પ્રીતિ

પ્રીતિ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પ્રીતિ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૧ ( para.5)

પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી. કાં જે, અન્ય સ્થળને વિષે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરી ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે,

2. ગઢડા પ્રથમ ૧ ( para.7)

તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય.”

3. ગઢડા પ્રથમ ૨ ( para.2)

પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું જે, “હે મહારાજ! ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે ? તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધકર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનકરાજાની પેઠે લોપાય નહિ. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહિ અને તેનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે. અને દેશ, કાળ, સંગ, આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહિ, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા પંચવિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચવિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ.”

4. ગઢડા પ્રથમ ૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહિ. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.”

5. ગઢડા પ્રથમ ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગને વિષે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ્ય તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી; તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ તે સિદ્ધ કરવા. શા માટે ? તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો જે, આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે, ‘માયાના ગુણે કરીને પરાભવ ન પમાય’ એવું મોટું સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો; અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી. અને શ્રીહરિને વિષે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બેય હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચવિષયને વિષે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થાતી નથી, અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થાતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂર્લોક, ભુવર્લોક અને બ્રહ્માના ભુવન પર્યન્ત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થાતી નથી, કહેતાં બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થાતી નથી; અને આત્મનિષ્ઠા, પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેની સિદ્ધિ થાતી નથી, એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેમને એક-બીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી.

6. ગઢડા પ્રથમ ૨૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા, “જે હવે કીર્તન બોલવાં રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો.” પછી પરમહંસે કહ્યું જે, “હે મહારાજ ! બહુ સારુ, તમો વાત કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનાં રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તો એમાં મોટી ખોટ્ય છે; કેમ જે, એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમ જ ગીત-વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રીઆદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે; માટે એ ભક્તને અવિવેકી જાણવો. અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિષે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો; અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમ જ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમ જ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો. તેમ જ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો. તેમ જ ભગવાનને ચડ્યાં એવા જે તુલસી, પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવા અત્તર-ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર, ચંદનાદિક ચરચ્યાં હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચવિષય ભગવાન સંબંધી હોય તેને વિષે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચવિષય તેને વિષે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે તેમ જ અન્ય સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેને યોગે કરીને જો આનંદ પામે છે, તો એ ખોટો રસિક ભક્ત છે; કેમ જે, ‘જેમ ભગવાનને વિષે આનંદને પામ્યો તેમ જ વિષયને વિષે પણ આનંદ પામ્યો.’ માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાં જે, ભગવાન તો કાંઈ ખોટા નથી પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા, તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચવિષયનો વિવેક કહ્યો તેમ જ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિષે સૂક્ષ્મ પંચવિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય તેવો ને તેવો જ જો અન્ય પંચવિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય, તો તે ભક્તનું રસિકપણું ખોટું છે, અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિષે ઊલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે, અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે, અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતા કરતા શૂન્યભાવને પામી જાય છે ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ-બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી, પછી એવા શૂન્યને વિષે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે, માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખ્યો મીંચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે, અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે તે તમારી આગળ કહ્યું.” એમ શ્રીજીમહારાજે પોતાનું મિષ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી.

7. ગઢડા પ્રથમ ૩૩ ( para.2)

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય ? તે એવો એક ઉપાય કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહિ. તે આશરામાં ત્રણ ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહિ. અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરીએ પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે, તેની રીતને સમજતો હોય. અને જગતની ઉત્પત્તિ કાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે, તથા પુરુષ પ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટ પુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ સનકાદિક રૂપે વર્તે છે, એ સર્વે રીતને સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય; એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહિ, ને પોતાનો પણ ટાળ્યો ટળે નહિ અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહિ.”

8. ગઢડા પ્રથમ ૩૩ ( para.3)

એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કહો તો તમને એક પ્રશ્ન પૂછું ?” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “પૂછો મહારાજ !” પછી એમ પૂછ્યું જે, “અમે કહ્યા જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે ? અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય, તો મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે ?” પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “અમારે તો સમજણનું અંગ છે.” અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કહ્યા.

9. ગઢડા પ્રથમ ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખીને પ્રશ્ન-ઉત્તર કરો.” પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માયિક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે, તેનું શું કારણ છે ?” પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ. અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે, એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહજે જ હેત થાય છે. તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે, માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે અને જો માયિક પદાર્થને વિષે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે, તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોટી જાય તે સારુ પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહિ.”

10. ગઢડા પ્રથમ ૩૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત્ પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? તો ‘જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય’ તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય,તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે, ‘આણે પાપ કર્યા હશે, માટે એને અન્ન-વસ્ત્ર મળતું નથી;’ તેમ જે ત્યાગી થઈને સારાં સારાં જે વસ્ત્રાદિ પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિષે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને ‘આ પદાર્થ સારુ ને આ પદાર્થ ભૂંડું’ એવી તો સમજણ જ હોય નહિ અને એક ભગવાનને વિષે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે.”

11. ગઢડા પ્રથમ ૪૨ ( para.2)

અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, ‘વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે, અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે; અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે.’ એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે ? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય, તેણે તો પોતાના શિષ્યને દંડ-કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે, ‘ભગવદ્‌ગીતા ને વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસાં થયા હોય તેનું થોડા ચોમાસાંવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી.’ એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું, તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા ? માટે એ તો એમ જણાય છે જે, એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે, જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ; તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે ? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઊંચું જુવે તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઉઠતી હોય. માટે ઊંચું પણ જળ જ જણાય, ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, ‘એકલું જળ જ છે બીજું કાંઈ નથી.’ એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મસ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, ‘એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા; એ આદિક સર્વે તે મિથ્યા છે.’ અને તેના વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ‘भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते !’ એ આદિક ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિક જે ઘણાક દેવતા તેના સ્તોત્ર કર્યા છે. જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે, ‘જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી.’ તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલાં પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂછડી ને માથે નાની શિંગડિયો એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામિયો. તેનું કારણ એ છે જે, શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરુષોત્તમ ગુણાતીત દિવ્યમૂર્તિ હતા, તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા, માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્યસ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે. અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામિયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્યમૂર્તિ જ છે અને વેદાંતી કહે છે જે, ‘સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે’ ત્યારે જેમ ગોપીઓેએ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ સર્વે સ્ત્રીઓે પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓેને વિષે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓેના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિનિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે એ વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

12. ગઢડા પ્રથમ ૪૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને વિષે સ્નેહ હોય તેનું શું રૂપ૨ છે ?” પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમને તો સ્નેહની દિશ જ જડી નહિ અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિઃસ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો; એ સ્નેહનું રૂપ નહિ, એ તો વૈરાગ્યનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ જે, ‘ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે,’ એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળ્યનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે, તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે, એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિષે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાનાં હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે.

13. ગઢડા પ્રથમ ૪૪ ( para.3)

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિષે થાય તેનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિષે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે.” ત્યારે સોમલો ખાચર બોલ્યા જે, “એવો પ્રસંગ તો અતિશે કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો. તે માટે ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ થતી નથી.”

14. ગઢડા પ્રથમ ૪૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહિ તો નહિ સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ, સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેને ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિકરૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરવી તેને વિષે પ્રીતિએ યુક્ત વર્તે, અને તે ભક્તને ભગવાનનાં મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગબગીચા કરવા તેને વિષે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેધ ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનનાં મંદિરમાં તથા સંતની જાયગામાં લીંપવું તથા વાળવું તેને વિષે રુચિ વર્તે, અને ભગવાનની શ્રવણ-કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ-કીર્તનાદિકને વિષે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધસ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે, એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્યનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થમાત્ર તેને વિષે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ-કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિષે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિષે વિરોધ કરનારા જે સ્વાદું ભોજન અને સદ્વસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થમાત્ર તેને પામવાને વિષે અતિશય અરુચિ વર્તે. અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિષે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિષે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહિ અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર-અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનનાં જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિષે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર, તેને વિષે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિષે પ્રેમને દેખે તે ભક્તને વિષે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિષે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિષે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહિ, પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહિ અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય; માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો.” પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનું એક સરખું અંગ હોય તે ઊઠી ઊભા થાઓ.” પછી જેનું જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજીમહારાજે એ સર્વેને પાછા બેસાર્યા.

15. ગઢડા પ્રથમ ૫૯ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિષે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી, ‘જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જણાવ્યા વિના જણાણું નહિ.’ અને ‘જેમ પ્રલંબાસુર બલદેવજીને લઈને ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું.’ તેવી રીતે એ ભક્તને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી.”

16. ગઢડા પ્રથમ ૫૯ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે.”

17. ગઢડા પ્રથમ ૬૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે, “વાસના ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ‘ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ?’ એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચાર કરે જે, ‘ભગવાનને ભજતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઈન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટિ ગણાં વધુ સુખ છે.’ એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એને એમ જણાય છે જે, ‘મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું; પણ હું તો સદા વાસનાએ રહિત છું’, એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.”

18. ગઢડા પ્રથમ ૬૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારુ છે.’ અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહિ. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ન આવે ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે, તેને વિષે દેવની૨ બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે, તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે.”

