માયા

માયા

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "માયા" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યું જે, “સર્વ સાધનમાં ક્યું સાધન કઠણ છે ?” ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી; કાં જે, ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”

2. ગઢડા પ્રથમ ૧ ( para.3)

ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું જે, “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”

3. ગઢડા પ્રથમ ૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મવાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ, તે સર્વ સાંભળો જે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિષે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથક્પણે સત્તામાત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે. તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે; અને એ ત્રણ શરીરથી પૃથક્ ને સત્તામાત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે. તથા માયા અને માયાના કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ તેને વિષે વ્યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે; અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે. તથા અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિષે જે શ્રીકૃષ્ણભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા, તે એ ભગવાનનું અન્વયપણું છે; અને એ સર્વથી પૃથક્પણે કરીને પોતાના ગોલોકધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે. અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે.”

4. ગઢડા પ્રથમ ૧૨ ( para.3)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે, પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયંજ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકારમાત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જડચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ અને મહદાદિક સમગ્ર તત્ત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે. અને ગુણસામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ.

5. ગઢડા પ્રથમ ૧૨ ( para.7)

અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી. તે ઉત્પત્તિ કહીએ છીએ જે, પોતાના ધામને વિષે રહ્યા એવા જે શ્રીકૃષ્ણભગવાન તે અક્ષરપુરુષરૂપે કરીને માયાને વિષે ગર્ભને ધરતા હવા, ત્યારે તે માયા થકી અનંતકોટિ જે પ્રધાન અને પુરુષ તે થતા હવા, તે પ્રધાનપુરુષ કેવા છે ? તો અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિનાં કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાનપુરુષ તેને કહીએ છીએ જે, પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણભગવાન તે પુરુષરૂપે કરીને પ્રધાનને વિષે ગર્ભને ધરતા હવા. પછી તે પ્રધાન થકી મહત્તત્ત્વ ઉત્પન્ન થતું હવું અને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હવો. તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હવા અને રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતા હવા અને તામસ અહંકાર થકી પંચ ભૂત અને પંચ તન્માત્રા એ ઉપજતાં હવા. એવી રીતે એ સમગ્ર તત્ત્વ ઉપજ્યા.

6. ગઢડા પ્રથમ ૧૨ ( para.8)

પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યાં થકા પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા, તે ઈશ્વરના દેહ તે વિરાટ્, સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને વિરાટ્ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધ કાળ પર્યન્ત આયુષ છે. અને તે વિરાટ્ પુરુષના એક દિવસને વિષે ચૌદ મન્વંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે; તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ્ પુરુષનો દ્વિપરાર્ધ કાળ પૂરો થાય છે ત્યારે, એ વિરાટ્ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે અને મહદાદિક જે ચોવિશ તત્ત્વ, પ્રધાન-પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહા માયાને વિષે લય પામે છે; તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહા માયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિષે લય પામે છે, જેમ દિવસને વિષે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે; તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિષે વૈરાગ્ય થાય અને ભગવાનને વિષે ભક્તિ થાય છે અને જ્યારે એ સર્વ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિષે રહે છે અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે.”

7. ગઢડા પ્રથમ ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગને વિષે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે ? તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે, ‘ માયાના ગુણે કરીને પરાભવ ન પમાય’ એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો; અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી. અને શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બેય હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચવિષયને વિષે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થાતી નથી, અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થાતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક, ભુવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યન્ત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થાતી નથી, કહેતાં બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાતી નથી; અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેની સિદ્ધિ થાતી નથી, એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એક-બીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી.

8. ગઢડા પ્રથમ ૨૦ ( para.3)

ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, “પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે ? અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશય અજ્ઞાની રહે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતર્દૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દૃષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુવે છે, અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુવે છે, અને નારદ-સનકાદિક જેવો સુખિયો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે.”

9. ગઢડા પ્રથમ ૨૧ ( para.3)

અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમનારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.’ એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા.”

10. ગઢડા પ્રથમ ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ? તો પ્રકૃતિપુરુષથી પર છે, અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે, અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય ; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમ જ ચિત્તરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમ જ બુદ્ધિરૂપ પોતાની ડાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમ જ અહંકારરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો છે તે ડાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા, તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી, અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઇ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઇ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઇ જાય છે, ને જે એ ભગવાનને ઇર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઇર્ષ્યાવાન થઇ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ ‘સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે.’ તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઇ જાય છે.”

11. ગઢડા પ્રથમ ૨૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે, “પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે, ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજ-વીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે, તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે,’ એમ સમજે; પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહિ. અને ‘પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’ એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે, ‘ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાંખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે.’ તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે; એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવના માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહિ, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવા જે, એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, ‘હું મોટો થયો છું,’ પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો; એમ જેમ જેમ અધિક સંપત્તિ જેને હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે, ‘આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારુ છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારુ છે,’ એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે, એનું કલ્યાણ થશે કે નહિ થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનુંયે થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી; કાં જે, એ પાત્ર થયો નથી.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા.

12. ગઢડા પ્રથમ ૩૩ ( para.2)

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય ? તે એવો એક ઉપાય કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહિ. તે આશરામાં ત્રણ ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહિ. અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે, તેની રીતને સમજતો હોય. અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે, તથા પુરુષ પ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટ પુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય; એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહિ, ને પોતાનો પણ ટાળ્યો ટળે નહિ અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહિ.”

13. ગઢડા પ્રથમ ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખીને પ્રશ્ન-ઉત્તર કરો.” પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માયિક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે, તેનું શું કારણ છે ?” પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ. અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે, એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહજે જ હેત થાય છે. તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે, માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે અને જો માયિક પદાર્થને વિષે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે, તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોટી જાય તે સારુ પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહિ.”

14. ગઢડા પ્રથમ ૩૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી,” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે; માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાં સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે.” પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે, તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાંનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે માબાપ તે અજ્ઞાને કરીને વીસર્યાં છે, તેમ આ મનુષ્ય શરીરના જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગાં સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે, ‘જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે,’ અને ‘આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે’ એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતીના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ અને એમ જાણે જે, ‘એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ’ અને એમ જાણે જે, ‘ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી.’ એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો-તેવો હોય તો પણ એ અમને ગમે છે. અને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી; અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ. અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનની હજૂરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનનાં ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શનતુલ્ય છે અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.” એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન બોલો.”

15. ગઢડા પ્રથમ ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે, “તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી; માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો, પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ અને જો વ્યાસજીને વચને કરીને કરશો, તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે.” પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુક્તિયો લાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી, માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએે છીએ જે, એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે, તે મેરુ થકી ઓરાં જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત-વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક્-પૃથક્પણે દેખે છે; તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક્-પૃથક્પણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે તે, તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વીરૂપે જ દેખે છે પણ પૃથક્ પૃથક્પણે નથી દેખતા; તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે પણ પૃથક્પણે નથી દેખતા, એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે; તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે અને સવિકલ્પ સ્થિતિવાળાનાં વચન વેદ, શાસ્ત્ર, પુરાણાદિકમાં આવે છે, તે એ સર્વેને સત્ય કહે છે; અને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં જે વચન, તે એ સર્વેને અસત્ય કહે છે, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી, એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી, માટે અસત્ય કહે છે. અને વળી, જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ-દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહિ, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચનમાત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય, તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે.” એમ કહીને બોલ્યા જે, “આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો ?” ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો જે, “હે મહારાજ ! હે પ્રભો ! હે સ્વામિન્! તમે તો પરમેશ્વર છો અને જગતના ક્લ્યાણને અર્થે પ્રગટ થયા છો, તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે; એમાં આશંકાનો માગ નથી.” એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો આશ્રિત થયો.

16. ગઢડા પ્રથમ ૪૨ ( para.2)

અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, ‘વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે; અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે.’ એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે ? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ-કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે, ‘ભગવદ્‌ગીતા ને વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસાં થયા હોય તેનું થોડા ચોમાસાંવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી.’ એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું, તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા ? માટે એ તો એમ જણાય છે જે, એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે, જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ; તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે ? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઊંચું જુવે તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઉઠતી હોય. માટે ઊંચું પણ જળ જ જણાય, ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, ‘એકલું જળ જ છે બીજું કાંઈ નથી.’ એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, ‘એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા; એ આદિક સર્વે તે મિથ્યા છે.’ અને તેના વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ‘भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते !’ એ આદિક ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિક જે ઘણાક દેવતા તેના સ્તોત્ર કર્યા છે. જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે, ‘જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી.’ તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલાં પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂછડી ને માથે નાની શિંગડિયો એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામિયો. તેનું કારણ એ છે જે, શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરુષોત્તમ ગુણાતીત દિવ્યમૂર્તિ હતા, તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા, માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્યસ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે. અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામિયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્યમૂર્તિ જ છે અને વેદાંતી કહે છે જે, ‘સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે’ ત્યારે જેમ ગોપીઓેએ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ સર્વે સ્ત્રીઓે પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓેને વિષે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓેના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિનિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે એ વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

17. ગઢડા પ્રથમ ૪૫ ( para.2)

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે જે, ‘ભગવાનને આકાર નથી.’ અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે, અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે, ‘તે ભગવાન માયા સામું જોતા હવા,’ અને જ્યારે જુવે ત્યારે તેને શું એકલી આંખ્ય જ હોય ? હાથપગ પણ હોય. માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિષે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિષે સાકાર છે અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિષે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે, અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે, શ્રુતિમાં એમ કહ્યું છે જે, ‘પરમેશ્વર તો કર-ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે.’ તો એ જે શ્રુતિએ કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે, અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી અને અંતર્યામીપણે કરીને જીવ-ઈશ્વરને વિષે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે, તો પણ જીવ-ઈશ્વર સર્વેને તેમનાં કર્મને અનુસારે યથા-યોગ્યપણે કર્મના ફળને દેવાને વિષે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે; માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી.”

