સાંખ્ય

સાંખ્ય

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "સાંખ્ય" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧૭ ( para.2)

તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, “આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે, ‘વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે.’ તે કેવી રીતે વાત કરે છે ? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે; અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઈત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્ય રહિત વાત કરશો નહિ, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્ય રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો.”

2. ગઢડા પ્રથમ ૧૮ ( para.3)

અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, તે હવેલીને વિષે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાનાં કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થેઈથેઈકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતાં હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સહવર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુવે તો જાણ્યામાં આવે છે અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહિ. અને સત્સંગ થયા મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભૂંડું થાય. જેમ, ‘જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, ને તેનો લોભ કરે તો ઝાઝો બગાડ થાય.’ તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો; અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાં જે, તમે અમારો દાખડો સફળ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું. અને જો એમ નહિ રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો, અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઈક કાળે પ્રગટ થાશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો.

3. ગઢડા પ્રથમ ૫૨ ( para.2)

પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર; એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે, તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમા કહે છે અને ચોવિશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થતા તેમ જીવ, ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ ચોવિશ તત્ત્વ ભેળા જ ગણે છે અને જીવ, ઈશ્વરે સહિત એવા જે ચોવિશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવિશમા જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે. અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવીશમા કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ, ઈશ્વરને પંચવિશમા કહે છે ને ચોવિશ તત્ત્વને પૃથક્ કહે છે, ને એ તત્ત્વથી પોતાના આત્માને પૃથક્ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે. અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, ‘એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન; એ ચતુર્વ્યૂહરૂપે થાય છે ને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે અને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે, તેનું કલ્યાણ થાય છે.’ એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે જે, ‘ સાંખ્ય શાસ્ત્રમાં જીવ-ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા. તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવિશમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય.’ અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે, તેને પરિછિન્ન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે.’ અને જો એક વેદાંતશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, ‘જે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે.’ અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે, ‘જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય.’ માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે. અને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે, માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય. અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પોણો જ્ઞાની કહેવાય ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણેને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય ને ચારેને મૂકીને જે પોતાની મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને એ ઉપાસનાવાળો તે પણ દંભી ભક્ત છે.”

4. ગઢડા પ્રથમ ૭૩ ( para.5)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્‌ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”

5. લોયા ૧૫ ( para.7)

અને વેદાંત જે ઉપનિષદ્ તથા યોગ તથા સાંખ્ય; એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તમને અમે પૃથક્-પૃથક્પણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો ચોવિશ તત્ત્વને કહીને તેથી પર પંચવિશમાં પરમાત્માને કહે છે, પણ જીવ-ઈશ્વરને પૃથક્પણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે, તત્ત્વ છે તે જીવ વિનાના હોય નહિ; માટે તત્ત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્ત્વરૂપ જ કહે છે, પણ તત્ત્વ થકી પૃથક્ નથી કહેતા. અને જેમ જીવને ચોવિશ તત્ત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર, તેને પણ ચોવિશ તત્ત્વરૂપ માને છે. એવી રીતે જીવ-ઈશ્વર એ બેયને તત્ત્વરૂપ માનીને તત્ત્વ ભેળે જ એને ગણે છે, પણ તત્ત્વથી નોખા નથી ગણતા. અને એ પંચવિશમા પરમાત્માને કહે છે; એ સાંખ્યનો મત છે. પણ એમ ન સમજવું જે જીવ નથી, કાં જે, સાંખ્યવાળે ષટ્સંપત્તિ શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યા છે, તે જીવને જ કરવાના કહ્યા છે, પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્ત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે, એવી રીતે સાંખ્યમત છે, તે મોક્ષધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું જે- “त्यज धर्ममधर्मं च उभे सत्यानृते त्यज । उभे सत्यानृते त्यक्त्वा येन त्यजसि तत्त्यज।।” એનો અર્થ એમ છે જે, જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરી અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી; એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે ચોવિશ તત્ત્વને પૃથક્ ગણે છે અને જીવ-ઈશ્વરને પંચવિશમા કહે છે ને પરમાત્માને છવિશમા કહે છે. અને વિવેકે કરીને પંચવિશમાને તત્ત્વ થકી પૃથક્ સમજીને તેને વિષે પોતાપણાની દ્રઢતા માનીને, ચોવિશ તત્ત્વની જે વૃત્તિયો તેનો પિંડીભાવ કરીને બળાત્કારે છવિશમાને વિષે રાખે, પણ વિષય સન્મુખ જવા દે નહિ. અને એમ સમજે જે, ‘મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસૃતિ થશે.’ માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિઓ, તેને ભગવાનને વિષે રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે, ‘મારે ઇન્દ્રિયો-અંતઃકરણ જ નથી તો જશે ક્યાં ?’ માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાંને ઉપર ઊંચું ચઢવું હોય ને બે કોરથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષય થકી બીયને ભગવાનને વિષે વૃત્તિઓને રાખે છે; એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ્ તેનો મત એ છે જે, સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમનારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્ત્વને દેખે નહિ, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહિ; એવી રીતે વેદાંતનો મત છે.”

