( para.8)
પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યાં થકા પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા, તે ઈશ્વરના દેહ તે વિરાટ્, સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. અને વિરાટ્ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધ કાળ પર્યન્ત આયુષ છે. અને તે વિરાટ્ પુરુષના એક દિવસને વિષે ચૌદ મન્વંતર થાય છે અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે; તેને નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ્ પુરુષનો દ્વિપરાર્ધ કાળ પૂરો થાય છે ત્યારે, એ વિરાટ્ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે અને મહદાદિક જે ચોવિશ તત્ત્વ, પ્રધાન-પ્રકૃતિ અને પુરુષ એ સર્વે મહામાયાને વિષે લય પામે છે; તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિષે લય પામે છે, જેમ દિવસને વિષે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે; તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિષે વૈરાગ્ય થાય અને ભગવાનને વિષે ભક્તિ થાય છે અને જ્યારે એ સર્વ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિષે રહે છે અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે.”
4. ગઢડા પ્રથમ ૧૯( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગને વિષે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે ? તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે, ‘માયાના ગુણે કરીને પરાભવ ન પમાય’ એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો; અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી. અને શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બેય હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચવિષયને વિષે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થાતી નથી, અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થાતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક, ભુવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યન્ત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થાતી નથી, કહેતાં બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાતી નથી; અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેની સિદ્ધિ થાતી નથી, એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એક-બીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી.
5. ગઢડા પ્રથમ ૨૧( para.3)
અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમનારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.’ એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા.”
6. ગઢડા પ્રથમ ૩૧( para.4)
ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ, પણ જેવો-તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ તમે સમજો છો તેમ નાનપ્ય-મોટયપ નથી. મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટ્યપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિષે છે. કેમ જે, આજ જે સર્વ હરિભક્ત છે. તે એમ સમજે છે જે, ‘ અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ.’ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.”
7. ગઢડા પ્રથમ ૩૩( para.2)
તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય ? તે એવો એક ઉપાય કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહિ. તે આશરામાં ત્રણ ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહિ. અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે, તેની રીતને સમજતો હોય. અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે, તથા પુરુષ પ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટ પુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય; એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહિ, ને પોતાનો પણ ટાળ્યો ટળે નહિ અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહિ.”
8. ગઢડા પ્રથમ ૪૦( para.2)
પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, ‘હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉં;’ એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.”
9. ગઢડા પ્રથમ ૪૧( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,”પ્રશ્ન-ઉત્તર કરો.” પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ‘एकोऽहं बहुस्यां प्रजायेय’ એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, ‘પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વ જીવ-ઈશ્વર રૂપે થયા છે.’ તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે, ભગવાન તો અચ્યુત છે, તે ચ્યવીને જીવ ઈશ્વરરૂપે થાય નહિ; માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે, તે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યો છે જે, “स्वकृतविचित्रयोनिषु विषन्निव हेतुतया तरतमतश्चकास्त्यनलवत्स्वकृतानुकृतिः” એનો અર્થ એમ છે જે, ‘પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિષે કારણપણે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે.’ તેની વિગતિ જે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે, એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. અને પછી તે પ્રકૃતિ-પુરુષથકી પ્રધાનપુરુષ થયા અને તે પ્રધાનપુરુષથકી મહત્તત્ત્વ થયું ને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત, વિષય, ઇન્દ્રિયો, ભગવદ્ગીતાઅંતઃકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટપુરુષ થયા ને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્માથકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપપ્રજાપતિ થયા ને તે થકી ઈન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ-પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ-પ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરુષમાં નથી ને જેવા પ્રધાનપુરુષમાં છે તેવા મહત્તત્ત્વાદિક ચોવિશ તત્ત્વમાં નથી. ને જેવા ચોવિશ તત્ત્વમાં છે તેવા વિરાટપુરુષમાં નથી ને જેવા વિરાટપુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી ને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઈન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઈન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ-પક્ષીમાં નથી, એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે. જેમ કાષ્ઠને વિષે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાકાં કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે અને અક્ષર ને પુરુષ-પ્રકૃતિ આદિ સર્વેને વિષે પુરુષોત્તમ ભગવાન અંતર્યામીરૂપે રહ્યા છે પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થીમાં તારતમ્યપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામીરૂપે કરીને એ સર્વેને વિષે પ્રવેશ કરીને રહ્યા છે પણ જીવ-ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા, એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો.”
10. ગઢડા પ્રથમ ૪૨( para.2)
અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, ‘વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે; અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે.’ એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે ? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ-કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે, ‘ભગવદ્ગીતા ને વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસાં થયા હોય તેનું થોડા ચોમાસાંવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી.’ એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું, તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા ? માટે એ તો એમ જણાય છે જે, એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે, જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ; તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે ? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઊંચું જુવે તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઉઠતી હોય. માટે ઊંચું પણ જળ જ જણાય, ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, ‘એકલું જળ જ છે બીજું કાંઈ નથી.’ એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, ‘એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા; એ આદિક સર્વે તે મિથ્યા છે.’ અને તેના વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ‘भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते !’ એ આદિક ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિક જે ઘણાક દેવતા તેના સ્તોત્ર કર્યા છે. જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે, ‘જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી.’ તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલાં પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂછડી ને માથે નાની શિંગડિયો એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામિયો. તેનું કારણ એ છે જે, શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરુષોત્તમ ગુણાતીત દિવ્યમૂર્તિ હતા, તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા, માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્યસ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે. અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામિયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્યમૂર્તિ જ છે અને વેદાંતી કહે છે જે, ‘સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે’ ત્યારે જેમ ગોપીઓેએ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ સર્વે સ્ત્રીઓે પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓેને વિષે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓેના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિનિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે એ વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.
11. ગઢડા પ્રથમ ૫૧( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈ પ્રશ્ન પૂછો.” પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ, તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય; માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે ?” પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે, “એ જ પ્રશ્ન છે, તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થરૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે, માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્વિકાહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્ત્વ જ છે. અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન-પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટિ પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે; તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થતું.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.
12. ગઢડા પ્રથમ ૬૩( para.4)
એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “તત્ત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્ત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે, પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. ‘જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલિયો હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીયો રહેવાની હોય અને બાગબગીચા ને ઘોડા, વેલ્યો, ઘરેણાં; એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય, ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય.’ તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી, તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટપુરુષ તેમના વૈભવનો પાર તો ક્યાંથી પમાય ? અને એવા અનંતકોટિ જે વિરાટપુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિષે એવા અનંતકોટિ બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઊડતાં ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે, અને તે ધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્યરૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટ્યનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટ્યપ સમજે. અને જે થકી જે મોટો હોય તે થકી તે સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય. ‘જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે. અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે.’ એવી રીતે અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ અને અક્ષર એ સર્વે એક બીજાથી મોટા છે અને એક બીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે, પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે; જેના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં જ ફરે છે. ‘જેમ કોઈ મોટો હસ્તી હોય, તેના શરીર ઉપર કીડી ચાલી જાતી હોય તે કશી ગણતીમાં આવે નહિ’, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. ‘જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્યે સમળા હોય તે મોટા દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડા ને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે.’ એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અને અહંકારનું કારણ મહત્તત્ત્વ છે, મહત્તત્ત્વનું કારણ પ્રધાન અને પુરુષ છે અને પ્રધાન અને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે અને એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચ અને વિકાસ અવસ્થા થાતી નથી, સદાય એકરૂપ રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. ‘જેમ ચોવિશ તત્ત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટપુરુષ જે તે કર-ચરણાદિકે કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે નજરે આવતી નથી. અને તેની નાભિમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા સો વર્ષ લગી ચાલ્યા; પણ તેનો અંત ન આવ્યો અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટપુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી.’ તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહિ, તે શા માટે જે, એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઊડતાં જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે. અને તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંતકોટિ મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે. અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય ! એવા અતિ સમર્થ જે ભગવાન, તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે ચોવિશ તત્ત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વે કરીને સરજાણા જે વિરાટપુરુષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે.
13. ગઢડા પ્રથમ ૬૩( para.6)
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દ્રષ્ટાંતઃ જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિષે ડુબકી ખાય, તે ડુબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નીસરે અથવા કાંઠે નીસરે અથવા આસપાસ નીસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે, તે અક્ષરરૂપ ધામને વિષે ડુબકી ખાઈને ગમે તો ત્યાંથી પાધરા જ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે.”