19. ગઢડા પ્રથમ ૬૭ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઉત્તર તો ખરો; પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે, જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંઈ પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે ‘આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશમાત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે.’ એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્ય ઊપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો જે, જે પુરુષ એમ સમજે જે, ‘આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી, અને ખાતાં પીતાં પણ આવડતું નથી, અને ઓઢતાં-પહેરતાં પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે; તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે.’ એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે, એવો જે કુમતિ પુરુષ હોય, તેને વિષે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહિ.”

20. ગઢડા પ્રથમ ૭૧ ( para.4)

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય; એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ્‌ભાગવત પુરાણ અને ભારત; એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે. માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય, તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે; માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો.” પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, “નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ તે ધામને દેખવાની જેને લાલચ રહે, ત્યારે એને નિશ્ચય છે કે નથી ?” પછી મુનિ બોલ્યા જે, “ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે, ‘જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું,’ એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મસ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું; જે નિશ્ચયની ના પાડો છો ?” પછી મુનિ બોલ્યા જે, ‘જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઈચ્છે નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, ને માયાપર છે, માટે એમાં શું દૂષણ છે, જે એને ઈચ્છે નહિ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રકટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય, અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો ?” પછી મુનિ બોલ્યા જે, “એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ?” પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંત કોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય, તેની જ સેવાને અંગીકાર કરે છે. અને તે પોતાના ભક્તના ગાર્ય, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે; તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન, તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”

21. ગઢડા પ્રથમ ૭૨ ( para.6)

પછી વળી કાકાભાઈએ પૂછ્યું જે, “ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઈત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઈત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે; અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે, ‘મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે’ એવા લક્ષણ હોય તેને મધ્યમ ભક્ત જાણવો અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો.”

22. ગઢડા પ્રથમ ૭૩ ( para.8)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેણે મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમે જો પોતે ન હોય તો તેની અતિશય પોતાના હૈયામાં દાઝ થાય; અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનનાં દર્શન કરે તેને વિષે અધિક અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હઠે નહિ. અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય ત્યારે જેણે મન અર્પ્યું હોય તેના મનમાં એમ થાય જે, ‘જો મને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મૂકે ત્યાં રાજી થકો જઉં.’ એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય તે તો હજાર ગાઉ ગયો હોય તોય અમારે પાસે છે અને જેણે એવી રીતે મન ન અર્પ્યું હોય અને તે અતિશય અમારે સમીપે રહેતો હોય તોય લાખો ગાઉ છેટે છે. અને જેણે અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે જે, ‘શું જાણીએ ? સવળું સમજશે કે અવળું સમજશે ? એવી રીતે મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય તેના લક્ષણ છે.”

23. ગઢડા પ્રથમ ૭૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહિ. અને ઝાઝી સંપત્ કે આપત્ આવે એની વાત શી કહેવી? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.” પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ-શોક જેવું થઈ આવે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આપણે તો શ્રીકૃષ્ણનારાયણના દાસ છીએ તે શ્રીકૃષ્ણનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું. અને એ શ્રીકૃષ્ણભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે અને એ ભગવાન આપણને હાથીએ બેસારે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસારે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું. અને એ ભગવાનના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ અને એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું, પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા એની ઈચ્છાએ કરીને સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષ-શોક મનમાં ધારવો નહિ, એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં, એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહિ.”

24. સારંગપુર ૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, ‘जितं जगत् केन मनो हि येन’ એ શ્લોકમાં એમ કહ્યું છે જે, જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વે જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહિ, ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહિ અને હૈયામાં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચવિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું.”

25. સારંગપુર ૧ ( para.3)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”

26. સારંગપુર ૨ ( para.3)

પછી શ્રીજીમહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી જે, “વચને કરીને તો કોઈ જીવ પ્રાણીમાત્રને દુઃખવવા નહિ. અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય, તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું; અને આપણા કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોંઠા પડે એમ કરવું નહિ. મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું. અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે, ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિષે ના પાડવી નહિ, એ તો હા જ પાડવી. અને એમ કહેવું જે, ‘હે મહારાજ! જેમ તમે કહેશો તેમ હું કરીશ.’ અને તે વચન પોતાને મનાય નહિ એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું જે, ‘હે મહારાજ ! તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને તેમાં આશંકા થાય છે.’ એ પ્રકારનું દીન થઈને વચન કહેવું, અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું જે, ‘આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે, તે તો મને માન્યામાં આવતું નથી.’ પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે, પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમે ના પાડવી નહિ. એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું, પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહિ. એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિષે દ્રઢ સ્નેહ થાય છે. હવે દેહને ગુણે કેમ વર્તવું ? તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું, પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહિ તથા દેહે કરીને ભગવાનની તથા ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી. એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરી વર્તે ત્યારે તેને દેખીને તેની ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે. અને એ ભક્તને પણ ભગવાનને વિષે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે, પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું, ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી, ઊંચી નીચી દૃષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય પછી એવી ફાટેલ દૃષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી. અને એ દર્શન કરે છે તે કેવા કરે છે ? તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. અને એવી લૌકિક દૃષ્ટિવાળો તો જેમ ખિલખોડી બોલે છે તે ભેળે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો. શા સારુ જે, પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે, અને એવા લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહિ અને તે દિવસે દિવસે ઊતરતો જાય, તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દૃષ્ટિ કરવી નહિ. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિષે જેવું અંતરમાં અલૌકિકપણું હોય, તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. ને એક દૃષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દૃષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરમાં કુશળકુંવરબાઈ હતા, તે અમારા દર્શન કરતા જતાં હતા અને દૃષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતાં; તેમ દર્શન તો મને યુક્ત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બિલાડાના કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય. તે માટે પરમેશ્વરના દર્શન તો એકદૃષ્ટિએ કરવા, પણ ચપળ દૃષ્ટિએ ન કરવા. અને પરમેશ્વરના દર્શન દૃષ્ટિને નિયમમાં રાખીને કરે છે, તેને એ દર્શન નવીનનાં નવીન રહે છે, અને પરમેશ્વરે જે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીનનાં નવીન રહે છે. અને લૌકિક બાહ્યદૃષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જૂનાં થઈ જાય છે. તે રોજ દર્શન કર્યા કરે, પણ એવાને તો જેમ ન થયા હોય તેવા ને તેવા રહે છે, તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહિ. બહુધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધાર્યાં આવીને હૈયામાં સ્ફુરે છે. તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા અને એમ જે દર્શન કરે છે, તેનું મન ભજન-સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે પણ તેની બહુધારા નથી રહેતી, એક રહે છે. અને જે ચપળ દૃષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું અને જેના દૃષ્ટિ ને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે જે, ‘આ તો લૌકિક દર્શન કરે છે.’ પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દૃષ્ટિ પ્રોવાણી હોય તે સમે વચમાં કોઈક પશુ પક્ષી આવે, જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહિ. એવી રીતે એકાગ્ર દૃષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવા.”

27. સારંગપુર ૫ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા તથા હરિ ને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે, તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ; એ ત્રણ દુબળાં હોય તો પણ મહા બળવાન થાય છે; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયામાં નથી, તો શમ દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે; તોય પણ નહિ જેવા જ છે. કેમ જે, અંતે નાશ પામી જશે માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે. તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”

28. સારંગપુર ૫ ( para.4)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનાં દર્શનનો જે મહિમા તથા ભગવાનનાં નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનનાં દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દૃષ્ટિ દ્વારે આવીને તે સહિત દૃષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે, વીસારે તોય પણ વીસરે નહિ. એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વીસરે નહિ. જેમ ગોપાંગનાઓનાં ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, ‘હે ભગવન્ ! જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે.’ એવી રીતે સર્વે જ્ઞાન ઇન્દ્રિયે કરીને મને સહવર્તમાન જે દર્શન, સ્પર્શ, શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વીસરી જતાં નથી, જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચજ્ઞાન ઇન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય, તે વીસારે તો પણ વીસરે નહિ. એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે; કાં જે, જે સમે એણે દર્શન કર્યા તે સમે એનું મન તો ક્યાંઈએ ફરતું હતું. માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વીસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા વર્ષમાં અથવા પાંચ વર્ષમાં જરૂર વીસરી જશે, પણ અંતે રહેશે નહિ. માટે જે માહાત્મ્ય જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન ઇન્દ્રિયે કરીને દર્શન સ્પર્શાદિક કરે છે, તેને જ તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે.”

29. સારંગપુર ૭ ( para.2)

અને શ્રીજીમહારાજે શ્રીમદ્‌ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, ‘જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.’ એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂંઠ્ઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બૂંઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે ક્યાંઈ પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહિ. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય, તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધિને માંહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નીસરે નહિ; અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે, પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહિ, તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે, ઇન્દ્રિયો તે બૂંઠ્ઠીયો થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહિ અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિયો પાછી હઠે, એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું.”

30. સારંગપુર ૧૧ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટપ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિષે દ્રઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય, તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે “निरंजनः परमं साम्यमुपैति” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”

31. સારંગપુર ૧૧ ( para.4)

પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “આ દેહે કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ખબડદાર થઈને મંડે તો આ ને આ દેહે જ સર્વે કસર મટી જાય અથવા દેહ પર્યન્ત કસર ન મટી હોય અને અંત સમે જે નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે, માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી.”

