( para.3)
અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટિ મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમનારાયણ તે સર્વના સ્વામી છે ને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમજ નિશ્ચય કરવો જે, ‘આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી.’ એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય માહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય, માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા.”
4. ગઢડા પ્રથમ ૨૩( para.2)
પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે, “વાસુદેવ માહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે; કેમ જે, ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે. અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે, પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે, ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાસે; એવી રીતની સ્થિતિવાળો હોય. અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે. અને જો એવી સ્થિતિમાં શિવજી નો’તા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા, અને એવી સ્થિતિમાં બ્રહ્મા નો’તા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા, અને એવી સ્થિતિમાં નારદજી નો’તા વર્તતા તો પરણ્યાનું મન થયું, અને ઈન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નો’તિ તો કલંક લાગ્યા. અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિષે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જાય છે. જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નો’તો તો રાસક્રીડા સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સંશય થયો અને શુકજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહિ. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા તે દોષ કાંઈ બાધ કરી શકે નહિ, તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિષે તો કોઈ માયિક દોષ હોય જ કેમ ?’ એમ દ્રઢપણે સમજે છે. અને એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિને વિષે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે; તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે. અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમે યુક્ત રહે છે, અને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારે યુક્ત રહે છે, અને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિષે ભગવાનના ભજન વિના બીજા જે જે ઘાટ-સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે, તથા તે ભજન કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે; એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂંથતો ફરે તેને તો એવી સ્થિતિ થતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ, પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાઈ નહિ; કાં જે, આગલા દિવસનું જળ આગલે દિવસ સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઈ જાય. અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય. તેમ ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વ કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે.”
5. ગઢડા પ્રથમ ૨૪( para.2)
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ? તો પ્રકૃતિપુરુષથી પર છે, અને જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. અને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે, અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ, એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય ; એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે, તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણા લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ. તેમ ભગવાનનો નિશ્ચય અને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, તેમ જ ચિત્તરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થતો નથી, તેમ જ બુદ્ધિરૂપ પોતાની ડાઢ્યે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી, તેમ જ અહંકારરૂપ પોતાની ડાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે ડાઢ્યો છે તે ડાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા, તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી, અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઇ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઇ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઇ જાય છે, ને જે એ ભગવાનને ઇર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઇર્ષ્યાવાન થઇ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ ‘સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે.’ તેમ ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઇ જાય છે.”
6. ગઢડા પ્રથમ ૨૪( para.3)
પછી બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “કોઈ વિષયમાં પણ પોતાનાં ઇન્દ્રિયો તણાતાં ન હોય, ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પણ હરિભક્તમાં મોટી ખોટ્ય છે, જે પોતાનું મન સ્થિર થયું છે, ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે, ‘હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે; અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ-ક્રોધાદિ સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે’. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે, ‘મારું પૂર્ણકામપણું થયું છે’ એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો-તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે,’ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.
7. ગઢડા પ્રથમ ૨૫( para.2)
પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, “સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા ને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને જ થાય છે, અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે, માટે એ બે વાનાં તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવાં, અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તે તેને તેજ અતિશય દેખાણું; તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું’ માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને, તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, ‘તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી; ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા, તે તારું સ્વરૂપ છે.’ પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ‘ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો.’ અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે; અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે, અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે; ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે, તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહા શૂરવીર હતા, તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ, માટે એમ બોલ્યા જે, ‘હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો.’ એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી; તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે; એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય, અને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય ? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીશ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ અને તે વીશે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ; તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાય જાય છે, તેમ જ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમ જ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિયો પણ પોતપોતાના વિષયને વિષે હજારો પ્રકારે ફેલાઈ જાય છે; એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે ‘હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું,’ એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી.
8. ગઢડા પ્રથમ ૨૫( para.3)
અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગયોગે કરીને થાય છે. તે અષ્ટાંગયોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે. અને અષ્ટાંગયોગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિષે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિષે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિષે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી, તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે અમે કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા; અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે, નાવું, ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવે જ નહિ; તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહિ. કેમ જે, એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું માહાત્મ્યજ્ઞાન તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે, ‘હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી.’ એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહિ અને પોતાને વિષે અકૃતાર્થપણું પણ માનવું નહિ. અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહિ અને જો છકી જઈને જેમ-તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજ પોતાના આસન ઉપર પધાર્યા.
9. ગઢડા પ્રથમ ૩૮( para.2)
તે સમે શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા જે, “સાંભળો, વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, ‘પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી.’ એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. અને એમ વિચારે નહિ ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહિ; જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના-મહિનાનું નિરંતર ચુકાવી દઈએ તો દેતા કઠણ ન પડે ને વર્ષ-દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે, તેમ નિરંતર વિચાર કરવો. અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે, જેમ ફૂલે કરીને તિલ વસાય છે, તેમ મનને ભગવાનનાં જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિષે વાસવું અને ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ગૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક શમ્યો ને બીજો કરવો, બીજો શમ્યો ને ત્રીજો કરવો, એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહિ.” એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે ભગવાનનાં જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન; તે એક દિવસનાં જો સંભારવા માંડે તો તેનો પાર ન આવે, તો સત્સંગ થયા તો દશ-પંદર વર્ષ થયા હોય તે એનો તો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભારવા જે, ‘આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ,’ ઈત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તેને વારંવાર સંભારવા અને જે ઝાઝું ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો જે, ‘અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ,’ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે, મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃતિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહિ. અને બાહેર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય. અને જેને મનમાં વાસના હોય ને તે બાહેર સારી પેઠે નિવૃત્તિપરાયણ વર્તતો હોય તો તેનું બાહેર લોકમાં તો સારુ જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય; કેમ જે, મૂવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું, ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું; માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય, માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતવન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું, તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે. અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કહેવા, પણ ‘જેમ કૂતરાનું મુખ કૂતરો ચાંટે’ તથા ‘સર્પને ઘેર પરોણો સાપ મુખ ચાટીને વળીયો આપ’ તથા રાંડીને પાસે સુવાસિની સ્ત્રી જાય ત્યારે તે કહે જે, ‘આવ બાઈ હું જેવી તું પણ થા’ તેમ પોતાની પેઠે જેને ભૂંડા ઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ૨ છે; માટે ઘાટ કેને કહેવો ? તો જે ના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળિયો હોય તેની આગળ કહેવો. અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે, તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે, તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી ન જાય ત્યાં સુધી બેઠતો-ઉઠતો, ખાતો-પીતો સર્વ ક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાડ હોય ? તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાડ હોય તેવી હોય, એવા આગળ ઘાટ કહેવો. અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય ? માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિષે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થવું. અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે ? તો દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવાં તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તે વ્રત-તપ કરે તો પણ તેનું અતિશય સારુ થતું નથી. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું માહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્યે અભ્યાસ રાખવો.” એમ વાર્તા કરી.
10. ગઢડા પ્રથમ ૫૪( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય ? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે, તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે “प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः । स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम्।।” જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”
11. ગઢડા પ્રથમ ૫૬( para.3)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાયે કરીને ટાળવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મબુદ્ધિને જ દ્રઢ કરાવે, માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહિ, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુવે તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે; માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહિ. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય, તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણે ઓછાં થતા જાય છે,
12. ગઢડા પ્રથમ ૫૬( para.5)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે’ એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તો પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઈત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે. તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં.’ એમ વિગતિ થતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર, તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધનસિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભકતોના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ‘ગમે તેવો પાપી હોય ને અંતસમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે. તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ?’ એમ માહાત્મ્ય સમજે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”
13. ગઢડા પ્રથમ ૫૭( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! મોક્ષનું અસાધારણ કારણ તે શું છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે.”
14. ગઢડા પ્રથમ ૫૭( para.3)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનને વિષે જે સ્નેહ તેનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્નેહનું રૂપ તો એ છે જે, સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ. અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ ત્રુટી જાય, માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્થાપન-ઉત્થાપન કરવું નહિ, ને મૂઢપણે ભગવાનને વિષે હેત કરવું. અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ, માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિષે હેત કરવું અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ અને ભગવાનનું માહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ૧ રીતનું છે એમ જાણવું.”
15. ગઢડા પ્રથમ ૬૦( para.3)
પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે, “વાસના ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ‘ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ?’ એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચાર કરે જે, ‘ભગવાનને ભજતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઈન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટિ ગણાં વધુ સુખ છે.’ એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એને એમ જણાય છે જે, ‘મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું; પણ હું તો સદા વાસનાએ રહિત છું’, એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.”
16. ગઢડા પ્રથમ ૬૮( para.4)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી, કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે, એ માંયલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ, સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહિ. અને એ નાસ્તિકપણું મટે ક્યારે ? તો જ્યારે શ્રીમદ્ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે.”
17. ગઢડા પ્રથમ ૭૨( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! કાલ્યને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલપાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, ‘જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ.’ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય, પણ ગરીબ માત્રને લેશમાત્ર દુઃખવવો નહિ અને જો ગરીબને દુઃખવે તો તેનું કોઈ પ્રકારે સારુ થાય નહિ અને જો ગરીબને દુઃખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમ જ કોઈકને માથે જુઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે; અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહિ અને તેમ જ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કઈ ? તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત-ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી, એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી.”
18. ગઢડા પ્રથમ ૭૨( para.5)
પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું જે, “જેને માહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ? અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય જે, ‘ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહિ થાય ?’ અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે, ‘જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શ્યો સંશય છે ? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું.’ એમ સમજે તેને ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ચય જાણવો.”
