( para.3)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાયે કરીને ટાળવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મબુદ્ધિને જ દ્રઢ કરાવે, માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહિ, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુવે તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે; માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહિ. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય, તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણે ઓછાં થતા જાય છે,
4. ગઢડા મધ્ય ૧( para.2)
પછી શ્રીજીમહારાજે કીર્તનિયાને કહ્યું જે, “હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન - ઉત્તર કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા જે, “મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવું થઇ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે, ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે; પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજ જ અમે વિચાર્યુ છે જે, આજ અર્ધ રાત હતી ત્યારે અમારે નિદ્રા ઊડી ગઈ હતી. પછી અમે ઉત્તરાદી દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો જે, ‘આ તો ઉત્તરધ્રુવ છે પણ શાસ્ત્રમાં દક્ષિણધ્રુવ કહ્યો છે તે ક્યાં હશે ?’ પછી અમે દક્ષિણ ધ્રુવ જોયો ત્યારે તે પણ દીઠો. અને જેમ કૂવા ઉપર પાણી સિંચવાનો ફાળકો હોય તેવી રીતે બે ધ્રુવને વચ્ચે મોટો ફાળકો દીઠો ને તે ફાળકાના મેરુનાં બે ઠેબાં તે બે કોરે ધ્રુવને અડી રહ્યાં છે, જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરો ખૂંતીને રહી હોય તેમ છે. અને તે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ વીંટી હોય ને તે ફાળકા સંઘાથે જેમ પીતળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા ને દેવતા ને નવગ્રહાદિક તેના જે સ્થાનક તે ફાળકાને આશરીને રહ્યાં છે તે સર્વેને જોયાં. અને પછી સૂર્ય ને ચંદ્ર તેનો ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયો. પછી અંતર્દૃષ્ટિએ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુવ આદિક બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિષે જે ક્ષેત્રજ્ઞ છે, તેને પણ દીઠો પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે, તેને પણ દીઠા. તે ભગવાનને જોઇને ભગવાનના સ્વરૂપને વિષે અતિશય વૃત્તિ જોડાઇ ગઈ, પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાયું નહિ. પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાયું.
5. ગઢડા મધ્ય ૮( para.4)
પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું જે, ‘તમો સર્વે યજ્ઞ કરજ્યો ને તે યજ્ઞે કરીને તમારે સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ તો જરૂર કરજ્યો.’ પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિમાર્ગવાળા હતા તેને તો રાજસી, તામસી, એવા પ્રવૃત્તિમાર્ગના યજ્ઞ બતાવ્યા અને જે નિવૃત્તિમાર્ગવાળા હતા, તેને તો સાત્વિકયજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ગીતાને વિષે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિમાર્ગવાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતાં હોય એવા જે રાજસી, તામસી યજ્ઞ, તે આપણે કરવા નહિ. તે સાત્વિક યજ્ઞની રીત જે, દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન; એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મઅગ્નિને વિષે હોમવાં. એનું નામ યોગયજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતાં હોમતાં જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમ જ એ યોગયજ્ઞના કરનારાના અંતરને વિષે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ જે શ્રીપુરુષોત્તમ તે પ્રકટ થઇ આવે છે; એ યોગયજ્ઞનું ફળ છે. અને અંતર્દૃષ્ટિ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે, ‘ અંતર્દૃષ્ટિ તે શું ?’ તો તેનો ઉત્તર એ છે જે, બાહેર અથવા માંહિલી કોરે; ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી, એ જ અંતર્દૃષ્ટિ છે. અને તે વિના તો અંતર્દૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્યદૃષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનનાં કથા, કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતર્દૃષ્ટિ છે અને એ સર્વે જ્ઞાનયજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતર્દૃષ્ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે. માટે સત્સંગીમાત્રને તો એવો અખંડ જ્ઞાનયજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી, તે તો પરમેશ્વરની ઇચ્છાએ કરીને એમ રહ્યું છે; અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઇ વતે કરીને એમ રહ્યું છે.
