ઇન્દ્રિય

ઇન્દ્રિય

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "ઇન્દ્રિય" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહિ. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.”

2. ગઢડા પ્રથમ ૧૨ ( para.4)

હવે મહત્તત્વાદિક જે તત્ત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો જે, ચિત્તને અને મહત્તત્ત્વને અભેદપણે જાણવું અને જે મહત્તત્ત્વને વિષે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વચ્છ છે ને શુદ્ધસત્ત્વમય છે અને શાંત છે. હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે, અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂતમાત્ર, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે; અને એને વિષે શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ જે, મન જે તે સ્ત્રી આદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પરૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે, બુદ્ધિને વિષે પદાર્થમાત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિષે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતે છે; અને જે બુદ્ધિને વિષે સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ એ રહ્યાં છે. અને શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ એ જે દશ ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે, પોતપોતાના વિષયમાં પ્રવર્તવું.

3. ગઢડા પ્રથમ ૧૨ ( para.5)

હવે પંચ માત્રાનાં લક્ષણ કહીએ છીએ, તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે, શબ્દ જે તે અર્થ માત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનો કારણ છે અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે અને આકાશને વિષે રહેવાપણું છે અને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવે છે, એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ જે, સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું અને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું; એ સ્પર્શનું સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે, પદાર્થમાત્રના આકારને જણવી દેવાપણું અને તે પદાર્થને વિષે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તેજતત્ત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું; એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ જે, મધુરપણું, તીખાપણું, કષાયલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને જળનું તન્માત્રાપણું અને રસના ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું; એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે, સુગંધપણું, દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું અને ઘ્રાણ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું; એ ગંધનું ગંધપણું છે.

4. ગઢડા પ્રથમ ૧૨ ( para.6)

હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે, સર્વ જીવમાત્રનું ધારવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશાદિક જે ચાર ભૂત, તેનું વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂતપ્રાણીમાત્રના શરીરનું પ્રગટ કરવાપણું; એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ જે, પૃથિવ્યાદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું ને પદાર્થને કોમળ કરવાપણું ને ભીનું કરવાપણું ને તૃપ્તિ કરવાપણું ને પ્રાણીમાત્રને જીવાડવાપણું ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપને ટાળવાપણું અને બહુપણું; એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે, પ્રકાશપણું ને અન્નાદિકને પચવી નાંખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ઠનું ને હુતદ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું ને ટાઢ્યને હરવાપણું અને શોષણ કરવાપણું અને ક્ષુધા ને તૃષા; એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે, વૃક્ષાદિકને કંપાવવાપણું ને તૃણાદિકને ભેળા કરવાપણું ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્માપણું; એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે, સમગ્ર જીવમાત્રને અવકાશ દેવાપણું ને ભૂતપ્રાણીમાત્રના જે દેહ તેનો માંહિલો વ્યવહાર અને દેહને બાહેરનો વ્યવહાર તેનું કારણપણું અને પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણ એ સર્વનું સ્થાનકપણું; એ આકાશનું લક્ષણ છે. એવી રીતે ચોવિશ તત્ત્વ, પ્રકૃતિ, પુરુષ અને કાળ એમના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે.

5. ગઢડા પ્રથમ ૧૨ ( para.7)

અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જાણવી. તે ઉત્પત્તિ કહીએ છીએ જે, પોતાના ધામને વિષે રહ્યા એવા જે શ્રીકૃષ્ણભગવાન તે અક્ષરપુરુષરૂપે કરીને માયાને વિષે ગર્ભને ધરતા હવા, ત્યારે તે માયા થકી અનંતકોટિ જે પ્રધાન અને પુરુષ તે થતા હવા, તે પ્રધાનપુરુષ કેવા છે ? તો અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિનાં કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાનપુરુષ તેને કહીએ છીએ જે, પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણભગવાન તે પુરુષરૂપે કરીને પ્રધાનને વિષે ગર્ભને ધરતા હવા. પછી તે પ્રધાન થકી મહત્તત્ત્વ ઉત્પન્ન થતું હવું અને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હવો. તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હવા અને રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન થતા હવા અને તામસ અહંકાર થકી પંચ ભૂત અને પંચ તન્માત્રા એ ઉપજતાં હવા. એવી રીતે એ સમગ્ર તત્ત્વ ઉપજ્યા.

6. ગઢડા પ્રથમ ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે ભગવાનના ભક્તને સત્-અસત્ નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિષે સંશય કરે નહિ. અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે’, એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહિ. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે; એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે.”

7. ગઢડા પ્રથમ ૧૮ ( para.2)

પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે, “એક વાત કહું તે સાંભળો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે, અને તે વિના તો ચાર વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ અને ભારતાદિક ઇતિહાસ; તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહિ. તે વાત કહીએ તે સાંભળો જે, ‘બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય, તો તેનો અમારે ખરખરો નહિ, અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય, તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય;’ એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે, ‘ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે ?’ પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે જે, ‘ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી.’ એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન- ભોજન પ્રત્યે જુદા-જુદા સ્વાદ છે અને જુદા-જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ, તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ પાર આવે નહિ. તેમજ એ જીવ શ્રોત્રદ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા-જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે; જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે; માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા-જુદા અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ-દારૂના જેવો છે; માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુધબુધને ભુલાડી દે છે. તેમ જ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા-જુદા છે; તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે; તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે; તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય; અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા; તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે, તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી રાખી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી; અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ જ તે મોટાપુરુષને ચઢ્યું એવું જે પુષ્પ, ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર-અસારનો વિભાગ નહિ કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાશે અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે. અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે, અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી.

8. ગઢડા પ્રથમ ૧૮ ( para.4)

અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થાશે; કાં જે, અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુક્ત૧ જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું; જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું, તે તો નારદ-સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહિ તો બીજાની શી વાર્તા કહેવી ? અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે, તેમાં ઉપાધિમાં૨ રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહિ અને હમણાં પણ કોઈયે નથી અને કોટિ કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારુ બોલાવીએ છીએ અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ અથવા કોઈ સારાં ભોજન કરાવે છે તેને જમીએ છીએ અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્ત્ર-આભૂષણ તથા પુષ્પના હાર ઈત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી; અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રીરામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો મા, અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો, એ વચન અમારું જરૂરા-જરૂર માનજ્યો. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે માટે સર્વના સમજ્યામાં તુરત આવી જાશે, તે સારુ સત્સંગમાં અતિશય પ્રવર્તાવજ્યો, તેમાં અમારો ઘણો રાજીપો છે.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા.

9. ગઢડા પ્રથમ ૨૦ ( para.2)

પછી સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ બોલ્યા જે, “સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ.” ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું જે, “પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે?” પછી તો સર્વે વિચારી રહ્યા, પણ ઉત્તર કરી શક્યા નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે જ ઉત્તર કરીએ.” ત્યારે સર્વેએ રાજી થઈને કહ્યું જે, “હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુવે છે અને કુરૂપને જુવે છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુવે છે, એવા અનંત પદાર્થને જુવે છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્યદૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમ જ શ્રોત્ર, ત્વક્, રસના, ઘ્રાણ ઈત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છે ને જાણે છે; પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી, એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે.”

10. ગઢડા પ્રથમ ૨૧ ( para.2)

પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે, “સર્વે સાંભળો, એક વાર્તા કરીએ.” એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિષે અરુચિ તથા ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા, પીતા, નાતા, ધોતા, ચાલતા, બેઠતા સર્વ ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને જો અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય, એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહિ, કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરીયો, જેટલી મીનડીયો, જેટલી વાનરીયો, એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમ જ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે; તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતના સગપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમ જ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ અને એ દેહના સંબંધીને પોતાનાં સંબંધી માનવા નહિ; કેમ જે, ચોરાશી લાખ જાતના દેહ ધર્યાં તેનો સંબંધ રહ્યો નહિ, તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની ને પ્રાકૃત મતિવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેણે કરીને પશુનું પણ ક્લ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમા શું આશ્ચર્ય કહેવાય ? પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ.

11. ગઢડા પ્રથમ ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ? તો પ્રકૃતિપુરુષથી પર છે, અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે, અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય ; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમ જ ચિત્તરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમ જ બુદ્ધિરૂપ પોતાની ડાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમ જ અહંકારરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમ જ પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો છે તે ડાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા, તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી, અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઇ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઇ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઇ જાય છે, ને જે એ ભગવાનને ઇર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઇર્ષ્યાવાન થઇ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ ‘સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે.’ તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઇ જાય છે.”

12. ગઢડા પ્રથમ ૨૪ ( para.3)

પછી બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “કોઈ વિષયમાં પણ પોતાનાં ઇન્દ્રિયો તણાતાં ન હોય, ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પણ હરિભક્તમાં મોટી ખોટ્ય છે, જે પોતાનું મન સ્થિર થયું છે, ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે, ‘હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે; અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ-ક્રોધાદિ સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે’. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે, ‘મારું પૂર્ણકામપણું થયું છે’ એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો-તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે,’ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

13. ગઢડા પ્રથમ ૨૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, “સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે, અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે, માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં, અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું; તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું’ માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને, તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, ‘તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી; ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા, તે તારું સ્વરૂપ છે.’ પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ‘ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો.’ અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે; અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે, અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે; ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે, તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહા શૂરવીર હતા, તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ, માટે એમ બોલ્યા જે, ‘હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો.’ એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી; તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે; એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય, અને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીશ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ અને તે વીશે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ; તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાય જાય છે, તેમ જ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમ જ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિયો પણ પોતપોતાના વિષયને વિષે હજારો પ્રકારે ફેલાઈ જાય છે; એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે ‘હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું,’ એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી.

14. ગઢડા પ્રથમ ૨૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે, “પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે, ‘આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજ-વીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે, તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે,’ એમ સમજે; પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહિ. અને ‘પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે’ એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે, ‘ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાંખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે.’ તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે; એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવના માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહિ, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવા જે, એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધાર રૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, ‘હું મોટો થયો છું,’ પણ એ મોટો નથી અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો; એમ જેમ જેમ અધિક સંપત્તિ જેને હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે, ‘આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારુ છે અને આ મેડી તો ઘણી સારી છે અને આ તુંબડી તો અતિશય સારી છે ને આ પાત્ર તો અતિશય સારુ છે,’ એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે, એનું કલ્યાણ થશે કે નહિ થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનુંયે થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી; કાં જે, એ પાત્ર થયો નથી.” એમ વાર્તા કરીને ‘જય સચ્ચિદાનંદ’ કહીને શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા.

15. ગઢડા પ્રથમ ૩૮ ( para.2)

તે સમે શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા જે, “સાંભળો, વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, ‘પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી.’ એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. અને એમ વિચારે નહિ ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહિ; જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના-મહિનાનું નિરંતર ચુકાવી દઈએ તો દેતા કઠણ ન પડે ને વર્ષ-દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે, તેમ નિરંતર વિચાર કરવો. અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે, જેમ ફૂલે કરીને તિલ વસાય છે, તેમ મનને ભગવાનનાં જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિષે વાસવું અને ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ગૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક શમ્યો ને બીજો કરવો, બીજો શમ્યો ને ત્રીજો કરવો, એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહિ.” એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે ભગવાનનાં જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન; તે એક દિવસનાં જો સંભારવા માંડે તો તેનો પાર ન આવે, તો સત્સંગ થયા તો દશ-પંદર વર્ષ થયા હોય તે એનો તો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભારવા જે, ‘આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ,’ ઈત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તેને વારંવાર સંભારવા અને જે ઝાઝું ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો જે, ‘અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ,’ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે, મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃતિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહિ. અને બાહેર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય. અને જેને મનમાં વાસના હોય ને તે બાહેર સારી પેઠે નિવૃત્તિપરાયણ વર્તતો હોય તો તેનું બાહેર લોકમાં તો સારુ જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય; કેમ જે, મૂવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું, ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું; માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય, માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતવન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું, તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કહેવા, પણ ‘જેમ કૂતરાનું મુખ કૂતરો ચાંટે’ તથા ‘સર્પને ઘેર પરોણો સાપ મુખ ચાટીને વળીયો આપ’ તથા રાંડીને પાસે સુવાસિની સ્ત્રી જાય ત્યારે તે કહે જે, ‘આવ બાઈ હું જેવી તું પણ થા’ તેમ પોતાની પેઠે જેને ભૂંડા ઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ૨ છે; માટે ઘાટ કેને કહેવો ? તો જે ના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળિયો હોય તેની આગળ કહેવો. અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે, તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે, તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી ન જાય ત્યાં સુધી બેઠતો-ઉઠતો, ખાતો-પીતો સર્વ ક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાડ હોય ? તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાડ હોય તેવી હોય, એવા આગળ ઘાટ કહેવો. અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય ? માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિષે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થવું. અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે ? તો દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવાં તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તે વ્રત-તપ કરે તો પણ તેનું અતિશય સારુ થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું માહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્યે અભ્યાસ રાખવો.” એમ વાર્તા કરી.

16. ગઢડા પ્રથમ ૩૮ ( para.4)

પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા; તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે, “દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું-જુદું કરીને શ્રોતાને સમજાવે છે. તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ. અને જે શ્રોતા છે તે દેહાદિકનાં રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વથી જુદો છે એને જ જીવ કહીએ. એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે.” એવી રીતે વાર્તા કરી.

17. ગઢડા પ્રથમ ૪૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,”પ્રશ્ન-ઉત્તર કરો.” પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ‘एकोऽहं बहुस्यां प्रजायेय’ એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, ‘પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વ જીવ-ઈશ્વર રૂપે થયા છે.’ તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે, ભગવાન તો અચ્યુત છે, તે ચ્યવીને જીવ ઈશ્વરરૂપે થાય નહિ; માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે, તે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યો છે જે, “स्वकृतविचित्रयोनिषु विषन्निव हेतुतया तरतमतश्चकास्त्यनलवत्स्वकृतानुकृतिः” એનો અર્થ એમ છે જે, ‘પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિષે કારણપણે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે.’ તેની વિગતિ જે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે, એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. અને પછી તે પ્રકૃતિ-પુરુષથકી પ્રધાનપુરુષ થયા અને તે પ્રધાનપુરુષથકી મહત્તત્ત્વ થયું ને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત, વિષય, ઇન્દ્રિયો, ભગવદ્‌ગીતાઅંતઃકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટપુરુષ થયા ને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્માથકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપપ્રજાપતિ થયા ને તે થકી ઈન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ-પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ-પ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરુષમાં નથી ને જેવા પ્રધાનપુરુષમાં છે તેવા મહત્તત્ત્વાદિક ચોવિશ તત્ત્વમાં નથી. ને જેવા ચોવિશ તત્ત્વમાં છે તેવા વિરાટપુરુષમાં નથી ને જેવા વિરાટપુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી ને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઈન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઈન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ-પક્ષીમાં નથી, એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે. જેમ કાષ્ઠને વિષે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાકાં કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે અને અક્ષર ને પુરુષ-પ્રકૃતિ આદિ સર્વેને વિષે પુરુષોત્તમ ભગવાન અંતર્યામીરૂપે રહ્યા છે પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થીમાં તારતમ્યપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામીરૂપે કરીને એ સર્વેને વિષે પ્રવેશ કરીને રહ્યા છે પણ જીવ-ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા, એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો.”

