( para.2)
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે, “જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, તે કુશાગ્રબુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ? અથવા શાસ્ત્ર-પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ?” પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહિ તથા કેટલાક શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહિ; માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે. ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. એ ઉપર ભગવદ્ગીતાનો શ્લોક છે જે,
4. લોયા ૫( para.4)
પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કળીએ જે એનો દંભે કરીને વર્તમાન ને નિશ્ચય છે ?” ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય, નહિ તો ન કળાય.”
5. લોયા ૧૬( para.5)
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવા દે નહિ, તેનું કપટ કેવી રીતે કળાય ? તે કહો.” ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો જે, “જેની બેઠ્યક ઉઠ્યક તે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેણે કરીને તે ઓળખાય, પણ બીજી રીતે તો ન ઓળખાય.” પછી એ ઉત્તરને શ્રીજીમહારાજે માન્યો અને પછી પોતે બોલ્યા જે, “એવાનો સંગ ન કરતો હોય તો કેમ કળીએ ?” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “એ ઠીક ઉત્તર કર્યો.”
6. પંચાળા ૧( para.4)
અને એ જીવોને અર્થે ભોગ ને ભોગનાં સ્થાનક તે ભગવાને રચ્યાં છે. તેમાં જે ઉત્તમ પંચવિષય કર્યા છે, તે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય, તે રસ્તાને બેય કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારૂ કરાવે છે. તેમ બ્રહ્મા, શિવ અને ઈન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીંપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ, મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચવિષય તે ભગવાને રચ્યાં છે. અને જેમ શાહુકારે સદાવ્રત, ધર્મશાળાદિકમાં સુખ, જેવા રાંકને અર્થે રચ્યાં છે તે કરતા તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે; તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યાં છે, તો પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે, એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે એ ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે, તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે. અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઈત્યાદિક જ્યાં જ્યાં પંચવિષય સંબંધી સુખ જણાય છે, તે ધર્મે સહિત જે કિંચિત્ ભગવાનનો સંબંધ તેણે કરીને છે; પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિષે નથી. જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે, તેવો થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી; તેમ બીજે ઠેકાણે તો કિંચિત્ સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે, અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે જે, ‘જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુઃખિયો થઈશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે, એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે, તેને બુદ્ધિવાન્ કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતા રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઈન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.
7. પંચાળા ૧( para.5)
એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે જે પંચવિષયના સુખ તેને વિષે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે. અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગૃહસ્થને બારણે કોઈક રાંક ઠીંકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે, ‘આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ ?’ અને સ્વાભાવિકપણે પંચવિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ ઝાઝો વિચાર થતો નથી, પણ જો તે વિષયમાં કાંઈક સારપ્ય મનાય છે ત્યારે તુરત એ ભગવાનના સુખમાં દૃષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસી થઈ જાય છે. અને આ જે સર્વે વાત છે તે જે બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે, માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે; કેમ જે, અમે બુદ્ધિવાળા છીએ તો એવી રીતે અમારી દૃષ્ટિ પૂગે છે માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દૃષ્ટિ પૂગે ખરી.
8. પંચાળા ૧( para.6)
અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતા અમને અધિક જણાયો છે, તે સારુ આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજ્યો અને આ વિચાર વિના તો જો રમણીય પંચવિષયમાં વૃત્તિ ચોંટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશમાત્ર પ્રયાસ પડે નહિ, સહજે જ વિષયની તુચ્છતા જણાઈ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને ઝાઝી બુદ્ધિ હોય ને ઝાઝા સુખના લોભને ઈચ્છે તેને સમજાય છે. જેમ કોડી કરતા પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપિયામાં વધુ માલ છે; ને તેથી સોનામહોરમાં વધુ માલ છે ને તેથી ચિંતામણિમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે, તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દૃષ્ટિ પૂગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે, ‘હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિએ વિટાણો છું;’ એમ સમજે, પણ દુઃખિયો ન માને. અને ઇંન્દ્રના લોકમાં હોય તો જાણે જે, ‘વનમાં બેઠો છું’, પણ તે ઈન્દ્રના લોકના સુખે કરીને સુખિયો ન માને, તે સુખને તુચ્છ જાણે. તે સારુ આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજ્યો જે, ‘હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચવિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી.’ એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજ્યો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે, તે તમને સર્વેને કહ્યો છે; માટે દ્રઢ કરીને રાખજ્યો.”
