અવગુણ

અવગુણ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "અવગુણ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧ ( para.5)

પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી. કાં જે, અન્ય સ્થળને વિષે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરી ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે,

2. ગઢડા પ્રથમ ૧ ( para.7)

તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય.”

3. ગઢડા પ્રથમ ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી.” ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! ઈર્ષ્યા તો રહે છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિષે નારદજી અને તુંબરુ એ બે વૈકુંઠને વિષે લક્ષ્મીનારાયણનાં દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું, તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઈને તુંબરુને પોતાનાં વસ્ત્ર, આભૂષણ આપ્યાં. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી જે, ‘હું તુંબરુના જેવી ગાનવિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું.’ પછી નારદજી ગાનવિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું જે, ‘તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું.’ પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાનવિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા હવા, તો પણ ભગવાન એની ગાનવિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે સાત મન્વંતર સુધી ગાનવિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુંબરુ પાસે ગાનવિદ્યા શીખ્યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાનાં વસ્ત્ર, અલંકાર નારદજીને આપ્યાં, ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે, ‘જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા.’ અને તેવું ન થવાય અને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો.”

4. ગઢડા પ્રથમ ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે; અને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાનાં હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટ્યપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે; અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે, તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે, તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને, શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટ્યપને પામે છે.”

5. ગઢડા પ્રથમ ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે ભગવાનના ભક્તને સત્-અસત્ નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિષે સંશય કરે નહિ. અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે’, એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહિ. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે; એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે.”

6. ગઢડા પ્રથમ ૨૮ ( para.2)

તે સમે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ્વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે, ‘સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું’ એમ સર્વથી અધિક પોતાને જાણે, અને રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મુંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહિ અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહિ, અને ક્રોધ તો ક્યારેય મટે જ નહિ અને અર્ધબળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે, ‘એ સત્સંગમાંથી પડવાનો થયો છે.’ અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહિ અને અંતે પાછો પડી જાય છે.

7. ગઢડા પ્રથમ ૩૧ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનનાં વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ્ય છે, અને એવી રીતે દોષ જુવે ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ્ય દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ્ય દેખાય ખરી. અને તે દોષને જોનારે ખોટ્ય કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહિ ? તે તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે. જેમ શિશુપાળ એમ જ કહેતો જે, ‘પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે. અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે; કેમ જે, જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડયા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો ?’ એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો. પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો, માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો.”

8. ગઢડા પ્રથમ ૩૧ ( para.4)

ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ, પણ જેવો-તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ તમે સમજો છો તેમ નાનપ્ય-મોટયપ નથી. મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે. અને એ બે વાનાં જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટ્યપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિષે છે. કેમ જે, આજ જે સર્વ હરિભક્ત છે. તે એમ સમજે છે જે, ‘અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ.’ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે.”

9. ગઢડા પ્રથમ ૩૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, “તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ.” ત્યારે મુનિએ કહ્યું જે, “હે મહારાજ ! તમે પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ્ય કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ?” ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજીમહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો ઝાઝી છે; પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે; તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે તે સર્પની લાળ સરખો છે માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે ? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી.”

10. ગઢડા પ્રથમ ૫૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પ્રશ્ન પૂછો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન, વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને જો અવગુણ લે નહિ, તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય છે.”

11. ગઢડા પ્રથમ ૫૭ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનને વિષે જે સ્નેહ તેનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્નેહનું રૂપ તો એ છે જે, સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ. અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ ત્રુટી જાય, માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્થાપન-ઉત્થાપન કરવું નહિ, ને મૂઢપણે ભગવાનને વિષે હેત કરવું. અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ, માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિષે હેત કરવું અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ અને ભગવાનનું માહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ૧ રીતનું છે એમ જાણવું.”

12. ગઢડા પ્રથમ ૫૮ ( para.5)

પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય; અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય; અને જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે ? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”

13. ગઢડા પ્રથમ ૬૩ ( para.2)

પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થી દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થી ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહિ, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે, ‘હું આટલા દહાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી.’ એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિષે પરઠે જે, ‘જેમ મારે વિષે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિષે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે.’ એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી, એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય.”

14. ગઢડા પ્રથમ ૬૩ ( para.7)

એમ વાર્તા કરીને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તો પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઈને પણ કરે નહિ, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે, તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા-કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તો પણ તેનું અકલ્યાણ ન થાય, અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તો પણ તેના કલ્યાણમાં ફેર છે.”

15. ગઢડા પ્રથમ ૬૭ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઉત્તર તો ખરો; પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે, જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંઈ પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે ‘આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશમાત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે.’ એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્ય ઊપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો જે, જે પુરુષ એમ સમજે જે, ‘આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી, અને ખાતાં પીતાં પણ આવડતું નથી, અને ઓઢતાં-પહેરતાં પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે; તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે.’ એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે, એવો જે કુમતિ પુરુષ હોય, તેને વિષે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહિ.”