18. ગઢડા પ્રથમ ૫૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કાંઈ પ્રશ્ન પૂછો.” પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “દસ ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ, તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય; માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ન છે ?” પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે, “એ જ પ્રશ્ન છે, તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થરૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે, માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્વિકાહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્ત્વ જ છે. અને તે મહત્તત્ત્વ પણ પ્રધાન-પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટિ પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર, તેના એક દેશમાંથી ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે; તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે, ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થતું.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

19. ગઢડા પ્રથમ ૫૬ ( para.5)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”

20. ગઢડા પ્રથમ ૫૭ ( para.4)

પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે ? અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે ? ત્યાં દ્રષ્ટાંત છે, ‘જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય; કાં જે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે. તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે ને તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી, તો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે જે, જીવ તો અતિ સમર્થ છે; કેમ જે, મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય.”

21. ગઢડા પ્રથમ ૬૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિગતિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે, ‘મારે જેટલી ભગવાનને વિષે વાસના છે તેટલી જ જગતને વિષે છે કે ઓછી વધુ છે ?’ તેની પરીક્ષા કરવી. ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે, ‘ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે.’ એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય અને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચવિષયને વિષે સમબુદ્ધિ થઈ જાય છે; ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે; તેમ જ સારુ રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે; તેમ જ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જિતાણી. અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતાં હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે, માટે વાસના ટાળે તેજ એકાંતિક ભક્ત છે.”

22. ગઢડા પ્રથમ ૬૫ ( para.2)

અને શ્રીજીમહારાજ કથા કરાવતા હતા તે સમે મોટા મોટા પરમહંસને પોતાની સમીપે બોલાવ્યા, પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો, કેમ જે, પ્રશ્ન-ઉત્તર કરો ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “આકાશની ઉત્પત્તિ અને લય તે કયે પ્રકારે છે ?” ત્યારે પરમાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય, ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એનાં ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય અને તેમાં આકાશ પણ લય થતો જણાય, તેમ જ્યારે વિરાટ દેહ ઊપજે ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય, એમ આકાશની ઉત્પત્તિ અને લય છે. પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃતિપુરુષ નિત્ય છે તેમ નિત્ય છે, એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહિ. અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે, તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે.

23. ગઢડા પ્રથમ ૬૫ ( para.3)

પછી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “સુષુમ્ણા નાડી તે દેહને માંહિલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે ?” ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે, તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત્ છે. અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાડીઓ છે અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષિને વિષે જળ છે, અને જેમ ત્યાં ચંદ્ર, સૂર્ય છે તેમ પિંડમાં ઈડા, પિંગલા નાડીને વિષે ચંદ્ર-સૂર્ય છે ઈત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે. અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. તે જિહ્વાના અંતને પામે ત્યારે વરુણદેવને પમાય છે અને વાક્ ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે, અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે, અને શિશ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે અને હાથના અંતને પામે ત્યારે ઈન્દ્રને પામે છે, અને તેમજ હૃદયને વિષે રહી જે સુષુમ્ણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિષે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિપુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સુષુમ્ણા કહીએ. એવી રીતે સુષુમ્ણા નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે.”

24. ગઢડા પ્રથમ ૭૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” પછી સોમલે ખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે, તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહિ અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટિ સૂર્ય, ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ તેને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા છે ચરણકમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રકટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે. તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામ કૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઈત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.”

25. ગઢડા પ્રથમ ૭૩ ( para.5)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્‌ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”

26. ગઢડા પ્રથમ ૭૩ ( para.7)

અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ, માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ-દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્યારે બુઠિયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહિ અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. એ સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે : તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો, માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ, તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે જે, ‘કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહિ તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહિ.”

27. સારંગપુર ૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, ‘जितं जगत् केन मनो हि येन’ એ શ્લોકમાં એમ કહ્યું છે જે, જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહિ, ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહિ અને હૈયામાં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચવિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું.”

28. સારંગપુર ૨ ( para.4)

ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી જે, “હે મહારાજ! અમારે તો દેશદેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે, પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કયે દિવસે અમે આજ્ઞા આપી છે ?” એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા જે, “પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે ! તેવું ને તેવું અલૌકિકપણું તો, તો રહે જો, મને સહિત દૃષ્ટિ પરમેશ્વરમાં રાખે. એવી રીતે મનને ગુણે કરીને વર્તે, ત્યારે તે ભક્તની ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે. અને તે ભક્તને પણ ભગવાનને વિષે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે. અને વળી નેત્ર ને શ્રોત્ર; એ બેને તો વિશેષે કરીને નિયમમાં રાખવા. તે શા સારુ જે, જ્યાં ત્યાં ગ્રામ્યવાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારે તણાઈ જઈને સાંભળીએ, તો તે સર્વ ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભરી આવે છે, અને ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે જે રૂપ જોયું હોય, તે સર્વ ભજન કરતા સાંભરી આવે છે. તે સારુ એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો જે, ‘હે મૂર્ખ ! તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુવે છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે તેમાં તને શું પ્રાપ્ત થશે ? અને હજી તને સિદ્ધદશા તો આવી નથી જે, જેવું ચિંતવ્યું તેવું તને તત્કાળ મળે, શા સારુ જે હજી તો તું સાધક છું માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહિ, અને ઠાલાં વલખાં કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે ? અને કાંઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતાં ખાતાં અંત નહિ આવે.’ એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દેવો. અને વળી એમ કહેવું જે, ‘જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધદશાને પામીશ પછી તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ અને ભગવાનનું ભજન કરતા કરતા સિદ્ધદશાને દેહ છતે નહિ પામ્ય તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધદશા મળશે પણ સિદ્ધદશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહિ અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળી સાંભળીને મરી જઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે, પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહિ થાય.’ એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા અને એવી૩ રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે અને તે ભક્ત ઉપર પરમેશ્વરને ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે.”

29. સારંગપુર ૫ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનાં દર્શનનો જે મહિમા તથા ભગવાનનાં નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનનાં દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દૃષ્ટિ દ્વારે આવીને તે સહિત દૃષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે, વીસારે તોય પણ વીસરે નહિ. એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વીસરે નહિ. જેમ ગોપાંગનાઓનાં ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, ‘હે ભગવન્ ! જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે.’ એવી રીતે સર્વે જ્ઞાન ઇન્દ્રિયે કરીને મને સહવર્તમાન જે દર્શન, સ્પર્શ, શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વીસરી જતાં નથી, જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચજ્ઞાન ઇન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય, તે વીસારે તો પણ વીસરે નહિ. એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે; કાં જે, જે સમે એણે દર્શન કર્યા તે સમે એનું મન તો ક્યાંઈએ ફરતું હતું. માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વીસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા વર્ષમાં અથવા પાંચ વર્ષમાં જરૂર વીસરી જશે, પણ અંતે રહેશે નહિ. માટે જે માહાત્મ્ય જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન ઇન્દ્રિયે કરીને દર્શન સ્પર્શાદિક કરે છે, તેને જ તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે.”

30. સારંગપુર ૬ ( para.2)

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જીવાત્મા જે તે જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજપુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળદેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાનાં પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણ પ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિષે રહી છે એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મદેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા, તેનું પ્રધાનપુરુષરૂપ સગુણબ્રહ્મના સુખલેશને વિષે અતિશય લીનપણું થઈ જાય છે તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ અને એ સુષુપ્તિને વિષે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહીએ અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્ય પદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે. બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે.”

31. સારંગપુર ૭ ( para.2)

અને શ્રીજીમહારાજે શ્રીમદ્‌ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, ‘જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.’ એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂંઠ્ઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બૂંઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે ક્યાંઈ પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહિ. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય, તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધિને માંહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નીસરે નહિ; અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે, પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહિ, તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે, ઇન્દ્રિયો તે બૂંઠ્ઠીયો થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહિ અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિયો પાછી હઠે, એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું.”

32. સારંગપુર ૧૨ ( para.4)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પોતાના આત્માનો વિચાર કેમ કરવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બાહેર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વીસરી જાય છે, અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વના રૂપને જાણવાં. પછી વિચારની દૃષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. અને જે બાહેર સ્થૂળ દેહને વિષે પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે, તે જ્યારે પોત પોતાના વિષય સામી જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો. એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો, અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિષે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે; પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે અને એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહિ અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહિ, માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહિ ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બાહેર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો જે, જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહિ અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અને દ્રષ્ટા ને દૃશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે, ‘દ્રષ્ટા ને દૃશ્ય તે અતિશય જુદા છે.’ એમ સમજીને દેહના ભાવ તે દેહને વિષે હોમવાં અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિષે હોમવાં. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે, તે આત્માને વિષે માનવા જ નહિ; અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે, તે કોઈ કાળે દેહને વિષે સમજવા જ નહિ. એ ગુણ તો આત્માને વિષે સમજવા. એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ-સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહિ. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહિ અને જ્યારે શત્રુમાત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે, તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિયોરૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દ્રઢપણે રાખવો અને જ્યારે મન ઇન્દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું.”

33. સારંગપુર ૧૪ ( para.4)

પછી શ્રીજીમહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો જે, “સ્થૂળ શરીર તે કેટલા તત્ત્વનું છે ? અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્ત્વનું છે ? અને સ્થૂળદેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્ત્વ છે કે કાંઈ ઓછાં અધિક છે ? એ બે શરીરનું રૂપ કરો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ. પછી સર્વે મુનિ બોલ્યા જે, “હે મહારાજ! એનો ઉત્તર તમે કૃપા કરીને કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે પાંચ તત્ત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ એ નામે જે ઓગણીસ તત્ત્વ તેનું છે. અને તે સ્થૂળ દેહને વિષે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસ્યૂતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે, પણ તે વિના થતી નથી. કેમ જે, કાન, નેત્ર આદિક જે ઇન્દ્રિયોના ગોલક, તેમણે યુક્ત એવો જે સ્થૂળદેહ તેને વિષે તે તે ઇન્દ્રિયાદિકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ, તે ભળે છે, તેણે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કરીને થતું નથી. તે માટે પંચ તત્ત્વનું જે સ્થૂળ દેહ તેને વિષે ઓગણીસ તત્ત્વનું જે સૂક્ષ્મદેહ તે અનુસ્યૂતપણે રહ્યું છે, તે સારુ સ્થૂળ દેહને વિષે પણ ચોવિશ તત્ત્વ છે. અને તેમ જ સૂક્ષ્મદેહને વિષે પણ પંચ તત્ત્વનું જે સ્થૂળદેહ તે એકત્વપણે વર્તે છે ત્યારે જ સૂક્ષ્મદેહના ભોગ સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મદેહ ઓગણીસ તત્ત્વનું છે તેને વિષે પંચતત્ત્વનું સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મદેહ પણ ચોવિશ તત્ત્વનું છે. અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિષે ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે.”

34. કારિયાણી ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો નિશ્ચય થાય છે, તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે ?” ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વેનું કારણ છે, ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિષે રહી છે, ચિત્તને વિષે રહી છે, અહંકારને વિષે રહી છે, શ્રોત્રને વિષે રહી છે, ચક્ષુને વિષે રહી છે, ઘ્રાણને વિષે રહી છે, જીહ્વાને વિષે રહી છે, વાણીને વિષે રહી છે, ત્વચાને વિષે રહી છે, હાથને વિષે રહી છે, પગને વિષે રહી છે, શિશ્નને વિષે રહી છે, ગુદાને વિષે રહી છે; એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યન્ત આ શરીરને વિષે વ્યાપીને રહી છે. અને તે બુદ્ધિને વિષે જીવ રહ્યો છે, પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે, તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે, અને તે અગ્નિની જ્વાળા વધતી-ઘટતી જણાય છે, પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુમાડો ઊંચો ચડવા માંડે, તે ધુમાડો જ ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિષે વાદળાં ચાલે છે, તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળાં ચાલતાં જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળાં, તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે ? તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે અને તે બુદ્ધિમાં નિશ્ચયની વિગતિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે; અને મનના સંકલ્પને જાણે છે અને તે મનના સંકલ્પની વિગતિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે; અને ચિત્તના ચિંતવનને જાણે છે અને તે ચિત્તની ચિંતવનની વિગતિ કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે; અને અહંકારની અહંમતિને જાણે છે અને તે અહંમતિની વિગતિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે ચાર અંતઃકરણ ને દસ ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિગતિના કરનારા જે દેવતા એ સર્વેને એકકાળાવછિન્ન જાણે છે. એવો જે જીવ તે જીવ જે તે એકદેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે, અને અતિશય સૂક્ષ્મ જણાય છે, તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે, પણ જ્યારે એ જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને વિષય તેના પ્રકાશકપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે, તે બુદ્ધિએ રહિત છે. અને અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દ્રષ્ટાંત છે- જેમ કોઈક દશ મણની તરવાર હોય, તેને જોઈને માણસ અનુમાન કરે જે, ‘એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે!’ તેમ એ સર્વ દેહ, ઇન્દ્રિયાદિકને એકકાળે પ્રકાશે છે, માટે એ જીવ બહુ મોટો છે; એવી રીતે અનુમાને કરીને જણાય છે.” એવી રીતે શ્રીજીમહારાજે ઉત્તર કર્યો.

35. કારિયાણી ૧ ( para.3)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એમાં તે શું ઉત્તર થયો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એમાં તો એ ઉત્તર થયો જે, “જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

36. કારિયાણી ૧ ( para.4)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, “હે મહારાજ ! ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ? ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે, આ જગતને વિષે જે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, અડ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે; એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય, તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે, તેમાં આળસ, નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે, અને કામ-ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે; અને શમદમાદિક સત્ત્વગુણનું કાર્ય છે; એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય, તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી; એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કોઈ સંશય ન થાય, તો એને જીવને વિષે નિશ્ચય જાણવો. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાનાં નાંગળ હોય, તેને સમુદ્રમાં નાંખે, તે જો ધરતી લગણ ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નીસરી આવે, અને તેને ધરતી લગણ જવા દઈને તાણે તો ઘણી મહેનતે નીસરે, અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂંતે ને ભરાઈ જાય તો પાછો તે તાણ્યો તણાય નહિ ને નીસરે પણ નહિ. એમ જેને જીવને વિષે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા ઘણીક કરી, પણ આતો દિશમાત્ર લખી છે.

