પ્રલય

પ્રલય

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પ્રલય" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૨ ( para.8)

પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યાં થકા પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા, તે ઈશ્વરના દેહ તે વિરાટ્, સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને વિરાટ્ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધ કાળ પર્યન્ત આયુષ છે. અને તે વિરાટ્ પુરુષના એક દિવસને વિષે ચૌદ મન્વંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે; તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ્ પુરુષનો દ્વિપરાર્ધ કાળ પૂરો થાય છે ત્યારે, એ વિરાટ્ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે અને મહદાદિક જે ચોવિશ તત્ત્વ, પ્રધાન-પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાને વિષે લય પામે છે; તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિષે લય પામે છે, જેમ દિવસને વિષે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે; તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિષે વૈરાગ્ય થાય અને ભગવાનને વિષે ભક્તિ થાય છે અને જ્યારે એ સર્વ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિષે રહે છે અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે.”

2. ગઢડા પ્રથમ ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દેહ-દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે ? અને જો એક કહેશો તો વડ, પીંપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે, એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે, ‘એ તો એનો એ જીવ છે’, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર કરીએ જે, શ્રીકૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે, તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ્ રૂપને ધારતા હવા. અને તે વિરાટ્ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિષે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સમગ્ર જીવને સૃજતા હવા અને પાદ્મકલ્પને વિષે તો એ ભગવાન બ્રહ્મારૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા અને કશ્યપ અને દક્ષરૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુ-પક્ષ્યાદિક સમગ્ર સ્થાવર-જંગમ જે જીવ તેને સૃજતા હવા. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરુષપ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ-જીવ પ્રત્યે અંતર્યામીરૂપે રહ્યા છે અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિષે કેટલાક કર્મ તો સત્ત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભિજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ, તેને પમાડે છે, અને સુખ દુઃખરૂપ જે કર્મના ફળ તેને પમાડે છે, અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ ‘કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા’, તેમ એના એ ભગવાન અંતર્યામીરૂપે કરીને સમગ્ર જીવ-જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે, પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી; એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારાએ ઉપજાવે છે.

3. ગઢડા પ્રથમ ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ? તો પ્રકૃતિપુરુષથી પર છે, અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે, અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય ; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમ જ ચિત્તરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમ જ બુદ્ધિરૂપ પોતાની ડાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમ જ અહંકારરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો છે તે ડાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા, તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી, અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઇ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઇ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઇ જાય છે, ને જે એ ભગવાનને ઇર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઇર્ષ્યાવાન થઇ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ ‘સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે.’ તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઇ જાય છે.”

4. ગઢડા પ્રથમ ૩૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી,” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે; માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાં સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે.” પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાંનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે માબાપ તે અજ્ઞાને કરીને વીસર્યાં છે, તેમ આ મનુષ્ય શરીરના જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગાં સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, ‘જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે,’ અને ‘આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે’ એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતીના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે, ‘એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ’ અને એમ જાણે જે, ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી.’ એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો-તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી; અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ. અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનનાં ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન બોલો.”

5. ગઢડા પ્રથમ ૪૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,”પ્રશ્ન-ઉત્તર કરો.” પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ‘एकोऽहं बहुस्यां प्रजायेय’ એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, ‘ પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વ જીવ-ઈશ્વર રૂપે થયા છે.’ તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે, ભગવાન તો અચ્યુત છે, તે ચ્યવીને જીવ ઈશ્વરરૂપે થાય નહિ; માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે, તે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યો છે જે, “स्वकृतविचित्रयोनिषु विषन्निव हेतुतया तरतमतश्चकास्त्यनलवत्स्वकृतानुकृतिः” એનો અર્થ એમ છે જે, ‘પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિષે કારણપણે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે.’ તેની વિગતિ જે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે, એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. અને પછી તે પ્રકૃતિ-પુરુષથકી પ્રધાનપુરુષ થયા અને તે પ્રધાનપુરુષથકી મહત્તત્ત્વ થયું ને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત, વિષય, ઇન્દ્રિયો, ભગવદ્‌ગીતાઅંતઃકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટપુરુષ થયા ને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્માથકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપપ્રજાપતિ થયા ને તે થકી ઈન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ-પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ-પ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરુષમાં નથી ને જેવા પ્રધાનપુરુષમાં છે તેવા મહત્તત્ત્વાદિક ચોવિશ તત્ત્વમાં નથી. ને જેવા ચોવિશ તત્ત્વમાં છે તેવા વિરાટપુરુષમાં નથી ને જેવા વિરાટપુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી ને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઈન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઈન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ-પક્ષીમાં નથી, એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે. જેમ કાષ્ઠને વિષે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાકાં કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે અને અક્ષર ને પુરુષ-પ્રકૃતિ આદિ સર્વેને વિષે પુરુષોત્તમ ભગવાન અંતર્યામીરૂપે રહ્યા છે પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થીમાં તારતમ્યપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામીરૂપે કરીને એ સર્વેને વિષે પ્રવેશ કરીને રહ્યા છે પણ જીવ-ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા, એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો.”