19. ગઢડા પ્રથમ ૭૫( para.2)
પછી સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે, “જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના એકોતેર પરિયાં ઉદ્ધરે છે.” એમ કહ્યું છે અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય, ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ કર્દમ ઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કર્દમ ઋષિને વિષે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો અને માંધાતા રાજાની દીકરીઓ પચાસ, તે સૌભરિ ઋષિનું રૂપ જોઈને વરિયો, તેને કામનાએ કરીને સૌભરીને વિષે હેત હતું, તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું થયું. માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને જે, ‘આપણું મોટું ભાગ્ય છે જે, ‘આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે.’ એવી રીતે ભક્તનું માહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વ કુટુંબીનું કલ્યાણ થાય, અને મરીને પિત્રી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે, ‘આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે.’ એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિત્રીનું પણ કલ્યાણ થાય. અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને જે ભગવાનના ભક્ત સંગાથે વૈરબુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય અને દેહ મૂકે ત્યારે પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે, તે પણ તે જ કુંડમાં પડે છે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે.”
20. ગઢડા પ્રથમ ૭૫( para.3)
પછી નાજે ભક્તે પ્રશ્ને પૂછ્યો જે, “ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક તો થોડા નિશ્ચયવાળો હોય અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તે બે કેમ ઓળખ્યામાં આવે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિ ને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય, તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જો એકેય વાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ માહાત્મ્ય વિનાનો છે અને એ ચાર વાનાં સંપૂર્ણ હોય તે માહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો.”
21. ગઢડા પ્રથમ ૭૮( para.16)
પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈયે ને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે; તે કેમ સમજીએ તો રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તો પણ રહે; જો ભગવાનનું પૂરું માહાત્મ્ય સમજે તો. તે માહાત્મ્ય એમ સમજવું જે, ‘અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામીરૂપે વિરાજમાન છે અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી અને અનંત કોટિ બ્રહ્માંડને વિષે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે અને તેને વિષે સુખ, દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે, જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે, પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય; અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે. એવી અદ્ભૂત સામર્થી છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે.’ એવી રીતે માહાત્મ્ય સમજે તો જેવી પાસે રહ્યે મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તો પણ રહે.”
22. ગઢડા પ્રથમ ૭૮( para.23)
પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદ્વાસના કેમ ટળતી નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદ્વાસના ટળતી નથી.”
23. ગઢડા પ્રથમ ૭૮( para.24)
પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે, તો પણ ભગવાનને વિષે ને ભગવાનની કથાને વિષે હેત કેમ થતું નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું જેવું માહાત્મ્ય છે, તેવું એને સમજ્યામાં આવ્યું નથી, અને જો યથાર્થ ભગવાનનું માહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહિ, ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન, તેને વિષે જ અચળ હેત થાય છે.”
24. સારંગપુર ૧( para.3)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, ‘હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે.’ એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, ‘હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી જે શ્રીપુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ. અને જે ભગવાનનું અક્ષરધામ છે, તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રકટ મળ્યા છે. તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે.’ એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રકટે તે વૈરાગ્યે કરીને સર્વ વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો, તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ. અને એનું જ મન જિતાણું કહેવાય અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલૂડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારુ દીસે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહિ.”
25. સારંગપુર ૩( para.3)
ત્યારે સોમલે ખાચરે પૂછ્યું જે, “એવી રીતે જે પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય, તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની પૂજા-સેવાને વિષે તથા કથાવાર્તા, કીર્તનને વિષે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય ને એ બે વાનાં દિવસે દિવસે નવા ને નવા જ રહેતાં હોય, પણ ક્યારેય ગૌણ ન પડે. જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા ને ભગવાનનું માહાત્મ્ય હતું, તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી, એ બે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો. અને એવી રીતે માહાત્મ્ય ને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધા માહાત્મ્યે સહિત સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે.”
26. સારંગપુર ૫( para.2)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા તથા હરિ ને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે, તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ; એ ત્રણ દુબળાં હોય તો પણ મહા બળવાન થાય છે; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દશ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ, તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયામાં નથી, તો શમ દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે; તોય પણ નહિ જેવા જ છે. કેમ જે, અંતે નાશ પામી જશે માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે. તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”
27. સારંગપુર ૫( para.4)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનાં દર્શનનો જે મહિમા તથા ભગવાનનાં નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનનાં દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દૃષ્ટિ દ્વારે આવીને તે સહિત દૃષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે, વીસારે તોય પણ વીસરે નહિ. એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વીસરે નહિ. જેમ ગોપાંગનાઓનાં ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, ‘હે ભગવન્ ! જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે.’ એવી રીતે સર્વે જ્ઞાન ઇન્દ્રિયે કરીને મને સહવર્તમાન જે દર્શન, સ્પર્શ, શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વીસરી જતાં નથી, જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચજ્ઞાન ઇન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય, તે વીસારે તો પણ વીસરે નહિ. એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે; કાં જે, જે સમે એણે દર્શન કર્યા તે સમે એનું મન તો ક્યાંઈએ ફરતું હતું. માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વીસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા વર્ષમાં અથવા પાંચ વર્ષમાં જરૂર વીસરી જશે, પણ અંતે રહેશે નહિ. માટે જે માહાત્મ્ય જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન ઇન્દ્રિયે કરીને દર્શન સ્પર્શાદિક કરે છે, તેને જ તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે.”
28. સારંગપુર ૧૪( para.3)
એવી રીતે શ્રીજીમહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, “લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ,” પછી મુનિએ કહ્યું જે, “પૂછો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મહાભારતના ઉદ્યોગપર્વને વિષે સનત્સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, ‘એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે.’ માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદ ને મોહને ટાળ્યાનો ખટકો નહિ રાખતો હોય, તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે? એ પ્રશ્ન છે.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ્ય કેટલી છે, અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “ભગવાનનું બળ રાખે ને સાધનનું બળ ન રાખે, માટે એ વિશેષ જ છે તો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહિ, અને તેને એમ મનમાં બીક રહે જે, ‘જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહિ કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ્ય પડશે.’ એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ્ય બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીયો દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો, એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે ? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે, તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે, જેમ મદિરા પીવે તથા ભાંગ્ય પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય, તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, ‘વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય.’ એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહિ.”
29. સારંગપુર ૧૫( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, ‘બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે; અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે ? એ પ્રશ્ન છે. “ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે, એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ?” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, “જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગોપીઓ કાંઈ ભોળિયો નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી તો ડાહિયો હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું; અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી, તે ગોપીઓની સમજણ જોઈને ગદ્ગદ્કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, “ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો, તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો.” અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે, ‘ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી’, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે, ‘અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી;’ અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે, ‘જાણીએ હમણાં વિમુખ થઈ જશે.’ એવી જાતના જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે; અને ડહાપણે કરીને યુક્તિ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહિ અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા; એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો. તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એનાં હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિષે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણનાં જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે, ‘મારે ભગવાનમાં લેશમાત્ર પ્રીતિ નથી,’ માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે. તે તો એમ જાણે છે જે, ‘મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે.’ એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે. તો પણ એની પ્રીતિના મૂળ ઊંડાં છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે.”
30. કારિયાણી ૯( para.3)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,”હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહિ. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા, તો એમ વર માગ્યો જે, ‘આ ગોપીઓની ચરણરજનાં અધિકારી એવા જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ; તેને વિષે હું પણ કોઈક થાંઉ.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળાં કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, ‘હે પ્રભો ! આ જન્મને વિષે અથવા પશુ પક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારા ચરણારવિંદને સેવું, એવું મારું મોટું ભાગ્ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત; તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહિ. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું ? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય. અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને તો અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પુરો સત્સંગી જાણવો.”
31. લોયા ૧( para.10)
પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે ને ક્યારેક તો અતિશય સમજાતો નથી, તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે, પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહિ ને સામો તે સંતનો અવગુણ લે; માટે જ્યાં સુધી એને દુઃખાડીને કહે નહિ ત્યાં સુધી માહાત્મ્ય રહે ને જ્યારે હિતની વાત પણ દુઃખાડીને કહે ત્યારે અવગુણ લે ને માહાત્મ્ય ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ-નિવારણ છે, તેમ સંતના દ્રોહનું પાપ-નિવારણ છે નહિ. ને જેમ કોઈને ક્ષય રોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે; તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષયરોગ થયો જાણવો, તે તો પાંચ દિવસ મોડો-વહેલો નિશ્ચય વિમુખ થશે. અને વળી જેમ મનુષ્યના હાથ, પગ, નાક, આંખ્ય, આંગળીઓ એ આદિક જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મૂઓ કહેવાય નહિ, અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂઓ કહેવાય; તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું. અને બીજા વર્તમાનમાં કદાચિત્ ફેર પડે તો અંગ કપાણું કહેવાય પણ તે જીવે ખરો, કહેતાં તે સત્સંગમાં ટકે ખરો; અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય, એ એનું માથું કપાણું જાણવું.”
32. લોયા ૩( para.2)
તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજીબ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઈત્યાદિક જે સત્સંગી; તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું; તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ પણ કહ્યું જે, ‘જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનનાં વચનમાં ફેર પાડે નહિ, ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો? તો, ‘ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય, પણ વધુ રહેવાય નહિ.’ એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે.’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું; ત્યારે અમે થાંભલાને બાથ લીધી, ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર અને ડોસા વાણિયા ની વાત કરી અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે.” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, “હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.’ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન અને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે.” તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. “અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય; ઈત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ. એ તો ભગવાનના ધામને જ પામે;’ અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સૂધી સારી પેઠે પડે અને ચંદનનાં લાકડામાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.’ એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવા નિશ્ચયવાળો જે હોય, તે જરૂર બ્રહ્મમહોલમાં જ પુગે; પણ બીજે ક્યાંઈ કોઈ ધામમાં ઓરો રહે નહિ.”
