બ્રહ્મરૂપ

બ્રહ્મરૂપ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "બ્રહ્મરૂપ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૧ ( para.3)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.”

2. ગઢડા પ્રથમ ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે, “તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી; માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો, પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ અને જો વ્યાસજીને વચને કરીને કરશો, તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે.” પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુક્તિયો લાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી, માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએે છીએ જે, એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે, તે મેરુ થકી ઓરાં જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત-વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક્-પૃથક્પણે દેખે છે; તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક્-પૃથક્પણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે તે, તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વીરૂપે જ દેખે છે પણ પૃથક્ પૃથક્પણે નથી દેખતા; તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે પણ પૃથક્પણે નથી દેખતા, એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે; તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે અને સવિકલ્પ સ્થિતિવાળાનાં વચન વેદ, શાસ્ત્ર, પુરાણાદિકમાં આવે છે, તે એ સર્વેને સત્ય કહે છે; અને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં જે વચન, તે એ સર્વેને અસત્ય કહે છે, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી, એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી, માટે અસત્ય કહે છે. અને વળી, જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ-દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહિ, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચનમાત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય, તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે.” એમ કહીને બોલ્યા જે, “આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો ?” ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો જે, “હે મહારાજ ! હે પ્રભો ! હે સ્વામિન્! તમે તો પરમેશ્વર છો અને જગતના ક્લ્યાણને અર્થે પ્રગટ થયા છો, તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે; એમાં આશંકાનો માગ નથી.” એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો આશ્રિત થયો.

3. ગઢડા પ્રથમ ૪૦ ( para.6)

એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા, તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહિ અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહિ; એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ.”

4. ગઢડા પ્રથમ ૪૪ ( para.4)

પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું જે, “હે મહારાજ! દેહ અને દેહના સંબંધીને વિષે અહંમમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે, ‘પોતાને દેહથી પૃથક્ જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે.’ અને એ જીવાત્માને વિષે દેહ તો કેવી રીતે વળગ્યો છે ? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને જે, ‘દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે,’ એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને અને તે દેહના માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. અને ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહંમમત્વના ઘાટ કેમ ટળશે ? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી, માટે દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને અને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે અને એવો સાધુ તો હું છું જે, ‘મારે વર્ણાશ્રમનું લેશમાત્ર માન નથી.’ એવી રીતે શ્રીજીમહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

5. ગઢડા પ્રથમ ૪૫ ( para.2)

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે જે, ‘ભગવાનને આકાર નથી.’ અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે, અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે, ‘તે ભગવાન માયા સામું જોતા હવા,’ અને જ્યારે જુવે ત્યારે તેને શું એકલી આંખ્ય જ હોય ? હાથપગ પણ હોય. માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિષે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિષે સાકાર છે અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિષે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે, અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે, શ્રુતિમાં એમ કહ્યું છે જે, ‘પરમેશ્વર તો કર-ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે.’ તો એ જે શ્રુતિએ કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે, અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી અને અંતર્યામીપણે કરીને જીવ-ઈશ્વરને વિષે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે, તો પણ જીવ-ઈશ્વર સર્વેને તેમનાં કર્મને અનુસારે યથા-યોગ્યપણે કર્મના ફળને દેવાને વિષે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે; માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી.”

6. ગઢડા પ્રથમ ૬૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે. અને એમ જાણે છે જે, ‘ભગવાનને તો આકાર નથી.’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્દ ? તો જે, ‘ભગવાન અરૂપ છે, જ્યોતિઃસ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે.’ એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે; અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે, તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે.’ અને તેજના પુંજરૂપ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, ‘અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે,’ તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રકટ થાય છે, તે જળ દેખાય છે ને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મસત્તારૂપ જે, કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે અને શાસ્ત્રમાં એવા વચન હોય જે, ‘જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે.’ એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે ને ભગવાનને અરૂપ સમજે છે પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેને વિષે રથને હાંકીને અને તેજઃપુંજને વિષે પ્રવેશ કરીને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણભગવાન દિવ્યમૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય ને માયા પરજે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા, એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે; અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે, અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.”

