( para.7)
એનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહિ ને એક સેવાને જ ઈચ્છે છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાનાં ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે, ‘अथ विभूतिं मम मायाविनस्तामैश्वर्यमष्टाङ्गमनुप्रवृत्तम् ।
4. ગઢડા પ્રથમ ૪૩( para.9)
અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે, માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું અને ઈચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય, અને જો કાચ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચ્યપને ટાળવી.”
5. ગઢડા પ્રથમ ૫૮( para.5)
પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય; અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય; અને જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે ? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એજ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”
6. ગઢડા પ્રથમ ૭૦( para.6)
એક ગામમાં ચોર બહુ રહેતા હતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગને વિષે પગમાં કાંટો વાગ્યો તે પગ સોંસરો નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો તે ચોરીએ ન જવાણું અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજાનો ફાડીને ઘણુંક ધન લઈ આવ્યા અને સૌએ માંહોમાંહી વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો તેના મા, બાપ, સ્ત્રી અને સગાં સર્વે વઢવા લાગ્યા જે ‘તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા.’ એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું. ને તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દીધા, તેને ભેળે એને પણ ઝાલીને શૂળીએ દેવા સારુ લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ સાખ પૂરી જે, ‘આ તો ચોરી કરવા નો’તો ગયો, એને તો કાંટો વાગ્યો હતો.’ ત્યારે તે ઊગર્યો, એમ સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાં જે, અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે, ‘તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૃંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય; એ બે વર મને આપો.’ એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહિ, તોય પણ પદાર્થ નાશવંત છે. માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહિ. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, તો અડગ નિશ્ચય થાય.” ઈત્યાદિક ઘણીક વાર્તા કરી છે પણ આ તો દિશમાત્ર લખી છે.
7. ગઢડા પ્રથમ ૭૩( para.4)
પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “શિવજી ઊર્ધ્વરેતા હતા પણ મોહિની રૂપને જોઈને વીર્યપાત થયો, તેમ જેના દેહમાં વીર્ય હોય અને તેને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયા વિના રહે નહિ. માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શિવજીને પણ એટલી યોગકળામાં ખોટ કહેવાય છે. અને જેને જાગ્રત અથવા સ્વપ્નને યોગે કરીને સ્ત્રીના સંકલ્પ થકી વીર્યપાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહિ. માટે આ સંસારમાં દ્રઢ બ્રહ્મચર્યવાળા તો એક નરનારાયણ ઋષિ છે અને તે નરનારાયણનો આપણને આશ્રય છે તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નરનારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખા જ નિષ્કામી થઈશું અને દેહમાં જે વીર્ય રહે છે તેને બાળી નાખવાને અર્થે યોગી કેટલાક પ્રકારનું જતન કરે છે અને શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું, તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય પણ બીજાથી એમ રહેવાય નહિ. માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું જતન કરવું.”
8. ગઢડા પ્રથમ ૭૩( para.5)
પછી શુકમુનિએ પૂછ્યું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્યમતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે, ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહિ; એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિર્લેપ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્યમતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ્ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, “સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી.’ માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઊતરીશું ?” પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, ‘યમુનાજીને એમ કહેજ્યો જે, ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલીયો જે, ‘અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જઈશું ? પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્યા હતા ?’ પછી ગોપીઓએ કહ્યું જે, ‘અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજ્યો, એટલે યમુનાજીએ માગ દીધો પણ હવે કેમ કરીને ઘેર જઈએ ?’ પછી દુર્વાસા ઋષિ બોલ્યા જે, ‘યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો.’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો, ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું; માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહિ અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે પણ યોગકળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્યવાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્ત્રીનો અષ્ટપ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે.’ પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારુ કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ.’ પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહિ; માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.”
9. કારિયાણી ૨( para.3)
પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનું તો એમ છે જે, એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ્ય જેવું જાડું વસ્ત્ર; તેને ધોવું હોય ત્યારે તે કાંઈ સરખે દાખડે ધોવાય નહિ; કાં જે, આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાંખીએ એટલે તરત ઊજળું થાય, અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને બે ચાર દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધૂવે ત્યારે ઊજળું થાય; તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે તો એ દોષ ટળે નહિ. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિઃસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિઃસ્નેહી રહે છે, નિર્માની રહે છે તેમ જ એને ન રહેવું; બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવુ અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષે નિર્લોભી રહેવું અને બીજા નિઃસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષે નિઃસ્વાદી રહેવું અને બીજા નિઃસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિઃસ્નેહી રહેવું અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું અને બીજા સૂઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષે માળા ફેરવે અને બીજા ઊઠે તેથી ઘડી વહેલો ઊઠે; એમ સર્વથી વિશેષે પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહિ તો ટળે નહિ.”