37. કારિયાણી ૧ ( para.5)

પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! ભગવાન તો મન-વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માયિક એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ તે કેમ પામે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે; અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે, ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ; એ સર્વેને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહત્તત્ત્વ થયું અને મહત્તત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા, તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્ત્વે મળીને રચ્યો એવો જે વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બેય જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, અને જે કાળ તે એ માયાદિક તત્ત્વને નામ રૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ, તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન તે જે તે એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે ? એ તમારો પ્રશ્ન કે નહિ?” ત્યારે સૌએ કહ્યું જે, “હે મહારાજ ! એજ પ્રશ્ન છે” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી, કાં જે, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે - “बुद्धीन्द्रियमनः प्राणान् जनानामसृजत्प्रभुः। मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च ।।” એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા, તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે.’ માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે. તે પણ જીવને અર્થે કરે છે; કાં જે, નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે ? એ તો આવે જ.” એમ શ્રીજીમહારાજે કહ્યું.

38. કારિયાણી ૧ ( para.7)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! શ્રુતિ-સ્મૃતિમાં એમ કહ્યું છે જે, ‘निरंजनः परमं साम्यमुपैति’ ।। ‘बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः’।। ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો અમે અભક્તના મન- ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન- ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે; એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ; તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાં જે, ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે, તેના ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે; માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે; “જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનનો ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે તે બેયની એ ગતિ કહી છે. પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ; તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું; એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે.” એમ વાર્તા કરીને બોલ્યા જે, “હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારાં સારાં કીર્તન બોલો.” એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા.

39. કારિયાણી ૩ ( para.3)

ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું ? જે, શિશ્ન ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય તથા તેમાં ચેળ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વને જોઈ વળવું તથા ઘડી એકમાં ઘણાક પ્રકારના ગંધ સૂંઘી લેવા તથા વિશ પચીશ ગાઉની મજલ કરવી, તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડકાં ભાંગી નાખવાં તથા સ્વપ્નમાં વીર્યપાત થાય; ઈત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ; તે રહ્યા કરે તે મનના દોષ જાણવા. એમ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા, તેને વિચારે કરીને ટાળવા જે, ‘હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું.’ એવી રીતે શરીરનું દમન ને વિચાર, એ બે જેને હોય તે મોટો સાધુ છે. અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહિ તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહિ, માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન ને વિચાર એ બે વાનાં તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યાં જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યાં જ જોઈએ.”

40. કારિયાણી ૪ ( para.2)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “માહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું, જે “આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ?” પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખા પર્યન્ત વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એકકાળાવછિન્ન જાણે છે. તે બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે, તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. અને તે જીવને વિષે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું.”

41. કારિયાણી ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યન્ત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું, અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ, ઇન્દ્રિયોને દમીને તપ કરે છે, માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ, તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઈચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ જે, ‘મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબધી ભોગસુખ તે નથી જોઈતાં, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે.’ અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ. અને જે જીવ ભગવાનને સર્વ કર્તાહર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો; કાં જે, ભગવાન વિના બીજા જે કાળ, કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહિ. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રીપુરુષોત્તમનારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો.”

42. કારિયાણી ૧૨ ( para.3)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જાગ્રત અવસ્થામાં સત્ત્વગુણ વર્તે છે અને સર્વે પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મદેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે. અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે, તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે, તો પણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે. એનું શું કારણ છે ?” પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, “હે મહારાજ ! આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એ છે જે, હૃદયને વિષે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે તે ક્ષેત્રજ્ઞ ચૌદ ઇન્દ્રિયોનો પ્રેરક છે. તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે, માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે, કાં જે, ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રિયો અંતઃકરણ થકી સમર્થ છે, માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દ્રઢ થાય છે.” એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ત્યારે સર્વે મુનિએ કહ્યું જે, “હે મહારાજ! યથાર્થ ઉત્તર કર્યો. એવો ઉત્તર બીજા કોઈથી થાય નહિ.”

43. લોયા ૧ ( para.8)

પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ કામાદિક શત્રુ તો તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત-દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ્ચાંદ્રાયણે કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે, તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચયે કરીને સંપૂર્ણ કૃતાર્થ માને.”

44. લોયા ૧ ( para.9)

ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને; અને એ દેહ- ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ, સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે. અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કર્તા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે; અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, ‘આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઈત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે;’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે. એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ.”

45. લોયા ૨ ( para.2)

પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું”. ત્યારે મુનિ બોલ્યા જે, “હે મહારાજ ! પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય ?” પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી બીજા પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે, તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે, ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો; એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિષે અતિશય વિશ્વાસને પામ્યો છે; માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહિ અને એમ જાણે જે, ‘મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું.’ અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે એમ માને જે, ‘હું તો બ્રહ્મસ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું;’ માટે એને પણ મૃત્યુનો ભય હોય નહિ. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહિ, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહિ. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહિ. અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહિ ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહિ. અને એ ચાર અંગ માંહિલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે; અને ચાર માંહિલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહિ.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, “એ ચાર માંહિલાં જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો.” પછી પરમહંસ સમગ્રને જે જે અંગ વર્તતા હતા તે કહ્યા અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા; તે સાંભળીને શ્રીજીમહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો.” પછી જેને જેને શૂરવીરનાં અંગ વર્તતા હતા, તે સર્વે શ્રીજીમહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા.

46. લોયા ૩ ( para.2)

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજીબ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઈત્યાદિક જે સત્સંગી; તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું; તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ પણ કહ્યું જે, ‘જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનનાં વચનમાં ફેર પાડે નહિ, ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો? તો, ‘ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહિ.’ એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે.’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું; ત્યારે અમે થાંભલાને બાથ લીધી, ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયા ની વાત કરી અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે.” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.’ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન અને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે.” તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. “અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય; ઈત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ. એ તો ભગવાનના ધામને જ પામે;’ અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સૂધી સારી પેઠે પડે અને ચંદનનાં લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.’ એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવા નિશ્ચયવાળો જે હોય, તે જરૂર બ્રહ્મમહોલમાં જ પુગે; પણ બીજે ક્યાંઈ કોઈ ધામમાં ઓરો રહે નહિ.”

47. લોયા ૫ ( para.7)

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર, એ ત્રણે હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો-અંતઃકરણ જીતાય કે એ બે માંથી એકે વાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો જે, ‘એ ત્રણે વાનાં ભેળા હોય તો જીતાય’, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી ? અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી ? અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી? તે કહો.” ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું માહાત્મ્ય સમજવું. અને સંતથી એમ શીખવું જે, જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે જે, ‘આવી રીતે નેત્રની દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્યવાર્તા ન સાંભળવી,’ ઈત્યાદિક જે યુક્તિ તે સંતથી શીખવી. અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી, ને તેમ વર્તવા લાગવું. એમ ત્રણે વાનાંએ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણ જીતાય છે.”

48. લોયા ૫ ( para.8)

અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ ઇન્દ્રિયોને જીત્યે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીત્યે ઇન્દ્રિયો જીતાય છે?” પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો “જે બાહ્ય ઇન્દ્રિયોને દેહદમને કરીને જીતે અને દેહદમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય, તો પણ પાંચ વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહિ, અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ જે, જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહિ ત્યારે અંતઃકરણ માંહિલી કોરેથી નિરાશ થઈ જાય છે જે, “આ દેહે કરીને આ વાત બનવાની નથી.”

49. લોયા ૫ ( para.9)

અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય ?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “ધર્મશાસ્ત્રમાં કહ્યા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્તકૃચ્છ્ર, ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા, કીર્તન, વાર્તા કરે તથા ભજન-સ્મરણમાં બેસે તથા આસન જીતે, ઈત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના માહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે.”

50. લોયા ૭ ( para.3)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા; તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માન્તરે કલ્યાણ થાય છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માન્તરે કલ્યાણ થાય છે, કાં જે, જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે; માટે બેયનું બીજબળ બરોબર થાય છે ને બેયનું જન્માન્તરે કલ્યાણ પણ બરોબર છે. કેમ જે, શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂઘ્યા જ કહેવાય. અને જિહ્વાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે અને અંતઃકરણ- ઇન્દ્રિયો પર જે જીવસત્તા-તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે કયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ, તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણરૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્નરૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય-કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ- ઇન્દ્રિયો નથી પૂગતાં, કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે, ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે; માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ?” ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, “જે ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય; એમ કહીએ છીએ.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે. તે તો પોતે પોતાને એમ કહે છે જે, ‘यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरूषोत्तमः।।’ ‘विष्टभ्याहमिदं कुत्स्नमेकांशेन स्थितो जगत्’ ‘मत्तः परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय ! । मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।।’ ‘पश्य मे पार्थ ! रूपाणि शतशोऽथ सहस्त्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।’ ઈત્યાદિક વચને કરીને પોતે પોતાને ઇન્દ્રિયો- અંતઃકરણ થકી અગોચર કહે છે, માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ; એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યને પણ ન તરે અને કોઈક સાધને કરીને બ્રહ્મસ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. માટે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, “नैष्कर्म्यमप्यच्युतभाववर्जितं न शोभते ज्ञानमलं निरञ्जनम्” તથા ગીતામાં કહ્યું છે જે, “कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ।।” અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું? તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું ? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન-પુષ્પાદિક નાના પ્રકારની પૂજાસામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપથકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન-પુષ્પ, શ્રવણ-મનનાદિકે કરીને કરે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समःसर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. અને “भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।।” એ વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે. અને “अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ! ययेदं धार्यते जगत् ।।” એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે, તે કેવા છે? તો એ અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જૈ ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે તે પૃથિવ્યાદિક ચાર તત્ત્વનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથિવ્યાદિ તત્ત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે, તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ ભગવાનની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે. એવા જે ભગવાન તે સર્વના આત્મા છે. ત્યાં શ્રુતિયો છે-

51. લોયા ૭ ( para.5)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે, “એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દ્રઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહિ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યાં હોય તેને દેખે છે તો પણ યથાર્થ દેખ્યા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાનને વિષે જડ-ચિત્ પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે, પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાયું જોઈએ, નહિ તો જણાશે. અને નિઃસંદેહ એવી આંટી છે ને જણાતું નથી, તો એમ એ સમજે જે, ‘એ ભગવાનને વિષે તો સર્વે છે પણ મને દેખાડતા નથી, એવી જ એની ઈચ્છા છે.’ એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે; તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ; એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. અને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. “आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।।” એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ, પુરુષ, અક્ષર તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને “अहं ब्रह्मास्मि” થઈ બેસે છે ને કહે છે જે, ‘રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે,’ એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે, તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી.”

52. લોયા ૮ ( para.7)

અને ત્યાર પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પૃથક્ પૃથક્ કયા ઉપાય છે?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે જે, નાસિકાગ્ર દૃષ્ટિ રાખે ને આડુંઅવળું જુવે નહિ, ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન-સ્મરણ કર્યા કરે. અને એમ કરતા સ્ત્રી-આદિક દેખાય જાય ને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેષોન્મેષે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યન્ત જોઈ રહે, ત્યારે તેની દૃષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે. અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે. ત્યારે તેનો એમ વિચાર કરે જે, ‘મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માંહિ તો રુધિર, માંસ, હાડકાં છે તથા પેટમાં મળ, મૂત્ર, આંતરડાં છે.’ એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે. અને કાનની ચંચળતા એમ ટળે જે, કોઈ રમુજ થતી હોય અથવા ભવાઈ થતી હોય, તો તેને સાંભળ્યામાં હેત થાય ને ભગવાનની કથા-કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે, ત્યારે ઊભા થવું ને નિદ્રા-આળસને ટાળવી ને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું, તો કાન જીતાય. અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે જે, જાણી-જાણીને ટાઢ, તડકો વરસાદ; તેને ખમવો ને ગોદડી હોય તે ઉશીકે મૂકી રાખવી ને સારી પેઠે ટાઢ વાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું, એમ કરીને ત્વચાને બાળી નાખે; એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટળે. અને હાથની ચંચળતા એમ ટળે જે, જ્યારે હાથ નવરા હોય, ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસોચ્છવાસે ભગવાનનું નામ લઈને તે માળા ફેરવવી, પણ ઉતાવળી લહરકે માળા ન ફેરવવી. અને કેટલાક એમ કહે છે જે, ‘મને કરીને તો નામ વધુ લેવાય,’ એ વાત ખોટી છે; જેટલાં જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે; એમ કરે તો હાથની ચંચળતા ટળે. અને પગ ચંચળ હોય તો આસનને જીતવું૧; તો પગ જીતાય. અને શિશ્ન ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય, તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરજ ટળે નહિ અને જો ન ખંજોળીએ તો તે એમ ને એમ બળી જાય, તેમ શિશ્ન ઇન્દ્રિયમાં ચળ આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહિ. અને જો શિશ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે તો શિશ્ન જીતાય. અને જિહ્વા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી અને આહાર યુક્ત કરવો, તો જિહ્વાની ચંચળતા ટળે. અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે, મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય, તે વચમાં પોતે ડહાપણ કરીને બોલવું નહિ અને જો વચમાં બોલાઈ જાય તો પંચવીશ માળા ફેરવવી; તો વાણીની ચંચળતા ટળી જાય.”

53. લોયા ૮ ( para.8)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “એ સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાય, એવી કઈ ઇન્દ્રિય છે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “એક જિહ્વાને પરિપક્વ જીતે તો બીજી સર્વે ઇન્દ્રિયો જીતાય છે.”

54. લોયા ૮ ( para.9)

ત્યાર પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણીએ જે, ‘એને કામ વ્યાપ્યો છે ?’ અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે ?” ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “જેને કામ વ્યાપે તેના નેત્ર આદિક જે સર્વે ઇન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું જે, એ કામે વ્યાકુળ થયો છે.”

