( para.3)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ, એનો તો ઉત્તર એમ છે જે, જ્ઞાન ને વૈરાગ્યે કરીને ત્રણ શરીર, ત્રણ અવસ્થા ને ત્રણ ગુણ એ સર્વ માયિક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે અને કેવળ સત્તામાત્ર રહે છે, પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી. ત્યારે જેમ દીપકનો અગ્નિ તે કોડિયું, તેલ ને વાટ્ય એ ત્રણને યોગે કરીને દૃષ્ટિમાં આવે તથા ગ્રહણ કર્યામાં આવે, પણ જ્યારે એ ત્રણ પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે એ અગ્નિ કોઈની દૃષ્ટિમાં પણ ન આવે અને ગ્રહણ પણ ન થાય; ને ઉપાધિએ યુક્ત હોય ત્યારે જ દૃષ્ટિએ આવે ને ગ્રહણ કર્યામાં આવે, તેમ જ્ઞાન વૈરાગ્યે કરીને સર્વ માયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે ત્યારે એ જીવાત્મા છે તે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે ને તે મન-વાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય યથાર્થપણે સમજાયું હોય, તેને તો સર્વ માયિક ઉપાધિનો સંગ ટળી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જે દયા ને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્યાં દૃષ્ટાંત છે:- જેમ દીપકની જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે એ અગ્નિ કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ ન થાય, એવો આકાશને વિષે રહે છે તો પણ એ અગ્નિને વિષે સુગંધી તથા દુર્ગંધીનો જે પાશ લાગ્યો હોય તે ટળતો નથી. જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે તો પણ તેને સુગંધી તથા દુર્ગંધીનો પાશ લાગે છે. તેમ જ જીવાત્માને જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિનો સંગ ટળી જાય છે તો પણ સત્સંગનો પાશ લાગ્યો છે તે ટળતો નથી. અને તે બ્રહ્મરૂપ થાય છે તો પણ નારદ, સનકાદિક ને શુકજીની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે અતિશય દયા ને પ્રીતિએ યુક્ત વર્તે છે, ત્યાં શ્લોક છે જે : “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्” તથા “हरेर्गुणाक्षिप्तमतिर्भगवान् बादरायणिः । अध्यगान्महदाख्यानं नित्यं विष्णुजनप्रियः” તથા ‘आत्मारामाश्च मुनयो’ તથા ‘प्रायेण मुनयो राजन्’ તથા ગીતામાં કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्” ઈત્યાદિક ઘણાક શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા અને પ્રીતિ તેણે યુક્ત હોય છે.’ અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય, તેને તો સાધનદશાને વિષે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે; માટે ભગવાન અને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ થતા નથી. જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમ જ તેને તે કુસંગનો પાશ લાગ્યો છે, તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ એને કુસંગનો પાશ લાગ્યો હતો; માટે શ્રીકૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિષે દયા ને સ્નેહ થયા નહિ. તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાશ જતો નથી ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત, તેને વિષે અતિશય દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે. પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.
(કુલ: 3)