7. ગઢડા પ્રથમ ૭૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે. તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામ કૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઈત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.”

8. ગઢડા પ્રથમ ૭૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્‌ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

9. ગઢડા પ્રથમ ૭૩ ( para.7)

અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ, માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ-દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્યારે બુઠિયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહિ અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. એ સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે : તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો, માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ, તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે, ‘કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહિ તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહિ.”

10. ગઢડા પ્રથમ ૭૭ ( para.3)

પછી સંતે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી; અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવાને સમે તો અતિસમર્થ જણાય છે ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખિયો થકો દેહ મૂકે છે; એનું શું કારણ છે ? જે સારો હોય તેનું અંતસમે સારુ ન દેખાય ને જેવો તેવો હોય તેનું અંતસમે સારુ દેખાય છે, એનું કારણ કહો એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ, કાળ, ક્રિયા, સંગ, ધ્યાન, મંત્ર, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે. તે જો સારા હોય તો સારી મતિ થાય છે અને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય છે અને પુરુષના હૃદયને વિષે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારાફરતી વર્તતા હોય, તે જો અંતસમે સત્યયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઊઠે અને ત્રેતા અને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે. અને કળિનો ધર્મ મૃત્યુ સમે આવે તો અતિશય ભૂંડું દેખાય. એમ અંત સમે સારુ નરસું તે તો કાળે કરીને છે અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે. તેમાં જો અંતસમે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે અને અંત સમે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો ઝંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે અને અંત સમે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે, પણ સારુ કે નરસું કાંઈ બોલાય નહિ. અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવા પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે, તે તો જેવી ઈશ્વરને સામર્થી હોય તેવી સામર્થી જણાવીને દેહ મૂકે છે અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહિ. એવી રીતે કાળે કરીને અંતસમે સારુ નરસું જણાય છે. અથવા અવસ્થાઓને યોગે કરીને સારુ-નરસું જણાય છે અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો-બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી. વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે, પણ નરકે જ જાય. અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્યમૌન રહીને દેહ મૂકે પણ, તેનું કલ્યાણ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી, એમ ભગવાનના ભક્તને જાણવું. અને ભગવાનનો ભક્ત હોય તેને અંતસમે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય, પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય માટે નક્કી હરિભક્ત હોય ને અંતસમે લાવાઝંખા કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશમાત્ર સંશય રાખવો નહિ.”

11. સારંગપુર ૯ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને તામસી કર્મ ઘણા હોય તેના હૈયામાં કળિયુગ વર્તે, તે કોઈ ઉપાયે ટળે કે ન ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિષે અતિશય શ્રદ્ધા હોય અને અતિદ્રઢ વિશ્વાસ હોય, તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય ને કળિયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે, માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહિ, ને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય.”

12. સારંગપુર ૧૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દેહની ને આત્માની નોખી વિક્તિ સમજાણી હોય તોય પણ તે વિક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેહ આત્માની વિક્તિ એકવાર ચોખી સમજાણી હોય તો પછી ભુલાય નહિ; અને એમ માને જે, ‘હું દેહ છું,’ તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહિ,’ અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહિ. અને એમ જણાય છે જે, આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે; એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે.”

13. લોયા ૭ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા; તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માન્તરે કલ્યાણ થાય છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માન્તરે કલ્યાણ થાય છે, કાં જે, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે; માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માન્તરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂઘ્યા જ કહેવાય. અને જિહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ-ઇન્દ્રિયો પર જે જીવસત્તા-તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ, તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય-કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ-ઇન્દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે, ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે; માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય; એમ કહીએ છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે જે, ‘यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः।।’ ‘विष्टभ्याहमिदं कुत्स्नमेकांशेन स्थितो जगत्’ ‘मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ! । मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।।’ ‘पश्य मे पार्थ ! रूपाणि शतशोऽथ सहस्त्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।’ ઈત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો- અંતઃકરણ થકી અગોચર કહે છે, માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ; એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યને પણ ન તરે અને કોઈક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, “नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरञ्जनम्” તથા ગીતામાં કહ્યું છે જે, “कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ।।” અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન-પુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપથકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન-પુષ્પ, શ્રવણ-મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समःसर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને “भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।” એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે. અને “अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ! ययेदं धार्यते जगत् ।।” એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે, તે કેવા છે? તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જૈ ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથિવ્યાદિક ચાર તત્ત્વનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથિવ્યાદિ તત્ત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ ભગવાનની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિયો છે-