14. ગઢડા પ્રથમ ૬૪( para.2)
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર આત્મા તથા અક્ષર છે; એમ શ્રુતિએ કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા ને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી. અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે, એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે. ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમના શરીર જે આત્મા ને અક્ષર; તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે ?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે ? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે, અને ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિસમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન, તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દૃશ્ય એવા જે દેહ; એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્યરૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે, અને વસ્તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે. અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિષે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિદ્રઢ કરીને રાખજ્યો.”
15. ગઢડા પ્રથમ ૬૬( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે. અને એમ જાણે છે જે, ‘ભગવાનને તો આકાર નથી.’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્દ ? તો જે, ‘ભગવાન અરૂપ છે, જ્યોતિઃસ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે.’ એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે; અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે, તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્યમૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે.’ અને તેજના પુંજરૂપ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, ‘અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે,’ તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રકટ થાય છે, તે જળ દેખાય છે ને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મસત્તારૂપ જે, કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે અને શાસ્ત્રમાં એવા વચન હોય જે, ‘જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે.’ એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે ને ભગવાનને અરૂપ સમજે છે પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેને વિષે રથને હાંકીને અને તેજઃપુંજને વિષે પ્રવેશ કરીને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણભગવાન દિવ્યમૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય ને માયા પરજે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા, એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે; અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે, અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતાં હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ.”
16. ગઢડા પ્રથમ ૭૧( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે. તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામ કૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઈત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.”
17. ગઢડા પ્રથમ ૭૧( para.4)
પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”
18. ગઢડા પ્રથમ ૭૨( para.4)
અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વ મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઈત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્ર ગાઈને પરમ પદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર- અક્ષરથી ન્યારા છે અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, ‘જેના એક એક રોમનાં છિદ્રને વિષે અનંત કોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે’ એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહિ; તો મનુષ્યને તો રહે જ ક્યાંથી ? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિષે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવારૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે; તો પણ તે થકી જ આપણને સુખ થાય પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય પણ જેના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહિ; માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય, તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે, પણ એમ ન સમજવું જે, ‘ભગવાન થઈને એમ શું કરતા હશે?’ અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા, એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે.”
19. ગઢડા પ્રથમ ૭૩( para.6)
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતા નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે જે, ‘હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ? ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર; તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે’ એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી; તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વિજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, ‘મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી.’ અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી.’ તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષબુદ્ધિ રાખે છે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે; અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલા સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે; તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે.’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તે પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.
20. ગઢડા પ્રથમ ૭૮( para.8)
પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન અને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરોસો આવે છે જે, “આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તો પણ કોઈ રીતે એ પાછો નહિ પડે, એવો જે ભરોસો તે ભગવાન ને ભગવાનના સંતને કેમ આવે ?” એક તો એ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે જે, “જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તો તેને કહેતા-સાંભળતા ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે, ‘આને કહેશું તો આ સત્સંગમાંથી જતો રહેશે.’ તેની કોરનો તો દ્રઢ વિશ્વાસ જ હોય જે, ‘એનો સત્સંગ તો અચળ છે માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી’ અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતો હોય અને તેની સાથે પોતાને ન બન્યું, ત્યારે બીજા પાસે જઈને રહે, તો પણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો ખમી શકે નહિ. ત્યારે સર્વે સંતને એમ સમજાય જે, ‘આ તો કૃતઘ્ની નથી જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી; માટે બહુ રૂડો સાધુ છે.’ એમ જાણીને સર્વે સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે, ત્યારે સર્વે સંતને એમ જણાય જે, ‘આ કૃતઘ્ની પુરુષ છે, તે જ્યારે આપણી સાથે નહિ બને ત્યારે આપણી પણ નિંદા કરશે.’ પછી તે ઉપર કોઈને હેત રહે નહિ.”
21. ગઢડા પ્રથમ ૭૮( para.9)
પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે તેનો શો હેતુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ અક્ષરાતીત ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે, ‘જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો.’ એમ ધારીને સત્યસંકલ્પ એવા જે ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે.”
22. ગઢડા પ્રથમ ૭૮( para.16)
પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈયે ને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે; તે કેમ સમજીએ તો રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે; જો ભગવાનનું પૂરું માહાત્મ્ય સમજે તો. તે માહાત્મ્ય એમ સમજવું જે, ‘ અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી અને અનંત કોટિ બ્રહ્માંડને વિષે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે અને તેને વિષે સુખ, દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે, જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે, પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય; અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે. એવી અદ્ભૂત સામર્થી છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે.’ એવી રીતે માહાત્મ્ય સમજે તો જેવી પાસે રહ્યે મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તો પણ રહે.”
23. સારંગપુર ૧( para.3)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”
24. સારંગપુર ૫( para.3)
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે ? અને ઈશ્વર અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે ? અને અક્ષરબ્રહ્મ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે ? અને પુરુષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા ને વ્યતિરેકપણે કેમ જાણવા?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જન્મ મરણનું ભોક્તા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું; અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું અને વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે, એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું; અને પિંડ બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું. અને પ્રકૃતિપુરુષ તથા સૂર્ય ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું; અને જે સ્વરૂપને વિષે પુરુષ પ્રકૃતિ આદ્યે કાંઈ ઉપાધિ રહેતી નથી, એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે, એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે, અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી, તેમ જ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત છે. એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે; અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય વ્યતિરેકપણું છે.”
25. સારંગપુર ૬( para.3)
પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી; એ જે ચાર વાણી તેને કેમ સમજવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે અને શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે. તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે, પ્રથમ ઉત્પત્તિકાળને વિષે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજપુરુષના મસ્તકને વિષે રહ્યું જે સહસ્ત્ર દળનું કમળ તેને વિષે પ્રવેશ કરીને અક્ષરબ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા પછી તે નાદ જે તે સુષુમ્ણા માર્ગે કરીને તે વિરાટપુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો તેણે કરીને તે વિરાટ પુરુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઊર્ધ્વમુખ થતું હવું. એવી રીતે તે વિરાટપુરુષના નાભિકંદને વિષે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે, ને તેજના પ્રવાહરૂપ છે, ને અર્ધમાત્રારૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી હવી ને ત્યાં થકી કંઠદેશને પામીને મધ્યમા નામે થતી હવી ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી અને અકાર, ઉકાર ને મકાર; એ ત્રણ વર્ણરૂપે થઈને પ્રણવરૂપે થતી હવી ને પછી બાવન અક્ષરરૂપે થઈને ચાર વેદરૂપે થતી હવી, એવી રીતે વિરાટ્પુરુષને વિષે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી; એ ચાર વાણી સમજવી.”
26. સારંગપુર ૧૧( para.3)
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનનાં ધામ છે; તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને “अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्” એ શ્લોકનો પણ એજ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાશીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહિ જ પામે.”
27. સારંગપુર ૧૪( para.2)
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે; અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે ? એક તો બતાવો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારુ પાડ્યા જે, ‘સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે;’ અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠધામમાં પહોંચ્યા; માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું, અને પડ્યો તો તે કહેવાય જે; જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારુ ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે, ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે, તે તો યોગભ્રષ્ટ કહેવાય; પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી.”
28. સારંગપુર ૧૬( para.2)
પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રીનરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડનાં સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે.’ ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો તે શ્રીમદ્ભાગવતના પંચમ સ્કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા.’ કેવી રીતે ? તો આ ભરતખંડને વિષે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને પોતાને વિષે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્યાં સુધી બદરિકાશ્રમને વિષે રહ્યા છે; અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષરબ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”
29. સારંગપુર ૧૭( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે; અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દૃષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય. અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય, ત્યાં દ્રષ્ટાંત છે- જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી, તથા મોટા મોટા મગરમત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે, પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થતો નથી. અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દ્રષ્ટાંત છે- જેમ આકાશ છે તેને વિષે મચ્છર ઊડે ને ચરકલું ઊડે ને સમળા ઊડે ને સીંચાણો પણ ઊડે ને અનળ પક્ષી પણ ઊડે ને ગરુડ પણ ઊડે તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિષે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિષે ન્યૂનપણું સમજતો જાય છે. તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટપુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાનપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સીંચાણા જેવા છે અને શુદ્ધ પ્રકૃતિપુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળપક્ષી જેવા છે અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષરમુક્ત તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ વધુ સામર્થીને પામ્યા છે, તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે; અને જેમ જેમ વધુ સામર્થીને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિષે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવરૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા કરતા આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો. પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થી પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યન્ત આદ્ય, મધ્ય અને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું.” એમ કહીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને ઊઠ્યા. પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા થકા બોલ્યા જે, “જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે આહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂંકડો જાય ત્યારે તો દૃષ્ટિ પણ પહોંચી શકે નહિ, એવું મોટું જણાય. તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે, તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટ્યપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે.”
