મુક્ત

મુક્ત

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "મુક્ત" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે.”

2. ગઢડા પ્રથમ ૧૧ ( para.3)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.”

3. ગઢડા પ્રથમ ૧૨ ( para.3)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એમના સ્વરૂપ તો એમના લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે, પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતીય ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયંજ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકારમાત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જડચિદાત્મક છે ને નિત્ય છે ને નિર્વિશેષ અને મહદાદિક સમગ્ર તત્ત્વ અને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે. અને ગુણસામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ.

4. ગઢડા પ્રથમ ૧૨ ( para.9)

ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “તે ભગવાનનું ધામ કેવું છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જેમ પર્વત-વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય, પશુ, પક્ષ્યાદિકની જે આકૃતિ, તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી, તે કાચની હોય અને આકાશને વિષે જે સમગ્ર તારા, તે સર્વ સૂર્ય હોય, પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે; એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિષે દેખે છે અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે.”

5. ગઢડા પ્રથમ ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એક હરિજન છે તે સંસારને તજીને નીસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્યાગી ભક્ત છે; અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે. અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે ?” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નીસર્યો છે, તે કેવી રીતે શ્રેષ્ઠ છે ? અને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે, તે કેવી રીતે ન્યૂન છે ?” પછી શ્રીજીમહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહિ. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! તમે ઉત્તર કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતિવાળો હોય, તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગૃહસ્થ ઘણો સારો; કેમ જે, ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે, ત્યારે તે એમ વિચાર રાખે જે, ‘રખે મારે આમાંથી બંધન થાય !’ એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જે, ‘જેણે સંસાર મુક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહિ’. અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, જો ગૃહસ્થના ધર્મ સચવાય તો; પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે. અને અનંત પ્રકારના સુખ-દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડુંઅવળું ડોલવા દે નહિ, અને એમ સમજે જે, ‘સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ મળ્યો છે; અને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વ સ્વપ્નતુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે.’ એમ સમજે; અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે.” એમ કહીને તે ઉપર શ્રીજીમહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યાં.

6. ગઢડા પ્રથમ ૧૪ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રુતિમાં એમ કહ્યું છે જે, ‘अन्ते या मतिः सा गतिः’ એવી રીતે કહ્યું છે જે, ‘અંતકાળે ભગવાનને વિષે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય;’ એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહિ, તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે, અને ભગવાનનો ભક્ત હોય અને તેનું અકાળ મૃત્યુ થયું તે માટે શું તેનું અકલ્યાણ થાશે ? અને તે પાપીનું શું કલ્યાણ થાશે ? નહિ જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો જે, ‘જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે.’ માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે, ‘મારું કલ્યાણ તો થઈ રહ્યું છે’, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે, ‘હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહિ થાય’, તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એનાં દર્શન કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું ? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે; કેમ જે, ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે, ‘દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાનાં જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહિ, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહિ; એવો હોય તે હરિનો દાસ કહેવાય.’ ને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય.”

7. ગઢડા પ્રથમ ૧૭ ( para.2)

તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, “આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે, ‘વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે.’ તે કેવી રીતે વાત કરે છે ? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે; અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઈત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્ય રહિત વાત કરશો નહિ, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્ય રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો.”

8. ગઢડા પ્રથમ ૧૮ ( para.2)

પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે, “એક વાત કહું તે સાંભળો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ અને ભારતાદિક ઇતિહાસ; તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહિ. તે વાત કહીએ તે સાંભળો જે, ‘બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય, તો તેનો અમારે ખરખરો નહિ, અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય, તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય;’ એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે, ‘ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ?’ પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે જે, ‘ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી.’ એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાનઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન- ભોજન પ્રત્યે જુદા-જુદા સ્વાદ છે અને જુદા-જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહિ. તેમજ એ જીવ શ્રોત્રદ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા-જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે; જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે; માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા-જુદા અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ-દારૂના જેવો છે; માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુધબુધને ભુલાડી દે છે. તેમ જ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા-જુદા છે; તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે; તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે; તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય; અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા; તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે, તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી રાખી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી; અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ જ તે મોટાપુરુષને ચઢ્યું એવું જે પુષ્પ, ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર-અસારનો વિભાગ નહિ કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાશે અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે. અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે, અને જો પંચઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી.

9. ગઢડા પ્રથમ ૧૮ ( para.3)

અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીને વિષે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાનાં કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થેઈથેઈકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતાં હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સહવર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુવે તો જાણ્યામાં આવે છે અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહિ. અને સત્સંગ થયા મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભૂંડું થાય. જેમ, ‘જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, ને તેનો લોભ કરે તો ઝાઝો બગાડ થાય.’ તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો; અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાં જે, તમે અમારો દાખડો સફળ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું. અને જો એમ નહિ રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો, અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઈક કાળે પ્રગટ થાશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો.

10. ગઢડા પ્રથમ ૧૮ ( para.4)

અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થાશે; કાં જે, અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુક્ત૧ જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું; જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું, તે તો નારદ-સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહિ તો બીજાની શી વાર્તા કહેવી ? અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે, તેમાં ઉપાધિમાં૨ રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહિ અને હમણાં પણ કોઈયે નથી અને કોટિ કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારુ બોલાવીએ છીએ અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ અથવા કોઈ સારાં ભોજન કરાવે છે તેને જમીએ છીએ અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્ત્ર-આભૂષણ તથા પુષ્પના હાર ઈત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી; અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રીરામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો મા, અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો, એ વચન અમારું જરૂરા-જરૂર માનજ્યો. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે માટે સર્વના સમજ્યામાં તુરત આવી જાશે, તે સારુ સત્સંગમાં અતિશય પ્રવર્તાવજ્યો, તેમાં અમારો ઘણો રાજીપો છે.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા.

11. ગઢડા પ્રથમ ૨૧ ( para.3)

અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમનારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.’ એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા.”

12. ગઢડા પ્રથમ ૨૯ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે, તે એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું ? કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું ? કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ને કરીને થયું ?’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૂર્વને સંસ્કારે કરીને જે સારુ અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે, જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ, એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે, ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું.” પછી શ્રીજીમહારાજે પોતાની વાત કરી જે, “અમે જે જે સાધન કર્યા હતા તેને વિષે કોઈ રીતે દેહ રહેજ નહિ ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું ? તો અમે શ્રીપુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણ-ચાર ગાઉના પહોળા પટવાળી એક નદી હતી તેને વિષે એકવાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિષે છાયા વિના એક કૌપીનભર રહેતા તથા ઝાડીને વિષે વાઘ, હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા, એવા એવા અનંત વિકટ ઠેકાણાં તેને વિષે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહિ, ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. અને જેમ સાંદીપનિ નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ. એવી રીતે અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષપ્રયત્ન કહીએ.” એમ વાત કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા.

13. ગઢડા પ્રથમ ૩૧ ( para.2)

તે સમે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુઃખવે નહિ અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન, વસ્ત્ર, પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુઃખવાય ખરું; એવી રીતના બે ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે ?” પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો નહિ અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું જે, “એનો ઉત્તર તમે કરો.” ત્યારે એ બે જણે ઉત્તર કર્યો જે, “વચને કરીને કોઈને દુઃખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે અને નિવૃત્તિને વિષે રહે છે ને કોઈને દુઃખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે.”

14. ગઢડા પ્રથમ ૩૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એક પ્રશ્ન કરીએ.” ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! પૂછો” પછી શ્રીજીમહારાજ ઘણીકવાર સુધી વિચારીને બોલ્યા જે, “આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચવિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચવિષય છે તેમ હરિજનને પણ પંચવિષય છે પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે ? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે અને ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનનાં અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યાં એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી અને નારદ-સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી, તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મુકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે પણ પોતપોતાનાં સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતાં નથી, તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન શ્રવણાદિક એવો જે ચારો, તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ, પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ-વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વ દ્રષ્ટાંત-સિદ્ધાંત કહ્યા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહિ ?’ અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો ? કે બીજે જ્યાં-ત્યાં વિરામ કરો છો ? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહિ અને જેનું-તેનું ખેતર ખાઈને જ્યાં- ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો ? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં-ત્યાં બેસીને વિરામ કરો છો ?’ એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો ?” પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા જે, “હે મહારાજ ! ભગવાનની કથા કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી.” તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા.

15. ગઢડા પ્રથમ ૩૨ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે તો પ્રશ્ન-ઉત્તર કરો.” પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કોઈ સમે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન - સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઈ સમે તો અંતર ડોળાઈ જાય છે ને ભજન - સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કેવી રીતે યુક્તિ જાણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “યુક્તિ તો એમ છે જે, અંતઃકરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય, ને ઘાટ-સંકલ્પ ઘણા થાય ને ભજન - સ્મરણ સુખે થાય નહિ, અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા. અને જે સમે સત્વગુણ વર્તતો હોય તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય, માટે તે સમે ભગવાનનું ધ્યાન કરવું નહિ. અને તે સમે તો એમ જાણવું જે, ‘હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિષે અંતર્યામીરૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે.’ અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મુંઝાવું નહિ; કેમ જે, અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું૨ છે, અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહિ ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહિ ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું.”

16. ગઢડા પ્રથમ ૩૩ ( para.2)

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય ? તે એવો એક ઉપાય કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહિ. તે આશરામાં ત્રણ ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહિ. અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે, તેની રીતને સમજતો હોય. અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે, તથા પુરુષ પ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટ પુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય; એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહિ, ને પોતાનો પણ ટાળ્યો ટળે નહિ અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહિ.”

17. ગઢડા પ્રથમ ૩૩ ( para.3)

એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કહો તો તમને એક પ્રશ્ન પૂછું ?” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “પૂછો મહારાજ !” પછી એમ પૂછ્યું જે, “અમે કહ્યા જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે ? અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય, તો મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે ?” પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “અમારે તો સમજણનું અંગ છે.” અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યા.

18. ગઢડા પ્રથમ ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખીને પ્રશ્ન-ઉત્તર કરો.” પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માયિક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે, તેનું શું કારણ છે ?” પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ. અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે, એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહજે જ હેત થાય છે. તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે, માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે અને જો માયિક પદાર્થને વિષે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે, તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોટી જાય તે સારુ પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહિ.”

19. ગઢડા પ્રથમ ૩૪ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો તે પ્રશ્ન કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી, તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે ? એ પ્રશ્ન છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર અમે કરીએ જે, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો-અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને કલેશ થાય છે; માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુસમે સ્ત્રીનો સંગ કરવો. એ આદિક જે જે ત્યાગીને અને ગૃહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરી થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.”

20. ગઢડા પ્રથમ ૩૫ ( para.3)

ત્યારે મુક્તાનંદસ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય ?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહિ.”

21. ગઢડા પ્રથમ ૩૫ ( para.4)

ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચારવાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહિ, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહિ અને એ ચારવાનાં માંહેલું એકે જો રાખે તો જેમ જય-વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠલોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય, અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે.”

22. ગઢડા પ્રથમ ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે, “તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી; માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો, પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ અને જો વ્યાસજીને વચને કરીને કરશો, તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે.” પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુક્તિયો લાવીને ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી, માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએે છીએ જે, એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના બે ભેદ છે. જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે, તે મેરુ થકી ઓરાં જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત-વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક્-પૃથક્પણે દેખે છે; તેમ સવિકલ્પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક્-પૃથક્પણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ, તે જે તે, તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વીરૂપે જ દેખે છે પણ પૃથક્ પૃથક્પણે નથી દેખતા; તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે મહા મુક્ત તે જે તે જીવ, ઈશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે પણ પૃથક્પણે નથી દેખતા, એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે; તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે અને સવિકલ્પ સ્થિતિવાળાનાં વચન વેદ, શાસ્ત્ર, પુરાણાદિકમાં આવે છે, તે એ સર્વેને સત્ય કહે છે; અને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં જે વચન, તે એ સર્વેને અસત્ય કહે છે, પણ કાંઈ એ સર્વે અસત્ય નથી, એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતા નથી, માટે અસત્ય કહે છે. અને વળી, જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ-દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહિ, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચનમાત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય, તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે.” એમ કહીને બોલ્યા જે, “આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો ?” ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો જે, “હે મહારાજ ! હે પ્રભો ! હે સ્વામિન્! તમે તો પરમેશ્વર છો અને જગતના ક્લ્યાણને અર્થે પ્રગટ થયા છો, તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે; એમાં આશંકાનો માગ નથી.” એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો આશ્રિત થયો.

23. ગઢડા પ્રથમ ૪૦ ( para.2)

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, ‘હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાઉં;’ એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.”

24. ગઢડા પ્રથમ ૪૦ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે

25. ગઢડા પ્રથમ ૪૩ ( para.2)

તે સમે શ્રીજીમહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દૃષ્ટિએ કરીને સર્વે સામું જોઈને બોલ્યા જે, “સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ જે, શ્રીમદ્‌ભાગવત પુરાણમાં કહ્યું છે જે, ‘જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા,’ અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા.’ તે ચાર પ્રકારની મુક્તિ તે શું ? તો (૧) એક તો ભગવાનના લોકમાં રહેવું અને (૨) બીજું ભગવાનને સમીપે રહેવું અને (૩) ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને (૪) ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું; એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે, તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારુ નથી ઈચ્છતો ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો.” પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે

26. ગઢડા પ્રથમ ૪૩ ( para.7)

એનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહિ ને એક સેવાને જ ઈચ્છે છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાનાં ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે, ‘अथ विभूतिं मम मायाविनस्तामैश्वर्यमष्टाङ्गमनुप्रवृत्तम् ।

27. ગઢડા પ્રથમ ૪૭ ( para.4)

પછી મુક્તાનંદસ્વામીએ પૂછ્યું જે, “એ ચાર નિષ્ઠાવાળાને વિષે કોઈ અધિક-ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિષે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તે સર્વ થકી અધિક છે અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ.”

28. ગઢડા પ્રથમ ૫૨ ( para.2)

પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર; એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે, તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવિશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ, ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળા જ ગણે છે અને જીવ, ઈશ્વરે સહિત એવા જે ચોવિશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવિશમા જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવીશમા કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ, ઈશ્વરને પંચવિશમા કહે છે ને ચોવિશ તત્ત્વને પૃથક્ કહે છે, ને એ તત્ત્વથી પોતાના આત્માને પૃથક્ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, ‘એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન; એ ચતુર્વ્યૂહરૂપે થાય છે ને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે, તેનું કલ્યાણ થાય છે.’ એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે જે, ‘સાંખ્ય શાસ્ત્રમાં જીવ-ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવિશમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય.’ અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિછિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે.’ અને જો એક વેદાંતશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે.’ અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે, ‘જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય.’ માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે, માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણેને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને ચારેને મૂકીને જે પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે.”

29. ગઢડા પ્રથમ ૫૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પ્રશ્ન પૂછો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને જો અવગુણ લે નહિ, તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે.”