14. લોયા ૭ ( para.5)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે, “એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહિ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યાં હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિષે જડ-ચિત્ પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ, નહિ તો જણાશે. અને નિઃસંદેહ એવી આંટી છે ને જણાતું નથી, તો એમ એ સમજે જે, ‘એ ભગવાનને વિષે તો સર્વે છે પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે.’ એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે; તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. “आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।।” એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ, પુરુષ, અક્ષર તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને “अहं ब्रह्मास्मि” થઈ બેસે છે ને કહે છે જે, ‘રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે,’ એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે, તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી.”

15. લોયા ૧૦ ( para.8)

અને વળી એને વિષે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીય એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા, અને એ જનક જેવા જે જ્ઞાની હોય, તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રીઆદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે.’ એમ વિચારીને કેવળ પોતાના આત્મસ્વરૂપને જ સુખરૂપ જાણે છે. અને ‘શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્માવતે જણાય છે અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભુડું થઇ જાય છે.’ એવી રીતે પોતાના આત્માને વિચારે. અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે, ‘આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટિ જે મુક્ત તેના પણ આત્મા છે; એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.’

16. લોયા ૧૨ ( para.3)

અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો ? તો ભગવાનને સર્વ શુભ-અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે, સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે; કેમ જે, એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે ? તો આકાશની પેઠે સર્વને વિષે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિષે જ થાય છે.’ એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિષે જાણે. જેમ રાસપંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે, ‘ધર્મરક્ષક ભગવાનનો અવતાર, તેણે પરદારાનો સંગ કેમ કર્યો ? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો જે, ‘શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ-અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે.’ એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિષે રહ્યા જે ષટ્ ઊર્મિએ રહિત એવા નિરન્નમુક્ત, તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે, તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”

17. લોયા ૧૩ ( para.3)

અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

18. લોયા ૧૫ ( para.7)

અને વેદાંત જે ઉપનિષદ્ તથા યોગ તથા સાંખ્ય; એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તમને અમે પૃથક્-પૃથક્પણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો ચોવિશ તત્ત્વને કહીને તેથી પર પંચવિશમાં પરમાત્માને કહે છે, પણ જીવ-ઈશ્વરને પૃથક્પણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે, તત્ત્વ છે તે જીવ વિનાના હોય નહિ; માટે તત્ત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્ત્વરૂપ જ કહે છે, પણ તત્ત્વ થકી પૃથક્ નથી કહેતા. અને જેમ જીવને ચોવિશ તત્ત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર, તેને પણ ચોવિશ તત્ત્વરૂપ માને છે. એવી રીતે જીવ-ઈશ્વર એ બેયને તત્ત્વરૂપ માનીને તત્ત્વ ભેળે જ એને ગણે છે, પણ તત્ત્વથી નોખા નથી ગણતા. અને એ પંચવિશમા પરમાત્માને કહે છે; એ સાંખ્યનો મત છે. પણ એમ ન સમજવું જે જીવ નથી, કાં જે, સાંખ્યવાળે ષટ્સંપત્તિ શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યા છે, તે જીવને જ કરવાના કહ્યા છે, પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્ત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે, એવી રીતે સાંખ્યમત છે, તે મોક્ષધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું જે- “त्यज धर्ममधर्मं च उभे सत्यानृते त्यज । उभे सत्यानृते त्यक्त्वा येन त्यजसि तत्त्यज।।” એનો અર્થ એમ છે જે, જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરી અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી; એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે ચોવિશ તત્ત્વને પૃથક્ ગણે છે અને જીવ-ઈશ્વરને પંચવિશમા કહે છે ને પરમાત્માને છવિશમા કહે છે. અને વિવેકે કરીને પંચવિશમાને તત્ત્વ થકી પૃથક્ સમજીને તેને વિષે પોતાપણાની દ્રઢતા માનીને, ચોવિશ તત્ત્વની જે વૃત્તિયો તેનો પિંડીભાવ કરીને બળાત્કારે છવિશમાને વિષે રાખે, પણ વિષય સન્મુખ જવા દે નહિ. અને એમ સમજે જે, ‘મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસૃતિ થશે.’ માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિઓ, તેને ભગવાનને વિષે રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે, ‘મારે ઇન્દ્રિયો-અંતઃકરણ જ નથી તો જશે ક્યાં ?’ માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાંને ઉપર ઊંચું ચઢવું હોય ને બે કોરથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષય થકી બીયને ભગવાનને વિષે વૃત્તિઓને રાખે છે; એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ્ તેનો મત એ છે જે, સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમનારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્ત્વને દેખે નહિ, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહિ; એવી રીતે વેદાંતનો મત છે.”