30. કારિયાણી ૪( para.3)
ત્યારે શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે, તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય, ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિષે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાષ્ઠને વિષે રહ્યો છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિષે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિષે વ્યાપીને રહ્યા છે ને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છે, માટે એને પણ મૂર્તિમાન જાણવા.”
31. કારિયાણી ૭( para.5)
પછી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા જે, “આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય ?” પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજીમહારાજ પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે ચોવિશ તત્ત્વ, તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઇ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ (ચિદ્ઘન) જે તેજ તે રહે છે અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ, તે અખંડ વિરાજમાન રહે છે. અને તે જ પોતે દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વ જનને નયનગોચર થકા વિચરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે, તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે, પણ એ માયિક ગુણે યુક્ત નથી; એ તો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્યસ્વરૂપ તેને જે વેદાંતશાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે, તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિષે એક રૂપે કરીને જ વિરાજમાન છે; પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્યરૂપે કરીને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દ્રઢનિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે, ‘પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે, તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ’. એ સિદ્ધદશાનું લક્ષણ છે.”
32. કારિયાણી ૮( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિષે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે શ્રીપુરુષોત્તમ, તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું? અને સગુણ સ્વરૂપ તે કેવી રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે? અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિક જે સર્વે તત્ત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાનપુરુષ, તેનું આત્મા છે અને તે પ્રધાનપુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે, અને તેથી પર જે અક્ષર, તેનું પણ આત્મા છે. અને એ સર્વે ભગવાનનું શરીર છે. અને જેમ દેહથકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશે યુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચાર ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિક ચાર ભૂત થકી અસંગી છે અને એ ચાર ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી, આકાશ તો અતિશય નિર્લેપ થકો એ ચાર ભૂતને વિષે રહ્યો છે; તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મારૂપે કરીને સર્વને વિષે રહ્યા છે; તો પણ અતિશય નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે અને તે સરખો થવાને કોઈ સમર્થ નથી થતો. જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે, પણ ચાર ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવાને સમર્થ નથી થતા, તેમ જ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે, તો પણ અક્ષર પર્યન્ત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશે યુક્તપણું અને અતિશય ઐશ્વર્ય યુક્તપણું; તે એ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કાંઈ નાનો થયો નથી, એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે, તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંતકોટિ બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કાંઈ નાના થઈ ગયા નથી, એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિષે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે.
33. કારિયાણી ૧૦( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યન્ત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું, અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ, ઇન્દ્રિયોને દમીને તપ કરે છે, માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ, તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઈચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ જે, ‘મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબધી ભોગસુખ તે નથી જોઈતાં, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે.’ અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ. અને જે જીવ ભગવાનને સર્વ કર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો; કાં જે, ભગવાન વિના બીજા જે કાળ, કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”
34. લોયા ૧( para.9)
ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”
35. લોયા ૪( para.2)
પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “અનંતકોટિ બ્રહ્માંડ છે, તે બ્રહ્માંડને વિષે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે, તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિષે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંતકોટિ પ્રધાનપુરુષ તે થકી અનંતકોટિ બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંતકોટિ બ્રહ્માંડને વિષે પોતાના ભક્તને અર્થે અનંતરૂપે દેખાય છે.”
36. લોયા ૪( para.3)
પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “શ્રીકૃષ્ણનારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે; અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંતરૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું ? અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એકસરખી છે કે જુદી જુદી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની મૂર્તિ તો સદા એકસરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઇએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંઈ ચાર ભુજ, ક્યાંઈ અષ્ટભુજ, ક્યાંઈ અનંત ભુજને દેખાડે છે, તથા મત્સ્ય-કચ્છાદિકરૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એકરૂપે જ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર-જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર-જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે. તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગકળાના નિધિ છે, તે એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે તેમાં શું કહેવું ? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે ? કેમ જે, કોઈક ગોડિયો હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ! ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગકળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે. તેને જીવ કેમ જાણી શકે ? માટે ભાગવતમાં કહ્યું છે જે, ‘આટલા ભગવાનની માયાને તર્યા છે’ અને વળી એમ કહ્યું જે, ‘કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી.’ તેણે કરીને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે, ‘એ ભગવાન તે કેમ એમ કરતા હશે ?’ અને ભગવાનને એમ સમજે જે, ‘એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે.’ એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય અને કલ્યાણની રીતિ તો એકસરખી છે; પણ ભજનારા જે પુરુષ તેને વિષે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની૨ શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિસમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યન્ત કોઈ સમર્થ થતો નથી, એ સિદ્ધાંત છે.”
37. લોયા ૭( para.5)
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે, “એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહિ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યાં હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિષે જડ-ચિત્ પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ, નહિ તો જણાશે. અને નિઃસંદેહ એવી આંટી છે ને જણાતું નથી, તો એમ એ સમજે જે, ‘એ ભગવાનને વિષે તો સર્વે છે પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે.’ એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે; તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. “आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।।” એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ, પુરુષ, અક્ષર તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને “अहं ब्रह्मास्मि” થઈ બેસે છે ને કહે છે જે, ‘રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે,’ એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે, તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી.”
38. લોયા ૧૦( para.8)
અને વળી એને વિષે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીય એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા, અને એ જનક જેવા જે જ્ઞાની હોય, તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રીઆદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે.’ એમ વિચારીને કેવળ પોતાના આત્મસ્વરૂપને જ સુખરૂપ જાણે છે. અને ‘શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્માવતે જણાય છે અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભુડું થઇ જાય છે.’ એવી રીતે પોતાના આત્માને વિચારે. અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે, ‘આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટિ જે મુક્ત તેના પણ આત્મા છે; એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.’
39. લોયા ૧૨( para.3)
અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો ? તો ભગવાનને સર્વ શુભ-અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે, સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે; કેમ જે, એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે ? તો આકાશની પેઠે સર્વને વિષે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિષે જ થાય છે.’ એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિષે જાણે. જેમ રાસપંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે, ‘ધર્મરક્ષક ભગવાનનો અવતાર, તેણે પરદારાનો સંગ કેમ કર્યો ? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો જે, ‘શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ-અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે.’ એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેતદ્વીપને વિષે રહ્યા જે ષટ્ ઊર્મિએ રહિત એવા નિરન્નમુક્ત, તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે, તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર, તે રૂપ પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”
40. લોયા ૧૩( para.3)
અને ત્યાર પછી નિત્યાનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જ્યાં સુધી એ મુક્તોને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યયપણુ થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે, એ તો ઠીક; પણ જ્યારે એ સર્વે મુક્તોને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય, તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ‘मम साधर्म्यमागताः’ એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેને વિષે કેમ ભેદ સમજવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ચંદ્રમા છે ને તારા છે, તેમાં ભેદ છે કે નહિ? જુવોને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય, પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે, પણ તારાએ કરીને ટળે નહિ; તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે. અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્ય જાતિએ કરીને સરખા છે, પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે. અને જે રાજાવતે થાય તે ચાકર વતે થાય નહિ, સૂઝે એવડો મોટો હોય તો પણ ન થાય. તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વ કર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને ‘कर्तुमकर्तुम् अन्यथाकर्तुम्’ સમર્થ છે; તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, ‘મારા ધનુષથકી નીસર્યા જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વે જગતને ધારવાને હું સમર્થ છું;’ તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે. તે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવા નહિ. અને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ, તો પંચ મહાપાપ જેવું પાપ થાય. અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે. અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક, એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ, તો એમને પણ ભગવાન જેવા કહેવાય; અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને “अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न शास्यतेति नियमो ध्रुव ! नेतरथा ।” એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે. અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને યુક્ત છીએ તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અને કીર્તન, નામસ્મરણ તે તાળીઓ વગાડી વગાડીને હાથની આંગળીયો ફાટી જાય એમ કરીએ છીએ તથા કથાવાર્તા રાત-દિવસ કરીએ કરાવીએ છીએ, તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે ‘એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી.’ અને ‘एकमेवाद्वितीयं ब्रह्म’ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. એમ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે.” એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી; ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.
41. લોયા ૧૪( para.2)
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક્ પૃથક્ રુચિ છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ‘જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે ને પુરૂષોત્તમ છે, તે જીવ, માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.’ એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે ? અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે ? તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.” ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈઓ ત્યારે પોતે ભગવાન હતા, તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, ‘યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો.’ ત્યાં શ્લોક છે :- “न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते । यद्विस्रंभाच्चिराच्चीर्णं चस्कन्द तप ऐश्वरम् ।। नित्यं ददाति कामस्य छिद्रं तमनु येऽरयः। योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ।।” એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગી અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે, તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારુ લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે અને એ ત્રણ્યે અવતાર કરતા કોટિ ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, ‘બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને એમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો.’ અને બીજા જે મત્સ્ય-કચ્છાદિક ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિસુખ થાય છે; અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક’ તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે, ‘એ બહુ ઠીક કરે છે.’
