સ્વભાવ

સ્વભાવ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "સ્વભાવ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧ ( para.5)

પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી. કાં જે, અન્ય સ્થળને વિષે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરી ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે,

2. ગઢડા પ્રથમ ૧૮ ( para.2)

પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે, “એક વાત કહું તે સાંભળો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ અને ભારતાદિક ઇતિહાસ; તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહિ. તે વાત કહીએ તે સાંભળો જે, ‘બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય, તો તેનો અમારે ખરખરો નહિ, અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય, તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય;’ એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે, ‘ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ?’ પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે જે, ‘ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી.’ એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાનઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન- ભોજન પ્રત્યે જુદા-જુદા સ્વાદ છે અને જુદા-જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહિ. તેમજ એ જીવ શ્રોત્રદ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા-જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે; જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે; માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા-જુદા અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ-દારૂના જેવો છે; માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુધબુધને ભુલાડી દે છે. તેમ જ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા-જુદા છે; તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે; તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે; તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય; અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા; તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે, તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી રાખી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી; અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ જ તે મોટાપુરુષને ચઢ્યું એવું જે પુષ્પ, ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર-અસારનો વિભાગ નહિ કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાશે અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે. અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે, અને જો પંચઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી.

3. ગઢડા પ્રથમ ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ? તો પ્રકૃતિપુરુષથી પર છે, અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે, અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય ; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમ જ ચિત્તરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમ જ બુદ્ધિરૂપ પોતાની ડાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમ જ અહંકારરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો છે તે ડાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા, તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી, અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઇ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઇ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઇ જાય છે, ને જે એ ભગવાનને ઇર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઇર્ષ્યાવાન થઇ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ ‘સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે.’ તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઇ જાય છે.”

4. ગઢડા પ્રથમ ૨૪ ( para.3)

પછી બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “કોઈ વિષયમાં પણ પોતાનાં ઇન્દ્રિયો તણાતાં ન હોય, ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પણ હરિભક્તમાં મોટી ખોટ્ય છે, જે પોતાનું મન સ્થિર થયું છે, ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે, ‘હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે; અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ-ક્રોધાદિ સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે’. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે, ‘મારું પૂર્ણકામપણું થયું છે’ એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો-તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે,’ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

5. ગઢડા પ્રથમ ૩૧ ( para.4)

ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ, પણ જેવો-તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ તમે સમજો છો તેમ નાનપ્ય-મોટયપ નથી. મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટ્યપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિષે છે. કેમ જે, આજ જે સર્વ હરિભક્ત છે. તે એમ સમજે છે જે, ‘અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ.’ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.”

6. ગઢડા પ્રથમ ૩૨ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે તો પ્રશ્ન-ઉત્તર કરો.” પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કોઈ સમે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન - સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે અને કોઈ સમે તો અંતર ડોળાઈ જાય છે ને ભજન - સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કેવી રીતે યુક્તિ જાણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “યુક્તિ તો એમ છે જે, અંતઃકરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય, ને ઘાટ-સંકલ્પ ઘણા થાય ને ભજન - સ્મરણ સુખે થાય નહિ, અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા. અને જે સમે સત્વગુણ વર્તતો હોય તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય, માટે તે સમે ભગવાનનું ધ્યાન કરવું નહિ. અને તે સમે તો એમ જાણવું જે, ‘હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિષે અંતર્યામીરૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે.’ અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મુંઝાવું નહિ; કેમ જે, અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું૨ છે, અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહિ ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહિ ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું.”

7. ગઢડા પ્રથમ ૫૪ ( para.3)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “ગમે તેવો આપત્કાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું-મોટું વચન લોપી શકે નહિ એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપત્કાળ આવે તો પણ એ ધર્મ થકી પડે જ નહિ, માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે.

8. ગઢડા પ્રથમ ૫૭ ( para.4)

પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે ? અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે ? ત્યાં દ્રષ્ટાંત છે, ‘જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય; કાં જે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે. તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે ને તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી, તો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે જે, જીવ તો અતિ સમર્થ છે; કેમ જે, મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય.”

9. ગઢડા પ્રથમ ૫૯ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દેશ, કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વે ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય, તે સર્વે સારાં થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય, તેને યોગે કરીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવા જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ-અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે.”

10. ગઢડા પ્રથમ ૬૨ ( para.8)

गांभीर्यं स्थैर्यमास्तिक्यं कीर्तिर्मानोऽनहंकृतिः ।। એ જે ઓગણચાળીશ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે, તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે, ‘ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વના કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે. અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહિ, તે ગમે તેવા તરેતરેનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ, એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.”

11. ગઢડા પ્રથમ ૬૨ ( para.9)

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે-દિવસે વધતાં જાય છે, તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડિયો વછનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ, અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહિ, તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહિ. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે જે, ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે; તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે, જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકીને પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેણે જો પ્રહ્લાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહરૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહિ. કાં જે, ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુઃખવવો નહિ અને જો અહંકારને વશ થઈને જેને તેને દુઃખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ. પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે, તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને પણ દુઃખવવો નહિ એજ નિર્માની સાધુનો ધર્મ છે.”

12. ગઢડા પ્રથમ ૬૩ ( para.7)

એમ વાર્તા કરીને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તો પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઈને પણ કરે નહિ, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે, તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા-કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તો પણ તેનું અકલ્યાણ ન થાય, અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર છે.”

13. ગઢડા પ્રથમ ૬૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી, કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે, એ માંયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ, સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહિ. અને એ નાસ્તિકપણું મટે ક્યારે ? તો જ્યારે શ્રીમદ્‌ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે.”

14. ગઢડા પ્રથમ ૬૯ ( para.2)

પછી શ્રીવાસુદેવનારાયણની સંધ્યા આરતી થઈ રહી તે પછી નારાયણ ધૂન્ય કરીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મ તે કેનું નામ છે ? એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહિ અને મારવા પણ દેતા નહિ, માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે, તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી ?” પછી એનો ઉત્તર જેમ જેને ભાસ્યો તેમ તેણે કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહિ. પછી મુનિ સર્વે બોલ્યા જે, “હે મહારાજ ! અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ જે, યજ્ઞાદિકને વિષે પશુહિંસા સહિત ધર્મ કહ્યો છે. અને અહિંસારૂપ પણ ધર્મ કહ્યો છે માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ અને કામ પર છે, તે પણ હિંસાના સંકોચને અર્થે કહ્યો છે. અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. અને હિંસામય જે ધર્મ છે તે તો રાગપ્રાપ્ત છે, પણ ક્લ્યાણને અર્થે નથી અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે, માટે ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કહ્યો છે. જેમ રાજા ઉપરિચરવસુ રાજ્યમાં હતા તો પણ અહિંસા ધર્મને વિષે રહ્યા હતા, તે માટે સાધુને તો મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહિ અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહિ અને સર્વના દાસાનુદાસ થઈને રહેવું. અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે, ‘હજારો માણસને નિયમમાં વર્તાવવાં હોય તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે ?’ તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું તો પણ સાધુતા રાખી હતી અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, તેય વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહિ; માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણાય હોય પણ સાધુ થવું એજ ઘણું દુર્લભ છે.”