6. ગઢડા પ્રથમ ૫૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈ પ્રશ્ન પૂછો.” પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ, તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય; માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે ?” પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે, “એ જ પ્રશ્ન છે, તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થરૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે, માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્વિકાહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્ત્વ જ છે. અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન-પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટિ પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે; તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થતું.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

7. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

8. ગઢડા પ્રથમ ૬૮ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહિ થાય ?” પછી સંત બોલ્યા જે, “એનું કલ્યાણ નહિ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે અને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે, તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને અને કર્મે કરીને માનશે; પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થશે.”

9. ગઢડા પ્રથમ ૬૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી, કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે, એ માંયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ, સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહિ. અને એ નાસ્તિકપણું મટે ક્યારે ? તો જ્યારે શ્રીમદ્‌ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે.”

10. ગઢડા પ્રથમ ૭૮ ( para.16)

પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈયે ને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે; તે કેમ સમજીએ તો રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે; જો ભગવાનનું પૂરું માહાત્મ્ય સમજે તો. તે માહાત્મ્ય એમ સમજવું જે, ‘અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી અને અનંત કોટિ બ્રહ્માંડને વિષે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે અને તેને વિષે સુખ, દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે, જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે, પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય; અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે. એવી અદ્‌ભૂત સામર્થી છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે.’ એવી રીતે માહાત્મ્ય સમજે તો જેવી પાસે રહ્યે મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તો પણ રહે.”

11. સારંગપુર ૬ ( para.2)

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જીવાત્મા જે તે જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજપુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળદેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાનાં પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિષે રહી છે એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મદેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા, તેનું પ્રધાનપુરુષરૂપ સગુણબ્રહ્મના સુખલેશને વિષે અતિશય લીનપણું થઈ જાય છે તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ અને એ સુષુપ્તિને વિષે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહીએ અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્ય પદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે. બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે.”

12. સારંગપુર ૧૬ ( para.2)

પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રીનરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડનાં સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.’ ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો તે શ્રીમદ્‌ભાગવતના પંચમ સ્કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા.’ કેવી રીતે ? તો આ ભરતખંડને વિષે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને પોતાને વિષે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદરિકાશ્રમને વિષે રહ્યા છે; અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષરબ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”

13. સારંગપુર ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે; અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દૃષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય. અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય, ત્યાં દ્રષ્ટાંત છે- જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી, તથા મોટા મોટા મગરમત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે, પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી. અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે- જેમ આકાશ છે તેને વિષે મચ્છર ઊડે ને ચરકલું ઊડે ને સમળા ઊડે ને સીંચાણો પણ ઊડે ને અનળ પક્ષી પણ ઊડે ને ગરુડ પણ ઊડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિષે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિષે ન્યૂનપણું સમજતો જાય છે. તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટપુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાનપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સીંચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળપક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષરમુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થીને પામ્યા છે, તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે; અને જેમ જેમ વધુ સામર્થીને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિષે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવરૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા કરતા આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો. પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થી પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યન્ત આદ્ય, મધ્ય અને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું.” એમ કહીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને ઊઠ્યા. પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા થકા બોલ્યા જે, “જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે આહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂંકડો જાય ત્યારે તો દૃષ્ટિ પણ પહોંચી શકે નહિ, એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે, તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટ્યપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે.”

14. કારિયાણી ૧ ( para.5)

પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાન તો મન-વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તે કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે; અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે, ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ; એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહત્તત્ત્વ થયું અને મહત્તત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્ત્વે મળીને રચ્યો એવો જે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બેય જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, અને જે કાળ તે એ માયાદિક તત્ત્વને નામ રૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ, તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન તે જે તે એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે ? એ તમારો પ્રશ્ન કે નહિ?” ત્યારે સૌએ કહ્યું જે, “હે મહારાજ ! એજ પ્રશ્ન છે” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી, કાં જે, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે - “बुद्धीन्द्रियमनः प्राणान् जनानामसृजत्प्रभुः। मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च ।।” એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા, તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે.’ માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે. તે પણ જીવને અર્થે કરે છે; કાં જે, નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે ? એ તો આવે જ.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