33. લોયા ૫( para.7)
પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર, એ ત્રણે હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો-અંતઃકરણ જીતાય કે એ બે માંથી એકે વાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો જે, ‘એ ત્રણે વાનાં ભેળા હોય તો જીતાય’, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી ? અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી ? અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી? તે કહો.” ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું માહાત્મ્ય સમજવું. અને સંતથી એમ શીખવું જે, જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે જે, ‘આવી રીતે નેત્રની દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્યવાર્તા ન સાંભળવી,’ ઈત્યાદિક જે યુક્તિ તે સંતથી શીખવી. અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી, ને તેમ વર્તવા લાગવું. એમ ત્રણે વાનાંએ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણ જીતાય છે.”
34. લોયા ૫( para.9)
અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય ?” પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, “ધર્મશાસ્ત્રમાં કહ્યા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્તકૃચ્છ્ર, ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા, કીર્તન, વાર્તા કરે તથા ભજન-સ્મરણમાં બેસે તથા આસન જીતે, ઈત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના માહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે.”
35. લોયા ૬( para.4)
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “કેવી મતિ એક પ્રકારની રાખ્યે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય ? અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, “ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહિ. ભગવાનનું માહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય, અને પોતે પોતાના મનને જાણ્યે જે મતિમાં નિશ્ચય કર્યો હોય જે, ‘મારે આમ કરવું છે.’ તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે જે, ‘અહીં બેસવું નહિ ને આ કરવું નહિ,’ તો તે ઠેકાણે બેસવું નહિ ને તે કરવું નહિ એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહિ ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય.”
36. લોયા ૮( para.10)
અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું; તે ક્યા વિચારે કરીને થાય છે ?” ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, “જે ચંચળ હોય તે એમ વિચારે જે, ‘હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશની પેઠે સ્થિર છું.” એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય અને જે શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણવું; ને માહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે.”
37. લોયા ૯( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો”, ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ?” પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, “વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. તે કાળનું સ્વરૂપ તે શું ? તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યન્ત સર્વ જીવના આયુષને જાણે અને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ્ તથા ભગવદ્ગીતા તથા વાસુદેવ માહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઈત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે, જો યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશરસ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઈત્યાદિ સ્મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે. અને ભક્તિ એમ ઊપજે જે, ભગવાનની જે વિભૂતિયો છે તેને જાણે, તે કેમ જાણે ? તો ખંડ-ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિયો જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનના ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વિપાદિક ધામ છે તેને સાંભળે તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર, તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે, તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિયો તેનું શ્રવણ કરે તો ઊપજે, અને જ્યારે ધર્મને વિષે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય; એ ત્રણેય ઊપજે. એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે.”
38. લોયા ૧૦( para.11)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય, તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ-વિકલ્પરૂપે કરીને કેમ દુઃખ આપે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય, તેને તો અંતઃકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી; અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તો તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહિ અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે, તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહિ અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે; અને જેના જીવને વિષે એવા આશરામાં કાંઈ કાચ્યપ હોય, તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહિ થાય. માટે એનો ઉત્તર એ જ છે જે, “જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી.”
39. લોયા ૧૬( para.3)
ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “વાસના કુંઠિત તો હોય, પણ તે મૂળમાંથી ટળી જતી નથી તેનું શું કારણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એ છે જે, આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થમાત્ર તેને વિષે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિકરૂપ જે ધર્મ તથા માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચાર વાનાં જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી.”
40. લોયા ૧૬( para.4)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે પ્રશ્ન પૂછીએ જે, મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કહ્યા છે, તેમાં એક એવું મોટું કયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે ?” ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, “ભગવાનનું માહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, ‘मद्भयाद्वाति वातोऽयं सूर्यस्तपति मद्भयात्’ એવી રીતે અનંત પ્રકારના માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષમાત્ર ટળી જાય છે અને તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ; એ ન હોય તો પણ એ સર્વે આવે છે, માટે એ સાધન સર્વમાં મોટું છે.”
41. લોયા ૧૬( para.8)
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ માન કેમ ટળે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનું માહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે; કેમ જે, જુવો ને ઉદ્ધવજી કેવા ડાહ્યા હતા ! ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિષે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું અને એમ બોલ્યા જે, ‘એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તે માંહેલો હું કોઈક થાઉં.’ અને તુલસીદાસજીએ કહ્યું છે જે, ‘तुलसी ज्याके मुखनसे भूले निकसे राम । ताके पगकी पहेनियां मेरे तनकी चाम ।।’ એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નીસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે, તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામસ્મરણ, ભજન-કીર્તન, વંદન કરતા હોય ને જો ભગવાનનું માહાત્મ્ય સમજતો હોય, તો તેને આગળ શું માન રહે ? ન જ રહે. માટે માહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ માહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી; તે સારુ જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજવું.”
42. લોયા ૧૭( para.2)
પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્યા જે, “જુવોને, ભગવાનની માયાનું બળ કેવું છે ! જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે; કેમ જે, પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે !” એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ.” ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે; માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ; તે શાણે કરીને થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહિ; અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે.”
43. લોયા ૧૭( para.5)
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે માહાત્મ્ય તે શું ? તો ‘જે ભગવાનની બીકે કરીને ઈન્દ્ર વર્ષે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે; પૃથ્વી સર્વને ધારી રહી છે; સમુદ્ર મર્યાદા નથી લોપતો; ઔષધિઓ ઋતુને પામીને ફળે છે; અને જે ભગવાન જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયને કરે છે; અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે.’ એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે, તે બંધન કરે ? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે, એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ‘ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથાવાર્તાને વિષે માલ છે અને અક્ષર તે આવું છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવું કયું પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે. જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું; તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ; તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે.
44. લોયા ૧૭( para.6)
અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ માહાત્મ્ય સમજે જે, ‘એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે.’ જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા! પણ જો આવી રીતે ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાને ઈચ્છ્યા અને વૃક્ષ-વેલીનો અવતાર માંગ્યો; કેમ જે, એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિષે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી. તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે ? અને તેને નમાય કેમ નહિ ? તેની આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય અને પાંચ પાંચ ખાસડાં મારે તો પણ ખમે અને એમ સમજે જે, ‘મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહુ છું, નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી-છોકરાના તિરસ્કાર સહેવા પડત તથા માબાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધવશ થઈને ડોડી ની ભાજી ખાવી પડત તથા મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું નિઃસ્વાદી વર્તમાન પાળું છું.’ તે મારા મોટા ભાગ્ય છે અને પ્રારબ્ધવશ થઈને જેવા-તેવા વસ્ત્ર તથા ચીંથરાં પહેરવા પડત, તે કરતા આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું, તે એ મારા મોટા ભાગ્ય છે.’ અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટ્યપ જાણ્યામાં આવી નથી, નહિ તો અવગુણ લેત નહિ. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરસી નાંખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરસી ન નાંખી દે ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઈંગ્રેજ ઉપર ધોખો થાય છે ? ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે ? લેશમાત્ર પણ થતું નથી. શા માટે જે, એ ઈંગ્રેજની મોટાઈ જાણી છે જે, ‘એ તો મુલકનો પાદશાહ છે ને હું તો કંગાલ છું,’ એવું જાણીને ધોખો થાય નહિ; તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહિ અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહિ. માટે જેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ.”
45. ગઢડા મધ્ય ૧( para.8)
માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમસિદ્ધાંત છે જે, જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું, ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી જે, ‘હું આત્મા છું, પણ દેહ તે હું નહિ.’ એક તો એ વિચાર દ્રઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે, તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું. તે એમ વિચારવું જે, ‘પંચવિષય છે, તે તો ભગવાનના કર્યા થયા છે. માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે જે, શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય, પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય, પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય; તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય, પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળા રહ્યાં છે, તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે. અને માયિક જે વિષયસંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે.’ એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહિ; જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડા, છાણા, પથરા, સુવર્ણ; એ સર્વને તુલ્યપણે જુએ, પણ સારુ પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ, એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે, ‘समलोष्टाश्मकाञ्चनः’ એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે. અને ભગવાનને એવો ભક્ત અતિશય વહાલો છે. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः’ માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વ્હાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી, જેને ખપ હોય તેને સૌને આવે. જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને તે વ્યભિચારિણી હોય. માટે ડાહ્યાભોળાનો કાંઈ મેળ નથી, એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લઉં ને નિર્મોહી થઉં, એમ ઉતાવળે એ કામ થતું નથી, એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે. જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહિ. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે, ‘अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।’ માટે એમ વિચારવું જે, ‘આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે, અને એમ કરતા જો કાંઈ રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે, પણ ભગવાનના ભક્ત છીએ તે નરકચોરાશીમાં તો જવું નથી.’ એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો અને જ્યાં સુધી સારા ને નરસા; એ બે વિષય તુલ્ય ન જણાય, ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો. અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે, ત્યારે એને કૃતાર્થ થયો જાણવો. અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ; એ સર્વે ગ્રંથનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દ્રઢ કરીને રાખજ્યો.”
46. ગઢડા મધ્ય ૪( para.4)
પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે જે, ‘ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય’, એવું માહાત્મ્ય સમજતો હોય, તેને કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહિ ?” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે, ‘મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થવું છે. અને જો કામ, ક્રોધ, લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જશે, તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થશે; એમ જાણીને કુમાર્ગ થકી અતિશય જ ડરતો રહે અને અધર્મને વિષે કોઈ કાળે પ્રવર્તે જ નહિ.’ એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહિ. અને ભગવાનનું જે અખંડ ચિંતવન થવું તે કાંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતવન કરતા કરતા જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે.”