55. લોયા ૧૦ ( para.3)

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વૃત્તિના વેગમાં એ ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી; એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે, ત્યારે મંદવેગ થાય છે અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય, ત્યારે મધ્યમવેગ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ; એ ત્રણે ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે, ત્યારે તે વૃત્તિનો તીવ્રવેગ થાય છે, અને તે તીવ્રવેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિષે લાગ્યો હોય, તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. એવી રીતે જે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્રવેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે. અને એ જે તીવ્રવેગ તે રજોગુણી, સત્ત્વગુણી અને તમોગુણી; એ ત્રણેયને લાગે છે. અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદનુસારે પદાર્થમાં હેત થાય છે.”

56. લોયા ૧૦ ( para.6)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેના હૃદયમાં મંદવેગ, મધ્યમવેગ અને તીવ્રવેગ વર્તતો હોય તે કેમ જાણવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે મંદવેગ વર્તતો હોય, ત્યારે નાની બાળકી તથા નવયૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે; કેમ જે, ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે, માટે તેમાં મંદવેગ છે. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ભળે છે ને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડો ઘાટ નથી થતો અને યુવાન સ્ત્રીને વિષે ભૂંડો ઘાટ થાય છે ને વિકારને પામી જાય છે, એને મધ્યમવેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ને જીવ એ બન્ને ભળીને ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે તો એ ત્રણે પ્રકારની સ્ત્રીને વિષે ભૂંડા ઘાટ થાય છે ને વિકારને પામે છે અને પોતાની મા-બેન હોય તો તેને દેખીને પણ વિકારને પામે, એને તીવ્રવેગ જાણવો.”

57. લોયા ૧૦ ( para.7)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ-કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહિ, ત્યારે તેને કયો વેગ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિષે અત્યંત દોષ જણાય છે. તે દોષનો મનમાં વિચાર થઇને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે, તેણે કરીને એ દોષની અતિ દ્રઢતા થઇ છે. માટે પદાર્થને વિષે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બેય આવે છે, પણ જીવમાં જે અતિશય દોષની દ્રઢતા છે તે દોષની સેડ્ય મન- ઇન્દ્રિયોને વિષે સોંસરી નીસરે છે; માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે, પણ તેને વિષે અત્યંત અભાવ આવી જાય છે. જેમ દૂધ-સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાંખી હોય ને તેને નાંખતાં દીઠી હોય, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય, પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે; કેમ જે, એણે એમ જાણ્યું છે જે, ‘એને પીવે તો તત્કાળ પ્રાણ જાય.’ તેમ જેને એમ સમજાયું જે, ‘આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક પરલોકને વિષે પરમ દુઃખદાયી છે ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિક જન્મને વિષે અનંતવાર થઇ છે, અને હજી જો પરમેશ્વરને નહિ ભજુ તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે, માટે એ વાત દુર્લભ નથી, અને ભગવાન ને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે અને એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિષે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે,’ એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા થઇ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઇ જાય તો પણ વિકાર થાય નહિ.

58. લોયા ૧૦ ( para.9)

અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જે, ‘द्युपतय एव ते न ययुरन्तमनन्ततया त्वमपि ।’ ઈત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે, તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઈ લેશમાત્ર પણ તેનું મન વિકાર ને પામે નહિ અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે પણ તે વિષયને આધીન થઇ જાય નહિ, સ્વતંત્રપણે ગ્રહણ કરે જેમ કરોળિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતા વધતો આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય ને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતાં હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય તેણે કરીને પોતાને કાંઈ એમ ન માને જે, ‘હું બહુ મોટો થઈ ગયો.’ અને તે રાજ્યનો નાશ થઈ જાય ને હાથમાં મૃત્તિકાનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે, ‘હું હવે તો ગરીબ થઈ ગયો;’ કેમ જે, તે તો પોતાના કેફમાં મહાઅલમસ્ત રહે. તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે; તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વને વિષે સમબુદ્ધિ વર્તે છે તથા માન-અપમાનને વિષે સમબુદ્ધિ વર્તે છે અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી; કેમ જે, એની દૃષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે ને માયિક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈક પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દૃષ્ટિ મોટી થાય છે અને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિશરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે, તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થમાત્ર તુચ્છ થઈ જાય છે ને એવા જ્ઞાનને વિષે એની વિશાળ દૃષ્ટિ થાય છે અને એવી રીતે જે સમજ્યો છે તે સુખિયો છે. તથા જે વિશ્વાસી હોય કહેતાં એમ સમજતો હોય જે, ‘આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી.’ એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે. એ બે જણ જ સુખિયા છે, ને એ વિના જે બીજા છે તે સુખિયા નથી. ત્યાં શ્લોક છે : “यश्च मूढतमो लोके यश्च बुद्धेः परं गतः । तावुभौ सुखमेधेते क्लिश्यत्यन्तरितो जनः ।।” તથા ભગવદ્‌ગીતામાં કહ્યું છે જે - “विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। रसवर्जं रसोऽप्यस्य परं द्रष्ट्वा निवर्तते ।” એવી રીતે જેની અલૌકિક દૃષ્ટિ થાય છે, તેને પરમેશ્વર વિના સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે અને આ બે શ્લોક છે તેનો પણ એકસરખો ભાવ છે.”

59. લોયા ૧૦ ( para.10)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, “હે મહારાજ! હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “માયા તો કેવળ દુઃખદાયી છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “માયામાંથી ઊપજ્યા એવા જે સત્ત્વ, રજ અને તમ; એ ત્રણ ગુણ, તેમાં જે સત્ત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘सत्त्वं यद्ब्रह्मदर्शनम् ‘ તથા સત્ત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમ દમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે ? અને વળી એકાદશસ્કંધમાં કહ્યું છે જે, “विद्याविद्ये मम तनू विद्धयुद्धव ! शरीरिणाम् । बंधमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते ।।” માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે ?” પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર અમથી થાય નહિ, એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે. અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે, તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા, તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે.”

60. લોયા ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, “આ જીવ છે તે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વ દેહમાં નખ-શિખા પર્યન્ત વ્યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્દ્રિયોરૂપે કરીને જીવનું ભોક્તાપણું છે, પણ દેવતા- ઇન્દ્રિયોથી પૃથક્પણે ભોક્તા નથી.”

61. લોયા ૧૫ ( para.3)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે, “હે મહારાજ ! ત્યારે એમ કહેવાય છે જે, જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે, ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું; તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે, કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી; તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન-અધિકપણું જણાય છે. તેમ એ જીવ ઇન્દ્રિયો, અંતઃકરણ, ગોલક; એ સર્વને વિષે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિષે સ્વચ્છપણું છે; માટે તેને વિષે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓ ને, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક-કાનમાં કોઈ દિવસ જણાય છે ? નથી જણાતું. અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે, તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વ દેહને વિષે સમાનપણે રહ્યો છે.”

62. લોયા ૧૫ ( para.4)

ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે તે કેમ સમજવું ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એમ છે જે, જેમ જેને અક્ષિવિદ્યા છે તેને નેત્રદ્વારાએ જીવનું દર્શન થાય છે ને તેને વિષે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ થયો તે તેવો આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાળા તથા નાડીઓ, તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માંહિલી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતુ; તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દૃષ્ટિ નથી થઈ; માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દૃષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દૃષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દૃષ્ટિને પામ્યો હોય તેની દૃષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દૃષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ; તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દૃષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે. અને ભેદદૃષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈકે ગાયનું પૂછડું દીઠું, કોઈકે મુખ દીઠું, ખુર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેણે જે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે પણ જેવી ગાય છે, તેવી કોઈએ દીઠી નથી અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય, તેમ એ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક્ આત્મદર્શન એને કહેવાય નહિ. માટે અમે તો એ જીવને વિષે એવી રીતે સામાન્ય-વિશેષપણું કહીએ છીએ.”

63. લોયા ૧૫ ( para.5)

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિષે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ; એ સર્વના આશ્રયપણે રહ્યા છે. તે શ્રીકૃષ્ણભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે જે, ‘ ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ; તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડને વિષે રહ્યાં છે ને તેના તે જ સર્વના દેહમાં રહ્યાં છે; તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિષે રહ્યાં છે, તેમ રહ્યો છું અને જેમ એ ભૂત જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યાં છે તેમ હું તમારે પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું.”

64. લોયા ૧૫ ( para.6)

ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે, તે પુરુષરૂપે કરીને રહ્યા છે કે અક્ષરરૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ; એ સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહિ અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે, ‘આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે.’ એવી રીતે એ સર્વેને પૃથક્પણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક્ દેખવાને અર્થે સમર્થ થાય નહિ. માટે એ ભગવાન સૂઝે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે.”

65. લોયા ૧૫ ( para.7)

અને વેદાંત જે ઉપનિષદ્ તથા યોગ તથા સાંખ્ય; એ ત્રણ શાસ્ત્ર સનાતન છે, તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તમને અમે પૃથક્-પૃથક્પણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો ચોવિશ તત્ત્વને કહીને તેથી પર પંચવિશમાં પરમાત્માને કહે છે, પણ જીવ-ઈશ્વરને પૃથક્પણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે, તત્ત્વ છે તે જીવ વિનાના હોય નહિ; માટે તત્ત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્ત્વરૂપ જ કહે છે, પણ તત્ત્વ થકી પૃથક્ નથી કહેતા. અને જેમ જીવને ચોવિશ તત્ત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર, તેને પણ ચોવિશ તત્ત્વરૂપ માને છે. એવી રીતે જીવ-ઈશ્વર એ બેયને તત્ત્વરૂપ માનીને તત્ત્વ ભેળે જ એને ગણે છે, પણ તત્ત્વથી નોખા નથી ગણતા. અને એ પંચવિશમા પરમાત્માને કહે છે; એ સાંખ્યનો મત છે. પણ એમ ન સમજવું જે જીવ નથી, કાં જે, સાંખ્યવાળે ષટ્સંપત્તિ શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યા છે, તે જીવને જ કરવાના કહ્યા છે, પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્ત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે, એવી રીતે સાંખ્યમત છે, તે મોક્ષધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું જે- “त्यज धर्ममधर्मं च उभे सत्यानृते त्यज । उभे सत्यानृते त्यक्त्वा येन त्यजसि तत्त्यज।।” એનો અર્થ એમ છે જે, જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરી અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી; એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે ચોવિશ તત્ત્વને પૃથક્ ગણે છે અને જીવ-ઈશ્વરને પંચવિશમા કહે છે ને પરમાત્માને છવિશમા કહે છે. અને વિવેકે કરીને પંચવિશમાને તત્ત્વ થકી પૃથક્ સમજીને તેને વિષે પોતાપણાની દ્રઢતા માનીને, ચોવિશ તત્ત્વની જે વૃત્તિયો તેનો પિંડીભાવ કરીને બળાત્કારે છવિશમાને વિષે રાખે, પણ વિષય સન્મુખ જવા દે નહિ. અને એમ સમજે જે, ‘મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જશે તો મને સંસૃતિ થશે.’ માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિઓ, તેને ભગવાનને વિષે રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે, ‘મારે ઇન્દ્રિયો-અંતઃકરણ જ નથી તો જશે ક્યાં ?’ માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. અને જે યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાંને ઉપર ઊંચું ચઢવું હોય ને બે કોરથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે, તેમ યોગવાળો વિષય થકી બીયને ભગવાનને વિષે વૃત્તિઓને રાખે છે; એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ્ તેનો મત એ છે જે, સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમનારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્ત્વને દેખે નહિ, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહિ; એવી રીતે વેદાંતનો મત છે.”

66. લોયા ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો,” એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો જે, “જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે ?” પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહિ અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે, પણ વિષયમાં આસક્ત થાય નહિ અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા-નરસા જે વિષય તે બેય સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે.”

67. લોયા ૧૭ ( para.3)

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કોઈકને દેહાભિમાન તથા પંચવિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે, તે કેમ સમજવું?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે; ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ નાખી હોય, એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં, સાંજ-સવાર, આજ-કાલ જરૂર મરનારો છે; તેમ જે દેહાભિમાની છે તે મહિને, બે મહિને, વર્ષે, બે વર્ષે, દશ વર્ષે, દેહ મૂક્યા સમે, દેહ મૂકીને, જ્યારે-ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે, ‘અંતઃકરણ- ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન- સ્ત્રીઆદિક કોઈ પદાર્થે કરીને સુખી થઉં એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થઉં એવો નથી.’ એમ દ્રઢ સમજણ જેને હોય, તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહિ અને તુચ્છ પદાર્થ સારુ સંત સાથે બખેડો થાય નહિ ને આંટી પણ પડે નહિ.”

68. પંચાળા ૧ ( para.3)

ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય, તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય, તેવી જણાય આવે છે. તથા જેમ પાંચ પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રુક્મિણી, સત્યભામા, જાંબવતી આદિક ભગવાનની પટરાણીયો તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઈત્યાદિક ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યાં છે; તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમનાં રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમનાં વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે. તેમ પુરાણ-ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળ્યામાં આવે છે જે, ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને સદા સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિષે કર્તાપણું કહેવાય નહિ. અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્યમૂર્તિ, પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલયકાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ, તેમને ઉત્પત્તિકાળે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે; તે શાને અર્થે આપે છે ? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે.

69. પંચાળા ૨ ( para.4)

અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે; ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે અને એનું ધ્યાન કરે છે, માટે એ ભગવાન રૂપ છે. જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાન રૂપ જાણે છે, તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધરૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે, તે ધ્યાન કરવા યોગ્ય છે.’ એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશય નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે. અને સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે, એ સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, ‘અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વ મિથ્યા છે અને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે.’ એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, એમના રૂપને પણ મિથ્યા કરે છે અને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે; એવો એ મોટો દોષ છે. માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે, સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને પોતાના આત્માને સર્વથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રકટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું.’ એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમારા જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ. અને છે તો એમ જે, પ્રથમ સાંખ્યવિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે; તે કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ।।” તથા “आत्मारामाश्च मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरिः।।” “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्।।” એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે. કાં જે, એ સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે, તેને અતિશય તુચ્છ જાણે છે; માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે.’ ત્યારે તેને એમ વિચારે જે, ‘ગમે તેવું સારુ હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે નાશવંત છે.’ એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે અને પોતાના આત્માને શુદ્ધ જાણે છે. એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના, ધ્યાન, ભક્તિ તે કરવા; અને એમ ન કરે તો એને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે, તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે. અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાંખ્યા છે. જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે, ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણઆદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે. અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર; એ સર્વેનું ખંડન કરે છે. માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે.”