18. ગઢડા પ્રથમ ૫૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈ પ્રશ્ન પૂછો.” પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ, તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય; માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે ?” પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે, “એ જ પ્રશ્ન છે, તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થરૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે, માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્વિકાહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્ત્વ જ છે. અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન-પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટિ પુરુષ છે તે મહા માયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહા માયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહા માયા જ છે અને મહા માયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહા માયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે; તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થતું.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

19. ગઢડા પ્રથમ ૫૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, ‘આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે,’ તથા આસ્તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે, ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવિશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહિ, એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તે જ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે.”

20. ગઢડા પ્રથમ ૬૨ ( para.8)

गांभीर्यं स्थैर्यमास्तिक्यं कीर्तिर्मानोऽनहंकृतिः ।। એ જે ઓગણચાળીશ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે, તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે, ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વના કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે. અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવા તરેતરેનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ, એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.”

21. ગઢડા પ્રથમ ૬૩ ( para.5)

એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. ‘જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહિ, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે.’ તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે; ‘જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય,’ તેમ ભગવાન પણ પોતાની સામર્થી છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રગટ કરતા નથી ?’ પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટ્યપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના ? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય, તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી, માટે એવી રીતે તત્ત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી.”

22. ગઢડા પ્રથમ ૬૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે; એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર; તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે ? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે, અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિસમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન, તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દૃશ્ય એવા જે દેહ; એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિદ્રઢ કરીને રાખજ્યો.”

23. ગઢડા પ્રથમ ૬૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે. અને એમ જાણે છે જે, ‘ભગવાનને તો આકાર નથી.’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્દ ? તો જે, ‘ભગવાન અરૂપ છે, જ્યોતિઃસ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે.’ એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે; અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે, તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે.’ અને તેજના પુંજરૂપ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, ‘અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે,’ તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રકટ થાય છે, તે જળ દેખાય છે ને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મસત્તારૂપ જે, કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે અને શાસ્ત્રમાં એવા વચન હોય જે, ‘જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે.’ એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે ને ભગવાનને અરૂપ સમજે છે પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેને વિષે રથને હાંકીને અને તેજઃપુંજને વિષે પ્રવેશ કરીને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણભગવાન દિવ્યમૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય ને માયા પરજે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા, એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે; અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે, અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.”

24. ગઢડા પ્રથમ ૬૮ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહિ થાય ?” પછી સંત બોલ્યા જે, “એનું કલ્યાણ નહિ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે અને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે, તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને અને કર્મે કરીને માનશે; પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થશે.”

25. ગઢડા પ્રથમ ૭૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્‌ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

26. ગઢડા પ્રથમ ૭૩ ( para.5)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્‌ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”

27. ગઢડા પ્રથમ ૭૭ ( para.3)

પછી સંતે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી; અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવાને સમે તો અતિસમર્થ જણાય છે ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખિયો થકો દેહ મૂકે છે; એનું શું કારણ છે ? જે સારો હોય તેનું અંતસમે સારુ ન દેખાય ને જેવો તેવો હોય તેનું અંતસમે સારુ દેખાય છે, એનું કારણ કહો એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ, કાળ, ક્રિયા, સંગ, ધ્યાન, મંત્ર, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ જેવા હોય તેવી પુરુષની મતિ થાય છે. તે જો સારા હોય તો સારી મતિ થાય છે અને ભૂંડા હોય તો ભૂંડી મતિ થાય છે અને પુરુષના હૃદયને વિષે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારાફરતી વર્તતા હોય, તે જો અંતસમે સત્યયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઊઠે અને ત્રેતા અને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે. અને કળિનો ધર્મ મૃત્યુ સમે આવે તો અતિશય ભૂંડું દેખાય. એમ અંત સમે સારુ નરસું તે તો કાળે કરીને છે અથવા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે. તેમાં જો અંતસમે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે અને અંત સમે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો ઝંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ મૂકે અને અંત સમે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે, પણ સારુ કે નરસું કાંઈ બોલાય નહિ. અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવા પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે, તે તો જેવી ઈશ્વરને સામર્થી હોય તેવી સામર્થી જણાવીને દેહ મૂકે છે અને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહિ. એવી રીતે કાળે કરીને અંતસમે સારુ નરસું જણાય છે. અથવા અવસ્થાઓને યોગે કરીને સારુ-નરસું જણાય છે અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો-બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી. વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે, પણ નરકે જ જાય. અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્યમૌન રહીને દેહ મૂકે પણ, તેનું કલ્યાણ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી, એમ ભગવાનના ભક્તને જાણવું. અને ભગવાનનો ભક્ત હોય તેને અંતસમે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય, પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય માટે નક્કી હરિભક્ત હોય ને અંતસમે લાવાઝંખા કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશમાત્ર સંશય રાખવો નહિ.”

28. સારંગપુર ૬ ( para.4)

“હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા અનુસ્યૂત છે, એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે ત્યારે એ જીવ જે તે, તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે, તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે, તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે. અને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીનાં રૂપ સમજ્યામાં આવે, પણ બીજાને સમજ્યામાં આવતા નથી.”

29. સારંગપુર ૯ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહિ. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે, ‘હું તો આત્મા છું. તે મારે વિષે માયાકૃત ઉપાધિ હોય નહિ ને હું તો ગુણાતીત છું.’ અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે, અજામેલ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું, તે સર્વે પાપથી છૂટીને પરમપદને પામ્યો. તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું.’ એવી રીતે વિચારીને આનંદમાં રહેવું, પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોત પોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂરણકામ માનવું.”

30. સારંગપુર ૧૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિષે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે “निरंजनः परमं साम्यमुपैति” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”

31. સારંગપુર ૧૪ ( para.3)

એવી રીતે શ્રીજીમહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, “લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ,” પછી મુનિએ કહ્યું જે, “પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મહાભારતના ઉદ્યોગપર્વને વિષે સનત્સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, ‘એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે.’ માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદ ને મોહને ટાળ્યાનો ખટકો નહિ રાખતો હોય, તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે? એ પ્રશ્ન છે.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ્ય કેટલી છે, અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનનું બળ રાખે ને સાધનનું બળ ન રાખે, માટે એ વિશેષ જ છે તો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહિ, અને તેને એમ મનમાં બીક રહે જે, ‘જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહિ કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ્ય પડશે.’ એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ્ય બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીયો દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો, એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે ? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે, તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે, જેમ મદિરા પીવે તથા ભાંગ્ય પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય, તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, ‘વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય.’ એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહિ.”

32. સારંગપુર ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે; અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દૃષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય. અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય, ત્યાં દ્રષ્ટાંત છે- જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી, તથા મોટા મોટા મગરમત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે, પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી. અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે- જેમ આકાશ છે તેને વિષે મચ્છર ઊડે ને ચરકલું ઊડે ને સમળા ઊડે ને સીંચાણો પણ ઊડે ને અનળ પક્ષી પણ ઊડે ને ગરુડ પણ ઊડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિષે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિષે ન્યૂનપણું સમજતો જાય છે. તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટપુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાનપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સીંચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળપક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષરમુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થીને પામ્યા છે, તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે; અને જેમ જેમ વધુ સામર્થીને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિષે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવરૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા કરતા આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો. પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થી પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યન્ત આદ્ય, મધ્ય અને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું.” એમ કહીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને ઊઠ્યા. પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા થકા બોલ્યા જે, “જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે આહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂંકડો જાય ત્યારે તો દૃષ્ટિ પણ પહોંચી શકે નહિ, એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે, તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટ્યપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે.”

