રાજીપો

રાજીપો

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "રાજીપો" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૮ ( para.4)

અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થાશે; કાં જે, અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુક્ત૧ જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું; જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું, તે તો નારદ-સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહિ તો બીજાની શી વાર્તા કહેવી ? અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે, તેમાં ઉપાધિમાં૨ રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહિ અને હમણાં પણ કોઈયે નથી અને કોટિ કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારુ બોલાવીએ છીએ અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ અથવા કોઈ સારાં ભોજન કરાવે છે તેને જમીએ છીએ અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્ત્ર-આભૂષણ તથા પુષ્પના હાર ઈત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી; અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રીરામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો મા, અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો, એ વચન અમારું જરૂરા-જરૂર માનજ્યો. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે માટે સર્વના સમજ્યામાં તુરત આવી જાશે, તે સારુ સત્સંગમાં અતિશય પ્રવર્તાવજ્યો, તેમાં અમારો ઘણો રાજીપો છે.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા.

2. ગઢડા પ્રથમ ૫૮ ( para.3)

પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.”

3. કારિયાણી ૬ ( para.3)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આટલાં આટલાં વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈનાં વસ્ત્રઘરેણાં પહેરીને રાજી થયા નથી. આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો.” પછી મુનિ બોલ્યા જે, “એવા જ એ પ્રેમી હરિભક્ત છે.” એવા સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજીમહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજીમહારાજે ભારે ભારે વસ્ત્ર હતા, તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યાં.

4. કારિયાણી ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યન્ત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું, અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ, ઇન્દ્રિયોને દમીને તપ કરે છે, માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ, તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઈચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ જે, ‘મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબધી ભોગસુખ તે નથી જોઈતાં, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે.’ અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ. અને જે જીવ ભગવાનને સર્વ કર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો; કાં જે, ભગવાન વિના બીજા જે કાળ, કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”

5. ગઢડા મધ્ય ૨૭ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવું તમારે વિચારનું બળ રહે છે, તે શાને યોગે રહે છે ?”ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, ‘જે રીતે ભગવાનનો કુ રાજીપો થાય, તે સ્વભાવ રાખવો નથી.’ અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, ‘સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કામ-ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે. અને એવી રીતે કામ-ક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે, તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે, તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતાં એનાં બંધનમાં રહેવાય નહિ; બંધન ત્રોડીને નીકળાય ખરું.”

6. ગઢડા મધ્ય ૨૮ ( para.2)

પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત તો સારુ જ છે, પણ સ્કંદપુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે, એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય, તો તેનો તત્કાળ ત્યાગ કરી દે; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો, તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી, એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે, તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉં, ને થોડીક વાતમાં રાજી પણ ન થઉં’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુ રાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુ રાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’ એ જ મારે વિષે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહિ.

7. ગઢડા મધ્ય ૨૮ ( para.3)

અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે, તે અતિશય મોટા હતા તો પણ પોતાની પદવી થકી પડી ગયા છે. અને જેનું રૂડું થાય છે, તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે, તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન, કર્મ, વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે, ‘ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારુ નથી જાણતો.’ અને સર્વ શાસ્ત્રનું પણ એ જ સાર છે જે, ‘ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું.’ અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. અને જેને ભગવાન ને ભગવાનના ભક્તનો સંગ છે, ને ભગવાનનો રાજીપો છે, ને તે જો મૃત્યુલોકમાં છે તો પણ ભગવાનના ધામમાં જ છે; કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનને સમીપે જઈને જ નિવાસ કરશે. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે, તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે, તેમ જ તમારે પણ નિશ્ચય કરવો.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, “હે મહારાજ ! અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે.” એમ કહીને સર્વે હરિભક્ત વિનતિએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે ? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને આ વાર્તા છે, તે જીવનદોરી રૂપ છે.”

8. ગઢડા મધ્ય ૩૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહિ અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહિ. અને અમે અહિંયા ટક્યા છીએ તે પણ અહિંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગાઉ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે, તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે, તો તે એવી ગમતી નથી. અને અમે જે જે વાર્તા કરીએ છીએ, તેને વિષે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસ થકી પ્રકટ થયા છીએ, તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહિ, ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુ રાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મહોબત જાણીને ઝાઝું કહેવાય નહિ. અને વળી સાધુ દાવો છે. માટે હૈયામાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે ઝાઝો દંડ થાય. માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈયો તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે, ‘સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત્ જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો મા.’ શા માટે જે, જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે, ‘બધા સત્સંગને મૂકીને જતા રહીએ.’ માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે.”

9. અમદાવાદ ૩ ( para.3)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યુ જે, “ઉપશમદશા પામ્યાનો તમે કહ્યો જે આત્મારૂપે થઈને ભગવાનના ધ્યાન કરવા રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે. માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય, અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા-ચાકરી, દર્શન કરવું; તેમાં અતિશય વેગવાન્ શ્રદ્ધા વર્તતી હોય, એવો જે ભગવાનનો ભક્ત, તેને એ ઉપશમદશા આવે છે. પણ અમને એમ ભાસે છે જે, ‘જે સેવક માની હશે તે તો કોઈને નહિ ગમતો હોય.’ અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી, તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, તેમ માની સેવકને પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય. માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો.”

10. ગઢડા અંત્ય ૨૬ ( para.3)

પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુ રાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”

11. ગઢડા અંત્ય ૩૦ ( para.3)

અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચય જણાય છે જે, ‘આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.’ ને સુખ-દુઃખ, રાજીપો-કુ રાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે; એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે, આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે, અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી ? અને એમ જાણું છું જે, ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે? ત્યારે રખે ન ટળી હોય ! એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે, મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત; એ જે સર્વ છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ ? અને આની વાસના ટળી છે, ને આને આની નથી ટળી. એમ સર્વેના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે, જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે, ‘મનને ઉદાસી ન કરવું.’ કેમ જે, ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ, પરમહંસ રાજીપે બેઠાં ભગવદ્‌ભક્તિ કરે છે, તો એ ઠીક છે. અને ભગવદ્‌ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે જે, મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. એમ નિરંતર અનુસંધાન રહે છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.

(કુલ: 24)