70. પંચાળા ૩ ( para.3)

પછી શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે, “કીર્તન ગાઓ.” પછી, ‘સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા રે’ એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો, અને કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો જે, ‘હેત મોટી વાત છે અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે’ પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે, ‘હેત છે તે જ ભગવાનની માયા છે.’ કેમ જે, સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય, તેમાં બીજી રીતનું હેત છે; અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુવે, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે; અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિષે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું; તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય, ઈત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસૃતિ ને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ જે પંચવિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી.’ પછી વળી તેમાં પણ વિચાર થયો જે, એ પણ ઠીક નહિ; કાં જે, ભગવાનનાં રૂપ કરતા અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિષે જણાય તો ભગવાનને મૂકીને તેને વિષે હેત થઈ જાય. જેમ સોળ હજાર ને એકસો જે શ્રીકૃષ્ણભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માન્તરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે ‘હે મહારાજ ! અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો; માટે એવી કૃપા કરો જે, એ અમારા પતિ થાય.’ પછી બ્રહ્માએ કહ્યું જે, ‘તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે.’ ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદમુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો જે, ‘તમારા પતિ નારાયણ થશે.’ એવી રીતે જન્માન્તરે ઘણુંક તપ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પામી હતી, પણ જો ભગવાન કરતા સાંબને વિષે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહિ; અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું ? તો જે ચોવિશ તત્ત્વ છે તે થકી પોતાના જીવને પૃથક્ જાણવો, ને તે જીવને વિષે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિયો તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવસત્તાપણે રહ્યાં થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું ? જે દશ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણ ને દેવતા તે સત્ત્વ ગુણની સંપત્તિ છે અને પંચભૂત ને પંચવિષય તે તમોગુણની સંપત્તિ છે; તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક્ માનીને કેવળ જીવસત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવા નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. તે કહ્યું છે જે, ‘नैर्गुण्यस्था रमन्ते स्म गुणानुकथने हरेः’ તથા “परिनिष्ठतोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।”

71. પંચાળા ૩ ( para.4)

અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું ? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, ‘એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું; અને એ ક્ષેત્ર તો અતિમલિન છે, જડ છે, નાશવંત છે.’ અને દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે, “तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ।। उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।।” એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાંખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા; વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, ‘જે એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે.’ કેમ જે; નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે; ઈત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે, એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવાં; કાં જે, શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતાં થકા સ્ત્રીઆદિકના દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય, તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ; અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે, તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટાં મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઈંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી; પણ એને વિષે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું- કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે; એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ‘ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી;’ એમ ઇન્દ્રિયો-અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવાં એ પણ સમજણ ઠીક છે.”

72. પંચાળા ૩ ( para.5)

ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ જે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પોતાના હૃદયને વિષે એમ વિચાર કરે જે, ‘સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ હું નહિ’ અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા હું નહિ; અને પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે હું નહિ. હું તો એ સર્વેથી પૃથક્ છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું.’ અને ઇન્દ્રિયો-અંતઃકરણ કાંઈક ચાળા કરે તો એને કહેવું જે, ‘કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે ? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ? ને ગંધ લેવો છે ? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ ? તું કોણ ને હું કોણ ? તારે મારે લેવું દેવું નથી. તમે કરશો તે તમે ભોગવશો.’ એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે, ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે ભક્તવત્સલ ! હે દયાનિધે ! આ ઇન્દ્રિયો-અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે; માટે એ થકી મારી રક્ષા કરજ્યો.’ એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્યરૂપ માનીને ભગવાનને વિષે હેત-ભક્તિ કરવી.”

73. પંચાળા ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય અને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્યચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઇ જાય છે તેનું શું કારણ છે?” પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ ઝાઝી વાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિક જે શાસ્ત્ર તેને વિષે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે જે, ભગવાન કેવા છે ? તો આ ચક્ષુ ઇન્દ્રિયે કરીને દીઠામાં આવે છે જે યત્કિંચિત્ રૂપ, તે જેવું તેમનું રૂપ નથી; અને શ્રવણે કરીને સાંભળ્યામાં આવે છે જે કાંઇ શબ્દમાત્ર, તે જેવો એ ભગવાનનો શબ્દ નથી; અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ, તે જેવો એનો સ્પર્શ નથી; અને નાસિકાએ કરીને સૂંઘ્યામાં આવે છે જે સુગંધ, તે જેવો એનો સુગંધ નથી; અને જિહ્વાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી અને મનનાં સંકલ્પમાં આવે એવા નથી તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા નથી તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી તથા અહંકારે કરીને અહંપણું ધરાય એવા નથી જે, ‘એ ભગવાનનો હું છું, ને એ મારા છે.’ એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર એ ભગવાન રહ્યા છે. અને એ ભગવાનનું જેવું રૂપ છે, તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત કોઈનું રૂપ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એનો જેવો શબ્દ છે, તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી જે જેની એને ઉપમા દઇએ; અને એ ભગવાનનો જેવો સુગંધ છે, તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જે જેની એને ઉપમા દઇએ; તથા એ ભગવાનમાં જેવો રસ છે, તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનું જેવું ધામ છે, તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની એને ઉપમા દઇએ; તે સપ્તદ્વીપ ને નવ ખંડમાં જે જે સ્થાનક છે તથા મેરુ ઉપર ઘણીક શોભાએ યુક્ત બ્રહ્માદિકનાં સ્થાનક છે તથા લોકાલોકાચળને વિષે ઘણાક સ્થાનક છે, તથા ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, બહ્મા એનાં જે સ્થાનક છે તથા બીજા પણ ઘણાક સ્થાનક છે, એ સર્વે માંહિલું એવું એકે સ્થાનક નથી જે જેની ભગવાનના ધામને ઉપમા થાય. અને એ ભગવાનના ધામને વિષે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે, તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહિ જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઇએ; કેમ જે, આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે; માટે બેયને વિષે અતિશય વિલક્ષણપણું છે, તે સારુ એને ને એને સાદૃશ્યપણું કેમ થાય ? જેમ મનુષ્યને કહીએ જે, ‘આ માણસ ભેંસ જેવો છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એવી ઉપમા મનુષ્યને સંભવે નહિ; કેમ જે, મનુષ્ય થકી એ બીજા જે સર્વે તે વિજાતીય છે. અને મનુષ્ય-મનુષ્યમાં પણ અતિશય સાદૃશ્યપણું નથી, જેની ઉપમા એમ દઇએ જે, આ તે આ જેવો જ છે.’ અને જો તે તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય ? માટે મનુષ્ય-મનુષ્ય સજાતિ છે તેને વિષે પણ સાદૃશ્યપણું અત્યંત છે નહિ. જુઓ ને, આ ભગો-મૂળો બે સરખા કહેવાય છે, પણ ઝાઝા દિવસ ભેગા રહીએ તો ઓળખાઇ જાય જે, ‘આ ભગો છે ને આ મૂળો છે.’ માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ ? માટે મનુષ્ય-મનુષ્યમાં પણ અતિ સાદૃશ્યપણું નથી, તો માયિક-અમાયિકને વિષે સાદૃશ્યપણું કેમ આવે જેની ઉપમા ભગવાનને દઇએ તથા ભગવાનના ધામને દઇએ ? કાં જે, ‘એ ભગવાન છે તે ઇન્દ્રિયો-અંતઃકરણને અગોચર છે;’ એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે.”

74. પંચાળા ૭ ( para.2)

અને શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધની કથા કરાવતા હતા, તેમાં ‘जन्माद्यस्य यतः’ એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો; ત્યારે ‘यत्र त्रिसर्गो मृषा’ એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે, “માયાના ત્રણ ગુણનો સર્ગ જે, પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા; તે ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહિ.’ એમ સમજે તથા એ શ્લોકનું પદ જે, ‘धाम्ना स्वेन सदा निरस्तकुहकम्’ કે’તાં ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્યસ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય-તેજે યુક્ત છે, તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું; તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે, ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય; તેમ જ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને નિષ્કપટભાવે કરીને ભગવાનનાં ચરણકમળને ભજે છે, ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે; તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્-ચિત્-આનંદમય જાણે છે તે પણ ભાગવતમાં કહ્યું છે જે, “स वेद धातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः । योऽमायया संततयानुवृत्त्या भजेत तत्पादसरोजगन्धम् ।।” અને એ ભગવાનને વિષે જે બાળક-યુવાન-વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ-મરણપણું દેખાય છે, તે તો એની યોગમાયાએ કરીને દેખાય છે, પણ વસ્તુગત્યે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટવિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે. પછી કટકા થઇને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે જે, ‘મારી સ્ત્રી લાવો.’ એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઈને આવતી નથી, તો ભગવાનની યોગમાયા કળ્યામાં કેમ આવે ? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે, ‘એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે.’ તેમ ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો, ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુક્મિણી આદિક હતી, તે એ ભગવાનના દેહને લઇને બળી મરી; ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘હવે એ નાશ થઇ ગયા.’ અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘અહીંથી અંતર્ધાન થઇને બીજે ઠેકાણે જણાણા છે.’ એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે, “अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।।” માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે, તો કેવળ મનુષ્ય જેવા જ સમજે અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે, તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે; માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે, ‘स ऐक्षत’ કહેતા તે ભગવાન જે ‘તે જોતા હવા.’ ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર, શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે, ‘पुरुषेणात्मभूतेन वीर्यमाधत्त वीर्यवान्’ એવી રીતે પુરુષરૂપે થઇને એ પુરુષોત્તમ તેણે માયાને વિષે વીર્યને ધારણ કર્યું, ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમનારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષરૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઇ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમ જ માયારૂપે થાય છે, ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઇ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહત્તત્ત્વરૂપે થાય છે ને તેમ જ મહત્તત્ત્વમાંથી થયા જે બીજા તત્ત્વ તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટપુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સનકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે, તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાંખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષણપણે વિરાજમાન થકા રહે છે અને જેને વિષે પોતે વિરાજમાન રહે છે; તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે, ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે; તથા જેમ સૂર્ય ઉદય થાય છે, ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકનાં તેજ લીન થઇ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે; તેમ એ ભગવાન જેને જેને વિષે આવે છે, ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નીસરી જાય છે, ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું; એમ જાણવું.”

75. ગઢડા મધ્ય ૧ ( para.3)

પછી અમારા હૃદયમાં વિચાર થયો જે, ‘અમારે જે સમાધિમાંથી નીસરાયું તે તો દયાએ કરીને નીસરાયું, પણ બીજાને સમાધિમાંથી નીસરાતું હશે તેનું શું કારણ હશે ? પછી અમને એમ જણાયું જે, ‘એને કાંઇક વિષયમાં આસક્તિ રહે છે, તેણે કરીને પાછું નીકળાય છે.’ અને મોહનું જે કારણ, તે પણ પંચવિષય જ છે. તે વિષય પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ; એ ત્રણ પ્રકારના છે. તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે, ત્યારે તે ઉપર ક્રોધ થાય; પછી ક્રોધ થકી મોહ થાય છે. અને સામાન્યપણે તો શ્રોત્રને ને શબ્દને સદા સંબંધ છે, અને ત્વચાને ને સ્પર્શને સદા સંબંધ છે. એવી રીતે પંચ જ્ઞાન ઇન્દ્રિયોને પંચવિષયનો સંબંધ છે. માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કાંઇ દાખડો પડે નહિ, સહજે જ તે રૂપ વિષયમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના સ્વરૂપમાં રહે. અને જો સ્ત્રીઆદિકનું અતિશય રમણીય રૂપ દીઠામાં આવી ગયું હોય ને તેમાં વૃત્તિ જોડાણી હોય ને પછી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહિ અને ચિત્ત પણ એક ઠેકાણે રહે નહિ, માટે જ્યાં સુધી રમણીય પંચવિષયમાં ચિત્ત લોભાય છે, ત્યાં સુધી મોહ ટળે નહિ અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહિ. એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ તે ભગવાને ગીતામાં કહ્યું છે જે

76. ગઢડા મધ્ય ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ,” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય, તેને એમ વિચાર કરવો જે, આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે, તે જીવ સાથે વળગી રહ્યાં છે અને ઇન્દ્રિયો ને અંતઃકરણ છે, તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે. તે અજ્ઞાને કરીને જીવ, ઇન્દ્રિયો-અંતઃકરણ ને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગત્યે જીવ ઇન્દ્રિયો-અંતઃકરણ થકી નોખો છે. અને પંચવિષય છે, તે અંતઃકરણ થકી નોખા છે; પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિષે પંચવિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે, પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માંહિલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માંહિલી કોરેથી નથી; એ તો બાહેરથી ઉત્પન્ન થઈને માંહિલી કોરે પ્રવેશ કરે છે; તેમ પંચવિષય છે, તે પ્રથમ અંતઃકરણમાંથી ઊપજતા નથી, એ તો પ્રથમ ઇન્દ્રિયોને બાહેર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બાહેર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળ્યે કરાર થાય નહિ. અને જેમ ક્ષુધા-પિપાસા લાગી હોય તે ખાધે-પીધે જ નિવૃત્તિ થાય પણ અન્નજળની વાત કર્યે નિવૃત્તિ ન થાય, તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય.

77. ગઢડા મધ્ય ૨ ( para.3)

તે ઔષધની રીત એમ છે, જ્યારે ત્વચાને સ્ત્રીઆદિક વિષયનો સ્પર્શ થાય છે, ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિષે બાહેરથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે, ત્વચાએ કરીને સ્ત્રીઆદિક પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જિહ્વાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો; એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે, તો બાહેરથી વિષયનો પ્રવાહ માંહીલી કોરે પ્રવેશ કરે નહિ. જેમ કૂવામાં પાણીની સેર્ય આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય, તે તો આત્મવિચારે કરીને ટાળવા; તે આત્મવિચાર એમ કરવો જે, ‘હું આત્મા છું ને મારે વિષે ઇન્દ્રિયો-અંતઃકરણનો સંબંધ નથી’ એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બાહેરથી પોતામાં સેર્યો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માંહીલી કોરે તે સેર્યના પાણીનો પ્રવેશ કરવા દે નહિ; અને જો ઉલેચાઈને ઠાલો થાય તો સેર્યનું પાણી બાહેરથી માંહી આવે. એવી રીતે આત્મસુખે કરીને માંહીલી કોરે પૂર્ણ રહેવું અને બાહેર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો, એ જ કામાદિક ને જીત્યાનો દ્રઢ ઉપાય છે; પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજ્યો”.

78. ગઢડા મધ્ય ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે; તે કહીએ છીએ જે, એક તો રસિકમાર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેમણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારુ તો કોઈકનું થયું છે. કાં જે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ; તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અગોઅંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી, લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય; માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, ‘જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવરૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમરૂપે થાય છે અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે.’ એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો. માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય, એ મોટું વિઘ્ન છે. કાં જે, સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું, માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ બે માર્ગ છે, તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે ક્લ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો.” પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો.