15. કારિયાણી ૧ ( para.7)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! શ્રુતિ-સ્મૃતિમાં એમ કહ્યું છે જે, ‘निरंजनः परमं साम्यमुपैति’ ।। ‘बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः’।। ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો અમે અભક્તના મન-ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન-ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે; એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ; તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાં જે, ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે, તેના ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે; માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનનો ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે તે બેયની એ ગતિ કહી છે. પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ; તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું; એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે.” એમ વાર્તા કરીને બોલ્યા જે, “હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારાં સારાં કીર્તન બોલો.” એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા.

16. કારિયાણી ૭ ( para.5)

પછી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા જે, “આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય ?” પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજીમહારાજ પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે ચોવિશ તત્ત્વ, તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઇ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ (ચિદ્ઘન) જે તેજ તે રહે છે અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ, તે અખંડ વિરાજમાન રહે છે. અને તે જ પોતે દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વ જનને નયનગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે, તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી; એ તો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્યસ્વરૂપ તેને જે વેદાંતશાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે, તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિષે એક રૂપે કરીને જ વિરાજમાન છે; પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દ્રઢનિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે, ‘પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ’. એ સિદ્ધદશાનું લક્ષણ છે.”

17. લોયા ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો”, ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ?” પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, “વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું ? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સર્વ જીવના આયુષને જાણે અને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ્ તથા ભગવદ્‌ગીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઈત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે, જો યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઈત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઊપજે જે, ભગવાનની જે વિભૂતિયો છે તેને જાણે, તે કેમ જાણે ? તો ખંડ-ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિયો જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વિપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર, તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિયો તેનું શ્રવણ કરે તો ઊપજે, અને જ્યારે ધર્મને વિષે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય; એ ત્રણેય ઊપજે. એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે.”

18. લોયા ૧૭ ( para.5)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે માહાત્મ્ય તે શું ? તો ‘જે ભગવાનની બીકે કરીને ઈન્દ્ર વર્ષે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે; પૃથ્વી સર્વને ધારી રહી છે; સમુદ્ર મર્યાદા નથી લોપતો; ઔષધિઓ ઋતુને પામીને ફળે છે; અને જે ભગવાન જગતની ઉત્પત્તિ-સ્થિતિ- પ્રલયને કરે છે; અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે.’ એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે, તે બંધન કરે ? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે, એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ‘ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથાવાર્તાને વિષે માલ છે અને અક્ષર તે આવું છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવું કયું પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું; તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ; તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે.

19. પંચાળા ૧ ( para.3)

ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય, તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય, તેવી જણાય આવે છે. તથા જેમ પાંચ પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રુક્મિણી, સત્યભામા, જાંબવતી આદિક ભગવાનની પટરાણીયો તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઈત્યાદિક ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યાં છે; તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમનાં રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમનાં વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે. તેમ પુરાણ-ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળ્યામાં આવે છે જે, ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને સદા સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિષે કર્તાપણું કહેવાય નહિ. અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્યમૂર્તિ, પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલયકાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ, તેમને ઉત્પત્તિકાળે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે; તે શાને અર્થે આપે છે ? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે.

