યોગભ્રષ્ટયોગભ્રષ્ટ
(વચનામૃત ૧ થી ૨૬૨ માં "યોગભ્રષ્ટ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)Contact: vadtaldhamvikas@gmail.com
1. સારંગપુર ૧૪ ( para.2)
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે; અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે ? એક તો બતાવો.” પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે, “એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારુ પાડ્યા જે, ‘સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે;’ અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠધામમાં પહોંચ્યા; માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું, અને પડ્યો તો તે કહેવાય જે; જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારુ ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે, ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ. અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે, તે તો
યોગભ્રષ્ટ કહેવાય; પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી.”
2. ગઢડા મધ્ય ૨૫ ( para.2)
પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને કહ્યું જે, “સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ જે, એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહે કરીને તો સર્વ વર્તમાન દૃઢ રાખે છે. ને અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહે કરીને તો ભ્રષ્ટ થતો નથી, એવો તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે ને તેને તો દેહે કરીને ધન-સ્ત્રીનો પ્રસંગ છે ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ બેય જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બેય શી ગતિને પામશે ? એ બેય તે સરખી ગતિને પામશે? કે અધિક-ન્યૂન થશે ? એ બેયનો વિક્તિએ કરીને જુદો જુદો ઉત્તર આપો.” પછી ગોપાળાનંદસ્વામી બોલ્યા જે, “એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિષે અથવા દેવલોકને વિષે મોટો ગૃહસ્થ કરશે અને અતિશય વિષયભોગ પ્રાપ્ત થશે. તે જેવા ભગવદ્ગીતામાં
યોગભ્રષ્ટને ભોગ કહ્યા છે, તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને એ ગૃહસ્થ હરિભક્ત છે, તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે. માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનનાં ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કહ્યો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઠીક કહ્યું; એનો ઉત્તર એ જ છે.”