15. ગઢડા પ્રથમ ૭૨ ( para.4)

અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વ મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઈત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્ર ગાઈને પરમ પદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, ‘જેના એક એક રોમનાં છિદ્રને વિષે અનંત કોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે’ એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહિ; તો મનુષ્યને તો રહે જ ક્યાંથી ? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિષે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવારૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે; તો પણ તે થકી જ આપણને સુખ થાય પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય પણ જેના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ; માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય, તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે, પણ એમ ન સમજવું જે, ‘ભગવાન થઈને એમ શું કરતા હશે?’ અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા, એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે.”

16. ગઢડા પ્રથમ ૭૩ ( para.6)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતા નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે, ‘હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ? ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર; તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે’ એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી; તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વિજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’ તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે; અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલા સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે; તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે.’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તે પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.

17. ગઢડા પ્રથમ ૭૮ ( para.15)

પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન અને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય. તે સંતને પણ ખબર પડે પછી સંત તો તે સ્વભાવના વૈરી છે તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સૂધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જ્યારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થી વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયને વિષે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે. અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે.”

18. સારંગપુર ૮ ( para.2)

પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ઈર્ષ્યાનું શું રૂપ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૃદયમાં માન હોય તે માન માંથી ઈર્ષ્યા પ્રવર્તે છે. અને ક્રોધ, મત્સર ને અસૂયા તે પણ માન માંથી પ્રવર્તે છે. અને ઈર્ષ્યાનું એ રૂપ છે જે, ‘પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ.’ એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું જે, આના હૈયામાં ઈર્ષ્યા છે અને યથાર્થ ઈર્ષ્યાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહિ.”

19. સારંગપુર ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો વૈરાગ્ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેઘ વરસે, પણ તેમાં તૃણાદિક ઊગતાં ન હોય અને તે જ ખારભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય; અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ, પીંપળા આદિક વૃક્ષનાં બીજ આવ્યા હોય તે બીજ ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઊઠે એમ ન હોય, ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિષે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગતવાર્તારૂપીઓ આવીને કાંપ ભરાય. પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યાં છે તે સર્વે ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે, પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહિ. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે ને કાં તો રુવે ને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે; એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહિ ને સ્વભાવ પણ ટળે નહિ; અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બેય ટળી જાય. માટે સમજુ હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય; અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય, પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય, તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે; અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે.”

20. સારંગપુર ૧૮ ( para.3)

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કોઈક પુરુષમાં ક્રોધાદિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે; તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અને તે એમ વિચારે જે, ‘જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે.’ અને વર્ષોવર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરે, પણ મૂર્ખ વાણિયો જેમ નામું માંડે નહિ તેની પેઠે ન કરે. એવી રીતે જે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે, તો તેના જે જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે.”

21. સારંગપુર ૧૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિષે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય, એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે; અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો કારણ એ છે જે, મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે, તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટાપુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે, મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટાપુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે;’ એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે, તો તે પુરુષની મલિનતા મટી જાય છે.”

22. સારંગપુર ૧૮ ( para.5)

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “રાજસી, તામસી ને સાત્ત્વિકી એ જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે.” પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દુર્વાસાદિક મુક્ત થયા છે, તો પણ તે તામસી કેમ રહ્યા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દુર્વાસાદિકમાં જે તમોગુણ આદિક ગુણ વર્તે છે, તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે. અને તે એમ જાણે છે જે, ‘કોઈક અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારુ આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે;’ એમ ગુણ જાણીને રાખ્યો છે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે જે, ‘હું ભગવાનનો ભક્ત છું, તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહિ.’ એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે.”

23. કારિયાણી ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ શુકમુનિ બહુ મોટા સાધુ છે. અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી; માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે, તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. કાં જે, કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, ‘આ તો બહુ મોટો સાધુ છે.’ અને કોઈક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે જે, ‘આ તો અસાધુ છે,’ પણ તે માંહિ તો મહાનિષ્કામી હોય. માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહિ, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઊઠતે જણાય, બેઠતે જણાય ઈત્યાદિક ક્રિયાને વિષે જણાય છે. અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે. પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા, કાં જે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે. અને જેને ખટકો હોય જે,’મને આ ઘાટ થયો તે ઠીક નહિ’ ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે નહિ ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય, તે યુવા અવસ્થામાં વધી જાય અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહિ. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય.” તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા જે, “સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહિ ને જિહ્વાનો સ્વાદિયો હોય નહિ ને શરીરને દમ્યા કરે. જુઓને, મને બાળપણમાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઊપજ્યો જે, ‘મારે મારા શરીરમાં માતાનો ભાગ જે, રુધિર ને માંસ તે રહેવા દેવું નથી; માટે ઘણેક પ્રયત્ને કરીને શરીર એવું સૂકવી નાખ્યું જે, ‘શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નીસરે, પણ રુધિર તો નીસરે જ નહિ’. એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય”.

24. કારિયાણી ૩ ( para.4)

ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્યે કરીને રહેવાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે. અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે.” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે.” કાં જે, એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહિ અને તેની ઈચ્છા રાખે છે. માટે એના સમજ્યામાં એ વાત આવી નથી; કાં જે, જે ગામ જવું નહિ તેનું નામ શું પૂછવું ? તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે, તે શું આ દેહે કરીને એને પ્રાપ્ત થવાનું છે ? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહ્યે થકે તો થાય નહિ, માટે સત્સંગમાં રહ્યે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે. કેમ જે, સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળ્યું જોઈશે. જેમ કોઈ સતી થવાને નીસરી ને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગાં પાછી વળવા દે ? એ તો જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈ ને તે જો સુવાસિનીના જેવો વેષ રાખે, તે શું તેના સગાં રાખવા દે ? ન રાખવા દે, તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજ્યામાં આવી નથી અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહિ.” એવી રીતે વાત કરીને શ્રીજીમહારાજ “જય સ્વામિનારાયણ” કહીને શયનને અર્થે પધારતા હવા.