30. ગઢડા પ્રથમ ૫૪ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! શ્રીમદ્‌ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય ? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે, તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે “प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः । स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम्।।” જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”

31. ગઢડા પ્રથમ ૫૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જીવને ભજન-સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે દ્રઢાવ પણ ત્રણ પ્રકારનો છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કહેવી ? અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમ ને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે. ને ભારે પુણ્ય છે અને દેશ, કાળ, ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે; કેમ જે, દેશ, કાળ, ક્રિયા અને સંગ રૂડા છે તો પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટાપુરુષની સેવામાં ખબડદાર થઈને રહે તો એનાં પાપ બળીને ભસ્મ થઈ જાય અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. અને મદિરાપાનની કરનારીયો જે પાતર્યો તેના ગળામાં હાથ નાંખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે, ‘મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહિ?,’ તેને તો મહામૂર્ખ જાણવો.”

32. ગઢડા પ્રથમ ૫૬ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાયે કરીને ટાળવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મબુદ્ધિને જ દ્રઢ કરાવે, માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહિ, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુવે તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે; માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહિ. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય, તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણે ઓછાં થતા જાય છે,

33. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

34. ગઢડા પ્રથમ ૫૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! મોક્ષનું અસાધારણ કારણ તે શું છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે.”

35. ગઢડા પ્રથમ ૫૭ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનને વિષે જે સ્નેહ તેનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્નેહનું રૂપ તો એ છે જે, સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ. અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ ત્રુટી જાય, માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્થાપન-ઉત્થાપન કરવું નહિ, ને મૂઢપણે ભગવાનને વિષે હેત કરવું. અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ, માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિષે હેત કરવું અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ અને ભગવાનનું માહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ૧ રીતનું છે એમ જાણવું.”

36. ગઢડા પ્રથમ ૫૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યારે ભજન-સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ, તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, તે એ ગુણના વેગ કેમ ટળે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા-અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ, તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે.”

37. ગઢડા પ્રથમ ૫૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, ‘આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે,’ તથા આસ્તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે, ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવિશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહિ, એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તે જ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે.”

38. ગઢડા પ્રથમ ૫૯ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિષે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી, ‘જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જણાવ્યા વિના જણાણું નહિ.’ અને ‘જેમ પ્રલંબાસુર બલદેવજીને લઈને ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું.’ તેવી રીતે એ ભક્તને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી.”

39. ગઢડા પ્રથમ ૫૯ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે.”

40. ગઢડા પ્રથમ ૫૯ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દેશ, કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વે ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય, તે સર્વે સારાં થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય, તેને યોગે કરીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવા જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ-અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે.”

41. ગઢડા પ્રથમ ૬૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે, “વાસના ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ‘ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ?’ એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચાર કરે જે, ‘ભગવાનને ભજતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઈન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટિ ગણાં વધુ સુખ છે.’ એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એને એમ જણાય છે જે, ‘મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું; પણ હું તો સદા વાસનાએ રહિત છું’, એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.”

42. ગઢડા પ્રથમ ૬૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું.’ એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહિ અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ.”

43. ગઢડા પ્રથમ ૬૧ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, ‘એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે ?’ એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુવે છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. “જેમ વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકના બે પગલા કર્યા અને ત્રીજા પગલા સારુ તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તો ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તો પણ ભક્તિ થકી પડ્યો નહિ. ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થતા નથી.” એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું, અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે. શા માટે જે પોતે, ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે. તે જેની પોતાને વિષે અતિદ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ‘ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહિ રહે.’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહિ.”

44. ગઢડા પ્રથમ ૬૩ ( para.4)

એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “તત્ત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્ત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે, પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. ‘જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલિયો હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીયો રહેવાની હોય અને બાગબગીચા ને ઘોડા, વેલ્યો, ઘરેણાં; એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય, ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય.’ તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી, તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટપુરુષ તેમના વૈભવનો પાર તો ક્યાંથી પમાય ? અને એવા અનંતકોટિ જે વિરાટપુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિષે એવા અનંતકોટિ બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઊડતાં ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે, અને તે ધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્યરૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટ્યનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટ્યપ સમજે. અને જે થકી જે મોટો હોય તે થકી તે સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય. ‘જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે. અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે.’ એવી રીતે અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ અને અક્ષર એ સર્વે એક બીજાથી મોટા છે અને એક બીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે, પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે; જેના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં જ ફરે છે. ‘જેમ કોઈ મોટો હસ્તી હોય, તેના શરીર ઉપર કીડી ચાલી જાતી હોય તે કશી ગણતીમાં આવે નહિ’, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. ‘જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્યે સમળા હોય તે મોટા દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડા ને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે.’ એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અને અહંકારનું કારણ મહત્તત્ત્વ છે, મહત્તત્ત્વનું કારણ પ્રધાન અને પુરુષ છે અને પ્રધાન અને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે અને એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચ અને વિકાસ અવસ્થા થાતી નથી, સદાય એકરૂપ રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. ‘જેમ ચોવિશ તત્ત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટપુરુષ જે તે કર-ચરણાદિકે કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે નજરે આવતી નથી. અને તેની નાભિમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા સો વર્ષ લગી ચાલ્યા; પણ તેનો અંત ન આવ્યો અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટપુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી.’ તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહિ, તે શા માટે જે, એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઊડતાં જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે. અને તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંતકોટિ મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે. અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય ! એવા અતિ સમર્થ જે ભગવાન, તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે ચોવિશ તત્ત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વે કરીને સરજાણા જે વિરાટપુરુષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે.

45. ગઢડા પ્રથમ ૬૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે. અને એમ જાણે છે જે, ‘ભગવાનને તો આકાર નથી.’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્દ ? તો જે, ‘ભગવાન અરૂપ છે, જ્યોતિઃસ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે.’ એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે; અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે, તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે.’ અને તેજના પુંજરૂપ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, ‘અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે,’ તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રકટ થાય છે, તે જળ દેખાય છે ને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મસત્તારૂપ જે, કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે અને શાસ્ત્રમાં એવા વચન હોય જે, ‘જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે.’ એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે ને ભગવાનને અરૂપ સમજે છે પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેને વિષે રથને હાંકીને અને તેજઃપુંજને વિષે પ્રવેશ કરીને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણભગવાન દિવ્યમૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય ને માયા પરજે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા, એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે; અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે, અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.”

46. ગઢડા પ્રથમ ૬૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારુ છે.’ અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહિ. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ન આવે ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે, તેને વિષે દેવની૨ બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે, તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે.”

47. ગઢડા પ્રથમ ૬૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી, કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે, એ માંયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ, સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહિ. અને એ નાસ્તિકપણું મટે ક્યારે ? તો જ્યારે શ્રીમદ્‌ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે.”

48. ગઢડા પ્રથમ ૭૧ ( para.1)

સંવત્ ૧૮૭૬ના ચૈત્ર વદિ ૪ ચતુર્થીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા.

49. ગઢડા પ્રથમ ૭૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે. તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામ કૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઈત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.”

50. ગઢડા પ્રથમ ૭૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્‌ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

51. ગઢડા પ્રથમ ૭૨ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કાલ્યને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલપાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, ‘જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ.’ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબ માત્રને લેશમાત્ર દુઃખવવો નહિ અને જો ગરીબને દુઃખવે તો તેનું કોઈ પ્રકારે સારુ થાય નહિ અને જો ગરીબને દુઃખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમ જ કોઈકને માથે જુઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે; અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહિ અને તેમ જ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કઈ ? તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત-ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી, એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી.”

52. ગઢડા પ્રથમ ૭૩ ( para.1)

*સંવત્ ૧૮૭૬ના ચૈત્ર વદિ અમાસને દિવસ રાત્રિના સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સાધુ ચાર તથા પચાસને આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

53. ગઢડા પ્રથમ ૭૩ ( para.8)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેણે મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમે જો પોતે ન હોય તો તેની અતિશય પોતાના હૈયામાં દાઝ થાય; અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનનાં દર્શન કરે તેને વિષે અધિક અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હઠે નહિ. અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય ત્યારે જેણે મન અર્પ્યું હોય તેના મનમાં એમ થાય જે, ‘જો મને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મૂકે ત્યાં રાજી થકો જઉં.’ એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય તે તો હજાર ગાઉ ગયો હોય તોય અમારે પાસે છે અને જેણે એવી રીતે મન ન અર્પ્યું હોય અને તે અતિશય અમારે સમીપે રહેતો હોય તોય લાખો ગાઉ છેટે છે. અને જેણે અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે જે, ‘શું જાણીએ ? સવળું સમજશે કે અવળું સમજશે ? એવી રીતે મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય તેના લક્ષણ છે.”

54. ગઢડા પ્રથમ ૭૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહિ. અને ઝાઝી સંપત્ કે આપત્ આવે એની વાત શી કહેવી? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ-શોક જેવું થઈ આવે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આપણે તો શ્રીકૃષ્ણનારાયણના દાસ છીએ તે શ્રીકૃષ્ણનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું. અને એ શ્રીકૃષ્ણભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે અને એ ભગવાન આપણને હાથીએ બેસારે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસારે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું. અને એ ભગવાનના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ અને એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું, પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા એની ઈચ્છાએ કરીને સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષ-શોક મનમાં ધારવો નહિ, એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં, એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહિ.”

55. ગઢડા પ્રથમ ૭૮ ( para.26)

એવી રીતે સર્વ મુનિના પ્રશ્નોના ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ સર્વેને પૂછતા હવા જે, “કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યા હોય તે સર્વે કહો.” પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી તે તેવી રીતે બોલ્યા. તે મુનિના વચન સાંભળીને શ્રીજીમહારાજ અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી; એ ચાર જણાને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા જે, “જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ ચાર પણ છે; માટે એમનું કોઈને અપમાન કરવા દેશો મા.” એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા.

56. સારંગપુર ૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, ‘जितं जगत् केन मनो हि येन’ એ શ્લોકમાં એમ કહ્યું છે જે, જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહિ, ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહિ અને હૈયામાં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચવિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું.”

57. સારંગપુર ૧ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”

58. સારંગપુર ૨ ( para.4)

ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી જે, “હે મહારાજ! અમારે તો દેશદેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે, પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કયે દિવસે અમે આજ્ઞા આપી છે ?” એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા જે, “પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે ! તેવું ને તેવું અલૌકિકપણું તો, તો રહે જો, મને સહિત દૃષ્ટિ પરમેશ્વરમાં રાખે. એવી રીતે મનને ગુણે કરીને વર્તે, ત્યારે તે ભક્તની ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે. અને તે ભક્તને પણ ભગવાનને વિષે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે. અને વળી નેત્ર ને શ્રોત્ર; એ બેને તો વિશેષે કરીને નિયમમાં રાખવા. તે શા સારુ જે, જ્યાં ત્યાં ગ્રામ્યવાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારે તણાઈ જઈને સાંભળીએ, તો તે સર્વ ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભરી આવે છે, અને ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે જે રૂપ જોયું હોય, તે સર્વ ભજન કરતા સાંભરી આવે છે. તે સારુ એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો જે, ‘હે મૂર્ખ ! તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુવે છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે તેમાં તને શું પ્રાપ્ત થશે ? અને હજી તને સિદ્ધદશા તો આવી નથી જે, જેવું ચિંતવ્યું તેવું તને તત્કાળ મળે, શા સારુ જે હજી તો તું સાધક છું માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહિ, અને ઠાલાં વલખાં કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે ? અને કાંઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતાં ખાતાં અંત નહિ આવે.’ એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દેવો. અને વળી એમ કહેવું જે, ‘જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધદશાને પામીશ પછી તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ અને ભગવાનનું ભજન કરતા કરતા સિદ્ધદશાને દેહ છતે નહિ પામ્ય તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધદશા મળશે પણ સિદ્ધદશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહિ અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળી સાંભળીને મરી જઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે, પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહિ થાય.’ એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા અને એવી૩ રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે અને તે ભક્ત ઉપર પરમેશ્વરને ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે.”

59. સારંગપુર ૩ ( para.3)

ત્યારે સોમલે ખાચરે પૂછ્યું જે, “એવી રીતે જે પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય, તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની પૂજા-સેવાને વિષે તથા કથાવાર્તા, કીર્તનને વિષે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય ને એ બે વાનાં દિવસે દિવસે નવા ને નવા જ રહેતાં હોય, પણ ક્યારેય ગૌણ ન પડે. જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા ને ભગવાનનું માહાત્મ્ય હતું, તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી, એ બે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો. અને એવી રીતે માહાત્મ્ય ને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધા માહાત્મ્યે સહિત સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે.”

60. સારંગપુર ૫ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા તથા હરિ ને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે, તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ; એ ત્રણ દુબળાં હોય તો પણ મહા બળવાન થાય છે; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયામાં નથી, તો શમ દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે; તોય પણ નહિ જેવા જ છે. કેમ જે, અંતે નાશ પામી જશે માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે. તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”

61. સારંગપુર ૫ ( para.3)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે ? અને ઈશ્વર અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે ? અને અક્ષરબ્રહ્મ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે ? અને પુરુષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા ને વ્યતિરેકપણે કેમ જાણવા?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જન્મ મરણનું ભોક્તા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું; અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું અને વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે, એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું; અને પિંડ બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું. અને પ્રકૃતિપુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું; અને જે સ્વરૂપને વિષે પુરુષ પ્રકૃતિ આદ્યે કાંઈ ઉપાધિ રહેતી નથી, એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે, એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે, અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી, તેમ જ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત છે. એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે; અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય વ્યતિરેકપણું છે.”

62. સારંગપુર ૫ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનાં દર્શનનો જે મહિમા તથા ભગવાનનાં નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનનાં દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દૃષ્ટિ દ્વારે આવીને તે સહિત દૃષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે, વીસારે તોય પણ વીસરે નહિ. એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વીસરે નહિ. જેમ ગોપાંગનાઓનાં ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, ‘હે ભગવન્ ! જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે.’ એવી રીતે સર્વે જ્ઞાન ઇન્દ્રિયે કરીને મને સહવર્તમાન જે દર્શન, સ્પર્શ, શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વીસરી જતાં નથી, જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચજ્ઞાન ઇન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય, તે વીસારે તો પણ વીસરે નહિ. એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે; કાં જે, જે સમે એણે દર્શન કર્યા તે સમે એનું મન તો ક્યાંઈએ ફરતું હતું. માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વીસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા વર્ષમાં અથવા પાંચ વર્ષમાં જરૂર વીસરી જશે, પણ અંતે રહેશે નહિ. માટે જે માહાત્મ્ય જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન ઇન્દ્રિયે કરીને દર્શન સ્પર્શાદિક કરે છે, તેને જ તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે.”

63. સારંગપુર ૭ ( para.2)

અને શ્રીજીમહારાજે શ્રીમદ્‌ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, ‘જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.’ એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂંઠ્ઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બૂંઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે ક્યાંઈ પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહિ. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય, તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધિને માંહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નીસરે નહિ; અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે, પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહિ, તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે, ઇન્દ્રિયો તે બૂંઠ્ઠીયો થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહિ અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિયો પાછી હઠે, એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું.”

64. સારંગપુર ૯ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શુદ્ધ સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્યયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્ત્વ ને રજ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપરયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃત્તિ હોય, એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે.”