79. ગઢડા મધ્ય ૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ સંત પ્રત્યે બોલ્યા જે, “એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે, પૂર્વે ભગવાન દશ ઇન્દ્રિયો અને અગિયારમું મન તેને અંતરસન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડીજંઘનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઇ. ત્યારે મુરદાનવ કન્યા પ્રત્યે બોલ્યો જે, ‘તું મને વર્ય.’ પછી કન્યા બોલ્યા જે, ‘મારે તો એવી પ્રતિજ્ઞા છે જે, જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું.’ પછી મુરદાનવને અને કન્યાને યુધ્ધ થયું, ત્યારે કન્યાએ મુરદાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઇને તે કન્યાને કહ્યું જે, ‘તું વર માગ્ય.’ ત્યારે તે કન્યાએ વર માગ્યો જે, ‘મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રકટ થઇ, માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વિની છું, માટે મારા વ્રતને દિવસ મન આદિક જે અગિયાર ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહિ.’ એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો. એવી રીતે પુરાણની કથા છે.

80. ગઢડા મધ્ય ૮ ( para.3)

અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ ક્હ્યું છે જે, ‘એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહિ અને દેહે કરીને કાંઇ ભૂંડું આચરણ કરવું નહિ.’ એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે, એકાદશીને દિવસ ઢોરલાંઘણ કરવી નહિ અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી ને તે વિના તો ઢોરલાંઘણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે, તેમ જ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે ને જિહ્વાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. એવી રીતે અગિયારે ઇન્દ્રિયોના જુદા-જુદા આહાર છે. તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય, પણ અગિયારે ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો અગિયારે ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહિ. એવું વ્રત પંદર દિવસમાં એક વાર આવે તે ખબડદાર થઇને કરવું, તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે; પણ તે વિના જે ઢોરલાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદ્વીપમાં જે નિરન્નમુક્ત કહેવાય છે, તે તો સદાય એ વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી; માટે નિરન્ન કહેવાય છે. અને આપણે પણ ઇચ્છા તો એમ રાખવી જે, ‘જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે તેવું જ થવું છે.’ પણ એ વાતમાં હિંમત હારવી નહિ. એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશી વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે, તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે.” એટલી વાત કરીને શ્રીજીમહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવવા માંડ્યા.

81. ગઢડા મધ્ય ૮ ( para.4)

પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું જે, ‘તમો સર્વે યજ્ઞ કરજ્યો ને તે યજ્ઞે કરીને તમારે સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ તો જરૂર કરજ્યો.’ પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિમાર્ગવાળા હતા તેને તો રાજસી, તામસી, એવા પ્રવૃત્તિમાર્ગના યજ્ઞ બતાવ્યા અને જે નિવૃત્તિમાર્ગવાળા હતા, તેને તો સાત્વિકયજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્‌ગીતાને વિષે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિમાર્ગવાળા છીએ તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતાં હોય એવા જે રાજસી, તામસી યજ્ઞ, તે આપણે કરવા નહિ. તે સાત્વિક યજ્ઞની રીત જે, દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન; એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મઅગ્નિને વિષે હોમવાં. એનું નામ યોગયજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતાં હોમતાં જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમ જ એ યોગયજ્ઞના કરનારાના અંતરને વિષે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ જે શ્રીપુરુષોત્તમ તે પ્રકટ થઇ આવે છે; એ યોગયજ્ઞનું ફળ છે. અને અંતર્દૃષ્ટિ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે, ‘અંતર્દૃષ્ટિ તે શું ?’ તો તેનો ઉત્તર એ છે જે, બાહેર અથવા માંહિલી કોરે; ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી, એ જ અંતર્દૃષ્ટિ છે. અને તે વિના તો અંતર્દૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્યદૃષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનનાં કથા, કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતર્દૃષ્ટિ છે અને એ સર્વે જ્ઞાનયજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતર્દૃષ્ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે. માટે સત્સંગીમાત્રને તો એવો અખંડ જ્ઞાનયજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી, તે તો પરમેશ્વરની ઇચ્છાએ કરીને એમ રહ્યું છે; અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઇ વતે કરીને એમ રહ્યું છે.

82. ગઢડા મધ્ય ૮ ( para.8)

એ શ્લોકનો અર્થ એ છે જે, ‘આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે, તે તો મને સહિત જે પંચજ્ઞાન ઇન્દ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે; અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લઇ જાય છે.’ માટે આપણે સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતાં નથી, તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ અને નારદપંચરાત્ર; એ આદિક સર્વ શાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે, ‘યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે, સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય, એ જ જ્ઞાનયજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે, એવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો અને જ્યાં સુધી એવું ન થવાય, ત્યાં સુધી એટલું અધુરું જાણવું. અને નિરન્નમુક્ત જેવા થવાની અતિશય ઇચ્છા રાખવી, પણ શ્રદ્ધારહિત થવું નહિ અને પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને ને સાવધાન થઇને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો.”

83. ગઢડા મધ્ય ૧૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્‌ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્‌ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે, ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કાં જે, ભગવાન થકી જ સર્વ સ્થાવર-જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે, તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં ‘અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; એ ત્રણનો જે આધાર છે, તે ભગવાનનું સ્વરૂપ છે,’ એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો, અધ્યાત્મ જે વિરાટપુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા; એ સર્વે વિરાટને વિષે આવ્યા, તો પણ વિરાટ ઉભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષરૂપે થઇને જ્યારે વિરાટપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વિરાટપુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટપુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ; તેને વિષે તદાત્મકપણે કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે. અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશસ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે, તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવ વન બાળવા ગયો, ત્યારે તેજ અગ્નિ જ્વાળારૂપ થઇને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે, ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી રીતે કરવી જે, ‘કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ.’ અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો, જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય. અને બીજાને પણ એવી વાત કરવી, જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય.

84. ગઢડા મધ્ય ૧૧ ( para.7)

એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે, તે સુધી અટપટી છે, તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે; તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે, વિમુખ જે જે ક્રિયા કરે છે, તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે, તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે. અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે, તે તો સર્વે નૈષ્કર્મ્યરૂપ૨ છે. ત્યાં શ્લોક ભગવદ્‌ગીતાનો છે,

85. ગઢડા મધ્ય ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક વાત કરીએ છીએ તે સર્વ સાંભળો, અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું, તે એકને વિષે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે. તે કહીએ છીએ જે, દેહને વિષે જે જીવ છે, તે એમ જાણે છે જે, ‘કામ-ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે, તે મારા જીવ સાથે જડાણી છે.’ એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિષે મુખ્ય હોય, તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઈત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે. પણ જીવને વિષે તો એ એકે કુલક્ષણ છે નહિ. એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિષે માની લીધા છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કાંઈક પોતાને વિષે પુરુષાતન રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહિ; અને એમ વિચાર કરવો જે, ‘જેમ આ દેહમાં ચાર અંતઃકરણ છે, દશ ઇન્દ્રિયો છે, પંચ પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિષે છું, તે સર્વ થકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું.’ પણ એમ ન માનવું જે, ‘હું તો તુચ્છ છું ને અંતઃકરણ, ઇન્દ્રિયો તો બળવાન છે.’ જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરનાં મનુષ્ય હોય, તે પણ તેનું વચન માને નહિ. પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહિ. પછી દેશના મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહિ. પછી તે રાજા ગ્લાનિ પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહિ. તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરનાં મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે. તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહિ અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહિ. પછી એ જીવ કાયાનગરને વિષે રાજા છે તો પણ રાંકની પેઠે ઓશિયાળો થઈ રહે છે. અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિષે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે ને રાજાનું લેશમાત્ર ચાલવા દે નહિ; તેમ આ જીવના કાયાનગરને વિષે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવનું લેશમાત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહિ ને જે પ્રકારે પોતાનાં ઇન્દ્રિયો ને અંતઃકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દબાવ્યો દબાય નહિ. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે, પછી પોતાનો દેશ હોય તે ઉજ્જડ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહિ તેણે કરીને પોતે દુઃખિયો થકો વર્તે; એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે, તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહિ.”

86. ગઢડા મધ્ય ૧૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું. પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્યવાર્તા હોય તે સાંભળવા દેવી નહિ. તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે; અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે; અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે; અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહિ. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહિ. અને એવી રીતે પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષપ્રયત્નરૂપ જે ઉપાય છે, તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે, તે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે; માટે પુરુષપ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.”

87. ગઢડા મધ્ય ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજીમહારાજ એમ બોલતા હવા જે, “હે સંતો ! જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો, તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે, તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટ્યપ વધારવા સારુ નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે, ‘આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય,’ તે સારુ કરીએ છીએ. અને આ જે વાત છે, તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે, આ સંસારને વિષે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચવિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચવિષય તથા નરસા પંચવિષય તે બેય સમ વર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમ વર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારાં વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બેય સમ વર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બેય પણ સમ વર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બેય સમ વર્તે છે અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધાય હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિષે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે, તેનો પણ ભાર નથી જણાતો; જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા ને સોનામહોરની વાંસળી કેડ્યે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. અને મારે વિષે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિષે જ્ઞાન છે જે ‘હું બ્રહ્મ છું,’ તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણીજાણીને કરું છું. અને જે જે પદાર્થને વિષે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિષે પથરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિષે રહે ને પછી પાછો પૃથ્વીને વિષે આવીને પડે છે; અને જેમ પૂંછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય; અને જેમ કોઈક પુરુષ સૂઝે એટલો બળિયો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને દશવીશ કાગદી લીંબુ ચુસાવ્યાં હોય, પછી તે શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે ? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિષે જે આકાશ છે તેને વિષે વર્તે છે અને તે હૃદયાકાશને વિષે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિષે આકાશમાં વાદળાં છાઈ રહ્યાં હોય તેમ મારા હૃદયને વિષે એકલું તેજ વ્યાપી રહ્યું છે.

88. ગઢડા મધ્ય ૧૩ ( para.7)

અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે; અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે, ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિષે પડી રહે છે. તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રુક્મિણીજી બળી મૂવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિષે બળી ગયો, એમ પણ થાય; અને ક્યારેક તો હાડમાંસ સહિત દિવ્યભાવ પામીને કાંઈ રહે નહિ, અંતર્ધાન થઈ જાય. અને જ્યારે પ્રકટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રકટ થઈ આવે છે, એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે, તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિષે નહિ થાય; ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહિ. અને તમે એમ કહેશો જે, ‘અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા?” તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે, એમ સમજવું. પણ તેને કાંઈ કરવું રહ્યું નથી, એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત્ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ અને નિઃસ્નેહ, એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહિ. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.

89. ગઢડા મધ્ય ૧૬ ( para.7)

એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘નિયમમાં છે ઇન્દ્રિયો જેના ને શ્રદ્ધાવાન એવો જે પુરુષ, તે જ્ઞાનને પામે છે ને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે.’ માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. જેમ કોઈ પુરુષ કાશીએ જતો હોય ને તે આખા દિવસમાં બે ડગલાં ચાલતો હોય તેને તો કાશીએ જતાં બહુ દિવસ લાગે અને જે વીશ વીશ ગાઉ ચાલવા માંડે તે તો આંહીથી કાશીએ થોડાક દિવસમાં પહોંચે; તેમ જેને શ્રદ્ધા બળવાન છે, તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઈ જાય છે અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળ થયા સત્સંગી થયો હોય તો પણ લોચોપોચો રહે છે.”

90. ગઢડા મધ્ય ૧૬ ( para.9)

પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, “તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત્કથાવાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઈત્યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારુ સ્નાનાદિક જે પોતાની દેહક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે. અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય. અને મોટો માણસ હોય તો પણ ભગવાનનાં દર્શન સારુ બાળકની પેઠ્યે આકળાઈ કરવા માંડે. એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે. અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય, તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે, ‘આની ઇન્દ્રિયોના વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે.’ અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહિ પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે, વાયુ વાય છે. તેમ ઇન્દ્રિયોની વૃત્તિયો દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે અને જો કપટે કરીને ઢાંકવા જાય, તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેની ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહિ.”

91. ગઢડા મધ્ય ૧૬ ( para.10)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળ્યાનો એ જ ઉપાય છે જે, પરમેશ્વરે ત્યાગીના ને ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે, તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય. અને શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના અને ઘ્રાણ; એ પાંચે ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે, ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે. તે કેડે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે, તો જેમ તીવ્ર વૈરાગ્યે કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલા જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા.”

92. ગઢડા મધ્ય ૨૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલોખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! એ પ્રશ્ન અમને સંભળાવો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સમાધિનિષ્ઠ પુરુષ થાય છે, તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દ્રઢ સંબંધ રહે છે. માટે એ સમાધિનિષ્ઠને તો જ્ઞાનશક્તિ તથા દેહ- ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ; શા માટે જે, માયા થકી જે ચોવિશ તત્ત્વ થયા છે, તે જડ-ચૈતન્યરૂપ છે, પણ એકલા જડ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય. અને તે તત્ત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય; ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો-અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ, તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જે, ‘જેને સમાધિ થાય છે, તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી.’ માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ- ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી ? એ પ્રશ્ન છે.” પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પુગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે, સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે ચોવિશ તત્ત્વાત્મક બ્રહ્માંડ, તેને વિષે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થી આપે છે. અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે, કાષ્ઠ તથા પાષાણ જેવું જડ હોય તેને વિષે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્યભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત યોગાભ્યાસ હોય તેને શુકજીના જેવી સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ, અર્થ ને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિષે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધદશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેવો જ્ઞાની થાય, પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિદ્ધદશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદ્વીપ આદિક જે ભગવાનનાં ધામ તેને વિષે એને એ જ શરીરે કરીને જાય અને લોક-અલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય. અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી. અને જેમ શ્રીકૃષ્ણભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે, ત્યાં શ્લોક છે -

93. ગઢડા મધ્ય ૨૦ ( para.5)

એ શ્લોકનો એ અર્થ છે જે, ‘જેને વિષે ભૂતપ્રાણીમાત્ર સૂતા છે, તેને વિષે સંયમી પુરુષ જાગ્યા છે અને જેને વિષે ભૂતપ્રાણીમાત્ર જાગ્યા છે તેની કોરે સંયમી પુરુષ સૂતા છે.’ માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દૃષ્ટિ વર્તતી હોય તેને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણની કોરે શૂન્ય ભાવ વર્તે છે, તેને દેખીને અણસમજુ હોય તે એમ જાણે જે, ‘સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે.’ પછી રજોગુણ, તમોગુણમાં તથા મલિન સત્ત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂઝે જે, ‘સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે,’ પણ એમ નથી જાણતો જે, ‘હું દેહાભિમાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું.’ માટે સમાધિવાળો તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી જુદો પડીને વર્તે છે, તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને પાછો ઇન્દ્રિયો-અંતઃકરણમાં આવીને વર્તે, તો પણ પોતાને સમાધિને વિષે જે જ્ઞાન થયું છે, તેનો નાશ થાય નહિ. અને તપ, નિવૃત્તિધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિમાર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો-અંતઃકરણની શક્તિયો પણ વૃદ્ધિ પામે અને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિદ્ધગતિને પણ પામે.”