32. સારંગપુર ૧૨ ( para.4)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પોતાના આત્માનો વિચાર કેમ કરવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બાહેર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વીસરી જાય છે, અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વના રૂપને જાણવાં. પછી વિચારની દૃષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. અને જે બાહેર સ્થૂળ દેહને વિષે પંચ જ્ઞાનઇન્દ્રિયો છે, તે જ્યારે પોત પોતાના વિષય સામી જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો. એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો, અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિષે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે; પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે અને એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહિ અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહિ, માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહિ ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બાહેર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો જે, જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહિ અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અને દ્રષ્ટા ને દૃશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે, ‘દ્રષ્ટા ને દૃશ્ય તે અતિશય જુદા છે.’ એમ સમજીને દેહના ભાવ તે દેહને વિષે હોમવાં અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિષે હોમવાં. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે, તે આત્માને વિષે માનવા જ નહિ; અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે, તે કોઈ કાળે દેહને વિષે સમજવા જ નહિ. એ ગુણ તો આત્માને વિષે સમજવા. એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ-સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહિ. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહિ અને જ્યારે શત્રુમાત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે, તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિયોરૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દ્રઢપણે રાખવો અને જ્યારે મન ઇન્દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું.”

33. સારંગપુર ૧૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, ‘બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે; અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે ? એ પ્રશ્ન છે. “ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે, એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોપીઓ કાંઈ ભોળિયો નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી તો ડાહિયો હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું; અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી, તે ગોપીઓની સમજણ જોઈને ગદ્ગદ્કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, “ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો.” અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે, ‘ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી’, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે, ‘અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી;’ અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે, ‘જાણીએ હમણાં વિમુખ થઈ જશે.’ એવી જાતના જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે; અને ડહાપણે કરીને યુક્તિ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહિ અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા; એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એનાં હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિષે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણનાં જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે, ‘મારે ભગવાનમાં લેશમાત્ર પ્રીતિ નથી,’ માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે. તે તો એમ જાણે છે જે, ‘મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે.’ એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે. તો પણ એની પ્રીતિના મૂળ ઊંડાં છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે.”

34. સારંગપુર ૧૮ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો વૈરાગ્ય, વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેઘ વરસે, પણ તેમાં તૃણાદિક ઊગતાં ન હોય અને તે જ ખારભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય; અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય. પછી તે કાંપ ભેળા વડ, પીંપળા આદિક વૃક્ષનાં બીજ આવ્યા હોય તે બીજ ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઊઠે એમ ન હોય, ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિષે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગતવાર્તારૂપીઓ આવીને કાંપ ભરાય. પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યાં છે તે સર્વે ઊગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે, પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહિ. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે ને કાં તો રુવે ને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે; એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહિ ને સ્વભાવ પણ ટળે નહિ; અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બેય ટળી જાય. માટે સમજુ હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય; અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થતો હોય, પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય, તો પણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે; અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે.”

35. સારંગપુર ૧૮ ( para.4)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જો જે સંતને વિષે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય, એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે; અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો કારણ એ છે જે, મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે, તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટાપુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે, મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટાપુરુષ તો નિર્દોષ છે, અને મને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે;’ એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે, તો તે પુરુષની મલિનતા મટી જાય છે.”

36. કારિયાણી ૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ છીએ.” પછી મુનિ બોલ્યા જે, “પૂછો મહારાજ !” પછી શ્રીજીમહારાજે પૂછ્યું જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે, તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી ? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજીમહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે, ભગવાનને વિષે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે, અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે, અને પોતાની સામર્થીને છપાડીને તે ભક્ત સંગાથે પુત્રભાવે વર્તે છે અથવા સખાભાવે વર્તે છે અથવા મિત્રભાવે વર્તે છે અથવા સગાંસંબંધીને ભાવે વર્તે છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમીભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે, ને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો.” પછી મુનિએ કહ્યું જે, “હે મહારાજ ! યથાર્થ ઉત્તર થયો.”

37. કારિયાણી ૬ ( para.6)

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “મત્સર ઊપજ્યાનો શો હેતુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક સ્ત્રી, ધન અને સારુ સારુ ભોજન; એ ત્રણ મત્સરના હેતુ છે. અને જેને એ ત્રણ વાનાં ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે, પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે જે, ‘વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે જે, આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યાં અને મહારાજને પણ ધન્ય છે જે, તરત બ્રાહ્મણને દઈ દીધા,’ એવો જે વિચાર, તે મત્સરવાળાના હૃદયમાં ન આવે. અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષ્યા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે, પણ પંચવિષયમાંથી એકેને વિષે લેશમાત્ર ભાવ થતો નથી. અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું, પીવું, ઓઢવું, પહેરવું છે તે સર્વે સંત ને સત્સંગીને અર્થે છે, અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક જે હરિજન છે, તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે, ‘મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે.’ એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે તૃણખલા જેવી છે. ને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે, તેને પણ રમણીય જે પંચવિષય તેને વિષે તો આનંદ ઊપજે જ નહિ; અને દેહને રાખ્યા સારુ તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુજરાન કરે, પણ રમણીય વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય. અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય.”

38. કારિયાણી ૭ ( para.2)

પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! ત્યાગી હોય તે તો નિવૃત્તિમાર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિમાર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે. માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગૃહસ્થને તો એમ સમજવું જે, ‘જેમ પૂર્વે ચોરાશી લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવા ને તેવા જ આ દેહના પણ છે; ને કેટલાક જન્મની મા, બોન, દીકરીયો તે કેટલીક રઝળતી હશે, તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી.’ એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે, તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે.”

39. કારિયાણી ૧૦ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે. અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સારાં સારાં પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે, તે જો નિષ્કામભાવે કરીને, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાધ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને, તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે.”

40. કારિયાણી ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને વિષે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિષે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ હતી, તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો જે, ‘આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું.’ પછી ચાલવા સમે શ્રીકૃષ્ણ ભગવાનનાં નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહિ, ત્યારે સર્વે ડરીને છેટે રહિયો અને અંતરમાં એમ બીનિયો જે, ‘જો આપણે ભગવાનના ગમતામાં નહિ રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઊતરી જશે.’ એમ વિચારીને કાંઈ કહી શકિયો નહિ. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ ત્રણ ગાઉ ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહિ, અને ગોપીઓએ એમ જાણ્યું જે, ‘ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે.’ માટે હેતનું એ જ રૂપ છે જે, ‘જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. અને જો પોતાના પ્રિયતમને પાસે રહ્યે રાજી જાણે તો પાસે રહે અને જો પોતાના પ્રિયતમને છેટે રહ્યે રાજી જાણે તો છેટે રહે; પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહિ એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિષે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહિ અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનનાં વચનનો ભંગ કર્યો નહિ. માટે જેને ભગવાનને વિષે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહિ. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે.”

41. કારિયાણી ૧૧ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,”લ્યો, એક અમે પ્રશ્ન પૂછીએ.” પછી મુનિએ કહ્યું જે, “હે મહારાજ ! પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચવિષય તેને તુચ્છ કરી નાખે છે અને પંચ પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે, એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે જે, ‘તમે અમ થકી છેટે રહો,’ ત્યારે તે જો ભગવાનનાં દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય અને જો આજ્ઞા ન પાળે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભક્તે જેમ માયિક શબ્દાદિક પંચવિષયનો ત્યાગ કર્યો છે તેમ જ ભગવાન સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ પંચવિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે ? એ પ્રશ્ન છે.” પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજને કહ્યું જે, “હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચવિષય તેને તુચ્છ કરી નાંખ્યા છે, અને શબ્દાદિક પંચવિષયે કરીને ભગવાન સંગાથે દ્રઢપણે જોડાણો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે, ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, તેમ જ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી અને એ ભક્તના હૃદામાંથી આંખ્યનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી. માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે; કેમ જે, જે શબ્દાદિક પંચવિષય વિના જીવમાત્રને રહેવાતું નથી તે શબ્દાદિક પંચવિષયને એણે તુચ્છ કર્યા છે ને પંચે પ્રકારે કરીને ભગવાનને વિષે જોડાણો છે, તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે.”

42. કારિયાણી ૧૨ ( para.4)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે, તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય; ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહિ, તેમ ગમે તેવો કામાદિકને વિષે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે, તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહિ અને તપ્તકૃચ્છ્ર, ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાંખે તો પણ જેવું આવી ભગવદ્વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહિ થતું હોય, માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમનારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી.”

43. લોયા ૨ ( para.2)

પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું”. ત્યારે મુનિ બોલ્યા જે, “હે મહારાજ ! પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય ?” પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી બીજા પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે, તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે, ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો; એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ ચાર પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિષે અતિશય વિશ્વાસને પામ્યો છે; માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહિ અને એમ જાણે જે, ‘મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું.’ અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે એમ માને જે, ‘હું તો બ્રહ્મસ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું;’ માટે એને પણ મૃત્યુનો ભય હોય નહિ. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહિ, માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહિ. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહિ. અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહિ ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહિ. અને એ ચાર અંગ માંહિલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે; અને ચાર માંહિલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહિ.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, “એ ચાર માંહિલાં જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો.” પછી પરમહંસ સમગ્રને જે જે અંગ વર્તતા હતા તે કહ્યા અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા; તે સાંભળીને શ્રીજીમહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો.” પછી જેને જેને શૂરવીરનાં અંગ વર્તતા હતા, તે સર્વે શ્રીજીમહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા.