65. સારંગપુર ૯ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે જેવા પૂર્વકર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહિ. માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે, ‘હું તો આત્મા છું. તે મારે વિષે માયાકૃત ઉપાધિ હોય નહિ ને હું તો ગુણાતીત છું.’ અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે, અજામેલ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું, તે સર્વે પાપથી છૂટીને પરમપદને પામ્યો. તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું.’ એવી રીતે વિચારીને આનંદમાં રહેવું, પણ જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોત પોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂરણકામ માનવું.”

66. સારંગપુર ૯ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને તામસી કર્મ ઘણા હોય તેના હૈયામાં કળિયુગ વર્તે, તે કોઈ ઉપાયે ટળે કે ન ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિષે અતિશય શ્રદ્ધા હોય અને અતિદ્રઢ વિશ્વાસ હોય, તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય ને કળિયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે, માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહિ, ને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય.”

67. સારંગપુર ૧૦ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનનાં ધામ તેને બાહ્યદૃષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે અને આત્મદૃષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્યદૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે અને આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય જે, ‘મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે’ અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે, તો તે સંત થકી ભગવાન તથા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’ ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે અને જેને આવી સમજણ તો આવી શકે નહિ, ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહિ, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહિ, તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે.”

68. સારંગપુર ૧૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિષે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે “निरंजनः परमं साम्यमुपैति” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”

69. સારંગપુર ૧૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દેહની ને આત્માની નોખી વિક્તિ સમજાણી હોય તોય પણ તે વિક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેહ આત્માની વિક્તિ એકવાર ચોખી સમજાણી હોય તો પછી ભુલાય નહિ; અને એમ માને જે, ‘હું દેહ છું,’ તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહિ,’ અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહિ. અને એમ જણાય છે જે, આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે; એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે.”

70. સારંગપુર ૧૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય, તે તો કોઈ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય, તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો ? એ પ્રશ્નનો ઉત્તર કરો.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ ! એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. કાં જે, શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યા હોય અને સંતના પણ કહ્યા હોય, માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિ રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે, શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે, તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ. કાં જે, શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનનાં ચરિત્ર છે, માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બારણે હોય જ નહિ. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે અને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહિ.”

71. સારંગપુર ૧૪ ( para.2)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે; અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે ? એક તો બતાવો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારુ પાડ્યા જે, ‘સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે;’ અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠધામમાં પહોંચ્યા; માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું, અને પડ્યો તો તે કહેવાય જે; જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારુ ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે, ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે, તે તો યોગભ્રષ્ટ કહેવાય; પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી.”

72. સારંગપુર ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે; અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દૃષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય. અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય, ત્યાં દ્રષ્ટાંત છે- જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી, તથા મોટા મોટા મગરમત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે, પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી. અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે- જેમ આકાશ છે તેને વિષે મચ્છર ઊડે ને ચરકલું ઊડે ને સમળા ઊડે ને સીંચાણો પણ ઊડે ને અનળ પક્ષી પણ ઊડે ને ગરુડ પણ ઊડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિષે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિષે ન્યૂનપણું સમજતો જાય છે. તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટપુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાનપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સીંચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળપક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષર મુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થીને પામ્યા છે, તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે; અને જેમ જેમ વધુ સામર્થીને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિષે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવરૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા કરતા આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો. પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થી પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યન્ત આદ્ય, મધ્ય અને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું.” એમ કહીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને ઊઠ્યા. પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા થકા બોલ્યા જે, “જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે આહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂંકડો જાય ત્યારે તો દૃષ્ટિ પણ પહોંચી શકે નહિ, એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે, તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટ્યપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે.”

73. સારંગપુર ૧૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિષે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય, એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે; અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો કારણ એ છે જે, મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે, તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટાપુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે, મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટાપુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે;’ એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે, તો તે પુરુષની મલિનતા મટી જાય છે.”

74. સારંગપુર ૧૮ ( para.5)

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “રાજસી, તામસી ને સાત્ત્વિકી એ જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે.” પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દુર્વાસાદિક મુક્ત થયા છે, તો પણ તે તામસી કેમ રહ્યા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દુર્વાસાદિકમાં જે તમોગુણ આદિક ગુણ વર્તે છે, તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે. અને તે એમ જાણે છે જે, ‘કોઈક અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારુ આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે;’ એમ ગુણ જાણીને રાખ્યો છે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે જે, ‘હું ભગવાનનો ભક્ત છું, તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહિ.’ એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે.”

75. કારિયાણી ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ શુકમુનિ બહુ મોટા સાધુ છે. અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી; માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે, તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. કાં જે, કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, ‘આ તો બહુ મોટો સાધુ છે.’ અને કોઈક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે જે, ‘આ તો અસાધુ છે,’ પણ તે માંહિ તો મહાનિષ્કામી હોય. માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહિ, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઊઠતે જણાય, બેઠતે જણાય ઈત્યાદિક ક્રિયાને વિષે જણાય છે. અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે. પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા, કાં જે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે. અને જેને ખટકો હોય જે,’મને આ ઘાટ થયો તે ઠીક નહિ’ ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે નહિ ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય, તે યુવા અવસ્થામાં વધી જાય અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહિ. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય.” તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા જે, “સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહિ ને જિહ્વાનો સ્વાદિયો હોય નહિ ને શરીરને દમ્યા કરે. જુઓને, મને બાળપણમાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઊપજ્યો જે, ‘મારે મારા શરીરમાં માતાનો ભાગ જે, રુધિર ને માંસ તે રહેવા દેવું નથી; માટે ઘણેક પ્રયત્ને કરીને શરીર એવું સૂકવી નાખ્યું જે, ‘શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નીસરે, પણ રુધિર તો નીસરે જ નહિ’. એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય”.

76. કારિયાણી ૬ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાન પોતાનાં ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર; એટલાં વાનાંએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સર છે તે સર્વ વિકારમાત્રનો આધાર છે, માટે શ્રીવ્યાસજીએ શ્રીમદ્‌ભાગવતને વિષે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે, અને મત્સર ટળવો તે પણ ઘણો કઠણ છે.”

77. કારિયાણી ૬ ( para.6)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “મત્સર ઊપજ્યાનો શો હેતુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક સ્ત્રી, ધન અને સારુ સારુ ભોજન; એ ત્રણ મત્સરના હેતુ છે. અને જેને એ ત્રણ વાનાં ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે, પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે જે, ‘વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે જે, આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યાં અને મહારાજને પણ ધન્ય છે જે, તરત બ્રાહ્મણને દઈ દીધા,’ એવો જે વિચાર, તે મત્સરવાળાના હૃદયમાં ન આવે. અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષ્યા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે, પણ પંચવિષયમાંથી એકેને વિષે લેશમાત્ર ભાવ થતો નથી. અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું, પીવું, ઓઢવું, પહેરવું છે તે સર્વે સંત ને સત્સંગીને અર્થે છે, અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક જે હરિજન છે, તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે, ‘મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે.’ એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે તૃણખલા જેવી છે. ને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે, તેને પણ રમણીય જે પંચવિષય તેને વિષે તો આનંદ ઊપજે જ નહિ; અને દેહને રાખ્યા સારુ તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુજરાન કરે, પણ રમણીય વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય. અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય.”

78. કારિયાણી ૮ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિષે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે શ્રીપુરુષોત્તમ, તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું? અને સગુણ સ્વરૂપ તે કેવી રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે? અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિક જે સર્વે તત્ત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાનપુરુષ, તેનું આત્મા છે અને તે પ્રધાનપુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે, અને તેથી પર જે અક્ષર, તેનું પણ આત્મા છે. અને એ સર્વે ભગવાનનું શરીર છે. અને જેમ દેહથકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશે યુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચાર ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિક ચાર ભૂત થકી અસંગી છે અને એ ચાર ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી, આકાશ તો અતિશય નિર્લેપ થકો એ ચાર ભૂતને વિષે રહ્યો છે; તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મારૂપે કરીને સર્વને વિષે રહ્યા છે; તો પણ અતિશય નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે અને તે સરખો થવાને કોઈ સમર્થ નથી થતો. જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે, પણ ચાર ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવાને સમર્થ નથી થતા, તેમ જ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે, તો પણ અક્ષર પર્યન્ત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશે યુક્તપણું અને અતિશય ઐશ્વર્ય યુક્તપણું; તે એ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કાંઈ નાનો થયો નથી, એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે, તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંતકોટિ બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કાંઈ નાના થઈ ગયા નથી, એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિષે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે.

79. કારિયાણી ૯ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,”હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહિ. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા, તો એમ વર માગ્યો જે, ‘આ ગોપીઓની ચરણરજનાં અધિકારી એવા જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ; તેને વિષે હું પણ કોઈક થાંઉ.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળાં કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, ‘હે પ્રભો ! આ જન્મને વિષે અથવા પશુ પક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારા ચરણારવિંદને સેવું, એવું મારું મોટું ભાગ્ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત; તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહિ. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું ? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય. અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને તો અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પુરો સત્સંગી જાણવો.”

80. કારિયાણી ૧૦ ( para.1)

સંવત્ ૧૮૭૭ના કાર્તિક સુદિ ૧૦ દશમીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાને વિષે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ દસ બાર મોટેરા સાધુ બેઠા હતા તથા પાંચ છો હરિભક્ત બેઠા હતા. અને શ્રીજીમહારાજના શરીરમાં કાંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે,”અમારી નાડી જુવો, શરીરમાં કાંઈક કસર જણાય છે.” પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું જે, “હે મહારાજ ! કસર તો બહુ છે.” અને વળી એમ કહ્યું જે, “હે મહારાજ ! હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે; કેમ જે, હે મહારાજ! તમો તો સર્વે સત્સંગીના જીવનપ્રાણ છો, તે મહારાજને શરીરે કસર જેવું છે, એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે.”

81. કારિયાણી ૧૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે. અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તે જો નિષ્કામભાવે કરીને, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાધ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે.”

82. લોયા ૧ ( para.9)

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”

83. લોયા ૨ ( para.1)

સંવત્ ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને ‘નરનારાયણ’ નામે અંકિત એવો જે કાળો કિનખાબ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી આસમાની રંગનો રેંટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કસુંબી રંગનો રેંટો કેડ્યે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દૂકડ, સરોદા, સતાર, મંજીરાદિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા.

84. લોયા ૨ ( para.2)

પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું”. ત્યારે મુનિ બોલ્યા જે, “હે મહારાજ ! પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય ?” પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી બીજા પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે, તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે, ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો; એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિષે અતિશય વિશ્વાસને પામ્યો છે; માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહિ અને એમ જાણે જે, ‘મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું.’ અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે એમ માને જે, ‘હું તો બ્રહ્મસ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું;’ માટે એને પણ મૃત્યુનો ભય હોય નહિ. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહિ, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહિ. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહિ. અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહિ ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહિ. અને એ ચાર અંગ માંહિલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે; અને ચાર માંહિલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહિ.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, “એ ચાર માંહિલાં જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો.” પછી પરમહંસ સમગ્રને જે જે અંગ વર્તતા હતા તે કહ્યા અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા; તે સાંભળીને શ્રીજીમહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો.” પછી જેને જેને શૂરવીરનાં અંગ વર્તતા હતા, તે સર્વે શ્રીજીમહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા.

85. લોયા ૩ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજીબ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઈત્યાદિક જે સત્સંગી; તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું; તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ પણ કહ્યું જે, ‘જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનનાં વચનમાં ફેર પાડે નહિ, ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો? તો, ‘ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહિ.’ એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે.’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું; ત્યારે અમે થાંભલાને બાથ લીધી, ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયા ની વાત કરી અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે.” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.’ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન અને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે.” તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. “અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય; ઈત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ. એ તો ભગવાનના ધામને જ પામે;’ અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સૂધી સારી પેઠે પડે અને ચંદનનાં લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.’ એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવા નિશ્ચયવાળો જે હોય, તે જરૂર બ્રહ્મમહોલમાં જ પુગે; પણ બીજે ક્યાંઈ કોઈ ધામમાં ઓરો રહે નહિ.”

86. લોયા ૪ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “ઝીણો ભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા જે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહિ, ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે ?” એ વાત સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મુંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહિ અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મુંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે.” પછી ઝીણાભાઈએ કહ્યું જે, “ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ અને જ્યારે ભગવાન ને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ અને હૈયામાં શોક પણ થયો જોઈએ.” પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થવું પણ શોક તો ક્યારેય પણ કરવો નહિ. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી પણ પોતાનું ગમતું કરવા સારુ કોઈ રીતે મૂંઝાવું નહિ અને ભગવાન ક્યાંઈક જવાની આજ્ઞા કરે ને શોક કરીને મૂંઝાય; તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યાં હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાનવાર્તા કરી હોય; ઈત્યાદિક ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય; તેણે કરીને કેવળ દુઃખિયો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પળે નહિ, માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશમાત્ર મૂંઝવણ આવવા દેવી નહિ.”

87. લોયા ૬ ( para.8)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “વર્તમાન પણ સુધાં સારાં પાળતો હોય ને નિશ્ચય સુધો હોય ને તે પાસે આપણ રહેતા હોઈએ ને આપણને ટોકે નહિ ને પંપોળીને રાખે ને જાપરો રાખે, તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહિ ને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો.”

88. લોયા ૬ ( para.15)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિષે અનેક પ્રકારના ભૂંડા ઘાટના તરંગ ઉઠવા માંડે; જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઊઠે તેમ ભૂંડા ઘાટ ઊઠવા લાગે ત્યારે તે ઘાટને કેમ ટાળવા?” પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વજાડીને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ ભજન કરવું અને, ‘હે દીનબંધો!’ હે દયાસિંધો ! એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય, તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાંત થાય, પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી.”

89. લોયા ૬ ( para.16)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય ને તે ગુણના સર્વે વખાણ કરતા હોય તો પણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કયો ગુણ છે ? અને દોષ હોય ને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કયો દોષ છે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “ મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વેથી સરસ વર્તમાન પાળતા હોય ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે, એમની બરોબર વર્તાય નહિ, તે સારુ એ ગુણ યદ્યપિ મોટો છે, તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું અને બરોબર વર્તવારૂપ દોષ છે, તો પણ એનું ગ્રહણ કરવું.”

90. લોયા ૭ ( para.2)

અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રુતિમાં કહ્યું છે જે, ‘ऋते ज्ञानान्न मुक्तिः ।’ ‘तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ।’ એ શ્રુતિમાં એમ કહ્યું જે, ‘ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે.’ ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણને અર્થે બતાવ્યાં છે, તેનું શું પ્રયોજન છે ? કેમ જે, કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે.” એવા પ્રશ્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાન તે જાણવાનું નામ છે.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે, “જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્યાણ થતું નથી.”

