વચનામૃત ૫૪ : ભાગવત ધર્મના પોષણનું-મોક્ષના દ્વારનું
સંવત્ ૧૮૭૬ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબલ રેંટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો ઝરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય ? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે, તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે “प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः । स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम्।।” જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”
પછી શુકમુનિએ પૂછ્યું જે, “ગમે તેવો આપત્કાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું-મોટું વચન લોપી શકે નહિ એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપત્કાળ આવે તો પણ એ ધર્મ થકી પડે જ નહિ, માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે.
।। ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ।।૫૪।।