19. લોયા ૧૮ ( para.3)

ત્યારે તમે કહેશો જે, ‘તે ભગવાનનું કેવું રૂપ છે ?’ તો કહીએ છીએ જે, ‘ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખસ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક-પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે; એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય-કચ્છ-વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા; તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય-કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે; “भूभारः क्षपितो येन तां तनूं विजहावजः । कण्टकं कण्टकेनैव द्वयं चापीशितुः समम् ।।” જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા, પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા. ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બેય જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શીલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય-કૂર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડાક મત્સ્ય-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજ્યંતીમાળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ-મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન, ઈત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મસમયમાં વસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્ચ્છા આવી ત્યારે પણ ચતુર્ભુજરૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે, ‘तेनैव रूपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्ते!’ માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપ દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે, તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મશાલ-દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે, ‘એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉં’, તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત, એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે, તે મનુષ્યભાવ તે શું ? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઈત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે. અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્યમૂર્તિ છે ને ભગવાનને વિષે તો એ મનુષ્યભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું, ‘જે તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો.’ ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેનો પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે, ‘આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો.’ તે શું એ પ્રથમ ભગવાનને નો’તો દેખતો ? દેખતો તો હતો, પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે તે દિવ્યભાવ સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતેવાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, ‘આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો. કાં જે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા-લૂલા જ રહે છે ? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છુટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે; તેને ભુલશો મા, જરૂર ભુલશો મા.” એમ કહીને શ્રીજીમહારાજ સર્વે હરિભક્તને ‘જય સ્વામિનારાયણ’ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજીમહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્યભાવની અતિશય દ્રઢતા કરતા હવા.

20. પંચાળા ૨ ( para.4)

અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે; ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધરૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે.’ એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે, એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, ‘અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે.’ એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, એમના રૂપને પણ મિથ્યા કરે છે અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે; એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે, સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું.’ એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ. અને છે તો એમ જે, પ્રથમ સાંખ્યવિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે; તે કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” તથા “आत्मारामाश्च मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरिः।।” “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्।।” એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. કાં જે, એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે, તેને અતિશય તુચ્છ જાણે છે; માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે.’ ત્યારે તેને એમ વિચારે જે, ‘ગમે તેવું સારુ હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે નાશવંત છે.’ એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા; અને એમ ન કરે તો એને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે, તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાંખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણઆદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર; એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે.”

21. ગઢડા મધ્ય ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્‌ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે, ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાં જે, ભગવાન થકી જ સર્વ સ્થાવર-જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે, તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં ‘અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; એ ત્રણનો જે આધાર છે, તે ભગવાનનું સ્વરૂપ છે,’ એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો, અધ્યાત્મ જે વિરાટપુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા; એ સર્વે વિરાટને વિષે આવ્યા, તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષરૂપે થઇને જ્યારે વિરાટપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વિરાટપુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટપુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; તેને વિષે તદાત્મકપણે કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે. અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશસ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે, તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો, ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઇને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે, ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી રીતે કરવી જે, ‘કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ.’ અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો, જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય. અને બીજાને પણ એવી વાત કરવી, જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય.