10. કારિયાણી ૩( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ શુકમુનિ બહુ મોટા સાધુ છે. અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી; માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે, તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. કાં જે, કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, ‘આ તો બહુ મોટો સાધુ છે.’ અને કોઈક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે જે, ‘આ તો અસાધુ છે,’ પણ તે માંહિ તો મહા નિષ્કામી હોય. માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહિ, પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઊઠતે જણાય, બેઠતે જણાય ઈત્યાદિક ક્રિયાને વિષે જણાય છે. અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે. પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા, કાં જે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે. અને જેને ખટકો હોય જે,’મને આ ઘાટ થયો તે ઠીક નહિ’ ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે નહિ ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય, તે યુવા અવસ્થામાં વધી જાય અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહિ. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય.” તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા જે, “સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહિ ને જિહ્વાનો સ્વાદિયો હોય નહિ ને શરીરને દમ્યા કરે. જુઓને, મને બાળપણમાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઊપજ્યો જે, ‘મારે મારા શરીરમાં માતાનો ભાગ જે, રુધિર ને માંસ તે રહેવા દેવું નથી; માટે ઘણેક પ્રયત્ને કરીને શરીર એવું સૂકવી નાખ્યું જે, ‘શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નીસરે, પણ રુધિર તો નીસરે જ નહિ’. એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય”.
11. કારિયાણી ૧૦( para.3)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે. અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તે જો નિષ્કામભાવે કરીને, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાધ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે.”
12. લોયા ૬( para.3)
પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે, એક રાખ્યે કરીને સર્વે ધર્મ રહે ? અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા; એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે જે, આપત્કાળ હોય ને સર્વે જાય ને જો એક રહે તો સર્વે રહે ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે, નિશ્ચય રહે તો સર્વે આવે.”
13. લોયા ૬( para.6)
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે ના’વા જવું નહિ, ને પાસે પથારી કરવી નહિ, ને તેની વાત પણ ન સાંભળવી ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે, ‘શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે ? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહિ તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આ જ દેહે કરીને શું કલ્યાણ થાય છે ?’ એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને જે એમ કહેતો હોય જે, ‘આ ને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ. ને કામ, ક્રોધ, મદ, મત્સર, માન ઈત્યાદિક દોષનો શો ભાર છે ? ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું.’ એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય, તેનો સંગ સર્વ પ્રકારે કરવો.”
14. ગઢડા મધ્ય ૧૩( para.7)
અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે; અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે, ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિષે પડી રહે છે. તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રુક્મિણીજી બળી મૂવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિષે બળી ગયો, એમ પણ થાય; અને ક્યારેક તો હાડમાંસ સહિત દિવ્યભાવ પામીને કાંઈ રહે નહિ, અંતર્ધાન થઈ જાય. અને જ્યારે પ્રકટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રકટ થઈ આવે છે, એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે, તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિષે નહિ થાય; ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહિ. અને તમે એમ કહેશો જે, ‘અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણઇન્દ્રિયો કેમ લીન નથી થતા?” તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ એમ રહ્યું છે, એમ સમજવું. પણ તેને કાંઈ કરવું રહ્યું નથી, એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત્ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ અને નિઃસ્નેહ, એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહિ. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.
15. ગઢડા મધ્ય ૩૩( para.3)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહિ અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહિ. અને અમે અહિંયા ટક્યા છીએ તે પણ અહિંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગાઉ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે, તે અતિશય દ્રઢ નિષ્કામી છે, તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે, તો તે એવી ગમતી નથી. અને અમે જે જે વાર્તા કરીએ છીએ, તેને વિષે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસ થકી પ્રકટ થયા છીએ, તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ. અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહિ, ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશય લાગે છે, પણ મહોબત જાણીને ઝાઝું કહેવાય નહિ. અને વળી સાધુ દાવો છે. માટે હૈયામાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે ઝાઝો દંડ થાય. માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈયો તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે, ‘સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત્ જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો મા.’ શા માટે જે, જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે, ‘બધા સત્સંગને મૂકીને જતા રહીએ.’ માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે.”