42. લોયા ૧૪( para.3)
અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, દંભ, કપટ ઈત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય, તે સાથે જ અમારે બેઠા-ઊઠ્યાની સુવાણ થાય છે; અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહિ, તેની તો ઉપેક્ષા રહે છે. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ, માન ને ઈર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાં જે, કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તે માન તે શું ? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહિ. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે, જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, તેને વિષે તો અમારે રુચિ નથી તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર- અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાન વિષે તો અમારે ઉપાસના છે તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિષે અમારે ભક્તિ છે તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મનિષ્ઠા છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે, તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુવે, તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યામાં આવે છે.” એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે.
43. લોયા ૧૫( para.6)
ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે, તે પુરુષરૂપે કરીને રહ્યા છે કે અક્ષરરૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ; એ સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહિ અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે, ‘આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે.’ એવી રીતે એ સર્વેને પૃથક્પણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક્ દેખવાને અર્થે સમર્થ થાય નહિ. માટે એ ભગવાન સૂઝે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે.”
44. લોયા ૧૭( para.5)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે માહાત્મ્ય તે શું ? તો ‘જે ભગવાનની બીકે કરીને ઈન્દ્ર વર્ષે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે; પૃથ્વી સર્વને ધારી રહી છે; સમુદ્ર મર્યાદા નથી લોપતો; ઔષધિઓ ઋતુને પામીને ફળે છે; અને જે ભગવાન જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયને કરે છે; અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે.’ એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે, તે બંધન કરે ? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે, એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ‘ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથાવાર્તાને વિષે માલ છે અને અક્ષર તે આવું છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવું કયું પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું; તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ; તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે.
45. લોયા ૧૮( para.3)
ત્યારે તમે કહેશો જે, ‘તે ભગવાનનું કેવું રૂપ છે ?’ તો કહીએ છીએ જે, ‘ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખસ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક-પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે; એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય-કચ્છ-વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા; તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય-કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે; “भूभारः क्षपितो येन तां तनूं विजहावजः । कण्टकं कण्टकेनैव द्वयं चापीशितुः समम् ।।” જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા, પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા. ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બેય જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શીલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય-કૂર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડાક મત્સ્ય-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજ્યંતીમાળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ-મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન, ઈત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મસમયમાં વસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્ચ્છા આવી ત્યારે પણ ચતુર્ભુજરૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે, ‘तेनैव रूपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्ते!’ માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપ દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે, તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મશાલ-દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે, ‘એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉં’, તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત, એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે, તે મનુષ્યભાવ તે શું ? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઈત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે. અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્યમૂર્તિ છે ને ભગવાનને વિષે તો એ મનુષ્યભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું, ‘જે તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો.’ ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેનો પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે, ‘આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો.’ તે શું એ પ્રથમ ભગવાનને નો’તો દેખતો ? દેખતો તો હતો, પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે તે દિવ્યભાવ સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતેવાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, ‘આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો. કાં જે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા-લૂલા જ રહે છે ? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છુટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે; તેને ભુલશો મા, જરૂર ભુલશો મા.” એમ કહીને શ્રીજીમહારાજ સર્વે હરિભક્તને ‘જય સ્વામિનારાયણ’ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજીમહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્યભાવની અતિશય દ્રઢતા કરતા હવા.
46. પંચાળા ૧( para.3)
ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય, તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય, તેવી જણાય આવે છે. તથા જેમ પાંચ પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રુક્મિણી, સત્યભામા, જાંબવતી આદિક ભગવાનની પટરાણીયો તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઈત્યાદિક ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યાં છે; તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમનાં રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમનાં વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે. તેમ પુરાણ-ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળ્યામાં આવે છે જે, ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને સદા સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિષે કર્તાપણું કહેવાય નહિ. અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્યમૂર્તિ, પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલયકાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ, તેમને ઉત્પત્તિકાળે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે; તે શાને અર્થે આપે છે ? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે.
47. પંચાળા ૧( para.4)
અને એ જીવોને અર્થે ભોગ ને ભોગનાં સ્થાનક તે ભગવાને રચ્યાં છે. તેમાં જે ઉત્તમ પંચવિષય કર્યા છે, તે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય, તે રસ્તાને બેય કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારૂ કરાવે છે. તેમ બ્રહ્મા, શિવ અને ઈન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીંપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ, મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચવિષય તે ભગવાને રચ્યાં છે. અને જેમ શાહુકારે સદાવ્રત, ધર્મશાળાદિકમાં સુખ, જેવા રાંકને અર્થે રચ્યાં છે તે કરતા તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે; તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યાં છે, તો પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે, એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે એ ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે, તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે. અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઈત્યાદિક જ્યાં જ્યાં પંચવિષય સંબંધી સુખ જણાય છે, તે ધર્મે સહિત જે કિંચિત્ ભગવાનનો સંબંધ તેણે કરીને છે; પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિષે નથી. જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે, તેવો થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી; તેમ બીજે ઠેકાણે તો કિંચિત્ સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે, અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે જે, ‘જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુઃખિયો થઈશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે, એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે, તેને બુદ્ધિવાન્ કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતા રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઈન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.
48. પંચાળા ૨( para.3)
એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “હવે તો કીર્તન ગાઓ.” પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજિંત્ર લઈને કીર્તન ગાવા લાગ્યા. તે પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અને એ સાંખ્ય ને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયા ત્યાં સુધી અમે વિચાર્યો છે, તે કહીએ તે સાંભળો- જે યોગવાળો છે તેને આત્યંતિક પ્રલયને વિષે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્યરૂપ ભગવાનની મૂર્તિ રહી છે, તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષ રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા પ્રકૃતિપુરુષના કાર્ય જે ચોવિશ તત્ત્વ તે રૂપ ભગવાન ધ્યાન ધરવા યોગ્ય છે, અને તેથી ઓરા હિરણ્યગર્ભ ને તેથી ઓરા ચોવિશ તત્ત્વથી ઉપજ્યો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે, અને તેથી ઓરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા પૃથ્વીને વિષે જે મત્સ્ય, કૂર્મ, નૃસિંહ, વરાહાદિક ભગવાનના અવતાર તથા શાલગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે; એવું યોગવાળાનું તાત્પર્ય જણાણું. પછી સાંખ્યનો વિચાર ઉપજ્યો, ત્યારે તેણે એ આકારમાત્રનું નિરાકરણ કરી નાખ્યું અને એમ જણાણું જે, ‘એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે, તે જેવો શુદ્ધ કોઈ નથી; માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે.’ એવો જે સાંખ્યનો વિચાર તેને ટાળવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે, એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અન્વયપણું છે; માટે એ સર્વે ભગવાન જ છે, ને દિવ્યરૂપ છે, ને સત્ય છે, ને ધ્યેય છે. અને એ વાતને દ્રઢ કરવાને અર્થે શ્રુતિ છે જે, ‘सर्वं खल्विदं ब्रह्म’, ‘नेह नानास्ति किञ्चन’ તથા ‘इदं हि विश्वं भगवानिवेतरो यतो जगत्स्थाननिरोधसंभवाः’ એવી રીતનો યોગમાર્ગ છે તેને વિષે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી; શા માટે જે, એ માર્ગ સ્થૂળ છે ને એને વિષે પ્રત્યક્ષમૂર્તિ ભગવાનનું આલંબન છે. તે સારૂ જેવો-તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે; પણ એ માર્ગમાં એક દોષ છે જે, એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિપુરુષાદિકને અંશ-અંશીભાવ આવી જાય છે જે, ‘ભગવાનના અંશ પ્રકૃતિપુરુષ છે, અને તેના અંશ હિરણ્યગર્ભ, વિરાટાદિક છે.’ એવી રીતે સમજાય તો મોટો દોષ આવે, કાં જે, ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, તેને વિષે ચ્યુતભાવ આવે છે ને અંશ-અંશીભાવ આવે છે. માટે એવો દોષ આવવા દેવો નહિ.