22. ગઢડા મધ્ય ૨૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલોખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! એ પ્રશ્ન અમને સંભળાવો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સમાધિનિષ્ઠ પુરુષ થાય છે, તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દ્રઢ સંબંધ રહે છે. માટે એ સમાધિનિષ્ઠને તો જ્ઞાનશક્તિ તથા દેહ-ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ; શા માટે જે, માયા થકી જે ચોવિશ તત્ત્વ થયા છે, તે જડ-ચૈતન્યરૂપ છે, પણ એકલા જડ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય. અને તે તત્ત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય; ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો-અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ, તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જે, ‘જેને સમાધિ થાય છે, તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી.’ માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ-ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી ? એ પ્રશ્ન છે.” પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પુગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે, સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે ચોવિશ તત્ત્વાત્મક બ્રહ્માંડ, તેને વિષે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થી આપે છે. અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે, કાષ્ઠ તથા પાષાણ જેવું જડ હોય તેને વિષે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્યભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત યોગાભ્યાસ હોય તેને શુકજીના જેવી સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ, અર્થ ને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિષે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધદશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેવો જ્ઞાની થાય, પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિદ્ધદશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદ્વીપ આદિક જે ભગવાનનાં ધામ તેને વિષે એને એ જ શરીરે કરીને જાય અને લોક-અલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય. અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી. અને જેમ શ્રીકૃષ્ણભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે, ત્યાં શ્લોક છે -

23. ગઢડા મધ્ય ૩૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત આદિક જે સચ્છાસ્ત્ર, તે સત્ય છે અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓને, શ્રીમદ્ ભાગવતમાં સુવર્ણને વિષે કળીનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે; કેમ જે, જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દૃષ્ટિ તેના રૂપને વિષે તણાયા વિના રહે નહિ. માટે સોનું ને સ્ત્રી; એ બે અતિ બંધનકારી છે. અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય, જ્યારે પ્રકૃતિપુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેનું ભજન કરે અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્યમાત્ર, તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિષે અતિશય દોષદૃષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિષે અતિશય વૈરાગ્ય પામે, તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે.”

24. ગઢડા મધ્ય ૩૧ ( para.3)

અને વળી એ વિરાટપુરુષ પણ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિષે સંકર્ષણની ઉપાસના કરે છે ને સ્થિતિરૂપ અવસ્થાને વિષે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિષે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનનાં સગુણ રૂપ છે ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજપુરુષ જે તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ ક્રિયાને વિષે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે, ત્યાં સુધી એને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે માયાનો સંબંધ, તે ટળતો નથી અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે, ત્યારે એ વૈરાજપુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપ ભગવાનની ઉપાસના કરે છે, ત્યારે ધર્મ, અર્થ, કામરૂપ ફળને પામે છે અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે, ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય; તેમ એ વિરાટપુરુષને પણ છે. અને એ વૈરાજપુરુષ દ્વારાએ અવતાર થાય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેતો એમ સમજવું જે, ‘એ જે વાસુદેવનારાયણ તે પુરુષરૂપે કરીને વૈરાજપુરુષને વિષે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે.’ માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજપુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજપુરુષથકી અવતાર સંભવે જ નહિ. માટે એ થકી અવતાર તો એને વિષે વાસુદેવ આવ્યા છે, તે સારુ કહ્યા છે. અને એને વિષે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે એ વૈરાજપુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિષે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કહ્યા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાનપુરુષ દ્વારાએ એક એવો જે વૈરાજપુરુષરૂપ દીકરો તે થાય અને એ જ માયામાંથી અનેક પ્રધાનપુરુષ દ્વારાએ બીજા પણ ઘણાક એવા વૈરાજપુરુષરૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરન્ન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિષે લોમપણે વર્તે છે, તો પણ એને માયાનો બાધ થતો નથી ને માયાને વિષે એને ભોગની ઈચ્છા નથી; એ તો પોતે બ્રહ્મસુખે સુખિયા છે ને પૂર્ણકામ છે. અને જે વૈરાજપુરુષ ઈશ્વર છે, તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિષે માયાનો ત્યાગ કરે છે અને જે જીવ છે, તે તો માયાના ભોગને ભોગવીને દુઃખિયો થકો માયામાં જ લીન થાય છે.”