33. કારિયાણી ૧ ( para.5)

પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાન તો મન-વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તે કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે; અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે, ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ; એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહત્તત્ત્વ થયું અને મહત્તત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્ત્વે મળીને રચ્યો એવો જે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બેય જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, અને જે કાળ તે એ માયાદિક તત્ત્વને નામ રૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ, તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન તે જે તે એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે ? એ તમારો પ્રશ્ન કે નહિ?” ત્યારે સૌએ કહ્યું જે, “હે મહારાજ ! એજ પ્રશ્ન છે” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી, કાં જે, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે - “बुद्धीन्द्रियमनः प्राणान् जनानामसृजत्प्रभुः। मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च ।।” એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા, તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે.’ માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે. તે પણ જીવને અર્થે કરે છે; કાં જે, નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે ? એ તો આવે જ.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

34. કારિયાણી ૮ ( para.3)

ત્યારે કોઈને એમ આશંકા થાય જે, “ભગવાન નિર્ગુણરૂપે તો અતિસૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ છે, અને સગુણરૂપે તો અતિસ્થૂળ કરતા પણ સ્થૂળ છે, ત્યારે એ બેય રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે ?” તો તેનો ઉત્તર એ છે જે, “પ્રકટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે, અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારુ અર્જુન સહિત રથે બેસીને ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા જે ભૂમાપુરુષ; તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા; ત્યારે તે રથ ને ઘોડા તે માયિક હતા ને સ્થૂળભાવે યુક્ત હતા પણ તે શ્રીકૃષ્ણ ભગવાનને યોગે કરીને અતિસૂક્ષ્મ અને ચૈતન્યરૂપે થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. અને એ જ શ્રીકૃષ્ણ ભગવાન તેણે પોતાની માતા જે યશોદાજી તેને પોતાના મુખને વિષે અષ્ટાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિષે વિશ્વરૂપ દેખાડ્યું અને અર્જુન વિના જે બીજા હતા તે તો સાડાત્રણ હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જ્યારે ભગવાને વામનાવતાર ધર્યો ત્યારે પ્રથમ તો વામનરૂપે દર્શન આપ્યું, અને ત્રણ પગલા ધરતી બળિ પાસે શ્રીકૃષ્ણાર્પણ કરાવ્યા પછી એવું પોતાના સ્વરૂપને વધાર્યું, જે સાત પાતાળનું તો એક પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધેય માઈ રહ્યું અને બીજું પગલું ઊંચું મેલ્યું તેણે સાત સ્વર્ગને વેંધીને અંડકટાહ ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બળિ રાજાએ દીઠું અને બળિ વિના જે બીજા હતા તેણે તો જેવું વામન સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠું. એવી રીતે જે ભગવાનને વિષે અતિશય મોટાઈ થકી જે મોટાઈ દેખાય, એ ભગવાનની મૂર્તિને વિષે સગુણપણું જાણવું. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાળે વાદળાંએ રહિત હોય અને જ્યારે વર્ષાઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાંની ઘટાએ કરીને ભરાઈ જાય છે, તે કાળે કરીને આકાશમાં વાદળાં ઊપજે છે ને પાછા લીન થઈ જાય છે, તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ અને સગુણ રૂપ જે ઐશ્વર્ય તેને પ્રકટ કરીને પાછું પોતાને વિષે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો પાર કોઈ પામતો નથી. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ થતા નથી અને તેને આઠે પહોર અંતરમાં આશ્વર્ય રહ્યા કરે છે.”

35. કારિયાણી ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યન્ત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું, અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ, ઇન્દ્રિયોને દમીને તપ કરે છે, માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ, તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઈચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ જે, ‘મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબધી ભોગસુખ તે નથી જોઈતાં, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે.’ અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ. અને જે જીવ ભગવાનને સર્વ કર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો; કાં જે, ભગવાન વિના બીજા જે કાળ, કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”

36. કારિયાણી ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન ઉત્તર કરો.” પછી મુનિએ માંહોમાંહી ઘણી વાર સુધી પ્રશ્ન-ઉત્તર કર્યા, તેમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત; એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કારણ શરીર છે એ જીવની માયા છે. તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મરૂપે થાય છે, માટે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જીવની માયા છે. તેમજ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે. તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે. તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદામાં ધારે, તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિદ્રઢ ચોંટી હોય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાઝીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય, તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજા કોટિ ઉપાય કરે તોય પણ કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી.” એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી.

37. લોયા ૪ ( para.2)

પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “અનંતકોટિ બ્રહ્માંડ છે, તે બ્રહ્માંડને વિષે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે, તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિષે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંતકોટિ પ્રધાનપુરુષ તે થકી અનંતકોટિ બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંતકોટિ બ્રહ્માંડને વિષે પોતાના ભક્તને અર્થે અનંતરૂપે દેખાય છે.”

38. લોયા ૪ ( para.3)

પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીકૃષ્ણનારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે; અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંતરૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું ? અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એકસરખી છે કે જુદી જુદી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની મૂર્તિ તો સદા એકસરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઇએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંઈ ચાર ભુજ, ક્યાંઈ અષ્ટભુજ, ક્યાંઈ અનંત ભુજને દેખાડે છે, તથા મત્સ્ય-કચ્છાદિકરૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એકરૂપે જ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર-જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર-જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે. તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગકળાના નિધિ છે, તે એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે તેમાં શું કહેવું ? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે ? કેમ જે, કોઈક ગોડિયો હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ! ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગકળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે. તેને જીવ કેમ જાણી શકે ? માટે ભાગવતમાં કહ્યું છે જે, ‘આટલા ભગવાનની માયાને તર્યા છે’ અને વળી એમ કહ્યું જે, ‘કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી.’ તેણે કરીને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે, ‘એ ભગવાન તે કેમ એમ કરતા હશે ?’ અને ભગવાનને એમ સમજે જે, ‘એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે.’ એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય અને કલ્યાણની રીતિ તો એકસરખી છે; પણ ભજનારા જે પુરુષ તેને વિષે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની૨ શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિસમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યન્ત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે.”

39. લોયા ૧૦ ( para.8)

અને વળી એને વિષે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીય એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા, અને એ જનક જેવા જે જ્ઞાની હોય, તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રીઆદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે.’ એમ વિચારીને કેવળ પોતાના આત્મસ્વરૂપને જ સુખરૂપ જાણે છે. અને ‘શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્માવતે જણાય છે અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભુડું થઇ જાય છે.’ એવી રીતે પોતાના આત્માને વિચારે. અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે, ‘આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટિ જે મુક્ત તેના પણ આત્મા છે; એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.’

40. લોયા ૧૦ ( para.10)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “હે મહારાજ! હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “ માયા તો કેવળ દુઃખદાયી છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ માયામાંથી ઊપજ્યા એવા જે સત્ત્વ, રજ અને તમ; એ ત્રણ ગુણ, તેમાં જે સત્ત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘सत्त्वं यद्ब्रह्मदर्शनम् ‘ તથા સત્ત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમ દમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે ? અને વળી એકાદશસ્કંધમાં કહ્યું છે જે, “विद्याविद्ये मम तनू विद्धयुद्धव ! शरीरिणाम् । बंधमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते ।।” માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે ?” પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર અમથી થાય નહિ, એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે. અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે, તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે.”

41. લોયા ૧૦ ( para.11)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય, તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ-વિકલ્પરૂપે કરીને કેમ દુઃખ આપે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય, તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી; અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તો તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહિ અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે, તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહિ અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે; અને જેના જીવને વિષે એવા આશરામાં કાંઈ કાચ્યપ હોય, તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહિ થાય. માટે એનો ઉત્તર એ જ છે જે, “જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી.”

42. લોયા ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીમદ્‌ભાગવત તથા ભગવદ્‌ગીતા એ આદિક જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર કરીએ છીએ જે, અસત્પુરુષની એમ સમજણ છે જે, આ વિશ્વને વિષે સ્થાવર-જંગમરૂપ એવી જે સ્ત્રી-પુરુષની સર્વે આકૃતિઓ, તે જે તે વિરાટરૂપ એવા જે આદિપુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઊપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારુ જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ-નીચ જે જે આકૃતિઓ તેને વિષે આસક્ત થાય, ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિષે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય; અને તે આકૃતિને વિષે જો મન દોષને કલ્પે, તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે, ‘સમગ્ર જગત તે બ્રહ્મ છે,’ એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે. અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસૃતિ છે.”

43. લોયા ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “કેવો પુરુષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્યામાં તો એમ આવે છે જે, ‘બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહિનીને દર્શને કરીને મોહ થયો.’ માટે વિચારીને ઉત્તર કરો; કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો છે.” પછી તેનો ઉત્તર બ્રહ્માનંદસ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એ છે જે, નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રીનારાયણનાં ચરણારવિંદમાં રહ્યો હોય, તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય અને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય. અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય. અને એમ ન હોય તો, “तत्सृष्टसृष्टसृष्टेषु कोऽन्वखण्डितधीः पुमान् । ऋषिं नारायणमृते योषिन्मय्येह मायया ।।” એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહિ. માટે એને વિષે રહ્યા થકા તો એક નારાયણઋષિને પરાભવ ન થાય અને બીજો તો ગમે એવો મોટો હોય ને તે જો નારાયણના ચરણારવિંદને વિષે નિમગ્ન ન રહે, તો તેને પરાભવ થાય; અને જો નિમગ્ન રહે તો ન થાય. એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે. અને તે ભાગવતમાં કહ્યું છે જે “एतदीशनमीशस्य प्रकृतिस्थोऽपि तद्गुणैः । न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया ।।” તથા ભગવાને કહ્યું છે જે, “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ।।” એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણને જ છે અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય.”