16. ગઢડા પ્રથમ ૭૮ ( para.5)

પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન અને ભગવાનના સંત તેને વિષે દોષબુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષબુદ્ધિ આવે નહિ; અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહિ.”

17. કારિયાણી ૨ ( para.2)

અને શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્નઉત્તર કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ”. ત્યારે સર્વે બોલ્યા જે, “પૂછો મહારાજ”, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એકની બુદ્ધિ તો એવી છે જે, જે દહાડાથી સત્સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહિ, ટળી જાય. પણ એમ ને એમ ગુણ- અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહિ. શા માટે જે, એને બુદ્ધિ છે, તે એમ જાણે જે, ‘આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી,’ એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે, સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયનો સરખો છે, પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો, તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે ? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ”. પછી શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહિ. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા જે, “એની બુદ્ધિ શાપિત છે”. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઠીક કહે છે એનો ઉત્તર એ જ છે, જે કોઈ જગતમાં કહેતા નથી જે, ‘એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે.’ એમ મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય, તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે.”

18. કારિયાણી ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ શુકમુનિ બહુ મોટા સાધુ છે. અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી; માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે, તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. કાં જે, કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, ‘આ તો બહુ મોટો સાધુ છે.’ અને કોઈક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે જે, ‘આ તો અસાધુ છે,’ પણ તે માંહિ તો મહાનિષ્કામી હોય. માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહિ, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઊઠતે જણાય, બેઠતે જણાય ઈત્યાદિક ક્રિયાને વિષે જણાય છે. અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે. પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા, કાં જે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે. અને જેને ખટકો હોય જે,’મને આ ઘાટ થયો તે ઠીક નહિ’ ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે નહિ ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય, તે યુવા અવસ્થામાં વધી જાય અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહિ. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય.” તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા જે, “સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહિ ને જિહ્વાનો સ્વાદિયો હોય નહિ ને શરીરને દમ્યા કરે. જુઓને, મને બાળપણમાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઊપજ્યો જે, ‘મારે મારા શરીરમાં માતાનો ભાગ જે, રુધિર ને માંસ તે રહેવા દેવું નથી; માટે ઘણેક પ્રયત્ને કરીને શરીર એવું સૂકવી નાખ્યું જે, ‘શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નીસરે, પણ રુધિર તો નીસરે જ નહિ’. એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય”.

19. કારિયાણી ૯ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,”હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહિ. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા, તો એમ વર માગ્યો જે, ‘આ ગોપીઓની ચરણરજનાં અધિકારી એવા જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ; તેને વિષે હું પણ કોઈક થાંઉ.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળાં કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, ‘હે પ્રભો ! આ જન્મને વિષે અથવા પશુ પક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારા ચરણારવિંદને સેવું, એવું મારું મોટું ભાગ્ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત; તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહિ. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું ? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય. અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને તો અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પુરો સત્સંગી જાણવો.”

20. લોયા ૧ ( para.10)

પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે ને ક્યારેક તો અતિશય સમજાતો નથી, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે, પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહિ ને સામો તે સંતનો અવગુણ લે; માટે જ્યાં સુધી એને દુઃખાડીને કહે નહિ ત્યાં સુધી માહાત્મ્ય રહે ને જ્યારે હિતની વાત પણ દુઃખાડીને કહે ત્યારે અવગુણ લે ને માહાત્મ્ય ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ-નિવારણ છે, તેમ સંતના દ્રોહનું પાપ-નિવારણ છે નહિ. ને જેમ કોઈને ક્ષય રોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે; તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષયરોગ થયો જાણવો, તે તો પાંચ દિવસ મોડો-વહેલો નિશ્ચય વિમુખ થશે. અને વળી જેમ મનુષ્યના હાથ, પગ, નાક, આંખ્ય, આંગળીઓ એ આદિક જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મૂઓ કહેવાય નહિ, અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂઓ કહેવાય; તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું. અને બીજા વર્તમાનમાં કદાચિત્ ફેર પડે તો અંગ કપાણું કહેવાય પણ તે જીવે ખરો, કહેતાં તે સત્સંગમાં ટકે ખરો; અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય, એ એનું માથું કપાણું જાણવું.”

21. લોયા ૧ ( para.11)

પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળ્યાનો કોઈ ઉપાય છે કે નથી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઉપાય તો છે પણ અતિ કઠણ છે, તે અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે. જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે જે, ‘મેં અતિ મોટું પાપ કર્યું, જે માટે બ્રહ્મસ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો.’ એવા વિચારમાંથી અતિશય દાઝ હૈયામાં થાય, તે દાઝને મારે અન્ન જમે તો તેના સ્વાદુ-કુસ્વાદુપણાની ખબર પડે નહિ તથા રાત્રિને વિષે નિદ્રા પણ આવે નહિ. અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહિ ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય. અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશય ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુઃખાણા હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે. એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય, તો તેને સંતનો અવગુણ આવ્યો હોય, તે પણ ટળી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય; પણ એ વિના બીજો કોઈ એનો ઉપાય નથી કહ્યો, એ જ એક ઉપાય છે.”

22. લોયા ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, “કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય?” પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પંચવર્તમાન સંબંધી પોતામાં કાચ્યપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય અને એ માંહીલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે, તેને કપટી જાણવો.”