91. લોયા ૭ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા; તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માન્તરે કલ્યાણ થાય છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માન્તરે કલ્યાણ થાય છે, કાં જે, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે; માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માન્તરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂઘ્યા જ કહેવાય. અને જિહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ-ઇન્દ્રિયો પર જે જીવસત્તા-તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ, તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય-કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ-ઇન્દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે, ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે; માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય; એમ કહીએ છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે જે, ‘यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः।।’ ‘विष्टभ्याहमिदं कुत्स्नमेकांशेन स्थितो जगत्’ ‘मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ! । मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।।’ ‘पश्य मे पार्थ ! रूपाणि शतशोऽथ सहस्त्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।’ ઈત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો- અંતઃકરણ થકી અગોચર કહે છે, માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ; એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યને પણ ન તરે અને કોઈક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, “नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरञ्जनम्” તથા ગીતામાં કહ્યું છે જે, “कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ।।” અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન-પુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપથકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન-પુષ્પ, શ્રવણ-મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समःसर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને “भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।” એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે. અને “अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ! ययेदं धार्यते जगत् ।।” એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે, તે કેવા છે? તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જૈ ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથિવ્યાદિક ચાર તત્ત્વનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથિવ્યાદિ તત્ત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ ભગવાનની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિયો છે-

92. લોયા ૭ ( para.5)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે, “એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહિ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યાં હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિષે જડ-ચિત્ પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ, નહિ તો જણાશે. અને નિઃસંદેહ એવી આંટી છે ને જણાતું નથી, તો એમ એ સમજે જે, ‘એ ભગવાનને વિષે તો સર્વે છે પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે.’ એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે; તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. “आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।।” એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ, પુરુષ, અક્ષર તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને “अहं ब्रह्मास्मि” થઈ બેસે છે ને કહે છે જે, ‘રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે,’ એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે, તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી.”

93. લોયા ૮ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછ્યો જે, “જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ડાહ્યો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષબુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખડો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે, અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહિ ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે તેને મૂર્ખ કહીએ.”

94. લોયા ૮ ( para.7)

અને ત્યાર પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પૃથક્ પૃથક્ કયા ઉપાય છે?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે જે, નાસિકાગ્ર દૃષ્ટિ રાખે ને આડુંઅવળું જુવે નહિ, ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન-સ્મરણ કર્યા કરે. અને એમ કરતા સ્ત્રી-આદિક દેખાય જાય ને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેષોન્મેષે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યન્ત જોઈ રહે, ત્યારે તેની દૃષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે. અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે. ત્યારે તેનો એમ વિચાર કરે જે, ‘મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માંહિ તો રુધિર, માંસ, હાડકાં છે તથા પેટમાં મળ, મૂત્ર, આંતરડાં છે.’ એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે. અને કાનની ચંચળતા એમ ટળે જે, કોઈ રમુજ થતી હોય અથવા ભવાઈ થતી હોય, તો તેને સાંભળ્યામાં હેત થાય ને ભગવાનની કથા-કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે, ત્યારે ઊભા થવું ને નિદ્રા-આળસને ટાળવી ને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું, તો કાન જીતાય. અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે જે, જાણી-જાણીને ટાઢ, તડકો વરસાદ; તેને ખમવો ને ગોદડી હોય તે ઉશીકે મૂકી રાખવી ને સારી પેઠે ટાઢ વાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું, એમ કરીને ત્વચાને બાળી નાખે; એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટળે. અને હાથની ચંચળતા એમ ટળે જે, જ્યારે હાથ નવરા હોય, ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસોચ્છવાસે ભગવાનનું નામ લઈને તે માળા ફેરવવી, પણ ઉતાવળી લહરકે માળા ન ફેરવવી. અને કેટલાક એમ કહે છે જે, ‘મને કરીને તો નામ વધુ લેવાય,’ એ વાત ખોટી છે; જેટલાં જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે; એમ કરે તો હાથની ચંચળતા ટળે. અને પગ ચંચળ હોય તો આસનને જીતવું૧; તો પગ જીતાય. અને શિશ્ન ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય, તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરજ ટળે નહિ અને જો ન ખંજોળીએ તો તે એમ ને એમ બળી જાય, તેમ શિશ્ન ઇન્દ્રિયમાં ચળ આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહિ. અને જો શિશ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે તો શિશ્ન જીતાય. અને જિહ્વા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી અને આહાર યુક્ત કરવો, તો જિહ્વાની ચંચળતા ટળે. અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે, મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય, તે વચમાં પોતે ડહાપણ કરીને બોલવું નહિ અને જો વચમાં બોલાઈ જાય તો પંચવીશ માળા ફેરવવી; તો વાણીની ચંચળતા ટળી જાય.”

95. લોયા ૧૦ ( para.6)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેના હૃદયમાં મંદવેગ, મધ્યમવેગ અને તીવ્રવેગ વર્તતો હોય તે કેમ જાણવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે મંદવેગ વર્તતો હોય, ત્યારે નાની બાળકી તથા નવયૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે; કેમ જે, ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે, માટે તેમાં મંદવેગ છે. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ભળે છે ને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડો ઘાટ નથી થતો અને યુવાન સ્ત્રીને વિષે ભૂંડો ઘાટ થાય છે ને વિકારને પામી જાય છે, એને મધ્યમવેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ને જીવ એ બન્ને ભળીને ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે તો એ ત્રણે પ્રકારની સ્ત્રીને વિષે ભૂંડા ઘાટ થાય છે ને વિકારને પામે છે અને પોતાની મા-બેન હોય તો તેને દેખીને પણ વિકારને પામે, એને તીવ્રવેગ જાણવો.”

96. લોયા ૧૦ ( para.8)

અને વળી એને વિષે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીય એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા, અને એ જનક જેવા જે જ્ઞાની હોય, તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રીઆદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે.’ એમ વિચારીને કેવળ પોતાના આત્મસ્વરૂપને જ સુખરૂપ જાણે છે. અને ‘શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્માવતે જણાય છે અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભુડું થઇ જાય છે.’ એવી રીતે પોતાના આત્માને વિચારે. અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે, ‘આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટિ જે મુક્ત તેના પણ આત્મા છે; એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.’

97. લોયા ૧૦ ( para.10)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “હે મહારાજ! હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “માયા તો કેવળ દુઃખદાયી છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયામાંથી ઊપજ્યા એવા જે સત્ત્વ, રજ અને તમ; એ ત્રણ ગુણ, તેમાં જે સત્ત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘सत्त्वं यद्ब्रह्मदर्शनम् ‘ તથા સત્ત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમ દમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે ? અને વળી એકાદશસ્કંધમાં કહ્યું છે જે, “विद्याविद्ये मम तनू विद्धयुद्धव ! शरीरिणाम् । बंधमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते ।।” માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે ?” પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર અમથી થાય નહિ, એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે. અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે, તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે.”

98. લોયા ૧૦ ( para.11)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય, તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ-વિકલ્પરૂપે કરીને કેમ દુઃખ આપે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય, તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી; અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તો તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહિ અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે, તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહિ અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે; અને જેના જીવને વિષે એવા આશરામાં કાંઈ કાચ્યપ હોય, તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહિ થાય. માટે એનો ઉત્તર એ જ છે જે, “જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી.”

99. લોયા ૧૨ ( para.3)

અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો ? તો ભગવાનને સર્વ શુભ-અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે, સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે; કેમ જે, એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે ? તો આકાશની પેઠે સર્વને વિષે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિષે જ થાય છે.’ એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિષે જાણે. જેમ રાસપંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે, ‘ધર્મરક્ષક ભગવાનનો અવતાર, તેણે પરદારાનો સંગ કેમ કર્યો ? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો જે, ‘શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ-અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે.’ એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિષે રહ્યા જે ષટ્ ઊર્મિએ રહિત એવા નિરન્ન મુક્ત, તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે, તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”

100. લોયા ૧૩ ( para.3)

અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.

101. લોયા ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક્ પૃથક્ રુચિ છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ‘જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે ને પુરૂષોત્તમ છે, તે જીવ, માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે ? અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે ? તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.” ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈઓ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો.’ ત્યાં શ્લોક છે :- “न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते । यद्विस्रंभाच्चिराच्चीर्णं चस्कन्द तप ऐश्वरम् ।। नित्यं ददाति कामस्य छिद्रं तमनु येऽरयः। योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ।।” એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગી અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે, તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારુ લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે અને એ ત્રણ્યે અવતાર કરતા કોટિ ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, ‘બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને એમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો.’ અને બીજા જે મત્સ્ય-કચ્છાદિક ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિસુખ થાય છે; અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક’ તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે, ‘એ બહુ ઠીક કરે છે.’

102. લોયા ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો,” એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો જે, “જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે ?” પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહિ અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે, પણ વિષયમાં આસક્ત થાય નહિ અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા-નરસા જે વિષય તે બેય સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે.”

103. લોયા ૧૬ ( para.8)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ માન કેમ ટળે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનું માહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે; કેમ જે, જુવો ને ઉદ્ધવજી કેવા ડાહ્યા હતા ! ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિષે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું અને એમ બોલ્યા જે, ‘એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તે માંહેલો હું કોઈક થાઉં.’ અને તુલસીદાસજીએ કહ્યું છે જે, ‘तुलसी ज्याके मुखनसे भूले निकसे राम । ताके पगकी पहेनियां मेरे तनकी चाम ।।’ એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નીસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે, તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામસ્મરણ, ભજન-કીર્તન, વંદન કરતા હોય ને જો ભગવાનનું માહાત્મ્ય સમજતો હોય, તો તેને આગળ શું માન રહે ? ન જ રહે. માટે માહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ માહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી; તે સારુ જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજવું.”

104. લોયા ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્યા જે, “જુવોને, ભગવાનની માયાનું બળ કેવું છે ! જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે; કેમ જે, પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે !” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે; માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ; તે શાણે કરીને થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહિ; અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.”

105. લોયા ૧૭ ( para.5)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે માહાત્મ્ય તે શું ? તો ‘જે ભગવાનની બીકે કરીને ઈન્દ્ર વર્ષે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે; પૃથ્વી સર્વને ધારી રહી છે; સમુદ્ર મર્યાદા નથી લોપતો; ઔષધિઓ ઋતુને પામીને ફળે છે; અને જે ભગવાન જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયને કરે છે; અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે.’ એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે, તે બંધન કરે ? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે, એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ‘ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથાવાર્તાને વિષે માલ છે અને અક્ષર તે આવું છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવું કયું પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું; તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ; તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે.

106. લોયા ૧૮ ( para.1)

સંવત્ ૧૮૭૭ ના પોષ સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન ગાઓ.” પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા.

107. પંચાળા ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ.” એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “યોગવાળા છે તે પંચવિશમાં જીવ-ઈશ્વરને કહે છે અને છવિશમા પરમાત્માને કહે છે. અને સાંખ્યવાળા છે તે ચોવિશ તત્ત્વને અવાંતર જીવ-ઈશ્વરને કહીને પંચવિશમાં પરમાત્માને કહે છે. તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે, સૂઝે એવો આત્મા-અનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે જે, સર્વે દેવ-મનુષ્યાદિકની જે ગતિયો તેને જાણીને અને વિષયને વિષે વૈરાગ્યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં દૂષણ છે જે, જીવને પંચવિશમો કહ્યો તથા ઈશ્વરને પંચવિશમાં કહ્યા; અને જીવનો ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો ને ઈશ્વરનો પણ ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો. માટે એ બેયને વિષે તુલ્યભાવ આવી જાય જે, સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે, તથા સૂક્ષ્મ ને સૂત્રાત્મા તે તુલ્ય છે, અને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે; તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે, તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે, તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે; અને વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા અને શિવ તે તુલ્ય છે. એમ સમજીને છવિશમાને ભજે છે. એવી રીતે જીવ-ઈશ્વરને વિષે જે તુલ્યભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી જે, ‘ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યાં છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે, ને તે ભૂત સર્વ જીવના દેહોને ધારી રહ્યાં છે; અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્પજ્ઞ છે; ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે.’ એવી રીતે યુક્તિ શીખીને જીવ- ઈશ્વરને વિષે સમપણું ન સમજવું. અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે, તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂંથાઈ જાય. અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ-ઈશ્વરને વિષે સમપણું રહેવા દે નહિ, માટે જીવ ઈશ્વરને વિષે સમપણું ન આવે એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા. અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે, ચોવિશ તત્ત્વ કહ્યા છે ને પંચવિશમાં પરમાત્મા કહ્યા છે; ને તે ચોવિશ તત્ત્વને મિથ્યા કહ્યા છે ને પરમાત્માને સત્ય કહ્યા છે; ત્યારે તે પરમાત્માને પામે છે કોણ ? કેમ જે, પામનારા જીવને તત્ત્વથી ભિન્ન કહ્યો નથી. માટે એ જે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટા થકી એમ યુક્તિ શીખવી જે, ‘એ ચોવિશ તત્ત્વ કહ્યા તે જીવ વિના હોય નહિ; માટે એ તત્ત્વ ભેળા જ જીવ-ઈશ્વરને કહ્યા છે. તે જીવ ઈશ્વર એ તત્ત્વથકી પૃથક્ છે ને પરમાત્માને પામે છે. એવી રીતની યુક્તિ શીખવી. અને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે, ‘તત્ત્વ તો મિથ્યા છે, ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યા છે તે શાને અર્થે કહ્યા છે ?’ માટે તત્ત્વના તદાત્મકપણાને પામ્યા જે જીવ-ઈશ્વર તેને તત્ત્વરૂપે કરીને કહ્યા છે, પણ એ તત્ત્વ થકી અતિ વિલક્ષણ છે, તે પરમાત્માને પામે છે. ઈત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી. અને યોગવાળા જે છે તે, ‘પ્રત્યક્ષમૂર્તિ એવા જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય,’ એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને જે સાંખ્યવાળા છે તે જે તે, ‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह’, ઈત્યાદિક શ્રુતિશાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય; એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને એ બેય મત છે તે સારા છે અને મોટાએ માન્યા છે અને એ બેયનું યથાર્થ જો આચરણ જે કરે તો તે પરમગતિને પામે છે. અને એ બે મત છે તેમાં સાધન સરખા કહ્યા છે, પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી, ઘણી પૃથક્ છે.”

108. પંચાળા ૨ ( para.3)

એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “હવે તો કીર્તન ગાઓ.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજિંત્ર લઈને કીર્તન ગાવા લાગ્યા. તે પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અને એ સાંખ્ય ને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર્યો છે, તે કહીએ તે સાંભળો- જે યોગવાળો છે તેને આત્યંતિક પ્રલયને વિષે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્યરૂપ ભગવાનની મૂર્તિ રહી છે, તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષના કાર્ય જે ચોવિશ તત્ત્વ તે રૂપ ભગવાન ધ્યાન ધરવા યોગ્ય છે, અને તેથી ઓરા હિરણ્યગર્ભ ને તેથી ઓરા ચોવિશ તત્ત્વથી ઉપજ્યો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા પૃથ્વીને વિષે જે મત્સ્ય, કૂર્મ, નૃસિંહ, વરાહાદિક ભગવાનના અવતાર તથા શાલગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે; એવું યોગવાળાનું તાત્પર્ય જણાણું. પછી સાંખ્યનો વિચાર ઉપજ્યો, ત્યારે તેણે એ આકારમાત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાણું જે, ‘એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે, તે જેવો શુદ્ધ કોઈ નથી; માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે.’ એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે, એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અન્વયપણું છે; માટે એ સર્વે ભગવાન જ છે, ને દિવ્યરૂપ છે, ને સત્ય છે, ને ધ્યેય છે. અને એ વાતને દ્રઢ કરવાને અર્થે શ્રુતિ છે જે, ‘सर्वं खल्विदं ब्रह्म’, ‘नेह नानास्ति किञ्चन’ તથા ‘इदं हि विश्वं भगवानिवेतरो यतो जगत्स्थाननिरोधसंभवाः’ એવી રીતનો યોગમાર્ગ છે તેને વિષે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી; શા માટે જે, એ માર્ગ સ્થૂળ છે ને એને વિષે પ્રત્યક્ષમૂર્તિ ભગવાનનું આલંબન છે. તે સારૂ જેવો-તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે; પણ એ માર્ગમાં એક દોષ છે જે, એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિપુરુષાદિકને અંશ-અંશીભાવ આવી જાય છે જે, ‘ભગવાનના અંશ પ્રકૃતિપુરુષ છે, અને તેના અંશ હિરણ્યગર્ભ, વિરાટાદિક છે.’ એવી રીતે સમજાય તો મોટો દોષ આવે, કાં જે, ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેને વિષે ચ્યુતભાવ આવે છે ને અંશ-અંશીભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહિ.