47. ગઢડા મધ્ય ૪( para.5)
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતવન રહેતું નથી, એનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય, ત્યારે તેટલું માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછ્યપ છે અને જ્યારે માહાત્મ્ય જાણ્યામાં ઓછ્યપ છે, ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછ્યપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય તથા શ્રદ્ધા હોય, તો અખંડ ચિંતવન થાય. તે માહાત્મ્ય એમ જાણવું જે, ‘ભગવાન તો જેવા પ્રકૃતિપુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિપુરુષમાં આવ્યા છે, તો પણ પ્રતાપે યુક્ત છે અને પ્રકૃતિપુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્યા છે, તો પણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિને વિષે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે, તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે, તે સર્વે ઘણે કાળે કરીને ધૂડ્ય ભેળા ધૂડ્ય થઈ જાય અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી; કેમ જે, જ્યારે વિષયરૂપી ધૂડ્યનો યોગ થાય, ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એકરસ થઈ જાય અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાધ કરવાને સમર્થ થાય નહિ અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહિ. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે.’ એમ ભગવાનનું માહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા, તેને ભગવાને એમ કહ્યું જે, ‘હે ઉદ્ધવ! હું થકી અણુમાત્ર ન્યૂન નથી.’ તે શા માટે જે, ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માહાત્મ્ય જાણ્યું હતું ને પંચવિષયના લીધા લેવાતા નહોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય, તે બેય સરખું વર્તે; અને બાળક સ્ત્રી અને સોળ વર્ષની સ્ત્રી અને એંશી વર્ષની સ્ત્રી, તે સર્વમાં સરખો ભાવ વર્તે; અને જે જે સંસારમાં સારુ-નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહિ; અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહિ, એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહિ; અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહામુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે, તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”
48. ગઢડા મધ્ય ૧૨( para.3)
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું. પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્યવાર્તા હોય તે સાંભળવા દેવી નહિ. તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે; અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે; અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે; અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહિ. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહિ. અને એવી રીતે પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષપ્રયત્નરૂપ જે ઉપાય છે, તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે, તે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે; માટે પુરુષપ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.”
49. ગઢડા મધ્ય ૧૩( para.8)
અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધકર્મને વશ થઈને જો કોઈક નીચ ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહિ તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહિ. એવું આ જ્ઞાનનું અતિશય માહાત્મ્ય છે. અને નારદ, સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. અને આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ. અને સદ્ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે, ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિષે દૃષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહિ; અને કોઈકને વર કે શાપ દે નહિ અને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા; અને કોઈ ઠેકાણે નિર્ભય રહે ને કોઈ ઠેકાણે બીવે પણ ખરા; પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહિ. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહિ, પણ કદાચિત્ ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહિ. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય; જુઓને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે જે, ‘કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારુ થાય.’ માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજ્યો અને ‘જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે,’ એમ જાણજ્યો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજ્યો જે, ‘અક્ષરરૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે, તેને મહારાજ દેખે છે.’ એમ જાણશો તો પણ તમારે મારે વિષે હેત રહેશે, તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્યે નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશો મા. આજ છે તેવી જ કાલ નવી રાખજ્યો અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજ્યો. અને જે જે ભગવાનની વાત કરો તે તે વાતને વિષે આ વાતનું બીજ લાવજ્યો, એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે, દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી, તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે, ‘જે તેજને વિષે મૂર્તિ કહી તે જ આ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે.’
50. ગઢડા મધ્ય ૧૫( para.3)
પછી શ્રીજીમહારાજે વળી પ્રશ્ન કર્યો જે, “ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને માહાત્મ્યે સહિત પરમેશ્વરની ભક્તિ; એ ચાર વાનામાંથી કોઈ કાળે પડે નહિ એવો જે હોય, તેને શે લક્ષણે કરીને ઓળખવો ?” પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે, કોઈની છાયામાં તો દબાય જ નહિ અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહિ અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહિ; એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહિ. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય, તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહિ.”
51. ગઢડા મધ્ય ૧૬( para.11)
પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો ભગવાનનું માહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહિ અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય; તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું માહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું માહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે.”
52. ગઢડા મધ્ય ૧૭( para.7)
અને આ સંસારમાં પણ એવી રીત છે જે, જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહિ. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારુ પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થો હોય તે પોતાના ભાઈ, ભત્રીજા, દીકરા ઈત્યાદિક જે સંબંધી તેને વિષે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા; તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે, ‘ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મૂકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે,’ એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહિ. જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું, ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે, ‘ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો ?’ પણ શુકજીને લેશમાત્ર સંશય થયો નહિ. અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો, તે ગોપીઓને પણ સંશય ન થયો જે, ‘ભગવાન હોય તો આમ કેમ કરે ?’ એવો કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા, તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા, ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો અને સામું ગોપીઓનું માહાત્મ્ય અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહિ. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે; પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિષે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણે અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિષે દ્રઢ મતિ પણ કરી શકે નહિ અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહિ અને હરિજનનું માહાત્મ્ય પણ જાણે નહિ. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માહાત્મ્ય પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય માહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું માહાત્મ્ય જાણ્યું.
53. ગઢડા મધ્ય ૧૯( para.3)
લિખાવિતં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજના, સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચજ્યો. બીજું, અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણનારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન, તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય, અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત ભક્તિ; એ ચાર ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવમનુષ્યાદિકને વિષે થાય છે. તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી. જેમ સીતાજીને શ્રીરામચંદ્રને વિષે નિર્દોષપણે નિષ્ઠા હતી, તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસી પૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી. અને જો એ શ્રીકૃષ્ણનારાયણના અવતાર પૃથ્વીને વિષે પ્રકટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિક સામગ્રી વતે કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિષે સીતા ને રુક્મિણીના જેવી ભક્તિ કરવી. અને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વેને પોતપોતાના વર્ણાશ્રમ ધર્મને વિષે દ્રઢપણે વર્તવું. બીજું, આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે નારદના જેવી દ્રઢ ભક્તિ થશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણનારાયણને વિષે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ, તેના જેવી ભક્તિ થશે. અને આ અમારા વચનને જે નહિ માને તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. સંવત્ ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ને દિવસ લખ્યો છે.” એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો.
54. ગઢડા મધ્ય ૨૧( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રહેવા દ્યો ને સર્વે સૂરત દઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે, તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે, આ સર્વ જગત છે, તેના કર્તાહર્તા એક ભગવાન છે. અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે, કાં ભગવાનના સંતના ચરિત્ર છે. અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ અને કામ છે; તેણે કરીને કાંઈ કલ્યાણ થતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તા હર્તા જાણવા એ જ છે. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ, તેનું જેવું માહાત્મ્ય જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહિ. તે આ વાર્તા એકવાર કહ્યે સમજો અથવા લાખવાર કહ્યે સમજો; આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો; પણ એ વાત સમજે જ છૂટકો છે. અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહિ. જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ અને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડયા, તો પણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત; તેનો પરોક્ષના જેવો જો માહાત્મ્યે યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડયા નહિ. માટે સર્વ શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે.”
55. ગઢડા મધ્ય ૨૨( para.4)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાસુદેવ માહાત્મ્યને વિષે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે જે, ‘એકાંતિક ભક્ત હોય, તે પોતાનું રૂપ દેહ માને નહિ ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય; તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહિ.’ અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે; તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે, તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવાં નહિ; કાં જે, એ સાધુ જ્યારે ભગવાનનાં ધામને પામે છે, ત્યારે અનંતકોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ્ય-સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય-સામર્થીને પામે છે. એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહિ. અને જેમ હાથમાં ચિંતામણિ આવી ત્યારે તે ચિંતામણિને જતન કરીને રાખવી; કેમ જે, જો હાથમાં ચિંતામણિ છે તો જે પદાર્થને ઈચ્છશે તે પદાર્થને આપશે; તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણિને ઝાલી રાખવી પણ તેને મૂકવી જ નહિ, તો એને સર્વે વાતની સિદ્ધિ થશે.”
56. ગઢડા મધ્ય ૨૭( para.3)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવું તમારે વિચારનું બળ રહે છે, તે શાને યોગે રહે છે ?”ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, ‘જે રીતે ભગવાનનો કુરાજીપો થાય, તે સ્વભાવ રાખવો નથી.’ અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, ‘સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કામ-ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે, તે એ તમારા જીવમાં રહ્યો છે. અને એવી રીતે કામ-ક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે, તે પૂર્વજન્મનો સંસ્કાર છે. અને તમારું એટલું તો અમને જણાય છે જે, તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જતાં એનાં બંધનમાં રહેવાય નહિ; બંધન ત્રોડીને નીકળાય ખરું.”
57. ગઢડા મધ્ય ૨૮( para.2)
પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્ ભાગવત તો સારુ જ છે, પણ સ્કંદપુરાણને વિષે શ્રીવાસુદેવ માહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી; કાં જે, એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશય હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે. અને રઘુનાથજીને વિષે શરણાગતવત્સલપણું તો ખરું, પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય, તો તેનો તત્કાળ ત્યાગ કરી દે; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો, તો અતિ વહાલા હતા પણ તત્કાળ ત્યાગ કરી દીધો.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી, એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે, તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું, તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું પણ બોલવાનું મન જ થાય નહિ. અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. અને અમારી પ્રકૃતિ એમ છે જે, ‘થોડીક વાતમાં કુરાજી પણ ન થઉં, ને થોડીક વાતમાં રાજી પણ ન થઉં’ અને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું, ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. અને જેનો જેટલો ગુણ મારા મનમાં જણાઈ જાય છે, તેટલો તેનો ગુણ આવે છે. અને મારે તો એ જ અંગ છે જે, ‘જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.’ એ જ મારે વિષે મોટો ગુણ છે. અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહિ.