23. લોયા ૬ ( para.5)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેને પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે. એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખવો અને રાખે તો ભૂંડું થાય.”

24. લોયા ૬ ( para.13)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કયે ઠેકાણે ભગવાનનાં દર્શનાદિકને વિષે તથા સંતને વિષે હેત ન રાખવું ને કયે ઠેકાણે રાખવું ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે, ‘બુરાનપુર તથા કાશીએ કોણ જશે ?’ ત્યારે કોઈ બોલે નહિ ત્યારે તે સભામાંથી પોતે ઊઠીને અમને એમ કહેવું જે, ‘કહો તો હે મહારાજ ! હું જાઉં.’ એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું. એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું તથા સંતસમાગમનું હેત પણ ન રાખવું. અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવી સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે અને એમ કહે જે, ‘હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે.’ એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણવે.”

25. લોયા ૮ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછ્યો જે, “જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ડાહ્યો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષબુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખડો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે, અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહિ ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે તેને મૂર્ખ કહીએ.”

26. લોયા ૧૬ ( para.6)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “એવો કયો એક અવગુણ છે જે, જેણે કરીને સર્વે ગુણમાત્ર તે દોષરૂપ થઈ જાય છે ? તે કહો.” ત્યારે શ્રીપાત્ દેવાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વ ગુણ તે દોષરૂપ થઈ જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે જે, સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે, એ મોટો દોષ છે; એણે કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે.”

27. લોયા ૧૬ ( para.7)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “સંતનો અભાવ શાણે કરીને આવે છે ? તે કહો.” પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ જે, જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે, જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને; અને જે, પોતાને વખાણતો ન હોય ને તેમાં સો ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો-તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન; તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. માટે એ માનરૂપ મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહિ; ભોળામાં તો સમજુ કરતાંય ઝાઝું હોય છે.”

28. લોયા ૧૭ ( para.6)

અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ માહાત્મ્ય સમજે જે, ‘એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે.’ જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા! પણ જો આવી રીતે ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાને ઈચ્છ્યા અને વૃક્ષ-વેલીનો અવતાર માંગ્યો; કેમ જે, એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિષે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી. તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે ? અને તેને નમાય કેમ નહિ ? તેની આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય અને પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે અને એમ સમજે જે, ‘મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહુ છું, નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી-છોકરાના તિરસ્કાર સહેવા પડત તથા માબાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધવશ થઈને ડોડી ની ભાજી ખાવી પડત તથા મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું નિઃસ્વાદી વર્તમાન પાળું છું.’ તે મારા મોટા ભાગ્ય છે અને પ્રારબ્ધવશ થઈને જેવા-તેવા વસ્ત્ર તથા ચીંથરાં પહેરવા પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું, તે એ મારા મોટા ભાગ્ય છે.’ અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટ્યપ જાણ્યામાં આવી નથી, નહિ તો અવગુણ લેત નહિ. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરસી નાંખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરસી ન નાંખી દે ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઈંગ્રેજ ઉપર ધોખો થાય છે ? ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે ? લેશમાત્ર પણ થતું નથી. શા માટે જે, એ ઈંગ્રેજની મોટાઈ જાણી છે જે, ‘એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું,’ એવું જાણીને ધોખો થાય નહિ; તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહિ અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહિ. માટે જેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ.”

29. લોયા ૧૮ ( para.3)

ત્યારે તમે કહેશો જે, ‘તે ભગવાનનું કેવું રૂપ છે ?’ તો કહીએ છીએ જે, ‘ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે. રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખસ્વરૂપ છે અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક-પરલોક સંબંધી જે પંચવિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે; એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય-કચ્છ-વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા; તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય-કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે; “भूभारः क्षपितो येन तां तनूं विजहावजः । कण्टकं कण्टकेनैव द्वयं चापीशितुः समम् ।।” જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા, પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા. ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બેય જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શીલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્ય-કૂર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડાક મત્સ્ય-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજ્યંતીમાળા, પીતાંબર વસ્ત્ર, કિરીટ-મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન, ઈત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મસમયમાં વસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અક્રૂરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્ચ્છા આવી ત્યારે પણ ચતુર્ભુજરૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે, ‘तेनैव रूपेण चतुर्भुजेन सहस्त्रबाहो भव विश्वमूर्ते!’ માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપ દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે, તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મશાલ-દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે, ‘એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉં’, તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત, એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે, તે મનુષ્યભાવ તે શું ? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઈત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઈત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે. અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્યમૂર્તિ છે ને ભગવાનને વિષે તો એ મનુષ્યભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યનાં વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું, ‘જે તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો.’ ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેનો પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે, ‘આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો.’ તે શું એ પ્રથમ ભગવાનને નો’તો દેખતો ? દેખતો તો હતો, પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે તે દિવ્યભાવ સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતેવાતે ધોખો થાય ને ગુણ- અવગુણ લીધા કરે છે જે, ‘આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણ- અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો. કાં જે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા-લૂલા જ રહે છે ? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છુટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે; તેને ભુલશો મા, જરૂર ભુલશો મા.” એમ કહીને શ્રીજીમહારાજ સર્વે હરિભક્તને ‘જય સ્વામિનારાયણ’ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજીમહારાજની વાર્તા સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજીમહારાજને સર્વ અવતારના કારણ અવતારી જાણીને દિવ્યભાવની અતિશય દ્રઢતા કરતા હવા.