6. પંચાળા ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ.” એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું. પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “યોગવાળા છે તે પંચવિશમાં જીવ-ઈશ્વરને કહે છે અને છવિશમા પરમાત્માને કહે છે. અને સાંખ્યવાળા છે તે ચોવિશ તત્ત્વને અવાંતર જીવ-ઈશ્વરને કહીને પંચવિશમાં પરમાત્માને કહે છે. તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે, સૂઝે એવો આત્મા-અનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે જે, સર્વે દેવ-મનુષ્યાદિકની જે ગતિયો તેને જાણીને અને વિષયને વિષે વૈરાગ્યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. તેમાં યોગમતમાં દૂષણ છે જે, જીવને પંચવિશમો કહ્યો તથા ઈશ્વરને પંચવિશમાં કહ્યા; અને જીવનો ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો ને ઈશ્વરનો પણ ચોવિશ તત્ત્વનો દેહ કહ્યો. માટે એ બેયને વિષે તુલ્યભાવ આવી જાય જે, સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે, તથા સૂક્ષ્મ ને સૂત્રાત્મા તે તુલ્ય છે, અને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે; તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે, તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે, તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે; અને વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા અને શિવ તે તુલ્ય છે. એમ સમજીને છવિશમાને ભજે છે. એવી રીતે જીવ-ઈશ્વરને વિષે જે તુલ્યભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી જે, ‘ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યાં છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે, ને તે ભૂત સર્વ જીવના દેહોને ધારી રહ્યાં છે; અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી. અને જીવ છે તે અલ્પજ્ઞ છે; ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે.’ એવી રીતે યુક્તિ શીખીને જીવ- ઈશ્વરને વિષે સમપણું ન સમજવું. અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે, તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂંથાઈ જાય. અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ-ઈશ્વરને વિષે સમપણું રહેવા દે નહિ, માટે જીવ ઈશ્વરને વિષે સમપણું ન આવે એવી રીતની યુક્તિ શીખવી અને એવી રીતના જે વચન તેને સાંભળવા. અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે, ચોવિશ તત્ત્વ કહ્યા છે ને પંચવિશમાં પરમાત્મા કહ્યા છે; ને તે ચોવિશ તત્ત્વને મિથ્યા કહ્યા છે ને પરમાત્માને સત્ય કહ્યા છે; ત્યારે તે પરમાત્માને પામે છે કોણ ? કેમ જે, પામનારા જીવને તત્ત્વથી ભિન્ન કહ્યો નથી. માટે એ જે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટા થકી એમ યુક્તિ શીખવી જે, ‘એ ચોવિશ તત્ત્વ કહ્યા તે જીવ વિના હોય નહિ; માટે એ તત્ત્વ ભેળા જ જીવ-ઈશ્વરને કહ્યા છે. તે જીવ ઈશ્વર એ તત્ત્વથકી પૃથક્ છે ને પરમાત્માને પામે છે. એવી રીતની યુક્તિ શીખવી. અને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે, ‘તત્ત્વ તો મિથ્યા છે, ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યા છે તે શાને અર્થે કહ્યા છે ?’ માટે તત્ત્વના તદાત્મકપણાને પામ્યા જે જીવ-ઈશ્વર તેને તત્ત્વરૂપે કરીને કહ્યા છે, પણ એ તત્ત્વ થકી અતિ વિલક્ષણ છે, તે પરમાત્માને પામે છે. ઈત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી. અને યોગવાળા જે છે તે, ‘પ્રત્યક્ષમૂર્તિ એવા જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય,’ એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને જે સાંખ્યવાળા છે તે જે તે, ‘यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह’, ઈત્યાદિક શ્રુતિશાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય; એવી યુક્તિનું ગ્રહણ કરે છે. અને એ બેય મત છે તે સારા છે અને મોટાએ માન્યા છે અને એ બેયનું યથાર્થ જો આચરણ જે કરે તો તે પરમગતિને પામે છે. અને એ બે મત છે તેમાં સાધન સરખા કહ્યા છે, પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી, ઘણી પૃથક્ છે.”