109. ગઢડા મધ્ય ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે કીર્તનિયાને કહ્યું જે, “હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન - ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા જે, “મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવું થઇ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે, ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે; પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજ જ અમે વિચાર્યુ છે જે, આજ અર્ધ રાત હતી ત્યારે અમારે નિદ્રા ઊડી ગઈ હતી. પછી અમે ઉત્તરાદી દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો જે, ‘આ તો ઉત્તરધ્રુવ છે પણ શાસ્ત્રમાં દક્ષિણધ્રુવ કહ્યો છે તે ક્યાં હશે ?’ પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ દીઠો. અને જેમ કૂવા ઉપર પાણી સિંચવાનો ફાળકો હોય તેવી રીતે બે ધ્રુવને વચ્ચે મોટો ફાળકો દીઠો ને તે ફાળકાના મેરુનાં બે ઠેબાં તે બે કોરે ધ્રુવને અડી રહ્યાં છે, જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂંતીને રહી હોય તેમ છે. અને તે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ વીંટી હોય ને તે ફાળકા સંઘાથે જેમ પીતળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા ને દેવતા ને નવગ્રહાદિક તેના જે સ્થાનક તે ફાળકાને આશરીને રહ્યાં છે તે સર્વેને જોયાં. અને પછી સૂર્ય ને ચંદ્ર તેનો ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો. પછી અંતર્દૃષ્ટિએ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવ આદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિષે જે ક્ષેત્રજ્ઞ છે, તેને પણ દીઠો પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે, તેને પણ દીઠા. તે ભગવાનને જોઇને ભગવાનના સ્વરૂપને વિષે અતિશય વૃત્તિ જોડાઇ ગઈ, પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહિ. પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાયું.

110. ગઢડા મધ્ય ૪ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “જેને પ્રકટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું ?” પછી મુક્તાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપત્કાળ પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન કરવું, તો એ ભગવાનના માર્ગ થકી પડે નહિ.”

111. ગઢડા મધ્ય ૪ ( para.4)

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે જે, ‘ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય’, એવું માહાત્મ્ય સમજતો હોય, તેને કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહિ ?” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે, ‘મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થવું છે. અને જો કામ, ક્રોધ, લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જશે, તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થશે; એમ જાણીને કુમાર્ગ થકી અતિશય જ ડરતો રહે અને અધર્મને વિષે કોઈ કાળે પ્રવર્તે જ નહિ.’ એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહિ. અને ભગવાનનું જે અખંડ ચિંતવન થવું તે કાંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતવન કરતા કરતા જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે.”

112. ગઢડા મધ્ય ૭ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય; તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહિ. જેમ દરિદ્રી હોય તે ઘણા સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્છે પણ તે ક્યાંથી મળે ? તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઇચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.”

113. ગઢડા મધ્ય ૭ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય, તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, ‘આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામક્રોધાદિક બહુ પીડે છે. માટે એના એ સર્વે વિકાર ટળો;’ તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. અને તરત જે વિકારમાત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે.”

114. ગઢડા મધ્ય ૮ ( para.3)

અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ ક્હ્યું છે જે, ‘એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહિ અને દેહે કરીને કાંઇ ભૂંડું આચરણ કરવું નહિ.’ એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે, એકાદશીને દિવસ ઢોરલાંઘણ કરવી નહિ અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી ને તે વિના તો ઢોરલાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે, તેમ જ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે ને જિહ્વાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. એવી રીતે અગિયારે ઇન્દ્રિયોના જુદા-જુદા આહાર છે. તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય, પણ અગિયારે ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો અગિયારે ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહિ. એવું વ્રત પંદર દિવસમાં એક વાર આવે તે ખબડદાર થઇને કરવું, તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે; પણ તે વિના જે ઢોરલાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદ્વીપમાં જે નિરન્ન મુક્ત કહેવાય છે, તે તો સદાય એ વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી; માટે નિરન્ન કહેવાય છે. અને આપણે પણ ઇચ્છા તો એમ રાખવી જે, ‘જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું જ થવું છે.’ પણ એ વાતમાં હિંમત હારવી નહિ. એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશી વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે, તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે.” એટલી વાત કરીને શ્રીજીમહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવવા માંડ્યા.

115. ગઢડા મધ્ય ૮ ( para.8)

એ શ્લોકનો અર્થ એ છે જે, ‘આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે, તે તો મને સહિત જે પંચજ્ઞાનઇન્દ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે; અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લઇ જાય છે.’ માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતાં નથી, તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ અને નારદપંચરાત્ર; એ આદિક સર્વ શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે, ‘યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે, સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાનયજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે, એવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો અને જ્યાં સુધી એવું ન થવાય, ત્યાં સુધી એટલું અધુરું જાણવું. અને નિરન્ન મુક્ત જેવા થવાની અતિશય ઇચ્છા રાખવી, પણ શ્રદ્ધારહિત થવું નહિ અને પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને ને સાવધાન થઇને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો.”

116. ગઢડા મધ્ય ૯ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “કીર્તન બોલીએ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “લ્યો, પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ. અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય, તો તેની ચિંતા નહિ; પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહિ. અને જો ભગવાનનું વચન કાંઇક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય, તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહિ. માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે, ‘સર્વોપરી ને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે, તે જ મને પ્રાપ્ત થયું છે.’ અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત્ સત્સંગથી બાહેર નીસરી જવાણું, તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બાહેર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિષે ભગવાનને સમીપે જશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય, તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. તે માટે પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત્સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતી લડાઈ થઇ ત્યારે શ્રીકૃષ્ણભગવાને અર્જુનને કહ્યું જે -

117. ગઢડા મધ્ય ૧૦ ( para.7)

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એને વિષે પરમેશ્વરને વિષે પ્રીતિ થવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું ? તે સમજાણું નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભક્તિને વિષે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાનાં લક્ષણ આવા હોય છે જે, જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય, તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકીવસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોળ્યો તથા કાળીયનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અક્રૂરજીને યમુનાના જળને વિષે દર્શન દીધું તથા મલ્લ, હસ્તિ, કંસાદિ દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમ જ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું, ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનનાં દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતાં રોતાં ઘેલા જેવા થઇ ગયા તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઇ વસ્યા ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે, “जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।।” એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘હે અર્જુન ! મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે, તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.’ માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય; અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી, એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ, એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે, ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઇ બાકી નથી.”

118. ગઢડા મધ્ય ૧૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું. પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્યવાર્તા હોય તે સાંભળવા દેવી નહિ. તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે; અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે; અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે; અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહિ. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહિ. અને એવી રીતે પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષપ્રયત્નરૂપ જે ઉપાય છે, તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે, તે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે; માટે પુરુષપ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.”

119. ગઢડા મધ્ય ૧૩ ( para.3)

અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે; અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્ર ભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠાં છે; તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંઈ આસક્તિ રહે જ નહિ. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહિ, સહજે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે, તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ; અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિકરૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિષે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિષે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે,

120. ગઢડા મધ્ય ૧૪ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને પામે છે, તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય; જેમ આ લીંબડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે, ‘લીંબડો હશે કે નહિ હોય ?’ એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહિ, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય; એને અમે તદાત્મકપણું કહીએ છીએ. ને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિએ કરીને નથી થતું. અને એવું જે એ તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિમાર્ગને વિષે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિષે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. જેમ નારદ ને સનકાદિક એ સર્વે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા અને સપ્તઋષિ તથા જનકાદિક રાજા, એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિષે પ્રવર્ત્યા પણ એ સર્વેને ભગવાનના નિશ્ચયે કરીને નિર્ગુણ જાણવા. અને જે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે, ‘આ અતિશય ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી; માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે.’ અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે, તો પણ તે ભૂંડી ગતિને નહિ પામે, તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સૂધો ત્યાગી રહેતો હોય ને કામ, ક્રોધ, લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહિ ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો; અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો.”

121. ગઢડા મધ્ય ૧૬ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મનિષ્ઠા; એ બે નિષ્ઠા છે, તેમાંથી જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે, જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ્‌ભાગવત ના પ્રથમ સ્કંધને વિષે સંવાદ છે, તેમાં એમ કહ્યું છે જે, ‘સત્ય શૌચાદિક જે કલ્યાણકારી એવા ઓગણચાળીશ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે.’ માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારૂ ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. અને વળી, શ્રીમદ્‌ભાગવત ના પ્રથમ સ્કંધને વિષે શૌનકાદિક ઋષિએ સૂત પુરાણીને પૂછ્યું છે જે, ‘ધર્મના બખતરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતર્ધાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો?’ માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારુ જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપનિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહજે જ રહે અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપનિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે.”

122. ગઢડા મધ્ય ૧૬ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, “પંચવિષય જીતાય તે વૈરાગ્યે કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય હોય અથવા ન હોય, પણ જો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ; તેને વિષે ખબડદાર રહે તો પંચવિષય જીતાય છે. અને જો શબ્દ થકી વૈરાગ્યે કરીને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો અને કાનને બીડી લે તો સહેજે શબ્દ સંભળાય નહિ. તેમ જ અયોગ્ય પદાર્થને ત્વચાએ કરીને અડે નહિ તો સહેજે સ્પર્શ જીતાય. તેમ જ અયોગ્ય વસ્તુ હોય, તેને નેત્રે કરીને જુવે નહિ તો સહેજે રૂપ જીતાય. તેમ જ જે જે સ્વાદુ ભોજન હોય તેને મેળાવી પાણી નાંખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહેજે જ રસના જીતાય. તેમ જ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બીડી લે તો સહેજે ગંધ જીતાય. એવી રીતે નિયમે કરીને પંચવિષય જીતાય છે. અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહિ. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગર્યાનો ઉપાય છે; જેમ માંદો હોય તે કરી પાળીને ઔષધ ખાય તો જ નિરોગી થાય.”

123. ગઢડા મધ્ય ૧૬ ( para.10)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળ્યાનો એ જ ઉપાય છે જે, પરમેશ્વરે ત્યાગીના ને ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે, તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય. અને શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના અને ઘ્રાણ; એ પાંચે ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે, ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે. તે કેડે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે, તો જેમ તીવ્ર વૈરાગ્યે કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલા જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા.”

124. ગઢડા મધ્ય ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન ગાવવા રહેવા દ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “ઘણું સારુ મહારાજ !” પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનું સ્વરૂપ છે, તેને કોઈક ભક્ત તો માયાના ચોવિશ તત્ત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે; એ બે પ્રકારના ભક્ત છે, તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનને વિષે માયિક ચોવિશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્ત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે.”

125. ગઢડા મધ્ય ૧૮ ( para.4)

અને સાચા જ્ઞાની જે નારદ, સનકાદિક, શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ રટન અને કીર્તન તેને કરે છે; અને શ્વેતદ્વીપને વિષે જે નિરન્ન મુક્ત છે, તે તો બ્રહ્મસ્વરૂપ છે અને કાળના પણ કાળ છે, તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામ રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષરસ્વરૂપ છે, તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે; અને બદરિકાશ્રમને વિષે જે ઉદ્ધવ ને તનુઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ શુષ્ક વેદાંતી તો કેવળ દેહાભિમાની જીવ છે, તો પણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત તેને વિષે જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે, તથા બદરિકાશ્રમવાસી જે ઋષિ તેમા જેવી સામર્થી છે ને જ્ઞાન છે, તેના કોટિમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતીને વિષે સામર્થી પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સમોવડિયા થઈને બેઠા છે. માટે એ પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે અને એ તો કોટિ કોટિ કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે, તો પણ એનો છૂટકો નહિ થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતીનો સંગ કરવો જ નહિ.”

126. ગઢડા મધ્ય ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારુ તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું, તે શ્રવણમાત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો. કેમ જે, એ શુષ્ક વેદાંતશાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ આવી જાય છે; એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. અને તે શુષ્ક વેદાંતીના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કાંઈક પ્રયોજન સારુ શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે તેણે કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે.” એમ કહીને શ્રીજીમહારાજ સૂધા ઉદાસ થઈ ગયા. પછી ઘણી વાર સુધી દિલગીર થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોઈને એમ બોલ્યા જે, “ભગવદ્‌ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે, તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા. પછી અમને સ્વપ્ન થયું જે, અમે ગોલોકમાં ગયા; ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા. તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાયા અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે, તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે. અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય; જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને મળ્યા ને કીર્તન ગાવવા લાગ્યા. તે ગાવતા ગાવતા એવો વિચાર થયો જે, ‘આવી જે પરમેશ્વરની પ્રેમભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યાજ્ઞાની થાય છે અને એમ જાણે છે જે, ‘અમે જ ભગવાન છીએ,’ તે મહાદુષ્ટ છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણનારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહિ, એવો લાવો એક કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલીએ.

127. ગઢડા મધ્ય ૨૪ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે. તેમાં યોગનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડવૃત્તિ રાખે. અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહિલી કોરે જે સુખ છે, તે સર્વેનું પરિમાણ કરી રાખે જે, ‘આ સુખ તે આટલું જ છે.’ અને એ સુખની કેડ્યે જે દુઃખ રહ્યું છે, તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય. અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય, પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય, તે ક્યાંક બીજે પણ ચોટી જાય. કેમ જે, યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય; માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા, એ બે જો એકને વિષે હોય તો પછી કાંઈ વાધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહિ અને એમ સમજે જે, ‘ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત; તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે, તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી.”

128. ગઢડા મધ્ય ૨૫ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય, તો તે શો ઉપાય કરે ત્યારે ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણમાત્ર પણ રહેવાય નહિ, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે.”

129. ગઢડા મધ્ય ૨૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “તમારે ક્રોધ થાય છે, ત્યારે શે નિમિત્તે થાય છે ? અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે ? અને અમારે તો એકથી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારુ તો ક્રોધ આવે નહિ અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળિયો હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે, ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારેક ક્રોધની ચટકી આવે છે, પણ પોતા સારૂ તો લેશમાત્ર ક્રોધ આવતો નથી. અને કોઈક સારૂ આવે છે તે પણ ક્ષણમાત્ર પણ નથી રહેતો ને આંટી પણ બંધાતી નથી; તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય, તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે.”

130. ગઢડા મધ્ય ૨૭ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવું તમારે વિચારનું બળ રહે છે, તે શાને યોગે રહે છે ?”ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, ‘જે રીતે ભગવાનનો કુરાજીપો થાય, તે સ્વભાવ રાખવો નથી.’ અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, ‘સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કામ-ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે. અને એવી રીતે કામ-ક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે, તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે, તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતાં એનાં બંધનમાં રહેવાય નહિ; બંધન ત્રોડીને નીકળાય ખરું.”