58. ગઢડા મધ્ય ૩૯( para.4)
એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન્ય, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજીમહારાજે મોટેરા મોટેરા પરમહંસને પૂછ્યું જે, “અમે પંચમસ્કંધ તથા દશમસ્કંધનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો” ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે, ‘એ વાર્તા એમ નહિ હોય.’ એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમસ્કંધનું તો એ રહસ્ય છે જે, ઉપનિષદ્-વેદાંત ને શ્રુતિસ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિઃસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે, તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે, ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું; તથા સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણભગવાન જ છે, એમ કહ્યું છે. અને પંચમસ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણભગવાનનું માહાત્મ્ય કહ્યું છે. તથા એ શ્રીકૃષ્ણભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે ને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે, એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશય મોટ્યપને પામે ને જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે, એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વસુદેવ-દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજરૂપે અદ્ભૂત બાળક થકા દર્શન દીધું, એ અનાદિ વાસુદેવરૂપ છે. અને એ શ્રીકૃષ્ણભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે; તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્યસ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે, એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના-ભક્તિ કરવી ને દશમમાં કહ્યા છે જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા ને સાંભળવા, તે શુકજીએ જ કહ્યું છે જે, “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।” અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઈક પાપ કરશે, તો પણ એનો ઉદ્ધાર થશે; કેમ જે, પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ છીએ. તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજ્યો.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાનાં વચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા.
59. ગઢડા મધ્ય ૪૭( para.3)
અને વળી સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે ? અને પંચવિષય છે, તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી; તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે,’શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે’ માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે,’ એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી-ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું; તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ,’ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક, ઈન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું. એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી; એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”
60. ગઢડા મધ્ય ૬૦( para.2)
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે, તેમ કહીએ જે, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન; એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય જે, જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલ્યો જે વિક્ષેપ, તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય, તે તો ત્રણે અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી, તે થકી એમ જાણીએ છીએ જે, ‘ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી.’ અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય; તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહિ; અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખિયો થાય.
61. વરતાલ ૩( para.3)
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરશું ?” પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જો માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહિ. કેમ જે, જે ભગવાનનું માહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે જે, ‘ભગવાનની આજ્ઞાને વિષે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય ?’ એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે.”
62. વરતાલ ૩( para.4)
ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, “જ્યારે એક માહાત્મ્યે સહિત ભક્તિએ કરીને સંપૂર્ણ થાય, ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને ચાર વાનાં શા સારુ કહ્યા?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અતિશય માહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિષે હોય તો એક ભક્તિને વિષે ત્રણે આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. માટે, ‘ચાર વાનાંએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય,’ એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુરાજાને હતી, તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારુ દસ હજાર કાન માગ્યા પણ બીજું કાંઈ ન માંગ્યું. અને જે ગોપીઓને રાસક્રીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રીકૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક ત્રણે એક ભક્તિમાં આવી જાય.”
63. વરતાલ ૩( para.5)
ત્યારે બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, “એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષની સેવા થકી આવે છે. તે મોટાપુરુષ પણ ચાર પ્રકારના છે. એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા; તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય. ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય. ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય. અને વડવાનળ અગ્નિ જેવા હોય, તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી અને સમુદ્રના જળને પીને મૂળદ્વારે કાઢી નાખે છે તે પાણી મીઠું થાય છે, તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટાપુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે એ ચાર પ્રકારના જે મોટાપુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટાપુરુષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું.”
64. વરતાલ ૧૧( para.4)
એમ કહીને શ્રીજીમહારાજ શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “આ સંસારને વિષે જે પંડિત છે તે શાસ્ત્ર, પુરાણ સર્વે વાંચે છે પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શાસ્ત્ર, પુરાણ વાંચે છે તો ખરા; પણ એને ભગવાનનો આશરો નથી. માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર તેણે એના જીવને હરવી નાંખ્યો છે અને કામાદિક જે શત્રુ તે એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન ને ભગવાનના સંતને સમજે જે, ‘જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહિ પામતા હોય.’ એમ ભગવાન ને ભગવાનના સંતને વિષે દોષ સમજે; માટે શાસ્ત્ર, પુરાણ વાંચે પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ માહાત્મ્ય સમજાતું નથી.”
65. વરતાલ ૧૨( para.2)
અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, “આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો જે, અનંત કોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રીપુરુષોત્તમ ભગવાન સદા દિવ્યમૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે; ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે, તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત૨ જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો, અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત્ દેશ, અસત્ કાળ, અસત્ સંગ અને અસત્ શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો, પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ્ય હોય તે એ જીવને ઝાઝી નડતી નથી; પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષનાં મૂળ કપાણાં ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિષે કોઈ રીતે દોષબુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહિ. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે, ‘શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહિ થાય ? અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ, કે રાજા થઈશ, કે ભૂત થઈશ ?’ જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું ક્લ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે.’ માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબડદાર થઈને રાખજ્યો.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા,’ એ માહાત્મ્યનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં ક્હ્યું છે જે, “अहो अमी देववरामरार्चितं पादाम्बुजं ते सुमनःफलार्हणम्। नमन्त्युपादाय शिखाभिरात्मनस्तमोपहत्यै तरुजन्म यत्कृतम् ।।” એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો, તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહિ. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહિ; અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહિ. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદ્ગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી, પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય. તેમ માહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા, ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી, એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે.”
66. વરતાલ ૧૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે, તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે, ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય?” એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, “લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ; તે કેવી રીતે ? તો ઉદ્ધવ તે રામાનંદસ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં. તે શાસ્ત્રના નામ- ૧. વેદ, ૨. વ્યાસસૂત્ર, ૩. શ્રીમદ્ભાગવત પુરાણ, ૪. મહાભારતને વિષે વિષ્ણુસહસ્ત્રનામ, ૫. ભગવદ્ગીતા, ૬. વિદુરનીતિ, ૭. સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું વાસુદેવ માહાત્મ્ય, અને ૮. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ. એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. અને પાંચમા આપણા ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા, અને સ્થાનક, સેવક ને કાર્ય; તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કેવી રીતે ? તો માયાના તમ થકી પર એવો જે ગોલોક, તેને મધ્યે જે અક્ષરધામ, તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર છે, ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ, તેમણે સેવ્યા છે, ને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેના કર્તા છે ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે. અને એવા જે એ ભગવાન તે ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, ને સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે; ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન; એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવિશ વ્યૂહ; એ સર્વે રૂપને ધારે છે, તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર, તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે. અને ઉપનિષદ્ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર; એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું.૧
67. વરતાલ ૧૮( para.6)
અને એ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજરૂપ દેખાડ્યું તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજરૂપ દેખાડ્યા તથા અક્રૂરને જે શેષશાયીરૂપ દેખાડ્યું તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડયું, ઈત્યાદિક રૂપને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે. પણ એ શ્રીકૃષ્ણ ભગવાન વ્રજને વિષે બાલમુકુંદ કહેવાયા, મુરલીમનોહર કહેવાયા, રાધાકૃષ્ણ કહેવાયા તથા વાછડાં ચાર્યાં, ગાયો ચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસક્રીડા કરી તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો, યાદવને સુખિયા કર્યા તથા સાંદીપનિ બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણ્યા તથા કુબ્જા સંગાથે વિહાર કર્યો તથા દ્વારકાપુરીમાં વસ્યા ને રૃક્મિણી આદિક અષ્ટ પટરાણીઓને પરણ્યા તથા સોળ હજાર સ્ત્રીઓને પરણ્યા તથા હસ્તિનાપુરમાં રહ્યા ને પાંડવોની સર્વ કષ્ટ થકી રક્ષા કરી ને દ્રૌપદીની લાજ રાખી ને અર્જુનના સારથિ થયા; ઈત્યાદિક સ્થાનકને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની અનેક લીલા છે; તેણે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનના દ્વિભુજ સ્વરૂપને વિષે ઉપાસના ભેદ ન કરવા, અને જે કરશે તે વચનદ્રોહી, ગુરુદ્રોહી છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાનનાં આચરણ જે, ગોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાધું તથા રાસરમણ કર્યું; ઇત્યાદિક અનેક પ્રકારના છે, તે આચરણ પ્રમાણે તે શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તને આચરણ ન કરવું. અને એ શ્રીકૃષ્ણ ભગવાને એકાદશ સ્કંધમાં તથા ભગવદ્ગીતામાં તથા વાસુદેવ માહાત્મ્યમાં જેમ સાધુના લક્ષણ કહ્યા છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું, પણ એ શ્રીકૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. અને આપણા ઈષ્ટદેવ એવા જે એ શ્રીકૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું, તેમ જ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા એવો જે હું, તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું અને અમારા સંપ્રદાયને વિષે જેમ જેના ધર્મ કહ્યા છે, તે જે અમારા વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું, પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું. આ જે અમે વાર્તા કરી તેને સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી શીખી લેજ્યો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો.” એમ કહીને શ્રીજીમહારાજ ભોજન કરવા પધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ ને સત્સંગી તે એમ સમજતા હવા જે, ‘એ પરોક્ષ જે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે.’
68. અમદાવાદ ૩( para.3)
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યુ જે, “ઉપશમદશા પામ્યાનો તમે કહ્યો જે આત્મારૂપે થઈને ભગવાનના ધ્યાન કરવા રૂપ ઉપાય તે તો અતિ કઠણ છે. માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય, અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા-ચાકરી, દર્શન કરવું; તેમાં અતિશય વેગવાન્ શ્રદ્ધા વર્તતી હોય, એવો જે ભગવાનનો ભક્ત, તેને એ ઉપશમદશા આવે છે. પણ અમને એમ ભાસે છે જે, ‘જે સેવક માની હશે તે તો કોઈને નહિ ગમતો હોય.’ અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવવી, તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, તેમ માની સેવકને પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય. માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો.”