44. લોયા ૧૦ ( para.4)

ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ; એટલાંને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે; તે જો રૂડા દેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય, તો ભગવાનને વિષે પણ તીવ્રવેગે કરીને સ્નેહ થાય છે અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય, તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે.”

45. લોયા ૧૭ ( para.6)

અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ માહાત્મ્ય સમજે જે, ‘એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે.’ જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા! પણ જો આવી રીતે ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાને ઈચ્છ્યા અને વૃક્ષ-વેલીનો અવતાર માંગ્યો; કેમ જે, એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિષે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી. તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે ? અને તેને નમાય કેમ નહિ ? તેની આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય અને પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે અને એમ સમજે જે, ‘મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહુ છું, નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી-છોકરાના તિરસ્કાર સહેવા પડત તથા માબાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધવશ થઈને ડોડી ની ભાજી ખાવી પડત તથા મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું નિઃસ્વાદી વર્તમાન પાળું છું.’ તે મારા મોટા ભાગ્ય છે અને પ્રારબ્ધવશ થઈને જેવા-તેવા વસ્ત્ર તથા ચીંથરાં પહેરવા પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું, તે એ મારા મોટા ભાગ્ય છે.’ અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટ્યપ જાણ્યામાં આવી નથી, નહિ તો અવગુણ લેત નહિ. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરસી નાંખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરસી ન નાંખી દે ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઈંગ્રેજ ઉપર ધોખો થાય છે ? ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે ? લેશમાત્ર પણ થતું નથી. શા માટે જે, એ ઈંગ્રેજની મોટાઈ જાણી છે જે, ‘એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું,’ એવું જાણીને ધોખો થાય નહિ; તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહિ અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહિ. માટે જેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ.”

46. પંચાળા ૩ ( para.3)

પછી શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે, “કીર્તન ગાઓ.” પછી, ‘સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા રે’ એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે કીર્તન રાખો, અને કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો જે, ‘હેત મોટી વાત છે અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે’ પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે, ‘હેત છે તે જ ભગવાનની માયા છે.’ કેમ જે, સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય, તેમાં બીજી રીતનું હેત છે; અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુવે, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે; અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિષે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું; તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય, ઈત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસૃતિ ને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપે છે. પછી એમ વિચાર થયો જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ; એ જે પંચવિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તે તો ઠીક છે, તે માયા નથી.’ પછી વળી તેમાં પણ વિચાર થયો જે, એ પણ ઠીક નહિ; કાં જે, ભગવાનનાં રૂપ કરતા અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિષે જણાય તો ભગવાનને મૂકીને તેને વિષે હેત થઈ જાય. જેમ સોળ હજાર ને એકસો જે શ્રીકૃષ્ણભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માન્તરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે ‘હે મહારાજ ! અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો; માટે એવી કૃપા કરો જે, એ અમારા પતિ થાય.’ પછી બ્રહ્માએ કહ્યું જે, ‘તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે.’ ત્યારે તેમણે ઘણું તપ કર્યું. પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદમુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો જે, ‘તમારા પતિ નારાયણ થશે.’ એવી રીતે જન્માન્તરે ઘણુંક તપ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પામી હતી, પણ જો ભગવાન કરતા સાંબને વિષે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહિ; અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું ? તો જે ચોવિશ તત્ત્વ છે તે થકી પોતાના જીવને પૃથક્ જાણવો, ને તે જીવને વિષે ખૂંતીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિયો તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવસત્તાપણે રહ્યાં થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું ? જે દશ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણ ને દેવતા તે સત્ત્વ ગુણની સંપત્તિ છે અને પંચભૂત ને પંચવિષય તે તમોગુણની સંપત્તિ છે; તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક્ માનીને કેવળ જીવસત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવા નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. તે કહ્યું છે જે, ‘नैर्गुण्यस्था रमन्ते स्म गुणानुकथने हरेः’ તથા “परिनिष्ठतोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।”

47. પંચાળા ૩ ( para.4)

અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું ? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ; એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ; એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, ‘એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ. હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું; અને એ ક્ષેત્ર તો અતિમલિન છે, જડ છે, નાશવંત છે.’ અને દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે, “तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ।। उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।।” એમ સમજીને ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાંખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેતુ ન માનવા; વૈરી માનવા અને એનો ગુણ ન લેવો, ‘જે એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે.’ કેમ જે; નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે; ઈત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે, એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવાં; કાં જે, શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતાં થકા સ્ત્રીઆદિકના દર્શન-સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય, તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ; અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે, તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટાં મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઈંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને પંચ વર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી; પણ એને વિષે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું- કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે, તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે; એમ અમારો સિદ્ધાંત છે. અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ‘ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી;’ એમ ઇન્દ્રિયો-અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવાં એ પણ સમજણ ઠીક છે.”

48. ગઢડા મધ્ય ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે; તે કહીએ છીએ જે, એક તો રસિકમાર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે. અને મોટા આચાર્ય થયા તેમણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારુ તો કોઈકનું થયું છે. કાં જે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ; તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અગોઅંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી, લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય; માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો. માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, ‘જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવરૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમરૂપે થાય છે અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે.’ એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો. માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય, એ મોટું વિઘ્ન છે. કાં જે, સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું, માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ બે માર્ગ છે, તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે. માટે જે ક્લ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો.” પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો.

49. ગઢડા મધ્ય ૯ ( para.7)

એ શ્લોકનો એ અર્થ છે જે, ‘ભગવત્સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.’ જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને વિષે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઇ તે ભગવત્સ્વરૂપના બળને પ્રતાપે થઇ. માટે જેને સર્વથી ભગવત્સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ્ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે, ‘શ્રુતિ-સ્મૃતિના ધર્મને કાંઇક તજાય તો તેની ચિંતા નહિ, પણ ભગવાનનો આશ્રય તજવો નહિ.’ અને કોઈક એમ જાણે જે, ‘આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઇ જાય.’ પણ આ વાર્તા કાંઇ ધર્મને ખોટા કર્યા સારુ નથી; આ તો એટલા સારુ છે જે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ અને દેવતા એટલાં વાનાં શુભ ને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઇક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહિ અને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય, તો જે દિવસ ધર્મમાંથી ચળી જવાય તે દિવસ તે એમ જાણે જે, ‘હું નરકમાં પડી ચૂક્યો.’ માટે જેને ભગવત્સ્વરૂપનુ બળ તે જ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે, તો સાંભળીને એમ કહે જે, ‘આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહિ. આ વાર્તા તો ‘न भूतो न भविष्यति’ એવી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે, તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે, એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પૂણ્યનો પાર આવે એમ નથી. એવું જાણી સત્સંગી હોય તેને પોતાને વિષે કૃતાર્થપણું માન્યું જોઇએ. અને જેને ભગવાનને વિષે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય, તો પણ તેને તો કાંઇ કરવું રહ્યું નથી, પણ જેને પરમેશ્વરને વિષે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજ્યો જોઇએ. માટે જે ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી-વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો, એ જ મત અતિ સારમાં સાર છે.”

50. ગઢડા મધ્ય ૧૦ ( para.4)

પછી શ્રીજીમહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એ ત્રણને વિષે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે ?” પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ જે, જીવમાત્રનો એવો સ્વભાવ છે જે, ‘સારુ પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહજે જ પ્રીતિ ટળી જાય છે.’ માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિષે જે સુખ છે, તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે અને અચળ સુખ તો ભગવાનના ધામને વિષે જ છે. માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલુ માયાથકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય, તેને જ્યારે તે પૈસા માટે સોનામહોર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દૃષ્ટિ પહોંચે; ત્યારે જેટલું માયિક સુખ છે, તે સર્વ થકી વૈરાગ્ય પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે; એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે.

51. ગઢડા મધ્ય ૧૦ ( para.7)

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ; એને વિષે પરમેશ્વરને વિષે પ્રીતિ થવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું ? તે સમજાણું નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભક્તિને વિષે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાનાં લક્ષણ આવા હોય છે જે, જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે, ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય, તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકીવસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોળ્યો તથા કાળીયનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અક્રૂરજીને યમુનાના જળને વિષે દર્શન દીધું તથા મલ્લ, હસ્તિ, કંસાદિ દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું. તેમ જ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વ દેવતાનું કષ્ટ નિવારણ કર્યું, ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનનાં દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતાં રોતાં ઘેલા જેવા થઇ ગયા તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઇ વસ્યા ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે, “जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ।।” એ શ્લોકનો એમ અર્થ છે જે, ‘હે અર્જુન ! મારા જન્મ ને કર્મ તે દિવ્ય છે, તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.’ માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય; અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી, એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ, એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. અને એક બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે, ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઇ બાકી નથી.”