20. પંચાળા ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ.” એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “યોગવાળા છે તે પંચવિશમાં જીવ-ઈશ્વરને કહે છે અને છવિશમા પરમાત્માને કહે છે. અને સાંખ્યવાળા છે તે ચોવિશ તત્ત્વને અવાંતર જીવ-ઈશ્વરને કહીને પંચવિશમાં પરમાત્માને કહે છે. તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે, સૂઝે એવો આત્મા-અનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે જે, સર્વે દેવ-મનુષ્યાદિકની જે ગતિયો તેને જાણીને અને વિષયને વિષે વૈરાગ્યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં દૂષણ છે જે, જીવને પંચવિશમો કહ્યો તથા ઈશ્વરને પંચવિશમાં કહ્યા; અને જીવનો ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો ને ઈશ્વરનો પણ ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો. માટે એ બેયને વિષે તુલ્યભાવ આવી જાય જે, સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે, તથા સૂક્ષ્મ ને સૂત્રાત્મા તે તુલ્ય છે, અને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે; તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે, તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે, તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે; અને વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા અને શિવ તે તુલ્ય છે. એમ સમજીને છવિશમાને ભજે છે. એવી રીતે જીવ-ઈશ્વરને વિષે જે તુલ્યભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી જે, ‘ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યાં છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે, ને તે ભૂત સર્વ જીવના દેહોને ધારી રહ્યાં છે; અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્પજ્ઞ છે; ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે.’ એવી રીતે યુક્તિ શીખીને જીવ- ઈશ્વરને વિષે સમપણું ન સમજવું. અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે, તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂંથાઈ જાય. અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ-ઈશ્વરને વિષે સમપણું રહેવા દે નહિ, માટે જીવ ઈશ્વરને વિષે સમપણું ન આવે એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા. અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે, ચોવિશ તત્ત્વ કહ્યા છે ને પંચવિશમાં પરમાત્મા કહ્યા છે; ને તે ચોવિશ તત્ત્વને મિથ્યા કહ્યા છે ને પરમાત્માને સત્ય કહ્યા છે; ત્યારે તે પરમાત્માને પામે છે કોણ ? કેમ જે, પામનારા જીવને તત્ત્વથી ભિન્ન કહ્યો નથી. માટે એ જે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટા થકી એમ યુક્તિ શીખવી જે, ‘એ ચોવિશ તત્ત્વ કહ્યા તે જીવ વિના હોય નહિ; માટે એ તત્ત્વ ભેળા જ જીવ-ઈશ્વરને કહ્યા છે. તે જીવ ઈશ્વર એ તત્ત્વથકી પૃથક્ છે ને પરમાત્માને પામે છે. એવી રીતની યુક્તિ શીખવી. અને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે, ‘તત્ત્વ તો મિથ્યા છે, ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યા છે તે શાને અર્થે કહ્યા છે ?’ માટે તત્ત્વના તદાત્મકપણાને પામ્યા જે જીવ-ઈશ્વર તેને તત્ત્વરૂપે કરીને કહ્યા છે, પણ એ તત્ત્વ થકી અતિ વિલક્ષણ છે, તે પરમાત્માને પામે છે. ઈત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી. અને યોગવાળા જે છે તે, ‘પ્રત્યક્ષમૂર્તિ એવા જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય,’ એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને જે સાંખ્યવાળા છે તે જે તે, ‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह’, ઈત્યાદિક શ્રુતિશાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય; એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને એ બેય મત છે તે સારા છે અને મોટાએ માન્યા છે અને એ બેયનું યથાર્થ જો આચરણ જે કરે તો તે પરમગતિને પામે છે. અને એ બે મત છે તેમાં સાધન સરખા કહ્યા છે, પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી, ઘણી પૃથક્ છે.”

21. પંચાળા ૨ ( para.3)

એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “હવે તો કીર્તન ગાઓ.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજિંત્ર લઈને કીર્તન ગાવા લાગ્યા. તે પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અને એ સાંખ્ય ને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર્યો છે, તે કહીએ તે સાંભળો- જે યોગવાળો છે તેને આત્યંતિક પ્રલયને વિષે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્યરૂપ ભગવાનની મૂર્તિ રહી છે, તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષના કાર્ય જે ચોવિશ તત્ત્વ તે રૂપ ભગવાન ધ્યાન ધરવા યોગ્ય છે, અને તેથી ઓરા હિરણ્યગર્ભ ને તેથી ઓરા ચોવિશ તત્ત્વથી ઉપજ્યો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા પૃથ્વીને વિષે જે મત્સ્ય, કૂર્મ, નૃસિંહ, વરાહાદિક ભગવાનના અવતાર તથા શાલગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે; એવું યોગવાળાનું તાત્પર્ય જણાણું. પછી સાંખ્યનો વિચાર ઉપજ્યો, ત્યારે તેણે એ આકારમાત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાણું જે, ‘એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે, તે જેવો શુદ્ધ કોઈ નથી; માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે.’ એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે, એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અન્વયપણું છે; માટે એ સર્વે ભગવાન જ છે, ને દિવ્યરૂપ છે, ને સત્ય છે, ને ધ્યેય છે. અને એ વાતને દ્રઢ કરવાને અર્થે શ્રુતિ છે જે, ‘सर्वं खल्विदं ब्रह्म’, ‘नेह नानास्ति किञ्चन’ તથા ‘इदं हि विश्वं भगवानिवेतरो यतो जगत्स्थाननिरोधसंभवाः’ એવી રીતનો યોગમાર્ગ છે તેને વિષે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી; શા માટે જે, એ માર્ગ સ્થૂળ છે ને એને વિષે પ્રત્યક્ષમૂર્તિ ભગવાનનું આલંબન છે. તે સારૂ જેવો-તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે; પણ એ માર્ગમાં એક દોષ છે જે, એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિપુરુષાદિકને અંશ-અંશીભાવ આવી જાય છે જે, ‘ભગવાનના અંશ પ્રકૃતિપુરુષ છે, અને તેના અંશ હિરણ્યગર્ભ, વિરાટાદિક છે.’ એવી રીતે સમજાય તો મોટો દોષ આવે, કાં જે, ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેને વિષે ચ્યુતભાવ આવે છે ને અંશ-અંશીભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહિ.