30. પંચાળા ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે, તો પણ માન-ઈર્ષ્યા કેમ રહી જાય છે?” પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો, પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવો જે છે તેમાં બુદ્ધિ નથી. અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે જ નહિ; અને પોતાને સનકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે, ‘મારામાં આટલો અવગુણ છે.’ પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણ ને ટાળી નાંખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને; માટે એમાં માન-ઈર્ષ્યાદિક કોઈ અવગુણ રહે નહિ. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યાવહારિક બુદ્ધિ જાણવી; અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય, પણ એને બુદ્ધિવાળો ન કહેવાય, તેને તો અતિ મૂર્ખ જાણવો; અને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહિ. ને થોડીક બુદ્ધિ હોય અને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહિ ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ; અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ.”

31. ગઢડા મધ્ય ૧૦ ( para.7)

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એને વિષે પરમેશ્વરને વિષે પ્રીતિ થવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું ? તે સમજાણું નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભક્તિને વિષે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાનાં લક્ષણ આવા હોય છે જે, જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય, તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકીવસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોળ્યો તથા કાળીયનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અક્રૂરજીને યમુનાના જળને વિષે દર્શન દીધું તથા મલ્લ, હસ્તિ, કંસાદિ દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમ જ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું, ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનનાં દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતાં રોતાં ઘેલા જેવા થઇ ગયા તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઇ વસ્યા ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે, “जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।।” એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘હે અર્જુન ! મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે, તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.’ માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય; અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી, એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ, એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે, ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઇ બાકી નથી.”

32. ગઢડા મધ્ય ૧૧ ( para.7)

એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે, તે સુધી અટપટી છે, તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે; તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે, વિમુખ જે જે ક્રિયા કરે છે, તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે, તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે, તે તો સર્વે નૈષ્કર્મ્યરૂપ૨ છે. ત્યાં શ્લોક ભગવદ્‌ગીતાનો છે,

33. ગઢડા મધ્ય ૧૧ ( para.9)

એ શ્લોકનો અર્થ છે જે, “ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જે કર્મ કરે છે, તે કર્મને વિષે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિમાર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો છે, એમ જે દેખે છે, તે દેખનારો સર્વે મનુષ્યને વિષે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે કહેતા મોક્ષને યોગ્ય છે અને ‘कृत्स्नकर्मकृत्’ કહેતા સર્વ કર્મનો કરનારો છે’ માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે, તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિષે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે.”

34. ગઢડા મધ્ય ૧૬ ( para.9)

પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, “તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત્કથાવાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઈત્યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારુ સ્નાનાદિક જે પોતાની દેહક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે. અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય. અને મોટો માણસ હોય તો પણ ભગવાનનાં દર્શન સારુ બાળકની પેઠ્યે આકળાઈ કરવા માંડે. એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે. અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય, તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે, ‘આની ઇન્દ્રિયોના વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે.’ અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહિ પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે, વાયુ વાય છે. તેમ ઇન્દ્રિયોની વૃત્તિયો દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે અને જો કપટે કરીને ઢાંકવા જાય, તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેની ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહિ.”

35. ગઢડા મધ્ય ૧૭ ( para.7)

અને આ સંસારમાં પણ એવી રીત છે જે, જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહિ. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારુ પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થો હોય તે પોતાના ભાઈ, ભત્રીજા, દીકરા ઈત્યાદિક જે સંબંધી તેને વિષે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા; તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે, ‘ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મૂકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે,’ એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહિ. જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું, ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે, ‘ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો ?’ પણ શુકજીને લેશમાત્ર સંશય થયો નહિ. અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો, તે ગોપીઓને પણ સંશય ન થયો જે, ‘ભગવાન હોય તો આમ કેમ કરે ?’ એવો કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા, તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા, ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો અને સામું ગોપીઓનું માહાત્મ્ય અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહિ. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે; પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિષે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણે અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિષે દ્રઢ મતિ પણ કરી શકે નહિ અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહિ અને હરિજનનું માહાત્મ્ય પણ જાણે નહિ. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માહાત્મ્ય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય માહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું માહાત્મ્ય જાણ્યું.

36. ગઢડા મધ્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાં વહાલા હોય તેનો પણ ત્યાગ કરવો. અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ; જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે. અને જે બીજામાં અવગુણ જુવે અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ; તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. અને જો ભક્તિને વિષે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે, એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિષે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રીકૃષ્ણભગવાનને વિષે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો, તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો; એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી, તો પણ ભગવાને એમ જણાવ્યું જે, ‘રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય, તો બીજાની શી ગણતી?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય અને અંતે જાતાં નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે, જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે અને જેને શિખામણની વાત કહે ને અવળું લે, તો તે ઉપર હેત થતું નથી; તેમ જ ભગવાનની પણ રીત છે જે, જેને શિખામણની વાત કહે ને સવળું લે, તો તે ઉપર હેત થાય છે પણ જે અવળું લે તે ઉપર થતું નથી.”