25. ગઢડા મધ્ય ૩૧ ( para.4)

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “પુરુષોત્તમ વાસુદેવ છે, તે પુરુષરૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે. માટે પુરુષરૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે, ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ આ જીવને વિષે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિષે ભેદ છે. અને વળી જેમ ઈશ્વરને વિષે ને પુરુષને વિષે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે, તે જે તે વાસુદેવનાં ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર, જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીકવાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ્ય બેસારતા નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી ને ઠાવકી ઘેડ્ય બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહિ. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજ્યો ને લખજ્યો.” એવી રીતે આ વાર્તા શ્રીજીમહારાજે કરી છે, તે લખી છે.

26. ગઢડા મધ્ય ૪૭ ( para.3)

અને વળી સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે ? અને પંચવિષય છે, તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી; તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,’શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે’ માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે,’ એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી-ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું; તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ,’ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક, ઈન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી; એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”

27. ગઢડા મધ્ય ૬૨ ( para.4)

એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે, “અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય, ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે, તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે, ‘હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે.’ અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.

28. ગઢડા મધ્ય ૬૬ ( para.7)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહિ; માટે ઉત્તર સંભવે નહિ.” પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ! એ તો કાંઈ સમજાતું નથી; માટે તમે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એમ સમજવું જે, જ્યારે પોતાની ખોટ્ય કાઢવી હોય ત્યારે તેને મોટાઓનાં વચનની સાખ્ય લઈને કાઢવી. જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય, ત્યારે સારાં સારાં માણસની સાઈદી કરવી; તેમ અહીં પણ એ સાઈદી છે જે, શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા, તો પણ અતિ પ્રીતિએ કરીનેશ્રીમદ્‌ભાગવતભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. અને શૌનકાદિક અઠ્યાશી હજાર ઋષિ તે બ્રહ્મસ્વરૂપ છે, તો પણ સૂતપુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની સાખ્ય ભક્તિની દ્રઢતાને અર્થે લેવી. અને જે ખોટ્ય પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી જે, ‘હે મહારાજ! મારામાં જે જે ખોટ્ય હોય તે કૃપા કરીને નાશ કરજ્યો.’ જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈ સાઈદી ન હોય, ત્યારે તે લોઢાનો ગોળો રાતોચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે; તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી, એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે. એમ કરીને પોતાની ખોટ્યને ટાળવી; એ તમારા પ્રશ્નનો ઉત્તર છે.”

29. ગઢડા મધ્ય ૬૬ ( para.9)

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મૂવા કેડ્યે શી પ્રાપ્તિ થાય છે ?” પછી શુકમુનિ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે, તેને જીવતે તો ભગવાનનાં કથા-કીર્તન કરતા થકા જ દિવસ ને રાત્રિ વીતે છે અને ત્રણે અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત્ દર્શન થાય છે અને ભગવાન વિના અન્ય પદાર્થમાત્રને વિષે વૈરાગ્ય થાય છે અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય છે અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે જે, ‘હે બ્રહ્મા ! જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે, તેવું મારા અનુગ્રહ થકી તને વિજ્ઞાન થાઓ.’ એવું જે બ્રહ્માને કહ્યું છે, તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળ, કર્મ ને માયા થકી રહિત છે તેમ જ ભગવાનના ભક્ત પણ કાળ, કર્મ ને માયા થકી રહિત થાય છે ને અખંડ ભગવાનની સેવાને વિષે રહે છે; એવી દેહ મૂક્યા કેડ્યે પ્રાપ્તિ થાય છે. એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

30. ગઢડા મધ્ય ૬૭ ( para.2)

તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે, ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે, જેણે કરીને સ્વામી-સેવકપણાનો નાતો રહે છે ? કેમ જે, એ ભગવાનનો ભક્ત છે, તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે, તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે, જેણે કરીને સ્વામી-સેવકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે સંતે કહ્યું જે, “હે મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય જે, ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખસ્વરૂપ છે; એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થી અને ભગવાનનું સુંદરપણું ઈત્યાદિક જે પ્રતાપ, તે એ ભક્તને ભગવાનને વિષે અતિશય જણાય છે; ત્યારે એ ભક્ત એમ જાણે છે જે, ‘મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે, તો પણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય-અપાર દેખાય છે.’ માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે જે, ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થી તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ; એ પામતા નથી અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપાર છે. અને એ ભગવાનને ભજીને અનંતકોટિ વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે જે, તે સમુદ્ર તો અગાધ છે, તેમ જ ભગવાનનો મહિમા પણ અતિશય-અપાર છે; માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દૃઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, તો પણ સ્વામી-સેવકપણું રહે છે; એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