69. ગઢડા અંત્ય ૧( para.3)
“અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિષે જ્ઞાનનું અંગ હોય, ને કાં તો હેતનું અંગ હોય. તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજે. અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહિ. તે જ્ઞાનના અંગવાળા તો ઝીણોભાઈ, દેવરામ ને પ્રભાશંકર છે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું માહાત્મ્ય જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિષે હેત હતું. તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું. અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે અને એમ જાણે જે, ‘ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ નહિ, ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય, તેને તેવું જાણીને તેવી રીતે કહે છે, પણ કોઈની શીખામણે કરીને ચાલતા નથી.’ અને જે એમ જાણે જે ‘ભગવાન તો કોઈકના શીખવ્યા થકા મારામાં વાંક નથી તો પણ મને કહે છે,’ તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંઘાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહિ. શા માટે જે, એને પોતાના સ્વાર્થનું હેત છે, તો જેણે ભગવાન સાથે જન્મમરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય, તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહિ અને જે એમ જાણે જે, ‘ભગવાન તો કોઈકના ફેરવ્યા ફરી જાય છે,’ એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે, તેને તો જ્ઞાનનું અંગ પણ નથી અને હેતનું અંગ પણ નથી.” એવી રીતે કહીને શ્રીજીમહારાજે મોટા મોટા પરમહંસને કહ્યું જે, “તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો.” પછી સર્વે પરમહંસે કહ્યું જે, “અમારે તો જ્ઞાનનું અંગ છે.”
70. ગઢડા અંત્ય ૩( para.3)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ, એનો તો ઉત્તર એમ છે જે, જ્ઞાન ને વૈરાગ્યે કરીને ત્રણ શરીર, ત્રણ અવસ્થા ને ત્રણ ગુણ એ સર્વ માયિક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે અને કેવળ સત્તામાત્ર રહે છે, પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી. ત્યારે જેમ દીપકનો અગ્નિ તે કોડિયું, તેલ ને વાટ્ય એ ત્રણને યોગે કરીને દૃષ્ટિમાં આવે તથા ગ્રહણ કર્યામાં આવે, પણ જ્યારે એ ત્રણ પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે એ અગ્નિ કોઈની દૃષ્ટિમાં પણ ન આવે અને ગ્રહણ પણ ન થાય; ને ઉપાધિએ યુક્ત હોય ત્યારે જ દૃષ્ટિએ આવે ને ગ્રહણ કર્યામાં આવે, તેમ જ્ઞાન વૈરાગ્યે કરીને સર્વ માયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે ત્યારે એ જીવાત્મા છે તે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે ને તે મન-વાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય યથાર્થપણે સમજાયું હોય, તેને તો સર્વ માયિક ઉપાધિનો સંગ ટળી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જે દયા ને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્યાં દૃષ્ટાંત છે:- જેમ દીપકની જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે એ અગ્નિ કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ ન થાય, એવો આકાશને વિષે રહે છે તો પણ એ અગ્નિને વિષે સુગંધી તથા દુર્ગંધીનો જે પાશ લાગ્યો હોય તે ટળતો નથી. જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે તો પણ તેને સુગંધી તથા દુર્ગંધીનો પાશ લાગે છે. તેમ જ જીવાત્માને જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિનો સંગ ટળી જાય છે તો પણ સત્સંગનો પાશ લાગ્યો છે તે ટળતો નથી. અને તે બ્રહ્મરૂપ થાય છે તો પણ નારદ, સનકાદિક ને શુકજીની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે અતિશય દયા ને પ્રીતિએ યુક્ત વર્તે છે, ત્યાં શ્લોક છે જે : “परिनिष्ठितोऽपि नैर्गुण्य उत्तमश्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान्” તથા “हरेर्गुणाक्षिप्तमतिर्भगवान् बादरायणिः । अध्यगान्महदाख्यानं नित्यं विष्णुजनप्रियः” તથા ‘आत्मारामाश्च मुनयो’ તથા ‘प्रायेण मुनयो राजन्’ તથા ગીતામાં કહ્યું છે જે, “ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति । समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्” ઈત્યાદિક ઘણાક શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન, વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા અને પ્રીતિ તેણે યુક્ત હોય છે.’ અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય, તેને તો સાધનદશાને વિષે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે; માટે ભગવાન અને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ થતા નથી. જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમ જ તેને તે કુસંગનો પાશ લાગ્યો છે, તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ એને કુસંગનો પાશ લાગ્યો હતો; માટે શ્રીકૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિષે દયા ને સ્નેહ થયા નહિ. તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાશ જતો નથી ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત, તેને વિષે અતિશય દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે. પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ ‘જય સચ્ચિદાનંદ’ કહીને પોતાને ઉતારે પધાર્યા.
71. ગઢડા અંત્ય ૫( para.7)
એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે પોતાનું માહાત્મ્ય કહ્યું છે જે, “मद्भयाद्वाति वातोऽयं सूर्यस्तपति मद्भयात् । वर्षतीन्द्रो दहत्यग्निर्मृत्युश्चरति मद्भयात्।।” એવી રીતે માહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહિ અને માહાત્મ્ય જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે.
72. ગઢડા અંત્ય ૫( para.8)
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ માહાત્મ્ય યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શુક, સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહવર્તમાન એવી જે ભક્તિ, તે જીવના હૃદયમાં ઉદય થાય છે.”
73. ગઢડા અંત્ય ૧૧( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ જે, ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે ? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું જેને ભાસ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનની માહાત્મ્યે સહિત જે નવધા ભક્તિ, તેણે કરીને મન જીતાય છે.”
74. ગઢડા અંત્ય ૧૪( para.2)
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તનભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ,” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ન છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, મારે તો બ્રહ્મચર્યવ્રત છે તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે; તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે, એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બૂઢિયો વાનરો ઈત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે. અને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી; એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન-પૂજન નહિ કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ; એ તો સહેજે જ તે સ્ત્રીઆદિકનાં સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે તો પણ એ જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી. ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે, તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી; એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, ‘હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા. શા માટે જે, મનુષ્ય દેહમાં તો તાંબું ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી ! મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજ્યો, જે લાજમર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ !’ એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી.”
75. ગઢડા અંત્ય ૧૪( para.13)
પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જે ભક્તજનના મનને વિષે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્મ્ય હોય તે બીજાને કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના મનને વિષે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્મ્ય હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટ- ભાવે પ્રીતિએ કરીને સેવા કરે ને દેહે કરીને સર્વ સંતને પગે લાગે; અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે ને ખાધા-પીધાની ખબર રાખે; અને પોતાની પાસે પોતાને મનગમતી વહાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. એવી રીતે મન-કર્મ-વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું માહાત્મ્ય અખંડ છે એમ જાણવું.”
76. ગઢડા અંત્ય ૧૯( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે, તે આ સત્સંગને વિષે શોભવા દેતા નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ. અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ. શા માટે, જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ જે, ‘હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી.’ અને દેહના સંબંધી છે તે તો ચોરાશી લાખ જાતની હારે ગણ્યા જોઈએ, અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું માહાત્મ્ય સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય ને વળી તેનું હરિભક્તપણાનું માહાત્મ્ય સમજે, પછી ભગવાન અને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાય જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે, તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે. અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા-ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તો પણ તેને વિષે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય, તો તે પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવાચાકરીરૂપ સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય, તો પણ તેમાં તે પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે જે, પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમ જ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે. એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યા-માયારૂપ થયું. એવી રીતે જે જે ભગવાનના ભજનમાં અંતરાયરૂપ થતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશય ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંતમંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જે, જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી. અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે, તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે, તો તેણે પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશય દ્રઢ કરીને રાખજ્યો.”
77. ગઢડા અંત્ય ૨૪( para.2)
પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિષે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિનાં જે સાધન તે શા છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, માહાત્મ્યજ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિષે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિષે મિત્રભાવ રાખવો, પોતાથી ઊતરતા જે ભગવાનના ભક્ત તેમને વિષે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું; એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિષે ભગવાનની સેવાને રૂડી રીતે પામે છે.”
78. ગઢડા અંત્ય ૨૪( para.5)
અને વળી જે હરિભક્તને વિષે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ જે, “દાદાખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ. અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી, તથા અમારો વિશ્વાસ એ અંગ. અને સોમલા ખાચરને સદા એકરે’ણીપણું એ અંગ અને ચૈતન્યાનંદસ્વામીને એમ જે, ‘કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક,’ એ અંગ. અને સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે, ‘ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહિ !’ એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહિ એવું અંગ.” એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા.”
79. ગઢડા અંત્ય ૨૪( para.9)
પછી શ્રીજીમહારાજે પરમહંસ આગળ એમ વાત કરી જે, “બાઈયો હરિભક્ત છે તેનું માહાત્મ્ય તો ઝાઝું સમજવું નહિ; કેમ જે, માહાત્મ્યને મિષે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે. માટે માહાત્મ્ય લેવું તો સૌનું સમપણે લેવું જે, ‘એ સર્વે ભગવાનનાં ભક્ત છે,’ પણ અધિક ન્યૂનપણે માહાત્મ્ય લેવું નહિ. અને જો અધિક-ન્યૂનપણે માહાત્મ્ય સમજે, તો તેમાં મોટું વિઘ્ન છે. તેમ જ બાઈઓને ભાઈઓનું માહાત્મ્ય પણ સમપણે સમજવું અને જો એમ ન સમજે તો એ બાઈઓને પણ મોટું વિઘ્ન છે.”
80. ગઢડા અંત્ય ૨૬( para.3)
પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ; પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન ન કરી શકે, તે પુરુષ કેવો હોય ? તેના લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, “આ લોકમાં જે સારુ-નરસું કર્મ કરે છે, તેનું જે સારુ-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે,’ એવી દૃઢ મતિ જેને હોય તથા લાજ હોય જે, ‘ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું ?” એવો જે હોય, તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહિ. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી-ધનાદિક પદાર્થનો યોગ થાય, તો પણ એ ડગે નહિ. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે, ‘હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું,’ એવું અંગ હોય; તથા બીજું એમ હોય જે, ‘ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે.’ એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારુ જે, ‘આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે અને એમ સમજે જે, ‘હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે.’ એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહિ. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહિ. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય, તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે.”