25. કારિયાણી ૬ ( para.6)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “મત્સર ઊપજ્યાનો શો હેતુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક સ્ત્રી, ધન અને સારુ સારુ ભોજન; એ ત્રણ મત્સરના હેતુ છે. અને જેને એ ત્રણ વાનાં ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે, પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે જે, ‘વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે જે, આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યાં અને મહારાજને પણ ધન્ય છે જે, તરત બ્રાહ્મણને દઈ દીધા,’ એવો જે વિચાર, તે મત્સરવાળાના હૃદયમાં ન આવે. અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષ્યા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે, પણ પંચવિષયમાંથી એકેને વિષે લેશમાત્ર ભાવ થતો નથી. અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું, પીવું, ઓઢવું, પહેરવું છે તે સર્વે સંત ને સત્સંગીને અર્થે છે, અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક જે હરિજન છે, તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે, ‘મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે.’ એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે તૃણખલા જેવી છે. ને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે, તેને પણ રમણીય જે પંચવિષય તેને વિષે તો આનંદ ઊપજે જ નહિ; અને દેહને રાખ્યા સારુ તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુજરાન કરે, પણ રમણીય વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય. અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય.”

26. કારિયાણી ૮ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિષે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે શ્રીપુરુષોત્તમ, તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું? અને સગુણ સ્વરૂપ તે કેવી રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે? અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિક જે સર્વે તત્ત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાનપુરુષ, તેનું આત્મા છે અને તે પ્રધાનપુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે, અને તેથી પર જે અક્ષર, તેનું પણ આત્મા છે. અને એ સર્વે ભગવાનનું શરીર છે. અને જેમ દેહથકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશે યુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચાર ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિક ચાર ભૂત થકી અસંગી છે અને એ ચાર ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી, આકાશ તો અતિશય નિર્લેપ થકો એ ચાર ભૂતને વિષે રહ્યો છે; તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મારૂપે કરીને સર્વને વિષે રહ્યા છે; તો પણ અતિશય નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે અને તે સરખો થવાને કોઈ સમર્થ નથી થતો. જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે, પણ ચાર ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવાને સમર્થ નથી થતા, તેમ જ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે, તો પણ અક્ષર પર્યન્ત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશે યુક્તપણું અને અતિશય ઐશ્વર્ય યુક્તપણું; તે એ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કાંઈ નાનો થયો નથી, એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે, તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંતકોટિ બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કાંઈ નાના થઈ ગયા નથી, એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિષે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે.

27. લોયા ૩ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજીબ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઈત્યાદિક જે સત્સંગી; તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું; તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ પણ કહ્યું જે, ‘જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનનાં વચનમાં ફેર પાડે નહિ, ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો? તો, ‘ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહિ.’ એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે.’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું; ત્યારે અમે થાંભલાને બાથ લીધી, ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયા ની વાત કરી અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે.” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.’ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન અને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે.” તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. “અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય; ઈત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ. એ તો ભગવાનના ધામને જ પામે;’ અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સૂધી સારી પેઠે પડે અને ચંદનનાં લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.’ એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવા નિશ્ચયવાળો જે હોય, તે જરૂર બ્રહ્મમહોલમાં જ પુગે; પણ બીજે ક્યાંઈ કોઈ ધામમાં ઓરો રહે નહિ.”

28. લોયા ૪ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “ઝીણો ભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા જે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહિ, ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે ?” એ વાત સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મુંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહિ અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મુંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે.” પછી ઝીણાભાઈએ કહ્યું જે, “ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ અને જ્યારે ભગવાન ને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઈએ અને હૈયામાં શોક પણ થયો જોઈએ.” પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થવું પણ શોક તો ક્યારેય પણ કરવો નહિ. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી પણ પોતાનું ગમતું કરવા સારુ કોઈ રીતે મૂંઝાવું નહિ અને ભગવાન ક્યાંઈક જવાની આજ્ઞા કરે ને શોક કરીને મૂંઝાય; તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યાં હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાનવાર્તા કરી હોય; ઈત્યાદિક ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય; તેણે કરીને કેવળ દુઃખિયો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય. પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પળે નહિ, માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશમાત્ર મૂંઝવણ આવવા દેવી નહિ.”

29. લોયા ૫ ( para.6)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય ને કેનો ન થાય ?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઈત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી.”

30. લોયા ૬ ( para.8)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “વર્તમાન પણ સુધાં સારાં પાળતો હોય ને નિશ્ચય સુધો હોય ને તે પાસે આપણ રહેતા હોઈએ ને આપણને ટોકે નહિ ને પંપોળીને રાખે ને જાપરો રાખે, તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહિ ને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો.”

31. લોયા ૮ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછ્યો જે, “જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ડાહ્યો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષબુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખડો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે, અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહિ ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે તેને મૂર્ખ કહીએ.”

32. લોયા ૮ ( para.4)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછયો જે, “જીવને નાના પ્રકારના વ્યસન પડે છે, કોઈકને ભાંગ્યનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઈત્યાદિક અનેક પ્રકારના પડે છે તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધે કરીને છે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “એ વ્યસન તો કર્યા થાય છે, પણ પ્રારબ્ધે કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો તે ટળી જાય, પણ શ્રદ્ધા ન હોય ને ફોશી હોય તેથી એ સ્વભાવ ટળે નહિ.”

33. લોયા ૮ ( para.6)

પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો?” ત્યારે શ્રીજીમહારાજે તેનો ઉત્તર કર્યો જે, “જે સ્વભાવ હમણાંનો હોય તે તો જો રૂડા સંતને સંગે રહીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. જેમ વંડી ઉપર તૃણ ઊગ્યા હોય તે પાંચ દહાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય, તેમ હમણાંનો જે સ્વભાવ તે તો થોડાક દિવસમાં ટળી જાય છે. અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખડો કરે ત્યારે માંડમાંડ ટળે. જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીનાં ઝાડ હોય તેને તો ખેડૂત અગ્નિ લગાડીને બાળે તો પણ પાછો ફુટી આવે ને જો કોદાળી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય, તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડ માંડ ટળે.”

34. લોયા ૮ ( para.10)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું; તે ક્યા વિચારે કરીને થાય છે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “જે ચંચળ હોય તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું.” એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણવું; ને માહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે.”

35. લોયા ૧૬ ( para.7)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “સંતનો અભાવ શાણે કરીને આવે છે ? તે કહો.” પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ જે, જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે, જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને; અને જે, પોતાને વખાણતો ન હોય ને તેમાં સો ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો-તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન; તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. માટે એ માનરૂપ મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહિ; ભોળામાં તો સમજુ કરતાંય ઝાઝું હોય છે.”