31. વરતાલ ૭ ( para.3)

પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનનું અન્વયપણું કેમ છે અને વ્યતિરેકપણું કેમ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે જે, ભગવાન અર્ધાક માયાને વિષે અન્વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિષે વ્યતિરેક રહ્યા છે, એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે, માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે, પણ ભગવાનને એમ બીક નથી જે, ‘રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં !’ ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે અને ચોવિશ તત્ત્વને વિષે આવે તો ચોવિશ તત્ત્વ પણ બ્રહ્મરૂપ થઇ જાય છે. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।’ ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે. પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષનાં ડાળ, પાનડાં, ફૂલ, ફળ એ સર્વેને વિષે આકાશ અન્વય થયો, પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહિ, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહિ. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે, એમ ભગવાનના સ્વરૂપનું અન્વય વ્યતિરેકપણું છે.”

32. અમદાવાદ ૨ ( para.4)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિષે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો; તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે ?” પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે, નિત્ય પ્રલય જે સુષુપ્તિ, ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ, ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય, તેમાં તો પ્રકૃતિ પર્યન્ત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે. અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે, અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેને પોતપોતાની ઉપાધિ વળગે છે. અને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો, તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને જો એ કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે, પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો. માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે.”

33. ગઢડા અંત્ય ૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ, એનો તો ઉત્તર એમ છે જે, જ્ઞાન ને વૈરાગ્યે કરીને ત્રણ શરીર, ત્રણ અવસ્થા ને ત્રણ ગુણ એ સર્વ માયિક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે અને કેવળ સત્તામાત્ર રહે છે, પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી. ત્યારે જેમ દીપકનો અગ્નિ તે કોડિયું, તેલ ને વાટ્ય એ ત્રણને યોગે કરીને દૃષ્ટિમાં આવે તથા ગ્રહણ કર્યામાં આવે, પણ જ્યારે એ ત્રણ પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે એ અગ્નિ કોઈની દૃષ્ટિમાં પણ ન આવે અને ગ્રહણ પણ ન થાય; ને ઉપાધિએ યુક્ત હોય ત્યારે જ દૃષ્ટિએ આવે ને ગ્રહણ કર્યામાં આવે, તેમ જ્ઞાન વૈરાગ્યે કરીને સર્વ માયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે ત્યારે એ જીવાત્મા છે તે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે ને તે મન-વાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય યથાર્થપણે સમજાયું હોય, તેને તો સર્વ માયિક ઉપાધિનો સંગ ટળી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જે દયા ને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્યાં દૃષ્ટાંત છે:- જેમ દીપકની જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે એ અગ્નિ કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ ન થાય, એવો આકાશને વિષે રહે છે તો પણ એ અગ્નિને વિષે સુગંધી તથા દુર્ગંધીનો જે પાશ લાગ્યો હોય તે ટળતો નથી. જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે તો પણ તેને સુગંધી તથા દુર્ગંધીનો પાશ લાગે છે. તેમ જ જીવાત્માને જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિનો સંગ ટળી જાય છે તો પણ સત્સંગનો પાશ લાગ્યો છે તે ટળતો નથી. અને તે બ્રહ્મરૂપ થાય છે તો પણ નારદ, સનકાદિક ને શુકજીની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે અતિશય દયા ને પ્રીતિએ યુક્ત વર્તે છે, ત્યાં શ્લોક છે જે : “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्” તથા “हरेर्गुणाक्षिप्तमतिर्भगवान् बादरायणिः । अध्यगान्महदाख्यानं नित्यं विष्णुजनप्रियः” તથા ‘आत्मारामाश्च मुनयो’ તથા ‘प्रायेण मुनयो राजन्’ તથા ગીતામાં કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्” ઈત્યાદિક ઘણાક શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા અને પ્રીતિ તેણે યુક્ત હોય છે.’ અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય, તેને તો સાધનદશાને વિષે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે; માટે ભગવાન અને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ થતા નથી. જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમ જ તેને તે કુસંગનો પાશ લાગ્યો છે, તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ એને કુસંગનો પાશ લાગ્યો હતો; માટે શ્રીકૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિષે દયા ને સ્નેહ થયા નહિ. તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાશ જતો નથી ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત, તેને વિષે અતિશય દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે. પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