52. ગઢડા મધ્ય ૧૧ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેટલા ગ્રંથ છે, તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે, તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામપર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ; તેને જ અર્થે યજ્ઞ-વ્રતાદિક શુભ કર્મ કરે છે,પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક, તેને વિષે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાશીમાં જાય છે. માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે, તે સર્વે સાત્ત્વિકી, રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે; પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહિ. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહિ. અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે, તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે, ત્યાં શ્લોક છે જે,

53. ગઢડા મધ્ય ૧૩ ( para.6)

માટે શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા, તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે, તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિષે કૈવલ્યસ્વરૂપે ભાસે છે અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્યદેહ ધારણ કરે છે, તો પણ કૈવલ્યરૂપે જ છે અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે અને તે ભગવાનનાં વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું, તેને અમારી પેઠે જ પંચવિષયમાં ક્યાંઈ પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે.

54. ગઢડા મધ્ય ૧૬ ( para.11)

પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનનું માહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહિ અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય; તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું માહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું માહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે.”

55. ગઢડા મધ્ય ૨૪ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે. તેમાં યોગનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડવૃત્તિ રાખે. અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહિલી કોરે જે સુખ છે, તે સર્વેનું પરિમાણ કરી રાખે જે, ‘આ સુખ તે આટલું જ છે.’ અને એ સુખની કેડ્યે જે દુઃખ રહ્યું છે, તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય. અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય, પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય, તે ક્યાંક બીજે પણ ચોટી જાય. કેમ જે, યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય; માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું. અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા, એ બે જો એકને વિષે હોય તો પછી કાંઈ વાધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહિ અને એમ સમજે જે, ‘ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત; તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે, તે સર્વે નાશવંત છે.’ એમ જાણીને એક ભગવાનને વિષે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી.”

56. ગઢડા મધ્ય ૨૫ ( para.4)

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય અને પછી તેને એક ગામનું રાજ્ય આવે અથવા પાંચ ગામનું રાજ્ય આવે અથવા પચાસ ગામનું રાજ્ય આવે અથવા સો ગામનું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે, તો પણ સંતની આગળ જેવો કંગાળ હતો ને દીન-આધીન રહેતો, તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન-આધીન રહે; તેમ જ ઈન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન-આધીન રહે. અને ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની ટેલ-ચાકરી કરતો હોય, તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહિ ને બરોબરિયાપણું કરે નહિ. એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે.”

57. ગઢડા મધ્ય ૩૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવા જે, “પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ. પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે, એમ જે માન્યું હોય તે કહેજ્યો.” એમ સર્વેને કહીને પછી શ્રીજીમહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી જે, “અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર અથવા પદાર્થમાત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ, ત્યારે સુખ થાય. અને જો ભગવાનનો ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહિ. અને અમારે વગર ઈચ્છે પણ પંચવિષય છે, તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે, તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાંખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યન્ત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. ને જે અમારે વિષે દોષબુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થશે ને તેને દેહ મૂક્યા સમે બહુ કષ્ટ થશે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન રહે છે. અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારુ થાય તે સારુ હળીમળીને રહીએ છીએ. અને જે દિવસ અમારા હૈયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંઈ હેત જણાશે તો અમે એમ માનીશું જે, ‘અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા.’ પણ અમને એવો નિશ્ચય છે જે, અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહિ. એ અમે અમારું અંગ હતું તે કહ્યું. હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો.” પછી સર્વે સંતે તથા સર્વે હરિભક્તે જેવા જેના અંગ હતા તેવા કહ્યા જે, આ લોકને વિષે ને પરલોકને વિષે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે; એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વિક્તિ જે, કોણેક તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્યનું કહ્યું અને કોણેક આત્મનિષ્ઠાનું કહ્યું; ને કોણેક ભગવાનને વિષે પ્રીતિનું કહ્યું ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું, એવી રીતે બહુ પ્રકારે કહ્યું, પણ શ્રીજીમહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું તે કોઈએ ન કહ્યું.”

58. ગઢડા મધ્ય ૩૫ ( para.2)

પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે, “આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહિ. ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે. ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે, તે કહું છું જે, હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત્ દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મને આત્માનું ક્ષણમાત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે; એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે અને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ પર્યન્ત કરે તો પણ આત્માનું દર્શન થાય નહિ. એ તો ક્યારે થાય ? તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી; અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે, એવી તો આશા કોઈને રાખવી નહિ. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવા-સાંભળવા ને ભગવાનનું નામસ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વા’ણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું, તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ, તેમાં તો એટલું જ પ્રયોજન છે જે, ‘જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઈ વિધ્ન ન થાય.’ એટલું જ પ્રયોજન છે, પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય, એમ તો માનવું નહિ.

59. ગઢડા મધ્ય ૩૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ગીતામાં કહ્યું છે જે, ‘જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ, તેનું જોર ચાલે નહિ;’ માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે, તે શે ઉપાયે કરીને ટળે ?” પછી સર્વ જે મુનિ મંડળ, તેણે વિચારી જોયું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, એ સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિષે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને તે ઉપદેશનો કરનારો હોય, તે ગમે તેટલા દુઃખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે, તે પણ નાશ થઈ જાય; પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારુ ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુઃખાવું નહિ ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે.”

60. ગઢડા મધ્ય ૪૩ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યુ જે, “જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો હોય.” ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યુ જે, “સત્તારૂપે રહ્યો એવો જે ભક્ત, તેને ભગવાનને વિષે પ્રીતિ છે, તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે ?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એ પ્રીતિ તો આત્માને સજાતિ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી, એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મસ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે.”

61. ગઢડા મધ્ય ૪૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે સર્વ મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી, એ તમે સર્વે મારા કહેવાઓ છો. તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહિ અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી; ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્નમુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાંખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો.” એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા.

62. ગઢડા મધ્ય ૫૦ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે, જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે, અને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે; તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ, તેને વિષે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. અને તે તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ, તેને વિષે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી; એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ, ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈકે જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી; એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ, તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી, અને કર્મ પણ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી, અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ, કર્મ, માયાનો શો ભાર છે ? એમ જાણીને એવી હિંમત બાંધી છે જે, ‘હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી.’ અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે જે, જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે. અને જેના હૃદયમાં જગતનાં સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહિ. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે. એ અમારા અંતરનું રહસ્ય છે, તે કહ્યું.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી.

63. ગઢડા મધ્ય ૫૬ ( para.2)

અને સાધુ દૂકડ-સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું જે, ‘ભગવાનને વિષે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે.’ પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્યા અને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો, ત્યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહિ; શા માટે જે, કાંઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે, તો પણ કાંઈક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય જે, ‘અંતે પાયો કાચો દેખાય છે.’ તે સારી પેઠે જો કોઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે, તેનું કાંઈ ઠેકાણું રહે નહિ. માટે એ સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાસે છે જે, ‘ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહિ.’ અને ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે, ‘જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય.’ અને સર્વે સદ્‌ગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે, ભગવાન છે, એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે. અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે, તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારુ જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકવીએ ત્યારે સૂધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે; તેમ જેને પંચવિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહિ. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારુ પંચવિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ, પણ ભગવાનને વિષે જે પ્રીતિ, તેમાં વિધ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહિ.”

64. ગઢડા મધ્ય ૫૭ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે, તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી. ને તે સત્તારૂપ આત્મા કેવો છે ? તો જેને વિષે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઇન્દ્રિયો અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે, તે અજ્ઞાને કરીને જણાય છે, પણ જેણે જ્ઞાન-વૈરાગ્યે કરીને એનો સર્વે પ્રકારે નિષેધ કરી નાખ્યો છે, તેને તો એ આત્માને વિષે કોઈ જાતનું આવરણ નથી. અને એ આત્મારૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી; એ તો પોતાને આત્મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્મા છું, તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય?’ એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી. અને એ આત્માના પ્રકાશને વિષે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે; તેમ આત્માનો જે પ્રકાશ, તેમાં રહ્યો જે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે.

65. ગઢડા મધ્ય ૫૭ ( para.3)

અને વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય, તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય, અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે; અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો, તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહિ જે, ‘સારુ પદાર્થ હોયને તે જ ભગવાનના ભજનમાં આડ્ય કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે.’ એ તો જીવનો એવો સ્વભાવ છે જે, જેમ કોઈકને ગળ્યું ભાવે; કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે, તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતા અધિક વહાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટ્યપ સામું જોઈએ, ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહિ જે, ‘તેની કોટિમા ભાગના પાશંગમાં૧ પણ આવે.’ એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ-બ્રહ્માંડાદિક તેમાં ક્યાંઈ પણ પ્રીતિ રહે નહિ, માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાયો, ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો ને તે એમ સમજ્યા જે, ‘એ ભગવાનના સુખ આગળ એ સો લાખ સ્ત્રીઓનું સુખ તે શી ગણતીમાં ? અને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ શી ગણતીમાં ? અને તેથી ઈન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતીમાં ?’

66. ગઢડા મધ્ય ૫૭ ( para.4)

અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે, તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે; તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય, ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય, તે તો કેવળ મિનડીયો ભક્ત છે; અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહિ. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીવે નહિ, તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું, તે વૃથા છે; તેમ મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું ?’ એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કાંઈક થોડી-ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજે તુલસીદાસજીનાં ત્રણ પદ ગવરાવ્યાં. તે ત્રણ પદનાં નામ : એક તો ‘જ્યાકિ લગન રામ સોં નાહિં’ તથા બીજું ‘એહી કહ્યો સુનુ વેદ ચહું’ તથા ત્રીજું ‘જ્યાકું પ્રિય ન રામ વૈદેહી’ એ ત્રણ પદ ગવરાવીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતા કરતા જો કાંઈક અધુરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરકચોરાશીમાં જવું નથી કે કોઈ ભૂત-પ્રેત થવું નથી; સૂધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઈન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઉતરતો નહિ આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું.” એમ કહીને શ્રીજીમહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા.