49. પંચાળા ૪( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય અને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્યચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઇ જાય છે તેનું શું કારણ છે?” પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ ઝાઝી વાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિક જે શાસ્ત્ર તેને વિષે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે જે, ભગવાન કેવા છે ? તો આ ચક્ષુઇન્દ્રિયે કરીને દીઠામાં આવે છે જે યત્કિંચિત્ રૂપ, તે જેવું તેમનું રૂપ નથી; અને શ્રવણે કરીને સાંભળ્યામાં આવે છે જે કાંઇ શબ્દમાત્ર, તે જેવો એ ભગવાનનો શબ્દ નથી; અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ, તે જેવો એનો સ્પર્શ નથી; અને નાસિકાએ કરીને સૂંઘ્યામાં આવે છે જે સુગંધ, તે જેવો એનો સુગંધ નથી; અને જિહ્વાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી અને મનનાં સંકલ્પમાં આવે એવા નથી તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા નથી તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી તથા અહંકારે કરીને અહંપણું ધરાય એવા નથી જે, ‘એ ભગવાનનો હું છું, ને એ મારા છે.’ એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર એ ભગવાન રહ્યા છે. અને એ ભગવાનનું જેવું રૂપ છે, તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત કોઈનું રૂપ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એનો જેવો શબ્દ છે, તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી જે જેની એને ઉપમા દઇએ; અને એ ભગવાનનો જેવો સુગંધ છે, તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એ ભગવાનમાં જેવો રસ છે, તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનું જેવું ધામ છે, તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની એને ઉપમા દઇએ; તે સપ્તદ્વીપ ને નવ ખંડમાં જે જે સ્થાનક છે તથા મેરુ ઉપર ઘણીક શોભાએ યુક્ત બ્રહ્માદિકનાં સ્થાનક છે તથા લોકાલોકાચળને વિષે ઘણાક સ્થાનક છે, તથા ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, બહ્મા એનાં જે સ્થાનક છે તથા બીજા પણ ઘણાક સ્થાનક છે, એ સર્વે માંહિલું એવું એકે સ્થાનક નથી જે જેની ભગવાનના ધામને ઉપમા થાય. અને એ ભગવાનના ધામને વિષે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે, તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહિ જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઇએ; કેમ જે, આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે; માટે બેયને વિષે અતિશય વિલક્ષણપણું છે, તે સારુ એને ને એને સાદૃશ્યપણું કેમ થાય ? જેમ મનુષ્યને કહીએ જે, ‘આ માણસ ભેંસ જેવો છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એવી ઉપમા મનુષ્યને સંભવે નહિ; કેમ જે, મનુષ્ય થકી એ બીજા જે સર્વે તે વિજાતીય છે. અને મનુષ્ય-મનુષ્યમાં પણ અતિશય સાદૃશ્યપણું નથી, જેની ઉપમા એમ દઇએ જે, આ તે આ જેવો જ છે.’ અને જો તે તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય ? માટે મનુષ્ય-મનુષ્ય સજાતિ છે તેને વિષે પણ સાદૃશ્યપણું અત્યંત છે નહિ. જુઓ ને, આ ભગો-મૂળો બે સરખા કહેવાય છે, પણ ઝાઝા દિવસ ભેગા રહીએ તો ઓળખાઇ જાય જે, ‘આ ભગો છે ને આ મૂળો છે.’ માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ ? માટે મનુષ્ય-મનુષ્યમાં પણ અતિ સાદૃશ્યપણું નથી, તો માયિક-અમાયિકને વિષે સાદૃશ્યપણું કેમ આવે જેની ઉપમા ભગવાનને દઇએ તથા ભગવાનના ધામને દઇએ ? કાં જે, ‘એ ભગવાન છે તે ઇન્દ્રિયો-અંતઃકરણને અગોચર છે;’ એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.”
50. પંચાળા ૪( para.3)
તે એ ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઇચ્છે ત્યારે તો આવી રીતે દિવ્યરૂપ અગોચર થકા પોતાના અક્ષરધામને વિષે રહ્યા છે અને એ ભગવાન મહારાજાધિરાજ છે ને દિવ્યરૂપ એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્ષદ તેણે યુક્ત છે ને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય, તેનું સૂર્યના ઉદય-અસ્ત સુધી રાજ્ય હોય અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યો હોય ને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ; એ ત્રિલોકીના રાજ્યને કરતો હોય. જેમ અર્જુન હતા તે એને એ દેહે કરીને સ્વર્ગને વિષે ઈન્દ્રાસનને ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા તથા નહુષ રાજા પણ ઈન્દ્ર થયો હતો. એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલાં ગામ છે તેની ગણતી થાય નહિ, એ તો અસંખ્ય છે; તથા ગામ ગામના જે પટેલ, તેની પણ ગણતી થાય નહિ. અને તે ગામ-ગામના અસંખ્ય પટેલ, તે એના દરબારમાં અરજ કરવા આવતા હોય. અને તે રાજાના ધન, માલ, ભોગ, સ્થાનક, સમૃદ્ધિ તે પણ ગણતીમાં આવે નહિ, તેમ એ ભગવાન અસંખ્ય કોટિ જે બ્રહ્માંડરૂપ ગામ તેના રાજાધિરાજ છે. અને એ બ્રહ્માંડરૂપ જે ગામ, તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય, તેને તે ગામની સર્વે પ્રજા તે આવીને નમે ને આજ્ઞામાં રહે, ને તે પટેલ રાજાને નમે; તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા, વિષ્ણુ, શિવ છે તે મોટેરા છે ને બીજા જે બ્રહ્માંડમાં દેવ, દૈત્ય, મનુષ્ય, ઋષિ, પ્રજાપતિ તે એને ભજે છે ને આજ્ઞામાં રહે છે; ને બ્રહ્મા, વિષ્ણુ, શિવ; તે ભગવાન પુરુષોત્તમને ભજે છે ને આજ્ઞામાં વર્તે છે. તે એ બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરે છે જે, ‘હે મહારાજ! કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો.’ જેમ કોઈ ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઇને પ્રાર્થના કરે જે, ‘હે મહારાજ ! હું ગરીબ છું, તે તમે મારે ઘેર પધારો. મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ.’ તેમ બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરે છે જે, ‘હે મહારાજ ! તમે અમને દયા કરીને દર્શન દ્યો, ને અમારા બ્રહ્માંડમાં પધારો.’ ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે. તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે ને તેવી રીતે વર્તે છે. જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી જ ચેષ્ટા કરે છે તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુની પેઠે જ વર્તે છે. જેમ વરાહરૂપ ભગવાને ધાર્યું ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોળી કાઢી તથા હયગ્રીવરૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂંફાડા મારવા માંડ્યા તથા મત્સ્ય, કચ્છાદિક જળજંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જળમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા તથા નૃસિંહરૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી.
51. પંચાળા ૭( para.2)
અને શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધની કથા કરાવતા હતા, તેમાં ‘जन्माद्यस्य यतः’ એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો; ત્યારે ‘यत्र त्रिसर्गो मृषा’ એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે, “માયાના ત્રણ ગુણનો સર્ગ જે, પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; તે ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહિ.’ એમ સમજે તથા એ શ્લોકનું પદ જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकम्’ કે’તાં ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્યસ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય-તેજે યુક્ત છે, તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું; તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે, ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય; તેમ જ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને નિષ્કપટભાવે કરીને ભગવાનનાં ચરણકમળને ભજે છે, ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે; તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્-ચિત્-આનંદમય જાણે છે તે પણ ભાગવતમાં કહ્યું છે જે, “स वेद धातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः । योऽमायया संततयानुवृत्त्या भजेत तत्पादसरोजगन्धम् ।।” અને એ ભગવાનને વિષે જે બાળક-યુવાન-વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ-મરણપણું દેખાય છે, તે તો એની યોગમાયાએ કરીને દેખાય છે, પણ વસ્તુગત્યે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટવિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે. પછી કટકા થઇને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે જે, ‘મારી સ્ત્રી લાવો.’ એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગમાયા કળ્યામાં કેમ આવે ? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે, ‘એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે.’ તેમ ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો, ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુક્મિણી આદિક હતી, તે એ ભગવાનના દેહને લઇને બળી મરી; ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘હવે એ નાશ થઇ ગયા.’ અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘અહીંથી અંતર્ધાન થઇને બીજે ઠેકાણે જણાણા છે.’ એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે, તો કેવળ મનુષ્ય જેવા જ સમજે અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે, તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે; માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે, ‘स ऐक्षत’ કહેતા તે ભગવાન જે ‘તે જોતા હવા.’ ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર, શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે, ‘पुरुषेणात्मभूतेन वीर्यमाधत्त वीर्यवान्’ એવી રીતે પુરુષરૂપે થઇને એ પુરુષોત્તમ તેણે માયાને વિષે વીર્યને ધારણ કર્યું, ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમનારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષરૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઇ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમ જ માયારૂપે થાય છે, ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઇ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહત્તત્ત્વરૂપે થાય છે ને તેમ જ મહત્તત્ત્વમાંથી થયા જે બીજા તત્ત્વ તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટપુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સનકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે, તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાંખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષણપણે વિરાજમાન થકા રહે છે અને જેને વિષે પોતે વિરાજમાન રહે છે; તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે, ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે; તથા જેમ સૂર્ય ઉદય થાય છે, ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકનાં તેજ લીન થઇ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે; તેમ એ ભગવાન જેને જેને વિષે આવે છે, ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નીસરી જાય છે, ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું; એમ જાણવું.”