36. પંચાળા ૪ ( para.4)

અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સત્યયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય, ત્યારે એ ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે; અને તે સત્યયુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે, ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને દસ હજાર વર્ષની આવરદા હોય, ત્યારે ભગવાન પણ તેટલા વર્ષ દેહ રાખે. અને દ્વાપર યુગમાં હજાર વર્ષની આવરદા હોય ને દસ હજાર હાથીનું બળ માણસમાં હોય છે, ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે. અને કળિમાં દેહ ધારણ કરે ત્યારે કળિ પ્રમાણે આયુષ્ય ને બળ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે ને બાળ, યૌવન, વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે; તેમ જ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઇર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે; તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્યદેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. તે એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્યરૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. તે એ બેય રૂપનું જેણે યથાર્થ શ્રવણ-મનન કરીને દઢ નિશ્ચય કર્યો હોય, તેને તો કોઈ રીતે સંશય થાય નહિ; અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ જ દિવ્યરૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય; પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે, ‘એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિક મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે, પણ બીજા માણસ જેવા તો નથી; એમાં કાંઇક દિવ્યભાવ છે, તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે; તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્યે શૃંગારરસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તે રાજાના જેવા જ સર્વે શૃંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તે હતી, પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી. તેણે એમ જાણ્યું જે, ‘મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે આ દેહને વિષે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે.’ તેમ મનુષ્યરૂપ એવા જે તે ભગવાન, તેને વિષે દિવ્યભાવ જણાય છે; તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો જે, ‘કાંઇક દિવ્યભાવ જાણ્યામાં આવ્યો, તેણે કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો, ત્યારે ઘણો દિવ્યભાવ જણાવે તો તો બહુ માણસને નિશ્ચય થાય.’ તો એનું તો એમ છે જે, આ સૂર્ય છે તેને સર્વ શાસ્ત્રમાં કહ્યા છે જે, ‘એ નારાયણ છે,’ ને તે એ સૂર્ય સર્વ મનુષ્યને દૃષ્ટિગોચર પણ છે ને નિત્ય એનું દર્શન મનુષ્યમાત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે, ‘મારું કલ્યાણ થયું;’ અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ-શુકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે, ‘મારું કલ્યાણ નિશ્ચય થયું.’ ને હું કૃતાર્થ થયો છું અને તે ભગવાન ને સંત, તેમાં તો કાંઇ પ્રકાશ છે નહિ, દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે, તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત્ ભગવાન છે; કાં જે ભગવાને કહ્યું છે

37. ગઢડા મધ્ય ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે; તે કહીએ છીએ જે, એક તો રસિકમાર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેમણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારુ તો કોઈકનું થયું છે. કાં જે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ; તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અગોઅંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી, લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય; માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, ‘જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવરૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમરૂપે થાય છે અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે.’ એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો. માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય, એ મોટું વિઘ્ન છે. કાં જે, સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું, માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ બે માર્ગ છે, તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે ક્લ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો.” પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો.

38. ગઢડા મધ્ય ૬ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે બીજી વાર્તા કરી જે, “મનુષ્યમાત્રનું ચિત્ત કેવું છે ? તો જેમ મધ હોય અથવા ગોળ,સાકર, ખાંડ; તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોટી રહે અને મનુષ્ય જો હાથ અડાડે, તો માણસની આંગળીએ પણ ચોટી જાય, તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે, જે જે પદાર્થ સાંભળે તે તે પદાર્થમાં ચોંટી જાય છે. તે જો પથરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિક જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશમાત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે અને તે સાંભરી આવ્યું હોય તો તેનું પણ ચિંતવન કરે છે, એવો એનો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય તથા કૂતરા, ગધેડા, ચાંડાળાદિક જે જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય, તેમ ચિત્તને વિષે અતિ નિર્મળપણું છે, તે જે પદાર્થ સાંભરે તે દેખાઈ આવે છે. એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે, ‘મારે વૈરાગ્ય નથી, તે માટે સ્ત્રીઆદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે.’ એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમે જે પદાર્થ આવ્યું, તે સહજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય અવૈરાગ્યનું કાંઈ કારણ નથી, એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે જે, ‘ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે.’ અને જ્યારે જે પદાર્થનું ચિંતવન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાઈ આવે તેમ દેખાઈ આવે. તે માટે એમ જાણવું જે, ‘હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું,’ એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહિ. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું.”

39. ગઢડા મધ્ય ૭ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય; તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહિ. જેમ દરિદ્રી હોય તે ઘણા સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્છે પણ તે ક્યાંથી મળે ? તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઇચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.”

40. ગઢડા મધ્ય ૧૦ ( para.4)

પછી શ્રીજીમહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એ ત્રણને વિષે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ જે, જીવમાત્રનો એવો સ્વભાવ છે જે, ‘સારુ પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહજે જ પ્રીતિ ટળી જાય છે.’ માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિષે જે સુખ છે, તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે અને અચળ સુખ તો ભગવાનના ધામને વિષે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલુ માયાથકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા માટે સોનામહોર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દૃષ્ટિ પહોંચે; ત્યારે જેટલું માયિક સુખ છે, તે સર્વ થકી વૈરાગ્ય પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે; એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે.

41. ગઢડા મધ્ય ૧૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું. પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્યવાર્તા હોય તે સાંભળવા દેવી નહિ. તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે; અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે; અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે; અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહિ. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહિ. અને એવી રીતે પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષપ્રયત્નરૂપ જે ઉપાય છે, તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે, તે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે; માટે પુરુષપ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.”

42. ગઢડા મધ્ય ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજીમહારાજ એમ બોલતા હવા જે, “હે સંતો ! જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો, તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે, તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટ્યપ વધારવા સારુ નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે, ‘આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય,’ તે સારુ કરીએ છીએ. અને આ જે વાત છે, તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે, આ સંસારને વિષે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચવિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચવિષય તથા નરસા પંચવિષય તે બેય સમ વર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમ વર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારાં વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બેય સમ વર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બેય પણ સમ વર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બેય સમ વર્તે છે અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધાય હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિષે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે, તેનો પણ ભાર નથી જણાતો; જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા ને સોનામહોરની વાંસળી કેડ્યે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. અને મારે વિષે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિષે જ્ઞાન છે જે ‘હું બ્રહ્મ છું,’ તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણીજાણીને કરું છું. અને જે જે પદાર્થને વિષે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિષે પથરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિષે રહે ને પછી પાછો પૃથ્વીને વિષે આવીને પડે છે; અને જેમ પૂંછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય; અને જેમ કોઈક પુરુષ સૂઝે એટલો બળિયો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને દશવીશ કાગદી લીંબુ ચુસાવ્યાં હોય, પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે ? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિષે જે આકાશ છે તેને વિષે વર્તે છે અને તે હૃદયાકાશને વિષે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિષે આકાશમાં વાદળાં છાઈ રહ્યાં હોય તેમ મારા હૃદયને વિષે એકલું તેજ વ્યાપી રહ્યું છે.

43. ગઢડા મધ્ય ૧૩ ( para.3)

અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે; અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્ર ભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠાં છે; તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંઈ આસક્તિ રહે જ નહિ. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહિ, સહજે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે, તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ; અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિકરૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિષે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિષે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે,

44. ગઢડા મધ્ય ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, “ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહિ, એવો તે કયો વિચાર છે ? તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો.” પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે કહીએ જે, જેમ બાહેર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા-બેન સામી ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાયે કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈક બીજો તે શત્રુનું ભુંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે; તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જે કામ ક્રોધાદિક માંહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહિ. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહિ; સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે જે, ‘આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે.’ આવી જાતનો વિચાર જેના હૃદયને વિષે પ્રાપ્ત થયો હોય તે શત્રુમાત્રનો નાશ કરી નાંખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિષે રહી શકે નહિ. અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહિ, માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે.”