7. પંચાળા ૨ ( para.3)

એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “હવે તો કીર્તન ગાઓ.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજિંત્ર લઈને કીર્તન ગાવા લાગ્યા. તે પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અને એ સાંખ્ય ને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર્યો છે, તે કહીએ તે સાંભળો- જે યોગવાળો છે તેને આત્યંતિક પ્રલયને વિષે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્યરૂપ ભગવાનની મૂર્તિ રહી છે, તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષના કાર્ય જે ચોવિશ તત્ત્વ તે રૂપ ભગવાન ધ્યાન ધરવા યોગ્ય છે, અને તેથી ઓરા હિરણ્યગર્ભ ને તેથી ઓરા ચોવિશ તત્ત્વથી ઉપજ્યો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા પૃથ્વીને વિષે જે મત્સ્ય, કૂર્મ, નૃસિંહ, વરાહાદિક ભગવાનના અવતાર તથા શાલગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે; એવું યોગવાળાનું તાત્પર્ય જણાણું. પછી સાંખ્યનો વિચાર ઉપજ્યો, ત્યારે તેણે એ આકારમાત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાણું જે, ‘એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે, તે જેવો શુદ્ધ કોઈ નથી; માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે.’ એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે, એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અન્વયપણું છે; માટે એ સર્વે ભગવાન જ છે, ને દિવ્યરૂપ છે, ને સત્ય છે, ને ધ્યેય છે. અને એ વાતને દ્રઢ કરવાને અર્થે શ્રુતિ છે જે, ‘सर्वं खल्विदं ब्रह्म’, ‘नेह नानास्ति किञ्चन’ તથા ‘इदं हि विश्वं भगवानिवेतरो यतो जगत्स्थाननिरोधसंभवाः’ એવી રીતનો યોગમાર્ગ છે તેને વિષે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી; શા માટે જે, એ માર્ગ સ્થૂળ છે ને એને વિષે પ્રત્યક્ષમૂર્તિ ભગવાનનું આલંબન છે. તે સારૂ જેવો-તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે; પણ એ માર્ગમાં એક દોષ છે જે, એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિપુરુષાદિકને અંશ-અંશીભાવ આવી જાય છે જે, ‘ભગવાનના અંશ પ્રકૃતિપુરુષ છે, અને તેના અંશ હિરણ્યગર્ભ, વિરાટાદિક છે.’ એવી રીતે સમજાય તો મોટો દોષ આવે, કાં જે, ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેને વિષે ચ્યુતભાવ આવે છે ને અંશ-અંશીભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહિ.

8. પંચાળા ૨ ( para.4)

અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે; ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધરૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે.’ એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે, એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, ‘અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે.’ એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, એમના રૂપને પણ મિથ્યા કરે છે અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે; એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે, સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું.’ એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ. અને છે તો એમ જે, પ્રથમ સાંખ્યવિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે; તે કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” તથા “आत्मारामाश्च मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरिः।।” “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्।।” એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. કાં જે, એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે, તેને અતિશય તુચ્છ જાણે છે; માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે.’ ત્યારે તેને એમ વિચારે જે, ‘ગમે તેવું સારુ હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે નાશવંત છે.’ એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા; અને એમ ન કરે તો એને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે, તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાંખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણઆદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર; એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે.”