131. ગઢડા મધ્ય ૨૭ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે, તે શાને યોગે રહે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશકાળાદિક જે આઠ છે, તેમાં જેવું પૂર્વ સંસ્કારમાં જોર છે, તેવું જ એક એકમાં છે. માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત-દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે વિધિનિષેધના ભેદ કહ્યા છે જે, ‘આ કરવું ને આ ન કરવું’ તે સર્વ ખોટું થઈ જાય; તે એ મોટાના કરેલાં શાસ્ત્ર તો ખોટા થાય જ નહિ. અને જય વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા. અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહ્લાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શક્યા નહિ અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તો પણ જય વિજય પડી ગયા. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય, જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહિ અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુઃખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ‘ભગવાન સર્વાંતર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુઃખવ્યો તેના જ અંતરમાં વિરાજમાન હશે, ત્યારે અમે ભગવાનનો અપરાધ કર્યો.’ એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઈક જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે, તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવના કલ્યાણ થશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખ્યે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યા જોઈએ, તુલસી લાવ્યા જોઈએ, ભાજીતરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યા જોઈએ. માટે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે, તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય, એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારુ અમે મંદિર કરાવ્યા છે; તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યા છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી, એ અમારો સિદ્ધાંત છે.”

132. ગઢડા મધ્ય ૨૮ ( para.2)

પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત તો સારુ જ છે, પણ સ્કંદપુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે, એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય, તો તેનો તત્કાળ ત્યાગ કરી દે; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો, તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી, એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે, તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉં, ને થોડીક વાતમાં રાજી પણ ન થઉં’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’ એ જ મારે વિષે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહિ.

133. ગઢડા મધ્ય ૨૮ ( para.3)

અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે, તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે, તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે, તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે, ‘ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારુ નથી જાણતો.’ અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે જે, ‘ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું.’ અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે, ને ભગવાનનો રાજીપો છે, ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે; કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે, તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે, તેમ જ તમારે પણ નિશ્ચય કરવો.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, “હે મહારાજ ! અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે.” એમ કહીને સર્વે હરિભક્ત વિનતિએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે ? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને આ વાર્તા છે, તે જીવનદોરી રૂપ છે.”

134. ગઢડા મધ્ય ૨૯ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ ભગવાનને વિષે દ્રઢ આસક્તિ શા થકી થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિષે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે; એ બેયે કરીને જ ભગવાનને વિષે એવી દ્રઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી.”

135. ગઢડા મધ્ય ૩૧ ( para.2)

અને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ, ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “સર્વે કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષરૂપે કરીને મહામાયાને વિષે વીર્યને ધરે છે; તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે; અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાનપુરુષ દ્વારાએ વૈરાજપુરુષ ઉત્પન્ન થયા, ત્યારે એ વૈરાજપુરુષ તે તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજપુરુષ થાય છે. એવા જે વૈરાજપુરુષ, તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. ને તે વૈરાજપુરુષની દ્વિપરાર્ધકાળની આવરદા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે; જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા છે તેમ. અને એ વૈરાજપુરુષના વિરાટ્, સૂત્રાત્મા, અવ્યાકૃત; એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્ત્વાદિક જે ચોવિશ તત્ત્વ તે દ્વારે થયા છે. તે એ વિરાટને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માંહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહિ. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષરૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજપુરુષ પોતાની ક્રિયાને વિષે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિષે સાક્ષીરૂપે રહ્યા છે, તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ, તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજપુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષરૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને એ વૈરાજપુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે, તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત્ થાય છે. કેમ જે, એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે. અને વૈરાજપુરુષને માયાનો સંબંધ રહ્યો છે. માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે, તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે એ બાપ તે દીકરાને શી સહાય કરે? માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે.

136. ગઢડા મધ્ય ૩૧ ( para.3)

અને વળી એ વિરાટપુરુષ પણ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિષે સંકર્ષણની ઉપાસના કરે છે ને સ્થિતિરૂપ અવસ્થાને વિષે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિષે અનિરુદ્ધની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનનાં સગુણ રૂપ છે ને તેની ઉપાસનાને બળે કરીને એ વૈરાજપુરુષ જે તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ ક્રિયાને વિષે સામર્થ્યને પામે છે. અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે, ત્યાં સુધી એને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે માયાનો સંબંધ, તે ટળતો નથી અને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે, ત્યારે એ વૈરાજપુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવરૂપ ભગવાનની ઉપાસના કરે છે, ત્યારે ધર્મ, અર્થ, કામરૂપ ફળને પામે છે અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે, ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય; તેમ એ વિરાટપુરુષને પણ છે. અને એ વૈરાજપુરુષ દ્વારાએ અવતાર થાય છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેતો એમ સમજવું જે, ‘એ જે વાસુદેવનારાયણ તે પુરુષરૂપે કરીને વૈરાજપુરુષને વિષે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે.’ માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે. અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજપુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજપુરુષથકી અવતાર સંભવે જ નહિ. માટે એ થકી અવતાર તો એને વિષે વાસુદેવ આવ્યા છે, તે સારુ કહ્યા છે. અને એને વિષે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે એ વૈરાજપુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિષે પણ સમર્થ નહોતા થયા. અને પૂર્વે જે પુરુષ કહ્યા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાનપુરુષ દ્વારાએ એક એવો જે વૈરાજપુરુષરૂપ દીકરો તે થાય અને એ જ માયામાંથી અનેક પ્રધાનપુરુષ દ્વારાએ બીજા પણ ઘણાક એવા વૈરાજપુરુષરૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરન્ન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે. તે માયાને વિષે લોમપણે વર્તે છે, તો પણ એને માયાનો બાધ થતો નથી ને માયાને વિષે એને ભોગની ઈચ્છા નથી; એ તો પોતે બ્રહ્મસુખે સુખિયા છે ને પૂર્ણકામ છે. અને જે વૈરાજપુરુષ ઈશ્વર છે, તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિષે માયાનો ત્યાગ કરે છે અને જે જીવ છે, તે તો માયાના ભોગને ભોગવીને દુઃખિયો થકો માયામાં જ લીન થાય છે.”

137. ગઢડા મધ્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, પ્રશ્ન-ઉત્તર કરીએ તો આળસ મટે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું જે, આ જીવને વિષે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ આદિક ચોવિશ તત્ત્વ તે રહ્યા છે, તે એ તત્ત્વ જડ છે કે ચૈતન્ય છે ?” પછી પરમહંસે કહ્યું જે, “એ તત્ત્વ ચૈતન્ય તો ખરા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ તત્ત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિષે જીવ છે, તે ભેળા ચોવિશ તત્ત્વના પણ ચોવિશ જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે ને જે પાપ કરશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે. ત્યારે સુખ-દુઃખનું જે ભોક્તાપણું, તે એક જીવને વિષે જ નહિ કહેવાય અને સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહિ કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે, તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા ચોવિશ તત્ત્વના જીવ તો મુક્ત થયા કહ્યા નથી.” એવી રીતે આશંકા કરીને તત્ત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર અમે કરીએ જે, એ તત્ત્વ જે તે કાર્ય-કારણ ભેદે કરીને બે પ્રકારના છે; તેમાં કારણરૂપ જે તત્ત્વ છે, તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્ત્વ છે, તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિષે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે; તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે જડ એવા જે તત્ત્વ તે પડ્યા રહે છે. અને એ ચોવિશ તત્ત્વ છે, તે માયામાંથી થયા છે; માટે માયારૂપ છે ને જડ છે. અને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણરૂપે જુદા જુદા જણાય છે, તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ પાંચ રૂપે થઈ છે ને કાચરૂપે પણ કરનારાની કીંમતે થઈ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપ જુદે જુદે પ્રકારે જણાય છે.”

138. ગઢડા મધ્ય ૩૫ ( para.4)

અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનનાં ચરિત્ર ને ભગવાનનું નામસ્મરણ; એ ત્રણ વાનાં વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનનાં ચરિત્રને ગાતો-સાંભળતો હોય ને ભગવાનનું નામસ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. માટે એ ચાર વાનાંએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે, જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય-કીર્તન તે ગાવવા ને સાંભળવા તથા ભગવાનના અવતાર-ચરિત્રે યુક્ત એવા કાવ્ય-કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા; પણ કબીર ને અખાનાં જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના જેના કાવ્ય-કીર્તન હોય તેને ગાવવા નહિ ને સાંભળવા પણ નહિ. અને તમારે સર્વેને મારે વિષે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં, તો જેમ સર્વેને કૂવામાં નાંખીને ઉપરથી પાણાની શિલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહિ, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચઢી જાઓ તો એમાં મારું શું સારુ થાય ? માટે આ વાર્તા તમારા કલ્યાણની છે, તે મેં તમને હેતે કરીને કહી છે, તે સારુ તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજ્યો.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો જે, ‘અમારે દ્રઢ પણે એમ જ વર્તવું છે.” પછી સર્વે પરમહંસ તથા સત્સંગી રાજી થકા ઊઠીને શ્રીજીમહારાજના ચરણકમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું, ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજીમહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા.

139. ગઢડા મધ્ય ૩૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય, તે જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય, તે જેમ પુત્રકલત્રાદિકમાં ચોટે છે, તેમ પરમેશ્વરમાં પણ ચોટે; માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે, અતિશય શૂરવીરપણું; તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે, તે વિચારે કરીને ઘાટમાત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે; તે જેના હૃદયને વિષે જન્મ, મૃત્યુ ને નરક ચોરાશી તેની બીક અતિશય રહેતી હોય, તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે; તે જે પુરુષ વૈરાગ્યવાન હોય, તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને, તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને, પછી તે આત્માને વિષે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે. અને એ ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય; પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડવૃત્તિ રહે નહિ. અને ભગવાનને વિષે અખંડવૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે.”

140. ગઢડા મધ્ય ૪૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી; તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે, ‘જેમાં પોતાને માન જડે તે જ કરવું સારુ લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ.’ અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે, ‘મારા જ મોઢાનું લોહી છે, તેમાં હું સ્વાદ માનું છું.’ તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે, તે માનને વશ થઈને કરે છે; પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે, તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે; પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મીયાંજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી.” પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે, ‘कनक तज्यो कामिनी तज्यो, तज्यो धातुको संग । तुलसी लघु भोजन करी, जीवे मानके रंग ।।’ એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે, તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો.”

141. ગઢડા મધ્ય ૪૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યુ જે, “જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો હોય.” ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યુ જે, “સત્તારૂપે રહ્યો એવો જે ભક્ત, તેને ભગવાનને વિષે પ્રીતિ છે, તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એ પ્રીતિ તો આત્માને સજાતિ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી, એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મસ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે.”

142. ગઢડા મધ્ય ૪૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, “જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલા ને એટલા જ સૂઝે કે કાંઈ વધુ સૂઝે ?” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “અટકળે તો એમ જણાય છે જે, મોરે સૂઝતા એટલા ને એટલા સૂઝે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાતમાં તમારી નજર પડી નહિ. એટલા ને એટલા અવગુણ સૂઝતા હોય તો અવગુણ આવ્યો, એમ કેમ કહેવાય? માટે એ તો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે; તેણે કરીને અવગુણ વધુ સૂઝે છે. ત્યારે એમ જાણવું જે, ‘બુદ્ધિને વિષે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્યું છે.’ અને અમે તો એમ જાણીએ છીએ જે, ‘જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે, તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ.’ અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ અને બીજા જે હરિભક્ત હોય તેને વિષે જ કેવળ અવગુણ ભાસે; એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળનેમી, રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહિ. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહિ.”

143. ગઢડા મધ્ય ૪૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વ મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી; ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્ન મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાંખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

144. ગઢડા મધ્ય ૪૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય, તેને જો મન દઈને માણસાઈએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતા આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહિ. અને જે સાધુને મોક્ષનો ખપ હોય, તેને તો જેમ દુઃખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં-દૂધ, ગળ્યું-ચિકણું; કાંઈ ખાવા દેતો નથી; તેમ જે સમજુ હોય તેને એમ જણાય જે, ‘આ રોગે સારુ સારુ ખાવા-પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષયરોગરૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું !’ એમ ભાસે છે. શા માટે જે, શિશ્ન ને ઉદર એ બેને વિષે જે જીવને આસક્તિ છે, એ જ અસત્પુરુષપણું છે. તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટ્યને કાઢે એવો છે; તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુઃખાઈ જવું નહિ. અને જે ખાધા-પીધાની લાલચે કે લુગડાંની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય, તેને તો સાધુ જ ન જાણવો; તેને તો લબાડ જાણવો ને કુતરા જેવો જાણવો. અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતા વિમુખ થાય.

145. ગઢડા મધ્ય ૪૭ ( para.3)

અને વળી સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે ? અને પંચવિષય છે, તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી; તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,’શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે’ માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે,’ એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી-ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું; તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ,’ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક, ઈન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી; એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”

146. ગઢડા મધ્ય ૪૮ ( para.2)

અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીયો જે, ‘વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ’ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બહુ સારાં કીર્તન ગાયા; આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, ‘આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.’ અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહિ. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે, તેવો જ એ પણ નિરન્ન મુક્ત થઈ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે, તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી; અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડશે, તેને કોટિ કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરવું.

147. ગઢડા મધ્ય ૫૧ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આત્મસત્તારૂપે રહે તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શિવ, બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહિ, એ તો નારદ જેવાના પણ ગુરુ છે; અને એ જેવા બ્રહ્મસ્વરૂપે વર્તે છે, તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન એ આઠ જો ભૂંડા થયા, તો તેને યોગે કરીને એ શિવ, બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તારૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય, તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટાપુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે, તેમને ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું. અને જેટલી બાઈઓ હરિભક્ત છે, તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય; શા માટે જે, પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય, તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય, ને સુખે પળે એવું હોય, ને તેથી ઓછું-અધિક કરવા જાય, તે કરનારો જરૂર દુઃખી થાય. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે, તે જ રૂડા દેશકાળાદિકને વિષે રહ્યો છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો, તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે, તે જ આત્મસત્તારૂપે વર્તે છે.”

148. ગઢડા મધ્ય ૫૮ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જે જે આચાર્ય થયા છે, તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે છે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિષે અતિશય દ્રઢતા હોય; એ ત્રણને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે.” પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું, ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યા હોય અને જે જે આચરણ કર્યા હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યન્ત ચરિત્ર તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય, પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે; પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકિ રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય; અને શ્રીકૃષ્ણભગવાનના જે ઉપાસક હોય તેને દશમસ્કંધ અને એકાદશસ્કંધ એ બે જે ભાગવતના સ્કંધ તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય; પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દહાડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે.” એમ કહીને શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર, તે જ દેહ પર્યન્ત કર્યા કરજ્યો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે.” પછી એ જે શ્રીજીમહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજીમહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા.

149. ગઢડા મધ્ય ૬૦ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે, તેમ કહીએ જે, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન; એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય જે, જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલ્યો જે વિક્ષેપ, તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય, તે તો ત્રણે અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી, તે થકી એમ જાણીએ છીએ જે, ‘ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી.’ અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય; તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહિ; અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખિયો થાય.