45. ગઢડા મધ્ય ૧૫ ( para.3)

પછી શ્રીજીમહારાજે વળી પ્રશ્ન કર્યો જે, “ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને માહાત્મ્યે સહિત પરમેશ્વરની ભક્તિ; એ ચાર વાનામાંથી કોઈ કાળે પડે નહિ એવો જે હોય, તેને શે લક્ષણે કરીને ઓળખવો ?” પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે, કોઈની છાયામાં તો દબાય જ નહિ અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહિ અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહિ; એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહિ. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય, તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહિ.”

46. ગઢડા મધ્ય ૧૬ ( para.11)

પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનનું માહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહિ અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય; તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું માહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું માહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે.”

47. ગઢડા મધ્ય ૨૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલોખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! એ પ્રશ્ન અમને સંભળાવો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સમાધિનિષ્ઠ પુરુષ થાય છે, તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દ્રઢ સંબંધ રહે છે. માટે એ સમાધિનિષ્ઠને તો જ્ઞાનશક્તિ તથા દેહ-ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ; શા માટે જે, માયા થકી જે ચોવિશ તત્ત્વ થયા છે, તે જડ-ચૈતન્યરૂપ છે, પણ એકલા જડ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય. અને તે તત્ત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય; ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો-અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ, તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જે, ‘જેને સમાધિ થાય છે, તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી.’ માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ-ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી ? એ પ્રશ્ન છે.” પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પુગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે, સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે ચોવિશ તત્ત્વાત્મક બ્રહ્માંડ, તેને વિષે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થી આપે છે. અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે, કાષ્ઠ તથા પાષાણ જેવું જડ હોય તેને વિષે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્યભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત યોગાભ્યાસ હોય તેને શુકજીના જેવી સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ, અર્થ ને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિષે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધદશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેવો જ્ઞાની થાય, પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિદ્ધદશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદ્વીપ આદિક જે ભગવાનનાં ધામ તેને વિષે એને એ જ શરીરે કરીને જાય અને લોક-અલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય. અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી. અને જેમ શ્રીકૃષ્ણભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે, ત્યાં શ્લોક છે -

48. ગઢડા મધ્ય ૨૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાયું; મન તો જીવની જ કોઈક કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું જે, જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય, તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે; તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે, ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે, ત્યારે જીવને અતિશય દુઃખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે; એ તે લૂક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખિયો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે; એ તે હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે? તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખી થાય અને જો ઝાલવા દઈએ તો પણ દુઃખી થાય; તેમ જો મનને વિષય ભોગવવા ન દઇએ તો પણ દુઃખી થાય ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું-ઊનું થતું નથી તેને જ સાધુ જાણવા.”

49. ગઢડા મધ્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાં વહાલા હોય તેનો પણ ત્યાગ કરવો. અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ; જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે. અને જે બીજામાં અવગુણ જુવે અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ; તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. અને જો ભક્તિને વિષે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે, એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિષે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રીકૃષ્ણભગવાનને વિષે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો, તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો; એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી, તો પણ ભગવાને એમ જણાવ્યું જે, ‘રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય, તો બીજાની શી ગણતી?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય અને અંતે જાતાં નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે, જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે અને જેને શિખામણની વાત કહે ને અવળું લે, તો તે ઉપર હેત થતું નથી; તેમ જ ભગવાનની પણ રીત છે જે, જેને શિખામણની વાત કહે ને સવળું લે, તો તે ઉપર હેત થાય છે પણ જે અવળું લે તે ઉપર થતું નથી.”

50. ગઢડા મધ્ય ૨૭ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવું તમારે વિચારનું બળ રહે છે, તે શાને યોગે રહે છે ?”ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, ‘જે રીતે ભગવાનનો કુરાજીપો થાય, તે સ્વભાવ રાખવો નથી.’ અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, ‘સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કામ-ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે. અને એવી રીતે કામ-ક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે, તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે, તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતાં એનાં બંધનમાં રહેવાય નહિ; બંધન ત્રોડીને નીકળાય ખરું.”

51. ગઢડા મધ્ય ૨૮ ( para.2)

પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત તો સારુ જ છે, પણ સ્કંદપુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે, એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય, તો તેનો તત્કાળ ત્યાગ કરી દે; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો, તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી, એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે, તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉં, ને થોડીક વાતમાં રાજી પણ ન થઉં’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’ એ જ મારે વિષે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહિ.

52. ગઢડા મધ્ય ૩૨ ( para.3)

અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે; ને એણે કરીને જ એ જીવ છે, તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તોપણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે, એટલો ધર્માદિક થકી ભક્તિને વિષે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિષે કોઈ વિઘ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિષે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ છે, તેને વિષે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય, તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેને વિષે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહિ.”

53. ગઢડા મધ્ય ૩૩ ( para.4)

પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, “એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશય દ્રઢ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો ત્રણ પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો, બળધિયા, પૈડાં, ધૂંસરી, ઊંધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે, તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે, ‘હું આત્મા છું, દેહ નથી;’ ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ. જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો. તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય; તેમ આ મન છે, તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્‌ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી.’ એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ ત્રણ ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે, ‘એવી રીતે રાખવું ઘણું કઠણ છે.’ કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે, ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે, તે પણ કાપા પાડે છે; તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે, તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે ? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દ્રઢ કરીને રાખવા.”

54. ગઢડા મધ્ય ૩૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય, તે જ્યાં ચોટાડે ત્યાં ચોટી જાય, તે જેમ પુત્રકલત્રાદિકમાં ચોટે છે, તેમ પરમેશ્વરમાં પણ ચોટે; માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે, અતિશય શૂરવીરપણું; તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે, તે વિચારે કરીને ઘાટમાત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે; તે જેના હૃદયને વિષે જન્મ, મૃત્યુ ને નરક ચોરાશી તેની બીક અતિશય રહેતી હોય, તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે; તે જે પુરુષ વૈરાગ્યવાન હોય, તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને, તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને, પછી તે આત્માને વિષે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે. અને એ ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય; પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડવૃત્તિ રહે નહિ. અને ભગવાનને વિષે અખંડવૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે.”

55. ગઢડા મધ્ય ૩૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ગીતામાં કહ્યું છે જે, ‘જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ, તેનું જોર ચાલે નહિ;’ માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે, તે શે ઉપાયે કરીને ટળે ?” પછી સર્વ જે મુનિ મંડળ, તેણે વિચારી જોયું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, એ સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિષે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને તે ઉપદેશનો કરનારો હોય, તે ગમે તેટલા દુઃખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે, તે પણ નાશ થઈ જાય; પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારુ ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુઃખાવું નહિ ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે.”