67. ગઢડા મધ્ય ૬૨ ( para.6)

અને ત્રીજું જેને દાસભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે, તેનું જ દર્શન ગમે અને તેની જ વાર્તા સાંભળવી ગમે ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે અને તેની જ પાસે રહેવું ગમે. એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારુ ને રાજીપા સારુ રાત-દિવસ એમ ઈચ્છયા કરે જે, ‘મને મારા ઈષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું.’ પછી પોતાના ઈષ્ટદેવ છે, તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતઃકરણમાં ખેદ પામે નહિ અને આજ્ઞાને વિષે જ પરમ આનંદ માને. એ દાસત્વભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અને એ ત્રણે અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે અને એથી જે બહાર રહ્યા, તે તો કેવળ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડ્યે દેહ મૂકે તે તો ઠીક છે અને એ ત્રણમાંથી એકેય અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી અને તે તો પાંચ દહાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને ને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે, એ જ ઠીક છે.

68. ગઢડા મધ્ય ૬૨ ( para.7)

અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે, ‘જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે.’ એવી રીતે એ જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને ને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. અને જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય, તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ જે, જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ ને કાં તો ભગવાનને વિષે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું, તો જ સત્સંગી રહેવાય; નહિ તો સત્સંગ થકી બહાર પડી જવાય.

69. ગઢડા મધ્ય ૬૩ ( para.2)

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! દ્દૃષ્ટા ને દૃશ્ય મધ્યમાં જે વિચાર રહે છે, તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો-અંતઃકરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે. અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે, તે જીવનું જ છે; તે ઇન્દ્રિયો- અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા, તે આત્માપણે રહેવું; પણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકા એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.

70. ગઢડા મધ્ય ૬૫ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ.” ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે, તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે. અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઈને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, ‘ આ તો પરમેશ્વર કહેવાય છે, તો પણ એને આપણા કરતા પણ વધુ સંસારને વિષે આસક્તિ છે.’ એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી; એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન, તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું ? એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠાવાળા જે સંત, તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિષે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે, તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ્ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણભગવાનને વિષે દ્રઢ ભક્તિને કરતા હવા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિષે ભક્તિ ન હોય તો એ એને મોટું દૂષણ છે. અને જેને ભગવાનને વિષે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય, તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિષે પણ પ્રીતિ થઈ જાય. માટે એ ભક્તિમાર્ગવાળાને પણ મોટું દૂષણ છે. અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે; માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે, તે સારુ કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ; એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય.”

71. ગઢડા મધ્ય ૬૬ ( para.7)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહિ; માટે ઉત્તર સંભવે નહિ.” પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ! એ તો કાંઈ સમજાતું નથી; માટે તમે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એમ સમજવું જે, જ્યારે પોતાની ખોટ્ય કાઢવી હોય ત્યારે તેને મોટાઓનાં વચનની સાખ્ય લઈને કાઢવી. જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય, ત્યારે સારાં સારાં માણસની સાઈદી કરવી; તેમ અહીં પણ એ સાઈદી છે જે, શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા, તો પણ અતિ પ્રીતિએ કરીનેશ્રીમદ્‌ભાગવતભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. અને શૌનકાદિક અઠ્યાશી હજાર ઋષિ તે બ્રહ્મસ્વરૂપ છે, તો પણ સૂતપુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે. એવી જાતના વચનની સાખ્ય ભક્તિની દ્રઢતાને અર્થે લેવી. અને જે ખોટ્ય પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી જે, ‘હે મહારાજ! મારામાં જે જે ખોટ્ય હોય તે કૃપા કરીને નાશ કરજ્યો.’ જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈ સાઈદી ન હોય, ત્યારે તે લોઢાનો ગોળો રાતોચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે; તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી, એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે. એમ કરીને પોતાની ખોટ્યને ટાળવી; એ તમારા પ્રશ્નનો ઉત્તર છે.”

72. વરતાલ ૧૧ ( para.5)

પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “બ્રહ્મસ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહિ. અને જ્યારે એને મોટાપુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટાપુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય ને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો.” પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ; અને તેના વચન પણ સત્ય મનાય, એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”

73. વરતાલ ૧૭ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એકસરખો વ્યવહાર છે; પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જિતેન્દ્રિય ક્હ્યા છે, તે કેવી રીતે જાણવા ? એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જિતેન્દ્રિય થાય એમ જણાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જિતેન્દ્રિયપણું કેમ છે ?” પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “એનો ઉત્તર તો એમ છે જે, શબ્દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે. અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચવિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. અને એમ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિષે વૈરબુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયું તેને, તેને વિષે કોઈ રીતે પ્રીતિ થાય જ નહિ. એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય, તે જિતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ-કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહિ, એવો હોય તે જિતેન્દ્રિય કહેવાય.”

74. વરતાલ ૧૯ ( para.2)

પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ; એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ઘટે નહિ. શા માટે જે, ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઈચ્છવું નહિ. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જ એનો મોટો અવિવેક છે. તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકના જે ભોગસુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યા જોઈએ અને મન-કર્મ-વચને કરીને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જ દ્રઢ પ્રીતિ કરી જોઈએ. અને એમ સમજ્યું જોઈએ જે, ‘જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત્ ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય, તો તે પણ ઈન્દ્રપદવીને પામે, કાં બ્રહ્મલોકને પામે પણ પ્રાકૃત જીવની પેઠે નરકચોરાશીમાં તો જાય જ નહિ. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે ?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી.”

75. અમદાવાદ ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “એક પ્રશ્ન પૂછું છું જે, એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ તે થકી પર વર્તે છે, ને મલિન રજ, તમ, ને મલિન સત્ત્વ; તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્ત્વમય વર્તે છે, ને એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિષે તો અતિશય પ્રીતિએ યુક્ત વર્તે છે. એ બે ભક્તમાં ક્યો ભક્ત શ્રેષ્ઠ છે ?” પછી સંતમંડળે તો એમ કહ્યું જે, “ભગવાનને વિષે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે.”

76. અમદાવાદ ૨ ( para.4)

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિષે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો; તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે ?” પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે, તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે, નિત્ય પ્રલય જે સુષુપ્તિ, ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ, ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય, તેમાં તો પ્રકૃતિ પર્યન્ત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે. અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે, અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે. પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેને પોતપોતાની ઉપાધિ વળગે છે. અને આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો, તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી. અને જો એ કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે, પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો. માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે.”

77. અમદાવાદ ૩ ( para.2)

પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય, અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે, અને બીજા સર્વે મૂળ ઊખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે, એ જ એને જન્મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મમરણના હેતુ નથી ? એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય, તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી, ઘોડા, વૃક્ષ સર્વે તણાઈ જાય, પણ કોઈ ઠરી શકે નહિ, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય, પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિષે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિશરી જાય છે, તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જે આ સંસારને વિષે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય. ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય, ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને માર્યે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહિ, અને એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય, પણ પંચવિષયમાં એકે સુખ આવે નહિ. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમદશાને પામ્યો છે તેને પંચવિષય કેમ બાધ કરે ? ન જ કરે. માટે જે ઉપશમદશાને પામ્યો તેને પંચવિષય જન્મ મરણના હેતુ થતા નથી.”

78. ગઢડા અંત્ય ૧ ( para.2)

પછી શ્રીજીમહારાજે પરમહંસને પૂછ્યું જે, “પરમેશ્વરના ભક્તને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન થાય નહિ, એવી શી સમજણ છે ?” પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ; તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિઓ ચૂંથાઈ જાય, પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે, અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય; એ બેય અતિશય દ્રઢ જોઈએ. શા સારુ જે, વૈરાગ્યે કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકારમાત્ર ખોટા થઈ જાય છે અને આત્મનિષ્ઠાએ કરીને માયિક જે સુખ ને દુઃખ; તે ખોટા થઈ જાય છે. અને જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય, તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય, તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખશાંતિ રહે અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે, ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂંથવા માંડે.”

79. ગઢડા અંત્ય ૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી. તેનું શું કારણ હશે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી. અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે. અને જ્યારે જેને જે અંગ બંધાય છે, ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થતો હોય, ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈક ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય, તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાઝ થાય ? તેવી દાઝ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાઝ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થાઉં છું.’ માટે અમને તો એમ ભાસે છે જે, પૂર્વ જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી, તેને અતિશય મંદબુદ્ધિવાળો જાણવો. શા માટે જે, જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક, વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ, તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારુ ખાવા પડે છે ? જે, સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારુ સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે, ‘જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દ્રઢપણે પ્રતીતિ થતી નથી.’ તે શ્રુતિમાં કહ્યું છે જે,’જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે.’ અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી, તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય જે, ‘એ વાર્તા અતિ ઝીણી છે.’ ને બીજાને તો સમજ્યામાં પણ આવે નહિ, એવી અતિશય ઝીણી વાર્તા છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ “જય સચ્ચિદાનંદ” કહીને પોતાના ઉતારામાં પધાર્યા.