9. ગઢડા મધ્ય ૮ ( para.8)

એ શ્લોકનો અર્થ એ છે જે, ‘આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે, તે તો મને સહિત જે પંચજ્ઞાનઇન્દ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે; અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લઇ જાય છે.’ માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતાં નથી, તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ અને નારદપંચરાત્ર; એ આદિક સર્વ શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે, ‘યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે, સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાનયજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે, એવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો અને જ્યાં સુધી એવું ન થવાય, ત્યાં સુધી એટલું અધુરું જાણવું. અને નિરન્નમુક્ત જેવા થવાની અતિશય ઇચ્છા રાખવી, પણ શ્રદ્ધારહિત થવું નહિ અને પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને ને સાવધાન થઇને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો.”

10. ગઢડા મધ્ય ૧૦ ( para.5)

હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ જે, જ્ઞાનનિરૂપણને વિષે બે શાસ્ત્ર છે; એક સાંખ્યશાસ્ત્ર ને બીજું યોગશાસ્ત્ર. તેમાં સાંખ્યશાસ્ત્રનો મત એ છે જે, જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી, તેમ પુરુષોત્તમ ભગવાન છે, તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપિની ઉપનિષદ્‌માં કહી છે જે, જ્યારે દુર્વાસાઋષિ વૃંદાવનને વિષે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણભગવાને ગોપીઓને કહ્યું જે, ‘દુર્વાસા ભૂખ્યા છે, માટે સર્વે થાળ લઇને જાઓ.’ પછી ગોપીઓએ પૂછ્યું જે, ‘આડાં યમુનાજી છે, તે કેમ ઉતરાશે ?’ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને તમે એમ કહેજો જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજ્યો.’ પછી ગોપીઓએ હસતી હસતી યમુનાજીને કાંઠે જઇને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડતાં તે ઋષિ સર્વના થાળ જમી રહ્યા. પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે ઘેર કેમ કરીને જઈએ ? આડાં યમુનાજી છે.’ ત્યારે તે ઋષિએ પૂછ્યુ જે, ‘આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘શ્રીકૃષ્ણે એમ કહ્યું હતું જે, અમે સદા બાળબ્રહ્મચારી હોઇએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યા છીએ.’ તે વાત સાંભળીને ઋષિ બોલ્યા જે, ‘હવે યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજ્યો.’ પછી ગોપીઓએ હસતી હસતી જઇને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઇને અતિશય આશ્ચર્ય પામી. માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિર્લેપ છે અને સર્વે ક્રિયાઓને કર્તા થકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે એવું સમજવું, એ સાંખ્યને મતે જ્ઞાન છે.

11. ગઢડા મધ્ય ૧૭ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ સાંખ્યવાળે ચોવિશ તત્ત્વ કહ્યા છે, તે સાંખ્યને મતે ત્રેવિશ તત્ત્વ ને ચોવિશમો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વરરૂપ ચૈતન્ય છે. તે એ રીતે ચોવિશ તત્ત્વ કહ્યા છે; કેમ જે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે. તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહિ. તે માટે તત્ત્વ ભેળા જ જીવ ઈશ્વરને કહ્યા છે. અને ભગવાન છે તે તો ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ; એ બન્નેના આશ્રય છે. માટે ભગવાન થકી માયિક તત્ત્વ જુદા કેમ કહેવાય ? અને જેમ આકાશ છે તેને વિષે ચાર તત્ત્વ રહ્યાં છે, તો પણ આકાશને કોઈનો દોષ અડતો નથી; તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્ત્વનો એકેય દોષ અડતો નથી, એવું જ ભગવાનનું સ્વરૂપ છે. તેમાં ચોવિશ તત્ત્વ કહીએ તેમાં શો બાધ છે ? અને તત્ત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું? અમને તો એમ જણાય છે.”

