( para.9)
પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, “તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત્કથાવાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઈત્યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારુ સ્નાનાદિક જે પોતાની દેહક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે. અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય. અને મોટો માણસ હોય તો પણ ભગવાનનાં દર્શન સારુ બાળકની પેઠ્યે આકળાઈ કરવા માંડે. એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે. અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય, તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે, ‘આની ઇન્દ્રિયોના વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે.’ અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહિ પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે, વાયુ વાય છે. તેમ ઇન્દ્રિયોની વૃત્તિયો દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે અને જો કપટે કરીને ઢાંકવા જાય, તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેની ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહિ.”
4. ગઢડા મધ્ય ૧૯( para.3)
લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજના, સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચજ્યો. બીજું, અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણનારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન, તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભક્તિ; એ ચાર ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવમનુષ્યાદિકને વિષે થાય છે. તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને શ્રીરામચંદ્રને વિષે નિર્દોષપણે નિષ્ઠા હતી, તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રીકૃષ્ણનારાયણના અવતાર પૃથ્વીને વિષે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિષે સીતા ને રુક્મિણીના જેવી ભક્તિ કરવી. અને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિષે દ્રઢપણે વર્તવું. બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ, તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહિ માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત્ ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ને દિવસ લખ્યો છે.” એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો.
5. વરતાલ ૫( para.5)
પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિષે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત, તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે; અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે. એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.”
6. ગઢડા અંત્ય ૧૫( para.2)
પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, “આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી.” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ ! કેવી રીતે વાત કરી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાત તો એમ કરી જે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય, તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્યાં સુધી ઘાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ; ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે. તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે, તે જ્યારે નવધા ભક્તિ માંહિલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયની ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન- સ્મરણનું અંગ દ્રઢ જાણવું. પછી એ અંગમાં રહીને માનસી પૂજા કરવી, નામ સ્મરણ કરવું, જે કરવું તે એ પોતાના અંગમાં રહીને કરવું, તો એને અતિશય સમાસ થાય. અને જો પોતાના અંગને ઓળખે નહિ તો જેમ ઘાયલને પાટો ગોઠે નહિ ને સુખ ન થાય, તેમ એને ભજન-સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહિ. માટે એ નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહિ, ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે, ‘મારું તો એ જ અંગ છે.’ પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી, એ સિદ્ધાંત વાર્તાછે.”
7. ગઢડા અંત્ય ૨૩( para.2)
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે નિત્યે ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વિક્તિ છે જે, ઉનાળો, શિયાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિષે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે, સારુ, ટાઢું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. ને પછી ધોયેલો, ધોળો ખેસ સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો. અને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગ વિષે સુંદર મળિયાગર ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિષે ચર્ચીને લલાટને સારી પેઠે નીરખવું; તથા હાથને વિષે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા; તથા હૃદય, ઉદર, સાથળ, પિંડી એ આદિક જે અંગ તેને વિષે તે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગને નીરખવાં; તથા ચરણારવિંદની ઉપર ને તળે સુંદર કુંકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નીરખવાં. પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ, બાજુબંધ, ટોપી એ આદિક જે આભૂષણ તે તે પુષ્પના પહેરાવવાં. અને મોગરાનાં પુષ્પ જેવું ધોળું ને ઝીણું ને બહુ ભારે નહિ એવું વસ્ત્ર મસ્તકને વિષે ધરાવવું તથા ધોળી, ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી. પછી તે ભગવાનને મળવું, તે એક વાર મળવું, બે વાર મળવું, જેવું પોતાને હેત ઊપજે તેમ મળવું; તથા ભગવાનનાં ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા. અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનનાં ચરણારવિંદને પોતાની છાતીમાં ને મસ્તક ઉપર ધાર્યા હોય તેણે કરીને જે કુંકુમ વળગે તથા પુષ્પના હારનાં ચિહ્ન ઈત્યાદિ જે જે પોતાના અંગમાં વળગે તેને ધારવું; કહેતા એમ જાણવું જે, ‘ભગવાનનું પ્રસાદી ચંદન, કુંકુમ ને હાર તે મારા અંગમાં અડ્યાં છે.’
8. ગઢડા અંત્ય ૨૩( para.4)
“અને ચોમાસાના ચાર મહિના સુધી એમ પૂજા કરવી જે, જાણીએ ભગવાન કોઈક ગામથી આવ્યા તે ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે અથવા નદીએ પરમહંસે સહિત ના’વા પધાર્યા હતા ત્યાંથી પલળીને આવ્યા છે. પછી તે પલળેલાં જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કસુંબલ વસ્ત્ર પહેરવા આપવાં અને લલાટને વિષે પીળું જે કેસરચંદન તેનું લેપન કરવું. અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને શિયાળો ને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેડીને ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરને માંહેલી કોરે વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવી ? તો જે, ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવાં અને તેવા ભગવાનને ન ભાવતાં હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવવાં. અને બીજા જે ધૂપ, દીપ, આરતી એ આદિક ઉપચાર તે યથાયોગ્ય ભગવાનને અર્પણ કરવા. એવી રીતે ત્રણે ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિષે હેતની વૃદ્ધિ થાય છે, ને તેના જીવને બહુ સમાસ થાય છે. માટે જેણે આ વાત સાંભળી છે તે રાખજ્યો ને નિત્યે આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજ્યો. ને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી.”
(કુલ: 14)