52. પંચાળા ૭( para.3)
એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી; પણ તેથી કાંઇ પૃથક્ ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે ? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે, ‘આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે;’ એવી જાતની જેને દ્રઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્યસ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી; અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય, તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા-નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ને મહાત્યાગી હોય, તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે,’ એવી દ્રઢ ગ્રંથી હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય, તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે, તોપણ તેને સંશય થાય નહિ. કેમ જે, એ તો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકાર જ છે, પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે; એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત, તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હવા.
53. ગઢડા મધ્ય ૯( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “કીર્તન બોલીએ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “લ્યો, પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ. અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય, તો તેની ચિંતા નહિ; પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહિ. અને જો ભગવાનનું વચન કાંઇક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય, તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહિ. માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે, ‘સર્વોપરી ને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે, તે જ મને પ્રાપ્ત થયું છે.’ અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત્ સત્સંગથી બાહેર નીસરી જવાણું, તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બાહેર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિષે ભગવાનને સમીપે જશે. અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય, તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. તે માટે પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત્સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતી લડાઈ થઇ ત્યારે શ્રીકૃષ્ણભગવાને અર્જુનને કહ્યું જે -
54. ગઢડા મધ્ય ૧૦( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે, ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાં જે, ભગવાન થકી જ સર્વ સ્થાવર-જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે, તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં ‘અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; એ ત્રણનો જે આધાર છે, તે ભગવાનનું સ્વરૂપ છે,’ એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો, અધ્યાત્મ જે વિરાટપુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા; એ સર્વે વિરાટને વિષે આવ્યા, તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષરૂપે થઇને જ્યારે વિરાટપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વિરાટપુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટપુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; તેને વિષે તદાત્મકપણે કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે. અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશસ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે, તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો, ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઇને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે, ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી રીતે કરવી જે, ‘કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ.’ અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો, જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય. અને બીજાને પણ એવી વાત કરવી, જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય.
55. ગઢડા મધ્ય ૧૦( para.4)
પછી શ્રીજીમહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એ ત્રણને વિષે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ જે, જીવમાત્રનો એવો સ્વભાવ છે જે, ‘સારુ પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહજે જ પ્રીતિ ટળી જાય છે.’ માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિષે જે સુખ છે, તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે અને અચળ સુખ તો ભગવાનના ધામને વિષે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલુ માયાથકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા માટે સોનામહોર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દૃષ્ટિ પહોંચે; ત્યારે જેટલું માયિક સુખ છે, તે સર્વ થકી વૈરાગ્ય પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે; એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે.
56. ગઢડા મધ્ય ૧૩( para.3)
અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે; અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્ર ભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠાં છે; તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રકટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંઈ આસક્તિ રહે જ નહિ. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહિ, સહજે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે, તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ; અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિકરૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિષે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિષે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે,
57. ગઢડા મધ્ય ૧૩( para.6)
માટે શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા, તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે, તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિષે કૈવલ્યસ્વરૂપે ભાસે છે અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્યદેહ ધારણ કરે છે, તો પણ કૈવલ્યરૂપે જ છે અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે અને તે ભગવાનનાં વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું, તેને અમારી પેઠે જ પંચવિષયમાં ક્યાંઈ પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે.
58. ગઢડા મધ્ય ૧૩( para.7)
અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે; અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે, ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિષે પડી રહે છે. તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રુક્મિણીજી બળી મૂવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિષે બળી ગયો, એમ પણ થાય; અને ક્યારેક તો હાડમાંસ સહિત દિવ્યભાવ પામીને કાંઈ રહે નહિ, અંતર્ધાન થઈ જાય. અને જ્યારે પ્રકટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રકટ થઈ આવે છે, એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે, તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિષે નહિ થાય; ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહિ. અને તમે એમ કહેશો જે, ‘અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણઇન્દ્રિયો કેમ લીન નથી થતા?” તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે, એમ સમજવું. પણ તેને કાંઈ કરવું રહ્યું નથી, એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત્ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ અને નિઃસ્નેહ, એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહિ. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.
59. ગઢડા મધ્ય ૧૩( para.8)
અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધકર્મને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહિ તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહિ. એવું આ જ્ઞાનનું અતિશય માહાત્મ્ય છે. અને નારદ, સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ. અને સદ્ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે, ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિષે દૃષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહિ; અને કોઈકને વર કે શાપ દે નહિ અને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા; અને કોઈ ઠેકાણે નિર્ભય રહે ને કોઈ ઠેકાણે બીવે પણ ખરા; પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહિ. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહિ, પણ કદાચિત્ ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહિ. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય; જુઓને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે જે, ‘કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારુ થાય.’ માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજ્યો અને ‘જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે,’ એમ જાણજ્યો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજ્યો જે, ‘ અક્ષરરૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે, તેને મહારાજ દેખે છે.’ એમ જાણશો તો પણ તમારે મારે વિષે હેત રહેશે, તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્યે નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશો મા. આજ છે તેવી જ કાલ નવી રાખજ્યો અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજ્યો. અને જે જે ભગવાનની વાત કરો તે તે વાતને વિષે આ વાતનું બીજ લાવજ્યો, એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે, દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી, તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે, ‘જે તેજને વિષે મૂર્તિ કહી તે જ આ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે.’
60. ગઢડા મધ્ય ૧૮( para.4)
અને સાચા જ્ઞાની જે નારદ, સનકાદિક, શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ રટન અને કીર્તન તેને કરે છે; અને શ્વેતદ્વીપને વિષે જે નિરન્નમુક્ત છે, તે તો બ્રહ્મસ્વરૂપ છે અને કાળના પણ કાળ છે, તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામ રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષરસ્વરૂપ છે, તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે; અને બદરિકાશ્રમને વિષે જે ઉદ્ધવ ને તનુઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ શુષ્ક વેદાંતી તો કેવળ દેહાભિમાની જીવ છે, તો પણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત તેને વિષે જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે, તથા બદરિકાશ્રમવાસી જે ઋષિ તેમા જેવી સામર્થી છે ને જ્ઞાન છે, તેના કોટિમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતીને વિષે સામર્થી પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સમોવડિયા થઈને બેઠા છે. માટે એ પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે અને એ તો કોટિ કોટિ કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે, તો પણ એનો છૂટકો નહિ થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતીનો સંગ કરવો જ નહિ.”
61. ગઢડા મધ્ય ૨૪( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે. તેમાં યોગનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડવૃત્તિ રાખે. અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહિલી કોરે જે સુખ છે, તે સર્વેનું પરિમાણ કરી રાખે જે, ‘આ સુખ તે આટલું જ છે.’ અને એ સુખની કેડ્યે જે દુઃખ રહ્યું છે, તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય. અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય, પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય, તે ક્યાંક બીજે પણ ચોટી જાય. કેમ જે, યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય; માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા, એ બે જો એકને વિષે હોય તો પછી કાંઈ વાધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહિ અને એમ સમજે જે, ‘ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત; તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે, તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી.”
62. ગઢડા મધ્ય ૩૧( para.2)
અને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ, ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “સર્વે કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષરૂપે કરીને મહામાયાને વિષે વીર્યને ધરે છે; તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે; અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાનપુરુષ દ્વારાએ વૈરાજપુરુષ ઉત્પન્ન થયા, ત્યારે એ વૈરાજપુરુષ તે તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજપુરુષ થાય છે. એવા જે વૈરાજપુરુષ, તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. ને તે વૈરાજપુરુષની દ્વિપરાર્ધકાળની આવરદા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે; જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા છે તેમ. અને એ વૈરાજપુરુષના વિરાટ્, સૂત્રાત્મા, અવ્યાકૃત; એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્ત્વાદિક જે ચોવિશ તત્ત્વ તે દ્વારે થયા છે. તે એ વિરાટને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માંહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહિ. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષરૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજપુરુષ પોતાની ક્રિયાને વિષે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિષે સાક્ષીરૂપે રહ્યા છે, તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ, તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજપુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષરૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને એ વૈરાજપુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે, તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત્ થાય છે. કેમ જે, એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે. અને વૈરાજપુરુષને માયાનો સંબંધ રહ્યો છે. માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે, તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે એ બાપ તે દીકરાને શી સહાય કરે? માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે.