56. ગઢડા મધ્ય ૪૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી; તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે, ‘જેમાં પોતાને માન જડે તે જ કરવું સારુ લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ.’ અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે, ‘મારા જ મોઢાનું લોહી છે, તેમાં હું સ્વાદ માનું છું.’ તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે, તે માનને વશ થઈને કરે છે; પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે, તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે; પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મીયાંજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી.” પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે, ‘कनक तज्यो कामिनी तज्यो, तज्यो धातुको संग । तुलसी लघु भोजन करी, जीवे मानके रंग ।।’ એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે, તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો.”

57. ગઢડા મધ્ય ૪૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વ મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી; ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્નમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાંખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

58. ગઢડા મધ્ય ૫૭ ( para.3)

અને વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય, તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય, અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે; અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો, તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહિ જે, ‘સારુ પદાર્થ હોયને તે જ ભગવાનના ભજનમાં આડ્ય કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે.’ એ તો જીવનો એવો સ્વભાવ છે જે, જેમ કોઈકને ગળ્યું ભાવે; કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે, તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતા અધિક વહાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટ્યપ સામું જોઈએ, ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહિ જે, ‘તેની કોટિમા ભાગના પાશંગમાં૧ પણ આવે.’ એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ-બ્રહ્માંડાદિક તેમાં ક્યાંઈ પણ પ્રીતિ રહે નહિ, માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાયો, ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો ને તે એમ સમજ્યા જે, ‘એ ભગવાનના સુખ આગળ એ સો લાખ સ્ત્રીઓનું સુખ તે શી ગણતીમાં ? અને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ શી ગણતીમાં ? અને તેથી ઈન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતીમાં ?’

59. ગઢડા મધ્ય ૬૦ ( para.3)

અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાંખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે, ‘તેના બ્રહ્મહત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે;’ એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે અને તેની વૈરભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહિ, એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મે યુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય તે સર્વે વૃથા છે; અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહિ. અને આ સંસારને વિષે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય; તેમ આ સંસારને વિષે જે એવો પુરુષ હોય જે, ‘આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારો-નરસો કહીએ ?’ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે જે, ‘આપણ કાંઈક અવળું-સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે;’ એવી રીતે પોતાની સારપ્ય રાખ્યા સારુ ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈક ઘસાતું બોલે ને તેને સાંભળી રહે, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જેવા પોતાનાં સગાં વહાલા હોય અથવા માબાપ હોય તેનો પક્ષ રહે છે, તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય, પણ આંટી રાખે નહિ; તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “હું તો દત્તાત્રેય, જડભરત, નારદ અને શુકજી તે સરખો દયાવાળો છું. અને પૂર્વદેશમાં એક સમે નાગડા વેરાગીની જમાત ભેળો હતો. તે મને સર્વે વેરાગીએ કહ્યું જે, ‘તાંદળજાની લીલી ભાજી તોડો.’ ત્યારે મેં કહ્યું જે, ‘એમાં તો જીવ છે, તે અમે નહિ તોડીએ.’ પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો, તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે; તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દૃષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો વહાલો હોય તોય પણ જાણીએ જે, ‘તેની આંખ ફોડી નાંખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુઃખવે તો તે હાથને કાપી નાંખીએ;’ એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય.”

60. ગઢડા મધ્ય ૬૨ ( para.6)

અને ત્રીજું જેને દાસભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે, તેનું જ દર્શન ગમે અને તેની જ વાર્તા સાંભળવી ગમે ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે અને તેની જ પાસે રહેવું ગમે. એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારુ ને રાજીપા સારુ રાત-દિવસ એમ ઈચ્છયા કરે જે, ‘મને મારા ઈષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું.’ પછી પોતાના ઈષ્ટદેવ છે, તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતઃકરણમાં ખેદ પામે નહિ અને આજ્ઞાને વિષે જ પરમ આનંદ માને. એ દાસત્વભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અને એ ત્રણે અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે અને એથી જે બહાર રહ્યા, તે તો કેવળ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડ્યે દેહ મૂકે તે તો ઠીક છે અને એ ત્રણમાંથી એકેય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી અને તે તો પાંચ દહાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને ને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે, એ જ ઠીક છે.

61. ગઢડા મધ્ય ૬૨ ( para.7)

અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે, ‘જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે.’ એવી રીતે એ જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને ને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય, તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ જે, જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિષે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું, તો જ સત્સંગી રહેવાય; નહિ તો સત્સંગ થકી બહાર પડી જવાય.

62. ગઢડા મધ્ય ૬૬ ( para.4)

પછી શ્રીજીમહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હવા જે, “આ દેહને વિષે જીવ છે, તે સાકાર છે કે નિરાકાર છે ?” પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “જીવ તો સાકાર છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “જો જીવ સાકાર હોય તો તે કર-ચરણાદિકે યુક્ત થયો; ત્યારે દશમસ્કંધને વિષે વેદસ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે, ‘ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ, તેને સૃજતા હવા.’ તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સૃજ્યાનું શું કામ છે ? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે, જીવ જે તે સ્વરૂપ- સ્વભાવે કરીને તો સત્તામાત્ર છે ને ચૈતન્ય વસ્તુ છે અને અનાદિ અજ્ઞાનરૂપ એવું જે કારણ શરીર તેણે યુક્ત છે. અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોટી રહે છે, તેમ એ જીવનો પણ ચોટવાનો સ્વભાવ છે, તે માયિક એવા જે સ્થૂળ ને સૂક્ષ્મ એ બે શરીર, તે સાથે ચોટે છે અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિષે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો એ જીવ શરીર જેવો નથી.”

63. વરતાલ ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો,” પછી ગામ બૂવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પૂછ્યુ જે, “હે મહારાજ! ભગવાન શે પ્રકારે રાજી થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય ત્યારે કહેશો જે, દ્રોહ તે શું ? તો જે, આ સર્વ જગતના કર્તાહર્તા ભગવાન છે, તેને કર્તાહર્તા ન સમજીએ ને વિશ્વના કર્તાહર્તા કાળને જાણીએ અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ અથવા સ્વભાવને જાણીએ; એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે, ભગવાન સર્વના કર્તાહર્તા છે તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા તેને જગતનાં કર્તાહર્તા કહે છે. માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય. અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે, તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય. અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મેલે જે, ‘અમારો રાજા છે તે નાક-કાન વિનાનો છે અથવા હાથ પગ વિનાનો છે.’ એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય, તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કર-ચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે અને લેશમાત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે; તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કર્તા કહેવા, એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી, અને તે વિના તો ચંદન-પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે. માટે ભગવાનને જગતના કર્તાહર્તા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે.

64. વરતાલ ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારો તો એવો સ્વભાવ છે જે, એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈક ગરીબ મનુષ્ય; એ ચારથી તો અમે અતિશય બીયે છીએ જે, ‘રખે એમનો દ્રોહ થઈ જાય નહિ !’ અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે, એ ચાર વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહિ, અને એ ચારમાંથી એકેનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે.”

