( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે, ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાં જે, ભગવાન થકી જ સર્વ સ્થાવર-જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે, તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં ‘ અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; એ ત્રણનો જે આધાર છે, તે ભગવાનનું સ્વરૂપ છે,’ એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો, અધ્યાત્મ જે વિરાટપુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા; એ સર્વે વિરાટને વિષે આવ્યા, તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષરૂપે થઇને જ્યારે વિરાટપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વિરાટપુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટપુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; તેને વિષે તદાત્મકપણે કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે. અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશસ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે, તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો, ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઇને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે, ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી રીતે કરવી જે, ‘કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ.’ અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો, જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય. અને બીજાને પણ એવી વાત કરવી, જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય.
(કુલ: 6)