81. ગઢડા અંત્ય ૨૭( para.4)
“અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી, તેની એમ વિગતિ છે જે, એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય ને એક એવી આંટી પાડી હોય જે, ‘આ ઠેકાણે હું આસન કરું તો નિદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે.’ એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય, એ બેયને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે ને તેને વિષે બહુ માલ છે, એવી રીતે માહાત્મ્યે સહિત તેની આંટી પાડવી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિષે તો તુચ્છપણું જાણવું ને તેને સંત મુકાવે તો મૂકી દેવી ને પ્રથમની આંટી મૂકવી નહિ. અને એ બેયને બરોબર સમજે તો એને વિષે મૂઢપણું જાણવું. જેમ બાળક હોય તેણે મૂઠીમાં બદામ ઝાલી હોય, તેને કોઈક મુકાવે તો મૂકે નહિ, ને રૂપિયાની મૂઠી વાળી હોય ને સોનામહોરની મૂઠી વાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહિ. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો ને સોનામહોર તેને વિષે બરોબર માલ જાણ્યો, માટે એ બાળકને વિષે મૂઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે જે, ‘તું મૂકી દે, નહિ તો તરવારે માથું કાપી નાંખીશ.’ ત્યારે ડાહ્યો હોય તો તેને આપી દે ને મૂર્ખ હોય તો ન આપે. તેમ એ પ્રકારની આંટીમાં ન્યૂન-અધિકપણું જાણવું. અને એમ હોય નહિ, ને બેયમાં સામાન્યપણું જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો ને તેને માની જાણવો. અને આંટીએ કરીને તે વર્તમાન પાળતો હોય ને જો મરણ પર્યન્ત એમ ને એમ નભે તો તો ઠીક; પણ તેનો પૂરો વિશ્વાસ ન આવે. કેમ જે, જો એને કોઈક જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહિ. અને જે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય ને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેયમાં ફળનો ભેદ પણ છે.”
82. ગઢડા અંત્ય ૨૭( para.5)
અને વળી એમ વાત કરી જે, “માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે, કામી ઉપર તો સંત દયા કરે, પણ માની ઉપર ન કરે. ને માનમાંથી ઈર્ષ્યા ને ક્રોધ ઊપજે છે, માટે માન મોટો દોષ છે. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કરીને નથી પડતો. કેમ જે, આપણા સત્સંગમાં ગૃહસ્થ હરિભક્ત ઘણા છે, તે સત્સંગમાં પડ્યા છે. માટે એ માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અને અમારા જે જે વચન લખેલાં હશે તેમાં પણ એમ જ હશે, તે વિચારીને જુઓ તો જણાઈ આવશે; માટે ભગવાનનું માહાત્મ્ય સમજીને માનને ટાળવું.”
83. ગઢડા અંત્ય ૨૮( para.2)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે; એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે, ‘ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન-પાન આદિક જે પંચવિષયના સુખ તેને પામીએ.’ પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, ‘એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે; માટે એ સુખ પણ ખરું છે.’ પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારુ જ્ઞાન-વૈરાગ્યે સહિત ભગવાનની ભક્તિ કરવી. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે, ‘સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત્ લેશ છે.’ એમ ભગવાનને માહાત્મ્યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ. અને ‘એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે.’ એમ મોક્ષધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બેય પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે.”
84. ગઢડા અંત્ય ૨૮( para.4)
પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં ક્યો અવગુણ છે?” ત્યારે એ ત્રણેએ કહ્યું જે, “હે મહારાજ ! માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મુંઝવણ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પૂછીએ છીએ જે, “द्युपतय एव ते न ययुरन्तमनन्ततया ।” એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય ? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. કેમ જે, ગવર્નર સાહેબને જાણ્યો છે જે, એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય, તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે, તે રાજાએ એમ જાણ્યું છે જે, બળિયો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલિયો છે’ અને જેથી જે બળિયો, તેની આગળ માન રહે નહિ, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય-સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે?” પછી બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! તમે ઠીક કહો છો. જો એમ માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જુઓને, ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા ! પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિષે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારુ વનવેલીનો અવતાર માગ્યો ! તે કહ્યું છે જે- “आसामहो चरणरेणुजुषामहं स्यां वृन्दावने किमपि गुल्मलतौषधीनाम्। या दुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा भेजुर्मुकुन्दपदवीं श्रुतिभिर्विमृग्याम् ।।” તથા બ્રહ્માએ પણ કહ્યું જે, “अहो ! भाग्यमहो ! भाग्यं नन्दगोपव्रजौकसाम् । यन्मित्रं परमानंदं पूर्णं ब्रह्म सनातनम् ।।” એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા, તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહિ ને તેની આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહિ. અને એમ મનમાં થાય નહિ જે, ‘હવે તો ક્યાં સુધી ખમીએ ? આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું.’ તે માટે એમ માહાત્મ્ય સમજે તો માન ટળે.” એવી રીતે વાર્તા કરી.
85. ગઢડા અંત્ય ૨૯( para.3)
ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, “હે મહારાજ ! એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના માહાત્મ્યની વાત સાંભળે ને પછી તો તે મનમાં વિચાર કરે, તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગે કરીને હશે; અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે, આને વૈરાગ્ય ન હતો ને પછી થયો; ત્યારે એનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો તો એમ ઉત્તર છે જે, પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહિ. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ, તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુવે, સાંભળે, બોલે ઈત્યાદિક જે જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહિ. અને તે સંતની મરજીથી બાહેર વર્ત્યામાં તેના મનને વિષે નિરંતર ભય વર્તે જે, ‘જો હું એમની મરજી પ્રમાણે નહિ વર્તું તો એ મારી સાથે હેત નહિ રાખે.’ તે સારુ નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય, તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓને આપણા સત્સંગમાં બાઈ-ભાઈ-પરમહંસ એ સર્વેને અમારી ઉપર હેત છે તો મોટેરી બે ત્રણ બાઈયો છે તે બરોબર બીજી સર્વે બાઈયો વર્તમાન પાળે છે. કેમ જે, એે મનમાં એમ જાણે છે જે, ‘જો અમે ખબડદાર થઈને વર્તમાન નહિ પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહિ રહે ને કુરાજી થશે.’ તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા, એ સર્વેમાં પણ એમ છે. તથા દેશદેશના હરિભક્ત બાઈ ભાઈ છેટે રહ્યાં છે તે પણ વર્તમાનમાં ખબડદાર વર્તે છે અને એમ જાણે છે જે, ‘જો આપણ સારી પેઠે નહિ વર્તીએ તો મહારાજ કુરાજી થશે.’ માટે અમારે વિષે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે, પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને ઝાઝો હશે, તેનો કાંઈ મેળ છે નહિ. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે તથા તેની સાથે જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય, તે ધર્મમાં રહે તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે, તો ધર્મમાં રહે અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહિ. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કહ્યો એ જ ઉત્તર છે.”
86. ગઢડા અંત્ય ૩૨( para.3)
અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો જે સાચો ભક્ત હોય તેને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીત છે ? તો ‘જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેને વિષે સદા સાકારમૂર્તિ થકા વિરાજમાન છે, ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, ને અલૌકિક દિવ્ય સુખમયમૂર્તિ છે ને માયાના ગુણથકી રહિત છે.’ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે, ‘એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઈત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે.’ એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મમર્યાદા તેને વિષે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મમર્યાદાનો ક્યારેય લોપ ન કરે. અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે ? તો ‘એવા મોટા જે ભગવાન તે તો પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે. તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે’. એવી રીતે માહાત્મ્યનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે. ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો.”
87. ગઢડા અંત્ય ૩૩( para.2)
પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસ આગળ એમ વાર્તા કરી જે, “ધન, દોલત, સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહિ અને એને અર્થે કોઈને વિષે આસ્થા આવે નહિ, એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય, પણ ઝાઝા હોય નહિ.” એમ કહીને વળી બોલ્યા જે, “એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહિ. અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે ? તો જે એમ સમજતો હોય જે, ‘આ દેહથી નોખો જે આત્મા તે હું છું ને તે હું પ્રકાશમાન-સત્તારૂપ છું ને તે મારા સ્વરૂપને વિષે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકારમાત્ર તે અસત્ય છે ને અનંત દોષે યુક્ત છે. એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહિ, પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમ જે, એ એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોનામહોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય, તો એ ત્યાગી છે તોય પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહિ. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઊતરતો હશે, તે જેવા પણ રહે કે ન રહે, એમાં પણ સંશય છે. કેમ જે, એ પદાર્થનો તો યોગ જ એવો છે. જેમ આ આપણ સર્વ બેઠા છીએ, તે કેવા ડાહ્યા છીએ ! પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ ઠા રહે નહિ; તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહિ. માટે એ પદાર્થનો યોગ જો ન થવા દે તો એ એથી બચે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે જે, ‘રખે મને એનો યોગ થાય ! અને એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે, ‘એનો સંગ તો એક ભગવાનને ન લાગે.’ તે કહ્યું છે જે, ‘ऋषिं नारायणमृते’ તથા ‘येऽन्ये स्वतः परिहृतादपि बिभ्यति स्म । “
88. ગઢડા અંત્ય ૩૩( para.3)
પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ? તો જેને વિષે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ, એટલાં વાનાં હોય તેને એકાંતિક ભક્ત કહીએ. અને એની ગતિ એમ કહી છે જે, ‘એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય.’ તે પ્રવેશ તે શું ? તો તેજના મંડળને વિષે દિવ્યમૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એ ભક્તને સ્નેહ હોય, તે સ્નેહે કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિષે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિષે પણ બહાર થકી રહે. ‘જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિષે ચિહ્નરૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યાં છે ને બહાર થકી સ્ત્રીરૂપે કરીને સેવામાં પણ રહ્યાં છે,’ તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ જાણવો. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામસ્મરણ ઈત્યાદિક જે દસ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું માહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય, તે એવું હોય જે, ‘તે વિના કોઈ રીતે ચાલે જ નહિ.’ જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહિ ને તે અફીણ તો કડવું ઝેર છે, તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહિ. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહિ. તે એને ઘણાક રૂપિયા આપે તો પણ તે બંધાણથી તે વહાલા ન થાય ને ન લે. કેમ જે, એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે. તેમ જેને ભગવદ્ભક્તિ આદિક ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહિ. ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહિ. ને ભગવદ્ભક્તિ આદિક ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઈશક હોય, એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ છે એમ જાણવું. અને તે ભગવદ્ભક્ત કેવો હોય ? તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા ? એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો ને એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય, અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે ચાળે ચઢી જાય, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ, પણ એ ભક્ત ખરો નહિ ને એનો વિશ્વાસ નહિ.”