37. ગઢડા મધ્ય ૪૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, “જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલા ને એટલા જ સૂઝે કે કાંઈ વધુ સૂઝે ?” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “અટકળે તો એમ જણાય છે જે, મોરે સૂઝતા એટલા ને એટલા સૂઝે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાતમાં તમારી નજર પડી નહિ. એટલા ને એટલા અવગુણ સૂઝતા હોય તો અવગુણ આવ્યો, એમ કેમ કહેવાય? માટે એ તો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે; તેણે કરીને અવગુણ વધુ સૂઝે છે. ત્યારે એમ જાણવું જે, ‘બુદ્ધિને વિષે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્યું છે.’ અને અમે તો એમ જાણીએ છીએ જે, ‘જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે, તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ.’ અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ અને બીજા જે હરિભક્ત હોય તેને વિષે જ કેવળ અવગુણ ભાસે; એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળનેમી, રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહિ. માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહિ.”

38. ગઢડા મધ્ય ૪૬ ( para.2)

પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારને વિષે જે સત્પુરુષ હોય, તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ-વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ-શોક થાય નહિ અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે; કાં જે, થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે, માટે એને મોટી હાણ થાય છે. અને ભગવાનના જે અવતાર પૃથ્વીને વિષે થાય છે, તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થતા; કેમ જે, વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે, તે પણ સ્થાપન કરે છે. માટે એટલા સારુ જ ભગવાનના અવતાર નથી થતા; ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી; એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો. અને તે જો ક્રોધે કરીને પડયો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો અને તે જો કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાણવો. માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો પણ તે ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય, પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો, તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિષે અવગુણ ન આવ્યો હોય, તો તો એનાં પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચ મહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે.”

39. ગઢડા મધ્ય ૪૭ ( para.3)

અને વળી સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે ? અને પંચવિષય છે, તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી; તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,’શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે’ માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે,’ એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી-ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું; તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ,’ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક, ઈન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી; એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”

40. ગઢડા મધ્ય ૫૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે, ‘જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહિ.’ માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. અને વળી જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહિ જે, ‘મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે ? કે લાંબો છે કે ટુંકો છે ?’ એની કાંઈ ખબર નથી તો પણ મોટાપુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ્ય કાઢે અને એમ સમજે જે, ‘આ મોટાપુરુષ છે અથવા ભગવાન છે, પણ આટલું ઠીક કરતા નથી.’ એમ ખોટ્ય કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે, ‘એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે; અને શેષ, શારદા ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને ‘નેતિ નેતિ’ કહે છે. માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે ? માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે.”

41. ગઢડા મધ્ય ૫૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉં છું;’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય ?” પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે. જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહિ અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહિ; શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે; એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે, “यस्यात्मबुद्धिः कुणपे त्रिधातुके स्वधीः कलत्रादिषु भौम इज्यधीः । यत्तीर्थबुद्धिः सलिले न कर्हिचिज्जनेष्वभिज्ञेषु स एव गोखरः ।।” એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે.”

42. ગઢડા મધ્ય ૫૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ચાર વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે, ‘ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે.’ અને ભગવાનના જે સાધુ છે, તે તો ભવ-બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, જેવું હેત સ્ત્રી ઉપર છે, કે પુત્ર ઉપર છે, કે માબાપ ને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું; તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાનાં જે સ્ત્રી-પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળાં હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી; અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારેક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહિ. એવી જેની વૃત્તિ છે, તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે, તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહિ. ત્યારે એનું કલ્યાણ પણ થાય નહિ. અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે. તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે, ‘મારું કલ્યાણ થશે કે નહિ થાય ?’ તેનું શું કારણ છે ? તો એ જીવને પૂર્વજન્મને વિષે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી, ને તેમની સેવા પણ તેણે કરી નથી; એને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલ્યા જન્મમાં ફળશે. અને જેને પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે, તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહિ અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહિ; અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત્ રહે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહિ, તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું ? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે, તો પણ ડગમગાટ થાય નહિ. અને તેની દ્રઢતા તો જેવી નાથભક્તની છે, કે જેવી વિષ્ણુદાસની હતી, કે જેવી હિમરાજ શાહની હતી, કે જેવી કાશીદાસને છે, કે જેવી ભાલચંદ્ર શેઠને હતી, કે જેવી દામોદરને છે; એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે, આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે.”