150. ગઢડા મધ્ય ૬૨ ( para.6)

અને ત્રીજું જેને દાસભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે, તેનું જ દર્શન ગમે અને તેની જ વાર્તા સાંભળવી ગમે ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે અને તેની જ પાસે રહેવું ગમે. એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારુ ને રાજીપા સારુ રાત-દિવસ એમ ઈચ્છયા કરે જે, ‘મને મારા ઈષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું.’ પછી પોતાના ઈષ્ટદેવ છે, તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતઃકરણમાં ખેદ પામે નહિ અને આજ્ઞાને વિષે જ પરમ આનંદ માને. એ દાસત્વભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અને એ ત્રણે અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે અને એથી જે બહાર રહ્યા, તે તો કેવળ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડ્યે દેહ મૂકે તે તો ઠીક છે અને એ ત્રણમાંથી એકેય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી અને તે તો પાંચ દહાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને ને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે, એ જ ઠીક છે.

151. ગઢડા મધ્ય ૬૨ ( para.9)

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! એ ત્રણ જે અંગ તમે કહ્યા, તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે, તે કોઈકના જ સમજ્યામાં આવે ને કોઈકના જ વર્ત્યામાં આવે, પણ સર્વેને ન આવે. અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે, તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે. માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે તો એ ત્રણ અંગવાળા માંહિલો જે હરિભક્ત હોય, તેનો દાસાનુદાસ થઈને તેની આજ્ઞામાં રહે, તો તે કાંઈ ન સમજતો હોય તો પણ એ છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે ને કૃતાર્થ થઈ રહ્યો છે. અને આ સંસારને વિષે ભગવાન ને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે, તે ગમે તેવો પામર ને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે; એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું. અને આ ત્રણ અંગની જે અમે વાર્તા કરી છે, તે બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારુ કરી છે. અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે ને એમને શરીરે મંદવાડ છે, તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહિ ! એમ જાણીને આ વાર્તા કરી છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! મેં પણ જાણ્યું છે જે, મારા સારુ જ આ વાર્તા કરી છે.”

152. ગઢડા મધ્ય ૬૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! દ્દૃષ્ટા ને દૃશ્ય મધ્યમાં જે વિચાર રહે છે, તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો-અંતઃકરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે, તે જીવનું જ છે; તે ઇન્દ્રિયો- અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા, તે આત્માપણે રહેવું; પણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.

153. ગઢડા મધ્ય ૬૬ ( para.8)

પછી શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા હવા જે, “ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈ ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય, તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંઈ પ્રતીતિ આવે જ નહિ અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવી તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી. એ તો ગુણબુદ્ધિવાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ જ એનો ઉત્તર છે.”

154. વરતાલ ૨ ( para.4)

પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું. તેને વિષે એમ પ્રતિપાદન કર્યું જે,’શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યાં છે. અને તે જ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી જે અનંત નિરન્ન મુક્ત તેમને પાંચ વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠલોકને વિષે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે, ને તે શંખ, ચક્ર, ગદા, પદ્મને ધરી રહ્યાં છે તથા વિષ્વક્સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે. અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય ને પામવા યોગ્ય છે, અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે અને વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહરૂપે વર્તે છે.’ એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્રતંત્રને નારદજીએ ફરીને કર્યું ત્યારે તે નારદપંચરાત્ર કહેવાયું. તેને વિષે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું જે, ‘કોઈ રીતે સંશય રહ્યો નહિ.’ તે માટે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે,

155. વરતાલ ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ; એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય; અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યાં તે, તે એકના પેટામાં આવી જાય, એવું એક કયું એ ચારેમાં શ્રેષ્ઠ છે ?” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! એવો તે એક ધર્મ છે, તે ધર્મ હોય તો ત્રણે વાનાં તે પુરુષમાં આવે.”

156. વરતાલ ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભક્તિમાર્ગને વિષે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે, એક સાધનને કર્યા થકી જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિષે આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્રીશ લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ, તે મન-કર્મ-વચને કરીને રાખે, તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે.”

157. વરતાલ ૪ ( para.3)

એમ ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ પ્રશ્ન પૂછતા હવા જે, “ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય, તે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે ? અને કેમ પોતાના મનને ચલાવે ? ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે ? અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ? ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે ? અને નિદ્રારૂપી લય ને સંકલ્પ વિકલ્પરૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે? એનો ઉત્તર કહો.” પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઊછળે છે, તેમ અંતઃકરણરૂપી જે ફુવારો, તેને વિષે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિય દ્વારે ઊછળે છે તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને, એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિષે સાક્ષીરૂપે રહ્યા એવા જે શ્રીવાસુદેવ ભગવાન તેનું ચિંતવન કરે અને બીજી વૃત્તિ છે તેને તો દૃષ્ટિદ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતવન કરે. તે પણ નખશિખા પર્યન્ત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતવન કરે પણ એક એક અંગનું જુદું જુદું ચિંતવન ન કરે. જેમ મોટું મંદિર હોય તેને એકસામટું ભેળું જ જુવે તથા જેમ મોટો પર્વત હોય તેને એકસામટો ભેળો ને ભેળો જ જુવે, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુવે પણ એક એક અંગ ન જુવે. અને તે મૂર્તિને જ્યારે પોતાની દૃષ્ટિ આગળ છેટે ધારે, ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢૂંકડી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે, એમ કરતા પણ આસપાસ કાંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટિના મધ્યને વિષે મૂર્તિને ધારે, એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દૃષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી, તેણે કરીને મૂર્તિને ઊંચી ચઢાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે, એવી રીતે યોગકળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રકુટિમાં લાવીને હૃદયને વિષે મૂર્તિને ઉતારે. અને અંતરને વિષે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે. પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે, એવી રીતે જે શ્રોત્ર, ત્વક્, રસના અને ઘ્રાણ; તે દ્વારે પણ યોગકળા સાધે અને તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર; તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે. અને ઇન્દ્રિયો ને અંતઃકરણ એ સર્વેને સાંખ્યવિચારે કરીને જ જુદા કરીને એકલા ચૈતન્યને વિષે જ ભગવાનની મૂર્તિને ધારે. અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય અને તે સમે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે, પણ વિક્ષેપને વિષે પોતાની યોગકળાનો ત્યાગ ન કરે. એવી રીતની યોગકળાએ યુક્ત એ યોગી વર્તે છે.”

158. વરતાલ ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાંકડા વાંકડા પ્રશ્ન કરો જે, જેણે કરીને સૌની આળસ ઊડી જાય.” એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।” એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, ‘જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા, તેને તરે છે.’ ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ પોઢ્યા હતા, તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે, “માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે; અને રજોગુણના દશ ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ છે, અને સત્ત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ ત્રણ ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વ હતા. માટે એનો એમ ઉત્તર છે જે, પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે, ‘એ ભગવાનના સ્વરૂપને વિષે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે.’ એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા; તે પોતપોતાની ક્રિયાને વિષે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિષે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રીવાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે, માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વસિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ; એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે, તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ? ને માયાને તર્યા ન કહેવાય ? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ, તો એ પ્રશ્નનું સમાધાન થાય નહિ, માટે એ જ ઉત્તર છે.”

159. વરતાલ ૧૧ ( para.3)

એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહિ, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહિ. કેમ જે, માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા, ને દ્રોહ એનો આધાર છે અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે, બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે, તે તો અમને દીઠો જ ગમે નહિ અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજે બે પદ ગવરાવ્યાં જે, “મારા હરજી શું હેત ન દીસે રે તેને ઘેર શીદ જઈએ.” એક તો એ અને બીજું જે, “મારા વહાલાજી શું વહાલપ દીસે રે તેનો સંગ કેમ તજીએ.” અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું જે, “એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભારી રાખવી.”

160. વરતાલ ૧૩ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે; તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી ને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણ ભગવાન છે તે એકદેશી થકા સર્વદેશી છે. જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દૃષ્ટિ આપે, ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દૃષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે. અને વળી જેમ સિદ્ધદશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે, તેમ જ લાખો ગાઉ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે; તેમ શ્રીકૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંતરૂપે ભાસે છે. અને સિદ્ધ હોય તેમાં પણ દૂરશ્રવણ, દૂરદર્શનરૂપ ચમત્કાર હોય, તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે ? અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે, તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે, એમ વ્યાપક કહ્યા છે; પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટિ બ્રહ્માંડમાં ભાસે છે.”

161. વરતાલ ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એકસરખો વ્યવહાર છે; પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જિતેન્દ્રિય ક્હ્યા છે, તે કેવી રીતે જાણવા ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જિતેન્દ્રિય થાય એમ જણાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જિતેન્દ્રિયપણું કેમ છે ?” પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “એનો ઉત્તર તો એમ છે જે, શબ્દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે. અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચવિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. અને એમ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિષે વૈરબુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયું તેને, તેને વિષે કોઈ રીતે પ્રીતિ થાય જ નહિ. એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય, તે જિતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ-કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહિ, એવો હોય તે જિતેન્દ્રિય કહેવાય.”

162. વરતાલ ૨૦ ( para.2)

પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પુછ્યો જે, “રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ ને લોભની ઉત્પત્તિ થાય છે, માટે એ કામાદિકનું બીજ ન રહે, એવું એક સાધન ક્યું છે ?” પછી શુકમુનિએ કહ્યું જે, “જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય.” પછી શ્રીજીમહારાજે આશંકા કરી જે, “શિવ, બ્રહ્મા, શ્રૃંગીઋષિ, પરાશર, નારદ; એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી ? જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા, માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા, તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિષે જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમ જ અજ્ઞાની સુષુપ્તિને વિષે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે, ત્યારે તો જ્ઞાની ને અજ્ઞાની બેય કામાદિકે કરીને વિક્ષેપને પામે છે; એમાં તો જ્ઞાની-અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો નથી. માટે હવે બીજા પરમહંસ ઉત્તર કરો.” પછી તો ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી; એ સર્વે મળીને જેવો જેને ભાસ્યો તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહિ.

163. અમદાવાદ ૧ ( para.3)

એટલી વાર્તા કરી રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવું ધ્યાન તે અષ્ટાંગયોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રાણાયામવાળાનો કાંઈ મેળ નથી, એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ એ ધ્યાન સિદ્ધ થાય છે; પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિષે ચલાતું જ નથી. માટે એ ધ્યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે એ ધ્યાન તે થકી બીજો તત્કાળ સિદ્ધ થયાનો ઉપાય નથી.”

164. અમદાવાદ ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય, અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે, અને બીજા સર્વે મૂળ ઊખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે, એ જ એને જન્મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મમરણના હેતુ નથી ? એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય, તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી, ઘોડા, વૃક્ષ સર્વે તણાઈ જાય, પણ કોઈ ઠરી શકે નહિ, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય, પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિષે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિશરી જાય છે, તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જે આ સંસારને વિષે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય. ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય, ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને માર્યે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહિ, અને એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય, પણ પંચવિષયમાં એકે સુખ આવે નહિ. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમદશાને પામ્યો છે તેને પંચવિષય કેમ બાધ કરે ? ન જ કરે. માટે જે ઉપશમદશાને પામ્યો તેને પંચવિષય જન્મ મરણના હેતુ થતા નથી.”

165. ગઢડા અંત્ય ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને જે અંગ બંધાય છે, ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય, ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈક ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય, તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાઝ થાય ? તેવી દાઝ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાઝ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’ માટે અમને તો એમ ભાસે છે જે, પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી, તેને અતિશય મંદબુદ્ધિવાળો જાણવો. શા માટે જે, જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક, વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ, તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારુ ખાવા પડે છે ? જે, સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારુ સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, ‘જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી.’ તે શ્રુતિમાં કહ્યું છે જે,’જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.’ અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી, તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય જે, ‘એ વાર્તા અતિ ઝીણી છે.’ ને બીજાને તો સમજ્યામાં પણ આવે નહિ, એવી અતિશય ઝીણી વાર્તા છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ “જય સચ્ચિદાનંદ” કહીને પોતાના ઉતારામાં પધાર્યા.

166. ગઢડા અંત્ય ૩ ( para.2)

તે સમયમાં શ્રીજીમહારાજે સર્વ સંત મંડળને પ્રશ્ન પૂછ્યો જે, “જે હરિભક્તના હૃદયને વિષે દયા ને સ્નેહ; એ બે સ્વાભાવિક રહ્યાં હોય ત્યારે સ્નેહનું સ્વરૂપ તો મધ જેવું છે. તે જ્યાં ત્યાં ચોટે અને દયાનો સ્વભાવ એવો છે જે, જ્યાં ત્યાં દયા કરે. ત્યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટ જન્મ લેવો પડ્યો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંઘાથે સ્નેહ થયા વિના રહે નહિ. અને એ દયા ને સ્નેહ તેને ટાળ્યાનો ઉપાય તો આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ બેય છે. તે આત્મજ્ઞાન એવું છે જે, જેમાં કાંઇ બીજું પેસે જ નહિ. અને વૈરાગ્યનું એવું સ્વરૂપ છે જે, સર્વે નામરૂપને નાશવંત દેખાડે. માટે આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ બે વતે કરીને દયા ને સ્નેહનો નાશ થઈ જાય છે. અને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ આદિક સર્વે ઉપાધિનો પણ નાશ થઈ જાય છે અને કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે. પછી એને ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ રહે છે કે નથી રહેતો ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામી તથા શુકમુનિ તથા નિત્યાનંદ સ્વામી એ આદિક પરમહંસે જેની જેવી દૃષ્ટિ પૂગી તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું યથાર્થ સમાધાન થયું નહિ.

167. ગઢડા અંત્ય ૫ ( para.2)

તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે, “કોઈક પ્રશ્ન પૂછો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય; એવી તે કઈ ભક્તિ છે ? અને જે ભક્તિમાં કાંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તૃતીયસ્કંધમાં કપિલગીતાને વિષે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે-

168. ગઢડા અંત્ય ૫ ( para.8)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “માહાત્મ્ય યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શુક, સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહવર્તમાન એવી જે ભક્તિ, તે જીવના હૃદયમાં ઉદય થાય છે.”

169. ગઢડા અંત્ય ૮ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે, જે પોતામાં દોષ હોય તેને દેખે નહિ અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય, એ જ એને અતિશય મોટું વિઘ્ન છે.”

170. ગઢડા અંત્ય ૧૧ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે, તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એ જ એનો ઉત્તર છે.”

171. ગઢડા અંત્ય ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય, ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય, અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય. અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે નહિ અથવા ઈંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે ક્યાંઈક પરવશ રાખ્યા અથવા પોતાના મન ને ઇન્દ્રિયો તે ઈંગ્રેજ જેવા જ છે તેણે જ પરવશ રાખ્યા. ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહિ. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે, ‘ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે’ અને કાળ-કર્મને યોગે કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી; માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઈત્યાદિક મોટા મોટા સાધુ હતા તેમણે જેવું જેને જણાયું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું.

172. ગઢડા અંત્ય ૧૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અમારે ભગવાનને વિષે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ જે, અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત્ વિપત્ આવે તેમાં એમ રહે છે જે, એક તો ભગવાનની અતિશય મોટ્યપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી, તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે, ‘આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોટાડ્યું છે.’ અને ભગવાન સંઘાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે, તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે, એવી રીતનો દ્રઢાવ છે. તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે, ‘શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહિ. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. ને એમ જાણીએ છીએ જે, ‘એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારુ.’ એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે, ‘મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહિ.’ એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાનનાં જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ. એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંઘાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ, તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટિ ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંઘાથે અમારે બને નહિ. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વહાલું રાખ્યું નથી; માટે શા સારુ ભગવાનમાં પ્રીતિ નહિ રહે ? અને ભગવાનનાં કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે, ‘જાણીએ, દીવાના થઈ જવાશે.’ અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર રાખીએ છીએ.