65. વરતાલ ૧૧ ( para.3)

એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહિ, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહિ. કેમ જે, માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા, ને દ્રોહ એનો આધાર છે અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે, બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે, તે તો અમને દીઠો જ ગમે નહિ અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજે બે પદ ગવરાવ્યાં જે, “મારા હરજી શું હેત ન દીસે રે તેને ઘેર શીદ જઈએ.” એક તો એ અને બીજું જે, “મારા વહાલાજી શું વહાલપ દીસે રે તેનો સંગ કેમ તજીએ.” અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું જે, “એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભારી રાખવી.”

66. ગઢડા અંત્ય ૩ ( para.2)

તે સમયમાં શ્રીજીમહારાજે સર્વ સંત મંડળને પ્રશ્ન પૂછ્યો જે, “જે હરિભક્તના હૃદયને વિષે દયા ને સ્નેહ; એ બે સ્વાભાવિક રહ્યાં હોય ત્યારે સ્નેહનું સ્વરૂપ તો મધ જેવું છે. તે જ્યાં ત્યાં ચોટે અને દયાનો સ્વભાવ એવો છે જે, જ્યાં ત્યાં દયા કરે. ત્યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટ જન્મ લેવો પડ્યો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંઘાથે સ્નેહ થયા વિના રહે નહિ. અને એ દયા ને સ્નેહ તેને ટાળ્યાનો ઉપાય તો આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ બેય છે. તે આત્મજ્ઞાન એવું છે જે, જેમાં કાંઇ બીજું પેસે જ નહિ. અને વૈરાગ્યનું એવું સ્વરૂપ છે જે, સર્વે નામરૂપને નાશવંત દેખાડે. માટે આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ બે વતે કરીને દયા ને સ્નેહનો નાશ થઈ જાય છે. અને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ આદિક સર્વે ઉપાધિનો પણ નાશ થઈ જાય છે અને કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે. પછી એને ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ રહે છે કે નથી રહેતો ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામી તથા શુકમુનિ તથા નિત્યાનંદ સ્વામી એ આદિક પરમહંસે જેની જેવી દૃષ્ટિ પૂગી તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું યથાર્થ સમાધાન થયું નહિ.

67. ગઢડા અંત્ય ૪ ( para.4)

પછી શ્રીજીમહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “આ દેહને વિષે જીવ રહ્યો છે, તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે ? તે કહો” પછી જેને જેવું ભાસ્યું તેણે તેવું કહ્યું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ દેહને વિષે અન્નાદિક રસનો વિકાર વીર્ય છે, તેમ પંચમહાભૂતના વિકારરૂપ એવું એક હૃદયને વિષે માંસનું ચક્ર છે, તેને વિષે જીવ રહ્યો છે. તે જેમ ચીંથરાનો કાકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ સળગાવ્યો હોય તેમ જીવ છે તે, તે માંસના ચક્ર સંઘાથે વળગીને રહ્યો છે. અને વળી જેમ લોઢાનો ખીલો હોય તેને વિષે અગ્નિ વ્યાપી રહ્યો હોય, તેમ માંસના ચક્રને વિષે જીવ જે તે વિશેષ સત્તાએ કરીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સત્તાએ કરીને બધા દેહને વિષે વ્યાપી રહ્યો છે. માટે જે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વ દુઃખ જીવને જ છે, પણ દેહના સુખ-દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય. અને કોઈક એમ કહેશે જે, ‘જીવ તો પ્રકાશમાન છે અને માંસનું ચક્ર ને દેહ તો પ્રકાશે રહિત છે, તે બેને એક બીજામાં મળ્યા કેમ કહેવાય ? તો એનો ઉત્તર એમ છે જે, જેમ તેલ, કોડિયું ને વાટ્ય તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિષે અધરપધર રહેતો નથી. તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે માંસનું ચક્ર, તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી અને જેમ કોડિયા થકી, તેલ થકી ને વાટ્ય થકી અગ્નિ જુદો છે, તે કોડિયાને ભાંગવે કરીને અગ્નિનો નાશ થતો નથી, તેમ માંસના ચક્રને વિષે ને દેહને વિષે જીવ વ્યાપીને રહ્યો છે તો પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી. અને દેહ ભેળો સુખદુઃખને તો પામે ખરો, પણ દેહના જેવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશરૂપ છે અને દેહને વિષે વ્યાપક છે. અને જેમ મંદિરને વિષે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષે કરીને તો વાટ્યને વિષે વ્યાપી રહી છે અને સામાન્યપણે કરીને તો બધા ઘરને વિષે વ્યાપી રહી છે. તેમ જીવાત્મા છે તે પણ વિશેષે કરીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માંસનું ચક્ર તેને વિષે વ્યાપીને રહ્યો છે અને સામાન્યપણે કરીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે. એવી રીતે આ દેહને વિષે જીવ રહે છે, અને એ જીવને વિષે પરમેશ્વર પણ સાક્ષીરૂપે કરીને રહે છે.”

68. ગઢડા અંત્ય ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, “ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભક્તિ, તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહિ. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ્ય.’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે, તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહિ. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે ? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે, ‘ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું.’ પછી તેના સર્વ અંગનું ચિંતવન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિષે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિષે પણ ખોટો ઘાટ ઘડે; ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો તો મનનું કહ્યું ન માને ને અતિશય દાઝ થાય, તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહિ. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને. ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગથી પાડી નાંખે. તે સારૂ કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે, તો તેને સંઘાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વૈર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહિ. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે, તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહિ. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહિ. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહિ. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહિ અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે.”

69. ગઢડા અંત્ય ૨૦ ( para.2)

પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ ! કાળ તો ભગવાનની શક્તિ છે ને કર્મ તો જીવે કર્યા હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગત્યે શું હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યા છે, તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ ગયા છે. જેમ લોઢાને વિષે અગ્નિ પ્રવેશ થઈ જાય, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવા જે કર્મ, તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

70. ગઢડા અંત્ય ૨૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવા જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો; એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય. માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે અને આત્મનિષ્ઠાવાળાને પણ જો કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે, પણ ઝાઝી વાર ટકે નહિ.”

71. ગઢડા અંત્ય ૨૧ ( para.3)

અને અમારો પણ મત એ છે જે, ‘ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથીં.’ અને અમને એમ જણાય છે જે, ‘જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન, પર્વત ને જંગલ; એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે; તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદ કરી જીતીને રાજી થવું નહિ, એ સાથે તો હારીને જ રાજી થવું; અને જે વાદવિવાદ કરીને ભગવાનનાં ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન-જળ પણ ભાવે નહિ. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે, આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ, તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.

72. ગઢડા અંત્ય ૨૪ ( para.4)

પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે. તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદાખાચરના ઘરનાં માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી; તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે. તથા ભયે કરીને પણ ટળે છે પણ તે અતિશય નથી ટળતી. કેમ જે, જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે. જેમ રાજાને ભયે કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે. અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંખ માર્યા હોય ને કચવાવ્યો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય, તે ઉપર તો અમારે એવું હેત રહે છે, તે જાગ્રત-સ્વપ્નમાં સંભાર્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી.”