9. પંચાળા ૩( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે, તો પણ માન-ઈર્ષ્યા કેમ રહી જાય છે?” પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવો જે છે તેમાં બુદ્ધિ નથી. અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે જ નહિ; અને પોતાને સનકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે, ‘મારામાં આટલો અવગુણ છે.’ પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણ ને ટાળી નાંખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને; માટે એમાં માન-ઈર્ષ્યાદિક કોઈ અવગુણ રહે નહિ. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યાવહારિક બુદ્ધિ જાણવી; અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય, પણ એને બુદ્ધિવાળો ન કહેવાય, તેને તો અતિ મૂર્ખ જાણવો; અને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહિ. ને થોડીક બુદ્ધિ હોય અને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહિ ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ; અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ.”
10. ગઢડા મધ્ય ૧૪( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને પામે છે, તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય; જેમ આ લીંબડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે, ‘લીંબડો હશે કે નહિ હોય ?’ એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહિ, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય; એને અમે તદાત્મકપણું કહીએ છીએ. ને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિએ કરીને નથી થતું. અને એવું જે એ તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિમાર્ગને વિષે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિષે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. જેમ નારદ ને સનકાદિક એ સર્વે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા અને સપ્તઋષિ તથા જનકાદિક રાજા, એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિષે પ્રવર્ત્યા પણ એ સર્વેને ભગવાનના નિશ્ચયે કરીને નિર્ગુણ જાણવા. અને જે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે, ‘આ અતિશય ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી; માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે.’ અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે, તો પણ તે ભૂંડી ગતિને નહિ પામે, તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સૂધો ત્યાગી રહેતો હોય ને કામ, ક્રોધ, લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહિ ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો; અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો.”
11. ગઢડા મધ્ય ૩૯( para.4)
એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન્ય, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજીમહારાજે મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું જે, “અમે પંચમસ્કંધ તથા દશમસ્કંધનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો” ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે, ‘એ વાર્તા એમ નહિ હોય.’ એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમસ્કંધનું તો એ રહસ્ય છે જે, ઉપનિષદ્-વેદાંત ને શ્રુતિસ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિઃસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે, તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે, ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું; તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણભગવાન જ છે, એમ કહ્યું છે. અને પંચમસ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણભગવાનનું માહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રીકૃષ્ણભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે, એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશય મોટ્યપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે, એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વસુદેવ-દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજરૂપે અદ્ભૂત બાળક થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવરૂપ છે. અને એ શ્રીકૃષ્ણભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે; તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્યસ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે, એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના-ભક્તિ કરવી ને દશમમાં કહ્યા છે જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા, તે શુકજીએ જ કહ્યું છે જે, “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।” અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઈક પાપ કરશે, તો પણ એનો ઉદ્ધાર થશે; કેમ જે, પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજ્યો.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાનાં વચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા.
12. ગઢડા મધ્ય ૫૭( para.4)
અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે, તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે; તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય, ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય, તે તો કેવળ મિનડીયો ભક્ત છે; અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહિ. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીવે નહિ, તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું, તે વૃથા છે; તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજે તુલસીદાસજીનાં ત્રણ પદ ગવરાવ્યાં. તે ત્રણ પદનાં નામ : એક તો ‘જ્યાકિ લગન રામ સોં નાહિં’ તથા બીજું ‘એહી કહ્યો સુનુ વેદ ચહું’ તથા ત્રીજું ‘જ્યાકું પ્રિય ન રામ વૈદેહી’ એ ત્રણ પદ ગવરાવીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતા કરતા જો કાંઈક અધુરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરકચોરાશીમાં જવું નથી કે કોઈ ભૂત-પ્રેત થવું નથી; સૂધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઈન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઉતરતો નહિ આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું.” એમ કહીને શ્રીજીમહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા.