94. ગઢડા મધ્ય ૨૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાયું; મન તો જીવની જ કોઈક કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું જે, જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય, તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે; તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે, ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે, ત્યારે જીવને અતિશય દુઃખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે; એ તે લૂક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખિયો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે; એ તે હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે? તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખી થાય અને જો ઝાલવા દઈએ તો પણ દુઃખી થાય; તેમ જો મનને વિષય ભોગવવા ન દઇએ તો પણ દુઃખી થાય ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું-ઊનું થતું નથી તેને જ સાધુ જાણવા.”

95. ગઢડા મધ્ય ૩૧ ( para.2)

અને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ, ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “સર્વે કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષરૂપે કરીને મહામાયાને વિષે વીર્યને ધરે છે; તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે; અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાનપુરુષ દ્વારાએ વૈરાજપુરુષ ઉત્પન્ન થયા, ત્યારે એ વૈરાજપુરુષ તે તે પુરુષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજપુરુષ થાય છે. એવા જે વૈરાજપુરુષ, તે આ જીવ જેવા જ છે અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. ને તે વૈરાજપુરુષની દ્વિપરાર્ધકાળની આવરદા છે. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે; જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા છે તેમ. અને એ વૈરાજપુરુષના વિરાટ્, સૂત્રાત્મા, અવ્યાકૃત; એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્ત્વાદિક જે ચોવિશ તત્ત્વ તે દ્વારે થયા છે. તે એ વિરાટને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માંહી હતો તો પણ એ વિરાટ ઉઠ્યું નહિ. અને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષરૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઉઠ્યું ને એ વૈરાજપુરુષ પોતાની ક્રિયાને વિષે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિષે સાક્ષીરૂપે રહ્યા છે, તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે. માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ, તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે. પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. એવી રીતે ઈશ્વર જે વૈરાજપુરુષ ને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષરૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. અને એ વૈરાજપુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે, તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત્ થાય છે. કેમ જે, એનો બાપ જે પુરુષ તે સમર્થ છે, તે એને એટલો જાળવે છે. અને વૈરાજપુરુષને માયાનો સંબંધ રહ્યો છે. માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે, તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે, તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય. માટે એ બાપ તે દીકરાને શી સહાય કરે? માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ટળતો નથી. એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે.

96. ગઢડા મધ્ય ૩૩ ( para.4)

પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, “એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશય દ્રઢ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો ત્રણ પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો, બળધિયા, પૈડાં, ધૂંસરી, ઊંધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે, તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે, ‘હું આત્મા છું, દેહ નથી;’ ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ. જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો. તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય; તેમ આ મન છે, તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્‌ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી.’ એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ ત્રણ ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે, ‘એવી રીતે રાખવું ઘણું કઠણ છે.’ કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે, ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે, તે પણ કાપા પાડે છે; તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે, તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે ? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દ્રઢ કરીને રાખવા.”

97. ગઢડા મધ્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, પ્રશ્ન-ઉત્તર કરીએ તો આળસ મટે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું જે, આ જીવને વિષે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો-અંતઃકરણ આદિક ચોવિશ તત્ત્વ તે રહ્યા છે, તે એ તત્ત્વ જડ છે કે ચૈતન્ય છે ?” પછી પરમહંસે કહ્યું જે, “એ તત્ત્વ ચૈતન્ય તો ખરા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે એ તત્ત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિષે જીવ છે, તે ભેળા ચોવિશ તત્ત્વના પણ ચોવિશ જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે ને જે પાપ કરશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે. ત્યારે સુખ-દુઃખનું જે ભોક્તાપણું, તે એક જીવને વિષે જ નહિ કહેવાય અને સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહિ કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે, તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા ચોવિશ તત્ત્વના જીવ તો મુક્ત થયા કહ્યા નથી.” એવી રીતે આશંકા કરીને તત્ત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર અમે કરીએ જે, એ તત્ત્વ જે તે કાર્ય-કારણ ભેદે કરીને બે પ્રકારના છે; તેમાં કારણરૂપ જે તત્ત્વ છે, તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્ત્વ છે, તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિષે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે; તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે જડ એવા જે તત્ત્વ તે પડ્યા રહે છે. અને એ ચોવિશ તત્ત્વ છે, તે માયામાંથી થયા છે; માટે માયારૂપ છે ને જડ છે. અને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણરૂપે જુદા જુદા જણાય છે, તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ પાંચ રૂપે થઈ છે ને કાચરૂપે પણ કરનારાની કીંમતે થઈ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપ જુદે જુદે પ્રકારે જણાય છે.”

98. ગઢડા મધ્ય ૩૫ ( para.2)

પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહિ. ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે. ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે, તે કહું છું જે, હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત્ દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મને આત્માનું ક્ષણમાત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે; એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે અને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ પર્યન્ત કરે તો પણ આત્માનું દર્શન થાય નહિ. એ તો ક્યારે થાય ? તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી; અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઈને રાખવી નહિ. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવા-સાંભળવા ને ભગવાનનું નામસ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વા’ણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું, તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ, તેમાં તો એટલું જ પ્રયોજન છે જે, ‘જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઈ વિધ્ન ન થાય.’ એટલું જ પ્રયોજન છે, પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય, એમ તો માનવું નહિ.

99. ગઢડા મધ્ય ૪૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વ મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી; ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્નમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાંખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

100. ગઢડા મધ્ય ૪૭ ( para.3)

અને વળી સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે ? અને પંચવિષય છે, તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી; તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,’શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે’ માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે,’ એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી-ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું; તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ,’ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક, ઈન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી; એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”

101. ગઢડા મધ્ય ૫૫ ( para.3)

અને અંતરમાં એમ વિચાર રહે છે જે, ‘આપણે તો દેહથકી પૃથક્ આત્મા છીએ, પણ દેહ જેવા નથી.’ અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે, આત્માને વિષે રખે રજોગુણ, તમોગુણ આદિક કોઈક માયાનો ભાગ ભળી જાય નહિ ! તેને ઘડીએ ઘડીએ તપાસતાં રહીએ છીએ. જેમ સાડા સોળવલું કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઈ જાય અને જો ધણીની લગારેક નજર ચૂકે તો સોની સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે. તેમ આ હૃદયરૂપી તો સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની છે; તે પોતે બેઠો થકો સંકલ્પરૂપી જે હથોડો, તેના અખંડ ટચટચ ટચકા મારતો રહે છે. અને જેમ સોનીનાં છોકરા-સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઈક સોનું ચોરી જાય; તેમ ઇન્દ્રિયો-અંતઃકરણ એ સર્વે માયારૂપે જે સોની તેના છોકરા-સ્ત્રી છે, તે કંચનરૂપ જે ચૈતન્ય તેને વિષે ત્રણ ગુણ તથા પંચવિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ, ક્રોધ, લોભાદિક એ રૂપ જે રૂપું તેને ભેળવીને જ્ઞાન-વૈરાગ્યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો તે સોનું બારવલું થઈ જાય છે અને પછી તે સોનાને તાવી તાવીને પાછું સોળવલું કરે તો થાય છે; તેમ આ જીવને વિષે રજ, તમ આદિક જે રૂપું ભળ્યું છે, તેને ગાળીને કાઢી નાંખવું ને પછી કંચનરૂપ જે એક આત્મા તે જ રહે, પણ બીજો માયિક ભેગ કાંઈ રહે નહિ.’ એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મંડ્યા છીએ; એ અમે અમારું અંગ છે, તે કહ્યું. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો.” પછી સંતમંડળે એમ કહ્યું જે, “હે મહારાજ ! તમારે વિષે તો માયિક ગુણનો ભેગ હોય જ નહિ, તમે તો કૈવલ્યમૂર્તિ છો; પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખ્યો જોઈએ.” પછી શ્રીજીમહારાજ “જય સચ્ચિદાનંદ” કહીને પોતાના ઉતારાને વિષે પધાર્યા.

102. ગઢડા મધ્ય ૫૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે, તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી. ને તે સત્તારૂપ આત્મા કેવો છે ? તો જેને વિષે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્દ્રિયો અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે, તે અજ્ઞાને કરીને જણાય છે, પણ જેણે જ્ઞાન-વૈરાગ્યે કરીને એનો સર્વે પ્રકારે નિષેધ કરી નાખ્યો છે, તેને તો એ આત્માને વિષે કોઈ જાતનું આવરણ નથી. અને એ આત્મારૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી; એ તો પોતાને આત્મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્મા છું, તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય?’ એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી. અને એ આત્માના પ્રકાશને વિષે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે; તેમ આત્માનો જે પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે.

103. ગઢડા મધ્ય ૬૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી, તેમને બોલાવીને કહ્યું જે, “તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યાપ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સંસારને વિષે એવો પુરુષ હોય જે, આઠો પહોર તો સંસારની વિટંબણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય-અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય, અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય, ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે. એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય, તે એવી રીતે એક ઘડી કે અર્ધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ને ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય. એનો એ જ ઉત્તર છે.”

104. ગઢડા મધ્ય ૬૨ ( para.4)

એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હવા જે, “અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે. અને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે છે, તેમ સ્થિર થઈને રહે છે. ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. અને પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય, ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે. ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે, તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે, ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે, ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે, ‘હું આત્મા છું અને મારે વિષે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે.’ અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.

105. ગઢડા મધ્ય ૬૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! દ્દૃષ્ટા ને દૃશ્ય મધ્યમાં જે વિચાર રહે છે, તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો-અંતઃકરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે, તે જીવનું જ છે; તે ઇન્દ્રિયો- અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા, તે આત્માપણે રહેવું; પણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.

106. ગઢડા મધ્ય ૬૬ ( para.4)

પછી શ્રીજીમહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હવા જે, “આ દેહને વિષે જીવ છે, તે સાકાર છે કે નિરાકાર છે ?” પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “જીવ તો સાકાર છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “જો જીવ સાકાર હોય તો તે કર-ચરણાદિકે યુક્ત થયો; ત્યારે દશમસ્કંધને વિષે વેદસ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે, ‘ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ, તેને સૃજતા હવા.’ તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સૃજ્યાનું શું કામ છે ? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે, જીવ જે તે સ્વરૂપ-સ્વભાવે કરીને તો સત્તામાત્ર છે ને ચૈતન્ય વસ્તુ છે અને અનાદિ અજ્ઞાનરૂપ એવું જે કારણ શરીર તેણે યુક્ત છે. અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોટી રહે છે, તેમ એ જીવનો પણ ચોટવાનો સ્વભાવ છે, તે માયિક એવા જે સ્થૂળ ને સૂક્ષ્મ એ બે શરીર, તે સાથે ચોટે છે અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિષે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો એ જીવ શરીર જેવો નથી.”

107. વરતાલ ૨ ( para.10)

એવી રીતે એ ચાર શાસ્ત્રે કરીને શ્રીકૃષ્ણનારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે. અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. જેમ દૂધ છે તેને નેત્રે જુવે ત્યારે ધોળું દેખાય અને નાકે સૂંઘે ત્યારે સુગંધવાન જણાય અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું-ઊનું જણાય અને જિહ્વાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય; પણ એક ઇન્દ્રિયે કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય અને સર્વ ઇન્દ્રિયે કરીને તપાસી જુવે ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાદિક ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. માટે એવી રીતે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે.”

108. વરતાલ ૪ ( para.3)

એમ ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ પ્રશ્ન પૂછતા હવા જે, “ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય, તે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે ? અને કેમ પોતાના મનને ચલાવે ? ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે ? અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ? ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે ? અને નિદ્રારૂપી લય ને સંકલ્પ વિકલ્પરૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે? એનો ઉત્તર કહો.” પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઊછળે છે, તેમ અંતઃકરણરૂપી જે ફુવારો, તેને વિષે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિય દ્વારે ઊછળે છે તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને, એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિષે સાક્ષીરૂપે રહ્યા એવા જે શ્રીવાસુદેવ ભગવાન તેનું ચિંતવન કરે અને બીજી વૃત્તિ છે તેને તો દૃષ્ટિદ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતવન કરે. તે પણ નખશિખા પર્યન્ત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતવન કરે પણ એક એક અંગનું જુદું જુદું ચિંતવન ન કરે. જેમ મોટું મંદિર હોય તેને એકસામટું ભેળું જ જુવે તથા જેમ મોટો પર્વત હોય તેને એકસામટો ભેળો ને ભેળો જ જુવે, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુવે પણ એક એક અંગ ન જુવે. અને તે મૂર્તિને જ્યારે પોતાની દૃષ્ટિ આગળ છેટે ધારે, ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢૂંકડી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે, એમ કરતા પણ આસપાસ કાંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટિના મધ્યને વિષે મૂર્તિને ધારે, એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દૃષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી, તેણે કરીને મૂર્તિને ઊંચી ચઢાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે, એવી રીતે યોગકળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રકુટિમાં લાવીને હૃદયને વિષે મૂર્તિને ઉતારે. અને અંતરને વિષે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે. પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે, એવી રીતે જે શ્રોત્ર, ત્વક્, રસના અને ઘ્રાણ; તે દ્વારે પણ યોગકળા સાધે અને તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર; તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે. અને ઇન્દ્રિયો ને અંતઃકરણ એ સર્વેને સાંખ્યવિચારે કરીને જ જુદા કરીને એકલા ચૈતન્યને વિષે જ ભગવાનની મૂર્તિને ધારે. અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય અને તે સમે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે, પણ વિક્ષેપને વિષે પોતાની યોગકળાનો ત્યાગ ન કરે. એવી રીતની યોગકળાએ યુક્ત એ યોગી વર્તે છે.”

109. વરતાલ ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાંકડા વાંકડા પ્રશ્ન કરો જે, જેણે કરીને સૌની આળસ ઊડી જાય.” એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।” એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, ‘જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા, તેને તરે છે.’ ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ પોઢ્યા હતા, તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે, “માયાના જે ત્રણ ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે; અને રજોગુણના દશ ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ છે, અને સત્ત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ ત્રણ ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વ હતા. માટે એનો એમ ઉત્તર છે જે, પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે, ‘એ ભગવાનના સ્વરૂપને વિષે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે.’ એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા; તે પોતપોતાની ક્રિયાને વિષે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિષે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રીવાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે, માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વસિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ; એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે, તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ? ને માયાને તર્યા ન કહેવાય ? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ, તો એ પ્રશ્નનું સમાધાન થાય નહિ, માટે એ જ ઉત્તર છે.”