173. ગઢડા અંત્ય ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તનભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ,” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, મારે તો બ્રહ્મચર્યવ્રત છે તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે; તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે, એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બૂઢિયો વાનરો ઈત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે. અને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી; એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન-પૂજન નહિ કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ; એ તો સહેજે જ તે સ્ત્રીઆદિકનાં સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે તો પણ એ જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી. ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે, તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી; એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, ‘હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા. શા માટે જે, મનુષ્ય દેહમાં તો તાંબું ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી ! મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજ્યો, જે લાજમર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ !’ એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી.”

174. ગઢડા અંત્ય ૧૪ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, “હે મહારાજ ! જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય જે, ‘ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે.’ તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ જીવને પૂર્વજન્મને વિષે અથવા આ જન્મને વિષે કોઈક અતિશય ભૂંડા જે દેશ, કાળ, સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે; તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર-અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થતી નથી. અને જેવી રીતે ભૂંડા દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ; તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગે કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપકર્મ તેનો નાશ થઈ જાય છે; ત્યારે એને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે.”

175. ગઢડા અંત્ય ૧૪ ( para.6)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! તમે કહ્યું જે, ‘આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય, તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય.’ તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમ પદને પામે.”

176. ગઢડા અંત્ય ૧૫ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, “આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી.” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! કેવી રીતે વાત કરી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાત તો એમ કરી જે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય, તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્યાં સુધી ઘાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ; ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે. તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે, તે જ્યારે નવધા ભક્તિ માંહિલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયની ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન- સ્મરણનું અંગ દ્રઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામ સ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું, તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહિ તો જેમ ઘાયલને પાટો ગોઠે નહિ ને સુખ ન થાય, તેમ એને ભજન-સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહિ. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહિ, ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે, ‘મારું તો એ જ અંગ છે.’ પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી, એ સિદ્ધાંત વાર્તાછે.”

177. ગઢડા અંત્ય ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મુનિમંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજ્યો. તે પ્રશ્ન એ છે જે, ‘ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતા કાંઈ વાર લાગે નહિ, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય ? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય પણ ગુણવાન સંઘાથે સહેજે જ પ્રીતિ થાય ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહિ; માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય, એવો શો ઉપાય છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય, ને કુરૂપ હોય, અથવા રોગી કે વૃદ્ધ હોય, તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહિ. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુવે અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરૂણા આવ્યા હોય તો તેને અન્ન જળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે, તે તો પતિના સંબંધી જાણીને આપે; પણ પોતાના પતિના જેવી બીજા પુરુષમાત્ર સંગાથે લેશમાત્ર પ્રીતિ ન હોય. અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે; અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિષે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિષે હેત થાય જ નહિ. જેમ હનુમાનજી શ્રીરઘુનાથજીના ભક્ત છે. તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિષે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી.

178. ગઢડા અંત્ય ૧૮ ( para.5)

પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય ને પંચવિષયનો અભાવ થઈ ગયો હોય, તે બીજા સર્વ ભક્તને કેમ કળ્યામાં આવે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે “હે મહારાજ ! આ તમારા પ્રશ્નનો ઉત્તર અમારાથી નહિ થાય; માટે તમે કૃપા કરીને કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત ગૃહસ્થાશ્રમી હોય અથવા ત્યાગી હોય ને તેને દેહાભિમાન તથા પંચવિષયમાંથી આસક્તિ તે તો નિવૃત્ત થઈ હોય, પછી પરમેશ્વરની આજ્ઞાએ કરીને જેવી રીતે ઘટે તેવી રીતે દેહાભિમાન પણ રાખ્યું જોઈએ અને જેમ જેને યોગ્ય હોય તેમ પંચવિષય પણ ભોગવ્યા જોઈએ. ત્યાં દૃષ્ટાંત-જેમ અતિશય દૂબળું ઢોર હોય તેને હેઠે લાકડાં ભરાવીને ને શિંગડે-પૂંછડે ઝાલીને ઊભું કરે, તે જ્યાં સુધી એ માણસ ઝાલી રહે ત્યાં સુધી ઊભું રહે અને જ્યારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી ઉપર પડી જાય. તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞાએ કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલી જ ક્રિયાને કરીને રહેવા દે. જેમ કોઈક પુરુષના હાથમાં તીર કમાન્ય હોય, તે જ્યાં સુધી એ પુરુષ ખેંચે ત્યાં સુધી કમાન્ય કરડી થાય અને જ્યારે એ પુરુષ કમાન્યને ખેંચતો આળસી જાય ત્યારે એ કમાન્ય ઢીલી થઈ જાય છે. તેમ જે નિર્વાસનિક પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે. અને જે સવાસનિક હોય તે તો જે જે વ્યવહારમાં જોડાયો હોય, તે વ્યવહારમાંથી પોતાની મેળે છૂટી શકે નહિ, અને પરમેશ્વરની આજ્ઞાએ કરીને પણ છૂટી શકે નહિ. એવી રીતે નિર્વાસનિક પુરુષ ને સવાસનિક પુરુષના લક્ષણ છે.”

179. ગઢડા અંત્ય ૨૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવા જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો; એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે, પણ ઝાઝી વાર ટકે નહિ.”

180. ગઢડા અંત્ય ૨૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નરસિંહ મહેતા તો સખીભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નરસિંહ મહેતા, ગોપીઓ ને નારદ-સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી, એ તો એક પ્રકાર જ છે. અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે; અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, એ તો સત્તામાત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન, સ્ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય, તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહિ. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુવાસના બાંધે છે, તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ. શા માટે જે, સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાનાં મા, બેન કે દીકરી હોય તેવા છે. અને આ સંસારને વિષે અતિશય જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે; માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું.

181. ગઢડા અંત્ય ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિનાં જે સાધન તે શા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઊતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું; એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.”

182. ગઢડા અંત્ય ૨૪ ( para.5)

અને વળી જે હરિભક્તને વિષે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ જે, “દાદાખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ. અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી, તથા અમારો વિશ્વાસ એ અંગ. અને સોમલા ખાચરને સદા એકરે’ણીપણું એ અંગ અને ચૈતન્યાનંદસ્વામીને એમ જે, ‘કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક,’ એ અંગ. અને સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે, ‘ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહિ !’ એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહિ એવું અંગ.” એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા.”

183. ગઢડા અંત્ય ૨૪ ( para.6)

અને પછી એમ બોલ્યા જે, “અહીંની મોટેરી ત્રણ બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, સોમલો ખાચર, દાદોખાચર એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂડી રીતે વર્તો છો ! તથાપિ જો દેશ, કાળ, સંગ, ક્રિયા એ ચારને વિષે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહિ, એ વાતમાં કાંઈ સંશય નથી. અને કદાચિત્ વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિષે જેટલો જ્ઞાનાંશ વધારે હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે. તે જ્ઞાનાંશ તે શું ? તો એમ સમજણ હોય જે, ‘હું જે જીવ તે આવો છું તથા દેહ તે આવો છે તથા દેહના સંબંધી તે આવા છે તથા પ્રકૃતિ, પુરુષ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે તથા ભગવાન તે આવી રીતના છે તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે,’ ઈત્યાદિક જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દૃઢતાની ગ્રંથી, તે પડી હોય ને પછી જે વૈરાગ્ય ઊપજે તે વૈરાગ્ય ખરો. અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય પણ એમાં બળ નહિ, બળ તો જ્ઞાનાંશથી ઊપજ્યો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે પણ તે જળનો પરાભવ એને થતો નથી, પ્રજ્વલિત થકો રહે છે. તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહિ; અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય તો પણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે, વડવાનળ અગ્નિની પેઠે પ્રજ્વલિત થકો વર્તે છે. અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારુ અમે નિરંતર વાર્તા કરીએ છીએ. કેમ જે, કોઈક વાર્તાની ચૂંક લાગે તો એવી આંટી પડી જાય. અને જે એમ ન સમજે ને ‘આ મારી જાત, આ મારી મા, આ મારો બાપ, આ મારા સંબંધી.’ એવી રીતની અહં-મમતાએ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતિવાળો અણસમજુ જાણવો.”

184. ગઢડા અંત્ય ૨૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી, ‘એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે, ‘એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય.’ એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત્પ્રસન્નતા રૂપ ફળને ઈચ્છવું. અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય.”

185. ગઢડા અંત્ય ૨૭ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે, ‘ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય, તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાંખે.” તે ઉપર પોતાની વાર્તા કરી જે, “અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો શ્રીરામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું.”

186. ગઢડા અંત્ય ૩૦ ( para.3)

અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, ‘આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.’ ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે; એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે, આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે, અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી ? અને એમ જાણું છું જે, ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે? ત્યારે રખે ન ટળી હોય ! એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે, મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત; એ જે સર્વ છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ ? અને આની વાસના ટળી છે, ને આને આની નથી ટળી. એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે, જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે, ‘મનને ઉદાસી ન કરવું.’ કેમ જે, ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ, પરમહંસ રાજીપે બેઠાં ભગવદ્‌ભક્તિ કરે છે, તો એ ઠીક છે. અને ભગવદ્‌ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે, મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. એમ નિરંતર અનુસંધાન રહે છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.

187. ગઢડા અંત્ય ૩૧ ( para.2)

અને વાજાં વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા. તે ‘हरि मेरे हालरकी लकरी’ એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ‘जमुना के तीर ठाडो’ એ કીર્તન ગાઓ.” પછી એ કીર્તન ગાવવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજીમહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અમે આ એક વાર્તા કરીએ છીએ, તે છે તો થોડીક, પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે. ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી.” પછી વળી નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “કોટિ-કોટિ ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિષે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે ? તો ક્ષર-અક્ષર થકી પર છે ને સર્વકારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને એવા જે એ ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રકટ પ્રમાણ થકા તમારી સર્વેની દૃષ્ટિને ગોચર સાક્ષાત્પણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રકટ શ્રીકૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદૃશ્યપણું છે. તે શ્રીકૃષ્ણની જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દૃષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજારૂપ વિષયમાત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય, ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તે બેયમાં લગાર પણ ભેદ ન જણાય. અને તે મૂર્તિ ને આ મૂર્તિના રૂપ, અવસ્થા તે બરાબર જણાય. તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે, પણ તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય. અતિશય એકપણું જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બાહેર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી. ને તે જ મૂર્તિને ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુવે ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય ને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. પછી વળી એ ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માંહિલી કોરે ધ્યાને કરીને જુવે ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે ને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી, ને બહુ જ ભયંકર એવી દેખે; જેમ મધ્યાહ્ન કાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય ને તે જ સૂર્યને આથમ્યા ટાણું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય, પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી. તેમ તે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય. પછી એ મૂર્તિને હૃદયને વિષે રહી જે બુદ્ધિ, તે બુદ્ધિને વિષે જુવે તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિષે જુવે ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠમાત્ર પરિમાણે જુવે અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય. અને પછી વળી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટિ કોટિ સૂર્ય-ચંદ્ર-અગ્નિના તેજના સમૂહને વિષે એ મૂર્તિ જણાય છે. તે જેવી દૃષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે, એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો તે તો ગુણમય એવા જે સ્થાનક તેણે કરીને પડ્યો. તે નેત્રમાં સત્ત્વગુણ ને કંઠમાં રજોગુણ ને બુદ્ધિમાં રહ્યો જે જીવ, તે પણ ગુણમય છે.” એમ વાર્તા કરીને પછી બોલ્યા જે, “મોરે ગાતા હતા તે કીર્તન ગાઓ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી.

188. ગઢડા અંત્ય ૩૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું જે, “विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। એ શ્લોકનો અર્થ કરો.” ત્યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો અમે એમ નિશ્ચય કર્યો જે, યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર-વિહારપણે રહેવું. ને આહાર ક્ષીણ થાય; ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય, તે વિના ઇન્દ્રિયો જીતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિષે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે, એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા ? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય, એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે; માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીણી ઝીણી બુંદે વર્ષે છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો. ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે, એ નિશ્ચિત વાર્તા છે.”

189. ગઢડા અંત્ય ૩૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ આગળ એમ વાર્તા કરી જે, “ધન, દોલત, સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહિ અને એને અર્થે કોઈને વિષે આસ્થા આવે નહિ, એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય, પણ ઝાઝા હોય નહિ.” એમ કહીને વળી બોલ્યા જે, “એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહિ. અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે ? તો જે એમ સમજતો હોય જે, ‘આ દેહથી નોખો જે આત્મા તે હું છું ને તે હું પ્રકાશમાન-સત્તારૂપ છું ને તે મારા સ્વરૂપને વિષે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકારમાત્ર તે અસત્ય છે ને અનંત દોષે યુક્ત છે. એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહિ, પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમ જે, એ એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોનામહોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય, તો એ ત્યાગી છે તોય પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહિ. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઊતરતો હશે, તે જેવા પણ રહે કે ન રહે, એમાં પણ સંશય છે. કેમ જે, એ પદાર્થનો તો યોગ જ એવો છે. જેમ આ આપણ સર્વ બેઠા છીએ, તે કેવા ડાહ્યા છીએ ! પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ ઠા રહે નહિ; તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહિ. માટે એ પદાર્થનો યોગ જો ન થવા દે તો એ એથી બચે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે જે, ‘રખે મને એનો યોગ થાય ! અને એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે, ‘એનો સંગ તો એક ભગવાનને ન લાગે.’ તે કહ્યું છે જે, ‘ऋषिं नारायणमृते’ તથા ‘येऽन्ये स्वतः परिहृतादपि बिभ्यति स्म । “

190. ગઢડા અંત્ય ૩૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ? તો જેને વિષે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ, એટલાં વાનાં હોય તેને એકાંતિક ભક્ત કહીએ. અને એની ગતિ એમ કહી છે જે, ‘એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય.’ તે પ્રવેશ તે શું ? તો તેજના મંડળને વિષે દિવ્યમૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એ ભક્તને સ્નેહ હોય, તે સ્નેહે કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિષે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિષે પણ બહાર થકી રહે. ‘જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિષે ચિહ્નરૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યાં છે ને બહાર થકી સ્ત્રીરૂપે કરીને સેવામાં પણ રહ્યાં છે,’ તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ જાણવો. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામસ્મરણ ઈત્યાદિક જે દસ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું માહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય, તે એવું હોય જે, ‘તે વિના કોઈ રીતે ચાલે જ નહિ.’ જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહિ ને તે અફીણ તો કડવું ઝેર છે, તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહિ. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહિ. તે એને ઘણાક રૂપિયા આપે તો પણ તે બંધાણથી તે વહાલા ન થાય ને ન લે. કેમ જે, એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે. તેમ જેને ભગવદ્‌ભક્તિ આદિક ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહિ. ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહિ. ને ભગવદ્‌ભક્તિ આદિક ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઈશક હોય, એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ છે એમ જાણવું. અને તે ભગવદ્‌ભક્ત કેવો હોય ? તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા ? એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો ને એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય, અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે ચાળે ચઢી જાય, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ, પણ એ ભક્ત ખરો નહિ ને એનો વિશ્વાસ નહિ.”

191. ગઢડા અંત્ય ૩૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદરૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જે તે, તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે. ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન; તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

(કુલ: 258)