43. ગઢડા મધ્ય ૬૦ ( para.3)

અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાંખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે, ‘તેના બ્રહ્મહત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે;’ એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે અને તેની વૈરભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહિ, એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મે યુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય તે સર્વે વૃથા છે; અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહિ. અને આ સંસારને વિષે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય; તેમ આ સંસારને વિષે જે એવો પુરુષ હોય જે, ‘આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારો-નરસો કહીએ ?’ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે જે, ‘આપણ કાંઈક અવળું-સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે;’ એવી રીતે પોતાની સારપ્ય રાખ્યા સારુ ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈક ઘસાતું બોલે ને તેને સાંભળી રહે, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જેવા પોતાનાં સગાં વહાલા હોય અથવા માબાપ હોય તેનો પક્ષ રહે છે, તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય, પણ આંટી રાખે નહિ; તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “હું તો દત્તાત્રેય, જડભરત, નારદ અને શુકજી તે સરખો દયાવાળો છું. અને પૂર્વદેશમાં એક સમે નાગડા વેરાગીની જમાત ભેળો હતો. તે મને સર્વે વેરાગીએ કહ્યું જે, ‘તાંદળજાની લીલી ભાજી તોડો.’ ત્યારે મેં કહ્યું જે, ‘એમાં તો જીવ છે, તે અમે નહિ તોડીએ.’ પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો, તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે; તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દૃષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો વહાલો હોય તોય પણ જાણીએ જે, ‘તેની આંખ ફોડી નાંખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુઃખવે તો તે હાથને કાપી નાંખીએ;’ એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય.”

44. ગઢડા મધ્ય ૬૬ ( para.2)

અને પોતાની આગળ સરોદા ને દૂકડ લઈને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે.” એમ કહીને પ્રથમ આનંદ સ્વામીને પૂછતા હવા જે, “કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે, અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે. અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે, તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિષે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે. એનું શું કારણ હશે જે, થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે, તેને પોતાના દોષ સૂઝતા નથી ? એ પ્રશ્ન છે.” પછી આનંદ સ્વામીને જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિષે એણે કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ દોષે યુક્ત છે. માટે એને હરિભક્તના દોષ સૂઝે છે ને પોતાના દોષ સૂઝતા નથી; એ જ એનો ઉત્તર છે.”

45. વરતાલ ૧૧ ( para.5)

પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “બ્રહ્મસ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહિ. અને જ્યારે એને મોટાપુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટાપુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય ને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો.” પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ; અને તેના વચન પણ સત્ય મનાય, એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”

46. ગઢડા અંત્ય ૧ ( para.3)

“અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિષે જ્ઞાનનું અંગ હોય, ને કાં તો હેતનું અંગ હોય. તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજે. અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહિ. તે જ્ઞાનના અંગવાળા તો ઝીણોભાઈ, દેવરામ ને પ્રભાશંકર છે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું માહાત્મ્ય જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિષે હેત હતું. તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું. અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે અને એમ જાણે જે, ‘ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ નહિ, ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય, તેને તેવું જાણીને તેવી રીતે કહે છે, પણ કોઈની શીખામણે કરીને ચાલતા નથી.’ અને જે એમ જાણે જે ‘ભગવાન તો કોઈકના શીખવ્યા થકા મારામાં વાંક નથી તો પણ મને કહે છે,’ તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંઘાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહિ. શા માટે જે, એને પોતાના સ્વાર્થનું હેત છે, તો જેણે ભગવાન સાથે જન્મમરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય, તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહિ અને જે એમ જાણે જે, ‘ભગવાન તો કોઈકના ફેરવ્યા ફરી જાય છે,’ એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે, તેને તો જ્ઞાનનું અંગ પણ નથી અને હેતનું અંગ પણ નથી.” એવી રીતે કહીને શ્રીજીમહારાજે મોટા મોટા પરમહંસને કહ્યું જે, “તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો.” પછી સર્વે પરમહંસે કહ્યું જે, “અમારે તો જ્ઞાનનું અંગ છે.”

47. ગઢડા અંત્ય ૧ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. કેમ જે, આ સંસારને વિષે જે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી ને છોકરા; તેને વિષે હેત હોય છે. અને જ્યારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને પોતાનાં ઘરનાં માણસને દ્રવ્ય આપે છે. અને એ ચોર ઘણો નિર્દય છે, પણ પોતાનાં કુટુંબી ઉપર હેત છે, તો તે સંઘાથે નિર્દય નથી થતો. તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંઘાથે હેત હોય, તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષ્યા આવે જ નહિ અને અવગુણ પણ કોઈ રીતે આવે જ નહિ. એવું જેને હેત હોય તેને હેતનું અંગ કહીએ. અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એકેય અંગ નથી; તેને ચાળાચૂંથણો કહીએ.” એટલી વાર્તા કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

48. ગઢડા અંત્ય ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય, તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહિ, ત્યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે જે, ‘રખે મારે મા, બાપ, સ્ત્રી, છોકરા, દ્રવ્ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ ?” એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાંખ્યા હોય તો પણ તે મરેલ શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે. તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાંખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધનકલત્રાદિક પદાર્થની કોઈક સમે સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે જે ‘રખે મને બંધન કરે !’ એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનુવૃત્તિ કહીએ. તે બાધિતાનુવૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બારણે નીસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનુવૃત્તિ રહે ખરી. માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનુવૃત્તિને યોગે કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરલ્યા જેવું બોલાય અને ‘ઓય બાપ, ઓય મા’ એવા વચન પણ બોલાય. ત્યારે જે આ બાધિતાનુવૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય જે, ‘આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે ?’ અને જે અવગુણ લેવાય છે, તે બાધિતાનુવૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમે બોલતા ચાલતા ખબડદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાઈ ને રજપૂત હોય ને તેને શરીરમાં ઘા વાગે એટલે ખબડદાર થકા ને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબડદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તે નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ-સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનુવૃત્તિને યોગે કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનનાં ચરણારવિંદને જ પામે છે.”