44. લોયા ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક્ પૃથક્ રુચિ છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ‘જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે ને પુરૂષોત્તમ છે, તે જીવ, માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે ? અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે ? તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.” ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈઓ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો.’ ત્યાં શ્લોક છે :- “न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते । यद्विस्रंभाच्चिराच्चीर्णं चस्कन्द तप ऐश्वरम् ।। नित्यं ददाति कामस्य छिद्रं तमनु येऽरयः। योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ।।” એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગી અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે, તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારુ લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે અને એ ત્રણ્યે અવતાર કરતા કોટિ ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, ‘બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને એમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો.’ અને બીજા જે મત્સ્ય-કચ્છાદિક ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિસુખ થાય છે; અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક’ તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે, ‘એ બહુ ઠીક કરે છે.’

45. લોયા ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્યા જે, “જુવોને, ભગવાનની માયાનું બળ કેવું છે ! જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે; કેમ જે, પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે !” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે; માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ; તે શાણે કરીને થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહિ; અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.”

46. લોયા ૧૭ ( para.5)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે માહાત્મ્ય તે શું ? તો ‘જે ભગવાનની બીકે કરીને ઈન્દ્ર વર્ષે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે; પૃથ્વી સર્વને ધારી રહી છે; સમુદ્ર મર્યાદા નથી લોપતો; ઔષધિઓ ઋતુને પામીને ફળે છે; અને જે ભગવાન જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયને કરે છે; અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે.’ એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે, તે બંધન કરે ? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે, એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ‘ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથાવાર્તાને વિષે માલ છે અને અક્ષર તે આવું છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવું કયું પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું; તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ; તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે.

47. પંચાળા ૧ ( para.3)

ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય, તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય, તેવી જણાય આવે છે. તથા જેમ પાંચ પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રુક્મિણી, સત્યભામા, જાંબવતી આદિક ભગવાનની પટરાણીયો તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઈત્યાદિક ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યાં છે; તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમનાં રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમનાં વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે. તેમ પુરાણ-ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળ્યામાં આવે છે જે, ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને સદા સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિષે કર્તાપણું કહેવાય નહિ. અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્યમૂર્તિ, પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલયકાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ, તેમને ઉત્પત્તિકાળે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે; તે શાને અર્થે આપે છે ? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે.

48. પંચાળા ૩ ( para.3)

પછી શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે, “કીર્તન ગાઓ.” પછી, ‘સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા રે’ એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો, અને કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો જે, ‘હેત મોટી વાત છે અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે’ પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે, ‘હેત છે તે જ ભગવાનની માયા છે.’ કેમ જે, સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય, તેમાં બીજી રીતનું હેત છે; અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુવે, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે; અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિષે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું; તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય, ઈત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસૃતિ ને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ જે પંચવિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી.’ પછી વળી તેમાં પણ વિચાર થયો જે, એ પણ ઠીક નહિ; કાં જે, ભગવાનનાં રૂપ કરતા અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિષે જણાય તો ભગવાનને મૂકીને તેને વિષે હેત થઈ જાય. જેમ સોળ હજાર ને એકસો જે શ્રીકૃષ્ણભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માન્તરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે ‘હે મહારાજ ! અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો; માટે એવી કૃપા કરો જે, એ અમારા પતિ થાય.’ પછી બ્રહ્માએ કહ્યું જે, ‘તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે.’ ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદમુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો જે, ‘તમારા પતિ નારાયણ થશે.’ એવી રીતે જન્માન્તરે ઘણુંક તપ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પામી હતી, પણ જો ભગવાન કરતા સાંબને વિષે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહિ; અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું ? તો જે ચોવિશ તત્ત્વ છે તે થકી પોતાના જીવને પૃથક્ જાણવો, ને તે જીવને વિષે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિયો તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવસત્તાપણે રહ્યાં થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું ? જે દશ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણ ને દેવતા તે સત્ત્વ ગુણની સંપત્તિ છે અને પંચભૂત ને પંચવિષય તે તમોગુણની સંપત્તિ છે; તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક્ માનીને કેવળ જીવસત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવા નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. તે કહ્યું છે જે, ‘नैर्गुण्यस्था रमन्ते स्म गुणानुकथने हरेः’ તથા “परिनिष्ठतोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।”

49. પંચાળા ૭ ( para.2)

અને શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધની કથા કરાવતા હતા, તેમાં ‘जन्माद्यस्य यतः’ એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો; ત્યારે ‘यत्र त्रिसर्गो मृषा’ એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે, “ માયાના ત્રણ ગુણનો સર્ગ જે, પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; તે ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહિ.’ એમ સમજે તથા એ શ્લોકનું પદ જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकम्’ કે’તાં ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્યસ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય-તેજે યુક્ત છે, તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું; તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે, ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય; તેમ જ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને નિષ્કપટભાવે કરીને ભગવાનનાં ચરણકમળને ભજે છે, ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે; તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્-ચિત્-આનંદમય જાણે છે તે પણ ભાગવતમાં કહ્યું છે જે, “स वेद धातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः । योऽमायया संततयानुवृत्त्या भजेत तत्पादसरोजगन्धम् ।।” અને એ ભગવાનને વિષે જે બાળક-યુવાન-વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ-મરણપણું દેખાય છે, તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે, પણ વસ્તુગત્યે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટવિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે. પછી કટકા થઇને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે જે, ‘મારી સ્ત્રી લાવો.’ એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગ માયા કળ્યામાં કેમ આવે ? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે, ‘એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે.’ તેમ ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો, ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુક્મિણી આદિક હતી, તે એ ભગવાનના દેહને લઇને બળી મરી; ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘હવે એ નાશ થઇ ગયા.’ અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘અહીંથી અંતર્ધાન થઇને બીજે ઠેકાણે જણાણા છે.’ એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે, તો કેવળ મનુષ્ય જેવા જ સમજે અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે, તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે; માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે, ‘स ऐक्षत’ કહેતા તે ભગવાન જે ‘તે જોતા હવા.’ ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર, શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે, ‘पुरुषेणात्मभूतेन वीर्यमाधत्त वीर्यवान्’ એવી રીતે પુરુષરૂપે થઇને એ પુરુષોત્તમ તેણે માયાને વિષે વીર્યને ધારણ કર્યું, ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમનારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષરૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઇ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમ જ માયારૂપે થાય છે, ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઇ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહત્તત્ત્વરૂપે થાય છે ને તેમ જ મહત્તત્ત્વમાંથી થયા જે બીજા તત્ત્વ તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટપુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સનકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે, તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાંખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષણપણે વિરાજમાન થકા રહે છે અને જેને વિષે પોતે વિરાજમાન રહે છે; તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે, ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે; તથા જેમ સૂર્ય ઉદય થાય છે, ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકનાં તેજ લીન થઇ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે; તેમ એ ભગવાન જેને જેને વિષે આવે છે, ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નીસરી જાય છે, ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું; એમ જાણવું.”

50. પંચાળા ૭ ( para.3)

એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.

51. ગઢડા મધ્ય ૪ ( para.5)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતવન રહેતું નથી, એનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય, ત્યારે તેટલું માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછ્યપ છે અને જ્યારે માહાત્મ્ય જાણ્યામાં ઓછ્યપ છે, ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછ્યપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય તથા શ્રદ્ધા હોય, તો અખંડ ચિંતવન થાય. તે માહાત્મ્ય એમ જાણવું જે, ‘ભગવાન તો જેવા પ્રકૃતિપુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિપુરુષમાં આવ્યા છે, તો પણ પ્રતાપે યુક્ત છે અને પ્રકૃતિપુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્યા છે, તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિને વિષે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે, તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે, તે સર્વે ઘણે કાળે કરીને ધૂડ્ય ભેળા ધૂડ્ય થઈ જાય અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી; કેમ જે, જ્યારે વિષયરૂપી ધૂડ્યનો યોગ થાય, ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એકરસ થઈ જાય અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાધ કરવાને સમર્થ થાય નહિ અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહિ. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે.’ એમ ભગવાનનું માહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા, તેને ભગવાને એમ કહ્યું જે, ‘હે ઉદ્ધવ! હું થકી અણુમાત્ર ન્યૂન નથી.’ તે શા માટે જે, ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માહાત્મ્ય જાણ્યું હતું ને પંચવિષયના લીધા લેવાતા નહોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય, તે બેય સરખું વર્તે; અને બાળક સ્ત્રી અને સોળ વર્ષની સ્ત્રી અને એંશી વર્ષની સ્ત્રી, તે સર્વમાં સરખો ભાવ વર્તે; અને જે જે સંસારમાં સારુ-નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહિ; અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહિ, એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહિ; અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહામુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે, તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”

52. ગઢડા મધ્ય ૧૦ ( para.4)

પછી શ્રીજીમહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એ ત્રણને વિષે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ જે, જીવમાત્રનો એવો સ્વભાવ છે જે, ‘સારુ પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહજે જ પ્રીતિ ટળી જાય છે.’ માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિષે જે સુખ છે, તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે અને અચળ સુખ તો ભગવાનના ધામને વિષે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલુ માયાથકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા માટે સોનામહોર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દૃષ્ટિ પહોંચે; ત્યારે જેટલું માયિક સુખ છે, તે સર્વ થકી વૈરાગ્ય પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે; એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે.