34. ગઢડા અંત્ય ૧૦ ( para.3)

એવી રીતના જે શ્રીજીમહારાજના વચન, તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો જે, “હે મહારાજ! તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે, ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી અને મારા મનને તો તમારા સ્વરૂપની દ્રઢ પ્રતીતિ આવી છે જે, ‘તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો.’ માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ; એ સર્વ શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે; જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર; એ સર્વે અનાદિ છે. અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ છે અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે. તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંઘાથે સંબંધ થાય છે ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે સર્વે ઉગી આવે છે, તેમ માયામાંથી અનાદિ કાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થતા. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે ને તે માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી. એ તો અનાદિ જીવ જ છે, તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ-સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે.” એવી રીતના જે શ્રીજીમહારાજના વચન, તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો સમાશ્રય કરતો હવો અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હવો.

35. ગઢડા અંત્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ; ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે; ને પંચ વર્તમાનમાં દૃઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.”

36. ગઢડા અંત્ય ૨૬ ( para.4)

પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ તે શું ? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડાં હોય ને બીજા આગળ પોતાની મોટ્યપ વધાર્યા સારુ ઉપરથી તો તેને બહુ જણાવે, તે ન ગમે. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે, એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને, તે ન ગમે. અને હવે જે ગમે તે કહીએ છીએ જે, ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે, ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા, તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દૃઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહિ, એવો જે હોય તે અમને બહુ ગમે.” એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા.

37. ગઢડા અંત્ય ૩૧ ( para.2)

અને વાજાં વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા. તે ‘हरि मेरे हालरकी लकरी’ એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ‘जमुना के तीर ठाडो’ એ કીર્તન ગાઓ.” પછી એ કીર્તન ગાવવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજીમહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અમે આ એક વાર્તા કરીએ છીએ, તે છે તો થોડીક, પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે. ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી.” પછી વળી નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “કોટિ-કોટિ ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિષે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે ? તો ક્ષર-અક્ષર થકી પર છે ને સર્વકારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને એવા જે એ ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રકટ પ્રમાણ થકા તમારી સર્વેની દૃષ્ટિને ગોચર સાક્ષાત્પણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રકટ શ્રીકૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદૃશ્યપણું છે. તે શ્રીકૃષ્ણની જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દૃષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજારૂપ વિષયમાત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય, ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તે બેયમાં લગાર પણ ભેદ ન જણાય. અને તે મૂર્તિ ને આ મૂર્તિના રૂપ, અવસ્થા તે બરાબર જણાય. તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે, પણ તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય. અતિશય એકપણું જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બાહેર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી. ને તે જ મૂર્તિને ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુવે ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય ને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. પછી વળી એ ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માંહિલી કોરે ધ્યાને કરીને જુવે ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે ને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી, ને બહુ જ ભયંકર એવી દેખે; જેમ મધ્યાહ્ન કાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય ને તે જ સૂર્યને આથમ્યા ટાણું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય, પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી. તેમ તે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય. પછી એ મૂર્તિને હૃદયને વિષે રહી જે બુદ્ધિ, તે બુદ્ધિને વિષે જુવે તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિષે જુવે ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠમાત્ર પરિમાણે જુવે અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય. અને પછી વળી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટિ કોટિ સૂર્ય-ચંદ્ર-અગ્નિના તેજના સમૂહને વિષે એ મૂર્તિ જણાય છે. તે જેવી દૃષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે, એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો તે તો ગુણમય એવા જે સ્થાનક તેણે કરીને પડ્યો. તે નેત્રમાં સત્ત્વગુણ ને કંઠમાં રજોગુણ ને બુદ્ધિમાં રહ્યો જે જીવ, તે પણ ગુણમય છે.” એમ વાર્તા કરીને પછી બોલ્યા જે, “મોરે ગાતા હતા તે કીર્તન ગાઓ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી.

(કુલ: 53)