49. ગઢડા અંત્ય ૧૧ ( para.5)

પછી વળી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો. ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા જે, “હું મારા દુઃખ સારુ નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારુ રોઉં છું. શા માટે જે, રઘુનાથજી અતિ કૃપાળુ છે. તે લોકાપવાદ સારુ મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે, ‘સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે.’ એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે, માટે રામચંદ્રજીને કહેજ્યો જે, સીતાને તો કાંઈ દુઃખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો મા.” એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહિ. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહિ અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય; એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરાં છે પણ સીતાજીના જેવી સમજણ નથી. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંઘાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી ?” પછી ચૈતન્યાનંદસ્વામીએ કહ્યું જે, “ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ્ય અને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહિ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યથાર્થ ઉત્તર થયો.”

50. ગઢડા અંત્ય ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, “જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ જે, ‘હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું.’ એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહિ. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય, તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે, તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહિ, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહિ. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય, ને અનંત બાળહત્યા કરી હોય, ને અનંત સ્ત્રીહત્યા કરી હોય, ને અનંત ગૌહત્યા કરી હોય, ને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કહ્યા છે. પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાંખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે, ‘જીવનો નાશ કેમ થતો હશે ?’ તો ત્યાં દૃષ્ટાંત-જેમ હીજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદલ કહેવાય. તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે, ‘કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહિ.’ માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહિ. અને વળી પોતાના દેહના જે સગાંસંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહિ. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાનાં દેહના જે સગાં સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગાં સંબંધી હોય તે સાથે હેત રાખવું નહિ. એમ સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનનાં ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહિ અને આ જે વાત તે કરામત જેવી છે.” એમ કહીને શ્રીજીમહારાજે વાર્તાની સમાપ્તિ કરી.

51. ગઢડા અંત્ય ૧૪ ( para.12)

પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “મનમાં તો એમ નિશ્ચય છે જે, દેહ પર્યન્ત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે; તો પણ એમ જાણીએ છીએ જે, પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહિ; તથા વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે; ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે જે, જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશમાત્ર ફેર પડે તો અતિશય દુઃખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે. અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુઃખાય ને ત્રાસ પામે. ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે, ‘આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહિ.”

52. ગઢડા અંત્ય ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મુનિમંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજ્યો. તે પ્રશ્ન એ છે જે, ‘ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતા કાંઈ વાર લાગે નહિ, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય ? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય પણ ગુણવાન સંઘાથે સહેજે જ પ્રીતિ થાય ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહિ; માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય, એવો શો ઉપાય છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય, ને કુરૂપ હોય, અથવા રોગી કે વૃદ્ધ હોય, તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહિ. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુવે અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરૂણા આવ્યા હોય તો તેને અન્ન જળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે, તે તો પતિના સંબંધી જાણીને આપે; પણ પોતાના પતિના જેવી બીજા પુરુષમાત્ર સંગાથે લેશમાત્ર પ્રીતિ ન હોય. અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે; અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિષે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિષે હેત થાય જ નહિ. જેમ હનુમાનજી શ્રીરઘુનાથજીના ભક્ત છે. તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિષે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી.

53. ગઢડા અંત્ય ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે, તે આ સત્સંગને વિષે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ. અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે, જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ જે, ‘હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી.’ અને દેહના સંબંધી છે તે તો ચોરાશી લાખ જાતની હારે ગણ્યા જોઈએ, અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું માહાત્મ્ય સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનું હરિભક્તપણાનું માહાત્મ્ય સમજે, પછી ભગવાન અને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાય જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે, તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા-ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિષે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય, તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવાચાકરીરૂપ સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય, તો પણ તેમાં તે પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે જે, પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમ જ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે. એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યા-માયારૂપ થયું. એવી રીતે જે જે ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંતમંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જે, જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે, તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે, તો તેણે પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજ્યો.”

54. ગઢડા અંત્ય ૨૧ ( para.3)

અને અમારો પણ મત એ છે જે, ‘ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તો પણ થતું નથીં.’ અને અમને એમ જણાય છે જે, ‘જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન, પર્વત ને જંગલ; એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી, એવો અમારો સહજ સ્વભાવ છે; તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ. અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદ કરી જીતીને રાજી થવું નહિ, એ સાથે તો હારીને જ રાજી થવું; અને જે વાદવિવાદ કરીને ભગવાનનાં ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્ન-જળ પણ ભાવે નહિ. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે જે, આપણે તો આત્મા છીએ તે આપણે દેહ ને દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ, તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.