6. ગઢડા મધ્ય ૨૨( para.3)
પછી શ્રીજીમહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી જે, “અમે અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા, ત્યારે હજારો માણસનો મેળો ભરાયો હતો. પછી જ્યારે શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો ચોરાશી જમી રહ્યા; પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા, તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જે, ‘જેટલાં માણસ દેખ્યાં છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે, તેને ટાળી નાખવી.’ પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું, તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા અને ધોળકાના ચાલ્યા એ ને એ વિચારમાં ગામ કોઠ્યને પાસે ગણેશ ધોળકાની રાણ્યોમાં જઈને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડ્યો જે, દેહની સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી ને જેવા અમે કાંકરીએ તળાવ ઉતર્યા નહોતા ને મેળો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો, તેવી રીતે સર્વ ઘાટ ટાળી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતર્દૃષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે, તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપછરા ને અનંત પ્રકારના વસ્ત્ર ને અનંત પ્રકારના અલંકાર તે જેમ અહીં મૃત્યુલોકને વિષે છે, તેમ જ ત્યાં દેખાવા લાગ્યા; પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહિ. ને જેમ અહીંના પંચવિષય તે અમને તુચ્છ ભાસ્યા ને તેમાં અમારું મન લોભાયુ નહિ, તેમ જ દેવલોક, બ્રહ્મલોક પર્યન્ત અમારું મન ક્યાંય લોભાયું નહિ; તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા જે, ‘તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા; કેમ જે, તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી.’ પછી તેમનાં વચન સાંભળીને અમારે હૈયાને વિષે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું જે, તારું જેવું રૂપ છે, તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂકા કરી નાંખીશ. તેમ જ બુદ્ધિને કહ્યું જે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમ જ ચિત્તને કહ્યું જે, ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાંખીશ તેમ જ અહંકારને કહ્યું જે, ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાંખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમ જ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું.” એમ શ્રીજીમહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું ને પોતે તો સાક્ષાત્ શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે.
7. ગઢડા મધ્ય ૩૯( para.2)
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહિ, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે, તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે, પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે, તેનો દેહે કરીને સૂઝે એટલો યોગ થાય, તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાનાં અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મસ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે, ચૈતન્યરૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે, તેમાં સદા સાકારમૂર્તિ એવા શ્રીકૃષ્ણવાસુદેવ વિરાજમાન છે. ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી; એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા, તો પણ એ પ્રતીતિ ટળી નહિ. અને ચોથો એમ જે, જે કોઈ બાઈ-ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે જે, ‘આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે; પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી.’ તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ્ય પણ ન થાય; ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ્ય થાય. એ ચાર ગુણ અમારે વિષે સ્વાભાવિકપણે રહ્યા છે, તે કહ્યા; અને હવે તમે સર્વે કહો.” પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો.
8. વરતાલ ૮( para.2)
અને મુનિ દૂકડ સરોદા લઇને કીર્તન ગાવતા હતા. તે સમે શ્રીજીમહારાજે અંતર્દૃષ્ટિ કરીને ધ્યાનમુદ્રાએ યુક્ત થઇને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઇને બોલ્યા જે, “હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ જે, આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે વૃત્તિ રોકાય છે. માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્ત્વપ્રધાન છે. ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે. અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્યે બેસે. તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે, તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી, તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઇ રહે છે ને ક્યારેક તો અંતઃકરણને વિષે રહે છે ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્યે રહે છે. એમ વર્તતા થકા પૃથ્વીતત્ત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળતત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિતત્ત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુતત્ત્વપ્રધાન થાય ત્યારે લીલી જણાય, ને જ્યારે આકાશતત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશે યુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઇને જો દેવની પૂજા કરે, ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. તેમ પરમેશ્વરને વિષે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ; એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઇને પરમેશ્વરના સ્વરૂપને વિષે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઇ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે, પણ સુષુપ્તિમાં લીન થવું, એવી એ યોગીને નિદ્રા હોય નહિ.”