12. ગઢડા મધ્ય ૨૪ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે. તેમાં યોગનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડવૃત્તિ રાખે. અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહિલી કોરે જે સુખ છે, તે સર્વેનું પરિમાણ કરી રાખે જે, ‘આ સુખ તે આટલું જ છે.’ અને એ સુખની કેડ્યે જે દુઃખ રહ્યું છે, તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય. અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય, પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય, તે ક્યાંક બીજે પણ ચોટી જાય. કેમ જે, યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય; માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા, એ બે જો એકને વિષે હોય તો પછી કાંઈ વાધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહિ અને એમ સમજે જે, ‘ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત; તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે, તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી.”

13. ગઢડા મધ્ય ૩૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય, તે જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય, તે જેમ પુત્રકલત્રાદિકમાં ચોટે છે, તેમ પરમેશ્વરમાં પણ ચોટે; માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે, અતિશય શૂરવીરપણું; તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે, તે વિચારે કરીને ઘાટમાત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે; તે જેના હૃદયને વિષે જન્મ, મૃત્યુ ને નરક ચોરાશી તેની બીક અતિશય રહેતી હોય, તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે; તે જે પુરુષ વૈરાગ્યવાન હોય, તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને, તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને, પછી તે આત્માને વિષે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે. અને એ ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય; પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડવૃત્તિ રહે નહિ. અને ભગવાનને વિષે અખંડવૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે.”

14. ગઢડા મધ્ય ૫૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે; તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ, તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ, તેને વિષે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી; એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈકે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી; એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી, અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ, કર્મ, માયાનો શો ભાર છે ? એમ જાણીને એવી હિંમત બાંધી છે જે, ‘હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી.’ અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જે, જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતનાં સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહિ. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે, તે કહ્યું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી.

15. ગઢડા મધ્ય ૫૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉં છું;’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય ?” પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે. જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહિ અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહિ; શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે; એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે, “यस्यात्मबुद्धिः कुणपे त्रिधातुके स्वधीः कलत्रादिषु भौम इज्यधीः । यत्तीर्थबुद्धिः सलिले न कर्हिचिज्जनेष्वभिज्ञेषु स एव गोखरः ।।” એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે.”

16. ગઢડા મધ્ય ૬૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! દ્દૃષ્ટા ને દૃશ્ય મધ્યમાં જે વિચાર રહે છે, તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો-અંતઃકરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે, તે જીવનું જ છે; તે ઇન્દ્રિયો- અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા, તે આત્માપણે રહેવું; પણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.

17. વરતાલ ૨ ( para.3)

અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાને મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજ્યામાં આવ્યું નહિ, ત્યારે સાંખ્યશાસ્ત્રે કરીને ચોવિશ તત્ત્વ કહ્યા ને પંચવિશમું ભગવાનનું સ્વરૂપ કહ્યું. તે સાંખ્યના આચાર્ય જે કપિલમુનિ, તેણે એમ વિચાર્યુ જે, “સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, તેને વિષે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી, અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત તેને વિષે એકપણે વર્તે છે પણ તે વિના રહી શકતા નથી.’ માટે સાંખ્યશાસ્ત્રે જીવને ને ઈશ્વરને ચોવિશ તત્ત્વ ભેળા જ ગણ્યા છે અને પંચવિશમા પરમાત્માને કહ્યા છે.” અને યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્યગર્ભ ઋષિ, તેણે ચોવિશ તત્ત્વ કહીને પંચવિશમો જીવને કહ્યો છે, તેમ જ પંચવિશમા ઈશ્વરને કહ્યા છે, અને પરમાત્માને છવિશમાં કહ્યા છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું, તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું, અને અનુમાન પ્રમાણે તો થયું જે, ‘ સાંખ્યને મતે ચોવિશ તત્ત્વથી પર છે તે વસ્તુ સત્ય છે અને યોગને મતે ચોવિશ તત્ત્વથી પર જીવ-ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે તે સત્ય છે.’ એવી રીતે પરમાત્માના સ્વરૂપનું બેય શાસ્ત્ર વતે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું, પણ તે ભગવાન કાળા છે કે પીળાં છે? કે લાંબા છે કે ટૂંકા છે ? કે સાકાર છે કે નિરાકાર છે ? એવું કાંઈ જ્ઞાન ન થયું.