53. ગઢડા મધ્ય ૧૩ ( para.6)

માટે શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા, તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે, તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિષે કૈવલ્યસ્વરૂપે ભાસે છે અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્યદેહ ધારણ કરે છે, તો પણ કૈવલ્યરૂપે જ છે અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે અને તે ભગવાનનાં વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું, તેને અમારી પેઠે જ પંચવિષયમાં ક્યાંઈ પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે.

54. ગઢડા મધ્ય ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન ગાવવા રહેવા દ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “ઘણું સારુ મહારાજ !” પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનું સ્વરૂપ છે, તેને કોઈક ભક્ત તો માયાના ચોવિશ તત્ત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે; એ બે પ્રકારના ભક્ત છે, તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનને વિષે માયિક ચોવિશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્ત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે.”

55. ગઢડા મધ્ય ૧૭ ( para.8)

અને પુરુષોત્તમ ભગવાન છે, તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે, તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા, તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિષે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિષે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમ જ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમ જ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્ર વિષે યોગ્ય-અયોગ્ય એવો ઘાટ ઘડે નહિ, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિષે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી.”

56. ગઢડા મધ્ય ૧૮ ( para.3)

અને શુષ્ક વેદાંતી છે, તે તો એમ સમજે છે જે, ‘બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે.’ માટે જ્યારે એમ સમજાય જે, ‘હું બ્રહ્મ છું.’ ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહિ. અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહિ; એમ માનીને પછી પાપ કરતા પણ બીવે નહિ. અને મનમાં એમ સમજે જે, ‘આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છીએ માટે આપણે ફરીને જન્મ નહિ ધરવો પડે.’ પણ એ શુષ્ક વેદાંતી એટલો તપાસ કરતા નથી જે, માયા પર જે નિર્ગુણ બ્રહ્મ, તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું; કેમ જે, એ એમ કહે છે જે, ‘બ્રહ્મ છે તે જ સ્થાવર-જંગમ રૂપ થયા છે,’ ત્યારે જે જીવ હોય, તેને માથે તો જન્મ મરણ હોય, તે જ જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું. અને એ તો એમ જાણે છે જે, ‘અમે જન્મ મરણથી છૂટીશું.’ પણ એમ વિચારતા નથી જે, આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચું થયું, ત્યારે આપણે પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મસ્વરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહિ ટળે. માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે, તે ખોટો થઈ જાય છે; તો પણ કોઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બકે છે જે, ‘આપણે તો બ્રહ્મસ્વરૂપ છીએ તે કેનું ભજન કરીએ? અને કેને નમસ્કાર કરીએ ?’ એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે. અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નહિ તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે, પણ એમ વિચારતા નથી જે, ‘પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો.’ અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરી મૂકે છે.

57. ગઢડા મધ્ય ૨૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલોખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! એ પ્રશ્ન અમને સંભળાવો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સમાધિનિષ્ઠ પુરુષ થાય છે, તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દ્રઢ સંબંધ રહે છે. માટે એ સમાધિનિષ્ઠને તો જ્ઞાનશક્તિ તથા દેહ-ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ; શા માટે જે, માયા થકી જે ચોવિશ તત્ત્વ થયા છે, તે જડ-ચૈતન્યરૂપ છે, પણ એકલા જડ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય. અને તે તત્ત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય; ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો-અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ, તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જે, ‘જેને સમાધિ થાય છે, તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી.’ માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ-ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી ? એ પ્રશ્ન છે.” પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પુગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે, સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે ચોવિશ તત્ત્વાત્મક બ્રહ્માંડ, તેને વિષે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થી આપે છે. અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે, કાષ્ઠ તથા પાષાણ જેવું જડ હોય તેને વિષે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્યભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત યોગાભ્યાસ હોય તેને શુકજીના જેવી સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ, અર્થ ને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિષે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધદશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેવો જ્ઞાની થાય, પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિદ્ધદશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદ્વીપ આદિક જે ભગવાનનાં ધામ તેને વિષે એને એ જ શરીરે કરીને જાય અને લોક-અલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય. અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી. અને જેમ શ્રીકૃષ્ણભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે, ત્યાં શ્લોક છે -

58. ગઢડા મધ્ય ૨૧ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, જીવને સ્વપ્ન અવસ્થાને વિષે જે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે, તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિષે એ સૃષ્ટિને સૃજે છે ? અને જેમ જીવને છે તેમ જ સર્વ બ્રહ્માદિક ઈશ્વર છે, તેને પણ સ્વપ્ન સૃષ્ટિ છે; તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે પોતે સંકલ્પે કરીને સૃજે છે? કે એ જીવ ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સૃજે આપે છે ? એ પ્રશ્નનો ઉત્તર કરો.” પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું પણ કોઈથી યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્નસૃષ્ટિને સૃજતા નથી અને પોતે પણ સ્વપ્નસૃષ્ટિ રૂપે થતા નથી; એ તો એ જીવ-ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળપ્રદાતા છે તે એ જીવ-ઈશ્વરનાં કર્મને અનુસારે કરીને એ સ્વપ્નસૃષ્ટિને સૃજે છે. એ સ્વપ્નસૃષ્ટિને વિષે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે, તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે; કેમ જે, કંઠ દેશ છે તે એવો જ છે જે, એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે. જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે; તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે. અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે, અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે, અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે, અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે; અને મૂર્ખ હોય તે તો જે કોઈ એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને મુખ્ય જાણે, અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે, અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે, પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતા ન આવડે; અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય, તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે. અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વના પ્રેરક છે અને પોતાની ઈચ્છાએ કરીને દેશકાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે. જેમ શિશુમા ચક્ર છે, તે ધ્રુવમંડળને આધારે છે અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે, તેમાં દીવાન હોય તથા વજીર હોય; તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે પણ ન ચાલવા દે ત્યારે એક અણુમાત્ર પણ ન ચાલે; તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે પણ પરમેશ્વરના ગમતા બહાર અણુમાત્ર પણ ન ચાલે. માટે સર્વ કર્તા તે પરમેશ્વર જ છે.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દરબારમાં પધારતા હવા.

59. ગઢડા મધ્ય ૨૭ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે, તે શાને યોગે રહે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશકાળાદિક જે આઠ છે, તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે, તેવું જ એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત-દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે વિધિનિષેધના ભેદ કહ્યા છે જે, ‘આ કરવું ને આ ન કરવું’ તે સર્વ ખોટું થઈ જાય; તે એ મોટાના કરેલાં શાસ્ત્ર તો ખોટા થાય જ નહિ. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહ્લાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહિ અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય, જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહિ અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુઃખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ‘ભગવાન સર્વાંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુઃખવ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે, ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો.’ એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે, તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખ્યે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજીતરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે, તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારુ અમે મંદિર કરાવ્યા છે; તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી, એ અમારો સિદ્ધાંત છે.”

60. ગઢડા મધ્ય ૩૧ ( para.2)

અને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ, ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “સર્વે કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષરૂપે કરીને મહા માયાને વિષે વીર્યને ધરે છે; તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે; અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાનપુરુષ દ્વારાએ વૈરાજપુરુષ ઉત્પન્ન થયા, ત્યારે એ વૈરાજપુરુષ તે તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજપુરુષ થાય છે. એવા જે વૈરાજપુરુષ, તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. ને તે વૈરાજપુરુષની દ્વિપરાર્ધકાળની આવરદા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે; જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા છે તેમ. અને એ વૈરાજપુરુષના વિરાટ્, સૂત્રાત્મા, અવ્યાકૃત; એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્ત્વાદિક જે ચોવિશ તત્ત્વ તે દ્વારે થયા છે. તે એ વિરાટને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માંહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહિ. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષરૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજપુરુષ પોતાની ક્રિયાને વિષે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિષે સાક્ષીરૂપે રહ્યા છે, તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ, તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજપુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષરૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને એ વૈરાજપુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે, તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત્ થાય છે. કેમ જે, એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે. અને વૈરાજપુરુષને માયાનો સંબંધ રહ્યો છે. માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે, તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે એ બાપ તે દીકરાને શી સહાય કરે? માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે.

