત્મા જાણવો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યનાં કિરણ તે તો જડ છે. કેમ જે, તેને આંગળી અડાડીએ તો ખસે નહિ અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે. અને એને સૂર્ય, અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે. અને એમ કહેવાય છે જે, ‘જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે.’ અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી, જેવો છે તેવો ને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે આપણને એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે ? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું.

(કુલ: 170)