22. પંચાળા ૭ ( para.2)

અને શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધની કથા કરાવતા હતા, તેમાં ‘जन्माद्यस्य यतः’ એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો; ત્યારે ‘यत्र त्रिसर्गो मृषा’ એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે, “માયાના ત્રણ ગુણનો સર્ગ જે, પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; તે ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહિ.’ એમ સમજે તથા એ શ્લોકનું પદ જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकम्’ કે’તાં ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્યસ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય-તેજે યુક્ત છે, તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું; તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે, ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય; તેમ જ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને નિષ્કપટભાવે કરીને ભગવાનનાં ચરણકમળને ભજે છે, ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે; તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્-ચિત્-આનંદમય જાણે છે તે પણ ભાગવતમાં કહ્યું છે જે, “स वेद धातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः । योऽमायया संततयानुवृत्त्या भजेत तत्पादसरोजगन्धम् ।।” અને એ ભગવાનને વિષે જે બાળક-યુવાન-વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ-મરણપણું દેખાય છે, તે તો એની યોગમાયાએ કરીને દેખાય છે, પણ વસ્તુગત્યે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટવિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે. પછી કટકા થઇને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે જે, ‘મારી સ્ત્રી લાવો.’ એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગમાયા કળ્યામાં કેમ આવે ? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે, ‘એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે.’ તેમ ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો, ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુક્મિણી આદિક હતી, તે એ ભગવાનના દેહને લઇને બળી મરી; ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘હવે એ નાશ થઇ ગયા.’ અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘અહીંથી અંતર્ધાન થઇને બીજે ઠેકાણે જણાણા છે.’ એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે, તો કેવળ મનુષ્ય જેવા જ સમજે અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે, તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે; માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે, ‘स ऐक्षत’ કહેતા તે ભગવાન જે ‘તે જોતા હવા.’ ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર, શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે, ‘पुरुषेणात्मभूतेन वीर्यमाधत्त वीर्यवान्’ એવી રીતે પુરુષરૂપે થઇને એ પુરુષોત્તમ તેણે માયાને વિષે વીર્યને ધારણ કર્યું, ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમનારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષરૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઇ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમ જ માયારૂપે થાય છે, ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઇ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહત્તત્ત્વરૂપે થાય છે ને તેમ જ મહત્તત્ત્વમાંથી થયા જે બીજા તત્ત્વ તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટપુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સનકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે, તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાંખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષણપણે વિરાજમાન થકા રહે છે અને જેને વિષે પોતે વિરાજમાન રહે છે; તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે, ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે; તથા જેમ સૂર્ય ઉદય થાય છે, ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકનાં તેજ લીન થઇ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે; તેમ એ ભગવાન જેને જેને વિષે આવે છે, ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નીસરી જાય છે, ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું; એમ જાણવું.”

23. પંચાળા ૭ ( para.3)

એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.

24. ગઢડા મધ્ય ૧ ( para.8)

માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમસિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”

25. ગઢડા મધ્ય ૩૧ ( para.2)

અને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ, ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “સર્વે કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષરૂપે કરીને મહામાયાને વિષે વીર્યને ધરે છે; તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે; અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાનપુરુષ દ્વારાએ વૈરાજપુરુષ ઉત્પન્ન થયા, ત્યારે એ વૈરાજપુરુષ તે તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજપુરુષ થાય છે. એવા જે વૈરાજપુરુષ, તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. ને તે વૈરાજપુરુષની દ્વિપરાર્ધકાળની આવરદા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે; જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા છે તેમ. અને એ વૈરાજપુરુષના વિરાટ્, સૂત્રાત્મા, અવ્યાકૃત; એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્ત્વાદિક જે ચોવિશ તત્ત્વ તે દ્વારે થયા છે. તે એ વિરાટને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માંહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહિ. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષરૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજપુરુષ પોતાની ક્રિયાને વિષે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિષે સાક્ષીરૂપે રહ્યા છે, તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ, તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજપુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષરૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને એ વૈરાજપુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે, તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત્ થાય છે. કેમ જે, એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે. અને વૈરાજપુરુષને માયાનો સંબંધ રહ્યો છે. માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે, તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે એ બાપ તે દીકરાને શી સહાય કરે? માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે.

