વચનામૃત ૧૪ : વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી
સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે. તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મશાસ્ત્રને વિષે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે જે, ‘આ કુપાત્ર માણસ છે.’ અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે, અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોંટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કહ્યા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે; પણ ભગવાન ને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય, તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે, ‘વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે.’ માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે, જે, પંચ મહાપાપ કર્યા હોય, તે તો સત્પુરુષને આશરે જઈને છુટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેને તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ જે, અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છુટાય છે અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનનાં દર્શન હૃદયને વિષે થાય જ નહિ. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી.”
।। ઇતિ વચનામૃતમ્ વરતાલનું ।।૧૪।।૨૧૪।।