89. ગઢડા અંત્ય ૩૪( para.3)
પછી વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે ? તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઊપજે છે; ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો, ત્યારે તે કામ હતો તે ક્રોધરૂપે પરિણામને પામે છે. માટે એનો તો એવો સ્વભાવ જ થયો જે, એમાં ક્રોધ ઊપજે. અને એમ થાય તો પણ ક્રોધ ન ઊપજે એમ છે કે નહિ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્રદૃષ્ટિએ કરીને માહાત્મ્ય જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મમર્યાદામાં રખાવવા અને ભગવાનને માર્ગે ચઢાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છ્યો હોય, ને તેમાં પ્રવર્ત્યા હોય; અને કોઈક જીવ ધર્મમર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે, ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઊપજી આવે. કેમ જે, પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો. માટે ધર્મ-મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે, તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારુ ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કાંઈ બાધ નહિ. કેમ જે, એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યાં હોય, તેને કાંઈક રીસ કરીને કહ્યા વિનાનું કેમ ચાલે ? અને ક્રોધ તો ત્યારે ન થાય જે, ‘જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય, પણ એમ તો એમનાથી કેમ કરાય ? કેમ જે, એમણે તો અનેક જીવને વાર્તા કરીને ભગવત્સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય, તેનું જે મહાફળ તે શાસ્ત્ર દૃષ્ટિએ કરીને સમજ્યું છે તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું માહાત્મ્ય જાણ્યું છે. માટે ક્રોધ થાય તો પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહિ. અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાથે હેત થયું હોય ને તેને વિષે પોતાના કલ્યાણ થવા રૂપ સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય જે, ‘આ સાધુથી જ મારું સારુ થશે.’ એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ન થાય ને એ ક્રોધને મૂકી જ દે, એમ પણ ક્રોધ જાય છે. અને પદાર્થના લેણદેણ સારુ તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે, તેને તો સાધુનું માહાત્મ્ય તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી ને સમજાયો હોય તો તુચ્છ પદાર્થ સારુ ક્રોધ કરે નહિ. અને બુદ્ધિવાન હોય, સમજુ હોય ને તુચ્છ પદાર્થ સારુ સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદારના જેવી વ્યાવહારિક જાણવી, પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી, એમ સમજવું.”
90. ગઢડા અંત્ય ૩૯( para.3)
અને ભગવાનનો જે ભક્ત હોય, તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના માહાત્મ્યનું બળ, એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું? તો પોતાના આત્માને દેહથી પૃથક્ જાણવો. અને સાધુ ભેળા રહેતા હોઈએ, તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહંમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય, ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે; તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાના દેહથી પૃથક્ આત્મા જાણવો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે. અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યનાં કિરણ તે તો જડ છે. કેમ જે, તેને આંગળી અડાડીએ તો ખસે નહિ અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે. અને એને સૂર્ય, અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે. અને એમ કહેવાય છે જે, ‘જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે.’ અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી, જેવો છે તેવો ને તેવો જ છે. અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહરૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે આપણને એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે ? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું.
91. ગઢડા અંત્ય ૩૯( para.4)
અને ભગવાનનું માહાત્મ્ય કેમ જાણવું ? તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી, તે કહ્યું છે જે, “द्युपतय एव ते न ययुरन्तमनन्ततया त्वमपि यदन्तराण्डनिचया ननु सावरणाः ।।” અને તે એક-એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ હોય તથા સાત દ્વીપ, સાત સમુદ્ર, મેરુ, લોકાલોક આદિક પર્વત, તેણે યુક્ત પૃથ્વીની રચના હોય તથા ચૌદ લોકની રચના હોય તથા અષ્ટ આવરણની રચના હોય ઈત્યાદિક સામગ્રીએ સહિત જે અનેક બ્રહ્માંડ, તેના રાજા ભગવાન છે. અને જેમ આ પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાના જે ગામડાં તે તો ગણાય એવા હોય, તો પણ તેની કેટલી મોટ્યપ જાણ્યામાં આવે છે ! અને ભગવાનને તો એવા બ્રહ્માંડની પણ ગણતી નથી, માટે ભગવાનની તો બહુ જ મોટ્યપ છે. અને તે બ્રહ્માંડને વિષે આ જીવ છે તે ભગવાનની આગળ શા લેખામાં છે ? કાંઈ નથી, અતિ તુચ્છ છે. અને તે ભગવાને, એ બ્રહ્માંડને વિષે પંચવિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે તે સુખ કેવું છે ? તો એ સુખને સારુ કેટલાક પોતાનાં માથા કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે. ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે. અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થને આશરીને રહ્યું છે તથા પૃથક્ પૃથક્ છે, અને જે ભગવાન છે તે તો સર્વે સુખમાત્રના રાશિ છે. ને એ ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે ને મહા અલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારના ભોજન જમતો હોય ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય. તેમ ભગવાને બ્રહ્માંડને વિષે અનેક જીવોને પંચવિષય સંબંધી સુખ આપ્યું છે, તે તો કૂતરાને નાંખ્યો જે બટકું રોટલો, તેની પેઠે અતિ તુચ્છ છે ને પોતાને વિષે જે સુખ છે તે તો મહામોટું છે. અને વળી સુષુપ્તિ અવસ્થાને વિષે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે, તે ગમે તેવી વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખિયો થઈ જાય છે.”
92. ગઢડા અંત્ય ૩૯( para.5)
“અને વળી એ ભગવાનના ચરણકમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક, સનકાદિક, નવ યોગેશ્વર એવા એવા મોટા છે, તે પણ પોતાના મસ્તક ઉપર ચઢાવે છે ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ? ને તેમાં કેવું ડહાપણ કર્યું છે ? જે જુઓને, ‘માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે. અને માણસનાં અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાહ્યો હોય તો પણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય.’ ઈત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે. એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમયમૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે.
93. ગઢડા અંત્ય ૩૯( para.6)
અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયા હોય ને તે જો ગમે તેવા પંચવિષય સંબંધી સુખમાં કદાચિત્ બંધાઈ ગયો હોય, તો પણ તેમાં બંધાઈ રહે નહિ, તેને તોડીને નીકળે જ રહે છે. અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું ? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાંખ્યો હોય, તો તેની તેને બહુ દાઝ્ય થાય ને તે દાઝય થતી હોય ને વળી તેનો દીકરો મારી નાંખે ને વળી ભાઈને મારી નાંખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને વળી ગામગરાસ ઝૂંટી લે; એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાઝ્ય થાય ને જાગ્રત, સ્વપ્નમાં સર્વકાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપત્કાળ પડે તો તેને વિષે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રને પીવાડી, ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યા હતા તે સર્વે એની મેળે દેહથી બાહેર નીકળી ગયા. તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય, તેને ઇન્દ્રિયોને વિષયભોગની ઈચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય. કહેતાં વિષયભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે. અને સત્સંગી પણ એને જ કહીએ; કેમ જે, સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો, તેને સત્સંગી કહીએ. અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગરગમાં પ્રવર્તી જાય અને જે આસુરી જીવ હોય ને તે સાંભળે, ત્યારે તેને તો કાનથી બાહેર જ નીકળી જાય, પણ હૃદયમાં ઊતરે નહિ. જેમ શ્વાન હોય ને તે ખીર ખાય, તે તેના પેટમાં રહે જ નહિ વમન થઈ જાય. ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય, તો પણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહિ, ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય. તેમ શ્વાન જેવો જે આસુરી જીવ, તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહિ ને માણસ જેવો જે દૈવી જીવ, તેના હૃદયમાં ઊતરે ને રગરગમાં વ્યાપી જાય.
94. ગઢડા અંત્ય ૩૯( para.7)
અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. અને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી. ને જો એ ભગવાન જેવા જ થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે, એક ભગવાન કહેશે, હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે, હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે, હું વરસાદ કરીશ ને બીજો કહેશે, હું નહિ કરું; ને એક કહેશે, હું માણસના ધર્મ પશુમાં કરીશ ને બીજો કહેશે, હું પશુના ધર્મ માણસમાં કરીશ; એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓને, જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વ ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી ! માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વના સ્વામી એક જ ભગવાન છે. તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી. માટે ભગવાન તે એક જ છે પણ બીજો એ જેવો થતો નથી. અને આ સર્વે વાત કરી તે થોડીક છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે, તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહિ. અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી, તેને સાંભળીને ને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય, તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા થતી જાય. અને આ વાત અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા તથા સિદ્ધાઈ જણાવવા સારુ નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. કેમ જે, અમારે સ્ત્રી-ધનાદિક પદાર્થનો ભારે યોગ છે તથા પંચવિષયનો ભારે યોગ છે. તથા સુરત, અમદાવાદ, વડોદરે, વરતાલે જઈએ છીએ ત્યારે હજારો માણસ ભેગા થાય છે ને તે માને છે તથા વાજતે-ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે તથા ભારે વસ્ત્ર, વાહનાદિકનો યોગ થાય છે. એ સર્વે છે તથાપિ પોતાના આત્મા સામી દૃષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના માહાત્મ્ય સામી દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે તે સર્વનું અતિ તુચ્છપણું થઈ જાય છે, ને એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી ને પૂર્વ દેહની જેમ વિસ્મૃતિ છે, તેમ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે તે સારુ એમ અમારે વર્તાય છે. અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે, તો તેને કદાચિત્ એવો કોઈક યોગ થઈ જાય, તો પણ એને એમ વર્તાય. માટે આ વાત અવશ્ય સમજવાની છે.” એવી રીતે શ્રીજીમહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારુ પોતાનું વર્તન લઈને વાર્તા કરી અને પોતે તો સાક્ષાત્ શ્રીપુરુષોત્તમનારાયણ છે.
(કુલ: 184)