26. ગઢડા મધ્ય ૩૧ ( para.3)

અને વળી એ વિરાટપુરુષ પણ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિષે સંકર્ષણની ઉપાસના કરે છે ને સ્થિતિરૂપ અવસ્થાને વિષે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિષે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનનાં સગુણ રૂપ છે ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજપુરુષ જે તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ ક્રિયાને વિષે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે, ત્યાં સુધી એને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે માયાનો સંબંધ, તે ટળતો નથી અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે, ત્યારે એ વૈરાજપુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપ ભગવાનની ઉપાસના કરે છે, ત્યારે ધર્મ, અર્થ, કામરૂપ ફળને પામે છે અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે, ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય; તેમ એ વિરાટપુરુષને પણ છે. અને એ વૈરાજપુરુષ દ્વારાએ અવતાર થાય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેતો એમ સમજવું જે, ‘એ જે વાસુદેવનારાયણ તે પુરુષરૂપે કરીને વૈરાજપુરુષને વિષે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે.’ માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજપુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજપુરુષથકી અવતાર સંભવે જ નહિ. માટે એ થકી અવતાર તો એને વિષે વાસુદેવ આવ્યા છે, તે સારુ કહ્યા છે. અને એને વિષે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે એ વૈરાજપુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિષે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કહ્યા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાનપુરુષ દ્વારાએ એક એવો જે વૈરાજપુરુષરૂપ દીકરો તે થાય અને એ જ માયામાંથી અનેક પ્રધાનપુરુષ દ્વારાએ બીજા પણ ઘણાક એવા વૈરાજપુરુષરૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરન્ન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિષે લોમપણે વર્તે છે, તો પણ એને માયાનો બાધ થતો નથી ને માયાને વિષે એને ભોગની ઈચ્છા નથી; એ તો પોતે બ્રહ્મસુખે સુખિયા છે ને પૂર્ણકામ છે. અને જે વૈરાજપુરુષ ઈશ્વર છે, તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિષે માયાનો ત્યાગ કરે છે અને જે જીવ છે, તે તો માયાના ભોગને ભોગવીને દુઃખિયો થકો માયામાં જ લીન થાય છે.”

27. ગઢડા મધ્ય ૩૧ ( para.4)

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “પુરુષોત્તમ વાસુદેવ છે, તે પુરુષરૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે. માટે પુરુષરૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે, ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ આ જીવને વિષે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિષે ભેદ છે. અને વળી જેમ ઈશ્વરને વિષે ને પુરુષને વિષે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે, તે જે તે વાસુદેવનાં ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર, જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીકવાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ્ય બેસારતા નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી ને ઠાવકી ઘેડ્ય બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહિ. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજ્યો ને લખજ્યો.” એવી રીતે આ વાર્તા શ્રીજીમહારાજે કરી છે, તે લખી છે.

28. ગઢડા મધ્ય ૩૯ ( para.4)

એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન્ય, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજીમહારાજે મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું જે, “અમે પંચમસ્કંધ તથા દશમસ્કંધનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો” ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે, ‘એ વાર્તા એમ નહિ હોય.’ એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમસ્કંધનું તો એ રહસ્ય છે જે, ઉપનિષદ્-વેદાંત ને શ્રુતિસ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિઃસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે, તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે, ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું; તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણભગવાન જ છે, એમ કહ્યું છે. અને પંચમસ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણભગવાનનું માહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રીકૃષ્ણભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે, એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશય મોટ્યપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે, એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વસુદેવ-દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજરૂપે અદ્‌ભૂત બાળક થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવરૂપ છે. અને એ શ્રીકૃષ્ણભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે; તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્યસ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે, એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના-ભક્તિ કરવી ને દશમમાં કહ્યા છે જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા, તે શુકજીએ જ કહ્યું છે જે, “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।” અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઈક પાપ કરશે, તો પણ એનો ઉદ્ધાર થશે; કેમ જે, પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજ્યો.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાનાં વચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા.