63. ગઢડા મધ્ય ૩૧( para.4)
ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “પુરુષોત્તમ વાસુદેવ છે, તે પુરુષરૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે. માટે પુરુષરૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે, ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ આ જીવને વિષે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિષે ભેદ છે. અને વળી જેમ ઈશ્વરને વિષે ને પુરુષને વિષે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે, તે જે તે વાસુદેવનાં ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર, જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. તે એવી રીતે વાર્તા અમે ઘણીકવાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ્ય બેસારતા નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી ને ઠાવકી ઘેડ્ય બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહિ. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજ્યો ને લખજ્યો.” એવી રીતે આ વાર્તા શ્રીજીમહારાજે કરી છે, તે લખી છે.
64. ગઢડા મધ્ય ૩૨( para.3)
અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે; ને એણે કરીને જ એ જીવ છે, તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે, પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તોપણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે, એટલો ધર્માદિક થકી ભક્તિને વિષે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિષે કોઈ વિઘ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભક્તિને વિષે વિઘ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી. અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ છે, તેને વિષે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય, તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેને વિષે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહિ.”
65. ગઢડા મધ્ય ૩૯( para.2)
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહિ, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે, તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે, પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે, તેનો દેહે કરીને સૂઝે એટલો યોગ થાય, તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાનાં અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મસ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે વર્તાય. અને ત્રીજો એમ જે, ચૈતન્યરૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે, તેમાં સદા સાકારમૂર્તિ એવા શ્રીકૃષ્ણવાસુદેવ વિરાજમાન છે. ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી; એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા, તો પણ એ પ્રતીતિ ટળી નહિ. અને ચોથો એમ જે, જે કોઈ બાઈ-ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે જે, ‘આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે; પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી.’ તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ્ય પણ ન થાય; ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ્ય થાય. એ ચાર ગુણ અમારે વિષે સ્વાભાવિકપણે રહ્યા છે, તે કહ્યા; અને હવે તમે સર્વે કહો.” પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો.
66. ગઢડા મધ્ય ૪૨( para.2)
પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કેવી રીતે રહ્યાં છે ? અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે : એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમનારાયણ છે તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. અને સગુણ-નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિષે નાના થઈ જતાં નથી, એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય, પણ અક્ષરની અતિશય મોટ્યપ છે, તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે, તે મેરુ આગળ અતિશય નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય છે; તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં હોય પણ અક્ષરની અતિશય મોટ્યપ છે, તેની આગળ અતિ નાના દેખાય છે, માટે અણુ સરખા કહેવાય છે. અને અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગે કરીને દશે દિશાઓ કલ્પાય છે, તેમ અક્ષરધામ છે. અને તે અક્ષરને ઉપર, હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટિઓ છે. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિષે સદાય વિરાજમાન રહે છે ને તે સત્યસંકલ્પ છે. અને અક્ષરધામને વિષે રહ્યા થકા જ જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યાં જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા; તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ-બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ, ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે.”
67. ગઢડા મધ્ય ૫૦( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે; તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ, તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ, તેને વિષે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી; એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈકે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી; એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી, અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ, કર્મ, માયાનો શો ભાર છે ? એમ જાણીને એવી હિંમત બાંધી છે જે, ‘હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી.’ અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જે, જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતનાં સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહિ. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે, તે કહ્યું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી.
68. ગઢડા મધ્ય ૬૪( para.3)
પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે, તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય ? જે આટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખડો કરે છે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન શ્રીકૃષ્ણપુરુષોત્તમ છે, તે તો રાજાધિરાજ છે અને અખંડમૂર્તિ છે અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિષે સદા વિરાજમાન છે. અને તે અક્ષરધામને આશ્રિત અનંતકોટિ બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડાં હોય, તેમાંથી એક-બે ગામ ઉજ્જડ થયા હોય અથવા વસ્યાં હોય પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય; તેમ શ્રીકૃષ્ણભગવાન તે અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી. અને તે શ્રીકૃષ્ણભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ છે, તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમ જ શ્રીકૃષ્ણભગવાનનું અક્ષરધામ છે. અને તે ધામને વિષે ભગવાન અખંડ વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટિ જે બ્રહ્માંડ છે તેને વિષે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધપુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે. અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે, તે તો પોતાની યોગકળા છે. જેમ રાસમંડળને વિષે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા. માટે એક ઠેકાણે રહ્યાં થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગકળાએ કરીને વ્યાપકપણું છે; પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગમાયાએ કરી પચાસ કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે, તે પ્રલય કાળને વિષે પરમાણુરૂપ થઈ જાય છે અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિષે પરમાણુમાંથી પચાસ કરોડ યોજન થાય છે. અને ચોમાસું આવે છે ત્યારે ગાજ-વીજ ને મેઘની ઘટા થઈ આવે છે. એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગમાયાએ કરીને થાય છે.
69. ગઢડા મધ્ય ૬૪( para.4)
એવા જે શ્રીકૃષ્ણભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે, બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે અને શ્રીકૃષ્ણભગવાનને વિષે તો સર્વે કળાઓ છે. માટે એ શ્રીકૃષ્ણભગવાન તો રસિક પણ છે, ને ત્યાગી પણ છે, ને જ્ઞાની પણ છે, ને રાજાધિરાજ પણ છે, ને કાયર પણ છે, ને શૂરવીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગકળાને વિષે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય છળિયા પણ છે, માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણભગવાન જ છે. અને તે શ્રીકૃષ્ણભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય, તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી. માટે પ્રલયકાળમાં શા સારુ કલ્યાણ કર્યું જોઈએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો ! એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે.” એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી. તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે, એ જ જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે.
70. ગઢડા મધ્ય ૬૬( para.5)
પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “જ્યારે ભગવાનની ભક્તિએ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, ત્યારે એ જીવને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ માયિક ત્રણ દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થકો રહે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તામાત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિષે રહે છે; એ રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”
71. વરતાલ ૨( para.4)
પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું. તેને વિષે એમ પ્રતિપાદન કર્યું જે,’શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યાં છે. અને તે જ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી જે અનંત નિરન્નમુક્ત તેમને પાંચ વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠલોકને વિષે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે, ને તે શંખ, ચક્ર, ગદા, પદ્મને ધરી રહ્યાં છે તથા વિષ્વક્સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે. અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય ને પામવા યોગ્ય છે, અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે અને વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહરૂપે વર્તે છે.’ એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્રતંત્રને નારદજીએ ફરીને કર્યું ત્યારે તે નારદપંચરાત્ર કહેવાયું. તેને વિષે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું જે, ‘કોઈ રીતે સંશય રહ્યો નહિ.’ તે માટે શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે,
72. વરતાલ ૭( para.3)
પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ભગવાનનું અન્વયપણું કેમ છે અને વ્યતિરેકપણું કેમ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે જે, ભગવાન અર્ધાક માયાને વિષે અન્વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિષે વ્યતિરેક રહ્યા છે, એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે, માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે, પણ ભગવાનને એમ બીક નથી જે, ‘રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં !’ ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે અને ચોવિશ તત્ત્વને વિષે આવે તો ચોવિશ તત્ત્વ પણ બ્રહ્મરૂપ થઇ જાય છે. તે શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।’ ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે. પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષનાં ડાળ, પાનડાં, ફૂલ, ફળ એ સર્વેને વિષે આકાશ અન્વય થયો, પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહિ, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહિ. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે, એમ ભગવાનના સ્વરૂપનું અન્વય વ્યતિરેકપણું છે.”
73. વરતાલ ૧૨( para.2)
અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો જે, અનંત કોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રીપુરુષોત્તમ ભગવાન સદા દિવ્યમૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે; ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે, તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત૨ જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો, અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત્ દેશ, અસત્ કાળ, અસત્ સંગ અને અસત્ શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો, પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ્ય હોય તે એ જીવને ઝાઝી નડતી નથી; પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષનાં મૂળ કપાણાં ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિષે કોઈ રીતે દોષબુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહિ. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે, ‘શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહિ થાય ? અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ, કે રાજા થઈશ, કે ભૂત થઈશ ?’ જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું ક્લ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે.’ માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબડદાર થઈને રાખજ્યો.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા,’ એ માહાત્મ્યનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં ક્હ્યું છે જે, “अहो अमी देववरामरार्चितं पादाम्बुजं ते सुमनःफलार्हणम्। नमन्त्युपादाय शिखाभिरात्मनस्तमोपहत्यै तरुजन्म यत्कृतम् ।।” એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો, તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહિ. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહિ; અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહિ. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદ્ગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી, પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય. તેમ માહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા, ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી, એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે.”