61. ગઢડા મધ્ય ૩૧ ( para.3)

અને વળી એ વિરાટપુરુષ પણ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિષે સંકર્ષણની ઉપાસના કરે છે ને સ્થિતિરૂપ અવસ્થાને વિષે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિષે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનનાં સગુણ રૂપ છે ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજપુરુષ જે તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ ક્રિયાને વિષે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે, ત્યાં સુધી એને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે માયાનો સંબંધ, તે ટળતો નથી અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે, ત્યારે એ વૈરાજપુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપ ભગવાનની ઉપાસના કરે છે, ત્યારે ધર્મ, અર્થ, કામરૂપ ફળને પામે છે અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે, ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય; તેમ એ વિરાટપુરુષને પણ છે. અને એ વૈરાજપુરુષ દ્વારાએ અવતાર થાય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેતો એમ સમજવું જે, ‘એ જે વાસુદેવનારાયણ તે પુરુષરૂપે કરીને વૈરાજપુરુષને વિષે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે.’ માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજપુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજપુરુષથકી અવતાર સંભવે જ નહિ. માટે એ થકી અવતાર તો એને વિષે વાસુદેવ આવ્યા છે, તે સારુ કહ્યા છે. અને એને વિષે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે એ વૈરાજપુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિષે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કહ્યા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાનપુરુષ દ્વારાએ એક એવો જે વૈરાજપુરુષરૂપ દીકરો તે થાય અને એ જ માયામાંથી અનેક પ્રધાનપુરુષ દ્વારાએ બીજા પણ ઘણાક એવા વૈરાજપુરુષરૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરન્ન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિષે લોમપણે વર્તે છે, તો પણ એને માયાનો બાધ થતો નથી ને માયાને વિષે એને ભોગની ઈચ્છા નથી; એ તો પોતે બ્રહ્મસુખે સુખિયા છે ને પૂર્ણકામ છે. અને જે વૈરાજપુરુષ ઈશ્વર છે, તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિષે માયાનો ત્યાગ કરે છે અને જે જીવ છે, તે તો માયાના ભોગને ભોગવીને દુઃખિયો થકો માયામાં જ લીન થાય છે.”

62. ગઢડા મધ્ય ૩૧ ( para.4)

ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “પુરુષોત્તમ વાસુદેવ છે, તે પુરુષરૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે. માટે પુરુષરૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે, ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ આ જીવને વિષે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિષે ભેદ છે. અને વળી જેમ ઈશ્વરને વિષે ને પુરુષને વિષે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે, તે જે તે વાસુદેવનાં ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર, જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીકવાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ્ય બેસારતા નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી ને ઠાવકી ઘેડ્ય બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહિ. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજ્યો ને લખજ્યો.” એવી રીતે આ વાર્તા શ્રીજીમહારાજે કરી છે, તે લખી છે.

63. ગઢડા મધ્ય ૩૨ ( para.3)

અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે; ને એણે કરીને જ એ જીવ છે, તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તોપણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે, એટલો ધર્માદિક થકી ભક્તિને વિષે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિષે કોઈ વિઘ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિષે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ છે, તેને વિષે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય, તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેને વિષે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહિ.”

64. ગઢડા મધ્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, પ્રશ્ન-ઉત્તર કરીએ તો આળસ મટે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું જે, આ જીવને વિષે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ આદિક ચોવિશ તત્ત્વ તે રહ્યા છે, તે એ તત્ત્વ જડ છે કે ચૈતન્ય છે ?” પછી પરમહંસે કહ્યું જે, “એ તત્ત્વ ચૈતન્ય તો ખરા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ તત્ત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિષે જીવ છે, તે ભેળા ચોવિશ તત્ત્વના પણ ચોવિશ જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે ને જે પાપ કરશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે. ત્યારે સુખ-દુઃખનું જે ભોક્તાપણું, તે એક જીવને વિષે જ નહિ કહેવાય અને સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહિ કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે, તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા ચોવિશ તત્ત્વના જીવ તો મુક્ત થયા કહ્યા નથી.” એવી રીતે આશંકા કરીને તત્ત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર અમે કરીએ જે, એ તત્ત્વ જે તે કાર્ય-કારણ ભેદે કરીને બે પ્રકારના છે; તેમાં કારણરૂપ જે તત્ત્વ છે, તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્ત્વ છે, તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિષે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે; તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે જડ એવા જે તત્ત્વ તે પડ્યા રહે છે. અને એ ચોવિશ તત્ત્વ છે, તે માયામાંથી થયા છે; માટે માયારૂપ છે ને જડ છે. અને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણરૂપે જુદા જુદા જણાય છે, તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ પાંચ રૂપે થઈ છે ને કાચરૂપે પણ કરનારાની કીંમતે થઈ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપ જુદે જુદે પ્રકારે જણાય છે.”

65. ગઢડા મધ્ય ૩૬ ( para.3)

એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારને વિષે ‘ માયા- માયા’ કહે છે, તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે જે, ‘ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે, તે જ માયા છે.’ અને આ જીવને પોતાનો જે દેહ ને દેહના સગાંસંબંધી ને દેહનું ભરણપોષણ કરનારો એટલાંને વિષે તો જેવું પંચવિષયમાં જીવને અતિશય હેત છે તે થકી પણ વિશેષ હેત છે. માટે જેને દેહ ને દેહના સગાંસંબંધી ને દેહના ભરણપોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો, તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે. અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને ભગવાનને વિષે હેત થાય છે. અને જ્યારે ભગવાનને વિષે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી, ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી, તે તો કૃતાર્થ થયો છે.”

66. ગઢડા મધ્ય ૪૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વ મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી; ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્નમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાંખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

67. ગઢડા મધ્ય ૪૮ ( para.3)

અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે, ‘આ દેહને મૂકશું પછી કોઈ રીતનું જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે, જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો,’ એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાશ થકી મુકાયો છે; અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના માબાપ પણ કૃતાર્થ થયા જાણવાં. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતવન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવો. અને સ્ત્રી, પુત્ર ને ધનાદિક પદાર્થ તે તો જે જે યોનિમાં જાય છે, તે સર્વેમાં મળે છે; પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ ને શ્રીવાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતવન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયી જનને પંચવિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે; તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખિયો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ પંચવિષય હોય, તો પણ ભગવાન સંબંધી જ હોય; અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાને ઈચ્છે અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે અને નેત્ર તે ભગવાન ને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે અને નાસિકા તે ભગવાનને ચડ્યાં જે પુષ્પ તુલસી તેના સુગંધને ઈચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય.”

68. ગઢડા મધ્ય ૪૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર; એ બેયને વિષે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે, તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે; કેમ જે, માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે, તે તો અનંતકોટિ કલ્પ સુધી નરકચોરાશીને વિષે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે, તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા-કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું.”

69. ગઢડા મધ્ય ૫૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે; તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ, તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ, તેને વિષે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી; એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈકે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી; એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી, અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ, કર્મ, માયાનો શો ભાર છે ? એમ જાણીને એવી હિંમત બાંધી છે જે, ‘હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી.’ અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જે, જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતનાં સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહિ. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે, તે કહ્યું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી.

70. ગઢડા મધ્ય ૫૫ ( para.3)

અને અંતરમાં એમ વિચાર રહે છે જે, ‘આપણે તો દેહથકી પૃથક્ આત્મા છીએ, પણ દેહ જેવા નથી.’ અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે, આત્માને વિષે રખે રજોગુણ, તમોગુણ આદિક કોઈક માયાનો ભાગ ભળી જાય નહિ ! તેને ઘડીએ ઘડીએ તપાસતાં રહીએ છીએ. જેમ સાડા સોળવલું કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઈ જાય અને જો ધણીની લગારેક નજર ચૂકે તો સોની સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે. તેમ આ હૃદયરૂપી તો સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની છે; તે પોતે બેઠો થકો સંકલ્પરૂપી જે હથોડો, તેના અખંડ ટચટચ ટચકા મારતો રહે છે. અને જેમ સોનીનાં છોકરા-સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઈક સોનું ચોરી જાય; તેમ ઇન્દ્રિયો-અંતઃકરણ એ સર્વે માયારૂપે જે સોની તેના છોકરા-સ્ત્રી છે, તે કંચનરૂપ જે ચૈતન્ય તેને વિષે ત્રણ ગુણ તથા પંચવિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ, ક્રોધ, લોભાદિક એ રૂપ જે રૂપું તેને ભેળવીને જ્ઞાન-વૈરાગ્યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો તે સોનું બારવલું થઈ જાય છે અને પછી તે સોનાને તાવી તાવીને પાછું સોળવલું કરે તો થાય છે; તેમ આ જીવને વિષે રજ, તમ આદિક જે રૂપું ભળ્યું છે, તેને ગાળીને કાઢી નાંખવું ને પછી કંચનરૂપ જે એક આત્મા તે જ રહે, પણ બીજો માયિક ભેગ કાંઈ રહે નહિ.’ એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મંડ્યા છીએ; એ અમે અમારું અંગ છે, તે કહ્યું. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો.” પછી સંતમંડળે એમ કહ્યું જે, “હે મહારાજ ! તમારે વિષે તો માયિક ગુણનો ભેગ હોય જ નહિ, તમે તો કૈવલ્યમૂર્તિ છો; પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખ્યો જોઈએ.” પછી શ્રીજીમહારાજ “જય સચ્ચિદાનંદ” કહીને પોતાના ઉતારાને વિષે પધાર્યા.

71. ગઢડા મધ્ય ૫૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે, તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી. ને તે સત્તારૂપ આત્મા કેવો છે ? તો જેને વિષે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્દ્રિયો અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે, તે અજ્ઞાને કરીને જણાય છે, પણ જેણે જ્ઞાન-વૈરાગ્યે કરીને એનો સર્વે પ્રકારે નિષેધ કરી નાખ્યો છે, તેને તો એ આત્માને વિષે કોઈ જાતનું આવરણ નથી. અને એ આત્મારૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી; એ તો પોતાને આત્મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્મા છું, તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય?’ એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી. અને એ આત્માના પ્રકાશને વિષે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે; તેમ આત્માનો જે પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે.