29. ગઢડા મધ્ય ૬૪ ( para.3)

પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે, તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય ? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખડો કરે છે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન શ્રીકૃષ્ણપુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડમૂર્તિ છે અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિષે સદા વિરાજમાન છે. અને તે અક્ષરધામને આશ્રિત અનંતકોટિ બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડાં હોય, તેમાંથી એક-બે ગામ ઉજ્જડ થયા હોય અથવા વસ્યાં હોય પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય; તેમ શ્રીકૃષ્ણભગવાન તે અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રીકૃષ્ણભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ છે, તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમ જ શ્રીકૃષ્ણભગવાનનું અક્ષરધામ છે. અને તે ધામને વિષે ભગવાન અખંડ વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટિ જે બ્રહ્માંડ છે તેને વિષે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધપુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે, તે તો પોતાની યોગકળા છે. જેમ રાસમંડળને વિષે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા. માટે એક ઠેકાણે રહ્યાં થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગકળાએ કરીને વ્યાપકપણું છે; પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગમાયાએ કરી પચાસ કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે, તે પ્રલય કાળને વિષે પરમાણુરૂપ થઈ જાય છે અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિષે પરમાણુમાંથી પચાસ કરોડ યોજન થાય છે. અને ચોમાસું આવે છે ત્યારે ગાજ-વીજ ને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગમાયાએ કરીને થાય છે.

30. ગઢડા મધ્ય ૬૪ ( para.4)

એવા જે શ્રીકૃષ્ણભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે, બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે અને શ્રીકૃષ્ણભગવાનને વિષે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રીકૃષ્ણભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શૂરવીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગકળાને વિષે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણભગવાન જ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય, તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારુ કલ્યાણ કર્યું જોઈએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો ! એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે.” એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે, એ જ જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે.

31. વરતાલ ૫ ( para.3)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાને ગીતામાં કહ્યું છે જે, “सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।।” એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ્ય તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક મા કર્ય.’ અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય, તેને મહા પ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે, એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય; અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય.”

32. વરતાલ ૬ ( para.2)

પછી ચીમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિસમયને વિષે એ જીવોને સ્થૂળ, સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિકરૂપ જે વિચિત્રપણું થયું, તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું, એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું, એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે; માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન તમને પૂછતા આવડયો નહિ. કેમજે, જે કારણ શરીર છે તેને વિષે સ્થૂળ, સૂક્ષ્મ એ જે બે દેહ, તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે અને જેમ પૃથ્વીને વિષે બીજ રહ્યાં છે. તે વર્ષાકાળે જળના યોગને પામીને ઊગી નીસરે છે, તેમ માયાને વિષે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ, તે ઉત્પત્તિકાળને વિષે ફળપ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દૃષ્ટિને પામીને પોતપોતાનાં કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કર્તા કહે છે, પણ પરમેશ્વરને કર્મફળપ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, એ તો જે સમે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ. કેમ જે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ, તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પમાત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા અને જેટલાં મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ, જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સત્યયુગ, ત્રેતાયુગની રીત તે સર્વે સત્યયુગ, ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે, ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એકકાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું ? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થી છે, તેણે જીવના શુભ કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહિ, કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે, એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે, ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વકર્તા કહે છે, પણ એમ નથી જાણતા જે, એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રકટ થાય છે જે, ‘આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય, તે સર્વનું કલ્યાણ કરવું છે.’ ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહિ, ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના, તેણે ભગવાનને ઝેર પાયું. તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું.”

33. વરતાલ ૧૫ ( para.2)

તે સમામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! દૈવી ને આસુરી; એ બે પ્રકારના જીવ છે. તે અનાદિ કાળના છે કે કોઈક યોગે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિષે લીન થયા હતા; પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઊપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુરભાવને વિષે ને દૈવીભાવને વિષે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા. તેણે સત્પુરુષ એવા જે સનકાદિક, તેનો દ્રોહ કર્યો ત્યારે અસુરભાવને પામી ગયા અને પ્રહ્લાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો, તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે; પણ બીજું દૈવી-આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.”

34. વરતાલ ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે, તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે, ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ; તે કેવી રીતે ? તો ઉદ્ધવ તે રામાનંદસ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં. તે શાસ્ત્રના નામ- ૧. વેદ, ૨. વ્યાસસૂત્ર, ૩. શ્રીમદ્‌ભાગવત પુરાણ, ૪. મહાભારતને વિષે વિષ્ણુસહસ્ત્રનામ, ૫. ભગવદ્‌ગીતા, ૬. વિદુરનીતિ, ૭. સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું વાસુદેવમાહાત્મ્ય, અને ૮. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ. એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા, અને સ્થાનક, સેવક ને કાર્ય; તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે ? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર છે, ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ, તેમણે સેવ્યા છે, ને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેના કર્તા છે ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, ને સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે; ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન; એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્યૂહ; એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર, તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર; એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું.૧

35. અમદાવાદ ૨ ( para.4)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિષે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો; તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે ?” પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે, નિત્ય પ્રલય જે સુષુપ્તિ, ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ, ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય, તેમાં તો પ્રકૃતિ પર્યન્ત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે. અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે, અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેને પોતપોતાની ઉપાધિ વળગે છે. અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો, તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને જો એ કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે, પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો. માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે.”