80. ગઢડા અંત્ય ૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ, એનો તો ઉત્તર એમ છે જે, જ્ઞાન ને વૈરાગ્યે કરીને ત્રણ શરીર, ત્રણ અવસ્થા ને ત્રણ ગુણ એ સર્વ માયિક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે અને કેવળ સત્તામાત્ર રહે છે, પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી. ત્યારે જેમ દીપકનો અગ્નિ તે કોડિયું, તેલ ને વાટ્ય એ ત્રણને યોગે કરીને દૃષ્ટિમાં આવે તથા ગ્રહણ કર્યામાં આવે, પણ જ્યારે એ ત્રણ પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે એ અગ્નિ કોઈની દૃષ્ટિમાં પણ ન આવે અને ગ્રહણ પણ ન થાય; ને ઉપાધિએ યુક્ત હોય ત્યારે જ દૃષ્ટિએ આવે ને ગ્રહણ કર્યામાં આવે, તેમ જ્ઞાન વૈરાગ્યે કરીને સર્વ માયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે ત્યારે એ જીવાત્મા છે તે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે ને તે મન-વાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય યથાર્થપણે સમજાયું હોય, તેને તો સર્વ માયિક ઉપાધિનો સંગ ટળી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જે દયા ને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્યાં દૃષ્ટાંત છે:- જેમ દીપકની જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે એ અગ્નિ કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ ન થાય, એવો આકાશને વિષે રહે છે તો પણ એ અગ્નિને વિષે સુગંધી તથા દુર્ગંધીનો જે પાશ લાગ્યો હોય તે ટળતો નથી. જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે તો પણ તેને સુગંધી તથા દુર્ગંધીનો પાશ લાગે છે. તેમ જ જીવાત્માને જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિનો સંગ ટળી જાય છે તો પણ સત્સંગનો પાશ લાગ્યો છે તે ટળતો નથી. અને તે બ્રહ્મરૂપ થાય છે તો પણ નારદ, સનકાદિક ને શુકજીની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે અતિશય દયા ને પ્રીતિએ યુક્ત વર્તે છે, ત્યાં શ્લોક છે જે : “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्” તથા “हरेर्गुणाक्षिप्तमतिर्भगवान् बादरायणिः । अध्यगान्महदाख्यानं नित्यं विष्णुजनप्रियः” તથા ‘आत्मारामाश्च मुनयो’ તથા ‘प्रायेण मुनयो राजन्’ તથા ગીતામાં કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्” ઈત્યાદિક ઘણાક શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા અને પ્રીતિ તેણે યુક્ત હોય છે.’ અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય, તેને તો સાધનદશાને વિષે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે; માટે ભગવાન અને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ થતા નથી. જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમ જ તેને તે કુસંગનો પાશ લાગ્યો છે, તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ એને કુસંગનો પાશ લાગ્યો હતો; માટે શ્રીકૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિષે દયા ને સ્નેહ થયા નહિ. તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાશ જતો નથી ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત, તેને વિષે અતિશય દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે. પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.

81. ગઢડા અંત્ય ૪ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય, તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહિ, ત્યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે જે, ‘રખે મારે મા, બાપ, સ્ત્રી, છોકરા, દ્રવ્ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ ?” એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાંખ્યા હોય તો પણ તે મરેલ શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે. તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાંખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધનકલત્રાદિક પદાર્થની કોઈક સમે સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે જે ‘રખે મને બંધન કરે !’ એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનુવૃત્તિ કહીએ. તે બાધિતાનુવૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બારણે નીસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનુવૃત્તિ રહે ખરી. માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનુવૃત્તિને યોગે કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરલ્યા જેવું બોલાય અને ‘ઓય બાપ, ઓય મા’ એવા વચન પણ બોલાય. ત્યારે જે આ બાધિતાનુવૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય જે, ‘આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે ?’ અને જે અવગુણ લેવાય છે, તે બાધિતાનુવૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમે બોલતા ચાલતા ખબડદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાઈ ને રજપૂત હોય ને તેને શરીરમાં ઘા વાગે એટલે ખબડદાર થકા ને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબડદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તે નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ-સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનુવૃત્તિને યોગે કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનનાં ચરણારવિંદને જ પામે છે.”

82. ગઢડા અંત્ય ૫ ( para.9)

પછી શુકમુનિએ પૂછ્યું જે, “એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે, તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહિ, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બેય ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહિ. તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય જો થોડાં હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે, પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિષે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે; માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે.”

83. ગઢડા અંત્ય ૮ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તેને એવો ક્યો ઉપાય છે જે, જેણે કરીને સદા સુખી રહેવાય ?” પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્ય હોય, અને બીજો અતિશય દ્રઢ સ્વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યા હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આલોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે. અને વૈરાગ્ય ને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાનાં ઇન્દ્રિયોને વશ ન કર્યા હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુઃખિયો રહે છે. શા માટે જે, જેણે પોતાની ઇન્દ્રિયો ન જીતી હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહિ અને ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે સર્વ પોતાનાં ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખિયો રહે છે. અને જેણે સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાન ને ધર્મવાળો જાણવો, પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાન ને ધર્મવાળો ન જાણવો. અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વ ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખિયો હોય.”

84. ગઢડા અંત્ય ૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ હરિભક્તને કહ્યું જે, “જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ, તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે, પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે, તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોરચકારને રાજા પાસે જવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે, ‘કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાંખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહિ.’ એવી રીતે હિંમત સહિત ઢાલ, તરવાર બાંધીને ઊભા રહે છે. તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે અને એ જાણપણાને માંહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન ભેળુ પોતાના હૃદયને વિષે ધન, સ્ત્રી આદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી. અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે, પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે. અને હાનિ, વૃદ્ધિ, સુખ, દુઃખ, માન, અપમાન આદિક અનંત જાતના વિઘ્ન આવે, તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈ આશંકા કરે જે, ‘ત્યાંથી ડગતા નથી ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાદિક તેને કેમ કરતા હશે ? તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે, જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે, ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સૂરત રાખે જે, ‘રખે કૂવામાં પડી જાઉં !’ અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દૃષ્ટાંત-જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય, ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય ત્યાં પણ સૂરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સૂરત રાખે અને દોડતાં થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે ત્યાં પણ સૂરત રાખે. એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી.” એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા જે, “તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વહાલા થવા દેવા નહિ. એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોરચકાર જઈ પૂગે, ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિષે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન, સ્ત્રી આદિક બીજા પદાર્થ પણ પેસી જાય, ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો, તેને વિષે સાવધાન થઈને રહેવુ અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યા.

85. ગઢડા અંત્ય ૧૧ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દ્રઢ પ્રીતિ રહે, તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એ જ એનો ઉત્તર છે.”

86. ગઢડા અંત્ય ૧૧ ( para.5)

પછી વળી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો. ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા જે, “હું મારા દુઃખ સારુ નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારુ રોઉં છું. શા માટે જે, રઘુનાથજી અતિ કૃપાળુ છે. તે લોકાપવાદ સારુ મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે, ‘સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે.’ એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે, માટે રામચંદ્રજીને કહેજ્યો જે, સીતાને તો કાંઈ દુઃખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો મા.” એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહિ. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહિ અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય; એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરાં છે પણ સીતાજીના જેવી સમજણ નથી. એ બે પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંઘાથે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી ?” પછી ચૈતન્યાનંદસ્વામીએ કહ્યું જે, “ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ્ય અને ધર્મવાળો હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહિ.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યથાર્થ ઉત્તર થયો.”

87. ગઢડા અંત્ય ૧૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, “જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ જે, ‘હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું.’ એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહિ. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય, તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે, તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહિ, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહિ. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય, ને અનંત બાળહત્યા કરી હોય, ને અનંત સ્ત્રીહત્યા કરી હોય, ને અનંત ગૌહત્યા કરી હોય, ને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કહ્યા છે. પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાંખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે, ‘જીવનો નાશ કેમ થતો હશે ?’ તો ત્યાં દૃષ્ટાંત-જેમ હીજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદલ કહેવાય. તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે, ‘કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહિ.’ માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહિ. અને વળી પોતાના દેહના જે સગાંસંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહિ. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાનાં દેહના જે સગાં સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગાં સંબંધી હોય તે સાથે હેત રાખવું નહિ. એમ સંસારમાંથી નિસ્પૃહ થઈને ભગવાનનાં ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહિ અને આ જે વાત તે કરામત જેવી છે.” એમ કહીને શ્રીજીમહારાજે વાર્તાની સમાપ્તિ કરી.

88. ગઢડા અંત્ય ૧૩ ( para.3)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ અમારે ભગવાનને વિષે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ જે, અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત્ વિપત્ આવે તેમાં એમ રહે છે જે, એક તો ભગવાનની અતિશય મોટ્યપ જાણીએ છીએ, તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી, તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે, ‘આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોટાડ્યું છે.’ અને ભગવાન સંઘાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે, તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે, એવી રીતનો દ્રઢાવ છે. તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે જે, ‘શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહિ. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. ને એમ જાણીએ છીએ જે, ‘એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારુ.’ એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે, ‘મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહિ.’ એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાનનાં જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ. એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંઘાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ, તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટિ ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંઘાથે અમારે બને નહિ. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વહાલું રાખ્યું નથી; માટે શા સારુ ભગવાનમાં પ્રીતિ નહિ રહે ? અને ભગવાનનાં કથા કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે, ‘જાણીએ, દીવાના થઈ જવાશે.’ અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર રાખીએ છીએ.

