વચનામૃત ૧૭ : ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું - સ્થિતપ્રજ્ઞનું
સંવત્ ૧૮૭૮ના આસો વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાની આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગવાતાં હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન ગાવવા રહેવા દ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “ઘણું સારુ મહારાજ !” પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનું સ્વરૂપ છે, તેને કોઈક ભક્ત તો માયાના ચોવિશ તત્ત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે; એ બે પ્રકારના ભક્ત છે, તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનને વિષે માયિક ચોવિશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્ત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે.”
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંખ્યવાળે ચોવિશ તત્ત્વ કહ્યા છે, તે સાંખ્યને મતે ત્રેવિશ તત્ત્વ ને ચોવિશમો ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વરરૂપ ચૈતન્ય છે. તે એ રીતે ચોવિશ તત્ત્વ કહ્યા છે; કેમ જે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે. તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહિ. તે માટે તત્ત્વ ભેળા જ જીવ ઈશ્વરને કહ્યા છે. અને ભગવાન છે તે તો ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ; એ બન્નેના આશ્રય છે. માટે ભગવાન થકી માયિક તત્ત્વ જુદા કેમ કહેવાય ? અને જેમ આકાશ છે તેને વિષે ચાર તત્ત્વ રહ્યાં છે, તો પણ આકાશને કોઈનો દોષ અડતો નથી; તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્ત્વનો એકેય દોષ અડતો નથી, એવું જ ભગવાનનું સ્વરૂપ છે. તેમાં ચોવિશ તત્ત્વ કહીએ તેમાં શો બાધ છે ? અને તત્ત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું? અમને તો એમ જણાય છે.”
પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું જે, “જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્ત્વે સહિત સમજવું કે તત્ત્વે રહિત સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે સહિત સમજે છે, તે પણ પાપી છે અને જે તત્ત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે, તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્ત્વ છે કે નથી, એવું ચૂંથણું કરવું ગમે જ નહિ. ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન તે ભગવાન, એને વિષે ભાગ-ત્યાગ કર્યાનો માગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે.’ અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો અને જેને એવી એક મતિ હોય તેને સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જે પુરુષને ભગવાનને વિષે એવી દ્રઢ મતિ છે, તેને ભગવાન સર્વ પાપ થકી મૂકાવે છે. તે ભગવાને ભગવદ્ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે,
“सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।।”
અને આ સંસારમાં પણ એવી રીત છે જે, જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહિ. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારુ પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થો હોય તે પોતાના ભાઈ, ભત્રીજા, દીકરા ઈત્યાદિક જે સંબંધી તેને વિષે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા; તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે, ‘ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મૂકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે,’ એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહિ. જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું, ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે, ‘ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો ?’ પણ શુકજીને લેશમાત્ર સંશય થયો નહિ. અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો, તે ગોપીઓને પણ સંશય ન થયો જે, ‘ભગવાન હોય તો આમ કેમ કરે ?’ એવો કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા, તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા, ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો અને સામું ગોપીઓનું માહાત્મ્ય અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહિ. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે; પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિષે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણે અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિષે દ્રઢ મતિ પણ કરી શકે નહિ અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહિ અને હરિજનનું માહાત્મ્ય પણ જાણે નહિ. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માહાત્મ્ય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય માહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું માહાત્મ્ય જાણ્યું.
અને પુરુષોત્તમ ભગવાન છે, તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે, તો પણ નિર્વિકાર છે અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે, તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા, તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિષે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિષે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમ જ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમ જ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્ર વિષે યોગ્ય-અયોગ્ય એવો ઘાટ ઘડે નહિ, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિષે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી.”
।। ઇતિ વચનામૃતમ્ ગઢડા મધ્યનું ।।૧૭।।૧૫૦।।