36. ગઢડા અંત્ય ૧૦ ( para.2)

તે સમે શ્રીજીમહારાજ પાસે એક માધ્વી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “તમારા સંપ્રદાયના ગ્રંથને વિષે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે. અને વળી એમ કહ્યું છે જે, ‘મહા પ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી.’ અને શિવમાર્ગી હોય તે એમ કહે છે જે, ‘મહા પ્રલયમાં કાશીનો નાશ નથી થતો.’ એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી. શા માટે જે, મહા પ્રલયમાં તો પૃથ્વી આદિક પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવન ને કાશી તે કેમ રહેતાં હશે ? ને શાને આધારે રહેતાં હશે ? એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશ સ્કંધમાંથી તથા દ્વાદશ સ્કંધમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો, તે વાંચી સંભળાવ્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ ભાગવતનો તથા ગીતાનો મત જોતા તો જેટલું પ્રકૃતિપુરુષ થકી થયું છે તે મહા પ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહા પ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો. શા માટે જે, વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી, તેના જે વચન, તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિએ કરીને જે ‘વૃંદાવન મહા પ્રલયમાં નાશ નથી થતું.’ એવુ જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય અને જે જે આચાર્ય થયા તેમણે પદ્મપુરાણના વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે. તે તો પદ્મ પુરાણમાં ક્ષેપક શ્લોકો નાખી નાખીને સ્થાપન કર્યો છે. તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહિ. માટે શ્રીમદ્‌ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કહી સંભળાવો તો અમારે પ્રતીતિ આવે. શા માટે જે, વ્યાસજીએ વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેનું સાર સાર ગ્રહણ કરીને શ્રીમદ્‌ભાગવત કર્યું છે. માટે જેવું ભાગવત પ્રમાણ એવા બીજા પુરાણ અતિશય પ્રમાણ નહિ અને જેવી ભગવદ્‌ગીતા પ્રમાણ, તેવું સમગ્ર ભારત પ્રમાણ નહિ. માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે.”

37. ગઢડા અંત્ય ૩૫ ( para.6)

પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, (૧). “પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે, ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે. સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે. અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ્, વેદ ઈત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે, ‘કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, ને કાં તો એમાં કેમ કહ્યું હશે ! પણ ભગવાન તો સદા સાકાર જ છે.’ અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે; એક તો એ લક્ષણ હોય. (૨). તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા-કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૩). તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે. અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે, તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે. એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૪). તથા સારુ વસ્ત્ર, સારુ ભોજન, સારુ જળ તથા જે જે કોઈ સારુ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક,’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય, એવો હોય. (૫). તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, ‘આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી.” એવો ન હોય ને જેવો એ માંહી-બાહેર હોય તેને સર્વે જાણે જે, ‘આ તે આવો છે.’ એવો જે સરલ સ્વભાવવાળો હોય. (૬). અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. ૬. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે.”

38. ગઢડા અંત્ય ૩૯ ( para.7)

અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. અને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. ને જો એ ભગવાન જેવા જ થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે, એક ભગવાન કહેશે, હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે, હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે, હું વરસાદ કરીશ ને બીજો કહેશે, હું નહિ કરું; ને એક કહેશે, હું માણસના ધર્મ પશુમાં કરીશ ને બીજો કહેશે, હું પશુના ધર્મ માણસમાં કરીશ; એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓને, જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વ ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી ! માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વના સ્વામી એક જ ભગવાન છે. તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે પણ બીજો એ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડીક છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે, તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહિ. અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી, તેને સાંભળીને ને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય, તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા થતી જાય. અને આ વાત અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા તથા સિદ્ધાઈ જણાવવા સારુ નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે, અમારે સ્ત્રી-ધનાદિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચવિષયનો ભારે યોગ છે. તથા સુરત, અમદાવાદ, વડોદરે, વરતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે તથા વાજતે-ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે તથા ભારે વસ્ત્ર, વાહનાદિકનો યોગ થાય છે. એ સર્વે છે તથાપિ પોતાના આત્મા સામી દૃષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના માહાત્મ્ય સામી દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે તે સર્વનું અતિ તુચ્છપણું થઈ જાય છે, ને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી ને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે, તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારુ એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે, તો તેને કદાચિત્ એવો કોઈક યોગ થઈ જાય, તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે.” એવી રીતે શ્રીજીમહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારુ પોતાનું વર્તન લઈને વાર્તા કરી અને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.

(કુલ: 77)