110. વરતાલ ૧૧ ( para.5)

પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “બ્રહ્મસ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહિ. અને જ્યારે એને મોટાપુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટાપુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય ને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો.” પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ; અને તેના વચન પણ સત્ય મનાય, એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”

111. વરતાલ ૧૨ ( para.2)

અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો જે, અનંત કોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રીપુરુષોત્તમ ભગવાન સદા દિવ્યમૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે; ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે, તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત૨ જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો, અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત્ દેશ, અસત્ કાળ, અસત્ સંગ અને અસત્ શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો, પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ્ય હોય તે એ જીવને ઝાઝી નડતી નથી; પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષનાં મૂળ કપાણાં ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિષે કોઈ રીતે દોષબુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહિ. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે, ‘શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહિ થાય ? અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ, કે રાજા થઈશ, કે ભૂત થઈશ ?’ જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું ક્લ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે.’ માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબડદાર થઈને રાખજ્યો.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા,’ એ માહાત્મ્યનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં ક્હ્યું છે જે, “अहो अमी देववरामरार्चितं पादाम्बुजं ते सुमनःफलार्हणम्। नमन्त्युपादाय शिखाभिरात्मनस्तमोपहत्यै तरुजन्म यत्कृतम् ।।” એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો, તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહિ. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહિ; અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહિ. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદ્‌ગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી, પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય. તેમ માહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા, ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી, એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે.”

112. વરતાલ ૧૩ ( para.2)

તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઇ શ્રીજીમહારાજ પાસે આવ્યા હતા. તેણે પૂછ્યું જે, “હે મહારાજ! આ સમાધિ તે કેમ થતી હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજારૂપે હોય ત્યારે તો ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય અને દત્ત, કપિલ જેવા સાધુરૂપે હોય ત્યારે તો ત્રીશ લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિષે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહજે એવો ચમત્કાર રહ્યો છે જે, ‘ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે ને સાધુરૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું. તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિષે એવો ચમત્કાર જરૂર હોય, તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનનાં દર્શન કરે તેની ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે ?”

113. વરતાલ ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એકસરખો વ્યવહાર છે; પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જિતેન્દ્રિય ક્હ્યા છે, તે કેવી રીતે જાણવા ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જિતેન્દ્રિય થાય એમ જણાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જિતેન્દ્રિયપણું કેમ છે ?” પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “એનો ઉત્તર તો એમ છે જે, શબ્દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે. અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચવિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. અને એમ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિષે વૈરબુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયું તેને, તેને વિષે કોઈ રીતે પ્રીતિ થાય જ નહિ. એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય, તે જિતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ-કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહિ, એવો હોય તે જિતેન્દ્રિય કહેવાય.”

114. વરતાલ ૨૦ ( para.2)

પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પુછ્યો જે, “રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ ને લોભની ઉત્પત્તિ થાય છે, માટે એ કામાદિકનું બીજ ન રહે, એવું એક સાધન ક્યું છે ?” પછી શુકમુનિએ કહ્યું જે, “જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય.” પછી શ્રીજીમહારાજે આશંકા કરી જે, “શિવ, બ્રહ્મા, શ્રૃંગીઋષિ, પરાશર, નારદ; એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી ? જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા, માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા, તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિષે જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમ જ અજ્ઞાની સુષુપ્તિને વિષે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે, ત્યારે તો જ્ઞાની ને અજ્ઞાની બેય કામાદિકે કરીને વિક્ષેપને પામે છે; એમાં તો જ્ઞાની-અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો નથી. માટે હવે બીજા પરમહંસ ઉત્તર કરો.” પછી તો ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી; એ સર્વે મળીને જેવો જેને ભાસ્યો તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહિ.

115. વરતાલ ૨૦ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસિની આવી, ત્યારે જનકરાજા સુલભા પ્રત્યે બોલ્યા જે, “તું મારા ચિત્તને મોહ પમાડ્યાનું કરે છે પણ મારા ગુરુ જે પંચશિખ ઋષિ, તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ; એ બે મતને અનુસર્યો છું. માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે અને અર્ધું શરીર તરવારે કરીને કાપે, એ બેય મારે બરોબર છે અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વિકાર છું. એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્યે કહ્યું અને શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા. માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે જે, ‘ઈન્દ્રયોની વૃત્તિ અનુલોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિમાર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય, તો તે કોઈ રીતે વિકારને પામે નહિ.’ અને જેને જેવું જાણ્યું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય જે, આ તે સાર છે ને આ તે અસાર છે. પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે અને પોતાને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ; તે થકી નોખો આત્મારૂપે જાણે, પછી એને કોઈ એવુ પદાર્થ નથી જે, ‘મોહ પમાડવાને અર્થે સમર્થ થાય.’ કેમ જે, એ તો સર્વે માયિક આકારને તુચ્છ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ્ય બેઠી હોય ને તેના ઇન્દ્રિયો પ્રવૃત્તિમાર્ગને વિષે સર્વે અનુલોમપણે વર્તતા હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે. એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય, પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહીત્યાગીનો કાંઇ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ, બ્રહ્માદિકને વિષે જે ખોટ્ય કહેવાય છે તેનું તો એમ છે જે, કેટલાકને વિષે તો આવી રીતની સમજણની કસર છે ને કેટલાકને વિષે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ્ય કહેવાણી છે. માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”

116. અમદાવાદ ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય, અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે, અને બીજા સર્વે મૂળ ઊખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે, એ જ એને જન્મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મમરણના હેતુ નથી ? એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય, તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી, ઘોડા, વૃક્ષ સર્વે તણાઈ જાય, પણ કોઈ ઠરી શકે નહિ, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય, પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિષે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિશરી જાય છે, તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જે આ સંસારને વિષે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય. ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય, ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને માર્યે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહિ, અને એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય, પણ પંચવિષયમાં એકે સુખ આવે નહિ. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમદશાને પામ્યો છે તેને પંચવિષય કેમ બાધ કરે ? ન જ કરે. માટે જે ઉપશમદશાને પામ્યો તેને પંચવિષય જન્મ મરણના હેતુ થતા નથી.”

117. ગઢડા અંત્ય ૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ, એનો તો ઉત્તર એમ છે જે, જ્ઞાન ને વૈરાગ્યે કરીને ત્રણ શરીર, ત્રણ અવસ્થા ને ત્રણ ગુણ એ સર્વ માયિક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે અને કેવળ સત્તામાત્ર રહે છે, પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી. ત્યારે જેમ દીપકનો અગ્નિ તે કોડિયું, તેલ ને વાટ્ય એ ત્રણને યોગે કરીને દૃષ્ટિમાં આવે તથા ગ્રહણ કર્યામાં આવે, પણ જ્યારે એ ત્રણ પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે એ અગ્નિ કોઈની દૃષ્ટિમાં પણ ન આવે અને ગ્રહણ પણ ન થાય; ને ઉપાધિએ યુક્ત હોય ત્યારે જ દૃષ્ટિએ આવે ને ગ્રહણ કર્યામાં આવે, તેમ જ્ઞાન વૈરાગ્યે કરીને સર્વ માયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે ત્યારે એ જીવાત્મા છે તે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે ને તે મન-વાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય યથાર્થપણે સમજાયું હોય, તેને તો સર્વ માયિક ઉપાધિનો સંગ ટળી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જે દયા ને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્યાં દૃષ્ટાંત છે:- જેમ દીપકની જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે એ અગ્નિ કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ ન થાય, એવો આકાશને વિષે રહે છે તો પણ એ અગ્નિને વિષે સુગંધી તથા દુર્ગંધીનો જે પાશ લાગ્યો હોય તે ટળતો નથી. જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે તો પણ તેને સુગંધી તથા દુર્ગંધીનો પાશ લાગે છે. તેમ જ જીવાત્માને જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિનો સંગ ટળી જાય છે તો પણ સત્સંગનો પાશ લાગ્યો છે તે ટળતો નથી. અને તે બ્રહ્મરૂપ થાય છે તો પણ નારદ, સનકાદિક ને શુકજીની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે અતિશય દયા ને પ્રીતિએ યુક્ત વર્તે છે, ત્યાં શ્લોક છે જે : “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्” તથા “हरेर्गुणाक्षिप्तमतिर्भगवान् बादरायणिः । अध्यगान्महदाख्यानं नित्यं विष्णुजनप्रियः” તથા ‘आत्मारामाश्च मुनयो’ તથા ‘प्रायेण मुनयो राजन्’ તથા ગીતામાં કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्” ઈત્યાદિક ઘણાક શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા અને પ્રીતિ તેણે યુક્ત હોય છે.’ અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય, તેને તો સાધનદશાને વિષે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે; માટે ભગવાન અને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ થતા નથી. જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમ જ તેને તે કુસંગનો પાશ લાગ્યો છે, તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ એને કુસંગનો પાશ લાગ્યો હતો; માટે શ્રીકૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિષે દયા ને સ્નેહ થયા નહિ. તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાશ જતો નથી ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત, તેને વિષે અતિશય દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે. પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

118. ગઢડા અંત્ય ૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, “ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભક્તિ, તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહિ. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ્ય.’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે, તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહિ. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે ? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે, ‘ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું.’ પછી તેના સર્વ અંગનું ચિંતવન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિષે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિષે પણ ખોટો ઘાટ ઘડે; ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો તો મનનું કહ્યું ન માને ને અતિશય દાઝ થાય, તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહિ. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને. ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગથી પાડી નાંખે. તે સારૂ કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે, તો તેને સંઘાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વૈર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહિ. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે, તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહિ. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહિ. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહિ. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહિ અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે.”

119. ગઢડા અંત્ય ૮ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તેને એવો ક્યો ઉપાય છે જે, જેણે કરીને સદા સુખી રહેવાય ?” પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય, અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આલોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે. અને વૈરાગ્ય ને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાનાં ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુઃખિયો રહે છે. શા માટે જે, જેણે પોતાની ઇન્દ્રિયો ન જીતી હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહિ અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાનાં ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખિયો રહે છે. અને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન ને ધર્મવાળો જાણવો, પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાન ને ધર્મવાળો ન જાણવો. અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખિયો હોય.”

120. ગઢડા અંત્ય ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ જે, ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનની માહાત્મ્યે સહિત જે નવધા ભક્તિ, તેણે કરીને મન જીતાય છે.”

121. ગઢડા અંત્ય ૧૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય, ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય, અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય. અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે નહિ અથવા ઈંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે ક્યાંઈક પરવશ રાખ્યા અથવા પોતાના મન ને ઇન્દ્રિયો તે ઈંગ્રેજ જેવા જ છે તેણે જ પરવશ રાખ્યા. ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહિ. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે, ‘ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે’ અને કાળ-કર્મને યોગે કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી; માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે ? એ પ્રશ્ન છે.” પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઈત્યાદિક મોટા મોટા સાધુ હતા તેમણે જેવું જેને જણાયું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું.

122. ગઢડા અંત્ય ૨૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિનાં જે સાધન તે શા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઊતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું; એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.”

123. ગઢડા અંત્ય ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ; ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે; ને પંચ વર્તમાનમાં દૃઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.”

124. ગઢડા અંત્ય ૨૭ ( para.8)

અને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ, તે વાર્તાએ કરીને જેવું એનું સુખ છે તેવું જ સુખ તો આવતું નથી. અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિએ કરીને જાણ્યામાં આવે છે તથા દેહ મૂક્યા કેડે જાણ્યામાં આવે છે, પણ કેવળ વાર્તાએ કરીને જાણ્યામાં આવતું નથી. જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે, પછી તે સુખને મુખે કરીને વખાણ કરે જે, ‘બહુ સારુ રૂપ દીઠું,’ ત્યારે તે સુખનો અનુભવ જેવો નેત્રને થયો તેવો મુખને ન થયો. તથા શ્રવણે કરીને શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધને સૂંઘ્યો, ત્વચાએ કરીને સ્પર્શ લીધો, જિહ્વાએ કરીને રસ ચાખ્યો, પછી તે તે સુખના વચને કરીને વખાણ કરે જે, ‘બહુ સારો ગંધ હતો, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો,’ એમ કહ્યું તો ખરું, પણ જેવી રીતે તે તે ઇન્દ્રિયોને તે તે સુખનો અનુભવ થયો તેવો વચને ન થયો. તેમ સમાધિએ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય છે ને આનંદ થાય છે તથા આત્માના સુખનો અનુભવ ને આનંદ થાય છે તેવો એની કેવળ વાત કરે, તેણે કરીને થતો નથી. અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનન ને નિદિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય ને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કરીને જેવો એ બેનો અનુભવ ને આનંદ થાય તેવો જ થાય. માટે એ બેની વાર્તા સાંભળીને એનું મનન ને નિદિધ્યાસ કરવો.”

125. ગઢડા અંત્ય ૩૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું જે, “विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। એ શ્લોકનો અર્થ કરો.” ત્યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો અમે એમ નિશ્ચય કર્યો જે, યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર-વિહારપણે રહેવું. ને આહાર ક્ષીણ થાય; ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય, તે વિના ઇન્દ્રિયો જીતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિષે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે, એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા ? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય, એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે; માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીણી ઝીણી બુંદે વર્ષે છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો. ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે, એ નિશ્ચિત વાર્તા છે.”

126. ગઢડા અંત્ય ૩૯ ( para.6)

અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચવિષય સંબંધી સુખમાં કદાચિત્ બંધાઈ ગયો હોય, તો પણ તેમાં બંધાઈ રહે નહિ, તેને તોડીને નીકળે જ રહે છે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું ? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાંખ્યો હોય, તો તેની તેને બહુ દાઝ્ય થાય ને તે દાઝય થતી હોય ને વળી તેનો દીકરો મારી નાંખે ને વળી ભાઈને મારી નાંખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને વળી ગામગરાસ ઝૂંટી લે; એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાઝ્ય થાય ને જાગ્રત, સ્વપ્નમાં સર્વકાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપત્કાળ પડે તો તેને વિષે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી, ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેળે દેહથી બાહેર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય, તેને ઇન્દ્રિયોને વિષયભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય. કહેતાં વિષયભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે. અને સત્સંગી પણ એને જ કહીએ; કેમ જે, સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો, તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગરગમાં પ્રવર્તી જાય અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે, ત્યારે તેને તો કાનથી બાહેર જ નીકળી જાય, પણ હૃદયમાં ઊતરે નહિ. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય, તે તેના પેટમાં રહે જ નહિ વમન થઈ જાય. ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય, તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહિ, ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ, તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહિ ને માણસ જેવો જે દૈવી જીવ, તેના હૃદયમાં ઊતરે ને રગરગમાં વ્યાપી જાય.

(કુલ: 357)