18. વરતાલ ૪ ( para.3)

એમ ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ પ્રશ્ન પૂછતા હવા જે, “ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય, તે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે ? અને કેમ પોતાના મનને ચલાવે ? ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે ? અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ? ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે ? અને નિદ્રારૂપી લય ને સંકલ્પ વિકલ્પરૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે? એનો ઉત્તર કહો.” પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઊછળે છે, તેમ અંતઃકરણરૂપી જે ફુવારો, તેને વિષે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિય દ્વારે ઊછળે છે તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને, એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિષે સાક્ષીરૂપે રહ્યા એવા જે શ્રીવાસુદેવ ભગવાન તેનું ચિંતવન કરે અને બીજી વૃત્તિ છે તેને તો દૃષ્ટિદ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતવન કરે. તે પણ નખશિખા પર્યન્ત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતવન કરે પણ એક એક અંગનું જુદું જુદું ચિંતવન ન કરે. જેમ મોટું મંદિર હોય તેને એકસામટું ભેળું જ જુવે તથા જેમ મોટો પર્વત હોય તેને એકસામટો ભેળો ને ભેળો જ જુવે, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુવે પણ એક એક અંગ ન જુવે. અને તે મૂર્તિને જ્યારે પોતાની દૃષ્ટિ આગળ છેટે ધારે, ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢૂંકડી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે, એમ કરતા પણ આસપાસ કાંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટિના મધ્યને વિષે મૂર્તિને ધારે, એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દૃષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી, તેણે કરીને મૂર્તિને ઊંચી ચઢાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે, એવી રીતે યોગકળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રકુટિમાં લાવીને હૃદયને વિષે મૂર્તિને ઉતારે. અને અંતરને વિષે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે. પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે, એવી રીતે જે શ્રોત્ર, ત્વક્, રસના અને ઘ્રાણ; તે દ્વારે પણ યોગકળા સાધે અને તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર; તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે. અને ઇન્દ્રિયો ને અંતઃકરણ એ સર્વેને સાંખ્યવિચારે કરીને જ જુદા કરીને એકલા ચૈતન્યને વિષે જ ભગવાનની મૂર્તિને ધારે. અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય અને તે સમે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે, પણ વિક્ષેપને વિષે પોતાની યોગકળાનો ત્યાગ ન કરે. એવી રીતની યોગકળાએ યુક્ત એ યોગી વર્તે છે.”

19. વરતાલ ૮ ( para.2)

અને મુનિ દૂકડ સરોદા લઇને કીર્તન ગાવતા હતા. તે સમે શ્રીજીમહારાજે અંતર્દૃષ્ટિ કરીને ધ્યાનમુદ્રાએ યુક્ત થઇને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઇને બોલ્યા જે, “હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ જે, આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે વૃત્તિ રોકાય છે. માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્ત્વપ્રધાન છે. ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે. અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્યે બેસે. તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે, તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી, તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઇ રહે છે ને ક્યારેક તો અંતઃકરણને વિષે રહે છે ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્યે રહે છે. એમ વર્તતા થકા પૃથ્વીતત્ત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળતત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિતત્ત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુતત્ત્વપ્રધાન થાય ત્યારે લીલી જણાય, ને જ્યારે આકાશતત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશે યુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઇને જો દેવની પૂજા કરે, ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. તેમ પરમેશ્વરને વિષે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ; એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઇને પરમેશ્વરના સ્વરૂપને વિષે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઇ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે, પણ સુષુપ્તિમાં લીન થવું, એવી એ યોગીને નિદ્રા હોય નહિ.”