89. ગઢડા અંત્ય ૧૩ ( para.4)

અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે. તે ગમે તો દેહને હાથીએ બેસારો ને ગમે તો બંદીખાનામાં નંખાવો અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે, ‘હે મહારાજ ! આ મારું દુઃખ છે તેને ટાળો.’ શા માટે જે, આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે; તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશમાત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે. તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુઃખ આવે, તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહિ ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ, તેણે યુક્ત એવો જે એ ભક્ત તેના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે. અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બાહેરથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાતું હોય, પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતો જ નથી.” એવી રીતે શ્રીજીમહારાજ પોતાને ઉપદેશે કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા.

90. ગઢડા અંત્ય ૧૪ ( para.2)

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તનભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ,” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, મારે તો બ્રહ્મચર્યવ્રત છે તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે; તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે, એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બૂઢિયો વાનરો ઈત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે. અને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી; એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન-પૂજન નહિ કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ; એ તો સહેજે જ તે સ્ત્રીઆદિકનાં સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે તો પણ એ જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી. ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે, તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી; એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, ‘હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા. શા માટે જે, મનુષ્ય દેહમાં તો તાંબું ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી ! મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજ્યો, જે લાજમર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ !’ એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી.”

91. ગઢડા અંત્ય ૧૪ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, “હે મહારાજ ! જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય જે, ‘ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે.’ તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ જીવને પૂર્વજન્મને વિષે અથવા આ જન્મને વિષે કોઈક અતિશય ભૂંડા જે દેશ, કાળ, સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે; તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર-અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થતી નથી. અને જેવી રીતે ભૂંડા દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ; તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગે કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપકર્મ તેનો નાશ થઈ જાય છે; ત્યારે એને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે.”

92. ગઢડા અંત્ય ૧૪ ( para.8)

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય, તેને કેવા પુરુષનો સંગ રાખવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે વયે કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય જેને દૃઢ હોય અને ભગવાનને વિષે પણ દૃઢ પ્રીતિ હોય, તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ બેય જણાને કરવો.”

93. ગઢડા અંત્ય ૧૪ ( para.10)

પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજીમહારાજે કહ્યું એવો જે સાર-અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય, તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો પ્રથમ જ ભગવાનમાં દૃઢ હેત થઈ જાય તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગે કરીને પ્રકટ થાય છે. અને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ. તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કોઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે. તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાંખે છે, એવી રીતે પશુ-પક્ષીમાં સર્વત્ર દેખાય છે. તેમ જેને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દૃઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્ય ને વિવેક થઈ આવે છે.”

94. ગઢડા અંત્ય ૧૪ ( para.13)

પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જે ભક્તજનના મનને વિષે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્મ્ય હોય તે બીજાને કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના મનને વિષે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્મ્ય હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટ- ભાવે પ્રીતિએ કરીને સેવા કરે ને દેહે કરીને સર્વ સંતને પગે લાગે; અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે ને ખાધા-પીધાની ખબર રાખે; અને પોતાની પાસે પોતાને મનગમતી વહાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. એવી રીતે મન-કર્મ-વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું માહાત્મ્ય અખંડ છે એમ જાણવું.”

95. ગઢડા અંત્ય ૧૬ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મુનિમંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજ્યો. તે પ્રશ્ન એ છે જે, ‘ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતા કાંઈ વાર લાગે નહિ, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય ? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય પણ ગુણવાન સંઘાથે સહેજે જ પ્રીતિ થાય ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહિ; માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય, એવો શો ઉપાય છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય, ને કુરૂપ હોય, અથવા રોગી કે વૃદ્ધ હોય, તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહિ. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુવે અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરૂણા આવ્યા હોય તો તેને અન્ન જળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે, તે તો પતિના સંબંધી જાણીને આપે; પણ પોતાના પતિના જેવી બીજા પુરુષમાત્ર સંગાથે લેશમાત્ર પ્રીતિ ન હોય. અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે; અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિષે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિષે હેત થાય જ નહિ. જેમ હનુમાનજી શ્રીરઘુનાથજીના ભક્ત છે. તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિષે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી.

96. ગઢડા અંત્ય ૧૯ ( para.2)

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે, તે આ સત્સંગને વિષે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ. અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે, જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ જે, ‘હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી.’ અને દેહના સંબંધી છે તે તો ચોરાશી લાખ જાતની હારે ગણ્યા જોઈએ, અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું માહાત્મ્ય સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનું હરિભક્તપણાનું માહાત્મ્ય સમજે, પછી ભગવાન અને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાય જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે, તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા-ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિષે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય, તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવાચાકરીરૂપ સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય, તો પણ તેમાં તે પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે જે, પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમ જ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે. એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યા-માયારૂપ થયું. એવી રીતે જે જે ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંતમંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જે, જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે, તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે, તો તેણે પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજ્યો.”

97. ગઢડા અંત્ય ૨૨ ( para.2)

પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “જેવું પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે, એવું તો ઝીણાભાઈનું અંગ છે તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવા અંગ હતા. માટે અમે અંતરસન્મુખ દૃષ્ટિ કરીને વિચારતા હતા. અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે. અને જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે.”

98. ગઢડા અંત્ય ૨૨ ( para.3)

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નરસિંહ મહેતા તો સખીભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નરસિંહ મહેતા, ગોપીઓ ને નારદ-સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી, એ તો એક પ્રકાર જ છે. અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે; અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, એ તો સત્તામાત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન, સ્ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય, તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહિ. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુવાસના બાંધે છે, તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ. શા માટે જે, સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાનાં મા, બેન કે દીકરી હોય તેવા છે. અને આ સંસારને વિષે અતિશય જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે; માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું.

99. ગઢડા અંત્ય ૨૪ ( para.7)

અને વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, “મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે ? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે,’એમાં મોટા ગુણ નહિ આવે.’ અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કહી છે તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા પર્યન્ત સર્વે ભક્તિનાં અંગ એને પ્રાપ્ત થશે.” એવી રીતે વાર્તા કરી.

100. ગઢડા અંત્ય ૩૨ ( para.2)

પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું જે, “विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। એ શ્લોકનો અર્થ કરો.” ત્યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો અમે એમ નિશ્ચય કર્યો જે, યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર-વિહારપણે રહેવું. ને આહાર ક્ષીણ થાય; ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય, તે વિના ઇન્દ્રિયો જીતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિષે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે, એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા ? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય, એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે; માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીણી ઝીણી બુંદે વર્ષે છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો. ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે, એ નિશ્ચિત વાર્તા છે.”

101. ગઢડા અંત્ય ૩૨ ( para.3)

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો જે સાચો ભક્ત હોય તેને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીત છે ? તો ‘જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેને વિષે સદા સાકારમૂર્તિ થકા વિરાજમાન છે, ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અલૌકિક દિવ્ય સુખમયમૂર્તિ છે ને માયાના ગુણથકી રહિત છે.’ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે, ‘એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઈત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે.’ એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મમર્યાદા તેને વિષે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મમર્યાદાનો ક્યારેય લોપ ન કરે. અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે ? તો ‘એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે. તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે’. એવી રીતે માહાત્મ્યનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.”

102. ગઢડા અંત્ય ૩૪ ( para.2)

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન વિના બીજા માયિક પદાર્થમાત્રને વિષે વાસના ન રહે ને એક ભગવાનને વિષે જ વાસના રહે, તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિષે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય, એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય, એવાને પણ એક ભગવાનની જ વાસના રહે, ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુઃખિયો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું ? તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાન પણે વર્તે. તે નિયમ કયા ? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ ? તો જેમ આત્મનિવેદી સાધુ-બ્રહ્મચારીના નિયમ છે, તેમ જ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે, તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે. એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દૃઢપણે સાવધાન થકો પાળે, તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે, તથા ભગવાનની કથા સાંભળે ઈત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે, ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિષે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે.”

103. ગઢડા અંત્ય ૩૯ ( para.2)

પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી જે, “ભગવાનની માયા તે કઈ છે ? તો ‘દેહને વિષે અહંબુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિષે મમત્વબુદ્ધિ’ એ જ માયા છે, તે એ માયાને ટાળવી. અને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય. અને ‘એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી’ એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહ્લાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે, ‘અહં મમત્વરૂપ માયા થકી રક્ષા કરજ્યો અને તમારે વિષે પ્રીતિ થજ્યો, અને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજ્યો અને એ સાધુને વિષે હેત ને મમત્વ થજ્યો.’ માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ, મનન, નિદિધ્યાસ કરવો.

104. ગઢડા અંત્ય ૩૯ ( para.5)

“અને વળી એ ભગવાનના ચરણકમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક, સનકાદિક, નવ યોગેશ્વર એવા એવા મોટા છે, તે પણ પોતાના મસ્તક ઉપર ચઢાવે છે ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ? ને તેમાં કેવું ડહાપણ કર્યું છે ? જે જુઓને, ‘માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે. અને માણસનાં અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાહ્યો હોય તો પણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય.’ ઈત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે. એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમયમૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે.

(કુલ: 242)