73. ગઢડા અંત્ય ૨૭ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે, ‘ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય, તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાંખે.” તે ઉપર પોતાની વાર્તા કરી જે, “અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો શ્રીરામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું.”

74. ગઢડા અંત્ય ૨૭ ( para.4)

“અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી, તેની એમ વિગતિ છે જે, એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય ને એક એવી આંટી પાડી હોય જે, ‘આ ઠેકાણે હું આસન કરું તો નિદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે.’ એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય, એ બેયને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે ને તેને વિષે બહુ માલ છે, એવી રીતે માહાત્મ્યે સહિત તેની આંટી પાડવી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિષે તો તુચ્છપણું જાણવું ને તેને સંત મુકાવે તો મૂકી દેવી ને પ્રથમની આંટી મૂકવી નહિ. અને એ બેયને બરોબર સમજે તો એને વિષે મૂઢપણું જાણવું. જેમ બાળક હોય તેણે મૂઠીમાં બદામ ઝાલી હોય, તેને કોઈક મુકાવે તો મૂકે નહિ, ને રૂપિયાની મૂઠી વાળી હોય ને સોનામહોરની મૂઠી વાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહિ. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો ને સોનામહોર તેને વિષે બરોબર માલ જાણ્યો, માટે એ બાળકને વિષે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે જે, ‘તું મૂકી દે, નહિ તો તરવારે માથું કાપી નાંખીશ.’ ત્યારે ડાહ્યો હોય તો તેને આપી દે ને મૂર્ખ હોય તો ન આપે. તેમ એ પ્રકારની આંટીમાં ન્યૂન-અધિકપણું જાણવું. અને એમ હોય નહિ, ને બેયમાં સામાન્યપણું જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો ને તેને માની જાણવો. અને આંટીએ કરીને તે વર્તમાન પાળતો હોય ને જો મરણ પર્યન્ત એમ ને એમ નભે તો તો ઠીક; પણ તેનો પૂરો વિશ્વાસ ન આવે. કેમ જે, જો એને કોઈક જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહિ. અને જે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય ને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેયમાં ફળનો ભેદ પણ છે.”

75. ગઢડા અંત્ય ૩૩ ( para.4)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન અને સ્વભાવ એ ચાર વાનાંમાં કાચ્યપ હોય ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહિ. એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે. કેમ જે, ક્યારેક એને સ્ત્રી-ધનનો યોગ થાય તો ભક્તિનો ઠા રહે નહિ ને તેમાં આસક્ત થઈ જાય. તથા દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્ન-વસ્ત્રાદિક ન મળે અથવા કોઈક કઠણ વર્તમાન પાળવાની આજ્ઞા થાય, ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય ને વિકળ થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચાળા ચૂંથવા લાગે. તથા કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે, બીજી રીતે વર્તાવે, ત્યારે પણ એ મુંઝાય ને એને સંતના સમાગમમાં રહેવાય નહિ. ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે ? માટે જેને દૃઢ ભક્તિ ઈચ્છવી હોય તેને એ ચાર વાનાંમાં કાચ્યપ રાખવી નહિ. ને એ ચારની કાચ્યપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી, તો વાસુદેવ ભગવાનની નિશ્ચળ ભક્તિ થાય. આ વાર્તા તે આમ જ છે પણ એમાં કોઈ સંશય નથી.”

76. ગઢડા અંત્ય ૩૪ ( para.3)

પછી વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે ? તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઊપજે છે; ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો, ત્યારે તે કામ હતો તે ક્રોધરૂપે પરિણામને પામે છે. માટે એનો તો એવો સ્વભાવ જ થયો જે, એમાં ક્રોધ ઊપજે. અને એમ થાય તો પણ ક્રોધ ન ઊપજે એમ છે કે નહિ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્રદૃષ્ટિએ કરીને માહાત્મ્ય જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મમર્યાદામાં રખાવવા અને ભગવાનને માર્ગે ચઢાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છ્યો હોય, ને તેમાં પ્રવર્ત્યા હોય; અને કોઈક જીવ ધર્મમર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે, ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઊપજી આવે. કેમ જે, પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો. માટે ધર્મ-મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે, તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારુ ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કાંઈ બાધ નહિ. કેમ જે, એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યાં હોય, તેને કાંઈક રીસ કરીને કહ્યા વિનાનું કેમ ચાલે ? અને ક્રોધ તો ત્યારે ન થાય જે, ‘જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય, પણ એમ તો એમનાથી કેમ કરાય ? કેમ જે, એમણે તો અનેક જીવને વાર્તા કરીને ભગવત્સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય, તેનું જે મહાફળ તે શાસ્ત્ર દૃષ્ટિએ કરીને સમજ્યું છે તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું માહાત્મ્ય જાણ્યું છે. માટે ક્રોધ થાય તો પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહિ. અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાથે હેત થયું હોય ને તેને વિષે પોતાના કલ્યાણ થવા રૂપ સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય જે, ‘આ સાધુથી જ મારું સારુ થશે.’ એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ન થાય ને એ ક્રોધને મૂકી જ દે, એમ પણ ક્રોધ જાય છે. અને પદાર્થના લેણદેણ સારુ તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે, તેને તો સાધુનું માહાત્મ્ય તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી ને સમજાયો હોય તો તુચ્છ પદાર્થ સારુ ક્રોધ કરે નહિ. અને બુદ્ધિવાન હોય, સમજુ હોય ને તુચ્છ પદાર્થ સારુ સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદારના જેવી વ્યાવહારિક જાણવી, પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી, એમ સમજવું.”

77. ગઢડા અંત્ય ૩૫ ( para.6)

પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, (૧). “પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે, ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે. સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે. અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ્, વેદ ઈત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે, ‘કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, ને કાં તો એમાં કેમ કહ્યું હશે ! પણ ભગવાન તો સદા સાકાર જ છે.’ અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે; એક તો એ લક્ષણ હોય. (૨). તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા-કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૩). તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે. અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે, તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે. એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૪). તથા સારુ વસ્ત્ર, સારુ ભોજન, સારુ જળ તથા જે જે કોઈ સારુ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક,’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય, એવો હોય. (૫). તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, ‘આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી.” એવો ન હોય ને જેવો એ માંહી-બાહેર હોય તેને સર્વે જાણે જે, ‘આ તે આવો છે.’ એવો જે સરલ સ્વભાવવાળો હોય. (૬). અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. ૬. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે.”

78. ગઢડા અંત્ય ૩૮ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના તથા રસને વિષે જિહ્વાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય, એ છો વાનાં જેને હોય, તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ, સુખ તો ક્યારેય થાય જ નહિ. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. ને નિવૃત્તિપર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી, ને દેહાભિમાને રહિત ને વૈરાગ્યે યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય. એવા જે ભગવદ્ ભક્ત મોટા સાધુ તે સંઘાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન, કર્મ, વચને વર્તવું. ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહિ. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”

(કુલ: 164)