16. ગઢડા મધ્ય ૩૩( para.4)
પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, “એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશય દ્રઢ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો ત્રણ પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો, બળધિયા, પૈડાં, ધૂંસરી, ઊંધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વ્રત દ્રઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે, તે તો અતિશય મુખ્ય છે. તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે, ‘હું આત્મા છું, દેહ નથી;’ ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ. જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો. તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય; તેમ આ મન છે, તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે, ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘આહાર વિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી.’ એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે એ ત્રણ ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે, ‘એવી રીતે રાખવું ઘણું કઠણ છે.’ કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે, ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે, તે પણ કાપા પાડે છે; તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે, તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે ? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દ્રઢ કરીને રાખવા.”
17. ગઢડા મધ્ય ૩૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સંસારી જીવ છે, તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્ર, નાટક-ચેટકમાં ક્યાંઈ પ્રતીતિ આવે જ નહિ. અને જે હરિભક્ત હોય ને જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે, તે સત્સંગી હોય તે પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા, તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહિ અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા. અને કોઈક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું જે, ‘તમે સદાવ્રતી છો, માટે તમને આ બુટી બતાવીને રૂપું કરતા શીખવું.’ પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું જે, ‘અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી.’ પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય, તેને એક તો આત્મનિષ્ઠા હોય, ને બીજો વૈરાગ્ય હોય, ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય, ને ચોથી શ્રીકૃષ્ણભગવાનને વિષે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણભગવાનને વિષે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે; પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણવાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંઝિયો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિષે તેનો પ્રવેશ જાણવો; પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેનો જેને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિષે હેત ઉપજે નહિ ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય.”
18. ગઢડા મધ્ય ૩૯( para.3)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે મોટેરો હોય તેને વિષે નિષ્કામરૂપ ધર્મ છે, તે અવશ્ય જોઈએ ને બીજી વાતમાં તો કાંઈક કાચ્યપ હોય તો ચાલે, પણ એની તો દ્રઢતા અતિશય જોઈએ. કેમ જે, એ મોટેરો છે, તેની સારપ્યે સર્વની સારપ્ય કહેવાય.”
19. ગઢડા અંત્ય ૫( para.9)
પછી શુકમુનિએ પૂછ્યું જે, “એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે, તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહિ, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બેય ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહિ. તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય જો થોડાં હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે, પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિષે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે; માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે.”
20. ગઢડા અંત્ય ૨૬( para.3)
પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”
21. ગઢડા અંત્ય ૨૭( para.4)
“અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી, તેની એમ વિગતિ છે જે, એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય ને એક એવી આંટી પાડી હોય જે, ‘આ ઠેકાણે હું આસન કરું તો નિદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે.’ એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય, એ બેયને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે ને તેને વિષે બહુ માલ છે, એવી રીતે માહાત્મ્યે સહિત તેની આંટી પાડવી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિષે તો તુચ્છપણું જાણવું ને તેને સંત મુકાવે તો મૂકી દેવી ને પ્રથમની આંટી મૂકવી નહિ. અને એ બેયને બરોબર સમજે તો એને વિષે મૂઢપણું જાણવું. જેમ બાળક હોય તેણે મૂઠીમાં બદામ ઝાલી હોય, તેને કોઈક મુકાવે તો મૂકે નહિ, ને રૂપિયાની મૂઠી વાળી હોય ને સોનામહોરની મૂઠી વાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહિ. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો ને સોનામહોર તેને વિષે બરોબર માલ જાણ્યો, માટે એ બાળકને વિષે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે જે, ‘તું મૂકી દે, નહિ તો તરવારે માથું કાપી નાંખીશ.’ ત્યારે ડાહ્યો હોય તો તેને આપી દે ને મૂર્ખ હોય તો ન આપે. તેમ એ પ્રકારની આંટીમાં ન્યૂન-અધિકપણું જાણવું. અને એમ હોય નહિ, ને બેયમાં સામાન્યપણું જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો ને તેને માની જાણવો. અને આંટીએ કરીને તે વર્તમાન પાળતો હોય ને જો મરણ પર્યન્ત એમ ને એમ નભે તો તો ઠીક; પણ તેનો પૂરો વિશ્વાસ ન આવે. કેમ જે, જો એને કોઈક જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહિ. અને જે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય ને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેયમાં ફળનો ભેદ પણ છે.”
22. ગઢડા અંત્ય ૨૭( para.6)
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ ? તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી માબાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઈત્યાદિક જે જે પદાર્થનો નિશ્ચય થયો છે, તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે, તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઈત્યાદિક સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય; માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ.”
23. ગઢડા અંત્ય ૨૮( para.5)
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને શૂળીએ ચઢાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે, ‘આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક.’ એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે, એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે.”
(કુલ: 45)