13. ગઢડા મધ્ય ૬૬( para.2)
અને પોતાની આગળ સરોદા ને દૂકડ લઈને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે.” એમ કહીને પ્રથમ આનંદ સ્વામીને પૂછતા હવા જે, “કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે, અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે. અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે, તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિષે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ હશે જે, થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે, તેને પોતાના દોષ સૂઝતા નથી ? એ પ્રશ્ન છે.” પછી આનંદ સ્વામીને જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિષે એણે કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ દોષે યુક્ત છે. માટે એને હરિભક્તના દોષ સૂઝે છે ને પોતાના દોષ સૂઝતા નથી; એ જ એનો ઉત્તર છે.”
14. ગઢડા મધ્ય ૬૬( para.8)
પછી શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા હવા જે, “ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈ ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય, તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંઈ પ્રતીતિ આવે જ નહિ અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવી તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી. એ તો ગુણ બુદ્ધિવાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ જ એનો ઉત્તર છે.”
15. ગઢડા અંત્ય ૨( para.2)
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને જે અંગ બંધાય છે, ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય, ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈક ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય, તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાઝ થાય ? તેવી દાઝ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાઝ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’ માટે અમને તો એમ ભાસે છે જે, પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી, તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો. શા માટે જે, જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક, વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ, તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારુ ખાવા પડે છે ? જે, સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારુ સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, ‘જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી.’ તે શ્રુતિમાં કહ્યું છે જે,’જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.’ અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી, તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય જે, ‘એ વાર્તા અતિ ઝીણી છે.’ ને બીજાને તો સમજ્યામાં પણ આવે નહિ, એવી અતિશય ઝીણી વાર્તા છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ “જય સચ્ચિદાનંદ” કહીને પોતાના ઉતારામાં પધાર્યા.
16. ગઢડા અંત્ય ૧૪( para.4)
પછી અયોધ્યાપ્રસાદજીએ પૂછ્યું જે, “એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દૃષ્ટિ પૂગતી હોય, અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ ઝાઝું જાણતો ન હોય; અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે અને થોડી બુદ્ધિવાળો હોય તે દૃઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારને વિષે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે; તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય, જેમ મરચાનું બીજ હોય ને લીંબડાનું બીજ હોય ને શિંગડિયા વછનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચાં તે તીખા જ થાય ને લીંબડો કડવો જ થાય ને શિંગડિયો વછનાગ તે ઝેર જ થાય. શા માટે જે, એનું બીજ ભૂંડું છે. અને શેરડીને વાવીને લીંબડાના પાનનું ખાતર નાંખીને કડવું પાણી સિંચ્યા કરીએ, તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે.”
17. ગઢડા અંત્ય ૨૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે; એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે, ‘ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન-પાન આદિક જે પંચવિષયના સુખ તેને પામીએ.’ પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુ બુદ્ધિવાળો થઈને એમ સમજે જે, ‘એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે; માટે એ સુખ પણ ખરું છે.’ પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારુ જ્ઞાન-વૈરાગ્યે સહિત ભગવાનની ભક્તિ કરવી. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે, ‘સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત્ લેશ છે.’ એમ ભગવાનને માહાત્મ્યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ. અને ‘એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે.’ એમ મોક્ષધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બેય પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે.”
18. ગઢડા અંત્ય ૩૨( para.3)
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો જે સાચો ભક્ત હોય તેને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીત છે ? તો ‘જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેને વિષે સદા સાકારમૂર્તિ થકા વિરાજમાન છે, ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અલૌકિક દિવ્ય સુખમયમૂર્તિ છે ને માયાના ગુણથકી રહિત છે.’ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે, ‘એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઈત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે.’ એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મમર્યાદા તેને વિષે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મમર્યાદાનો ક્યારેય લોપ ન કરે. અને જે કુ બુદ્ધિવાળો હોય તે કેમ સમજે ? તો ‘એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે. તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે’. એવી રીતે માહાત્મ્યનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.”
(કુલ: 28)