9. વરતાલ ૧૨( para.2)
અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો જે, અનંત કોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રીપુરુષોત્તમ ભગવાન સદા દિવ્યમૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે; ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે, તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત૨ જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો, અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત્ દેશ, અસત્ કાળ, અસત્ સંગ અને અસત્ શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો, પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ્ય હોય તે એ જીવને ઝાઝી નડતી નથી; પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષનાં મૂળ કપાણાં ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિષે કોઈ રીતે દોષબુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહિ. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે, ‘શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહિ થાય ? અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ, કે રાજા થઈશ, કે ભૂત થઈશ ?’ જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું ક્લ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે.’ માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબડદાર થઈને રાખજ્યો.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા,’ એ માહાત્મ્યનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં ક્હ્યું છે જે, “अहो अमी देववरामरार्चितं पादाम्बुजं ते सुमनःफलार्हणम्। नमन्त्युपादाय शिखाभिरात्मनस्तमोपहत्यै तरुजन्म यत्कृतम् ।।” એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો, તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહિ. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહિ; અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહિ. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદ્ગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી, પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય. તેમ માહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા, ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી, એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે.”
10. અમદાવાદ ૧( para.2)
તે સભામાં શ્રીજીમહારાજ અંતર સામી દૃષ્ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સામું જોયું. પછી એમ બોલ્યા જે, “અમારે એક ધ્યાનનાં અંગની વાર્તા કરવી છે, તે વાર્તા મોક્ષધર્મને વિષે પણ કહી છે. અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધદશાને પામ્યા છે તે પણ અમે ઘણાક દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે, અનંત પ્રકારના ધ્યાન છે, પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન થાય નહિ, જેમ કોઈ ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય, તેમાં સ્વાભાવિક જ ચમત્કાર રહ્યો છે, તેમ જે આ ધ્યાન અમારે કહેવું છે તે ધ્યાનમાં પણ એવો સ્વાભાવિક જ ચમત્કાર છે જે, તત્કાળ સિદ્ધદશાને પામી જાય. હવે તે વાર્તા કરીએ છીએ, એ જે ધ્યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતા કરતા સૂર્ય ને ચંદ્રમા જેવા આકાશમાં છે તેવા ને તેવા જ નેત્રમાં દેખાવા માંડે, ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે, ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી ને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને ને ચંદ્રને અંતર્દૃષ્ટિ કરીને હૃદયાકાશમાં જોયા કરવા અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો જે જીવાત્મા તેને વિષે પરમાત્માનું ધ્યાન કરવું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે, તે જેમ રેંટનો ફાળકો ફરે તેમ આકાશને વિષે ફરતું જણાય. પછી એવી રીતે ધ્યાન કરતા થકા ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે, ને તે રૂપને વિષે ચૌદે લોકની રચના છે તે દેખાઈ આવે છે. અને તે સ્વરૂપ અતિશય મોટું પણ નથી દેખાતું. જેમ વટપત્રશાયી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પોઢ્યા હતા અને તે જ ભગવાનના ઉદરને વિષે માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું. એવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થકા જેટલાં કાંઈ શાસ્ત્રમાં પદાર્થ કહ્યા છે, તે સર્વે એની દૃષ્ટિમાં આવે છે, ત્યારે એના જીવાત્માને વિષે જે કાંઈક નાસ્તિક ભાગ રહ્યો હોય તે મટી જાય છે અને તેનો જીવ અતિ બળિયો થાય છે, અને જે જે શાસ્ત્રમાં કહ્યું છે, તે સર્વે સત્ય છે. એવી એને દ્રઢ પ્રતીતિ આવે છે અને અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે અને જ્યાં લગણ સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દૃષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રકટે છે, પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી, કેવળ પરમેશ્વરનું જ ધ્યાન કરે છે, ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ, સનકાદિક, શુકજીના સરખી સિદ્ધદશાને પામે છે. માટે અનંત પ્રકારના ધ્યાન છે, પણ તત્કાળ સિદ્ધદશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે.”
(કુલ: 21)