74. વરતાલ ૧૩( para.3)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે; તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી ને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણ ભગવાન છે તે એકદેશી થકા સર્વદેશી છે. જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દૃષ્ટિ આપે, ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દૃષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે. અને વળી જેમ સિદ્ધદશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે, તેમ જ લાખો ગાઉ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે; તેમ શ્રીકૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંતરૂપે ભાસે છે. અને સિદ્ધ હોય તેમાં પણ દૂરશ્રવણ, દૂરદર્શનરૂપ ચમત્કાર હોય, તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે ? અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે, તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે, એમ વ્યાપક કહ્યા છે; પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટિ બ્રહ્માંડમાં ભાસે છે.”
75. વરતાલ ૧૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે, તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે, ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ; તે કેવી રીતે ? તો ઉદ્ધવ તે રામાનંદસ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં. તે શાસ્ત્રના નામ- ૧. વેદ, ૨. વ્યાસસૂત્ર, ૩. શ્રીમદ્ભાગવત પુરાણ, ૪. મહાભારતને વિષે વિષ્ણુસહસ્ત્રનામ, ૫. ભગવદ્ગીતા, ૬. વિદુરનીતિ, ૭. સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું વાસુદેવમાહાત્મ્ય, અને ૮. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ. એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા, અને સ્થાનક, સેવક ને કાર્ય; તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે ? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર છે, ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ, તેમણે સેવ્યા છે, ને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેના કર્તા છે ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, ને સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે; ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન; એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્યૂહ; એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર, તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર; એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું.૧
76. ગઢડા અંત્ય ૯( para.2)
પછી શ્રીજીમહારાજે સર્વ હરિભક્તને કહ્યું જે, “જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ, તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે, પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે, તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોરચકારને રાજા પાસે જવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે, ‘કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાંખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહિ.’ એવી રીતે હિંમત સહિત ઢાલ, તરવાર બાંધીને ઊભા રહે છે. તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે અને એ જાણપણાને માંહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન ભેળુ પોતાના હૃદયને વિષે ધન, સ્ત્રી આદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી. અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે, પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે. અને હાનિ, વૃદ્ધિ, સુખ, દુઃખ, માન, અપમાન આદિક અનંત જાતના વિઘ્ન આવે, તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈ આશંકા કરે જે, ‘ત્યાંથી ડગતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાદિક તેને કેમ કરતા હશે ? તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે, જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે, ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સૂરત રાખે જે, ‘રખે કૂવામાં પડી જાઉં !’ અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દૃષ્ટાંત-જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય, ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સૂરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સૂરત રાખે અને દોડતાં થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે ત્યાં પણ સૂરત રાખે. એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી.” એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા જે, “તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વહાલા થવા દેવા નહિ. એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોરચકાર જઈ પૂગે, ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિષે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન, સ્ત્રી આદિક બીજા પદાર્થ પણ પેસી જાય, ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો, તેને વિષે સાવધાન થઈને રહેવુ અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યા.
77. ગઢડા અંત્ય ૨૧( para.2)
પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને ને શુકમુનિને પ્રશ્ન-ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે. અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મના સ્થાપન કરવાને અર્થે થાય છે; પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી ક્યે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે ? એ પ્રશ્ન છે.” પછી ગોપાળાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, તે જે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિના અંગરૂપ થઈ જાય પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહિ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ અતિશય હસતા હવા અને એમ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે. માટે લ્યો, અમે એનો ઉત્તર કરીએ જે૧, એ ધર્મ તો બે પ્રકારનો છે : એક નિવૃત્તિધર્મ છે ને બીજો પ્રવૃત્તિધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનનાં સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહ્લાદ, અંબરીષ એ આદિક જે ભક્તજન તેનો છે; અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે ને તે ધર્મ અને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મસ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે, તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ ને ભક્તિ એનું તો એકસરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એકસરખી જ છે. એવી રીતે ભક્તિની ને ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દૂબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે.”
78. ગઢડા અંત્ય ૨૧( para.3)
અને અમારો પણ મત એ છે જે, ‘ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથીં.’ અને અમને એમ જણાય છે જે, ‘જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન, પર્વત ને જંગલ; એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે; તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદ કરી જીતીને રાજી થવું નહિ, એ સાથે તો હારીને જ રાજી થવું; અને જે વાદવિવાદ કરીને ભગવાનનાં ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન-જળ પણ ભાવે નહિ. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે, આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ, તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.
79. ગઢડા અંત્ય ૨૪( para.2)
પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિનાં જે સાધન તે શા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઊતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું; એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.”
80. ગઢડા અંત્ય ૩૧( para.2)
અને વાજાં વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા. તે ‘हरि मेरे हालरकी लकरी’ એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ‘जमुना के तीर ठाडो’ એ કીર્તન ગાઓ.” પછી એ કીર્તન ગાવવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજીમહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “હવે કીર્તન રાખો. અમે આ એક વાર્તા કરીએ છીએ, તે છે તો થોડીક, પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે. ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી.” પછી વળી નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “કોટિ-કોટિ ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિષે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે ? તો ક્ષર- અક્ષર થકી પર છે ને સર્વકારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને એવા જે એ ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રકટ પ્રમાણ થકા તમારી સર્વેની દૃષ્ટિને ગોચર સાક્ષાત્પણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રકટ શ્રીકૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદૃશ્યપણું છે. તે શ્રીકૃષ્ણની જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દૃષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજારૂપ વિષયમાત્રમાં અતિશય વૈરાગ્યને પામીને તે ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય, ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તે બેયમાં લગાર પણ ભેદ ન જણાય. અને તે મૂર્તિ ને આ મૂર્તિના રૂપ, અવસ્થા તે બરાબર જણાય. તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે, પણ તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય. અતિશય એકપણું જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બાહેર કરે ત્યારે તો તેમાં ને એમાં લગાર ફેર નથી. ને તે જ મૂર્તિને ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુવે ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય ને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. પછી વળી એ ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માંહિલી કોરે ધ્યાને કરીને જુવે ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે ને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી, ને બહુ જ ભયંકર એવી દેખે; જેમ મધ્યાહ્ન કાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય ને તે જ સૂર્યને આથમ્યા ટાણું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય, પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી. તેમ તે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય. પછી એ મૂર્તિને હૃદયને વિષે રહી જે બુદ્ધિ, તે બુદ્ધિને વિષે જુવે તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિષે જુવે ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠમાત્ર પરિમાણે જુવે અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય. અને પછી વળી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટિ કોટિ સૂર્ય-ચંદ્ર-અગ્નિના તેજના સમૂહને વિષે એ મૂર્તિ જણાય છે. તે જેવી દૃષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે, એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો તે તો ગુણમય એવા જે સ્થાનક તેણે કરીને પડ્યો. તે નેત્રમાં સત્ત્વગુણ ને કંઠમાં રજોગુણ ને બુદ્ધિમાં રહ્યો જે જીવ, તે પણ ગુણમય છે.” એમ વાર્તા કરીને પછી બોલ્યા જે, “મોરે ગાતા હતા તે કીર્તન ગાઓ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી.
81. ગઢડા અંત્ય ૩૨( para.3)
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો જે સાચો ભક્ત હોય તેને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીત છે ? તો ‘જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેને વિષે સદા સાકારમૂર્તિ થકા વિરાજમાન છે, ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અલૌકિક દિવ્ય સુખમયમૂર્તિ છે ને માયાના ગુણથકી રહિત છે.’ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે, ‘એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઈત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે.’ એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મમર્યાદા તેને વિષે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મમર્યાદાનો ક્યારેય લોપ ન કરે. અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે ? તો ‘એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે. તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે’. એવી રીતે માહાત્મ્યનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.”
82. ગઢડા અંત્ય ૩૫( para.6)
પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, (૧). “પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે, ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે. સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે. અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ્, વેદ ઈત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે, ‘કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, ને કાં તો એમાં કેમ કહ્યું હશે ! પણ ભગવાન તો સદા સાકાર જ છે.’ અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે; એક તો એ લક્ષણ હોય. (૨). તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા-કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૩). તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે. અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે, તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે. એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૪). તથા સારુ વસ્ત્ર, સારુ ભોજન, સારુ જળ તથા જે જે કોઈ સારુ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક,’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય, એવો હોય. (૫). તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, ‘આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી.” એવો ન હોય ને જેવો એ માંહી-બાહેર હોય તેને સર્વે જાણે જે, ‘આ તે આવો છે.’ એવો જે સરલ સ્વભાવવાળો હોય. (૬). અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. ૬. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે.”
83. ગઢડા અંત્ય ૩૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે, એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે, તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદરૂપ છે. અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન, તે જે તે, તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર, તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રકટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે. ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન; તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે.”
(કુલ: 193)