20. વરતાલ ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે, તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે, ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ; તે કેવી રીતે ? તો ઉદ્ધવ તે રામાનંદસ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં. તે શાસ્ત્રના નામ- ૧. વેદ, ૨. વ્યાસસૂત્ર, ૩. શ્રીમદ્‌ભાગવત પુરાણ, ૪. મહાભારતને વિષે વિષ્ણુસહસ્ત્રનામ, ૫. ભગવદ્‌ગીતા, ૬. વિદુરનીતિ, ૭. સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું વાસુદેવમાહાત્મ્ય, અને ૮. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ. એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા, અને સ્થાનક, સેવક ને કાર્ય; તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે ? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર છે, ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ, તેમણે સેવ્યા છે, ને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેના કર્તા છે ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, ને સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે; ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન; એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્યૂહ; એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર, તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર; એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું.૧

21. વરતાલ ૧૮ ( para.3)

અને સર્વે જે આચાર્ય થયા છે, તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિમ્બાર્ક ન કહેવાય, વિષ્ણુસ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય; કેમ જે, એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહિ તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ જે, વ્યાસજી તો વેદના આચાર્ય છે, ને પોતે ભગવાન છે. માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. અને તે જે વ્યાસજી તેણે જીવના ક્લ્યાણને અર્થે વેદનો૨ વિભાગ કર્યો ને સત્તર પુરાણ કર્યા ને મહાભારત કર્યું, તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું જે, ‘જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો.’ ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ્‌ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા. તે ભાગવતને વિષે સર્વ અવતાર કરતા શ્રીકૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે ને સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણવિભાગના અધ્યાયમાં કહ્યું છે જે, ‘હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે.’ માટે કામભાવ, દ્વેષભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્નેહભાવ; એમાંથી જે જે ભાવે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનને જે જીવ આશર્યા તે નિર્ગુણ થઈ ગયા. માટે એ શ્રીકૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે. એવી રીતે વ્યાસજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે. અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે, ‘સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર, તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર તે એના છે.’ અને જો એ શ્રીકૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહિ કહે ને શુદ્ધ સત્ત્વાત્મક કહેશે, તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તેને વિષે મોટો બાધ આવશે; કેમ જે, ગોપીઓએ શ્રીકૃષ્ણને ભગવાન ન જાણ્યા ને કામભાવે કરીને એ જ શ્રીકૃષ્ણ ભગવાનને ભજ્યા, તેણે કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ, ત્યારે તે શ્રીકૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્ત્વાત્મક કેમ કહેવાય ? માટે શ્રીકૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જે,

22. વરતાલ ૨૦ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસિની આવી, ત્યારે જનકરાજા સુલભા પ્રત્યે બોલ્યા જે, “તું મારા ચિત્તને મોહ પમાડ્યાનું કરે છે પણ મારા ગુરુ જે પંચશિખ ઋષિ, તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ; એ બે મતને અનુસર્યો છું. માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે અને અર્ધું શરીર તરવારે કરીને કાપે, એ બેય મારે બરોબર છે અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્યે કહ્યું અને શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે જે, ‘ઈન્દ્રયોની વૃત્તિ અનુલોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિમાર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય, તો તે કોઈ રીતે વિકારને પામે નહિ.’ અને જેને જેવું જાણ્યું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય જે, આ તે સાર છે ને આ તે અસાર છે. પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે અને પોતાને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તે થકી નોખો આત્મારૂપે જાણે, પછી એને કોઈ એવુ પદાર્થ નથી જે, ‘મોહ પમાડવાને અર્થે સમર્થ થાય.’ કેમ જે, એ તો સર્વે માયિક આકારને તુચ્છ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ્ય બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિમાર્ગને વિષે સર્વે અનુલોમપણે વર્તતા હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે. એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય, પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહીત્યાગીનો કાંઇ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ, બ્રહ્માદિકને વિષે જે ખોટ્ય કહેવાય છે તેનું તો એમ છે જે, કેટલાકને વિષે તો આવી રીતની સમજણની કસર છે ને કેટલાકને વિષે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ્ય કહેવાણી છે. માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”