72. ગઢડા મધ્ય ૬૨ ( para.4)

એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે, “અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય, ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે, તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે, ‘હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે.’ અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.

73. ગઢડા મધ્ય ૬૨ ( para.8)

અને ભગવાનનો જે ભક્ત હોય, તેને તો જે જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે, અને પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને જુવે; તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે; પણ ‘કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે, ભગવાનના ભક્તને પીડી શકે ? એ તો ભગવાનની જ ઈચ્છા છે.’ એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગન રહેવું.”

74. ગઢડા મધ્ય ૬૪ ( para.3)

પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે, તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય ? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખડો કરે છે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન શ્રીકૃષ્ણપુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડમૂર્તિ છે અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિષે સદા વિરાજમાન છે. અને તે અક્ષરધામને આશ્રિત અનંતકોટિ બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડાં હોય, તેમાંથી એક-બે ગામ ઉજ્જડ થયા હોય અથવા વસ્યાં હોય પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય; તેમ શ્રીકૃષ્ણભગવાન તે અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રીકૃષ્ણભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ છે, તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમ જ શ્રીકૃષ્ણભગવાનનું અક્ષરધામ છે. અને તે ધામને વિષે ભગવાન અખંડ વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટિ જે બ્રહ્માંડ છે તેને વિષે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધપુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે, તે તો પોતાની યોગકળા છે. જેમ રાસમંડળને વિષે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા. માટે એક ઠેકાણે રહ્યાં થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગકળાએ કરીને વ્યાપકપણું છે; પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગ માયાએ કરી પચાસ કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે, તે પ્રલય કાળને વિષે પરમાણુરૂપ થઈ જાય છે અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિષે પરમાણુમાંથી પચાસ કરોડ યોજન થાય છે. અને ચોમાસું આવે છે ત્યારે ગાજ-વીજ ને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગ માયાએ કરીને થાય છે.

75. ગઢડા મધ્ય ૬૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ.” ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે, તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે. અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, ‘ આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારને વિષે આસક્તિ છે.’ એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી; એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન, તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું ? એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત, તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિષે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે, તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ્ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણભગવાનને વિષે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિષે ભક્તિ ન હોય તો એ એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિષે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય, તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિષે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિમાર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે; માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે, તે સારુ કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ; એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય.”

76. ગઢડા મધ્ય ૬૬ ( para.3)

એમ કહીને પછી શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા જે, “ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાક સાધને કરીને ભગવાન પમાય છે ? ત્યારે તમે એમ કહેશો જે, ‘જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ ચાર સાધને કરીને પમાય છે.’ તે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્યાણ થાય એવા અનન્યભાવનો નિર્ધાર રહ્યો નહિ.” પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે. પણ ભગવાન છે, તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે તથા કાળ- માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ, તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે, તે દ્રઢ કરીને માનવી; એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારુ સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા. એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે. અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે; એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

77. ગઢડા મધ્ય ૬૬ ( para.9)

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મૂવા કેડ્યે શી પ્રાપ્તિ થાય છે ?” પછી શુકમુનિ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે, તેને જીવતે તો ભગવાનનાં કથા-કીર્તન કરતા થકા જ દિવસ ને રાત્રિ વીતે છે અને ત્રણે અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત્ દર્શન થાય છે અને ભગવાન વિના અન્ય પદાર્થમાત્રને વિષે વૈરાગ્ય થાય છે અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય છે અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે જે, ‘હે બ્રહ્મા ! જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે, તેવું મારા અનુગ્રહ થકી તને વિજ્ઞાન થાઓ.’ એવું જે બ્રહ્માને કહ્યું છે, તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળ, કર્મ ને માયા થકી રહિત છે તેમ જ ભગવાનના ભક્ત પણ કાળ, કર્મ ને માયા થકી રહિત થાય છે ને અખંડ ભગવાનની સેવાને વિષે રહે છે; એવી દેહ મૂક્યા કેડ્યે પ્રાપ્તિ થાય છે. એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

78. ગઢડા મધ્ય ૬૭ ( para.2)

તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે, ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે, જેણે કરીને સ્વામી-સેવકપણાનો નાતો રહે છે ? કેમ જે, એ ભગવાનનો ભક્ત છે, તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે, તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે, જેણે કરીને સ્વામી-સેવકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે સંતે કહ્યું જે, “હે મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય જે, ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખસ્વરૂપ છે; એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થી અને ભગવાનનું સુંદરપણું ઈત્યાદિક જે પ્રતાપ, તે એ ભક્તને ભગવાનને વિષે અતિશય જણાય છે; ત્યારે એ ભક્ત એમ જાણે છે જે, ‘મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે, તો પણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય-અપાર દેખાય છે.’ માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે જે, ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થી તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ; એ પામતા નથી અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપાર છે. અને એ ભગવાનને ભજીને અનંતકોટિ વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે જે, તે સમુદ્ર તો અગાધ છે, તેમ જ ભગવાનનો મહિમા પણ અતિશય-અપાર છે; માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દૃઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, તો પણ સ્વામી-સેવકપણું રહે છે; એ જ એ પ્રશ્નનો ઉત્તર છે.”

79. વરતાલ ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો,” પછી ગામ બૂવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યુ જે, “હે મહારાજ! ભગવાન શે પ્રકારે રાજી થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય ત્યારે કહેશો જે, દ્રોહ તે શું ? તો જે, આ સર્વ જગતના કર્તાહર્તા ભગવાન છે, તેને કર્તાહર્તા ન સમજીએ ને વિશ્વના કર્તાહર્તા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ; એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે, ભગવાન સર્વના કર્તાહર્તા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતનાં કર્તાહર્તા કહે છે. માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે, તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મેલે જે, ‘અમારો રાજા છે તે નાક-કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે.’ એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય, તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કર-ચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશમાત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે; તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કર્તા કહેવા, એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી, અને તે વિના તો ચંદન-પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કર્તાહર્તા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે.

80. વરતાલ ૩ ( para.5)

ત્યારે બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષની સેવા થકી આવે છે. તે મોટાપુરુષ પણ ચાર પ્રકારના છે. એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા; તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય. ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય. ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય. અને વડવાનળ અગ્નિ જેવા હોય, તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી અને સમુદ્રના જળને પીને મૂળદ્વારે કાઢી નાખે છે તે પાણી મીઠું થાય છે, તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટાપુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે એ ચાર પ્રકારના જે મોટાપુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટાપુરુષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું.”

81. વરતાલ ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાંકડા વાંકડા પ્રશ્ન કરો જે, જેણે કરીને સૌની આળસ ઊડી જાય.” એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।” એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, ‘જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા, તેને તરે છે.’ ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ પોઢ્યા હતા, તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે, “ માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે; અને રજોગુણના દશ ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ છે, અને સત્ત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ ત્રણ ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વ હતા. માટે એનો એમ ઉત્તર છે જે, પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે, ‘એ ભગવાનના સ્વરૂપને વિષે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે.’ એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા; તે પોતપોતાની ક્રિયાને વિષે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિષે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રીવાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે, માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વસિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ; એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે, તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ? ને માયાને તર્યા ન કહેવાય ? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ, તો એ પ્રશ્નનું સમાધાન થાય નહિ, માટે એ જ ઉત્તર છે.”

82. વરતાલ ૬ ( para.2)

પછી ચીમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે લીન હતા, પછી સૃષ્ટિસમયને વિષે એ જીવોને સ્થૂળ, સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિકરૂપ જે વિચિત્રપણું થયું, તે કર્મે કરીને થયું ? અથવા ભગવાનની ઈચ્છાએ કરીને થયું ? અને જો કર્મે કરીને થયું, એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું, એમ કહીએ તો ભગવાનને વિષે વિષમપણું ને નિર્દયપણું આવે; માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન તમને પૂછતા આવડયો નહિ. કેમજે, જે કારણ શરીર છે તેને વિષે સ્થૂળ, સૂક્ષ્મ એ જે બે દેહ, તે બીજવૃક્ષન્યાયે કરીને રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને ફોતરાને નિત્ય સંબંધ છે અને ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે અને જેમ પૃથ્વીને વિષે બીજ રહ્યાં છે. તે વર્ષાકાળે જળના યોગને પામીને ઊગી નીસરે છે, તેમ માયાને વિષે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ, તે ઉત્પત્તિકાળને વિષે ફળપ્રદાતા એવા જે પરમેશ્વર, તેની દૃષ્ટિને પામીને પોતપોતાનાં કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કર્તા કહે છે, પણ પરમેશ્વરને કર્મફળપ્રદાતા નથી કહેતા. તે નાસ્તિકનો મત ખોટો છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહિ, એ તો જે સમે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ. કેમ જે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ, તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પમાત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા અને જેટલાં મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ, જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગસંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સત્યયુગ, ત્રેતાયુગની રીત તે સર્વે સત્યયુગ, ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે, ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે. અને જ્યારે અતિશય દુર્ભિક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એકકાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું ? એ તો અશુભ કાળની જ અતિશય સામર્થી છે, તેણે જીવના શુભ કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહિ, કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે, એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે, ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે. એ ઠેકાણે એકાંતિક ભક્તના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય. તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વકર્તા કહે છે, પણ એમ નથી જાણતા જે, એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી. અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રકટ થાય છે જે, ‘આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય, તે સર્વનું કલ્યાણ કરવું છે.’ ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહિ, ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના, તેણે ભગવાનને ઝેર પાયું. તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશય કહ્યું છે પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું.”