55. ગઢડા અંત્ય ૨૩ ( para.5)

અને વળી શ્રીજીમહારાજે એક બીજી વાત કરી જે, “જ્યારે ભગવાન ને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું જે, ‘મારા મોટા ભાગ્ય જે, મારી ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા.’ અને શિક્ષાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે, ‘મારા મોટા ભાગ્ય જે, મને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા, જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે.’ એવી રીતે વઢે તો પણ રાજી થવું, પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો ને કચવાવું નહિ ને પોતાના જીવને અતિ પાપી ન માનવો, રાજી રહેવું. આ વાત પણ રાખ્યા જેવી છે.”

56. ગઢડા અંત્ય ૨૮ ( para.3)

પછી શ્રીજીમહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજે ઉત્તર કર્યો જે, “એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચ્યપ રહી ગઈ છે. તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારુ સારુ ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે, ‘આ તારું ધન, માલ, ખેતર, વાડી તે કોઈકને આપી દે.’ ત્યારે તે વચન પાળે નહિ, તેણે કરીને પાછો પડી જાય. તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે, ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય ને જે જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે. અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહિ. અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુવે તો જણાઈ આવે જે, ‘આવી રીતને અંગે હું કાચો છું, તે જો મને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ.’ એમ યથાર્થ જાણે.”

57. ગઢડા અંત્ય ૨૮ ( para.4)

પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં ક્યો અવગુણ છે?” ત્યારે એ ત્રણેએ કહ્યું જે, “હે મહારાજ ! માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મુંઝવણ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પૂછીએ છીએ જે, “द्युपतय एव ते न ययुरन्तमनन्ततया ।” એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય ? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. કેમ જે, ગવર્નર સાહેબને જાણ્યો છે જે, એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય, તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે, તે રાજાએ એમ જાણ્યું છે જે, બળિયો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલિયો છે’ અને જેથી જે બળિયો, તેની આગળ માન રહે નહિ, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય-સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે?” પછી બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! તમે ઠીક કહો છો. જો એમ માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જુઓને, ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા ! પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિષે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારુ વનવેલીનો અવતાર માગ્યો ! તે કહ્યું છે જે- “आसामहो चरणरेणुजुषामहं स्यां वृन्दावने किमपि गुल्मलतौषधीनाम्। या दुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा भेजुर्मुकुन्दपदवीं श्रुतिभिर्विमृग्याम् ।।” તથા બ્રહ્માએ પણ કહ્યું જે, “अहो ! भाग्यमहो ! भाग्यं नन्दगोपव्रजौकसाम् । यन्मित्रं परमानंदं पूर्णं ब्रह्म सनातनम् ।।” એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા, તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહિ ને તેની આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહિ. અને એમ મનમાં થાય નહિ જે, ‘હવે તો ક્યાં સુધી ખમીએ ? આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું.’ તે માટે એમ માહાત્મ્ય સમજે તો માન ટળે.” એવી રીતે વાર્તા કરી.

58. ગઢડા અંત્ય ૩૫ ( para.3)

ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું જે, “મૂંઝાતો તો હોય. કેમ જે, પ્રકૃતિને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય. પરંતુ તે મૂંઝવણમાં પણ કાંઈ ફેર છે કે નહિ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે, પણ ભગવાનનો ને સાધુનો અવગુણ ન લે, એ સારો. અને જે પોતાનો અવગુણ ન લે, ને ભગવાનનો ને સાધુનો અવગુણ લે, તો એનો વિશ્વાસ નહિ ને એવો જે હોય તેના આશ્રયનો પણ ઠા નહિ.”

59. ગઢડા અંત્ય ૩૫ ( para.6)

પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, (૧). “પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે, ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે. સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે. અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ્, વેદ ઈત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે જે, ‘કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, ને કાં તો એમાં કેમ કહ્યું હશે ! પણ ભગવાન તો સદા સાકાર જ છે.’ અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે; એક તો એ લક્ષણ હોય. (૨). તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા-કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૩). તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે. અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે, તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે. એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૪). તથા સારુ વસ્ત્ર, સારુ ભોજન, સારુ જળ તથા જે જે કોઈ સારુ પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે, ‘આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક,’ અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય, એવો હોય. (૫). તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, ‘આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી.” એવો ન હોય ને જેવો એ માંહી-બાહેર હોય તેને સર્વે જાણે જે, ‘આ તે આવો છે.’ એવો જે સરલ સ્વભાવવાળો હોય. (૬). અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. ૬. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે.”

60. ગઢડા અંત્ય ૩૯ ( para.3)

અને ભગવાનનો જે ભક્ત હોય, તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના માહાત્મ્યનું બળ, એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક્ જાણવો. અને સાધુ ભેળા રહેતા હોઈએ, તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહંમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય, ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે; તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાના દેહથી પૃથક્ આત્મા જાણવો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યનાં કિરણ તે તો જડ છે. કેમ જે, તેને આંગળી અડાડીએ તો ખસે નહિ અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે. અને એને સૂર્ય, અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે. અને એમ કહેવાય છે જે, ‘જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે.’ અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી, જેવો છે તેવો ને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે આપણને એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે ? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું.

(કુલ: 157)