23. અમદાવાદ ૩ ( para.4)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મૂળજી બ્રહ્મચારી ને રતનજી; એ અતિશય ક્યાં ડાહ્યા છે ? પણ કલ્યાણનો ખપ અતિશય છે. માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ-ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે, તેવા તો પરમહંસ તથા સાંખ્યયોગી ને કર્મયોગી સત્સંગી; તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ જે, અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે. માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે. માટે કોઈક કપટી હશે તો એમને છેતરી જશે, તે સારુ એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહ્યે કરવા દેવું નહિ. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી, એમ અમારી આજ્ઞા છે.”

24. ગઢડા અંત્ય ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને જે અંગ બંધાય છે, ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય, ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈક ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય, તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાઝ થાય ? તેવી દાઝ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાઝ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’ માટે અમને તો એમ ભાસે છે જે, પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી, તેને અતિશય મંદબુદ્ધિવાળો જાણવો. શા માટે જે, જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક, વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ, તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારુ ખાવા પડે છે ? જે, સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારુ સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, ‘જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી.’ તે શ્રુતિમાં કહ્યું છે જે,’જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.’ અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી, તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય જે, ‘એ વાર્તા અતિ ઝીણી છે.’ ને બીજાને તો સમજ્યામાં પણ આવે નહિ, એવી અતિશય ઝીણી વાર્તા છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ “જય સચ્ચિદાનંદ” કહીને પોતાના ઉતારામાં પધાર્યા.

25. ગઢડા અંત્ય ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે, તે આ સત્સંગને વિષે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ. અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે, જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ જે, ‘હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી.’ અને દેહના સંબંધી છે તે તો ચોરાશી લાખ જાતની હારે ગણ્યા જોઈએ, અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું માહાત્મ્ય સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનું હરિભક્તપણાનું માહાત્મ્ય સમજે, પછી ભગવાન અને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાય જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે, તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા-ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિષે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય, તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવાચાકરીરૂપ સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય, તો પણ તેમાં તે પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે જે, પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમ જ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે. એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યા-માયારૂપ થયું. એવી રીતે જે જે ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંતમંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જે, જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે, તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે, તો તેણે પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજ્યો.”

26. ગઢડા અંત્ય ૨૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો જે, “બે સત્સંગી છે, તેની અવસ્થા વિશ વિશ વર્ષની છે તથા બેયને નિશ્ચય, હેત ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે. અને તેમાંથી એકને તો પ્રારબ્ધયોગે કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખ્યયોગી રહ્યો ને એને પણ પરણ્યાની તો ઈચ્છા હતી, પણ મળી નહિ. ત્યારે એ બે જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો; માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્થ થયો, તેની થાય કે સાંખ્યયોગીની થાય ? તે કહો. અને વેદ તો એમ કહે છે જે, ‘જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો. ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષયભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો.’ માટે વિચારીને ઉત્તર કરજ્યો ?” પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો. કેમ જે, એને તીવ્ર વૈરાગ્ય નથી. માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી. તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી. તે સારુ એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાય જાય ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને છ મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે. માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી, ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે, તો એનો ત્યાગ દેહ પર્યન્ત નભે નહિ. વર્ષે, બે વર્ષે, દશ વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે.”

27. ગઢડા અંત્ય ૩૬ ( para.3)

એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે, “અમે સર્વ શાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા ને તેને વિષે ઘણાક સિદ્ધ દીઠા છે.” એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા જે, “હું તો એમ જાણું છું જે, ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન, તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહિ ને ઉપાસનાએ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહિ. અને ઉપાસના વિના આત્મા-બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે ? તો, જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો, ખારો સ્વાદ આવે જ નહિ, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહિ. તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે; પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી. માટે એ વાર્તા ખોટી છે.”

28. ગઢડા અંત્ય ૩૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદરૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જે તે, તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે. ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન; તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”

(કુલ: 74)