83. વરતાલ ૭ ( para.3)

પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનનું અન્વયપણું કેમ છે અને વ્યતિરેકપણું કેમ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે જે, ભગવાન અર્ધાક માયાને વિષે અન્વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિષે વ્યતિરેક રહ્યા છે, એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે, માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે, પણ ભગવાનને એમ બીક નથી જે, ‘રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં !’ ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે અને ચોવિશ તત્ત્વને વિષે આવે તો ચોવિશ તત્ત્વ પણ બ્રહ્મરૂપ થઇ જાય છે. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।’ ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે. પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષનાં ડાળ, પાનડાં, ફૂલ, ફળ એ સર્વેને વિષે આકાશ અન્વય થયો, પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહિ, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહિ. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે, એમ ભગવાનના સ્વરૂપનું અન્વય વ્યતિરેકપણું છે.”

84. વરતાલ ૧૫ ( para.2)

તે સમામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! દૈવી ને આસુરી; એ બે પ્રકારના જીવ છે. તે અનાદિ કાળના છે કે કોઈક યોગે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિષે લીન થયા હતા; પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઊપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુરભાવને વિષે ને દૈવીભાવને વિષે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા. તેણે સત્પુરુષ એવા જે સનકાદિક, તેનો દ્રોહ કર્યો ત્યારે અસુરભાવને પામી ગયા અને પ્રહ્લાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો, તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે; પણ બીજું દૈવી-આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.”

85. વરતાલ ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે, તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે, ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ; તે કેવી રીતે ? તો ઉદ્ધવ તે રામાનંદસ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં. તે શાસ્ત્રના નામ- ૧. વેદ, ૨. વ્યાસસૂત્ર, ૩. શ્રીમદ્‌ભાગવત પુરાણ, ૪. મહાભારતને વિષે વિષ્ણુસહસ્ત્રનામ, ૫. ભગવદ્‌ગીતા, ૬. વિદુરનીતિ, ૭. સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું વાસુદેવમાહાત્મ્ય, અને ૮. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ. એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા, અને સ્થાનક, સેવક ને કાર્ય; તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે ? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર છે, ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ, તેમણે સેવ્યા છે, ને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેના કર્તા છે ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, ને સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે; ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન; એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્યૂહ; એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર, તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર; એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું.૧

86. અમદાવાદ ૨ ( para.4)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિષે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો; તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે ?” પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે, નિત્ય પ્રલય જે સુષુપ્તિ, ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ, ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય, તેમાં તો પ્રકૃતિ પર્યન્ત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે. અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે, અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેને પોતપોતાની ઉપાધિ વળગે છે. અને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો, તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને જો એ કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે, પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો. માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે.”

87. અમદાવાદ ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય, અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે, અને બીજા સર્વે મૂળ ઊખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે, એ જ એને જન્મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મમરણના હેતુ નથી ? એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય, તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી, ઘોડા, વૃક્ષ સર્વે તણાઈ જાય, પણ કોઈ ઠરી શકે નહિ, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય, પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિષે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિશરી જાય છે, તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જે આ સંસારને વિષે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય. ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય, ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને માર્યે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહિ, અને એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય, પણ પંચવિષયમાં એકે સુખ આવે નહિ. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમદશાને પામ્યો છે તેને પંચવિષય કેમ બાધ કરે ? ન જ કરે. માટે જે ઉપશમદશાને પામ્યો તેને પંચવિષય જન્મ મરણના હેતુ થતા નથી.”

88. ગઢડા અંત્ય ૧૦ ( para.3)

એવી રીતના જે શ્રીજીમહારાજના વચન, તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો જે, “હે મહારાજ! તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે, ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી અને મારા મનને તો તમારા સ્વરૂપની દ્રઢ પ્રતીતિ આવી છે જે, ‘તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો.’ માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ; એ સર્વ શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે; જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર; એ સર્વે અનાદિ છે. અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ છે અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે. તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંઘાથે સંબંધ થાય છે ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે સર્વે ઉગી આવે છે, તેમ માયામાંથી અનાદિ કાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થતા. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે ને તે માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે. પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી. એ તો અનાદિ જીવ જ છે, તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ-સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે.” એવી રીતના જે શ્રીજીમહારાજના વચન, તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો સમાશ્રય કરતો હવો અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હવો.

89. ગઢડા અંત્ય ૧૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અમારે ભગવાનને વિષે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ જે, અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત્ વિપત્ આવે તેમાં એમ રહે છે જે, એક તો ભગવાનની અતિશય મોટ્યપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી, તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે, ‘આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોટાડ્યું છે.’ અને ભગવાન સંઘાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે, તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે, એવી રીતનો દ્રઢાવ છે. તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે, ‘શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહિ. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. ને એમ જાણીએ છીએ જે, ‘એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારુ.’ એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે, ‘મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહિ.’ એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાનનાં જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ. એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંઘાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ, તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટિ ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંઘાથે અમારે બને નહિ. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વહાલું રાખ્યું નથી; માટે શા સારુ ભગવાનમાં પ્રીતિ નહિ રહે ? અને ભગવાનનાં કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે, ‘જાણીએ, દીવાના થઈ જવાશે.’ અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર રાખીએ છીએ.

90. ગઢડા અંત્ય ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે, તે આ સત્સંગને વિષે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ. અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે, જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ જે, ‘હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી.’ અને દેહના સંબંધી છે તે તો ચોરાશી લાખ જાતની હારે ગણ્યા જોઈએ, અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું માહાત્મ્ય સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનું હરિભક્તપણાનું માહાત્મ્ય સમજે, પછી ભગવાન અને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાય જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે, તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા-ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિષે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય, તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવાચાકરીરૂપ સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય, તો પણ તેમાં તે પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે જે, પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમ જ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે. એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યા- માયારૂપ થયું. એવી રીતે જે જે ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંતમંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જે, જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે, તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે, તો તેણે પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજ્યો.”

91. ગઢડા અંત્ય ૨૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને ને શુકમુનિને પ્રશ્ન-ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે. અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મના સ્થાપન કરવાને અર્થે થાય છે; પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી ક્યે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે ? એ પ્રશ્ન છે.” પછી ગોપાળાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, તે જે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિના અંગરૂપ થઈ જાય પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહિ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ અતિશય હસતા હવા અને એમ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે. માટે લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે૧, એ ધર્મ તો બે પ્રકારનો છે : એક નિવૃત્તિધર્મ છે ને બીજો પ્રવૃત્તિધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનનાં સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહ્લાદ, અંબરીષ એ આદિક જે ભક્તજન તેનો છે; અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે ને તે ધર્મ અને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મસ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે, તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ ને ભક્તિ એનું તો એકસરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એકસરખી જ છે. એવી રીતે ભક્તિની ને ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દૂબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે.”

92. ગઢડા અંત્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ; ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે; ને પંચ વર્તમાનમાં દૃઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.”

93. ગઢડા અંત્ય ૩૨ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો જે સાચો ભક્ત હોય તેને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીત છે ? તો ‘જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેને વિષે સદા સાકારમૂર્તિ થકા વિરાજમાન છે, ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અલૌકિક દિવ્ય સુખમયમૂર્તિ છે ને માયાના ગુણથકી રહિત છે.’ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે, ‘એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઈત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે.’ એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મમર્યાદા તેને વિષે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મમર્યાદાનો ક્યારેય લોપ ન કરે. અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે ? તો ‘એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે. તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે’. એવી રીતે માહાત્મ્યનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.”

94. ગઢડા અંત્ય ૩૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદરૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જે તે, તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે. ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન; તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

95. ગઢડા અંત્ય ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી જે, “ભગવાનની માયા તે કઈ છે ? તો ‘દેહને વિષે અહંબુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિષે મમત્વબુદ્ધિ’ એ જ માયા છે, તે એ માયાને ટાળવી. અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને ‘એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી’ એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહ્લાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે, ‘અહં મમત્વરૂપ માયા થકી રક્ષા કરજ્યો અને તમારે વિષે પ્રીતિ થજ્યો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજ્યો અને એ સાધુને વિષે હેત ને મમત્વ થજ્યો.’ માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ, મનન, નિદિધ્યાસ કરવો.

(કુલ: 244)